no return-2 part-40 books and stories free download online pdf in Gujarati

નો રીટર્ન-૨ ભાગ-૪૦

નો-રીટર્ન-૨

ભાગ-૪૦

દાદુ હસ્યાં. પણ એ હાસ્યમાં મારા પ્રત્યે ઉપહાસ ભાવ બિલકુલ નહોતો. તેમનાં હાસ્યમાં અપાર મમતા છલકતી હતી.

“ તને શું લાગે છે...? જો મેં સાવ આસાનીથી તેને આ બધું કહ્યું હોત તો એ માની લેત...? અને મને મુક્ત કરી દેત...? નહી..., આસાનીથી મળતી ચીજોનું લોકોને મન કોઇ મૂલ્ય હોતું નથી. જો આ કહાની મેં તેને સંભળાવી હોત તો કાર્લોસને એવું જ લાગ્યું હોત કે હું તેને ઉઠા ભણાવી રહયો છું. તેણે મને વધું ટોર્ચર કર્યો હોત. એટલે જ મેં યાદશક્તિ ક્ષિણ થવાનું નાટક ચાલું રાખ્યું હતું, અને આમ જોવા જાઓ તો એ કંઇ ખોટું પણ નહોતું. મને ઘણી વખત એવું લાગે છે કે હવે હું બધું ભુલી રહયો છું. ટુંકાગાળા માટે કયારેક કયારેક મારું મગજ શૂન્યાવકાશમાં ચાલ્યું જાય છે. એવું મને અનુભવાય છે કે જાણે હું ખુદ મને જ ભૂલી ગયો હોઉં. એક રીતે તો એ સારું જ ગણાય. હવે આ ઉંમરે પાછલો ભૂતકાળ ભૂલી જવો એજ વધું હિતાવહ છે. વ્યક્તિએ ઉંમરનાં અમુક પડાવ બાદ સંસારની સઘળી મોહમાયા ત્યજીને બધું છોડી દેવું જોઇએ એવું મારું માનવું છે. એનાથી પાછલી જીંદગી વધું સહેલાઇથી પસાર થઇ શકે છે... ”

“ પણ દાદુ.... તમારી યાદદાસ્ત તો ગજબનાક રીતે સચવાયેલી છે.... ” આ વખતે અનેરીએ આશ્વર્ય ઉછાળ્યું હતું.

“ મેં પહેલાં જ કહ્યું હતું ને કે અમુક ઘટનાઓ જીવનમાં કયારેય ભૂલાતી નથી. એ સમય તમારા મનમાં કોઇ શિલાલેખની જેમ છપાયેલો રહે છે જેને સદીઓની ધૂળ પણ મિટાવી શકતી નથી. પણ ખેર... હવે આગળની કહાની સાંભળ....

“ ૧૯૪૭માં લંડનનાં એક અતી ખ્યાતનામ પ્રોફેસર એરિક હેમન્ડને આ ખજાના વીશે જાણવા મળ્યું, અને તેઓ એની શોધ પર નિકળી પડયાં. તેમણે અત્યંત બારીકાઇથી દસ્તાવેજનો અભ્યાસ કર્યો અને બ્રાઝિલનાં નક્શા સાથે એની સુસંગતતા ગોઠવી અને સફર ખેડવા ઉપડયાં. તેઓ સફર દરમ્યાન હવાઇ જહાજ.. જીપ.. મોટરસાઇકલ.. વગેરે સાધન સરંજામોનો સહારો લેવાય તેટલો લેતાં. એ શક્ય ન હોય ત્યારે પગપાળા ચાલીને પણ આગળ વધતાં. તેઓ આ વનપ્રદેશનાં ખ્રિસ્તી ધર્મનાં પ્રચારમાં પ્રવૃત પાદરી જોનાથન વેલ્સને પણ મળ્યાં. જોનાથન વેલ્સે પિસ્કોટા નામનાં નાનકડા ગામમાં એક ચર્ચ બનાવ્યું હતું. તેઓ બાર વર્ષથી અહીં હતાં અને સતત પ્રયત્નો કરતાં આવ્યાં હતાં કે આ પ્રદેશનાં આદિવાસી લોકો ખ્રિસ્તી ધર્મનાં અનુયાયી બને. પાદરીએ એરીક હેમન્ડની વાત ધ્યાનથી સાંભળી તો ખરી પણ એમને સલાહ આપી કે તેઓ અહીંથી જ પાછા ફરી જાય. આગળ વનમાં જે આદિવાસી કબીલાઓ હતાં એ લોકો બહું હિંસક છે એટલે તેમણે આગળ વધવું જોઇએ નહીં. જોકે એરિક હેમન્ડે પાદરીની વાતો ઉપર બહું ધ્યાન આપ્યું નહી. તેમણે પોતાનાં શોધ અભિયાનને આગળ ધપાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો અને તેઓ પિસ્કોટા ગામથી આગળ રવાના થયા હતાં. એ નિકળ્યા ત્યારે પાદરી મહાશયે પોતાનાં પાળેલા ૧૩(તેર) કબુતરો હેમન્ડને આપ્યાં હતાં અને કહયું હતું કે તેઓ એક એક કરીને કબુતરનાં પગે કાગળ બાંધીને તેમને સંદેશો મોકલતા રહે કે તેઓ કયાં પહોંચ્યાં છે...! જેથી એ સંદેશાઓ આગળ સંદેશા કેન્દ્ર સુધી પહોંચાડી શકાય. હેમન્ડને પાદરીની એ સલાહ ખુબ જ ગમી અને તેઓ પાદરીનાં કબુતરોને સાથે લઇને આગળની સફરે ઉપડી ગયાં... ”

