No return-2 Part-28 books and stories free download online pdf in Gujarati

નો રીટર્ન-૨ - Part-28

નો-રીટર્ન-૨

ભાગ-૨૮

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- પવન જોગીને લાઇબ્રેરીમાંથી અજીબો-ગરીબ ચિત્રો અને નંબરો મળી આવે છે. તેમાં અમુક નંબર અધૂરાં જણાય છે... ઇકબાલખાન અનેરીને શોધી રાજમહેલમાં લઇ આવે છે... હવે આગળ વાંચો....)

આખી રાત અનેરી વિચારોનાં ધમાસાણમાં ખોવાયેલી રહી. પડખાં બદલી-બદલીને તે હવે થાકી હતી. કોણ જાણે કેમ પણ જીંદગીમાં પહેલી વખત કોઇ ઠોસ નિર્ણય તે લઇ શકતી નહોતી. એક યુવાન અચાનક તેની સામે આવીને ઉભો રહી ગયો હતો, અને તે એ ચીજ માંગી રહયો હતો જે તેણે બહુ મુશ્કેલીથી હાંસીલ કરી હતી. એક એવી ચીજ જેમાં તેનાં ખુદનાં દાદાની રિહાઇ છૂપાયેલી હતી. અનેરી થડકી ઉઠી. નહીં.... નહીં.... કોઇપણ ભોગે આ ફોટાઓ બ્રાઝિલ પહોંચવા જ જોઇએ. જો એમ ન થયું તો કોણ જાણે એ ખતરનાક માણસો તેનાં દાદા સાથે કેવો વ્યવહાર કરશે...? પોતાનાં જીવથી પણ વહાલાં દાદાની યાદ આવતાં જ અનેરીની આંખો છલકી ઉઠી. તેનાં દાદા કોને ખબર અત્યારે કેવી હાલતમાં હશે...? વિતેલાં પાછલાં એક મહિનાથી તે દાદાને મળવા હિજરાઇ રહી હતી. અનેરીનાં ગળે ડૂમો ભરાઇ આવ્યો. તેની નજરો સમક્ષ એકાએક ભૂતકાળનાં થોડાં દિવસોની અંદર જે ઘટમાળા સર્જાઇ હતી એ કોઇ ફિલ્મની જેમ ઉભરી આવી.

તેની કઠણાઇની શરૂઆત આજથી લગભગ મહિનાં દિવસ પહેલાં થઇ હતી. એ દિવસ તેને બરાબર યાદ હતો. યાદ શું હતો, જીંદગીમાં એ ગોજારા દિવસને તે કયારેય ભૂલી શકે તેમ નહોતી. એ દિવસે તેનાં દાદાનું અપહરણ થયું હતું... અને તેનાં જીવનમાં ભયાનક આંધી ફૂંકાઇ હતી.

તે અને તેનાં દાદા સાજનસીંહ પાલીવાલ પાછલાં છેલ્લા છ-એક વર્ષથી બ્રાઝિલનાં સાઓ-પાઓલોમાં આવીને વસ્યાં હતાં. એવું કેમ થયું હતું અને તેઓ ભારત છોડીને બ્રાઝિલ કેમ આવ્યા હતાં તેની પણ એક રોચક કહાની હતી. અનેરીએ પોતે મુંબઇ યુનિવર્સિટીમાંથી સાયન્સ ગ્રેજ્યુએટ સાથે બેચલર ડીગ્રી ડિસ્ટીંન્કશન ગ્રેડ સાથે પાસ કરી હતી. વધુ અભ્યાસ માટે તે અબ્રોડ જવા માંગતી હતી. એવામાં તેને બ્રાઝિલની પ્રતિષ્ઠિત સાઓ-પાઓલો યુનિવર્સિટી તરફથી સ્કોલરશિપની ઓફર મળી. કોઇપણ ભોગે તે આ તક ગુમાવવા માંગતી નહોતી એટલે તેણે બ્રાઝિલ જવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેનાં માતા-પિતા પોતાનાં એકનાં એક સંતાનને આમ સાવ એકલાં વિદેશ જવા દેવા તૈયાર નહોતા. અને એ પણ એક એવો દેશ કે જે દેશનું નામ હાલનાં વર્તમાન સમયમાં પણ ગુનાખોરીની વારદાતોમાં મોખરે આવતું હતું. તેમણે અનેરીને આ બાબતે સ્પપ્ટ નાં પાડી દીધી હતી. સામે પક્ષે અનેરી પણ મક્કમ હતી...! આખરે એક વચલો રસ્તો વિચારવામાં આવ્યો. અનેરીનાં દાદા સાજનસીંહ પાલીવાલ, કે જેઓ પોતે એક સમયે ઇતિહાસનાં પ્રખંડ પ્રોફેસર રહી ચૂકયાં હતાં તેમણે યુનિવર્સિટી ઓફ સાઓ-પાઓલોમાં એક્ષ્ટર્નલ પ્રોફેસર તરીકેની માનદ સેવા આપવા માટે એપ્લીકેશન મોકલી આપી...અને બધાનાં સ-આનંદ વચ્ચે તેમની એપ્લીકેશન મંજૂર કરવામાં આવી હતી. તેમને પ્રોફેસર તરીકે સાઓ-પાઓલોનાં કેમ્પસમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમ હવે બ્રાઝિલ જવા માટે દાદા અને દિકરી બંનેને એકબીજાનો સથવારો મળ્યો હતો એટલે અનેરીનાં માતા-પિતા પાસે ઓબ્જેકશન ઉઠાવવાનું હવે કોઇ કારણ નહોતું.

