SANGATH 2 books and stories free download online pdf in Gujarati

સંગથ 2

સંગાથ – 2

ધોધમાર વરસતા વરસાદમાં પ્રત્યુષ કોઇને શોધી રહ્યો છે. તેણે લગભગ શહેરના દરેક સ્થળ પર તપાસ કરી લીધી. છેવટે તે બસ સ્ટેશને આવી દરેક બસમાં કોઇને શોધવા મથતો રહ્યો, પણ તેને કોઇ મળ્યું નહીં. બે વર્ષ પહેલા કોલેજમાં અભ્યાસર્થે બરોડાથી આણંદ બસમાં આવતાં પ્રત્યુષ અને તેના કોલેજીયન મિત્રોની મસ્તીસભર યાત્રામાં પ્રત્યુષનું ધ્યાન એક સ્વરૂપવાન છોકરી તરફ આકર્ષિત થયું. જીવનમાં પ્રથમવાર પ્રત્યુષ આમ કોઇ છોકરી તરફ આકર્ષિત થયો હતો. પોતાની જીવનસંગિની એવી જાહ્નવી ક્યાંય ના મળતા છેવટે પ્રત્યુષ તેના ખોવાયા વિશેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા. હવે આગળ વાર્તા માણીએ....

બહાર વરસતા વરસાદના કડાકા અને રાતત્રિના અંધકારમાં ઝબકારા મારતી વીજળીના ચમકારા વચ્ચે પ્રત્યુષ અને તેના ફ્રેન્ડ્સ પોલીસ સ્ટેશને પહોંચ્યા. પોલીસ સ્ટેશનમાં કેટલાક પોલીસ કોંસ્ટેબલ વરસાદમાં ચાની ચૂસ્કી માણતા મોબાઇલમાં એક બીજાને કંઇક બતાવી હસી મજાક કરી રહ્યા હતા.

“પ્રત્યુષ, તારી પાસે ભાભીનો કોઇ પીક તો છે ને..?” કાર્તિકે પ્રત્યુષને પૂછ્યું.

“હા, મારી પાસે મોબાઇલમાં તેના ઘણા ફોટોઝ છે..!” બોલતા પ્રત્યુષે પોતાના મોબાઇલની ગેલરીમાં જાહ્નવીનો પીક જોવા કર્યું. તેની નજર ઘણા બધા પીક્સ વચ્ચે તેણે છૂપાઇને સૌ પ્રથમ વાર બરોડાથી બસમાં આવતા લીધેલ ફોટો તરફ તેની નજર ગઈ.

બસ ચાલવા લાગી. હજુ પેલી સ્વરૂપવાન છોકરી કોઇ સીટ પર બેઠી ના હતી. પ્રત્યુષ તો ત્રાંસી નજરે તેના રૂપનું પાન કરી રહ્યો હોય તેમ તાકી રહ્યો.

“બસ કર યારરરરર..... નજરોથી તાકીને ખાઇ જઈશ કે શું..?” હળવી ટપલી મારતાં સુમિતે પ્રત્યુષને કહ્યું.

“તુ બસ કર....આજે ફર્સ્ટ ટાઇમ આપણી કોલેજના મોસ્ટ એલીજીબલ બેચલરને કોઇ છોકરી જોવી ગમી છે તો તારા બાપનું શું જાય..!” શ્વેતાએ સુમિતને કહ્યું અને પ્રત્યુષ તરફ જોઇ આગળ વાત માંડી, “યાર, એક કામ કર ને... તારા મોબાઇલમાં ભાભીનો એક પીક તો લઈ લે...આ પહેલી મુકાલાતની યાદ રહેશે..!”