“ એક મિનીટ... એક મિનીટ...! દાદુ, તમે શું કહયું હમણા.....? કોઇ કબુતરોનો ઉલ્લેખ કર્યો....? ” ધ્યાનથી દાદુની વાત સાંભળતા એકાએક જ હું ઉછળી પડયો હતો.

“ જી હાં...! એરિક હેમન્ડ તેર કબુતરોને પોતાની સાથે લઇને નીકળ્યો હતો. પણ તને એનું આટલું આશ્વર્ય કેમ થયું....? તું જાણે છે એ વીશે..? ”

“ અરે... કંઇ.. કંઇ... નહી. એ તો અમસ્તુ જ, મેં કયારેય આવું સાંભળ્યું નહોતું ને, એટલે... ” તુરંત વાતને વાળતાં હું બોલ્યો હતો. હવે મારે તેમને કેમ જણાવવું કે એ કબુતરો વીશે મને અમારી લાઇબ્રેરીનાં સ્ટોરરૂમમાં રાખેલા બોક્ષમાંથી જાણવા મળ્યું છે. હાલ પુરતા તેનો ઉલ્લેખ કરવાથી ગાડી આડા પાટે ચડી જવાનું જોખમ હતું એટલે મેં ખામોશ રહીને પહેલાં દાદુની કહાની સાંભળી લેવાનું મન બનાવ્યું. મારા જીગરમાં ઉઠતાં ધબકારાઓને શાંત પાડીને મેં તેમની વાતમાં ધ્યાન પોરવ્યું. દાદુએ ફરી વાતનું અનુસંધાન જોડયું...

“ એરિક હેમન્ડે લગભગ બધા જ કબુતરો થકી પાદરીને સંદેશા મોકલ્યા હશે પરંતુ એ બધામાંથી છઠ્ઠું, અગીયારમું અને તેરમું કબુતર લાપતા થઇ ગયા હતાં. અથવા તો તે રસ્તામાં જ મૃત્યુ પામ્યા હોવા જોઇએ કારણકે તેમનો કયારેય પત્તો લાગ્યો નહોતો. એ કબુતરોનું શું થયું એનું રહસ્ય આજદીન સુધી અકબંધ રહયું છે. બાકીનાં જીવીત પાછા આવેલા કબુતરો ઉપરથી જાણકારી મળી કે હેમન્ડ એ ખંડેર થઇ ગયેલી પ્રેતનગરી સુધી પહોંચી ગયો હતો અને ત્યાં સુધી પહોંચવાનો પાક્કો રસ્તો દોરીને તેણે તેરમાં કબુતર દ્વારા મોકલાવ્યો હતો. દુર્ભાગ્યે એ જ કબુતર ગાયબ થઇ ગયું હતું અને અગત્યની માહિતી ઉપર પડદો પડી ગયો હતો. કોઇને એ પાછા ફરેલા કબુતરો ઉપરથી ત્યાં સુધી જવું હોય તો પણ છઠ્ઠા કબુતરથી રસ્તાની લીંક તૂટી જતી હતી અને અગીયારમાં અને તેરમાં કબુતર દ્વારા મોકલાયેલા નક્શા પણ ગાયબ હતાં. આમ ફરી એક વખત એ શાપિત ખજાનાનું રહસ્ય વણઉકેલ્યું જ રહયું હતું. પાદરી જોનાથન વેલ્સે ત્યારબાદ પાછા આવેલા એ કબુતરોની વાત ઉપર પણ પડદો પાડી દીધો હતો જેથી ફરી કોઇ એ દિશાં જવાનું દુસ્સાહસ ન કરે.”

