Pratiksha - 12 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા ૧૨

“તું રેવા ને રેવા જ કહે છે? મમ્મી કે મોમ નહિ?” વાત બદલવાના અને ઉર્વા વિષે જાણવાના આશયથી ઉર્વીલે પૂછ્યું
“૨૦૦૦ ની ડાયરીમાં પેજ નંબર ૧૫ વાંચી લેજો, જવાબ મળી જશે... હવે જવાબદારીનું કામ લગભગ પૂરું થઇ ગયું છે. હવે આવે છે હકની વાત. મારો એક પ્રશ્ન છે.” ઉર્વા બોલી.
“બોલને...” ઉર્વીલે લાગણીવશ થતા કહ્યું
“શું રેવાનું ખૂન તમે કર્યું છે?” ઉર્વીલની આંખોમાં આંખો નાંખી કંઇક સમજવાનો પ્રયાસ કરતી હોય તેમ ઉર્વા પૂછી રહી ને ઉર્વીલ એકદમ સ્થિર થઇ ગયો.
“હું રેવાનું ખૂન કરી શકું ક્યારેય?? તને લાગે છે હું એવું કરું?” સહેજ ગળગળા થતા ઉર્વીલ બોલ્યો ને ઉર્વાના ચેહરા પર કટાક્ષ ભર્યું સ્મિત રમી ગયું
“ઓહ સોરી, મારો પ્રશ્ન જ ખોટો છે... જે માણસને એની હયાતીથી જ ફરક ના પડતો હોય તે શું કામ તેનું ખૂન કરે? તેને શું પડી હોય તે જીવે છે કે મરી ગઈ તેનાથી?” ઉર્વાનો આક્રોશ તેના શબ્દે શબ્દમાં વણાઈ ગયો હતો. ઉર્વીલ ફક્ત નિરુત્તર બની નીચું માથું રાખી પોતાના ૨૦ વર્ષ પર પસ્તાઈ રહ્યો હતો.
“એક મિનીટ...” કંઇક યાદ આવતા અચાનક જ ઝટકા સાથે ઉર્વીલ બોલ્યો
“તારો કહેવાનો મતલબ છે રેવાનું ખૂન થયું હતું??”
“તમને જેના જીવવા કે મરી જવાથી ફરક પડ્યો તેની ડેથના કારણો જાણી તમે શું કરી લેવાના...” ઉર્વા હજી આગળ કહેવા જતી હતી પણ તે પહેલા જ ટેબલ પર પડેલા તેના મોબાઈલની રીંગ વાગી.

“હા બોલ કહાન...” ફોન ઉપાડી ઉર્વા બોલી
“ક્યાં છે? બધું ઠીક તો છે ને?” કહાન ચિંતિત સ્વરે બોલ્યો
“ઘરે જ છું અને બધું ઠીક છે... તું ચિંતા નહિ કર ઓકે.” ઉર્વા કહાનને સમજાવતા બોલી અને ઉર્વીલ ને રેવા યાદ આવી ગઈ. આવી જ રીતે કંઈ કેટલીય વાર તે ઉર્વીલને સમજાવતી હતી...
“હું આવી જાઉં?” કહાને સીધું જ પૂછી નાખ્યું
“કહાન...” ઉર્વાએ કંઇક કહેવાની કોશિશ કરી પણ કહાને વાત વચ્ચેથી જ કાપી નાખી
“ઉર્વા, પ્લીઝ હું અહિયાં નહિ બેસી શકું... આવી જવા દે ને. આઈ એમ જસ્ટ વરીડ. પ્લીઝ...” કહાનના અવાજમાં ઉર્વા માટેની વ્યગ્રતા સાફ છલકાતી હતી
“ચલ આવી જા.” અને પછી ઉર્વીલની સામે જોઈ ઉમેર્યું, “અચ્છા, અંકલને પણ લઈને જ આવજે”
“દસ મિનીટમાં આવ્યો.” ખુશ થઇ કહાને ફોન કાપી નાંખ્યો અને ઉર્વા પણ કહાનની આ માસુમિયત પર હસી પડી.