સાઓ-પાઓલો યુનિવર્સિટીનાં વિશાળ કેમ્પસ એરિયામાં જ વિદેશી પ્રોફેસર તરીકે સાજનસીંહ પાલીવાલને રહેવા માટે બે બેડરૂમ, હોલ- કિચનનો ટેનામેન્ટ ફાળવવામાં આવ્યો હતો. જ્યાં તે દાદા- દિકરીનો એકદમ વ્યવસ્થિત રીતે સમાવેશ થઇ ગયો હતો. વિતતા સમયની સાથે તેમને બ્રાઝિલમાં ફાવી ગયું હતું. સાજનસીંહ પાલીવાલની વિધાર્થીઓને ભણાવવાની ક્ષમતા જોઇને યુનિવર્સિટીએ તેમની મુદ્દત વધાર્યે રાખી હતી. સામે પક્ષે અનેરી પણ માસ્ટર ડીગ્રી મેળવ્યા બાદ કોઇ થિસીસમાં પી.એચ.ડી. કરવા બ્રાઝિલમાં જ રોકાઇ પડી હતી. આમ તેમનું જીવન એકદમ વ્યવસ્થિત અને સુંદર રીતે વીતી રહયું હતું.

પણ... લગભગ એક મહિના પહેલાં એ સુંદર જીવનમાં ભંગાણ સર્જાયું હતું. તેનાં દાદા સાજનસીંહ સાઓ- પાઓલોની બજારમાં સાંજે જમ્યા પછી લટાર મારવા નીકળ્યા હતાં, પરંતુ એ સમય પછી તેઓ કયારેય પાછા આવ્યાં જ નહીં. આવ્યો હતો તો મોડી રાત્રે એક ફોન કોલ...! એ ફોન કોલે તેની જીંદગી બદલી નાંખી હતી.

અનેરીએ પડખું ફેરવ્યું. ઇન્દ્રગઢનાં રાજમહેલમાં તેને અને વિનીતને સુંદર કમરા ફાળવવામાં આવ્યા હતા.. એ કમરાની સુંવાળી પથારીમાં સૂતાં-સૂતાં તે કોઇ અલગ જ દુનિયામાં વિચરી રહી હતી. તેનાં પોપચાની પડળો હેઠળ તેનો પોતાનો જ ભૂતકાળ ઉજાગર થઇ રહયો હતો.

એ ફોન કોલમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવાયું હતું કે તેનાં દાદાનું અપહરણ કરવામાં આવ્યું છે. જો તે ઇચ્છતી હોય કે તેનાં દાદા સંપૂર્ણ સલામત રીતે તેની પાસે પાછાં ફરે તો તેણે ભારત જઇને એક કેમેરો શોધવાનો હતો. અને એ કેમેરાનાં રોલમાં જે ફોટાઓ સંગ્રહાઇને પડયાં હતાં એ ડેવલપ થાય એટલે એક ફોન નંબર તેને આપવામાં આવ્યો હતો, એ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો હતો.