પેલી સ્વરૂપવાન છોકરી માટે શ્વેતાએ વાપરેલો ‘ભાભી’ શબ્દ પ્રત્યુષના રોમેરોમમાં નવી તાજગી જગાવી ગયો, તેણે તરત જ જીન્સના પોકેટમાંથી મોબાઇલ કાઢી બસમાંના અન્ય કોઇ પેસેન્જર્સને તેમજ પેલી ઉભેલી સ્વરૂપવાન છોકરીને ખ્યાલ ના આવે તે રીતે પીક લઇ લીધો..! તેના પીક લીધાની બીજી પળે જ પેલી સ્વરૂપવાન છોકરી બસમાં આગળની કોઇ સીટ પર બેસી ગઈ અને હવે પાછળ બેઠેલા પ્રત્યુષને માત્ર તે સ્વરૂપવાન અપ્સરાના ખુલ્લી બારીમાંથી આવતી હવાને કારણે ઉડતા વાળ જ નજરે પડતાં. પોતાના મોબાઇલમાં તે છોકરીનો લીધેલો પ્રથમ પીક પ્રત્યુષ જોઇ રહ્યો અને પોતાની એક આંગળી તેના ખૂબસૂરત ચહેરા પર હળવેથી પસવારતો રહ્યો.

પોલીસ સ્ટેશનમાં બેઠેલા પ્રત્યુષે મોબાઇલમાં જાહ્નવીનો પાડેલો પહેલો પીક જોઇ આંસુ ભરેલી આંખે મનમાં આવેલી સ્મૃતિના વાવાઝોડાને શાંત કરી એક ઊંડા નિ:સાસા સાથે તેને કંઇક યાદ આવતા તેણે મોબાઇલ ખીસામાં મૂકી પોતાના વૉલેટમાંથી જાહ્નવીનો પાસપોર્ટ સાઇઝ ફોટો બહાર કાઢ્યો..! પોલીસ સ્ટેશનમાં સામે બેઠેલા પોલીસવાળા પોતાના મોબાઇલમાં જોઇ કાંઇ ચર્ચા કરી રહ્યા હતા તે તરફ પ્રત્યુષ આગળ વધ્યો.

“એક્સક્યુઝ મી પ્લીઝ સર..!” પ્રત્યુષે સામે ટેબલ પર મોબાઇલમાં જોતા સાથેના બીજા પોલીસકર્મી સાથે વ્યસ્ત પોલીસવાળાનું ધ્યાન પોતાની તરફ વાળવા બોલે છે.

“થોડે થાંબા..!” મોંમાં ભરેલા પાન મસાલા સાથે પોલીસવાળાએ પ્રત્યુષને રાહ જોવા કહ્યું.

“સર, જરા...!” પ્રત્યુષ ફરી પેલા પોલીસવાળાનું ધ્યાન દોરવા બોલે છે.

“હા વ્હિડીઓ પહા..!” પોતાના મોબાઇલમાંનો કોઇ વીડીયો સાથી પોલીસકર્મીને બતાવતા પોલીસવાળાએ વાત કરી.

હવે પ્રત્યુષનો ગુસ્સો સાતમે આસમાને પહોંચ્યો હતો. તેણે ટેબલ પર હાથ પછાડી મોટેથી કહ્યું, “આ પોલીસ સ્ટેશન છે કે શું છે..? હું ક્યારનો અહીં કમ્પ્લેઇન લખાવવા રાહ જોઉં છું ને કોઇ પાસે ટાઇમ જ નથી..!”

“એય હીરો, ઇકડે યે...મ્હનજે યહાં આ...ક્યા બવાલ મચા રહા હૈ શાણે..?” ગુસ્સાથી લાલ આંખે પ્રત્યુષ તરફ જોઇ પેલા પોલીસકર્મીએ મોંમાંનો પાનમસાલો ચાવતા પૂછ્યું.

“સર, મૈં કબ સે આપસે બાત કરના ચાહતા હૂં લેકીન....” પ્રત્યુષની વાત વચ્ચે અટકાવતા પોલીસકર્મીએ સામે સવાલ કર્યો, “યે ભાષણ છોડ...ક્યા તકલીફ હૈ બોલ..!”

“સર, આજ સુબહસે મેરી વાઇફ ઘરસે જોબ પે ગઈ હૈ...લેકિન અભી તક વાપિસ નહીં આઇ..!” પ્રત્યુષે વાત માંડી.

“કહાં જોબ કરતી હૈ..?” પોલીસકર્મીએ પૂછપરછ કરી.

