Satya Asatya - 23 books and stories free download online pdf in Gujarati

સત્ય અસત્ય - પ્રકરણ - 23

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૨૩

રાતના સાડા અગિયાર થયા હતા.

અમોલા દર્દથી કરાહતી લેબરરૂમના ઑપરેશન ટેબલ ઉપર હતી. એણે ઉપલા દાંત નીચે હોઠ દબાવી રાખ્યો હતો. ખૂબ પ્રયાસ કરવા છતાંય થોડી થોડી વારે એના ગળામાંથી ચીસ નીકળી જતી હતી.

એની આંખોના ખૂણેથી આંસુનાં ટીપાં દદડી પડતાં હતાં. એનાં મમ્મી એનો હાથ પકડીને ઊભા હતા. બીજા હાથે ધીમે ધીમે એનો હાથ પસવારતા એ અમોલાને કહી રહ્યાં હતાં, “જીવમાંથી જીવ છૂટો પડે એ કંઈ સહેલી વાત છે બહેન ? ધીરજ રાખ...”

સાંજના છ વાગ્યાથી અમોલાને કોન્ટ્રાક્શન આવવાના શરૂ થયા હતા. એણે સાડા સાત સુધી ઑફિસમાં કામ કર્યું. પછી જાતે જ ડ્રાઇવર સાથે હૉસ્પિટલ પહોંચી ગઈ. સત્યજીતને એસ.એમ.એસ. કર્યો અને પોતાની મમ્મીને ફોન કરીને બોલાવી લીધી. કોઈ પણ એક કારણસર સત્યજીતે એનો મેસેજ જોયો નહોતો.

અમોલાની મમ્મીએ સોનાલીબહેનને ફોન કરીને બોલાવ્યા હતાં. સોનાલીબહેને વારંવાર સત્યજીતનો મોબાઇલ ટ્રાય કર્યો, પરંતુ એનો ફોન સ્વીચ ઑફ હતો.

અમોલા થોડી જ ક્ષણોમાં બાળકને જન્મ આપવાની હતી અને બાળકનો પિતા ક્યાં હતો એની કોઈને ખબર નહોતી.

ગ્લવ્ઝ અને કૅપ પહેરેલી ડૉક્ટરે આવીને સૌને બહાર જવાનું કહ્યું. લેબરરૂમનો દરવાજો બંધ થયો. સોનાલીબહેન અને મિસીસ ઠક્કર બહાર ઊભાં હતાં ત્યારે મિસીસ ઠક્કરથી રહેવાયું નહીં, “પતિ-પત્ની વચ્ચે અણબનાવ હોય એ સમજી શકાય, પરંતુ આવા સમયે અમોલાને એકલી છોડીને...”

“જુઓ, મારો દીકરો એવો નથી. હું ઓળખું છું એને.” સોનાલીબહેને બચાવ કરવાનો પ્રયાસકર્યો, પણ એ જાણતાં હતાં- સત્યજીત ઘણી વાર આવું કરતો. ફોન ના ઉપાડે, સ્વીચ ઑફ કરી દે... એ જાતથી ભાગતો હતો કે બીજાથી, પરંતુ જાતને દુનિયાથી કાપીને ક્યારેક બારી-દરવાજા બંધ કરીને એવી રીતે બેસી જતો કે એના સુધી પહોંચવું અઘરું થઈ જાય. સોનાલીબહેનને અત્યારે પારાવાર અપરાધની લાગણી થઈ રહી હતી. એ જેટલી વાર મિસીસ ઠક્કરની સામે જોતાં એટલી વાર એમને લાગતું હતું કે સત્યજીતે અહીં હાજર ન રહીને મહાભયંકર ગુનો કર્યો છે.

અંદરથી બાળકના રડવાનો અવાજ સંભળાયો. સોનાલીબહેને ભરાઈ આવેલી આંખો લૂછી. લેબરરૂમનો દરવાજો ખૂલ્યો. લોહીવાળાં ગ્લવ્ઝ સાથે ડૉક્ટર બહાર નીકળ્યા, “દીકરી આવી છે. અમોલાની તબિયત સારી નથી. થોડું બ્લિડિંગ પણ વધારે છે. એમના હસબન્ડ...”

