Hitler books and stories free download online pdf in Gujarati

હિટલર

હિટલર. આ શબ્દ કાને પડે કે આપણને જલ્લાદ, વિકૃત, તાનાશાહ, નરસંહાર કરનાર જેવા શબ્દો કાને પડે. આમાં જો કે ભૂલ આપણી પણ નથી. ભૂલ છે આપણી સામે તટસ્થ ઈતિહાસ રાખવાને બદલે ‘સેન્સર્ડ’ ઈતિહાસ રાખનાર વિજેતાઓની. બાકી આ ‘હિટલર’ કોણ છે? શું છે? એવા પ્રશ્નો સતત મનમાં ઘુમરાયા કરવાના જ. બીજા વિશ્વયુદ્ધ નામનાં વૈશ્વિક રંગમંચનો તેને ઉદ્દીપક માનતા પહેલા આપણે ઘણી વાતો જાણવા-સમજવાની જરૂર છે.

હિટલર વૈશ્વિક તખ્તા પર તો બીજા વિશ્વયુદ્ધ વખતે આવ્યો, સત્તા હાંસલ કરી ત્યારે આવ્યો. પણ તેને તે બનાવનાર ઘટનાઓનો જન્મ તો પ્રથમ વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિ એ જ થઇ ગયો હતો. ‘ક્રાંતિ’ અને ‘આતંકવાદ’ વચ્ચેની ભેદરેખા ખુબ ભ્રમિત કરનારી છે, તેથી જ આજની તારીખે ય, આવકાશ મિશન પર પાડી શકતીઅટપટી ટેકનોલોજી શોધી શકનારી માનવજાત ‘આતંકવાદ’ની વ્યાખ્યા શોધી શકી નથી. કારણ કે, આતંકવાદ ભલે વૈશ્વિક હોય, પણ તેની વ્યાખ્યા તો સ્થાનિક જ હોવાની. કાશ્મીરમાં ઉત્પાત મચાવતા તત્વો આપણને આતંકવાદી લાગે છે તો પાકિસ્તાનને ક્રાંતિકારી. તેમજ બલુચિસ્તાનની આઝાદી માટે લડતા લોકો ભારતને ક્રાંતિકારી લાગે છે તો પાક ને આતંકવાદી. ચીન દલાઈ લામાને આતંકવાદનો ચહેરો માને છે પણ હાફીઝ સઈદને સાચવે છે.

પ્રથમ વિશ્વયુદ્ધથી થયેલું સૌથી મોટું નુકસાન જો કંઈ હોય તો બીજા વિશ્વયુદ્ધ માટેની ખુલેલી બારી. વિજેતા દેશોએ (અમેરિકા ખાસ) યુદ્ધમાં થયેલી આર્થિક પાયમાલી વસુલવા, રાજાશાહી દેશના ભાગી ગયેલા રાજાના દેશ જર્મની પાસે રીતસરની ખંડણી માંગી. જર્મન પ્રજા ક્યાંય લગી પૈસા, પશુધન અને ઉત્પાદો વડે અમેરિકાને ધરવી રહીં. દેશનું આર્મી પણ જાણે અમેરિકાથી સેંકશન થયેલું. મતલબ, ચારેબાજુ નિરાશાનો માહોલ હતો.

બાવેરિયા ના ખુબસુરત પ્રાંતમાં જન્મેલો અને મૂળે તો ઓસ્ટ્રિયન એવો એક વ્યક્તિ ખુબ વ્યગ્ર હૃદયે પોતાના દેશની પાયમાલી જોઈ રહ્યો હતો. દેશબાંધવો ના બુરા હાલ જોઈ રહ્યો હતો. તેનું લોહી ઉકલી રહ્યું હતું. પોતાના દેશને અને પોતાને જાણે એક અદ્રશ્ય બંધનમાં કેદ માનતો હતો. અહીંયા અટકીને એમ વિચારો કે પોતાના દેશ માટે વિચારનાર, તેની બદહાલી પર દુઃખી થનાર, પોતાના દેશને ફરી સમૃદ્ધ જોવાની ખેવના રાખનાર વ્યક્તિને કેવી રીતે ખોટી કહેવી? હા, તેના અમુક નિર્ણયો ખોટા બલકે ભયંકર રીતે ખોટા હતાં. પણ એ જ તો વાત છે કે આપને સારા કે ખરાબ નથી હોતા, ગ્રે છે. આપને બધા શુધ્દ્ધતાની અપેક્ષા રાખીએ છીએ પણ આપને સૌ શેડ્સમાં જીવીએ છીએ. ક્યારેય સારા અને સાચા તો ક્યારેક ખરાબ અને ખોટા. અત્યારે મારો આશય હિટલરના કૃત્ય પ્રત્યે સફાઈ આપવાનો બિલકુલ નથી. મારો આશય છે જે જમાનાએ વર્ષોથી ‘સેન્સર્ડ’કરી રાખ્યો છે તે સંપૂર્ણ ચહેરો બતાવવાનો.

