Mari Navlikao - 5 books and stories free download online pdf in Gujarati

મારી નવલિકાઓ ૫

ડાયાસ્પોરાના વઘુ ચમકારા

ઉમાકાંત મહેતા.

દાનવીર

નગીનદાસ શેઠ અને સફળતા એકબીજાના પર્યાયરૂપ બની ગયા હતા.જ્યાં નગીનદાસ શેઠ હોય ત્યાં સફળતા હોય અને જ્યાં સફળતા હોય ત્યાં નગીનદાસ શેઠ હોય.સફળતાનગીનદાસ શેઠની પાછળ પડી હતી કે નગીનદાસ શેઠ સફળતાની પાછળ પડ્યા હતા તેની કોઈને ખબર નહોતી.જે જે ઉદ્યોગ-ધંધામાં તેમણે પદાર્પણ કર્યું હોય ત્યાં તેમને પગલે સફળતા આવી જ હોય.જેમ નાનું બાળક વડીલની આંગળી પકડી ચાલતાં શીખે તેમ કોઈ પણ માંદો ઉદ્યોગ નગીનદાસ શેઠ હાથમાં લે એટલે સફળતા તેમની આંગળી પકડે, અને માંદો ઉદ્યોગ નગીનદાસ શેઠની આંગળી પકડી ઊભો થઈ દોડવા લાગે.

નગીનદાસ શેઠ એક ધંધામાં પલાંઠીવાળી બેસી રહે તેવા નહોતા અરે !તેમને બેસીરહેવું હોય તો પણ લોકો તેમને બેસવા દે તેમ નહોતા. માંદઃગીગ્રસ્ત નાના ઉદ્યોગપતિઓતેમનો હાથ પકડવા અને તેમના ભાગીદાર બનવા માટે ત્મને ત્યાં લાઈન લગાવતાં.આનુંકારણ તેમની કોઠાસુઝ,સમજ અને ઈમાનદારી હતા.સૌને શ્રધ્ધા અને વિશ્વાસ હતાં કેનગીનદાસ શેઠ નિષ્ફળ જવાના નથી. તેમનાં ધંધામાંનું રોકાણ સોનાની સો ટચની લગડી સમાન શુધ્ધ છે,અને તે રોકાણ ભવિષ્યમાં બેવડું થઈને પાછું મળશે.

નગીનદાસ શેઠ ભગવાન ભીરૂ હતા.એટલે કે ભગવાનથી ડરનારા હતા.તેમના ઉદ્યોગો પણ ભવાનના નામ આધારિત હતા..જવા કે 'ચતુર્ભુજ ઈન્ડસ્ટ્રીઝ', 'ગોપાલ કૃષ્ણ ફાયનાન્સ',કનૈયા કોમ્પ્યુટસ્ર', 'જશોદા જ્વેલર્સ', 'નંદકીશોર ફાર્મસી' વગેરે વગેરે.

અરે ! ઉદ્યોગધંધાના નામ માત્ર નહિ, ધંધાના મૂળ માલિક કર્તાહર્તા પણ ભગવાન જ રહેતા, અને શેઠ તો ભગવાનના સેવક તરીકે જ તેનો વહીવટ કરતા .

નગીનદાસ શેઠ એક સફળ ઉદ્યોગપતિ જ નહિ, પણ એક સખાવતી સજ્જન હતા.આગ,અકસ્માત,અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ, ધરતીકંપ,વાવાઝોડું,ચક્રવાત વગેરે કુદરતી હોનારતો હોય કે માનવ આધારિત કે સર્જિત બોમ્બ બ્લાસ્ટથી ઉદભવતાં સંકટો.આવા સંકટ સમયે તેઓ વગર માંગે સહાય કરતા.આ ઉપરાંત સામાજિક સેવાઓ નારી સંરક્ષણ,કન્યા કેળવણી, મુક-બધીર બાળકોની સંસ્થા, મનુષ્યો તથા પશુઓના ચિકિત્સાલયો,ઘરડાંઘર વગેરેમાં તેમનું પ્રદાન ઓછું નહોતું. શહેરની કેટલીય સંસ્થાઓના તેઓ ટ્રસ્ટી હતા. જાહેર સંસ્થાઓ, જ્ઞાતિના મંડળો, સમાજસેવી અને રાજકીય સંસ્થાઓ સાથે એક યા બીજા પ્રકારે સંકળાયેલા રહેતા, પરંતુ દરેક સંસ્થામાં તેઓ સક્રિય હિસ્સો લેતા નહિ.