મિસીસ ઠક્કર જાણે રાહ જ જોતાં હોય એમ આગળ ધસી આવ્યાં, “કોને ખબર ક્યાં છે... મારી દીકરીને મળી શકું?” જવાબની રાહ જોયા વિના એ સીધા અંદરની તરફ ધસી ગયાં. અંદર જવું કે નહીં એની અસમંજસમાં બહાર ઊભેલાં ફરી એક વાર સત્યજીતનો મોબાઇલ ટ્રાય કર્યો. ઈશ્વરે જાણે એમની પ્રાર્થના સાંભળી હોય તેમ સત્યજીતના ફોનની રિંગ વાગી.

“બેટા...” સોનાલીબહેનના અવાજમાં ભયાનક ઉચાટ હતો, “આપણે ઘેર લક્ષ્મીજી પધાર્યાં છે. અમોલાએ દીકરીને જન્મ આપ્યો છે.” બોલતાં બોલતાં એમનું મન ભરાઈ આવ્યું ને ક્યારના રોકી રાખેલાં આંસુ વહેવા લાગ્યાં, “જલદી આવ દીકરા.”

“હં !” સત્યજીતે ફોન ડિસકનેક્ટ કર્યો.

સોનાલીબહેન હિંમતભેર પગ ઉપાડતાં અંદર દાખલ થઈ ગયાં.

અમોલાની આંખો બંધ હતી. આટલા બધા કલાકના દર્દ અને બ્લિડિંગના કારણે એનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. હળવા સિલેટિવને કારણે ઊંઘી રહી હતી. હમણાં જ ચોખ્ખી કરીને લવાયેલી પિન્ક ફ્રોક અને ટોપી પહેરેલી બાળકી ગુલાબી ફલાલીનમાં લપેટાયેલી નાનકડા પારણામાં ઝૂલતી હતી. એની પાસે ઊભેલાં મિસીસ ઠક્કર હળવા હાથે પોતાની આંગળીઓ એના કપાળ પર ફેરવતાં ધ્રૂસકે ધ્રૂસકે રડી રહ્યાં હતાં. સોનાલીબહેનને જોતાં જ એમણે કહેવા માંડ્યું, “આના પપ્પા હોત તો ગાંડાઘેલા થઈ ગયા હોત. અમોલા કેટલી વહાલી હતી એમને. અમોલાનું સંતાન એમને માટે તો...” આગળ બોલી શકે એ પહેલાં તો એમનું ગળું રુંધાઈ ગયું. સોનાલીબહેને નજીક આવીને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો. પરંતુ બીજી જ ક્ષણે મિસીસ ઠક્કરને ફરી એક વાર સત્યજીતની ગેરહાજરી યાદ આવી ગઈ. એમણે સોનાલીબહેનની આંખોમાં જોઈને સણસણતું તીર છોડ્યું, “બહુ કહેવાય સોનાલીબહેન! મને એમ હતું કે સત્યજીત કોઈનું નહીં, પણ તમારું તો સાંભળશે જ. પણ હવે મને સમજાય છે કે તમારો છોકરો તો હાથથી સાવ ગયો છે. કોણ જાણે ક્યાં રખડતો હશે...”

“જુઓ તમે...” સોનાલીબહેનનું વાક્ય પૂરું થાય એ પહેલાં સત્યજીત દાખલ થયો. એના આવતાની સાથે જ શરાબની તીવ્ર ગંધ આખાય ઓરડામાં પ્રસરી ગઈ. ડોલતા પગે એ અમોલાના પલંગ સુધી પહોંચ્યો. બાળકીને અડવા જતો હતો કે મિસીસ ઠક્કરે લગભગ બૂમ પાડતાં હોય એવી રીતે કહ્યું.