શરૂઆતમાં તો તે ગભરાઇ ગઇ હતી. વિદેશની ધરતી ઉપર દાદાનું અપહરણ તેનાં માટે કલ્પનાતીત હતુ. ભારે ઉચાટમાં તેણે યુનિવર્સિટીમાં દાદાની રજા માટે એપ્લાઇ કરી હતી. રજા એપ્રુવ થતાં તુરંત જ તે ભારત આવવા નાકળી પડી હતી. ભારતમાં તેણે રાજસ્થાન- ગુજરાતની બોર્ડર ઉપર વસેલા એક નાનકડા રજવાડાં “ ઇન્દ્રગઢ ” ની લાઇબ્રેરીની ખાક છાનવાની હતી. અને..એ કામ તેણે બખૂબી રીતે પાર પાડયું હતુ.. તે જાણતી હતી કે જો કોઇ વ્યક્તિને સતત આગ્રહ કરવામાં આવે તો એક દિવસ એ વ્યક્તિ જરૂર આગ્રહવશ બનીને કામ કરી આપે છે. તેણે પણ રાજન ઉપર એ જ ટ્રીક અજમાવી હતી. તે દરરોજ લાઇબ્રેરીમાં આવતી, રાજન સાથે કલાકો અવનવી વાતો કરતી, અને પછી હળવેક રહીને લાઇબ્રેરીનાં સ્ટોરરૂમમાંથી એક જૂનો કેમેરો શોધી આપવા વિનંતી કરતી. સતત સમજાવટ અને સહવાસનાં અંતે રાજને એક દિવસ એ કેમેરો શોધ્યો હતો અને તેનાં હાથમાં મુકયો હતો. કેમેરો જોઇને અનેરી ત્યારે એટલી ઉત્સાહીત થઇ ઉઠી હતી કે જો એ લાઇબ્રેરી જેવી જાહેર જગ્યા ન હોત તો તેણે રાજનને ચૂમી લીધો હોત. પરંતુ તેણે પોતાનાં ઉત્સાહ ઉપર કાબુ રાખ્યો હતો. એ સમય દરમ્યાન જ એક બીજી મુસીબત પણ તેની પાછળ પડી હતી. તેણે નોંધ્યું હતું કે છેલ્લા કેટલાય દિવસોથી કોઇ લાલ બુલેટવાળો શખ્શ તેની પાછળ ફરતો હતો. પહેલાં તેણે એ બાબતને ગંભીરતાથી લીધી નહોતી. પરંતુ હવે જ્યારે કેમેરો હાથ લાગ્યો હતો ત્યારે એ શખ્શ તેનાં માટે ખતરારૂપ સાબિત થઇ શકે તેમ હતો. તેનાંથી પીછો છોડાવવો જરૂરી હતો એટલે જ તેણે ટ્રીક વાપરીને એ બુલેટવાળાને છકાવ્યો હતો અને પછી તે અમદાવાદ ભણી નિકળી પડી હતી.

જોકે એક બાબતનું આશ્વર્ય તેને ઉદ્દભવ્યું હતું કે અહીં અમદાવાદમાં પણ કોઇક હતું જે એ કેમેરો મેળવવા મહેનત કરતું હતું. તેનું આશ્વર્ય ત્યારે બેવડાયું હતું જ્યારે તેણે કેમેરાની અંદરનાં ફોટાં જોયા હતાં. વિનીતની મદદથી ફોટા ડેવલપ થઇને તેનાં હાથમાં આવ્યા ત્યારે તેને નિરાશા ઉપજી હતી. કોઇ જ માથા-ધડ વગરનાં એ ફોટાઓમાં એવું અગત્યનું કંઇક હોવાની તેની ધારણા નિષ્ફળ નિવડી હતી. ફોટાઓમાં કોઇ પુરાની ઇમારત... જુનો જર્જરીત અવસ્થામાં દેખાતો કાચની પેટીમાં સચવાયેલો એક દસ્તાવેજ... આદીવાસી માનવીઓનાં કબીલાં.... અને એવું ઘણુંબધુ હતું એ ફોટાઓમાં. જેનો કોઇ મતલબ ત્યારે તેને સમજાયો નહોતો. આખરે શું છે આ ફોટાઓનું રહસ્ય....? આ ફોટાઓ માટે તેનાં દાદાનું અપહરણ થયું હતું. મતલબ કે કંઇક તો અગત્યનું તેમાં હતું જ...! એ શું હોઇ શકે... એ જાણવા માટે જ ફોટાઓ હાથમાં આવ્યાં હોવા છતાં તેને બ્રાઝિલ પહોંચાડવાને બદલે તે ફરી પાછી ઇન્દ્રગઢ આવી પહોંચી હતી.

