રેડલાઇટ બંગલો ૩૪

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૪

અર્પિતાએ જાણ્યું કે માને એઇડસ થયો છે ત્યારે તેને મોટો આંચકો લાગ્યો ન હતો. વર્ષાબેન પરપુરુષોનું પડખું ગરમ કરી રહ્યાની અર્પિતાને શંકા હતી એ આ રીપોર્ટથી સાચી સાબિત થઇ હતી. પોતાની હાજરી હોવા છતાં મા કોઇ પુરુષનો સાથ માણવા જતી રહી એ પરથી જ તેને ખ્યાલ આવી ગયો કે પતિ વિદેશથી પાછો ના ફર્યો ત્યારથી શારિરીક સુખ માટે મા આમતેમ ભટકી રહી છે. જ્યારે પોતે મજબૂર બનીને પુરુષોની હવસ સંતોષી રહી હતી. કોલેજના ટ્રસ્ટી રાજીબહેને તેનો બાથરૂમમાં નહાતી વખતનો નગ્ન હાલતનો વિડીયો બનાવી તેને વેશ્યાનો ધંધો કરવા મજબૂર કરી હતી. જ્યારે મા પોતાની શારીરિક જરૂરિયાત સંતોષવા આમ કરી રહી છે. અર્પિતાને થયું કે તેમની વચ્ચે ફરક કેટલો રહ્યો? રાજીબહેનને બરબાદ કરવાનું અભિયાન કરીને તેને છેલ્લો ફટકો મારવાની યોજનાને હવે અંજામ આપવાની છે ત્યારે માને એઇડસની બીમારી થતાં અર્પિતા ચિંતામાં પડી ગઇ હતી. ત્યારે તેને રાજીબહેન જ યાદ આવી ગયા. શહેરમાં તેમની મદદથી માને સારી સારવાર આપી શકાય એમ છે. તે માને કોઇ કારણથી યાદ કરતા હતા. કદાચ માને પણ પોતાની જેમ વેશ્યાના ધંધામાં લાવવાની તેમની ગણતરી હતી. પણ હવે એઇડસ છે એટલે એ શક્ય બનવાનું ન હતું. તેઓ બંને ભાઇ-બહેનની ભણવાની અને કોઇ હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા પણ કરી આપશે. હવે ખરો પ્રશ્ન માને તેમની બીમારી વિશે કહેવાનો હતો. તેમના શું પ્રત્યાઘાત હશે એની કલ્પના કરવાનું અર્પિતાને મુશ્કેલ લાગ્યું. તેમને કેવી રીતે વાત કરવી એ જ સમજાતું ન હતું. રાજીબહેનની મદદ લેવાનો વિચાર કર્યા પછી તેણે બીજો પણ એક નિર્ણય લઇ લીધો. રાજીબહેન સાથે બધી વાત કર્યા પછી માને રોગની જાણ કરવાની અને શહેરમાં બોલાવી લેવાના.

અર્પિતા ઘરે પહોંચી ત્યારે મા જાણે તેની રાહ જોતી બેઠી હતી. વર્ષાબેન ઉત્સાહમાં બોલ્યા:"અર્પિતા, આવી ગઇ? ડોક્ટરે કીધું ને કે કોઇ તકલીફ નથી. હું કહેતી હતી પણ તું માનતી ન હતી...."

અર્પિતાએ જાત પર સંયમ રાખવાનો પ્રયત્ન કર્યો. તે સફળ ના થઇ. તેણે નારાજ સ્વરે કહ્યું:"મા, તું જાણ્યા વગર જ કેમ બોલે જાય છે. રીપોર્ટ આવી ગયો પણ આજે ડોક્ટર હાજર ન હતા. હવે શહેરના નિષ્ણાત ડોકટરને બતાવવો પડશે. હું આજે શહેર જઇ રહી છું. ત્યાં કોઇ સારા ડોક્ટરને બતાવીશ પછી ખબર પડશે..."

અર્પિતાએ જૂઠું કહ્યું. પણ વર્ષાબેન હજુ પોતાની તંદુરસ્તી પર મુસ્તાક હતા. "હવે નાખ એને કચરાટોપલીમાં... ચાલ જમી લઇએ. પછી તું આરામ કર. બંને બાળકો સાંજે સ્કૂલેથી આવે પછી તું નીકળવાની છે ને?"

"ના મા, એમને મેં સવારે જ કહી દીધું હતું કે હું સાંજ થતાં પહેલાં નીકળી જવાની છું. જમીને થોડો આરામ કરી ચાર વાગ્યાની બસમાં જતી રહીશ. અને મા તું શહેરમાં આવી જાય તો કેવું સારું. મને તમારા વગર ગમતું નથી..."

"અહીં મારે ઘર-ખેતર અને બાળકોને સાચવવાના છે. હું કેવી રીતે આવી શકું?"

