Redlite Bunglow - 40 books and stories free download online pdf in Gujarati

રેડલાઇટ બંગલો ૪૦

રેડલાઇટ બંગલો

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૪૦

અર્પિતાએ ફરિયાદ કરવાની વાત કરી અને પુરાવો હોવાનું કહ્યું એટલે હવાલદારને થયું કે માંડ માંડ છટકી રહ્યો છું ત્યારે આ છોકરી પાછી નવી શું આફત ઊભી કરી રહી હશે.

અર્પિતાએ કહ્યું:"હવાલદાર સાહેબ, મારી ફરિયાદ છે કે મારા હરેશકાકાની હત્યાની ખોટી ફરિયાદ કરી અમને હેરાન કરવામાં આવ્યા છે. ખોટું આળ મૂકવામાં આવ્યું છે. અને સાક્ષીમાં ખુદ પોલીસના માણસ તરીકે તમે છો. તમારાથી મોટો જીવતો જાગતો પુરાવો કોઇ ના હોય શકે. મારું તો કહેવું છે કે આપ જ ફરિયાદી બનીને ફરિયાદ નોંધી દો કે હેમંતભાઇએ પોલીસને ખોટી રીતે બોલાવીને હેરાન કરી છે અને મરનાર હરેશભાઇના પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે. ખુદ હેમંતભાઇએ કબૂલ કર્યું છે કે તમને ખોટા હેરાન કરવામાં આવ્યા છે...."

હવાલદારે કરડી આંખે હેમંતભાઇ તરફ જોયું. જાણે કહેતા ના હોય કે હવે શું કરશો?

હેમંતભાઇ માટે તો આ બેલ મુઝે માર જેવી હાલત થઇ ગઇ હતી. હવે અડિયો દડીયો તેમના પર આવી રહ્યો હતો. વિનય અને લાભુભાઇને ફસાવી દેવાની મુરાદ રાખતા હેમંતભાઇને લેને કે દેને પડ ગયે જેવો ઘાટ હતો. તેમની બોલતી બંધ થઇ ગઇ હતી.

અર્પિતાની વાત સાંભળી લાલુને શાંતિ થઇ. અર્પિતાએ તેને આપેલું વચન નિભાવ્યું હતું.

હવાલદારને ખ્યાલ આવી ગયો કે હેમંતભાઇથી અર્પિતાનો સામનો થવાનો નથી એટલે ચાલાકીથી કહ્યું:"તારે ફરિયાદ કરવી હોય તો પોલીસ સ્ટેશને આવી જજે. મારે ફરિયાદ નોંધાવવી કે નહીં એની સલાહ આપવાની જરૂર નથી...મારે હજુ ઘણા અગત્યના કામ છે. હું નવરો નથી."

હવાલદારે પછી તો પાછળ જોયા વગર મક્કમતાથી પગ ઉપાડયા અને ફટાફટ જીપમાં બેસી ડ્રાઇવરને તાડૂક્યા:"ચલ જલદી ચલાવ..."

પોલીસની જીપ ધૂળ ઉડાડતી થોડી જ વારમાં અદ્રશ્ય થઇ ગઇ. હેમંતભાઇને થયું કે પોતે પણ કોઇ શક્તિથી અદ્રશ્ય થઇ જાય. તેમના મનમાં અર્પિતાની બીક ભરાઇ ગઇ હતી. તેમને એટલી રાહત હતી કે વર્ષાબેન તેની સાથે છે એટલે અર્પિતા તેમની વિરુધ્ધ કંઇ કરી શકશે નહીં. વર્ષાને ઢાલ બનાવતા મને આવડે છે.

હેમંતભાઇએ પણ તરત ચાલતી પકડી. જતાં જતાં તે લાલુની નજીકથી પસાર થતાં પછીથી ઘરે આવવાનું કહી ગયા. લાલુએ કંઇ સાંભળ્યું જ ના હોય એવો ડોળ કર્યો.

અર્પિતા જાણતી હતી કે હવાલદાર તેની ફરિયાદ નોંધવાના નથી. તેણે હવાલદાર અને હેમંતભાઇને ડારો નાખવા જ તીર છોડ્યું હતું. બંને ભાગી ગયા હતા. ગામ લોકો પણ વિખેરાયા. અર્પિતાએ ઘર તરફ કદમ ઉપાડ્યા ત્યાં લાભુભાઇનો અવાજ આવ્યો:"અર્પિતા, અહીં આવ તો..."

