Second Choice - 2 books and stories free download online pdf in Gujarati

સેકન્ડ ચોઇસ(પાર્ટ-2)


રાજકોટના પૉશ એરિયામાં લક્ઝુરિયસ બંગલો ધરાવતાં કરોડપતિ શેઠ, સવાર સવારમાં બંગલાની આગળના ભાગે બગીચામાં પોતે વાવેલા અલગ અલગ જાતના ગુલાબના છોડવાઓને હાથમાં રહેલી પાતળી પાઈપ દ્વારા (દ્રશ્ય પૉઝ: આ પાયલના પપ્પા નારણશેઠ છે.) પાણીનો છંટકાવ કરી રહ્યાં હતા. કપરી પરિસ્થિતિઓને પાર કરી પોતાની મહેનતથી આગળ આવેલા નારણશેઠના વાળમાં ચાંદી ચડી, થોડી ચરબી પેટ પર ચડી પણ રૂપિયાની ચરબીને મગજમાં ચડવા દીધી નથી. ઓફિસમાં થ્રી પિસ સુટ પહેરીને કડક બોસ તરીકે મહાલતા નારણશેઠ ઘરમાં તો લેંઘો સદરો પહેરી ટહેલતા રહેતાં. 

ઘરમાંથી બહાર આવેલી એક જાજરમાન સન્નારીએ એક હાથ કમર પર મુકી બીજા હાથની હથેળીથી પોતાનું કપાળ(દ્રશ્ય પૉસ: આ પાયલના મમ્મી જયશ્રીબેન છે પણ પહેલી નજરે પાયલની મોટી બહેન જ લાગે.) કૂટ્યું.

' ગાર્ડનની માવજત જો તમારે કરવાની હોય તો માળીને રજા આપી દ્યો ને.. તેનાં પગારના જે પૈસા બચ્યાં ઈ...'

જયશ્રીબેનના છેલ્લાં બોલાયેલા “જે પૈસા બચ્યાં ઈ...” શબ્દોમાં નારણશેઠ પણ આબાદ રીતે સાથે જોડાઈને એ જ લહેકામાં બોલ્યા એટલે જયશ્રીબેન વધારે છંછેડાયા...

'કરો, મારી નકલ કરો. બાપ અને દિકરીને મન તો હું ગમાર છું. '

“ અરે મારી શ્રી, તારા આ તકિયાકલામ..જે પૈસા બચ્યાં ઈ..થી મેં આજ સુધીમાં કરોડો પૈસા બચાવી લીધા છે.” નારણશેઠનું અટ્ટહાસ્ય કરોડપતિ ને છાજે અને ગૃહણીને ગમે એવું હતું.

“હવે તમે ગાર્ડનિંગને તડકે મુકો. આજે ફેક્ટરી પર નથી જવાનું એટલે શું આખ્ખો દા'ડો અહીંયા પાણી ઉછાળતાં રહેશો ? રમણભાઈનું ફેમિલી હમણાં આવી જશે. તમારે તૈયાર નથી થવાનું?”


“ કમાલ છે! જેને માટે આવે છે તેને કાંઇ ચીંતા નથી અને તું મને તૈયાર થવાનું કહે છે.”

“ તો શું આવા લેંઘો ને સદરો પહેરીને એમને આવકારશો? જાવ અંદર અને ફટાફટ તૈયાર થઈ જાવ.”

નમતું જોખવા ન માંગતા હોય એમ નારણશેઠ ઠાવકો ચહેરો રાખી બોલ્યા, 'પણ એમાં મારે તૈયાર થવાની શું જરુર છે? વર્ષો પહેલાં જ્યારે હું ચડ્ડી પહેરીની ફરતો હતો ત્યારથી રમણ મને ઓળખે છે..અલબત્ત મેં તો મારી છેલ્લી ટ્રીપમાં જ ચડ્ડી પહેરેલા રમણને ન્યૂ જર્શીના રસ્તાઓ રખડતાં જોયો હતો. '

હે ભગવાન! આ માણસનું ફટકી ગયું છે કે મને હેરાન કરવા અનાપ સનાપ બોલે છે? જયશ્રીબેને ફરીથી કપાળ કૂટ્યું .

'હવે આવી નાની વાત માટે ભગવાન પાસે RTI કરવા ન જવાય શ્રી...મને જ પુછી લે.' નારણશેઠ આજે જબરા મજાકના મૂડમાં હતાં.

'મને લાગે છે કે હવે તમને સીધા રસ્તે લાવવા તમારી લાડલીને બોલાવવી પડશે.' કહેતાં જયશ્રીબેને ઉપર દેખાતી બાલ્કની તરફ રૂખ કરી પાયલને બુમ પાડવાની તૈયારી કરી.

“રહેવા દે રહેવા દે હવે... તું નાહકનો પાયલનો એક્સરસાઈઝ કરવાનો સમય બગાડીશ.” પાયલના ટાઈમઝોનમાં ગાબડું પડશે એવી ચિંતા થતાં જ નારણશેઠે શાબ્દિક યુધ્ધને અટકાવવું મુનાસીબ સમજ્યું. 

' તો ચાલો અંદર, નાસ્તો તૈયાર જ છે.' વિજયી સ્મિત સાથે ધર્મપત્ની ચહેક્યાં.