ઉર્વીલ અત્યાર સુધી ચુપચાપ ઉભો રહી વાત સાંભળી રહ્યો હતો. તેને પૂછવું હતું રેવાના ખૂન વિષે, રેવા વિષે, ઉર્વા વિષે પણ ઉર્વાના ચેહરા પરની આ મુસ્કાન જોઈ તેનાથી આ વાત બદલ્યા વિના ના રહેવાયું,
“કોઈ સ્પેશ્યલ આવતું લાગે છે.” ઉર્વીલ માંડ ચેહરા પર બનાવટી સ્મિત લાવતા પૂછી રહ્યો
“હા... રેવાનો દીકરો આવે છે.” ઉર્વા સીધું બોલી પડી અને ઉર્વીલની આંખો પહોળી થઇ ગઈ.
“વ્હોટ?? રેવાનો દીકરો??” ઉર્વીલ કંઇજ સમજી શકતો નહોતો અને ઉર્વા ખડખડાટ હસી પડી
“બસ આટલો જ વિશ્વાસ હતો ને રેવા પર?? પણ હું સાચું જ કહું છુ રેવાનો દીકરો આવે છે...” ઉર્વા હજી હસી રહી હતી
“એટલે? હું કંઈ સમજ્યો નહિ...” ઉર્વીલ ધીમેથી બોલ્યો
“આમ તો ૨૦૦૧ની ડાયરીમાં પેજ નંબર ૯૮ થી ૧૦૨ વચ્ચે જવાબો છે તમારા પણ ચાલો ને કહી જ દઉં છું તમને...” ઉર્વા ખુરશી પર સ્થિર બેસીને ઉર્વીલના હાવભાવમાં કંઇક શોધવાનો પ્રયત્ન કરતા બોલી
“તમે તો ઓળખતા જ હશો ડોક્ટર દેવ, આ જ ફ્લોર પર રહેતા...” ઉર્વા આટલું બોલી અટકી ગઈ અને ઉર્વીલની સામે છેલ્લી વખત જે મુંબઈ આવેલો ત્યારનું દ્રશ્ય તરવરી રહ્યું
“હા, દેવ... રેવાનો પાડોશી અહીં સામેના બ્લોકમાં જ રહેતા...” ઉર્વીલ પોતાને સંભાળતા બોલ્યો
“યેસ, તમારા અહીંથી ગયા પછી રેવાને દેવ અંકલ અને સ્વાતિ આંટીએ જ સંભાળી હતી... ફીઝીકલ ઇન્જરી તો હતી જ એમાંય મેન્ટલ સ્ટ્રેસ, ઈમોશનલ પેઈન અને બ્રોકન હાર્ટ રેવાને ખબર પડી કે હું આવવાની છું ત્યારે બધી જવાબદારી સ્વાતિ આંટીએ ઉપાડી લીધી હતી. ત્યારે કહાન ખાલી દોઢ વર્ષનો હતો...” ઉર્વા જેમ જેમ બોલતી હતી ઉર્વીલના મસ્તકની કરચલીઓ વધતી જતી હતી. તેનું ગીલ્ટ તેની આંખોથી થઈને ચેહરા પર છલકાઈ રહ્યું હતું.
“હા, સામે એક નાનું બેબી તો હતું... રેવા કહેતી કે બહુ ક્યુટ છે.” ઉર્વીલે વાત આગળ વધારવા કહ્યું
“હા, કહાન રેવાને પહેલેથી જ બહુ વ્હાલો હતો. અને મારા આવ્યા પછી તો મોસ્ટલી સ્વાતિ આંટી કહાનને આ ઘરે મુકીને જ બહાર જતા... મારા આવ્યા પછી ૬ મહિના રેવા ઓફીસ જઈ શકે તેમ નહોતી એટલે કહાન અને હું અહીં જ રહેતા...”
