Second choice - 3 books and stories free download online pdf in Gujarati

સેકન્ડ ચોઇસ - (પાર્ટ-3)

પાર્ટ-3

"દિલ તમોને આપતા આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું;
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું!"

પાયલ સાથે નજર મળતાં  રિયાનને એક ક્ષણ પુરતો ધબકારો ચૂકાઈ ગયો અને એ એક ક્ષણમાં અડધી ક્ષણ માટે તો જાણે દુનિયા થંભી ગઈ અને બાકીની અડધી ક્ષણમાં  હ્રદય અને મસ્તિષ્ક અલગ ,અલગ જગ્યાએ હોવા છતાં બન્ને જગ્યાએ એકસાથે ખળભળાટ મચી ગયો.
આ પાયલ છે? કે બીજું કોઈ?
મિત્રોને કેટલા કોન્ફિડન્સથી કહેતો હતો કે મને એક નજરમાં ગમી જાય એવી છોકરી બનીજ નથી.
તો પછી આ શું થયું ? 
આજે આ ઈન્ડિયન બ્યુટીને જોઈને મારા હોશ કેમ ઉડવા લાગ્યાં ?' 
શું આને જ લવ એટ ફર્સ્ટ સાઈટ કહેવાય?'

બીજી જ ક્ષણમાં બધાં જ વીચારોને હડસેલી દેતો હોય એમ રિયાને કારનાં દરવાજાને હડસેલો મારી બંધ કર્યો. 
રમણભાઈ અને રમાબેન પણ કારમાંથી બહાર આવી રિયાનની બાજુમાં ઉભાં રહ્યાં. 
'ખુબસુરત કપલ ઓફ ધ પ્લેનેટ...આફ્ટર યુ.' સહેજ સ્મિત કરીને રિયાને પેરેન્ટ્સને આગળ ચાલવાનો ઈશારો પોતાનાં ડાબા હાથ દ્રારા કર્યો.
'એઝ યુ વિશ માય ચાઈલ્ડ.' રમાબેન પોતે ખુબસુરત હોવા ઉપરાંત ખુબસુરત અવાજની પણ માલિકી ધરાવે છે એનો પુરાવો રજૂ કર્યો. 

'તારી મોમ ભલે કહેતી હોય પણ આ વખતે વિશ તો અમારી જ ચાલવાની છે.' રમણભાઈએ સિફતપૂર્વક સોગઠી મારી.

'ડેડ , વિલ યુ પ્લીઝ..? રિયાને આ ટૉપિક પર ચર્ચા અટકાવવા ફરીથી રમણભાઈને આગળ ચાલવાનો ઈશારો કર્યો અને  ઉપરની વિન્ડો તરફ નજર નાખવાનું મહામહેનતે ટાળી  મમ્મી-પપ્પા પાછળ ચાલવાનું મુનાસીબ સમજ્યું.
                        ******
જ્યારે પાયલની નજર અનાયાસ રિયાન સાથે અથડાઈ પડી ત્યારે એને આશ્ચર્ય થયેલું. આવનાર વ્યક્તિ રિયાન છે એ બાબતમાં એને કોઈ શંકા ના હતી પણ એકાદ ક્ષણ માટે પાયલને રિયાનને બદલે રોહિત આવી ગયો હોય એવો ભાસ થયો....
રોહિત જેટલું જ કદ અને કસાયેલું કસરતી બોડી  ધરાવતો રિયાન જો પીઠ ફરીને  ઊભો હોત તો પાયલને ચોક્કસ ગલતફહમી થઈ જાત. ક્લિન શેવ્ડ ચહેરો,ઘટાદાર પણ શેપમાં રહેલા બાલ . સોનેરી કલરની રીમલેશ ફ્રેમમાંથી દેખાતી, સામેવાળી વ્યક્તિને માપી લેતી હોય એવી પાણીદાર આંખો અને ટૉમ ક્રૂઝના નાક જેવું જ શેપ ધરાવતું રિયાનનું નાક મહદઅંશે રોહિત જેવોજ દેખાવ ઊભો કરી ગયું હતું પણ  રોહિત ચશ્માં નથી પહેરતો . શેવિંગ કરવાની આળસમાં ગાલ દાઢી પર કાળી કીડીઓ ફરતી હોય એવો દેખાવ રહેતો.ઘટાદાર બાલને શેપમાં રાખવાને બદલે ઝુલ્ફા ફરફરતા રાખતો એને કારણે રિયાન એક અલગ વ્યક્તિત્વ છે એવું પાયલને સ્વીકારવું પડ્યું. 
છતાંપણ પોર્ચમાંથી પસાર થઈ ઘરમાં જતાં રિયાનની સરખામણી પાયલ મનોમન રોહિત સાથે કરતી રહી.મક્કમતાથી ડગલાં ભરતો, ડાર્ક નેવી બ્લૂ કલરના શ્યુટમાં શોભતો રિયાન શૂઝ બાબતે પણ ચુઝી દેખાણો. જ્યારે ચાલ,કપડાં કે શુઝ  બાબતે રોહિત કાયમ લાપરવાહ રહેતો.  અને રિયાનનો ઘેઘૂર અવાજ......

