Hadhtag love - 4 books and stories free download online pdf in Gujarati

હેશટેગ લવ - ભાગ -૪

"હેશટેગ લવ" ભાગ -૪

કૉલેજના રસ્તા ઉપરથી જ મને મુંબઈના ભાગદોડ ભર્યા જીવનનો ખ્યાલ આવ્યો. સવાર સવારમાં જ રસ્તાઓ ઉપર ટ્રાફિક જામી ગયું હતું. લોકો રસ્તાને જોતાં જ સડસડાટ આગળ ચાલી રહ્યાં હતાં. કોઈની પાસે વાત કરવાનો પણ સમય નહિ. રસ્તાની આજુબાજુમાં કેટલીક ખાણીપીણીની દુકાનો ઉપર પણ હાથમાં પાવની અંદર ખોસેલું વડું લઈને ઊભા ઊભા જ ખાવા લાગતા. વળી કેટલાંક તો હાથમાં લઈને ચાલતાં ચાલતાં જ ખાતાં હતાં. ત્યારે મારા મનમાં પ્રશ્ન થતો કે સાચે જ આમને આટલી ઉતાવળ હશે કે સમયનો બચાવ કરતાં હશે ? ગુજરાતમાં તો ચાની લારી અને પાનના ગલ્લા ઉપર કલાકો સુધી લોકો ગપ્પા મારતાં બેસી રહે છે. કોઈને ના ઓળખતાં હોવા છતાં એ વ્યક્તિ સાથે મિનિટો સુધી કોઈ વિષય ઉપર ચર્ચાઓ કરવામાં વેડફી નાખતાં હોય, જ્યારે અહીંયા તો કોઈને વાત કરવાનો પણ સમય નથી. એટલે જ કદાચ મુંબઈને માયા નગરી તરીકે ઓળખવામાં આવતી હશે. મુંબઈની આ ભાગદોડ જોઈ આજે મને નિરંજન ભગતની કવિતાની પંક્તિઓ યાદ આવે છે :
"ચલ મન મુંબઈ નગરી,
જોવા પુચ્છ વિનાની મગરી!

જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં,
વગર પિછાને મિત્રો જેવાં;
નહીં પેટી નહીં બિસ્ત્રો લેવાં,
આ તીરથની જાત્રા છે ના અઘરી! "
ખરેખર મુંબઈ પૂંછડી વિનાનું જ શહેર લાગે છે. જ્યાં બધા જ દોડી રહ્યાં છે. શું પામવા માટે દોડી રહ્યાં છે એ કદાચ એમને પણ ખબર નહિ હોય, છતાં દોડે છે. કંઈક મેળવવા, કંઈક કરી બતાવવા. મને તો એમ લાગે છે કે અહીંયા આવીને જીવતા લોકો એકબીજા ને જોઈને જ દોડતાં થયાં હશે. "પેલો ભાગે છે એટલે હું પણ ભાગુ એની જેમ." 
      મેઘના મારી બાજુમાં ચૂપચાપ ચાલી રહી હતી. એ તો આ રસ્તાઓથી રોજ ટેવાયેલી હતી. એને આ બધાથી કોઈ ફર્ક નહોતો પડતો. એ તો આ શહેર, આ રસ્તાઓ, આ ગલીઓમાં ભળી ચુકી હતી. આ શહેરમાં મારો તો બીજો જ દિવસ હતો માટે મને તો ઘણુંબધું અજુકતું લાગતું. પણ સમય સાથે હું પણ એક દિવસ આ શહેરમાં ભળી જઈશ. રસ્તે ભાગતા લોકોની જેમ હું પણ એક દિવસ ભાગવા લાગીશ. મારા માટે પણ કંઈજ અજાણ્યું નહિ હોય. બધું જ પરિચિત થઈ જશે. 
         વિસ મિનિટ જેવું ચાલ્યા હોઈશું ત્યાં જ મેઘનાએ કહ્યું : 
"આવી ગઈ તારી કૉલેજ." અને થોડે દૂર ઈશારો કરતાં જણાવ્યું કે "જો સામે પેલી બિલ્ડીંગ દેખાય એ મારી કૉલેજ છે."
મેં એને કહ્યું : "બપોરે આપણે છૂટીને મળીશું ?"