અર્પિતાના કદમ અટકી ગયા. તે મોં નીચું કરી નજીક આવી લાભુભાઇથી થોડે દૂર ઊભી રહી.

"બેટા, તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. તેં આજે મારી લાજ બચાવી..."

"કાકા, મેં તો લાજ-શરમ નેવે મૂકી છે. હું કેવી રીતે કોઇની લાજ બચાવવાની હતી." એમ કહેવાનું અર્પિતાને મન થયું પણ તે અત્યારે પોતાની વેશ્યા તરીકેની હકીકત છુપાવીને બોલી:"કાકા, મેં તો મારી ફરજ બચાવી છે. તમારા પર ખોટું આળ મુકાયું હતું એ હું જાણતી હતી. તમે આવું અમાનુષી કૃત્ય કરી જ ના શકો. આ હેમંતભાઇની ચાલ જ હતી. અને વિનયને હું સ્કૂલના સમયથી ઓળખું છું. તે મરતાને મર કહે એવો નથી...."

"પણ તારા પર તો મરું છું." એમ મનોમન વિનય બોલી ગયો. તેને આનંદ એ વાતનો હતો કે બાપાને અર્પિતા માટે માન ઊભું થયું છે. આજે સામે ચાલીને અર્પિતાને સાથે બોલી રહ્યા છે.

"બેટા, ઘરે તો આવ. તેં આજે અમારા પર મોટો ઉપકાર કર્યો છે. તેં બાજી સંભાળી ના હોત તો અમે બંને જેલમાં પહોંચી ગયા હોત...."

"કાકા, ઉપરવાળો બધું જુએ છે. તે સાચા માણસોની પડખે છે."

"ઉપરવાળાએ જ તને બધું સુઝાડ્યું ત્યારે તો અમારો હાથ ઉપર રહ્યો. નહીંતર નીચા મોંએ પોલીસની જીપમાં બેસવું પડ્યું હોત. તું આવ..." કહી લાભુભાઇ ઘરમાં જવા લાગ્યા.

વિનય જાણતો હતો કે અર્પિતા તેના ઘરમાં વહુ બનીને જ પ્રવેશ કરવાની છે. જ્યારે અર્પિતા જાણતી હતી કે તે એવા ધંધામાં છે કે આ ઘરમાં પ્રવેશ કરી શકે એમ ન હતી. ઘરમાં જવાનું ટાળવા તે બોલી: "કાકા, અત્યારે મારે ઘણું કામ છે. કોલેજ ચાલુ છે. મારે આજે જ નીકળી જવું પડશે. ફરી ક્યારેક આવીશ."

"બેટા, સાચું કહું તો હું કાયમ માટે તને આ ઘરમાં લાવવા માગું છું. વિનય સાથે તારા લગ્ન માટે રાજી છું. મને ખબર ન હતી કે તું આટલી હિંમતવાન અને હોંશિયાર છે. મારા મનમાં ગેરસમજ હતી એ દૂર થઇ ગઇ છે..."

વિનયના માતા કંચનબેને લાભુભાઇની વાતમાં સાથ પુરાવ્યો. "બેટા, વિનયના બાપા સાચું કહે છે. તને ઓળખવામાં અમે ભૂલ કરી..."

લાભુભાઇની વાત સાંભળીને અર્પિતા એક ક્ષણ તો શરમાઇ ગઇ. પછી મનોમન વ્યથિત થઇ. તમે હજુ મને ઓળખી જ ક્યાં છે? હું કેવી છું એ કેમ કરીને કહું?

વિનયના મનનો મોર તો નાચી ઊઠયો હતો. તેને કલ્પના ન હતી કે બાપા આટલા જલદી માની જશે. બાપાનો બળવો કરવાનો નિર્ણય લેવા બદલ વિનયને મનમાં ગ્લાનિ પણ થઇ આવી. અર્પિતાએ સાચું જ કહ્યું હતું કે હેમંતભાઇની બાજી ઊંધી પાડશે.

"કાકા, હું તમારા ઘરને લાયક નથી" એમ કહેવાનું અર્પિતાને મન થયું પણ તે હમણાં કોઇ અંગત વાત કરવા માગતી ન હતી. તે બોલી:"કાકા, બીજી બધી વાત તમે મારી મા સાથે કરજો..."

અર્પિતા ત્યાંથી ઝડપથી નીકળી ગઇ. તેને થયું કે હવે વધારે રોકાશે તો આંખમાં પાણી આવી જશે. એક આંખમાંથી સુખના અને બીજીમાંથી દુ:ખના પાણી ટપકશે.