પાયલને પોતાની જાત પર આશ્ચર્ય થવા લાગ્યું, 'મને શું થયું છે ?  આ સરખામણી શા માટે કરૂં  છું ? શું હું રિયાન  પ્રત્યે આકર્ષિત થવા લાગી છું ?.....પાયલે,વિચારોને ખંખેરવા માંગતી હોય એમ જોરથી માથું ધુણાવ્યું અને ઉંડો શ્વાસ ખેંચીને બેડ પર જ બેસી ગઈ.
                         **********

હૉલમાં હાસ્યની મહેફિલ જામી હતી. નારણશેઠને તો લંગોટીયો યાર મળી ગયો એટલે પોતે અને રમણે ક્યાં  ક્યાં ભાંગરા વાટ્યા હતાં એ વાતો કરીને ખડખડાટ હસવા પર બધાને મજબૂર કરી રહ્યાં હતાં. 
'અરે નારણ ,પેલી જીવલી ડોસીનો કિસ્સો કહે તો..બધાને મજા પડશે.' રમણભાઈએ સુચવ્યું.
નારણશેઠે ગળું ખોંખાર્યુ એટલે જયશ્રીબેન,રમાબેન અને રિયાનની સાથોસાથ ફુલો મુકવા અંદર આવેલા માળી અને દૂર ઊભેલાં બે ઘરનોકરે પણ કાન સરવા કર્યા.
'રમણ અને હું  નાટકના શોખીન હતાં .નાટક મંડળી ગામમાં આવી હોય અને જો એમને ક્યારેક વૉલેન્ટિઅરની જરુર પડે તો અમે ખુશી ખુશી નાટકમાં ભાગ લેતા .એકવાર મને અને રમણને યમ-દૂતનો રોલ કરવાનું ભાગે આવ્યું . હું યમ અને રમણ મારો દૂત બનેલ.મોડી રાત્રે નાટક પુરુ થયાં બાદ 'યમ -દૂત'ના  કપડાં બદલવાની આળસમાં ઘરે જવા નીકળી ગયાં.. કાળો કલર , કાળાં કપડાં , માથે શીંગડા અને ખભે લાકડાની કાળી ગદા લઈને જતાં હતાં ત્યાંજ અમારી  આગલી શેરીમાં રહેતી  ઝઘડાખોર જીવલી ડોસી તેના ઘરમાંથી બહાર નીકળી..આછા પ્રકાશમાં અમારો દેખાવ જોઈને ડોસી છળી ઊઠી અને 'જમડા આવ્યાં' એવી રાડ પાડી ઘરમાં ઘુસી ગઈ...મને થયું કે આજે સરખો લાગ આવ્યો છે. ચાલો ડોસીને સીધીદોર કરી નાખીએ..એટલે રમણ સામે આંખ મીચકારી જીવલી ડોસીના ઘરને બારણે ઊભાં રહી નાટક ચાલું કર્યું...
'હૈ દૂત ,જીવલી ડોસી કા ઘર કા  યહી હૈ ના?
'હા યમજી, ઘર તો યહી હૈ ?'
'તો ફીર ચલો ઈસ બુઢીયા કે પ્રાણહરન કરતે હૈ.'

અંદરથી જીવલી ડોસી બુમો પાડીને કહેવા લાગી..'વો જીવલી  ઈધર નથી રે'તી એ તો બાજુવાલી શેરીમે રે'તી હે.'

