Cable Cut - 31 books and stories free download online pdf in Gujarati

કેબલ કટ, પ્રકરણ ૩૧

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૩૧
હીરાલાલ કાર અને પૈસાનો થેલો લઇ ફાર્મ હાઉસ પહોંચે છે. ત્યાં જાયમલ, ગફુર અને ખેંગાર રાહ જોઇ રહ્યા હતાં. 
"આવો ડી એમ" જાયમલ ઉત્સાહી સ્વરે બોલ્યો
"લો આ પૈસા ભરેલો થેલો અને આ કારની ચાવી, મારુ કામ કયારે થશે ?" ડી એમ બોલ્યા 
"કામ....તો ..હાલ જ અને હમણાં જ ચાલુ થઇ જશે." જાયમલે ઉભા થઇને પૈસા ભરેલો થેલો અને કારની ચાવી હાથમાં લઇને કહ્યું.
"જાયમલ, હવે પછીનો તારો પ્લાન શું છે ?" ગફુરે પુછ્યું. 
"મારો પ્લાન તો હું કયારેય કોઇને નથી જણાવતો પણ એટલું કહુ કે હું અત્યારે જ માલની શોધમાં નીકળી જઉ છુ અને માલ મળે હું લોકેશન કહુ ત્યાં રુપીયા લઇને પહોંચી જજો. ડીલીવરી મળી જશે." જાયમલ ડીએમના ખભે હાથ મુકીને બોલ્યો.
જાયમલ કાર ચાલુ કરીને જતાં પહેલાં બોલ્યો, "આપણી વાત ખાનગી જ રહેવી જોઇએ અને કંઇ ગડબડ થાય આપણે પોલીસને કોઇના વિશે કંઇપણ બાતમી આપવાની નથી તેનું ધ્યાન રાખજો."
જાયમલ કાર લઇને નીકળતાં જ ગફુરે ખાન સાહેબને ફોન કર્યો અને કહ્યું, "જાયમલ કાર લઇને નીકળી ગયો છે અને હવે..."
 "તેને આપણી ટીમ ટ્રેસ કરી જ રહી છે. તમે બધા ક્રાઇમ બ્રાંચની ઓફિસે પહોંચો." ખાન સાહેબે કહ્યું.
ક્રાઇમ બ્રાંચની ઓફિસમાંથી જાયમલની કારનું લોકેશન મોબાઈલ અને સાયબર ટીમના એક્સપર્ટ સૌરીન સતત વોચ કરી રહ્યા હતાં અને એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ ઇન્સ્પેકટર નાયક, બોંબ ડીફયુસ એક્ષપર્ટ વિરેન જાયમલની પાછળની કારમાં છુપી રીતે ટ્રેસ કરી રહ્યા હતાં.
મોડી રાતે ખાન સાહેબે સાયબર એક્ષપર્ટ પાસેથી જાયમલની લોકેશન મેળવી અને કુંપાવત સાહેબે ઇન્સપેક્ટર નાયકને કોલ કરીને ડીટેલ મેળવી.
ઇન્સપેક્ટર નાયકે કહ્યું, "સર, આ પોતે ગુંચવાયેલો છે યા આ એનો કોઇ પ્લાન છે એ ખબર નથી પડતી. તે  એસ જી હાઇવેથી અડાલજ થઇને કાર લઇને ગાંધીનગર પાસ કરીને ચીલોડા તરફ પહોંચ્યો છે. અને એક મીનીટ સર, તેની કાર હાઇવે પરની હોટલ તરફ વળી છે. હું તમને પછી કોલ કરું."
ઇન્સપેકટર નાયકે તેમની કાર પણ હોટલથી દુર હાઇવે પર રોકી લીધી. તેમણે જોયું કે તેણે હોટલ બહારના પાર્લર પરથી નમકીન પેકેટ, પાણીની બોટલ અને સિગરેટ ખરીદી. 
જાયમલ કારમાંથી બહાર નીકળી સિગરેટ સળગાવી કશ મારતો મારતો ફોન પર વાત કરી રહ્યો હતો તે જોઇને ઇન્સપેક્ટર નાયકે સાયબર એક્ષપર્ટ સૌરીનને કોલ કરીને જાયમલ કોની સાથે વાત કરે છે તે જાણવા તેનો મોબાઇલ નંબર ટ્રેસ કરવા કહ્યું. 