“સર, પાસમેં બેંક્મેં...સભી જગહ ઢૂંઢ લીયા લેકીન કહીં કોઇ પતા નહીં ચલા...ઉસકે સભી ફ્રેન્ડસ કો ભી કોલ કર કે દેખ લીયા, લેકીન કહીં નહીં હૈ...મુજે બહુત ફીકર હો રહી હૈ..!” પ્રત્યુષે વિગત જણાવી.

“તેરે પાસ ઉસકા કોઇ ફોટો હૈ..?” પોલીસકર્મીએ જાહ્નવી વિશે પૂછપરછ કરતા પૂછ્યું.

“જી સર....દેખીયે.” પોતાની પાસેનો જાહ્નવીનો ફોટો પોલીસકર્મીને આપતા પ્રત્યુષે કહ્યું.

“અરે....ઇકડે બઘા પાંડે...તી ખૂપ સુંદર આહે...તીને કાહી માણસા બરોબર પળૂન જાણે આવશ્યક આહે....!” પાસે બેઠેલા બીજા સાથી કર્મીને ફોટો બતાવતા પોલીસકર્મી ખડખડાટ હસે છે.

“સર ક્યા હુઆ..?” પ્રત્યુષ સાથે આવેલા સુમિતે પોલીસકર્મીને સવાલ કર્યો.

“અરે...યે કીસી ઔર મર્દકે સાથ ભાગ તો ગઈ નહિં હૈ ના..?” મોંમાં પાનમસાલો ચાવતા પોલીસકર્મીએ સ્પષ્ટતા કરતા કહ્યું.

પોલીસકર્મીના મોંથી આવા શબ્દો નીકળતાં જ પ્રત્યુષ ગુસ્સામાં આવી પેલા પોલીસકર્મીનો કોલર ખેંચે છે. પોલીસ સ્ટેશનમાં અફડા તફડી મચી જાય છે, ત્યાં જ પાછળથી પોલીસ ઇન્સ્પેક્ટર આવે છે. બીજા કોન્સ્ટેબલ્સ પ્રત્યુષને ઢસડી એક તરફ ખેંચી જાય છે.

“વૉટ્સ ઓલ ધીઝ..?” પોલીસ ઇન્સ્પેક્ટરે સવાલ કર્યો.

પ્રત્યુષ પોલીસ ઇન્સ્પેક્ટરને બધી વાત કરે છે. પોલીસ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલ્સને પ્રત્યુષને છોડવા જણાવી પેલા પોલીસકર્મી તરફ નજર કરી પૂછે છે, “ક્યા યે સબ સચ હૈ..?”

“સર, યે જો હૈ ના...વો કમ્પ્લેઇન..” પોલીસકર્મી થોથવાતી જીભે સ્પષ્ટતા આપવા કરે છે, કે તેને રોકતા પોલીસ ઇન્સ્પેક્ટર તાડૂક્યા, “જસ્ટ શટ અપ..!” પ્રત્યુષ તરફ જોઇ પોલીસ ઇન્સ્પેક્ટર બોલ્યા, “ધીસ ઇઝ પોલીસ સ્ટેશન....બીહેવ યોરસેલ્ફ....ફરી ક્યારેય આવું કાંઇ મીસ બીહેવ કર્યું, તો અંદર કરી દઇશ...નાઉ ગો ટુ હોમ...તારી વાઇફ વિશે જેવી કાંઇ ખબર મળશે કે તને તરત જણાવીશું..!”

પ્રત્યુષ તેના મિત્રો સાથે પોલીસ સ્ટેશનની બહાર નીકળે છે. બહાર વરસતા ધોધમાર વરસાદની આડશમાં પ્રત્યુષની આંખથી વહેતી આંસુની ધારા છૂપાઇ જવા છતાંયે તેના મિત્રોને સાફ વરતાઇ ગઈ..! મોં આડે રેલાઇ આવેલા આંસુ મિશ્રિત વરસાદના ટીપાં હથેળીથી હટાવતા પ્રત્યુષની નજર સમક્ષ જાહ્નવી સાથેની બરોડાથી આણંદ આવતા બસમાં થયેલી મુલાકાત દેખાઇ.