શેઠ શાણા અને સમજુ માણસ હતા.પોતાના વર્ષો જુના અનુભવથી સમજ્યા હતા કે કોઈપણ રાજકીય કે સામાજિક સંસ્થા સાથે સક્રીય જોડાઈ જવું એ ડાહ્યા માણસનું લક્ષણ નથી.રાજકીયપક્ષો કે સામાજિક સંસ્થાઓ એટલે ગંદવાડ,ઉકરડો,સત્તાની સાઠમારી,આક્ષેપો,પ્રતિઆક્ષેપો,ગાળી ગલોચ વગેરે નગીનદાસ શેઠ તો ભગવાનના માણસ. 'પક્ષાપક્ષી ત્યાં નહિં પરમેશ્વર ' એ સિધ્ધાંતમાં માનનારા જે કોઈ આલતુફાલતુ પક્ષકાર્યકર્તાઓ કે નેતાઓ તેમની પાસે આવે અને પોતાના પક્ષનાઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું કહે,તો તેમને યથાયોગ્ય ફંડફાળો આપી રાજી કરી વિનમ્રતાથી હાથ જોડી કહેતા,

'અરે ભલા માણસ ! મારા જેવા વેપારી માણસને તમારા પક્ષમાં ભરતી કરશો તો તમારા પક્ષનું આવી જ બનશે, હું તો સામાન્ય વેપારી માણસ છું.રાજકીય આંટીઘૂંટી મને આવડૅ નહિ..ભાઈ,સાબ! મને તો રાજકારણથી દૂર જ રહેવા દેજો.'

***

શહેરથી થોડે દૂર ગરીબ લોકોની વસતિ.છૂટાછવાયાં ઝુંપડાં બાંધી રહે.પુરુષો શહેરમાં આવેલી મિલોમાં અથવા ફેક્ટરીઓમાં કામે જાય કે નાના મોટાં ધંધાની ફેરી કરે. ઘરનો પુરુષવર્ગ ધંધા

રોજગાર અર્થે બહાર નીકળી ગયાબાદ શ્ત્રીઓ ઘરનું કામ આટોપે અને સીવણકામ,ભરતત્ગૂંથણ કરે અને જેની પાસે આવો હુન્નર ન હોય કે સાવ નિરક્ષર હોય તે શહેરની આજુબાજુ આવેલી મધ્યમ વર્ગની સોસાયટીઓમાં ઘરકામ કરવા નીકળી પડે. બપોરે આ વસતિ,ઝૂંપડપટ્ટી ખાલીખમ.અપંગ કે ઘરડાં અશક્ત સ્ત્રી-પુરુષો બાળકો કે પછી ઘરમાં બેસી સીવણ સંચા ઉપર બેસી સિલાઈકામ કરતી સ્ત્રીઓ સિવાય આખી વસતિ ખાલીખમ.

આ વસતિમાં કોઈ વાદ કોમવાદ કે જ્ઞાતિવાદ નહિ. ઉચ્ચ નીચ કે આભડછેટના કોઇ ભેદભાવ નહિ. હિન્દુ, મુસ્લિમ વચ્ચે ભાઈચારો અને સ્નેહ-સંબંધ, સુખમાં કે દુઃખમાં, સારા-માઠા

પ્રસંગે, વાર-તહેવારે સૌ એકબીજાની પડખે અડીખમ સગા ભાઈની જેમ ઉભા રહે. તેઓનું એક સગપણ હતું. ગરીબાઇ. ગરીબાઇ તેમની જનેતા હતી. તેમની રગોમાં ગરીબાઇનું રક્ત વહેતું હતું અને તે લોહીનો પણ એક વિશિષ્ટ રંગ ગરીબાઈનો હતો.આ ગરીબાઇએ જ તેમના સર્વ ભેદભાવ મીટાવી દીધા હતા.