અમે માંડ માંડ હસવું રોકી રાખ્યું ,'ફીર તો ગરબડ હો ગઈ આજ કા સમય ખતમ હો ગયા હૈ. ચલો દૂત, કલ આતે હૈ .ડોસી કા પ્રાણહરન કલ કરેંગે.'
'લેકીન યમજી,અગર કલ વો ઝઘડા નહીં કરેગી, અગર કોઈ ઉસકે મરને કી દૂઆ નહીં કરેગા તો હમ કલ કૈસે આ શક્તે હૈ ? 
'અગર ઉસ બુઢીયાને ઝઘડા કરના બંધ કર દીયા તો હમ નહીં આયેંગે .બુઢીયાકી જીંદગી બઢેગી ઓર વોહ બચ જાયેગી.'

અંદરથી જીવીડોસીએ જવાબ આપ્યો ,'ભલી બાઈ હૈ. હવે કીસીસે બાઝશે નહીં એની ગેરંટી મે દે'તી હુ.'

ડોસીની ગેરંટીથી બધા ખડખડાટ હસી પડ્યાં.
 રિયાન મલકાયો  પણ મનમાં અકળાઈ રહ્યો હતો.અને મનોમન વિચારી રહ્યો...થોડીવાર પહેલાં જે રૂપસુંદરીને જોઈ હતી તે પાયલ જ હતી ? એ હજી આવી કેમ નથી?  શેનો ડર લાગી રહ્યો છે ? બહારથી સ્વસ્થ દેખાવા મથતાં રિયાનની  અંદરથી બેચેની વધવા લાગી હતી.

' રિયાન, તું અમારી વાતોથી બૉર થતો હોય એવું લાગે છે.' નારણશેઠે ચતુરાઈથી રિયાનને વાતમાં લપેટવાની સફળ કોશિશ કરી.

આજની જનરેશન પોતાનાં મનોભાવો કળાવા દ્યે ?'Not at all uncle . I'm just enjoying your drama experience.' અને સિફતથી ઉમેરી પણ દીધું,' પણ પાયલે આ બધાં કિસ્સાઓ સાંભળ્યા હશે  એટલે તેને આવી જુની વાતોમાં ઈન્ટરેસ્ટ નહીં હોય.'
રિયાને આડકતરી રીતે પાયલની ગેરહાજરીની નોંધ કરાવી. 

'મી. રિયાન , તમે મને ખુલાશો કે બચાવની તક આપ્યાં વગર બ્લેમ કરી રહ્યાં છો.' પાયલના મંઝૂલ અવાજથી ચોંકેલા રિયાને પાછળ નજર કરી..એમરાલ્ડ ગ્રીન કલરનુ ફુલ સ્લિવ ટૉપ અને વ્હાઈટ ડેનીમ જીન્સ અને બ્લેક હાઈ હિલ્સ શૂઝમાં શોભતી પાયલ સીડીના છેલ્લે પગથીયે ઉભી હતી.

'im out of favour with the lady luck these days...' રિયાને પોતાના પોતાના કપાળ પર બે આંગળીઓ ઘસી,' જુઓને એક રૂપના ઝરણાંને મારાથી નારાજ કરી બેઠો.'
સોરી બોલ્યાં વગર દિલગીરી દર્શાવાની અને સાથોસાથ પાયલનાં વખાણ કરવાની રિયાનની અદા હૉલમાં બેઠેલા બધાંના ચહેરા પર ચમક લાવી ગઈ તો પાયલના ચહેરા પર મલકાટ.

વડિલો સાથે નમસ્તે વીધી કરીને રિયાનની બાજુમાં બેસવાની તૈયારી કરતી પાયલને નારણશેઠે અટકાવી....., 'અમારી વાતોથી રિયાન બોર થઈ ગયો હશે તમે બન્ને  બહાર ટહેલતા આવો ત્યાં સુધી અમે અમારી જુની વાતો વાગોળી લઈએ.'
નારણશેઠની મુત્સદ્દી પર જયશ્રીબેન સીવાય બધા વારી ગયાં.
'It's cool idea. ' કહેતાં રિયાને પાયલ તરફ પ્રશ્નસુચક દ્રષ્ટિએ જોયું.

'ઑકે. ' પાયલે કઈક વિચારીને દઢ્તાથી ઉભી થઈ.
 .
બન્નેને જોડાજોડ જતાં જોઈને રમાબેનથી બોલ્યા વીના ના રહેવાયું...,' ખૂબસૂરત કપલ ઑફ ધ પ્લેનેટનો ખિતાબ તો આમને મળવો જોઈએ.'