"અરે ત્યાં બધી વ્યવસ્થા થઇ જશે. રાજીબહેન છે ને મદદ કરનારા!"

"ના છોડી. કોઇનું એટલું બધું અહેસાન પણ સારું નહીં."

"હું ત્યાં જઇને રાજીબહેનને વાત કરીશ. પછી આપણે નક્કી કરીશું."

"મારું માન. એમને કોઇ વાત ના કરતી."

અર્પિતાને થયું કે જ્યારે બીમારી વિશે ખબર પડશે ત્યારે માએ માનવું જ પડશે. અત્યારે લાંબી વાત કરવાનો અર્થ નથી.

અર્પિતાએ જમીને પોતાની બેગ તૈયાર કરવા લાગી. તેને થયું કે એ બે દિવસ ફરવા અને આનંદ કરવા આવી હતી. ત્યારે માના જીવનના દિવસો પૂરા થવાનો ભય ઊભો થશે એવું કલ્પનામાં પણ વિચારી ના શકાય. તેણે માના ચહેરા તરફ જોયું. વર્ષાબેન આંખો બંધ કરી પડ્યા હતા. કદાચ ઊંઘ આવી ગઇ છે. તેને મા પર દયા આવી. પિતા એનું ઘર અને પરિવારને ભૂલી ગયો પણ તેણે તેમના ઉછેરમાં ક્યાંય કમી રહેવા ના દીધી. અત્યારે તેને લાગ્યું કે માની ઉંમર વધવાને બદલે ઘટી રહી છે. તે વર્ષાબેનના શરીરનું અવલોકન કરી રહી. ચહેરા પર ઉત્સાહ અને આનંદના ભાવ છે. શરીરની કમનીયતા જાણે વધી છે. એટલે જ પુરુષો તેનાથી આકર્ષાતા હશે.

થોડીવાર પછી અર્પિતાએ માને ઊઠાડી. "મા, ઉઠ હવે! મારો જવાનો સમય થયો છે.."

"હા...ચાલ હું ચા બનાવી દઉં." કહી વર્ષાબેને ચા બનાવી.

ચા પીને વર્ષાબેનને પગે લાગી પછી ભેટીને તે નીકળી ગઇ.

બસ સ્ટેન્ડ પર પહોંચી પછી અડધા કલાકે બસ આવી. બસમાં બેઠા પછી તેને રચનાની યાદ આવી. તેણે રચનાને ફોન લગાવ્યો. રચના પણ તેના ગામથી નીકળી ગઇ હતી. તેણે શહેરના ડેપોમાં રાહ જોવાનું કહ્યું.

અર્પિતાની એસ.ટી. બસ ડેપોમાં પહોંચી ત્યારે રચનાની બસ આવી ન હતી. તે મોં પર ઓઢણી બાંધીને બેઠી. ડેપોમાં સુંદર છોકરીઓ પાછળ લોકોને આંટા મારતા તેણે જોયા હતા. તેણે મોઢું બાંધ્યું હોવા છતાં યૌવન છલકાવતી કમનીય કાયાનો અણસાર મળી ગયો હોય એમ બે યુવાનો તેની આસપાસ આંટા મારવા લાગ્યા હતા. તેણે જગ્યા બદલી. ત્યાં રચનાની બસ આવી ગઇ. તેને જોઇને અર્પિતાએ બૂમ પાડી. રચના તેને ઓળખી ગઇ. અને તેને ભેટી પડી.

"હાય! કેમ છે!"

"મજામાં ! તું કહે કેવા રહ્યા દિવસો?"

રચનાએ જાવાબમાં કહ્યું:"ચાલ, પેલી બાજુ ગાર્ડનમાં બેસીને વાત કરીએ..."

"કેમ રેડલાઇટ બંગલા પર પહોંચવું નથી?"

"શું ઉતાવળ છે? થોડીવાર પછી ફોન કરીને રાજીબહેનની કાર બોલાવી લઇશું."

અર્પિતાએ નજીકની એક દુકાનમાંથી વેફરનું પેકેટ લીધું અને કોલ્ડ્રીંક્સની બે બોટલ લીધી.

ગાર્ડનમાં પહોંચીને અર્પિતાએ મોં પરની ઓઢણી કાઢી. તેણે જોયું તો રચના ગૂમસૂમ હતી. તેના ચહેરા પર થાક હતો કે કોઇ ચિંતામાં હતી? અર્પિતા વિચારતી હતી ત્યાં રચના બોલી:"અલી, કેવી રહી તારી ગામની મુલાકાત?"

અર્પિતાને થયું કે સારી રહી એમ કેવી રીતે કહી શકે? માની બીમારીએ તેનું મન બીમાર કરી દીધું છે એ હમણાં કહેવું ન હતું. તેણે સ્વસ્થ થતાં કહ્યું:"માને અને બહેનપણીઓને મળીને આવી. તું કહે....."