***

આ વસતિમાં અબ્દુલ અને રવજી રહે. બંને શહેરની એક જ મીલમાં નોકરી કરે.અબ્દુલની બીવી અમીના સિલાઈનું કામ જાણે..તેણે ઘરમાં સિવવાનો સંચો બેન્કની લૉન લઈ વસાવ્યો હતો. સંચા ઉપર સિલાઈ કામ કરી તે અબ્દુલને મદદરૂપ થતી અને સાથોસાથ બેન્કની લોનના હપ્તા પણ નિયમિત ચૂકવતી. રવજીની પત્ની રમીલા સામાન્ય શ્ત્રી હતી. તે ઝાઝુ ભણી નહોતી.તેમજ કોઈ હુન્નર પણ જાણતી ન હતી. તે શહેરની સોસાયટીઓમાં ઘરકામ કરતી અને તે રીતે રવજીની આવકમાં પોતાનો ફાળોનોંધાવતી.

વસતિની શરૂઆત રવજીના ઘરથી શરૂ થાય અને અબ્દુલના ઘરે પુરી થાય.અન્દુલ રોજ સવારે મીલમાં જતી વખતે સાયકલ ઉપરન ટિફીન ભરાવી ઘંટડી વગાડતો વગાડતો નીકળે અને રવજીના ઘર પાસે આવે, રવજી તેની રાહ જોતો તૈયાર જ હોય અબ્દુલ આવે એટલે બંને જણા બીડી ફુંકતા અને સાયકલને પેડલ મારતાં મીલમાં જાય. સાંજે મીલ છૂટે ત્યારે એ જ ક્રમમાં તેઓ પાછા ફરે. રવજીને રામ-રહીમ કરી અબ્દુલ પોતાને ઘેર જાય. નાહિ ધોઈ નોકરીનો થાક ઉતારી શહેરની ખબરની આપ લે કરેગામડેથી કોઇ ખત ખબર હોય તેની વાતચીત કરે અને વાળુ કરી ખાટલામાં આરામ ફરમાવે.

***

વસતિની વચ્ચે એક વિશાળ લીમડાનું ઝાડ. ઝાડ ફરતે લીંપીં - ગુપીને એક સરસ ચોતરો બનાવ્યો હતો.રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસવાળુ પાણી કરી રવજી ભગત હાથમાં એકતારો લઈ ચોતરે હાજર થઈ જાય અને તેમના મધમીઠા મધુર રાગે ભજનો શરૂ કરે, ત્યાં તો અબ્દુલ તેનું પેટીવાજું-હારમોનિયમ લઈ ચોતરે હાજર થઈ જાય. ધીમે ધીમે વસતિનું લોક પણ આવવા માંડે,અને પછી શરૂ થાય ગીત સંગીતની મહેફીલ. આ મહેફીલમાં કોઈ નિયમ બાધ નહિ.જેને જે આવડે તે મન મુકીને ગાય.તેમાં ભજન હોય, ગીત,કવિતા, ,દોહા,ચોપાઈ,કવ્વાલી તથા ફિલ્મી ગીતો પણ હોય.

રવજી ભગત 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ 'પુરું કરે ન કરે યાં તોબીજા છેડે થી 'વીજળીના ચમકારે મોતીડાં પરોવો

પાનબાઈ ....શરૂ થઈ ગયું હોય.

આ ગીતના શબ્દો શમે ન શમે ત્યાંતો કોઈ માતા,

કાના ઑ કાના ક્યાં શોધું તને વ્હાલા ?

મને ના સતાવો ઑ !જશોદાના જાયા.

કરતી તેના કનૈયાને શોધતી અને પોકારતી ગાઈ ઉઠે. તો વળી તેનો પ્રત્યુત્તર દેતી કોઈ ગોપી એકાદ ખૂણે થી ટહુકો કરે...

નંદકુમારની ના થાય વાત.

વાત કરતા વિતે રાત,

ખબર ના રહે થાય પરભાત

જદુરાયની પરખાયે ન જાત.

વળી ત્યાં તો રવજી ભગત શરૂ કરે

મૃત્યુ લોકની માટીમાંથી માનવા કરીને ભાખ્યાં રે

ત્યાં તો કોઈ રસિક ફિલ્મી જીવડો બીજા છેડેથી લલકારી ઉઠે,

તુ ન હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા ઈન્સાનકી ઓલાદ હૈ ઈન્સાન બનેગા.