કરોડપતિ નારણ હોય, મધ્યમ વર્ગિય મનુ હોય કે ઝુપટપટ્ટીનો જગ્ગુ દરેકને પત્નીની પાસે માથું નમાવ્યા સીવાય ક્યાં છુટકો છે!

'ભલે શ્રી , ' પછી એમણે જોરથી હાંક મારીને માળીને બોલાવી બાકીનું કામ પુરું કરવાની સુચના આપી દીધી. ઘરની અંદર આવતાં જ કંઈક યાદ આવ્યું હોય એમ તેઓ ઉભા રહી ગયાં અને પછી જયશ્રીબેન તરફ જોઈને બોલ્યા, 'તારી સાથેની નોક ઝોંક પછી મને હંમેશા ફ્રેસ ફિલ થતું હોય છે. ડૉક્ટર ચેક અપ માટે કૉલ કરતો રહે છે ને હું જતો નથી એટલે એમાં પણ જે પૈસા બચ્યાં ઈ....' 

જયશ્રીબેને મૂક્કી ઉગામી એટલે નારણશેઠ વાક્ય અધૂરું મુકી ઝડપથી બાથરૂમમાં ઘુસી ગયાં.

**************

''લીખને વાલે ને લીખ ડાલે મીલન કે સાથ બીછોળે
અસ્સા હુંણ તુર જાણા એ દિન રહે ગયે થૌડે."

મ્યુઝિક પ્લેયરમાં ધીમે ધીમે વાગતાં ગીતને રીમોટથી એકદમ ધીમું કરી જયશ્રીબેન રિકલાઈનર પર બેઠેલા પતિ તરફ થોડાં સરક્યાં, “કહું છું,હજી થોડો વીચાર કરી લો.ઉતાવળ ના કરો.”

“તું મા છો એટલે વધારે પડતી ચીંતા કરે છે.”

'પાયલની ચીંતા મારા કરતાં હમેંશા તમે વધારે કરતા આવ્યાં છો.. પણ તમારું આ NRI મુરતિયાવાળું ડિસીઝન પાયલને આપણાંથી દૂર કરી નાખશે.'

'આપણાથી દૂર તો થવાની જ છે તો પછી અમરેલી હોય કે અમેરિકા.' વાક્યોમાં ઠાવકાઈ રાખી મનનો અંજપો દૂર રાખવામાં બાપ હંમેશા સફળ નિવડતો હોય છે. 

“પણ છોકરો અહીંનો રહેવાસી હોય તો એને ઘર જમાઈ બનાવીને પણ પાયલને આપણાંથી દૂર થતી બચાવી શકીશું.” ઘણાં સમયથી પતિને આ વાત કરવાની ગડમથલમાં રહેલા જયશ્રીબેને આજે પેટ ઉલેચ્યું.

“તેં અથવા પાયલે એવો કોઈ છોકરો..સોરી ..ઘરજમાઈ પસંદ કરી રાખ્યો છે?' નારણશેઠથી જીજ્ઞાસા કમ ઉલટતપાસ જેવો સવાલ પુછાયો.

'ના' રે, મારી ઈચ્છા અત્યારે તમને જણાવી બાકી તમારી લાડલી તમારાથી કોઈ પણ વાત ખાનગી રાખતી નથી એટલે કદાચ પાયલે કોઈ છોકરાને પસંદ કરતી હોત ને તોય સૌ પ્રથમ તેણે તમને જાણ કરી હોત. મારી પાસે આજ સુધી આજની હવા પ્રમાણે, લવ કે તેની પસંદ પર એક હર્ફ પણ ઉચ્ચારેલ નથી.'

'તો પછી આ વાત પાયલની મુનસુફી પર રહેવા દે. મેં રમણ પાસે આ વેવિશાળ કરી નાખવાનું કોઈ કમિટમેન્ટ નથી કર્યુ.'નારણ શેઠે થૂક ગળા નીચે ઉતારવા ઉમેર્યું, 'અરે ભ'ઈ એ આવતો હતો તો મેં તેને તેના પત્ની રમા અને દિકરાને સાથે લાવવાની વાત કરી છે. અને રમણનો દિકરો....શું નામ..? હા...રિયાન હેન્ડસમ છે અને ફિઝીયોથૅરેપિસ્ટ છે. એ પાયલને ગમે તો જ વાત આગળ વધારવાની છે. નહીંતર રિયાન, રમણ, રમા આ ટ્રિપલ R BTP થશે.'

' આ BTP એટલે ?

'બેક ટુ પેવેલિયન... ન્યુ જર્શી તેમને પરત બોલાવશે.'

એ દરમ્યાન...
બહાર પોર્ચમાં એક ગાડી હળવાં આંચકા સાથે ઉભી રહી. ગાડીના બ્રેકની આછી ચીસ ઉપરના મજલે વિન્ડો પાસે ઉભેલી પાયલનું ધ્યાન ખેંચી ગયું. આગંતુકને જોવા માટે સહેજ કુતુહલથી પાયલે બારીમાંથી નીચે નજર કરી તે સાથે જ ડ્રાઇવર સાઈડનો દરવાજો ખોલી બહાર નીકળતા યુવાનનું ધ્યાન પણ પાયલ તરફ ગયું.

એક ક્ષણ માટે બન્નેના ધબકારા ચુકાયા હતાં એવું તો કાર્ડીયો ગ્રામ જણાવી શકે...(આપણને શું ખબર !. )

(ક્રમશ:)
********************************************