થોડીવારમાં જ જાયમલની કાર પાસે બીજી કાર આવીને ઉભી રહી અને પળવારમાં જ તે કાર ડ્રાઇવરને જાયમલે તેની કારમાંથી પૈસા ભરેલી બેગ આપી દીધી અને તે ઝડપથી ત્યાંથી નીકળી ગયો. ઇન્સપેક્ટર નાયક અને ઇન્સપેકટર નવાબ તે કારનો નંબર પણ જોઇ ન શકયા ને આખી ઘટના ઘટી ગઇ. જાયમલે તેની કાર સાઇડમાં પાર્ક કરી બંધ કરી દીધી.
ઇન્સપેક્ટર નવાબને થોડીવાર પછી લાગ્યું કે કદાચ જાયમલ કારમાં સુઇ ગયો હશે, તેમણે વધુ જાણવા ધીમે ધીમે તેની કારની નજીક જઇ જોયું તો ખરેખર જાયમલ અંદર સુઇ રહ્યો હતો.
ઇન્સપેકટર નાયકે મધરાતે ખાન સાહેબને કોલ કરી થોડીવાર પહેલા બનેલી ઘટનાની જાણ કરી અને હાલ જાયમલ કારમાં સુઇ રહ્યો છે તેની માહિતી આપી. 
ખાન સાહેબે કહ્યુ, "તેની પર સતત વોચ રાખજો અને જાયમલના જે નંબર ગફુર પાસે છે તેના પરથી કોઇ વાત થઇ નથી એટલે તે અન્ય નંબર પરથી કોલ કરી રહ્યો છે."
વહેલી પરોઢે જાયમલ ઉઠી કાર બહાર આવ્યો, મોં ધોયું અને હોટલમાં જઇ ચા પીધી અને સિગરેટ સળગાવી. તેની પર ઇન્સપેક્ટર નાયક અને ઇન્સપેક્ટર નવાબ સતત વોચ રાખી રહ્યા હતાં. થોડીવાર પછી તેણે તેની કારમાં બેસીને સિગરેટ સળગાવી પીવાનું શરુ કર્યું અને પછી કાર શરુ કરી. તેની કારને યુટર્ન લઇ ગાંધીનગર તરફ લઇ ગયો અને ફરી પાછો અડાલજ પહોંચી સાઇડમાં ઉભો રહ્યો.
ઇન્સપેકટર નાયકે પણ કાર સાઇડમાં કરીને જાયમલ કયાં જઇ રહ્યો છે અને શું કરી રહ્યો છે તેની પર ચર્ચા કરી રહ્યા હતાં. 
*******
સવારે ક્રાઇમ બ્રાંચ આવી ખાન સાહેબ અને કુંપાવતે રાતે થયેલી જાયમલની ગતિવિધીની ઇન્ફરમેશન મેળવી અને હાલની લોકેશન જાણવા ઇન્સપેક્ટર નાયકને કોલ કર્યો અને પુછ્યું, "હલ્લો, આ જાયમલ કઇ તરફ જઇ રહ્યો છે ?"
"સર, હાલ આ કઇ તરફ જઇ રહ્યો છે તે ખબર નથી. તે અમદાવાદ પરત આવી સાણંદ, વિરમગામ થઇ ધાંગ્રધા તરફ આગળ વધી રહ્યો છે તેના પરથી આ ભારત પાકિસ્તાન બોર્ડર તરફ જ જશે તેવું મારું માનવું છે."
"ઓકે, તમે તેની પાછળ જ રહેજો અને હું બીએસએફ ને પણ મદદ માટે વાત કરુ છુ."
"સર, કદાચ ૧૦૦ કિલોમીટર પછી અમારે ફયુઅલ લેવું પડશે એટલે જો જાયમલ કયાંય ફયુઅલ લેવા ન રોકાય તો અમારે બીજી કાર જોઇશે એટલે .."
"હું તમારી લોકેશન થી ૧૦૦ કિલોમીટર પહેલા ફયુઅલ ટેંક ફુલ કરેલી અને તમારા ફુડ સાથેની કારની ગોઠવણ કરી દઇશ."
જાયમલ ફુલ સ્પીડે કાર લઇને તેની મંઝિલ તરફ જઇ રહ્યો હતો. ઓફિસમાંથી સાયબર એક્ષપર્ટ સૌરીન અને ઇન્સપેક્ટર નાયક તેની પાછળની કારમાંથી તેના પર સતત વોચ રાખી રહ્યા હતાં.