"મારા કલાસ એક વાગે પુરા થઈ જાય છે, તો હું છૂટી ને અહીંયા દસ મિનિટ તારી રાહ જોઈ શકીશ, મારે બે વાગે જોબ ઉપર જવા નીકળવાનું હોય છે, સુસ્મિતા અને શોભના પણ દોઢ વાગ્યા સુધીમાં હોસ્ટેલ આવી જાય છે. તો જો તારા કલાસ પૂરાં થઈ જાય તો તું અહીંયા મારી રાહ જોજે, અને મોડું થાય તો આપણે જે રસ્તેથી ચાલીને આવ્યા એ રસ્તેથી હોસ્ટેલ આવી જજે."
મેઘનાએ મને સમજાવતાં કહ્યું. મેં પણ "ઓકે" નો જવાબ આપ્યો. એ તેની કૉલેજ તરફ ચાલવા લાગી. મારી કૉલેજના વિશાળ બ્લીડિંગમાં હું પ્રવેશી. આજે મારો પહેલો જ દિવસ હતો. મારે હજુ મારો કલાસ પણ શોધવાનો હતો. કૉલેજની અંદર નોટિસ બોર્ડ ઉપર નામ સાથે રૂમ નંબર પણ લખ્યાં હતાં. બીજા માળ ઉપર ૨૨બીમાં મારો કલાસ હતો. કૉલેજને નિહાળતી હું મારા કલાસ તરફ પહોંચી. કૉલેજ આખી સ્ટુડન્ટથી ભરેલી હતી છતાં મને એ બધા વચ્ચે એકલું લાગી રહ્યું હતું. બધા પોત પોતાની મસ્તીમાં મશગુલ હતાં. મારો પહેરવેશ ઉપરથી પણ મને જોતાં જ કોઈ સમજી જાય કે આ ગુજરાતના કોઈ ગામડાની છોકરી હશે. પણ ખેર, અહીંયા કોઈને એવું કંઈજ પૂછવાનો સમય નથી. હું ધીમે ધીમે મારા કલાસ તરફ ચાલવા લાગી. 
કોલાહલથી ભરેલો મારો કલાસ હતો. બધા પોત પોતાની મસ્તીમાં મશગુલ હતાં. ક્લાસમાં પ્રવેશી ત્યારે એક મુંઝવણ થઈ કે કયા જઈને બેસવું ? થોડીવાર માટે હું કલાસ વચ્ચે જ ઊભી થઈ ગઈ અને ક્લાસની પાટલીઓ તરફ જોવા લાગી. પછી ધીમે ધીમે આગળ વધી. ત્યાં એક છોકરી એક પાટલી ઉપર એકલી કંઈક વાંચતી દેખાઈ. મેં એને પૂછ્યું : "ક્યાં મેં યહાઁ બેઠ શકતી હું ?" છોકરી એ પોતાનો પુસ્તકમાંથી બહાર મારી સામે જોયું. પોતાના જાડા કાચના ચશ્માંને આંગળી થી નીચેની તરફ દબાવી ઉપરથી નીચે સુધી મને જ જોવા લાગી. એ મને જોઈ રહી હતી પણ એનો કોઈ જવાબ ના મળતાં મેં એને બીજીવાર શાંતિ થી પૂછ્યું : "મેં યહાઁ આપકે પાસ બૈઠ શકતી હું ?" આ વખતે એને મારી વાત નો જવાબ આપ્યો. પણ જવાબમાં મને પ્રશ્ન જ મળ્યો. "કહા સે આઈ હો તુમ ?" મેં જવાબ આપ્યો "ગુજરાત સે." એને ફરી બીજો પ્રશ્ન મારી સામે ફેંક્યો "પઢને કે લીએ આઈ હો ?" એનો પ્રશ્ન સાંભળતા મને થોડો ગુસ્સો પણ આવ્યો. એને જવાબ આપવાનું મન પણ થઈ ગયું કે "આ કૉલેજ છે તો અહીંયા બધા ભણવા જ આવતાં હોય" પણ મેં માત્ર "હા" કહીને જ જવાબ આપ્યો. પણ એની બીજી વાતે મારા મનની મૂંઝવણનો