“ તો પછી એરિક હેમન્ડનું શું થયું...? તે પાછો ફર્યો કે નહીં..? ”

“ નહીં... બારમાં નંબરનાં કબુતરમાં સંદેશો હતો કે તેઓ લગભગ ખજાનાવાળી જગ્યાની બેહદ નજીક છે. પરંતુ સાથોસાથ એ પણ જણાવ્યું હતું કે તેમને અને તેમનાં સાથીદારોને કોઇ અજાણી ગંભીર બીમારી લાગુ પડી ગઇ છે. તેઓ કોઇક બીમારીનો ભોગ બન્યાં છે અને મૃત્યુ પામવાની બીલકુલ તૈયારીમાં છે. પણ તેમને એ વાતનો સંતોષ હતો કે સદીઓથી ચાલ્યા આવતાં સંશોધનનાં અંત સુધી તેઓ પહોંચવા આવ્યા છે. આ પ્રદેશમાં ખરેખર મબલખ સ્વર્ણભંડારો ધરબાયેલા છે એ વાત વાસ્તવીક છે અને ધારે તો કોઇપણ વ્યક્તિ અહીં સુધી પહોંચી શકે તેમ છે. પણ... એક વાત એ પણ સત્ય છે કે આ સ્વર્ણભંડારો સાથે નક્કી કોઇ રહસ્ય સંકળાયેલું છે. એ રહસ્ય શું છે એ હેમન્ડ જાણી શકયો ન હતો. અથવા તો તેનો જવાબ તેરમાં નંબરનાં કબુતરની સાથે ઇતિહાસની ગર્તામાં હંમેશા માટે ઢબુરાઇ ગયો હતો. હેમન્ડે મોકલેલા સાંકેતીક ભાષામાં લખેલા પત્રો પેલા દસ્તાવેજોની શૃંખલામાં એક મહત્વની કડી ગણાય છે. પાદરી મહાશયે એ પત્રો બ્રાઝિલની ગવર્મેન્ટને ભેટ આપ્યા હતાં જે આજે પણ નેશનલ મ્યુઝિયમમાં વ્યવસ્થિત રીતે સચવાયેલા છે. હાં... એ સાંકેતીક ભાષામાં લખાયેલા છે એટલે તેને કોઇ ઉકેલી નથી શકતું એ પણ સત્ય હકીકત છે. તમે એ પત્રો જોયા જ હશે....” દાદુએ અમારી સમક્ષ પ્રશ્ન ઉઠાવ્યો અને કોફીનો છેલ્લો ઘુંટ ભરી કપ ટીપોઇ ઉપર મુકયો.

મને યાદ આવ્યું કે મૂળ દસ્તાવેજની નીચે જે પાનાઓ હતા એમાં જ આ સાંકેતીક ભાષામાં લખાયેલા પત્રો હોવા જોઇએ. મેં એ જોયા પણ હતા છતાં તેમાં શું લખ્યું છે એ હું સમજી શકયો નહોતો. મારી જેવી જ હાલાત એ દસ્તાવેજ જોનારા બધાની હશે. કોઇ એ સાંકેતીક ભાષા ઉકેલી શકયું નહી હોય. પણ...હવે મારે એ ઉકેલવી હતી.

( ક્રમશઃ )

મિત્રો..

હવેથી આપની મનપસંદ ધારાવાહીક નો રીટર્ન-૨ અઠવાડીયામાં ત્રણ દિવસ આવશે.

તો વાંચતા રહેજો.

રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા કહેજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા. વોટ્સએપ ૯૦૯૯૨૭૮૨૭૮

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.