તે અને વિનીત ધાનેરાની એક હોટલમાં ઉતર્યા હતાં. અહીંથી ઇન્દ્રગઢ આવવા-જવાનું સરળ હતું. તેનો ઇરાદો ફરીથી ઇન્દ્રગઢની લાઇબ્રેરીમાં તપાસ કરવાનો હતો. તેની બળવત્તર થઇ ઉઠેલી જીજ્ઞાસાનાં કારણે તે એક નવું જોખમ ઉઠાવવા તૈયાર થઇ હતી. પરંતુ હજુ તે ધાનેરાથી ઇન્દ્રગઢ જવાં નાકળે એ પહેલાં જ તે ઇન્સ. ઇકબાલખાનનાં હાથમાં સપડાઇ ગઇ હતી. ખબર નહીં કયાંથી તે ઇન્સ્પેકટરને તેની ભનક લાગી ગઇ હતી અને તે એને ઉઠાવીને અહીં લઇ આવ્યો હતો.

અહીં એક નવું કૌતુક તેની રાહ જોઇ રહયું હતું. જે યુવકનો તેને અમદાવાદનાં બસ સ્ટેન્ડમાં ભેટો થયો હતો એ જ યુવક પોતાની જાતને ઇન્દ્રગઢનાં રાજકુંવર તરીકે ઓળખાવી તેની સમક્ષ ઉપસ્થિત થયો હતો. તે ચકરાઇ ઉઠી હતી. રાજમહેલમાં જે રીતની તેની આગતા-સ્વાગતા થઇ હતી અને અહીંનાં બાશિન્દાઓ જે પ્રમાણે એ યુવાનનો પડયો બોલ જીલતાં હતાં એ જોઇને એ યુવક ખોટું બોલતો હોય એ શક્યતા નામશેષ જણાઇ હતી. એથી પણ વધુ હેરાનીની વાત એ હતી કે તેને પણ પેલાં ફોટામાં રસ હતો. તે પણ ફોટા જોવા માંગતો હતો. પણ શું કામ...?

સતત વિચારી-વિચારીને અનેરીનું માથું દુઃખવા લાગ્યું. અડધી રાતનો મઝલ ભાંગવા છતાં તેની આંખોમાં ઉંઘનું દુર-દુર સુધી નામો-નિશાન જણાતું નહોતુ. પથારીમાં આળોટીને શરીર પણ હવે થાકયું હતુ. હળવે રહીને પડખું ફેરવીને તે ઉભી થઇ. પલંગ ઉપરથી પગ નીચે લબડાવીને ફર્શ ઉપર મુકયાં. ખુલ્લી મુલાયમ પગની પાનીઓ ઠંડીબોળ થયેલી ફર્શને સ્પર્શી અને તેનાં શરીરમાં ઝણઝણાટી પ્રસરી ગઇ. એ આહલાદક ઠંડકને માણતી તે ઉભી થઇને કમરાની બારી નજીક પહોંચી. બંધ બારીનાં કમોડને બંને હાથે હળવેકથી ધક્કો મારીને ખોલી નાંખ્યાં. બહાર વિંઝાતો ઠંડો પવન ઝપાટાભેર બારીમાંથી અંદર રૂમમાં ધસી આવ્યો. તે થથરી ઉઠી. તેનાં હાથ આપોઆપ આપસમાં ભિડાયાં અને બારી બહાર દેખાતાં ગહન અંધકારને તાકતી તે થોડીવાર એમ જ ઉભી રહી.