તો વળી રહીમ ચાચા પણ ક્યાં પાછા પડે તેમ હતા.તેઓ તેમના બુલંદ સૂરે પોતાના કંઠે સૂફી શાયરી લલકારી ઉઠતા

યે મસ્જીદ હૈ, વો બૂતખાના,

ચાહે યે માનો ચાહે વો માનો

મકસદ તો હૈ દિલકો સમજાના

ચાહે યે માનો ચાહે વો માનો.

આમ કરી હિન્દુ-મુસ્લિમની એકતાના ગુણ ગાતા.બીજી બાજુ થી સખુબાઈ તેમના સુંદર સ્વરોમાં '

મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે

તેમની મીઠી હલકમાં હળવા રાગે ગાય.છેલ્લે રવજી ભગત

કરીએ ન કોઈની કુથલી, કરીએ ઈશની વાત ભલી

કરીએ ન કોઈની નિંદા ઊડી જાશે રાતની નિદ્રા

ગાઈને સમાપન કરે આ સર્વ ગીત,સંગીત ભજનમાં અબ્દુલ તેના હારમોનિયમના સુર મેળવી મધુર કંઠ સાથે તાલ મેળવી સર્વને રસ તરબોળ બનાવી દેતો. હારમોનિયમ ઉપર તેની લયબધ્ધ આંગળીઓ ત્વરાથી સરકતી જોઈ લોકો મુગ્ધ થઈ વાહ અબ્દુલ વાહ! પોકારી ઉઠતા.વસતિનો આ એક નિયમિત કાર્યક્રમ રહેતો. નિત્યક્રમ બાદ સૌ એકબીજાને રામ-રહીમ કહી વિદાય લેતા. આમ વસતિમાં આનંદ પ્રમોદનું વાતાવરણ રહેતું અને સૌ સુખી હતા.

પરંતુ કહેવાય છે ને કે 'એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી,'શયતાનનો ડોળો હંમેશા ઘૂમતો રહે છે.કોઈનું સુખ તેને ખમાતું નથી શયતાનનો ડોળો ઘૂમતો ઘૂમતો આ વસતિઉપર સ્થિર થયો, અને વસતિના સુખનું કેન્દ્રબિન્દુ સમ રવજી ભગતનું ઘર અડફટે ચઢી ગયું.

આજે રજાનો દિવસ હોવાથી વસતિના બધા લોકો ઘેર હતા. અચાનક રવજી ભગતના ઘરમાં આગે દેખ દીધી. જોત જોતામાં આખા ઘરને ભરડામાં લીધું. લોકો ઘરની બહાર દોડી આવ્યાં.આગને હોલવવા હાથમાં જે સાધન આવ્યું તે લઈ લોકો આગને હોલવવા લાગ્યા. રવજી ભગતનો પુત્ર ઘોડિયામાં સૂતો હતો તે આગમાં ફસાઈ ગયો.રવજી ભગતની પત્ની રમીલા પોતાના પુત્રને બચાવવા બૂમો પાડતી બેબાકળી થઈ દોડાદોડ કરતી હતી. આગની અગનજ્વાળા ભીષણ હતી. કોઈ તેમાં જવાની હિંમત કરતું નહોતું. આખરે રમીલા એક કારમી ચીસ પાડી બહોશ થઈ જમીન પર પડી.

રમીલાની કારમી ચીસ સાંભળતાં જ અબ્દુલ આગમાં કુદી પડ્યો અને થોડી વારમાં જ બાળકને લઈને બહાર આવ્યો.સૌએ બાળકને ઉંચકી લીધું, પણ અબ્દુલ અલ્લાહનો પ્યારો થઈ ઢળી પડ્યો.

સૌ ચોધાર આંસુએ રડી પડ્યાં.સૌના હદયમાં અબ્દુલનું અસહ્ય દુઃખ હતું.દુઃખ વ્યક્ત કરવા તેમની પાસે શબ્દો ન હતા તેથી ફક્ત અશ્રુધારા મારફતે લાગણી વ્યક્ત કરતા હતા.' આંસુઓની ભાષા લિપિ વિનાની હોય છે.વિશ્વનો કોઈ પણ માનવી,ભણેલો કે અભણ તેને સારી રીતે વાંચી અને સમજી શકે છે.અબ્દુલ અને રવજી નગીનદાસ શેઠની મીલના જૂના અને આગળ પડતા વફાદાર કામદાર હતા.શેઠને તેમને માટે માન હતું.શેઠે જ્યારે આ કરૂણાંતિકાના સમાચાર જાણ્યા ત્યારે તેમને સખત આઘાત અને દુઃખ થયું.રવજી ભગત અને અમીનાબીબી ને દિલાસો આપવા અને મદદ કરવા શેઠ દોડતા વસતિમાં આવી પહોંચ્યા.રવજી ભગત તો હતપ્રભ થઈ ગયા હતા.શેઠે આશ્વાસન આપી જે મદદ આપી તે સ્વીકારી શૂન્યમનસ્ક ચહેરે