રચનાને શું બોલવું એ સમજાયું નહીં. તે મનમાં શબ્દો ગોઠવી રહી હોય એવું લાગ્યું.

"અર્પિતા, મારે તને એક વાત કરવી છે...ખાનગી છે. અને એ આપણાં બે વચ્ચે જ રહેવી જોઇએ." કહી ધીમેથી તેનો હાથ પોતાના હાથમાં લઇ બોલી:"મને વચન આપ."

અર્પિતાના કાન સરવા થઇ ગયા. રચના શું કહેવા માગતી હશે? તેના ઘરની કોઇ વાત હશે કે રાજીબહેન વિશે કંઇ કહેવા માગતી હશે? હંમેશા ખુશમિજાજ રહેતી અને ખાટીમીઠી વાત કરી મસ્તી કરતી રચના કોઇ કડવી વાત કહેવાની હતી? શું તેને એ વાતનો અંદાજ આવી ગયો હશે કે પોતે રાજીબહેન સાથે રમત રમી રહી છે? રાજીબહેનને નુકસાન થાય એવા દાવ રમી રહી છે? અર્પિતાને ખબર ન હતી કે રચના એવી વાત કરવાની છે જેની તેણે કલ્પના જ કરી ન હતી!

***

હેમંતભાઇને મળ્યા પછી વિનયના મનમાં તેમના વિશે વિચારો ચાલી રહ્યા હતા. તે હેમંતભાઇ વિશે વિચારતો હતો ત્યાં તેમના બંગલામાંથી નીકળેલા એક માણસ પર નજર પડતા તેને શંકા પડી હતી. તેનો ચહેરો દૂરથી સરખો દેખાતો ન હતો. પરંતુ વિનયને તે કોણ હશે એ અંદાજ આવી રહ્યો હતો. પોતાની શંકા સાચી છે એ જાણવા તેને ખબર ના પડે એમ વિનય તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. બંને વચ્ચે અંતર ઘણું હતું. પેલો ઝડપથી ચાલતો હતો. તેનો પીછો થઇ રહ્યો છે એવી શંકા પડી કે બીજું કોઇ કારણ હોય પણ તેણે અચાનક રસ્તો બદલી નાખ્યો. વિનય થોડે દૂર ઊભો રહી તેને જોઇ રહ્યો. એ માણસ થોડે દૂર જઇ લાલજીની દુકાનની ગલીમાં વળી ગયો. વિનય દોડતો એ ગલીના વળાંક પાસે ગયો પણ એ માણસ અદ્રશ્ય જેવો થઇ ગયો. વિનયને થયું કે એ લાલજીનો માણસ હોય શકે? તે તરત જ લાલજીની દુકાને ગયો અને થોડું ખાતર લીધું. આમતેમ નજર નાખી પણ એ દેખાયો નહીં. લાલજીએ કહ્યું પણ ખરું કે હમણાંની મંદી છે. દિવસે તો કોઇ આવતું નથી. સાંજે થોડી ઘરાકી રહે છે.

વિનય વિચાર કરતો ઘર તરફ આવી રહ્યો હતો ત્યાં લાભુભાઇએ તેને જોઇ લીધો.

"વિનય...ઓ વિનય..."

"હા બાપા"

"ઘરે જાય છે?"

"હા, કેમ?"

"સાંભળ..." કહી તે વિનયની નજીક આવ્યા અને કોઇ સાંભળતું નથી એ જોઇ ધીમેથી કહ્યું:"હું તને બોલાવવા ખેતર પર જતો હતો. સારું થયું તું આવી ગયો. જો તને જોવા એક છોકરીના બાપા આવે છે. તું તૈયાર થઇ જા. હું થોડો સામાન લઇને આવું છું..." અને લાભુભાઇ તેના જવાબની રાહ જોયા વગર આગળ વધી ગયા.

વિનયને નવાઇ લાગી. અચાનક તેના લગ્નની વાત કેવી રીતે આવી ગઇ. તે અર્પિતા સાથે લગ્ન કરવાની વાત બાપાને કરવા માગતો હતો. રસ્તા પર બાપાને કહી શકાય એમ ન હતું. હમણાં તો આવી રહેલા મહેમાનને સાચવી લેવા પડશે. પછી અર્પિતાની વાત કરવી પડશે.

વિનય ઘરે ગયો અને ઝટપટ તૈયાર થઇ ગયો. તેની મા ખુશ હતી કે હવે ઘરમાં વહુ આવવાની હતી. વિનય હમણાં આવનાર છોકરીના પિતાને ના પાડીને વધારે ચર્ચા છેડવા માગતો ન હતો.