દૂર કરી આપી. એને કહ્યું : "તો ઠીક હૈ, વરના ઇસ કૉલેજમે લોગ પઢને કે લિયે કમ ઔર ઘુમને કે લિયે જ્યાદા આતે હૈ, તુમ્હે પઢના હૈ તો તુમ મેરે સાથ બેઠ શકતી હો." મને થોડી હાશ થઈ. એની બાજુમાં મેં મારું સ્થાન પાકું કરી લીધું. મને આશા હતી કે એ કઈ બીજીવાત મારી સાથે કરશે પણ જેવી હું બેઠી એને ચશ્માની ફ્રેમ ઊંચી કરીને પુસ્તકમાં પોતાનું મન પરોવી લીધું. હું પણ બેગમાંથી એક પુસ્તક ખોલી એની જેમ જ વાંચવા લાગી. એને ઝીણી નજરે મારા તરફ જોયું. પણ મેં એના તરફ ધ્યાન ના આપ્યું. થોડીવારમાં જ પ્રોફેસર ક્લાસમાં પ્રવેશ્યા. કોલાહલ કરતો આખો કલાસ શાંત થઈ ગયો. હાજરી પુરવામાં આવી. મારો રોલ નંબર ૬૨ હતો. જે મેં કૉલેજમાં લગાવેલા નોટીસબોર્ડમાં જોયો હતો. પ્રોફેસરે ભણાવવાનું શરૂ કર્યું.  ચોપડામાં કેટલુક નોંધ્યું. બીજો તાસ શરૂ થઈને પૂરો થવા આવ્યો ત્યાં સુધી મારી બાજુમાં બેઠેલી છોકરીએ હું ક્યાંથી આવું છું એ જાણવા સિવાયની કોઈ તસ્દી ના લીધી ના મેં એને કઈ પૂછ્યું. પણ બીજા તાસ બાદ મેં એને પૂછી જ લીધું. "આપકા નામ ક્યાં હૈ ?" એને ટૂંકમાં મારી સામે જોયા વગર જ કહ્યું "સુજાતા, ઔર તુમ્હારા ?" મેં પણ ટૂંકમાં જ જવાબ આપ્યો "કાવ્યા". એને બીજું કંઈ ના પૂછ્યું. પણ ગુજરાતની બહારની રીતભાત મને અહીંયા આવ્યા પછી સમજાઈ ગઈ. ગુજરાતમાં બધા એક બીજાને માન સન્માન સાથે બોલાવે. "તમે" કે "આપ" દ્વારા સંબોધે પણ ગુજરાતની બહાર "તું" જેવા શબ્દો પહેલી જ ઓળખાણથી બોલવા લાગે. મને તો આ તોછડું લાગતું. પણ જેવી જેની રીતભાત. હું વધુ કઈ ના બોલી કે એ છોકરીને બીજું કંઈ જ ના પૂછ્યું. મને એ છોકરીમાં થોડા અહમ ના દર્શન થયા.
પોણા એક વાગે આમારી કૉલેજ છૂટી. હું ગેટની બહાર ઊભી રહી મેઘનાની રાહ જોવા લાગી. મારી બાજુમાં બેઠેલી છોકરી હું ગેટ પાસે ઊભી હતી ત્યારે ફિક્કું સ્મિત મારી સામે વેરતી પોતાની સાઈકલ લઈ અને નીકળી. મેં પણ એના જવાબમાં આછું સ્મિત આપ્યું. થોડી જ વારમાં મેઘના પણ જે દિશામાં ગઈ હતી એ દિશામાંથી આવતી દેખાઈ. મારી પાસે આવીને એને પહેલો જ પ્રશ્ન પૂછ્યો : "કેવો રહ્યો કૉલેજનો પહેલો દિવસ ?" "કઈ ખાસ નહીં, પણ મઝા આવી." મેં મેઘનાને જવાબ આપ્યો. મેઘના એ કહ્યું  "ગમશે ને કૉલેજમાં ?" મેં માત્ર માથું હલાવી "હા"કહ્યું. અને હોસ્ટેલ તરફના રસ્તા ઉપર ચાલવા લાગ્યા.