સાવ અચાનક જ તે એક અલગ વિચારે ચડી ગઇ. વિનીત તેને પ્રેમ કરતો હતો. તેની આંખોમાં સ્પષ્ટ દેખાઇ આવતું હતું કે તે એનાં પ્રત્યે આશક્ત થયો હતો. પરંતુ સામા પક્ષે પોતાનાં હદયમાં વિનીત પ્રત્યે એવો કોઇ ઉમળકો ઉદ્દભવ્યો નહોતો. એક મિત્ર તરીકે....એક સાથી તરીકે વિનીત બેલાશક ઉત્તમ પુરુષ સાબિત થાય એમાં શંકાને કોઇ સ્થન નહોતું, પરંતુ તેને એક પ્રેમી તરીકે સ્વિકારવા તેનું દિલ હજુ તૈયાર નહોતું. એવું કોઇ સપંદન તેને ઉદ્દભવ્યું જ નહોતુ. તે જાણતી હતી કે આ વાત પચાવતાં વિનીતને ચોક્કસ તકલીફ થવાની છે. પરંતુ હકીકતથી ભાગવું એ પણ એક મુર્ખામી જ ગણાયને..! જ્યાં સુધી દિલમાં ઉમળકો ન જન્મે ત્યાં સુધી પ્રેમ થવાની તો કોઇ શક્યતા જ નહોતી. અને અત્યારે આવી કોઇ બાબત વિચારવાનો તેની પાસે સમય પણ ક્યાં હતો. તેનાં માટે સૌથી અગત્યનાં તેનાં દાદા હતાં. તેનું સમગ્ર ધ્યાન અત્યારે દાદાને અપહરણકારોની ચુંગલમાંથી છોડાવવાનું હતુ. એ માટે તે કંઇ પણ કરવા તૈયાર હતી. કોઇપણ હદે જવા તૈયાર હતી.

તે વિચારતી જ હતી કે એકાએક પવન જોગીનાં શબ્દો તેનાં જહેનમાં ઉદભવ્યાં. તે કંઇક બોલ્યો હતો....! અનેરીએ મગજ કસ્યું. શું કહયું હતું તેણે...? ઓહ યસ્સ...., હું જેની તલાશમાં છું એ ચીજ તેની પાસે છે...! હાં, એ મતલબનું જ કંઇક તે બોલ્યો હતો. અને સાથે મળીને કોઇક ગુત્થી ઉકેલવાની વાત તે કહેતો હતો. એ સમયે તેણે તેની વાત બરાબર સાંભળી નહોતી કારણ કે તે ગુસ્સામાં હતી. એક તો તેને આમ જબરજસ્તીથી અહીં લાવવામાં આવી હતી તેનો ગુસ્સો અને ઉપરથી હજ્જારો સવાલો તેને પુછાતાં હતાં તેની નારાજગી. એવા સમયે અન્ય કોઇ બાબતે તેનું ધ્યાન ખેંચાયું જ નહોતું. પરંતુ અત્યારે રાતનાં નિરવ શાંત વાતાવરણમાં અચાનક એ બધું તેને યાદ આવવા લાગ્યું હતું.

“ જો હું પવન જોગીને બધું જણાવી દઉં તો...?” તેનું મગજ વિચારે ચડયું. એ કોઇ ખોટનો સોદો તો નહોતો જ. તેને જે જોઇએ છે એ મારી પાસે છે અને હું જે “ કંઇક ”ની ખોજમાં છું એ તેની પાસે છે. એ વિચારે અનેરી એકાએક જ સાવ હળવી ફૂલ થઇ ગઇ. પેલા ફોટાઓ આમ પણ તેણે આપી જ દેવાનાં હતાં. તો પછી એ પવન જોગીને બતાવવામાં કોઇ હર્જ નહોતો. તેનાં ચહેરાં ઉપર હળવાશ તરી આવી. તેણે પવન સાથે સહકારથી વર્તવાનું નક્કી કર્યું. વધુ વિચારવાનું માંડી વાળી તેણે બારી બંધ કરી અને ત્યાંથી પાછી ફરી પલંગમાં આડી પડી. આ વખતે તેને ઘસઘસાટ ઉંઘ આવી ગઇ હતી.