“દૂર રહો...” એમણે સાડીનો છેડો નાકે દબાવ્યો, “આટલું બધું ઢીંચીને દીકરીને જોવા આવ્યા છો ? મારી છોકરી મરતાં મરતાં બચી ત્યારે તમે બેસીને દારૂ ઢીંચતા હતા ? શરમ નથી આવતી ?”

“ધીમે... અમોલા...” સોનાલીબહેને વાતને દબાવવાનો પ્રયાસ કરી જોયો.

“છો જાગી જાય અમોલા, એ પણ જુએ તો વાતનો અંત આવે. હું તો કેટલાય દિવસથી સમજાવું છું. એક કહેતાં એકવીસ મળશે... પડતો મૂક આને, પણ...” એમણે સત્યજીતને લગભગ હડસેલી કાઢ્યો, “પ્લીઝ, તમે ઘરે જાવ. કાલે આવજો.”

કશું જ બોલ્યા વિના સત્યજીત ઓરડાની બહાર જવા લાગ્યો ત્યારે સોનાલીબહેને બાવડું પકડીને એને રોક્યો, “તમે કહેશો એટલે એ જતો રહેશે એમ ? એનું સંતાન છે, જોયા વિના શું કામ જાય ? ને એને અડવાની ના પાડનાર તમે કોણ ?” સોનાલીબહેન પારણા પાસે ધસી ગયાં અને બાળકને ઊંચકવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. મિસીસ ઠક્કર પણ સમય અને સ્થળનું ભાન ભૂલીને સોનાલીબહેનનો હાથ ખેંચવા લાગ્યા. બંને જણા વચ્ચેનો આ તાયફો સત્યજીતને એટલો વરવો લાગ્યો કે એક અક્ષર પણ બોલ્યા વિના સત્યજીત ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો. સોનાલીબહેન એને બૂમો પાડતાં રહ્યાં, પણ હૉસ્પિટલના કોરિડોરમાંથી સડસડાટ બહાર નીકળીને સત્યજીત ગાડીમાં બેસી ગયો.

ગાડીમાં બેસતાંની સાથે જ કોણ જાણે ક્યાંથી સત્યજીતના મનમાં એક આક્રોશ ફૂટી નીકળ્યો. એણે છાતી ફાટી જાય એવા અવાજે જોરથી ચીસ પાડી, “પ્રિયંકા... આ...આ...આ..” એની ચીસ પૂરી થતાં થતાં સુધીમાં તો એનાથી રડાઈ ગયું. ગાડીના સ્ટિયરિંગ વ્હીલ પર માથું મૂકીને રડતા સત્યજીતની આંખો સામે તાજી જન્મેલી બાળકીની બંધ આંખોવાળો ગુલાબી વહાલસોયો ચહેરો તરવરી રહ્યો હતો.

*

પ્રિયંકાની આંખો બંધ હતી. ઘસઘસાટ ઊંઘતી પ્રિયંકાને એકીટશે નિહાળી રહેલો આદિત્ય થોડી થોડી વારે એના ગોળમટોળ થઈ ગયેલા ચહેરા પર હાથ ફેરવતો હતો. પ્રિયંકાના ચહેરા પર અજબ જેવી શાંતિ અને સલામતી હતા. એનો એક હાથ આદિત્યની છાતી પર લપેટાયેલો હતો.

આદિત્ય એના ચહેરાને સ્પર્શવા ગયો ને પ્રિયંકા અચાનક બેબાકળી થઈને બેઠી થઈ ગઈ, “મને કોઈએ બૂમ પાડી આદિ...”

ચહેરા પર પસીનાનાં બુંદ હતાં. આદિત્યએ હળવેથી હાથ લંબાવીને એ બુંદ લૂછી નાખ્યાં. એના ચહેરા પર સ્મિત આવી ગયું, “સપનું જોયું હશે, તને કોણ બૂમ પાડે ?” આદિત્યએ ઘડિયાળમાં જોયું. બપોરના સાડા ત્રણ-ચાર થયા હતા.