જાયમલે હીરાલાલના મોબાઇલ પર કોલ કરીને કહ્યું, "ડી એમ ફેન્ટાનાઇલ ડ્રગ્સનું સેટીંગ થાય એમ છે, બોલો શું કરું ?"
"મને પાંચ મીનીટ આપો, હું તમને કેમનું સેટીંગ થઆય તેમ છે તે જોઇ કોલ બેક કરુ" હીરાલાલે કહ્યું.
હીરાલાલ તરત જ ખાન સાહેબ પાસે પહોંચે છે અને જાયમલના આવેલા કોલની વાત કરે છે. ખાન સાહેબ કોલ કરી તેને હા કહેવાનું કહે છે. કેટલો માલ, કેટલાં રુપીયા જોઇશે, માલ કયાંથી મળશે તેની લાંબી વાત કરી તેની પાસેથી જે કંઇ જાણવા મળે તે જાણવા કહ્યું.
હીરાલાલે  ફોન સ્પીકર પર કરીને જાયમલને કોલ કર્યો અને કહ્યું, "મને ફેન્ટાનાઇલ ડ્રગ્સ કે બીજુ કોઇપણ ડ્રગ્સ ચાલશે પણ માલ કયારે, કયાં મળશે અને માલના કેટલા રુપીયા થશે?"
"ડી એમ તમને માલ જલ્દીથી જ મળી જશે અને માલ જોઇ લેજો પછી સોદો નક્કી થયે રુપીયા તમારે સ્થળ પર ડીલીવરી પહેલા આંગડીયામાં નંખાવા પડશે, રુપીયાનું કન્ફર્મેશન મળશે તરત ડીલીવરી મળી જશે."
"માલ કયાંથી મળશે?"
"માલ માટે તમે, ગફુર, ખેંગાર સિવાય કોઇ ન આવતાં."
"હા. હું અને ગફુર આવીશું. ખેંગાર સોદાની નક્કી થયેલ રકમનું આંગડીયું કરવા રોકાશે."
જાયમલને ડી એમ ની વાત પર વિશ્વાસ બેઠો એટલે થોડુ વિચારીને બોલ્યો, "હું તમને પાંચ મીનીટમાં કોલ કરુ છુ."
જાયમલે રસ્તામાં પેટ્રોલ પંપ આવતા કાર સાઇડમાં લીધી, કારમાંથી બહાર નીકળી ફરી ડી એમ ને કોલ કર્યો અને કહ્યુ, "તમે અમદાવાદથી નીકળી વિરમગામ બાય પાસ પહોંચો. આગળની લોકેશન હું પછી તમને આપુ છું."
ઇન્સપેક્ટર નાયકે જાયમલ મોબાઇલ પર વાતો કરતો હતો તેની આડમાં તેમની કારમાં ફયુઅલ ફુલ કરાવી લીધુ અને જરુરી નમકીન પેકેટ, પાણીની બોટલ પણ લઇ લીધી. જાયમલે પણ તેની કારની ટેન્ક ફુલ કરાવીને આગળની સફર શરુ કરી. ઇન્સપેક્ટર નાયકે પણ તેની કારની પાછળ કારનો પીછો ચાલુ જ રાખ્યો.
જાયમલે આપેલી લોકેશન પર ઝડપથી પહોંચવા માટે હીરાલાલ, ગફુર, કુંપાવત સાહેબ પોલીસના વ્હીકલમાં લઇને નીકળે છે. તેમની પાછળ તેમની ટીમ પણ લોકેશન સુધી પહોંચવા અલગ અલગ કાર લઇને નીકળે છે. કુંપાવત સાહેબે બીએસએફની મદદ લેવા માટે પણ જરુરી કાર્યવાહી શરુ કરી લીધી હતી. ખાન સાહેબ ક્રાઇમ બ્રાંચ ઓફિસથી આખા મિશનનું મોનીટરીંગ કરી રહ્યા હતાં.
                               ****
ખાન સાહેબે ઇન્સપેક્ટર અર્જુનને બોલાવીને અત્યાર સુધીની થયેલી તપાસની અને  શકમંદોની ચર્ચા કરી અને કહ્યું, " બબલુની કારના સીટ કવર અને તેના કપડા પરથી વાળ મળ્યા હતાં તે વાળ કોઇ સ્ત્રીના હોઇ શકે તેવું અનુમાન છે. લાખાએ કહેલી સ્ટોરી મુજબ અને તેણે કરેલા વર્ણન પરથી તૈયાર થયેલા સ્કેચમાં પણ એક સ્ત્રી અને પુરુષ છે. તો એ કોણ હશે."