અર્પિતા ઘરે પહોંચી ત્યારે લાલુ તેના ઘરના ઓટલે ઊભો હતો. તેને જોઇ બોલ્યો:" અર્પિતા, તેં મને બચાવી લીધો. તારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું..."

"લાલુભાઇ, કાશ તમે હરેશકાકાને બચાવ્યા હોત. આ ઘરનો એ આધાર હતા. તેમની ખોટ ક્યારેય પૂરાશે નહીં."

"શું કરું? પૈસાના લોભમાં કુમતિ સૂઝી અને કોઇનો હાથો બની ગયો. મને ખબર છે કે હેમંતભાઇ મને છોડશે નહીં..."

"જે થવાનું હતું એ થઇ ગયું. હવે તું આ ગામ છોડીને અત્યારે જ ભાગી જા નહીંતર હેમંતભાઇ તારો જીવ લઇ લેશે."

લાલુને ભાગવામાં જ પોતાની ભલાઇ દેખાઇ. તે તરત જ પોતાનો બિસ્તરો બાંધી નીકળી ગયો. હેમંતભાઇએ એને ઘણી નોટ આપી હતી. એમને ખબર ન હતી કે લાલુ તેમના માટે ખોટી નોટ સાબિત થવાનો હતો. લાલુને તો જાન બચી તો લાખો પાયે જેવી સ્થિતિ હતી.

અર્પિતાને મા ઉપર દાઝ ચડી હતી. પોતાની સગી પુત્રીને છોડી પરાયા પુરુષના પડખામાં જઇને બેઠી હતી. અર્પિતાને બીજી તરફ માની દયા પણ આવતી હતી. તેણે હવે માને પણ સીધા રસ્તે લાવવાની હતી. અર્પિતા પોતાની બેગ તૈયાર કરવા લાગી અને મનમાં જ બોલી:"મા, તારે પણ બેગ બાંધવાનો વખત આવી ગયો છે."

હેમંતભાઇને વધુ એક ઝાટકો આપવા અર્પિતાએ એક કાગળ હાથમાં લીધો અને તેને એક પથ્થર સાથે બાંધી બબડી:"હેમંતભાઇ, તમારા માટે જાસાચિઠ્ઠી તૈયાર છે."

***

અર્પિતા તેના કાકાના મરણના સમાચાર જાણ્યા પછી ગામ જવા નીકળી ગઇ હતી. તેણે રચનાને પોતાની યોજનાને સાકાર કરવા એક કામ સોંપી દીધું હતું. રચનાને તેની વાત સાંભળી અજીબ લાગ્યું હતું. તે અર્પિતાએ સોંપેલું કામ કેવી રીતે કરવું તેનો વિચાર કરવા લાગી. આ કામ સરળ ન હતું. કોઇના જીવનની અંગત માહિતી અને તે પણ રાજીબહેનની મેળવવાનું કામ લોઢાના ચણા ખાવા જેવું હતું. રાજીબહેનને જ નહીં કોઇપણ સ્ત્રીને અર્પિતાએ માગેલી માહિતી પૂછવાનું કામ શરમ લાગે એવું હતું. અર્પિતા આવી સામાન્ય લાગતી માહિતીનો શું ઉપયોગ કરશે એ રચનાના દિમાગમાં આવતું ન હતું. તે જાણતી હતી કે અર્પિતા હોંશિયાર છે. તેણે માહિતી માટે કહ્યું છે એટલે કોઇ નક્કર કારણ જરૂર હોવાનું. તેણે ઘણો વિચાર કર્યો. આખરે તેને વીણા યાદ આવી. આ કામમાં વીણા જ મદદ કરી શકે એમ હતી. તે રાજીબહેનની નજીક હતી. એમનો સ્વભાવ જાણતી હતી અને બધી જ રીતે માહિતગાર ગણી શકાય એમ હતી. છતાં આવી અંગત માહિતી લાવવા તેને સીધેસીધું કહેવામાં જોખમ હતું. અર્પિતા ગામથી આવે એ પહેલાં આ કામ પતાવવાનું હતું. રચનાએ ઘડિયાળમાં નજર નાખી. વીણા ચા લઇને આવવાની તૈયારી હતી. તેની મદદથી કામ થઇ શકે એવી ગણતરી સાથે રચનાએ વિચાર કરી લીધો.

વીણા ચા લઇને આવી એટલે કેમેરાથી બચવા તે વીણાને લઇ ટેરેસ પર ગઇ.