ગુલામીની દશાને ભાગ્ય માની જીવતા શીખી ગયેલી પ્રજામાં તેણે ચેતનાનો સંચાર કર્યો. વિજેતા દેશોએ મુકેલા અતાર્કિક બંધનો હોશિયારીથી ફગાવ્યા. જર્મનીના એક શહેર નરેમ્બર્ગથી પોતાના પક્ષની શરૂઆત કરી. અને ત્યારથી એ નાઝી પક્ષ આખી દુનિયાની લોકજીભે ચડી ગયો. સ્વસ્તિકનો સિમ્બોલ અપનાવેલો એ હિટલર પોતાને ‘આર્યવંશી’ માનતો હતો અને પોતાના દેશને તે ભવ્યતા પાછી અપાવવા માંગતો હતો. યહુદીઓ પ્રત્યે તેને અણગમો હતો પણ તે ‘ફાઈનલ સોલ્યુશન’ સુધી સહેજ પણ નહોતો પહોંચવો જોઈતો. પણ શું તમને એમ નથી લાગતું કે અગર યહુદીઓના નરસંહાર/genocide માટે હિટલર પ્રત્યક્ષ રીતે જવાબદાર હોય તો વિજેતા દેશો પરોક્ષ રીતે જવાબદાર હતાં?

એક વખત સ્થિતિ મજબુત થયા પછી, હિટલરે વગર એનેસ્થેસિયાએ યુરોપની જાણે સર્જરી શરુ કરી. બિલકુલ તેવું જ પોતાને સુધરેલા ગણાવતાં વિજેતા દેશો ( અમેરિકા, બ્રિટન) બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી મિડલ-ઇસ્ટમાં કરવાના હતાં. પોલેન્ડની સરહદે ગર્જેલી તોપોએ બીજા વિશ્વયુદ્ધનો આગાઝ શરુ કર્યો. હિટલરનું અક્ષોહિણી સૈન્ય લગભગ આખા યુરોપ પર ફરી વળ્યું. બ્રિટન ફરી વખત હારવાની અણી પર પહોંચી ગયું હતું. સમાંતરે ચાલી રહેલી વૈજ્ઞાનિક શોધોએ હાર-જીતના પલ્લાને અકલ્પનીય રીતે બદલ્યા અને સાથે જ પોસ્ટ-વોર ભવિષ્યનો રોડમેપ તૈયાર કર્યો. જર્મનીના વિમાનો એ શરૂઆતમાં તરખાટ મચાવ્યો પણ ત્યારબાદ થયેલી રડારની શોધ બ્રિટન માટે સમયસરની અને જર્મની માટે કસમયની બની. આખું યુદ્ધ જાણે હિટલરકેન્દ્રી બની ગયું.