"સર, બહુ કન્ફયુશન છે અને જો હાબિદ..."
ગરમા ગરમ ચા નો કપ હાથમાં લઇને ખાન સાહેબ બોલ્યા,"મને પણ એવી જ શંકા ઉદ્ભવે છે કે જો હાબિદનું ઇન્વોલ્મેન્ટ નહીં હોય તો બીજું કોણ હશે. તમે શકમંદોના લિસ્ટમાં બાકી રહેલી છોકરીઓની તમારી રીતે તપાસ કરી મને રીપોર્ટ આપો."
"હા સર."
                                ****
જાયમલે ડી એમ ને ફોન કર્યો અને પુછ્યું, "તમે લોકેશન પર આવવા નીકળી ગયા ને? "
"હા પણ ફાઇનલ પ્લેસ કઇ છે?"
"પછી કહુ છુ પણ હવે તમે કયાંય રોકાતા નહીં. સુરજબારી પુલ પહેલા એક ઢાબા પર આવી મને કોલ કરજો, ત્યાંથી તમને એક માણસ મારી સુધી લઇ આવશે."
સુરજબારી પુલ નું નામ આવતા કુંપાવત સાહેબને અંદાજો આવી ગયો કે આ કચ્છની બોર્ડર પર જ લઇ જવાનો છે. 
કુંપાવત સાહેબે ચાલુ કારમાં ટીમ સાથે ચર્ચા કરી આગળના પ્લાન ફાઇનલ કર્યો. સુરજબારી આવે પહેલા હીરાલાલ અને ગફુરને જીપીઆરએસ ફીટ કરેલી કારમાં શિફટ કરી દેવાના અને તેમનો પીછો કરવાનો. તેમણે હીરાલાલને પણ હાબિદ સુધી પહોંચી માલ માટેના પેમેન્ટ માટે ટાઇમ માંગવાની વાત કરવાનું કહ્યું.
કુંપાવત સાહેબે ઇન્સપેક્ટર નાયકને ફોન કરી નેકસ્ટ લોકેશન સુરજબારી પુલ પાસેની વાત કરી અને તેઓ કેટલે પહોંચ્યાની પુછપરછ કરી. જાયમલ કચ્છની બોર્ડર પર લઇ જવાની સંભાવનાની વાત અને બીએસએફની મદદ લેવાની વાત પણ કરી.
સાંજ પડવાનો સમય થવામાં હતો ત્યાં જાયમલે સુરજબારી પુલ પાસેના ઢાબા પાસે કાર ઉભી રાખી. ત્યાં ઢાબાની અંદરથી એક માણસ બહાર આવ્યો અને તે બંનેએ એકબીજા સાથે હાથ મિલાવી ઢાબા પર ખાટલામાં બેસીને ભોજન જમ્યું. ઢાબા પરના બધા માણસો જાયમલને મળી રહ્યા હતાં એટલે તે બધા તેનાથી પરિચિત હોય તેમ લાગી રહ્યુ હતું. જમતી વખતે પણ જાયમલ ફોન પર કોઇની સાથે વાતો કરી રહ્યો હતો તે ઇન્સપેક્ટર નાયકે ઢાબા બહાર કાર ઉભી રાખી જોયું. 
થોડીવાર પછી જાયમલ તેના મિત્ર સાથે કારમાં આગળની સફરે નીકળ્યો. ઇન્સપેક્ટર નાયકે કુંપાવત સાહેબને ઢાબા પર થયેલી ઘટનાની વાત કરી અને ઢાબાવાળો પણ તેમના ધંધામાં ઇન્વોલ્વ હશે તેમ વાત કરી.
કુંપાવત સાહેબે ટીમને કહ્યું કે,"બીએસએફ ઓફિસર સાથે તેમના આ મિશનની વાત કરી છે અને બીએસએફ ઓફિસરે મિશનમાં  ઇન્સપેક્ટર સિંઘ અને તેમની ટીમ સાથ આપશે તેવી વાત થઇ ગઇ છે."