@@@@@@@@@@@@

મૂળ પ્રશ્ન તો એ હતો કે કોઇ આટલી રહસ્યમય રીતે ચિત્રો દોરે તો પણ કબુતરોનાં જ ચિત્રો શું કામ દોરે...? મારા જહેનમાં આ પ્રશ્ન કોઇ ઘણની જેમ પડઘાતો હતો. કબુતરો સિવાય પણ ઘણાં બધા પક્ષીઓ અને પ્રાણીઓ હતાં જે દોરી શકાયા હોત. છતાં એ ખોખાનાં ફલેપની અંદર કબુતરોનાં ચિત્રો દોર્યા હતાં. એ પણ એક નહી કુલ દસ ચિત્રો. ઉપરાંત તેની નીચે નંબર પણ આપવામાં આવ્યાં હતા..! શું કામ...? કબુતરોમાં એવું તો શું ખાસ હોય છે જે અન્ય પક્ષીઓમાં હોતું નથી....? મેં દિમાગ ઉપર જોર લગાવ્યું. અને એકાએક જ મને ઝબકારો થયો. “ ઓહ યસ્સ... ” મારા મોં માંથી ખુશીનાં અતિરેકથી ચીખ નીકળી પડી.

મેં કયાંક વાંચ્યું હતું, અરે નહિ....નાનપણમાં ભણવામાં આવતું હતું. યસ્સ... પહેલાનાં જમાનામાં જ્યારે ટેલીફોન કે ટપાલ વ્યવહારનાં કોઇ સાધનોની વ્યવસ્થા નહોતી ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશા વ્યવહાર કરવા માટે કબુતરોનો ઉપયોગ થતો હતો. તો શું આ કબુતરો પણ એવા જ હશે....? મતલબ કે કોઇ રહસ્યમય સંદેશાઓની આપ-લે માટે આ કબુતરોનો ઉપયોગ થયો હશે...? મારી ધડકનો એકાએક તેજ થઇ ઉઠી. ચોક્કસ એવું જ હોવું જોઇએ, નહિંતર આટલી ગુપ્ત રીતે કોઇ નિશાનીઓ કેવી રીતે છોડે...? હું જેમ-જેમ વિચારતો ગયો તેમ-તેમ મારા મનમાં ભૂકંપનાં ઝટકા આવવા લાગ્યાં હતા. એક વાત મને ચોક્કસપણે સમજાઇ હતી કે આ કબુતરોનાં ચિત્રો જરૂર કોઇક અગત્યનાં સંદેશા વ્યવહારની એક કડી છે. કોઇ એવો સંદેશા વ્યવહાર જે અત્યંત ગોપનીય રીતે થયો હોવો જોઇએ. એ ઉપરાંત બીજુ પણ કંઇક મારા જહેનમાં ઉદ્દભવતું હતું. એક તો એ કે આ સંદેશાવ્યવહાર કદાચ હજ્જારો વર્ષો પહેલાં થયો હોવો જોઇએ, કારણકે એ સમયે મુખ્યત્વે કબુતરો દ્વારા જ સંદેશાઓ મોકલાતા અને મેળવાતા હશે. અથવા તો એક બીજી શક્યતા એ હતી કે જ્યાં આજનાં સમયે પણ સંદેશાઓની આપ-લે માટે કબુતરો સિવાય અન્ય કોઇ સવલત ઉપલબ્ધ નથી. કોઇ એવી જગ્યા કે જ્યાં આજનાં આધૂનીક યુગમાં પણ સંદેશા વ્યવહારની કોઇ સવલત ઉપલબ્ધ નથી.

મને આ બીજી શકયતા વધું અનુરૂપ જણાતી હતી. કારણકે ખાખી પુંઠ્ઠાનાં બોક્સ ઉપર દોરેલાં ચિત્રો હજ્જારો વર્ષ પુરાણા તો નહોતાં જ જણાતાં...! એનો મતલબ સાફ હતો કે આજે પણ એવું કોઇક સ્થળ એવું છે જ્યાં સંદેશા વ્યવહાર માટે કબુતરોનો ઉપયોગ થાય છે. અને એ સ્થળે આ કબુતરો મારફત જરૂર કોઇ અગત્યનાં સંદેશાઓ મોકલાયાં હોવા જોઇએ.

ખુશીથી હું ઝુમી ઉઠયો. મને લાગ્યું કે મેં કબુતરો વાળી પહેલી સુલઝાવી નાંખી છે. પરંતુ શું ખરેખર એવું હતું....? અને પેલા બે મીંસીંગ ૬ અને૧૧ નંબરનાં કબુતરોનું શું....?

( ક્રમશઃ)

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા કહેજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો લેખકને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ વોટ્સએપ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.