‘ધ ફાઈનલ સોલ્યુશન’ એ ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલી ઘટના છે. હિટલરની અક્ષમ્ય ભૂલ. પણ તેના માટે હિટલરને ફ્રેમ કરી પોતાનાં પાપ છુપાવતાં પશ્ચિમી રાષ્ટ્રો પોતે કેટલા ‘પુણ્યાત્મા’ છે? તે જાણવું છે? અમેરિકાની લોકશાહીનો વરવો ચહેરો જાણવો હોય તો વિયેતનામ યુદ્ધ વિષે એકચિત્તે વાંચી જજો. બેશક, હિટલર ખોટો હતો પણ છાપરે ચડીને તેને ખોટો કહેનાર પણ ક્યાં સાચા છે? ‘એજન્ટ ઓરેન્જ’ જેવા કાતિલ રસાયણોને અધધ… માત્રામાં વરસાવી અમેરિકાએ સોરી… માનવ હકો માટે લડતા અમેરિકાએ વિએતનામમાં કેર વર્તાવી દીધો. માત્ર સૈનિકો કે નાગરિકો જ નહીં, ત્યાંના પર્યાવરણને પણ નષ્ટ કરી દીધું. જાત-ભાતના ખોડખાંપણ વાળી નવી પેઢી ત્યાં જન્મી. અને તે સિવાય જાપાન, મિડલ-ઈસ્ટ ઘણાં ઉદાહરણો છે.

જો આપને નિષ્પક્ષ રીતે વિચારવાનું નક્કી કરીએ તો એક પ્રશ્ન થયા વગર રહેતો નથી… અગર આપણે યહુદીઓના નરસંહાર કરતાં વ્યક્તિ તરીકે હિટલરને ધિક્કારી શકીએ તો પોતાના વતનની સ્વતંત્રતા માટે લડનાર વ્યક્તિ તરીકે તેને કેમ ન જોઈ શકીએ? હિટલર ગમે તેવો હતો પણ એક વાતે સાચો હતો – તે જર્મની માટે વિશ્વની સામે પડ્યો હતો. કેમ આપણે તેનો અડધો જ ચહેરો જોવો છે? વિજેતા દેશો તેનો સંપૂર્ણ ચહેરો બતાવતાં ડરે છે કેમ?

બીજા વિશ્વયુદ્ધમાં જીતનો પ્યાલો મોં સુધી આવી ગયો હતો છતાં હિટલર હાર્યો તેમાં તેની સેનાપતિ તરીકેની ભૂલો જવાબદાર હતી. જયારે તેને બનાવેલી ‘એટલાન્ટીક વોલ’ તૂટી પડી ત્યારે મિત્રદેશોની એલાઈડ આર્મીના ‘ઓપરેશન ઓવરલોર્ડ’ ના જંગી અભિયાનની સપ્લાય લાઈન તોડવાને બદલે તેણે લંડન પર બોમ્બમારો કરવાનો નિર્ણય લીધો.

અંતે, સૌ જાણે છે તેમ બર્લિનના અંડરગ્રાઉન્ડ બંકરમાં તેણે પોતાની પ્રેમિકા ઈવા બ્રાઉન સાથે આત્મહત્યા કરી ત્યારે ઇતિહાસનું એક પ્રકરણ પૂરું થયું. આપને તેને બીજા વિશ્વયુદ્ધની ચિનગારી સળગાવનાર કે યહુદીઓના જલ્લાદ તરીકે જ જોયો છે. ક્યારેય તેને પોતાનાં દેશના સ્વાભિમાન માટે લડતા વ્યક્તિ તરીકે નહીં, કારણ કે એ રીતે હિટલરને કદી આપણી સામે રજુ જ કરવામાં નથી આવ્યો.

આ આખી લડાઈ સાચા અને ખોટાની વચ્ચે નહીં પણ ખોટા અને વધારે ખોટા વચ્ચેની હતી. હિટલરના લશ્કરી અમલદારો ને એ કૃત્યો(લશ્કરી આદેશ માનવાના) ‘કરવા’ બદલ સજા કરી કે જે કૃત્ય ‘ન કરવા’ પોતાનાં દેશના સૈનિકોને કોર્ટ માર્શલ કરે છે. આ ‘eternal conflicts’ છે, જે આપણને સદાય ગુંચવતા રહેશે. અને રહી વાત સાચા કે ખોટાની તો પોતાની સજા સાંભળીને હિટલરના વાયુંસેનાપતિ એ કહેલું એ વાક્ય આજે પણ એટલું જ સાચું છે…

The victor will always be the judge, the vanquished the accused/ વિજેતા હંમેશા ન્યાયાધીશ હોય છે અને પરાજિત હંમેશા આરોપી.

-સંકેત શાહ