“ના આદિ, કોઈકે મને બૂમ પાડી. કોઈ ખૂબ રડે છે... મને યાદ કરે છે એવું લાગ્યું મને.” પ્રિયંકાએ સહેજ અચકાઈને ઉમેર્યું, “સત્યજીત જેવો અવાજ...”

આદિત્યને નવાઈ લાગી. થોડા કલાકો પહેલાંનો સત્યજીતનો ફોન અને અત્યારે પ્રિયંકાનું જાગી જવું. કયા પ્રકારનો ઋણાનુબંધ હશે આ ? એને વિચાર આવ્યો. ખરેખર એક થવા સર્જાયેલા બે આત્માઓની વચ્ચે ક્યાંક હું દીવાલ નથી બની ગયો ને?!

“સત્યજીતનો ફોન હતો આજે.” એણે હિંમત કરીને કહી જ નાખ્યું.

“કેમ ?” પ્રિયંકાની આંખો બહાવરી થઈ ગઈ, “બધું બરાબર છે ને ?”

“મેં પૂછ્‌યું નથી.” આદિત્ય સ્વસ્થ હતો, “પણ અચાનક આવી રીતે ફોન કર્યો છે તો પૂછી લે એને. કદાચ એ મુશ્કેલીમાં હોય અથવા તારી જરૂર હોય તો.”

“તને...” પ્રિયંકા સહેજ સંકોચાઈ ગઈ, “તને ખરાબ નહીં લાગે ?”

“મને ?” આદિત્ય હસી પડ્યો, “મને શું કામ ખરાબ લાગે ? આટલા હજારો કિલોમીટર દૂર રહેતા તારા એક જૂના મિત્રને ફોન કરીને તું એની ખબર પૂછે એમાં ખરાબ લાગવા જેવું છે શું પ્રિયા ?” એણે ઘડિયાળ જોઈ, “અડધી રાત હશે ત્યાં. એની પત્ની...”

“આઇ ડૉન્ટ કૅર...” પ્રિયંકા ઊભી થઈ, એણે સત્યજીતનો સેલનંબર ડાયલ કર્યો.

સ્ટિયરિંગ પર માથું મૂકીને થોડા નશામાં ને થોડા દુઃખમાં ડૂબી ગયેલા સત્યજીતનો સેલ રણક્યો. સોનાલીબહેનનો ફોન હશે એમ માનીને થોડી વાર એણે એ તરફ ન જોયું, પણ અચાનક એની નજર પડી, તો પ્રિયંકાનો હસતો ચહેરો સ્ક્રીન પર ચમકતો હતો. મરતો માણસ બચવા માટે જે બેચેનીથી શ્વાસ ભરે એ રીતે એણે પ્રિયંકાનો ફોન ઉપાડ્યો, “પ્રિયા...” એ રડવા લાગ્યો, “હું દીકરીનો બાપ થઈ ગયો. ઢીંગલી જેવી... સુંદર... વાદળમાંથી બનાવી હોય ફૂલની પાંખડીઓ આખા શરીર પર ચોટાડી દીધી હોય એવી લાગે છે મારી દીકરી...”

એની વાત સાંભળી રહેલી પ્રિયંકાની આંખો ભીની થઈ ગઈ. એણે બાજુમાં ઊભેલા આદિત્યનો હાથ જોરથી પકડી લીધો, “તારી દીકરીના કાનમાં સૌથી પહેલું વાક્ય કહેજે કે - હંમેશાં સાચું બોલજે...” પ્રિયંકા રડી પડી. આદિત્ય એના ખભે હાથ ફેરવતો રહ્યો.

રુદન બે દેશમાં, બે જુદા સમયખંડમાં, બંને તરફ અવિરત વહી રહ્યું હતું. એક તરફ પારાવાર પીડા અને અફસોસ હતા, તો બીજી તરફ સંવેદના અને સહાનુભૂતિ છલકાઈને વહેતી હતી.

(ક્રમશઃ)