હોસ્ટેલ ઉપર પહોંચ્યા ત્યારે શોભના અને સુસ્મિતા પણ આવી જ ગયા હતા. તેમને પણ મારા કૉલેજના પહેલા દિવસ વિશે પૂછ્યું અને મેં મેઘનાને આપેલો જ જવાબ આપ્યો. એ લોકોને પણ નોકરીએ જવાનું મોડું થતું હોવાથી વધારે કઈ વાત ના કરી. અને જમવા માટે નીચે મેસમાં  સાથે જ ચાલ્યા. રોટલી, દૂધીનું શાક, અને દાળભાત જમવામાં હતાં. ઘરના જેવી મઝા નહોતી. પણ પેટભરી જમી લીધું. હવે મારે આ જમવાથી ટેવાઈ જવાનું હતું. 
જમ્યા બાદ શોભના, સુસ્મિતા અને મેઘના જોબ ઉપર જવા માટે નીકળ્યા. હું રૂમનો દરવાજો અંદરથી બંધ કરી અને મારા બેડ ઉપર આળોટવા લાગી. સુવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ આવી જ નહીં. થોડીવાર આમતેમ પડખા ફેરવી બેઠી થઈ. કૉલેજમાં હજુ એટલું ભણાવવામાં આવ્યું નહોતું એટલે શું વાંચવું એ પણ કઈ સમજાઈ રહ્યું નહોતું. થોડીવાર ચોપડીઓ આમ તેમ ફેરવી એને પાછી કબાટમાં મૂકી દીધી. અને પલાંઠી વાળી મારા બેડ ઉપર બેસી ગઈ. રૂમની અંદર આમતેમ નજર ફેરવતાં મારી નજર સુસ્મિતાના બેડના ગાદલાની નીચે અડધા બહાર રહેલા એક પુસ્તક ઉપર પડી. હું ઊભી થઈ અને એ પુસ્તક હાથમાં લીધું. પુસ્તક ઉપર રહેલા ચિત્રો અને એનું નામ જોઈને જ મેં એ પુસ્તકને પાછું મૂકી દીધું. પણ રૂમમાં હું એકલી જ હતી. અને સમય પણ પસાર કરવો હતો. બીજું કંઈ કામ પણ નહોતું. એટલે મે એ પુસ્તકેને પાછું ઉઠાવ્યું. એને જોતાં જોતાં જ મારા બેડ તરફ આવી એમાં બેસી ગઈ. સિત્તેર પાનાનુંએ પુસ્તક હતું. નામ હતું "जिस्मानी मुहब्बत" પુસ્તકનું મુખપૃષ્ઠ જોઈ શરમ આવી જાય એમ હતું. જેમાં એક અર્ધનગ્ન સ્ત્રી સુઈ રહી હતી અને એના ઉપર એક પુરુષ લેટી એના ગળાને ચુંબન કરી રહ્યો હતો. આજ પહેલાં મેં આવા કોઈ ચિત્રને આટલા નજીકથી ક્યારેય જોયા નહોતાં. પણ રૂમનો એકાંત અને મારી યુવાની મને એ ચિત્રને જોવા આકર્ષી રહી હતી. એ જોતાં જોતાં જ મારો હાથ એ ચિત્રમાં રહેલા પુરુષ ઉપર અનાયાસે જ ફરી વળ્યો અને મારી જીભ મારા હોઠની ફરતે ફરવા લાગી. મને એ સમયે શું થઈ રહ્યું હતું ખબર નહોતી. પણ આજ પહેલા આવી અનુભૂતિ મને ક્યારેય નહોતી થઈ. 