ઇન્સપેક્ટર સિંઘ સાથે કુંપાવત સાહેબે કોમ્યુનિકેશન કરી બોર્ડરની ભૌગોલિક પરિસ્થિતિ અને રોડની ઇન્ફરમેશન મેળવી. ઇન્સપેક્ટર સિંઘની ટીમમાંથી બે જવાન ઇન્સપેક્ટર નાયકને ધોરડોથી જોઇન કરશે અને બાકીની ટીમ કુંપાવત સાહેબની સાથે જોડાશે તેમ નક્કી થયું.
રાત પડી ગઇ હતી, સુમસામ રસ્તા પરથી જાયમલ અને તેનો મિત્ર તેમની મંઝિલ સુધી જઇ રહ્યા હતાં અને એકદમ જાયમલને શક ગયો કે કોઇ તેમનો પીછો કરી રહ્યુ છે એટલે કારની સ્પીડ ઓછી કરી. 
ઇન્સપેક્ટર નાયકને પણ લાગ્યું કે જાયમલને કંઇક ખબર પડી હશે એટલે તેણે કારની સ્પીડ ઘટાડી છે. ભીરડીયારા ગામ પાસે થોડીક વસ્તી આવતાં જાયમલે કાર સાઇડમાં ઉભી કરી પાછળ આવી રહેલી કાર જોવા કારની બહાર આવ્યો.
ઇન્સપેક્ટર નાયકે તેને બહાર જોઇ કારની સ્પીડ વધારી તેનાથી આગળ નીકળી ગયાં અને કંટ્રોલ રુમને જાયમલની કાર યુટર્ન મારે કે રસ્તો બદલે તો ઇન્ફોર્મર કરવા કહ્યું. તેમણે કુંપાવત સાહેબને પણ વાત કરી.
કુંપાવત સાહેબે તેમને ધોરડો પહોંચી ઇન્સપેક્ટર સિંઘને મળી આગળનો પ્લાન બનાવાનું કહ્યું 
જાયમલ અને તેનો મિત્ર ભીરડીયારા ગામ પાસે કાર સાઇડમાં પાર્ક કરી આરામ કરવા રોકાયા. ઇન્સપેક્ટર નાયક અને ઇન્સપેક્ટર સિંઘની ટીમ ધોરડો પાસે આવેલા ટુરીસ્ટ પરમીટ સેન્ટર પર તૈયારીઓ સાથે જાયમલની રાહ જોઇ રહ્યા હતાં.
મોડી રાતે સુરજબારી પુલ આવતા પહેલા હીરાલાલે કાર બદલી ઢાબા પર પહોંચ્યા અને ત્યાંથી જાયમલ સાથે વાત કરી ઢાબા પરથી એક માણસ તેમની સાથે કારમાં ડ્રાઇવર સીટ પર ગોઠવાયો. તે માણસ આગળની લોકેશન પર લઇ જવા નીકળ્યો અને પાછળ કુંપાવત સાહેબની કાર હતી.
વહેલી પરોઢે હીરાલાલની કાર ભીરડીયારા ગામ પહોંચી અને ત્યાં પહોંચી જાયમલને મળ્યા. તે બધાએ આગળના પ્લાનની વાત કરી સામેથી સિગ્નલ મળે બોર્ડર પર જવાનું ફાઇનલ કર્યું. હીરાલાલે આ પ્લાન કુંપાવત સાહેબ સુધી પહોંચાડવા માટે તેમના ફોનમાંથી છુપી રીતે કોલ ડાયલ કરી દીધો હતો. કુંપાવત સાહેબે પણ કોલ રીસીવ કરી પ્લાન સાંભળી લીધો હતો. 
સવાર પડી જવાથી ધોરડો તરફ સફેદ રણ જોવા જવા માટે પ્રવાસીઓનો ટ્રાફિક શરુ થઇ ગયો હતો તે કુંપાવત સાહેબની ટીમ માટે સારી વાત હતી. હવે જાયમલને પીછો કરવામાં વાંધો ન હતો. સિગ્નલ મળતા જાયમલ ધોરડો તરફ આગળ વધ્યો.
ઇન્સ્પેક્ટર સિંઘના પ્લાન મુજબ અલગ અલગ કાર અલગ પોઇન્ટથી જાયમલની કારની આગળ પાછળ રહેશે એટલે તેને શક ના જાય. ધોરડો પાસે આવીને જાયમલ અને તેનાં મિત્રએ ટુરીસ્ટ પરમીટ કઢાવી  આગળના રસ્તા માટે સિગ્નલ મળે ત્યાં સુધી થોડીવાર તે સ્થળ પર જ ઉભા રહ્યા. સિગ્નલ મળતા તેમણે ડી એમ ની કાર ચલાવનાર તેમના માણસને ફોન કરી ફાઇનલ લોકેશન આપી. પેલા માણસે પણ જવાબમાં ફાઇનલ લોકેશન ઓકે કહી ફોન કટ કરી નાંખ્યો અને બધાએ બોર્ડર તરફની સફર શરુ કરી. તેની પાછળ ઇન્સપેક્ટર સિંઘની વેપન્સ ભરેલી કાર હતી. 