સાંજની વધતી ઠંડકની અને બીજી આમ-તેમ વાત કરીને રચનાએ કહ્યું:"વીણા, આવતા અઠવાડિયે મારા પરિવારમાં શુભ પ્રસંગ છે. મારે અહીં રોજ સવારે પૂજા કરવાની થશે..."

"તો મારે શું મદદ કરવાની છે?" વીણાએ નવાઇથી પૂછ્યું.

"તારી તારીખની મને ખબર નથી. જો એવું હોય તો મને અડકતી નહીં...." રચનાએ મોઘમ પણ વીણાને સમજાય એમ ઇશારામાં કહ્યું.

"તમે ચિંતા ના કરતાં ગયા અઠવાડિયે જ મારી તારીખ ગઇ. હવે ત્રણ અઠવાડિયા સુધી શાંતિ!" વીણા સમજી ગઇ એટલે જવાબ આપી દીધો.

"ચાલ, તારી તો ચિંતા નથી. અર્પિતા આવે એટલે એને પૂછી લઇશ. હા, પણ રાજીબહેનનું જાણવું પડશે ને? મારે એમને પૂજામાં બોલાવવા હોય કે પ્રસાદ આપવો હોય તો કેવી રીતે ખબર પડે?" રચનાએ ચાલાકીથી વાત કરી.

વીણા વિચારમાં પડી ગઇ. રચનાને થયું કે વીણા કદાચ જાણતી નથી. હવે કામ વધારે મુશ્કેલ બનશે. રાજીબહેનને તો પોતાનાથી ભૂલેચૂકે પણ આવું પૂછી શકાય નહીં.

"દીદી, એ તો હું કેવી રીતે કહી શકું!" વીણા શરમાઇ કે ગભરાઇ એ રચનાને સમજાયું નહીં. તેના મોં પર આશ્ચર્યના ભાવ હતા કે ડરના એ કળવાનો પ્રયત્ન કરવા લાગી. ત્યાં વીણા જ પાછી બોલી:"આવું પૂછી પણ ના શકાય! મને તો મારી બહેનપણીને પણ પૂછવાનું સારું ના લાગે! આ તો માલિકણ છે...."

રચનાએ મગજ ચલાવ્યું.

"અરે ગાંડી! હું તને ક્યાં કહું છું કે તું એમને પૂછ. તું વર્ષોથી એમની સાથે રહે છે તો થોડોઘણો ખ્યાલ તો હશે જ ને. ભલે આજના જમાનામાં ખૂણો ના પાડે પણ થોડુંક તો પાળતા જ હોય ને!"

"એવું કે? હં...." કહેતી વીણા ફરી વિચારમાં પડી ગઇ.

"આ મહિને એમની કોઇ વાત કે વર્તણૂક પરથી કંઇ સમજાયું ન હતું?" રચનાએ તેને વિચારવામાં મદદ કરી.

"હા, બે દિવસથી એ મંદિરમાં મારી પાસે દીવો કરાવે છે...." વીણાને એકદમ યાદ આવ્યું.

"અચ્છા ઠીક છે. તું ગામ જવાની નથી?" રચનાને માહિતી મળી ગઇ એટલે તેણે બીજી વાત ચાલુ કરી દીધી.

વીણાએ પછી પોતાની થોડી વાત કરી અને ચા પીને રચના તેની સાથે નીચે ઊતરી. રચનાને હજુ સમજાતું ન હતું કે આવી જાણકારી અર્પિતાને શું કામમાં આવી શકે? અર્પિતાનું વિચિત્ર લાગતું કામ થઇ ગયું એનો તેને આનંદ હતો. રચનાએ ભૂલી ના જવાય એટલે મોબાઇલનું કેલેન્ડર ખોલીને વીણા અને રાજીબહેનના ખાસ દિવસોની તારીખ પર નોંધ કરી લીધી. ત્યારે રચનાને ખબર ન હતી કે અર્પિતા રાજીબહેનની એ ખાસ તારીખ જાણીને તેના રેડલાઇટ બંગલાની તવારિખ બદલવાની હતી!

***

અર્પિતાએ હેમંતભાઇને ત્યાં કઇ જાસાચિઠ્ઠી નાખવાનું ગોઠવ્યું હશે? તેના શું પ્રત્યાઘાત પડશે? રચનાએ મેળવેલી રાજીબહેનની તારીખનો ઉપયોગ અર્પિતા કેવી રીતે કરશે? આ બધું જ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.