શેઠની સામે બે હાથ જોડી ઊભા રહી ગયા.

જ્યારે અમીના બીબીએ સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી હતી તેણે પુરી સ્વસ્થતાથી વિનમ્ર ભાવે શેઠને સલામ કરી અદબ સાથે જણાવ્યું' શેઠ સાહબ ! આપની મદદ માટે આપ સાહેબનો ઘણો જ આભાર મેં આપકી શુક્ર ગુજાર હું લેકીન મદદ કી ઝરૂરત મેરે સે જ્યાદા રવજી ભગતકો હૈ. મૈંને તો અપના ખાવિંદ ખોયા લેકીન રવજી ભગત કા તો સબ ખતમ હો ગયા. ઉસકે સર પર ન તો છપ્પર હૈ ન ખાને કો ઘરમેં અન્ન. ઉસકી બહુ રમીલા હોશહવસ ખો બૈઠી હૈ ઔર પાગલ સી હો ગઈ હૈ. રવજી ભગત ભી સુધબુધ ખો બેઠા હૈ.ઉસકે બચ્ચે ભૂખ સે તડપતે હૈ.મેં તો ખુદાતાલાકી રહેમ સે સલામત હું, મેરા મશીન ભી સલામત હૈ, ફીર મુઝે ફીક્ર કીસ બાતકી ? હાં ! મેરા ખાવિંદ ખુદા કા પ્યારા હો ગયા ઈસકા અફસોસ મુજે જરૂર હૈ. લેકિન શેઠ સાહબ ! એક ન એક રોજ તો હમ સબકો ઈસી રાસ્તે પર જાના હૈ.કીસી કો પહેલે કીસીકો બાદમેં. ઉસકા રંજ ઔર ગમ ક્યોં? મેરે ખાવિંદને તો એક નેક કામ કર શહાદત લેલી હૈ ઔર વો જન્નતનશીન હો ગયા ઉસકા મુઝે ગર્વ હૈ. શેઠ સાહબ ! આપકો હમારે અન્નદાતા હૈ. હમને આપકા મક ખાયા હૈ. ઇસલિએ આપકી મદદ કા ઈન્કાર કરના મેરે લિએ નમકહરામ કહેલાયા જાએગા ઔર મેં પરવરદિગાર કી ગુન્હાગાર હો સકતી હું. ઇસ લિયે આપકી યહ મદદ મુઝે કબુલ હૈ લેકિન ઇસકો ભી મેરી તરફસે આપ રવજી ભગત કો સુપ્રત કરે ઐસી ઇસ નાચીઝ કી નમ્ર ગુજારીશ હૈ.'

નગીનદાસ શેઠ,અમીનાબીબીનીઆ નિસ્પૃહતા,દાનવીરતા અને કુદ્દારીને નત મસ્તકે વધાવી વિદાય થયા.

સમાપ્ત

પ્રકાશિતઃ-(૧) મમતા માસિક નવેમ્નર ૨૦૧૨

(૨) પુનઃ પ્રકાશિતઃ વલદાનો વાર્તાવૈભવ' માં

"મિત્રોની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તાઓ'' ક્રેમાંક ૪૮ તારીખ ૨૦ ઑગસ્ટ ૨૦૧૫

લેખકઃઉમાકાન્ત વિ.મહેતા.

૨૦,મીડો ડ્રાઈવ.

ટૉટૉવા એન જે (૦૭૫૧૨)

ન્યુ જર્સી (યુ.એસ.એ.)

ફોનઃ (૧) ૯૭૩ ૩૪૧ ૯૯૭૯

(૨) ૯૭૩ ૯૪૨ ૧૧૫૨

mehtaumakant@yahoo.com