હીરાલાલે તેમની કારમાં રહેલા માણસને લોકેશન ખબર પડી ગઇ છે એટલે તેમની કાર રોકાવા કુંપાવત સાહેબને મેસેજ કર્યો. કુંપાવત સાહેબે બીએસએફની ટીમને કાર નંબર આપી કાર ધોરડો પાસે ઉભી રખાવવા જાણ કરી. 
હીરાલાલની કાર ઉભી રાખતા તરત જ જાયમલના માણસને પકડી લેવામાં આવ્યો અને બીએસએફની વાનમાં બેસાડી બંદુકના જોરે ફાઇનલ લોકેશન ધોબ્રાણા ગામ બહાર કઢાવવામાં આવી.
બોર્ડર પરની ફોર્સને પણ લોકેશન મળતાં એલર્ટ કરવામાં આવી હતી. જાયમલ પણ લોકેશન પર પહોંચી ડી એમની કારમાં રહેલ તેના માણસને કોલ કરે છે પણ તેની સાથે કોન્ટેક ન થતાં તે ડી એમ ને કોલ કરે છે અને તેમણે પણ કોલ રીસીવ ન કરતાં તે ટેન્શનમાં આવે છે. લોકેશન પરના ગામ પહોંચી તે અવાવરુ ખેતરમાં પગપાળા ચાલીને રોડથી અંદર જાય છે, તેનો મિત્ર કાર પાસે ઉભો રહી વોચ રાખી રહ્યો હતો. 
ક્રાઇમ બ્રાંચ, એટીએસ અને બીએસએફની ટીમ ધ્રોબાણા લોકેશન પર પહોંચવા તૈયાર હતી. કુંપાવત સાહેબ અને ઇન્સપેક્ટર સિંઘ લોકેશનથી થોડે દુરથી બાયનોકુલરથી વોચ કરે છે અને હાબિદ ત્યાં જ હશે તેના અનુમાન પર ટીમને સિગ્નલ આપે છે. સિગ્નલ મળતા ચારેબાજુથી ટીમે એકસાથે છાપો માર્યો. જાયમલનો મિત્ર ભાગવા જતાં તેણે તેની રીવોલ્વરમાંથી ફાઇરીંગ શરુ કરતાં સામે ઇન્સપેક્ટર નાયકના ફાઇરીંગમાં ગોળી વાગી તે મરી જાય છે. થોડીવાર સામસામી ફાઇરીંગ થયું અને અંતે જાયમલ, હાબિદ અને ત્યાં હાજર તમામને પકડી લેવામાં આવ્યા. 
                               *****
ક્રાઇમ બ્રાંચ, એટીએસ અને બીએસએફની ટીમના જોઇન્ટ ઓપરેશનમાં હાબિદ પકડાયો તરત તેની જાણ ઇન્સપેક્ટર નાયકે ખાન સાહેબને કરી. જાયમલ, હાબિદ અને તેના સાગરીતોને લઇને ટીમ ક્રાઇમ બ્રાંચ આવવા નીકળી ગઇ હતી. 
ઇન્સપેક્ટર અર્જુન શંકાસ્પદ છોકરીઓની તપાસનો રીપોર્ટ  ખાન સાહેબને આપે છે અને કહે છે, "સર, આ લિસ્ટમાંની છોકરીઓ હાલ શહેરમાં નથી અને તેમનો પાછળના ઘણા સમયથી બબલુ સાથે કોન્ટેક હોય તેવી માહીતી મળી નથી. પણ શહેર બહાર તેમનો સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે."
"ઓકે અને હાબિદને આપણી ટીમે પકડી લીધો છે. તેના સ્વાગતની તૈયારીઓ કરો." ખાન સાહેબ ઉત્સાહિત સ્વરે ઇન્સપેક્ટર અર્જુનને કહ્યું. 
પ્રકરણ ૩૧ પુર્ણ 
પ્રકરણ ૩૨ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.