બસમાં બેઠા બેઠા પ્રત્યુષ દરેક પળ આગળની સીટ પર બેઠેલી પેલી સ્વરૂપવાન છોકરીના ઉડતા વાળને તાકી રહ્યો. એક પછી એક સ્ટેશન આવવા છતાંયે જ્યારે પેલી સ્વરૂપવાન છોકરી ક્યાંય ના ઉતરી તે જોઇ પ્રત્યુષના ચહેરા પરની ખુશી વધતી રહી. તેની ખુશી ચરમસીમાએ ત્યારે પહોંચી જ્યારે આણંદ બસ સ્ટેશને ઉતરી પેલી સ્વરૂપવાન છોકરીએ સામેથી તેને જ વિદ્યાનગર જવા માટે ક્યાંથી વાહન મળશે તે પૂછ્યું. પેલી સ્વરૂપવાન છોકરી તેની નજરથી દૂર થઈ. પ્રત્યુષ ફરી ફરી તેને જોવા બેબાકળો બન્યો. માત્ર પહેલી જ મુલાકાતમાં પ્રત્યુષ તે છોકરી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર થઈ ગયો. પોતાના મિત્રો સાથે વિદ્યાનગર એમ.બી.એ. ડિપાર્ટમેન્ટમાં આવતાં સુધી કેટલાયે અજાણ્યા ચહેરાઓમાં પેલો જાણીતો બની ગયેલો છોકરીનો ચહેરો દેખાવા લાગ્યો. ક્લાસમાં આવતાં જ તેની નજર સમક્ષ ફરી તે સ્વરૂપવાન ચહેરો દેખાયો.

“પ્લીઝ યાર, કંઇક કર..... મને જ્યાં જોઉ ત્યાં પેલી બ્યુટીફૂલ ગર્લ જ નજરે પડે છે..!” શ્વેતાનો હાથ પકડી પ્રત્યુષે મનની વાત કરી.

“આઇ થીંક યુ હેવ ગોન મેડ..!” હસતા હસતા શ્વેતાએ પ્રત્યુષને જવાબ આપ્યો.

“જો સામે... મને પેલી વ્હાઇટ ડ્રેસવાળી પાસે મારાવાળી બ્યુટીફૂલ ગર્લ દેખાય છે..!” પ્રત્યુષે પોતાની આંખ ચોળતા શ્વેતાને સામે ઊભેલી છોકરીઓ તરફ ઇશારો કરતાં જણાવ્યું.

“ઓ.એમ.જી.... યાર, આ તારો ભ્રમ નથી...ત્યાં સાચે જ પેલી બસવાળી છે...!” શ્વેતા આશ્ચર્ય સાથે મોટેથી બોલી ઉછળી પડી..!

પ્રત્યુષ પણ ખુશીથી ઝૂમી ઉઠ્યો જ્યારે તેને ખબર પડી કે પેલી બસવાળી છોકરી તેની જ બેચમાં એમ.બી.એ. ડિપાર્ટમેન્ટમાં લેટ એડમીશન લઈ આવી છે.

આમ જ એકાદ અઠવાડિયું વીત્યા પછી પેલી સ્વપ્ન સુંદરી સાથે પ્રત્યુષની વાતચીત થઈ. જ્યારથી પ્રત્યુષે તેનું ‘જાહ્નવી’ નામ સાંભળ્યું ત્યારથી જ તે નામ પ્રત્યુષના હૈયે કાયમ માટે કોરાઇ ગયું. ધીમે ધીમે પ્રત્યુષની જાહ્નવી સાથે મુલાકાતો વધતે ગઈ અને તે મુલાકાતો મિત્રતા અને પછી પ્રેમમાં પરિણમી..! બેંકના કારકૂનની દીકરીનો સંબંધ શહેરના નામાંકિત લૉયરના એકમાત્ર પુત્ર સાથે એમ સરળતાથી મંજૂર થાય તેવા ચમત્કાર આજના સમયમાં ક્યાંથી શક્ય બને..?

પ્રત્યુષ અને જાહ્નવી વચ્ચે પ્રણય ક્યાં સુધી પહોંચ્યો..?

બંનેના લગ્ન કઈ રીતે શક્ય બન્યા..?

જાહ્નવી સાથે શું થયું હશે કે તે ક્યાંય મળતી નથી..?

આ બધું જાણવા સાથે આગળની વાર્તા માણવા જરા રાહ.... સંગાથ – 3

**********