“વાહ, એક સાથે બે બે બેબીઝ...” ઉર્વીલના ચેહરા પર સ્મિત રમી ગયું
“હા, પણ ત્યાં સુધી રેવા કહાનના મોમ જેવી હતી અને મારા માટે સ્વાતિ આંટી મોમ જેવા હતા. બટ કહાન ૪ વરસનો હતો જયારે સ્વાતિ આંટીની એક કાર એકસીડન્ટમાં ડેથ થઇ ગઈ. ત્યારથી રેવાએ ક્યારેય આંટીની કમી કહાનને મેહસૂસ નથી થવા દીધી...” ઉર્વાની આંખમાં થોડીક એવી ભીનાશ ઉતરી આવી
“રેવા માટે ઉર્વા પછી છે. કહાન પહેલા છે. એન્ડ હું રેવા માટે દીકરી રહી છું પણ કહાન હંમેશા સવાયો દીકરો રહ્યો છે. કહાન માટે રેવા થી વધારે કોઈ જ મહત્વનું નથી.” ઉર્વા બોલી રહી.
“વાહ, રેવા હંમેશા કહેતી લાગણીના તાંતણા ગમે ત્યાં બંધાઈ જાય... તે સ્થળ કાળ ના જોવે” ઉર્વીલની આંખો સામે રેવા બોલતી હોય તેમ તે બોલી રહ્યો
“આટલા ખુશ ના થાવ ઉર્વીલ...” રેવા ઉર્વીલની સામે સીધું જોતા બોલી. એ આંખમાં કંઇક એવું હતું કે ઉર્વીલ હચમચી ગયો
“કહાન આવે છે અહિયાં... એનો મતલબ સમજો છો? એ જવાબ માંગશે બધાજ... કહાન એ બધા સવાલ કરશે જે મેં તમને નથી કર્યા. એ રેવાની એક એક પળની પ્રતિક્ષાનો હિસાબ માંગશે તમારી પાસેથી... જેટલા આંસુ એણે તમારી યાદમાં વહાવ્યા છે તેનું કારણ માંગશે એ... જવાબ આપી શકશો તમે?? અરે જવાબ તો શું આંખો મળાવી શકશો તેની સામે?” ઉર્વાની નજરો હજી ઉર્વીલ સામે સ્થિર જોઈ રહી હતી.
ઉર્વીલના હોઠ હવે સુકાવા લાગ્યા. તેણે એકક્ષણ પુરતી આંખો મીંચી દીધી.
“એ બધા જવાબ આપવા જ તો આવ્યો છું હું... ખરેખર તો એ જવાબ બધા પાકા કરતો કરતો આવ્યો છું. મને એમ લાગ્યું હતું કે મને તું પૂછીશ બધુય... પણ તારે તો કોઈ જવાબ જોઈતા જ નથી. તું તો કંઈ જાણવા માંગતી જ નથી... ખેર, કહાનને તો હું જવાબ આપી શકીશ. એટલીસ્ટ હું કારણ જણાવી તો શકીશ.” ઉર્વીલની વેદના હવે શબ્દોમાં વ્યક્ત થઇ રહી હતી ને ઉર્વાના ચેહરા પર કડવાહટ છવાઈ ગઈ.
“તમને શું લાગે છે કારણ જણાવવાનું સુકુન પણ હું તમને નસીબ થવા દઈશ?? દેવ અંકલ સામે કહાન કંઈ વધુ પૂછી નહિ શકે. અને હું કહાનને વધુ પૂછવા દઈશ નહિ...” આટલું કહી સહેજ અટકી તેણે ઉમેર્યું,
“હાથ લંબાવો તો મળી જાય તેટલી નજીક હતી રેવા તેની બધી જ ખુશીઓથી... હેં ને?? પણ તેને તે કંઇજ મળ્યું જેના માટે તે તરસતી રહી. હવે તમે પણ હંમેશા હાથ લંબાવો તો મળી જાય એટલા જ નજીક રહેશો તમારી કોઇપણ તમન્નાથી... પણ મળશે નહિ તમને. હું તમને મારીશ નહિ ઉર્વીલ પણ જીવવા પણ નહિ દઉં.”