ચાર નજરો વારાફરતી એકબીજા સાથે સુચક રીતે ટકરાઈ  રહી હતી.
                           **********
આખા રસ્તે ગાડીમાં મોદીથી માંડીને મોદક અને ફેશન થી લઈને  ત્રિપલ તલ્લાક પર વાતો કરતાં રિયાન અને પાયલ આજીડેમ પહોંચ્યા.

'શહેરથી બહાર કુદરતી, નયનરમ્ય સ્થળ આજીડેમનો આ બગીચો હવે લવર્સ માટે ફેવરિટ  સ્પોટ બની ગયો છે.' પાયલે ધીરે ધીરે એક દીશા પકડીને વાત કરવાની શરૂઆત કરી.

'મતલબ તમે અહીં આવો ત્યારે લવમાં પડી ચૂક્યા હોવા જોઈએ ? કે અહીંયા આવ્યાં બાદ લવનો ઈજહાર કરવાનો ?' પોતાનો મેઈન ટ્રેક દેખાતાં રિયાને સીધો જ સવાલ કરી નાખ્યો.

પાયલના ચહેરા પર થોડી અસમંજસ ફેલાઈ ગઈ. એની ચૂપકીદીથી રિયાનને અહેસાસ થયો કે થોડું કાચું કપાયું છે.
'છોકરી ગમે તેટલી મોર્ડન હોય પહેલ હંમેશા સામો પક્ષ કરે એવી અપેક્ષા રાખતી હોય તો મારે સવાલ પુછવાનું પડતું મુકવું જોઈએ.'

'પહેલની વાત નથી.હું શબ્દો ગોઠવવાની અવઢવમાં હતી.'પાયલ પાછીપાની કરવા માંગતી નહોતી.

'તો પછી મને પહેલાં કહી લેવા દો હું હંમેશાં મારા ઈમોશનને કન્ટ્રોલમાં રાખતો આવ્યો છું.  આઈ નેવર રન અવે વિથ માય ફિલિન્ગ્ઝ.હજારો છોકરીઓ આંખો સામેથી પસાર થઈ હશે પણ ક્યારેય કોઈ સીધી જ મારી  હાર્ટબીટ વધારી ગઈ હોય એવું બન્યું નથી.પણ આજે તમને જોયા બાદ..' રિયાને ભાવવાહી સ્વરે બોલતાં ધીરેથી પાયલની નાજુક હથેળીને પોતાની હથેળીમાં મુકી બીજા હાથથી એને કેદ કરી ઉમેર્યું,' આજે અહેસાસ થયો કે લવ એટ ફર્સ્ટ સાઈટ કોને કહેવાય છે.'

પાયલની મોટી ગોળ આંખો થોડી વધારે પહોળી થઈ અને  ફરી એકવાર મનોમન રિયાનની સરખામણી રોહિત સાથે કરી બેઠી. 'પ્રથમ મુલાકાતે જ કેટલાં હક્કથી આ માણસ  મારા હાથને સ્પર્શ કરી રહ્યો છે જ્યારે રોહિતનો સ્પર્શ પામવા માટે મારે કોઈ બહાના શોધવા પડતા હોય છે.

'પણ મારે જે કહેવું છે એનાથી કદાચ..' પાયલે હળવેથી પોતાની હથેળીને રિયાનની કેદમાંથી સેરવી..,'તમને આઘાત લાગશે બટ લેટ મી ક્લીઅર હું બીજા કોઈની પસંદ બની ચૂકી છું.'

પોતે કરેલા વિસ્ફોટથી કેવી તારાજી ફેલાણી છે એ જોવા માટે પાયલ એકીટશે રિયાનના ચહેરાને તાકી રહી.

દૂર કોઈ ગાડીના મ્યુઝિક પ્લેયરમાંથીમાંથી  જગજીત સિંગનો ઘેરો ઘુંટાયેલ અવાઝ રેલાઈ રહ્યો હતો....

"હાથ છૂટે ભી તો રીસ્તે નહીં છોડા  કરતે.
વક્ત કી શાખ સે લમ્હે નહિં તોડા કરતે."
લગ કે સાહિલ સે જો બહતા હૈ ઉસે બહને દો
એસે દરિયા કા કભી રૂખ નહીં મોડા  કરતે."

(ક્રમશ:)