મેં પહેલું પાનું ખોલી વાંચવાની શરૂઆત કરી. સતત દોઢ કલાક સુધી એક જ ઠેકાણે બેસી મેં આખું પુસ્તક વાંચી લીધું. વાંચતા વાંચતા ઘણીવાર મારા પોતાના જ હાથને હું ક્યારેક મારા વધતાં ઉરોજ ઉપર લઈ આવતી તો ક્યારેક કમર ઉપર તો ક્યારેક ગળાની આસપાસ. કેટલીયવાર મારી જીભ મારા હોઠની આસપાસ ફરવા લાગતી. આજપહેલા ના મેં આ પ્રકારનું ક્યારેય વાંચ્યું હતું ના ક્યારેય કોઈ પાસે સાંભળ્યું હતું. એક જુદા જ વિશ્વમાં મને આ પુસ્તક લઈ આવ્યું હતું. પુસ્તકને સુસ્મિતાના બેડના ગાદલા નીચે મુકવા જતાં રૂમમાં લગાવેલા અરીસા સામે ઊભા રહી આજે મેં પહેલીવાર મારા ઉરોજને ધ્યાન પૂર્વક જોયા. મારા હાથે જ એને સ્પર્શ્યા, અને એક જુદા જ પ્રકારનો રોમાંચ મારા શરીરમાં ફરી વળ્યો. એક અલગ ચમક મારા ચહેરા ઉપર મને દેખાઈ રહી હતી. મારી અંદર પણ જાણે યુવાની ફૂટી રહી હોય એમ મને લાગી રહ્યું હતું. મારું શરીર જાણે આ સમયે કોઈનો સહવાસ ઝંખતું હોય એવું મહેસુસ થઈ રહ્યું હતું. એ પુસ્તકમાં એક સ્ત્રીએ પોતાના શરીર સુખનો અનુભવ વર્ણવ્યો હતો. પોતાની અંગત ડાયરીના એક ભાગને એને પુસ્તકમાં રજૂ કર્યો હતો. પોતે પરણિત હોવા છતાં પોતાના પતિ પાસે શારીરિક સુખનો આનંદ ના મળતાં એ તેના પતિના જ એક મિત્ર સાથે શરીર સુખનો જે આનંદ માણે છે તેની વાત તેને રજૂ કરી હતી.
      એ પુસ્તકને એના ઠેકાણે મૂક્યા બાદ પણ એ પુસ્તકમાં રહેલી એક એક વાતો મને વળી વળીને યાદ આવવા લાગતી. બેડની અંદર રહેલા તકીયાને મેં મારા બંને પગ વચ્ચે કસીને દબાવી લીધું અને શાંત બનીને બેડમાં જ થોડીવાર સુઈ રહી છતાં એ પુસ્તકના વિચારો મારો પીછો છોડતાં નહોતા. હવે મને અંદરો અંદર ગુસ્સો થવા લાગ્યો. એ પુસ્તક મેં શું કામ વાંચ્યું ? એવો પ્રશ્ન થવા લાગ્યો .આજસુધી આવો કોઈ વિચાર શુદ્ધા મને નથી આવ્યો, ના આવી કોઈ ઈચ્છા મને ક્યારેય સ્પર્શી છે તો આ બધું આમ અચાનક થવાનું કારણ શું હોઈ શકે ? દરવાજો ખોલી હું બાથરૂમ તરફ ચાલી નીકળી. બાથરૂમમાં પણ એ વાતો મને હેરાન કરી રહી હતી. પાછી રૂમમાં આવી. દરવાજો બંધ કર્યો. અને મારું ધ્યાન ભટકાવવાના પ્રયત્નો કરવા લાગી. કૉલેજના ચોપડા ખોલ્યા, પણ મન એ પુસ્તકના વિચારોમાં જવા લાગ્યું. આંખો બંધ કરી સુવાનો પ્રયત્ન કર્યો પણ આંખો સામે એ પુસ્તકના મુખપૃષ્ઠ પર રહેલી એ નાયિકા અને નાયક દેખાવવા લાગ્યા. ઓચિંતો મારા મગજમાં એક વિચાર સ્ફુર્યો. આ પુસ્તક લખનાર લેખિકાએ એની અંગત ડાયરીના પ્રસંગ લખ્યા હોય તો હું મારા અનુભવોની પણ એક ડાયરી લખી શકું. અને તરત મેં મારા કબાટમાંથી એક ડાયરી કાઢી અને મારા અનુભવો લખવાની શરૂઆત કરી.

(કાવ્યા યુવાનીના જોશમાં કોઈ ખોટું પગલું તો નહીં ભરી બેસે ને ? શું એક પુસ્તક વાંચીને કાવ્યા પોતાનું શરીર સોંપવા માટે કોઈ પુરુષનો સહારો લેશે ? સુસ્મિતા કેમ આ પુસ્તક વાંચતી હતી ? જાણવા માટે વાંચો "હેશટેગ લવ" ના હવે પછીના ના રોમાંચક પ્રકરણો..)
લેખક : નીરવ પટેલ "શ્યામ"