લાભુભાઇએ આવીને નાસ્તાનું પેકેટ પત્નીને આપ્યું. અને વિનયને કહ્યું:"જો બેટા, આ બધું અચાનક ગોઠવાઇ ગયું. છ ગામ દૂરથી નટુભાઇ આવે છે તેમની છોકરીની વાત લઇને. ગામના ઘેલાભાઇને તેમણે સંદેશ આપ્યો હતો. તને જોઇ જશે પછી આપણે એમના ઘરે છોકરી જોવા જવાનું ગોઠવવાનું છે.

નટુભાઇ આવી ગયા. તેમને વિનય પસંદ પડી ગયો. કસાયેલું શરીર અને સ્વભાવથી પણ વિનમ્ર હતો એટલે કોઇપણ પિતા પોતાની દીકરીને પરણાવવા તૈયાર થઇ જાય એમ હતા. નટુભાઇ બહુ મોટા ખેડૂત હતા. લાભુભાઇ ભલે નાના ખેડૂત હતા પણ તેમનું ગામમાં નામ હતું. આવા મોટા ખેડૂતની દીકરીને વહુ તરીકે લાવી પોતાની પ્રતિષ્ઠા વધારવા માગતા હતા. તેમણે તો હા જ પાડી દીધી. પણ વિનયે છોકરીને મળીને જવાબ આપવાની વાત કરી. નહીંતર તો લાભુભાઇએ ગોળધાણા વહેંચી દેવાનું જ બાકી રાખ્યું હતું.

નટુભાઇના ગયા પછી લાભુભાઇએ ખુશ થઇ કહ્યું:"વિનય, ફોટામાં તો છોકરી તને ગમી ગઇ છે ને? હવે મળીને શું લાંબી વાત કરવાની?"

"બાપા, મારે આ છોકરી સાથે લગન નથી કરવા..." વિનય હિંમત એકઠી કરીને બોલ્યો.

"કેમ? એનામાં શી ખોટ દેખાઇ તને? અને પરિવારનું નામ છે આ પંથકમાં." લાભુભાઇનો અવાજ ઊંચો થઇ ગયો. તેમની કલ્પના અને ઇચ્છા વિરુધ્ધ વિનય વાત કરી રહ્યો હતો.

"એનામાં ખોટ નથી. પણ હું બીજી કોઇ છોકરી સાથે..."

"હેં? તું પ્રેમબ્રેમમાં પડી ગયો કે શું? મને સાચું લાગતું નથી. તારા જેવો સંસ્કારી અને આજ્ઞાંકિત છોકરો પ્રેમલગ્નની વાત કરે છે?"

"બાપા, મને વર્ષાબેનની અર્પિતા પસંદ છે...."

"પેલા સોમલાલની છોકરીની વાત કરે છે...?"

"હા..."

"અરે જેનો બાપ બીજી કોઇ બાઇ સાથે વિદેશમાં રહે છે અને મા કોઇના ઘરે આંટા મારે છે એવા પરિવારની છોકરીને આ ઘરની વહુ બનાવવાની વાત કરે છે? હું એ શક્ય બનવા નહીં દઉં...કંચન, તારા છોકરાને સમજાવી દેજે...." કહી લાભુભાઇએ કંચંબેનને ઇશારો કર્યો કે વિનયને સમજાવી દેજે અને ઘરની બહાર નીકળી ગયા.

વિનય પર તો જાણે વીજળી પડી હોય એવો અનુભવ થયો. તેનું અર્પિતા સાથે ઘર માંડવાનું સપનું હવે સપનું જ રહી જશે? જેને દિલથી પ્રેમ કર્યો એ પ્રેમને ભૂલી જવાનો?

વિનયે એક નિર્ણય લઇ લીધો. તેના નિર્ણયના કેવા પ્રત્યાઘાત પડવાના હતા એ જાણતો હતો. પણ એ સિવાય કોઇ રસ્તો ન હતો. તે લાભુભાઇ ઘરે આવે એની રાહ જોવા લાગ્યો.

***

રચના અર્પિતાને કઇ ખાનગી વાત કરશે? વિનય જેનો પીછો કરતો હતો એ કોણ હશે? વિનય કયો નિર્ણય જાહેર કરીને ચોંકાવશે? અને બહુ જલદી એ રહસ્ય પણ ખૂલશે કે રચના અને અર્પિતાને બે દિવસ બહાર મોકલવા પાછળ રાજીબહેનનો ઇરાદો શું હતો? આ બધું જ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.

***

Rate & Review

Verified icon

Sanjay Patel 3 months ago

Verified icon

Neeta Soni 4 months ago

Verified icon

Jevin Dholakiya 4 months ago

Verified icon

ATULCHADANIYA 5 months ago

Verified icon

Jigar Shah 5 months ago