No return-2 Part-47 books and stories free download online pdf in Gujarati

નો રીટર્મ-૨ ભાગ-૪૭

નો-રીટર્ન-૨

ભાગ-૪૭

પુરાતન કાળમાં યુધ્ધનાં મોરચે સમરાંગણ ખેલવા જતાં કોઇ મરહટ્ટા લડવૈયાઓ, યોધ્ધાઓની માફક અમારો એક અજીબ કાફલો હોટલ સેન્ટો રીબેરોનાં પાર્કિંગ સ્લોટમાંથી રવાના થયો ત્યારે કોઇને કલ્પના સુધ્ધા નહોતી કે આ સફરનો અંજામ શું આવશે...! કાર્લોસ અને તેની ટીમ કોઇ અજીબ વિચિત્ર ખ્વાબમાં વિહરતી હતી જાણે કે ખજાનો બસ તેમનાં હાથવેંત દુર હોય, અને જંગલમાં જઇને ફક્ત તેની ઉપર પોતાનું આધિપત્ય જમાવવાનું જ બાકી હોય. દુનિયાભરનાં કાળા કામો કરીને લખલૂંટ દૌલત તેણે એકઠી કરી હોવા છતાં તેનાં મનમાં હજુ વધું ધનવાન થવાની એષણા ઉછાળા મારતી હતી. કદાચ એવી જ મનોદશા આ સફરમાં જોડાનારા બધાની હતી. મારું પણ એવું જ હતુંને...! શું મને એ ખજાનાનો મોહ નહોતો....? કે પછી દાદાએ સ્વપ્નમાં આદેશ આપ્યો એટલે આ પળોજણમાં પડયો હતો...? અને અનેરી....! શું અનેરીનું મને ગાંડપણની હદ સુધીનું વળગણ નહોતું....? તેનાં જેવી યુવતી મેં આજ સુધી જોઇ નહોતી. શું તેની ખાતર હું આ સફરમાં જોડાયો હતો...? સવાલોનાં ગુંચળામાં હું ખુદ જ અટવાઇ રહયો હતો, છતાં એક હકીકત હતી કે જાણે અજાણે અત્યારે હું આ ખતરનાક કાફલાનો જ એક હિસ્સો બની ગયો હતો. હવે અહીથી પાછા ફરવાનાં તમામ માર્ગ મારી માટે બંધ થઇ જતા હતા અને એક જ માર્ગ બચતો હતો.. આગળ વધવાનો.

પેલા પહાડને અમે પાછળની સીટમાં બેસાડયો હતો. ખરેખર તો એ પાછળ પણ સમાય એમ ન હતો. ત્રણ સીટ પહોળી કરીને માથું નમાવીને જ્યારે તે કારમાં દાખલ થયો ત્યારે એવું લાગ્યું કે એક ઊંટને અમે પરાણે નાનકડી એવી ગાડીમાં ઘુસાડી દીધું છે. તેનાં પગ સામેનાં દરવાજા સુધી પહોંચતાં હતાં. એસ.યુ.વી. ની છત સામાન્ય કાર કરતા ઘણી ઉંચી હતી છતાં તેનું માથં ઉપર છત સાથે ભટકાતું હતું. જેની લીધે તેણે ગરદનને વારેવારે “ એડઝેસ્ટ ” કરવી પડતી હતી. તે મહા મુસીબતે કારમાં સમાયો હતો. આટલી મુશ્કેલીઓ પડવા છતાં તેનાં ચહેરાની એક રેખા સુધ્ધાં ફરકી નહોતી. જાણે કોઇ પત્થરનાં બુતને પાછળ ગોઠવ્યું હોય એમ એકદમ ખામોશીથી તે ગોઠવાયો હતો. હું આગળની સીટમાં... ડ્રાઇવર બાજુની સીટમાં બેઠો. વચ્ચેની સીટમાં અનેરી અને વિનીત બેઠાં હતા અને પાછળની સીટમાં અમારો સામાન ઉપરાંત કેસ્ટ્રો ગોઠવાયા હતા. ડ્રાઇવીંગ કાર્લોસનાં પેલા ચાર પઠ્ઠામાંથી એકે સંભાળ્યું હતું. એ માણસ નિગ્રો હબસી જમાતનો હતો. તેનાં ચહેરાની કાળી મેશ ચામડી ચહેરામાંથી નિકળતાં તેલનાં કારણે વિચિત્ર રીતે ચમકતી હતી. તેનાં નાકનાં પોલાણો મોટાં જબરાં હતાં. જાણે કોઇએ બે હાથની આંગળીઓ નાકમાં ઘૂસાડીને જબરજસ્તીથી પકડીને પહોળા કરી દીધા હોય એવાં...! તેનાં હોઠ જાડા હતાં, અને એ સતત અધખુલ્લા રહેતાં હતાં. એ અધખુલ્લા હોઠો વચાળે તેનાં લાંબા.. સફેદ... એકસરખા દાંત અંધારી રાતમાં અચાનક ચમકતાં આગીયાની જેમ દેખાતાં હતાં. માથાનાં વાળ એકદમ આછા અને ગુંચળા વાળા હતાં. પણ.. તેનું શરીર જબરું હતું. મજબુત અને કસાયેલું. તેણે બહુ સીફતથી કારને પાર્કિંગ સ્લોટની બહાર કાઢી હતી અને રીઓનાં ભીડભાડ વાળા રસ્તા ઉપર ભગાવી મુકી હતી.

સૌથી પહેલા કાર્લોસની એસ.યુ.વી. હતી. વચ્ચે અમારી કાર અને છેલ્લે જોસ મુનીઝની કાર આવતી હતી.

રીઓથી અમારી સફર દક્ષીણ પશ્વિમ તરફની હતી. અહીંથી રોડ માર્ગે ત્રણ ચાર શહેરો વીંધીને અમારે સ્ટેટ ઓફ રેન્ડોનીયા પહોંચવાનું હતું. અને ત્યાં સુધી પહોંચતાં કમ સે કમ બે દિવસ લાગવાનાં હતાં.

બે કલાકમાં અમે રીઓ વટાવ્યું હતું. ભીડભાડ વાળો ઇલાકો છોડીને હવે અમે થોડો પહોળો કહી શકાય એવા હાઇવે ઉપર આવ્યા હતાં. હવે ગાડીઓ સરળતાથી દોડતી હતી. છેલ્લાં થોડા દિવસો જે દડમઝલમાં મેં વિતાવ્યાં હતાં તેનાં અંત તરફની હવે આગળની સફર હતી. મનમાં ડર, ઉત્તેજના, રોમાંચનાં મિશ્રિત ભાવો છવાયેલાં હતાં. છતાં... અનેરી સાથે હતી એ ખ્યાલ બહું આહલાદ્ક લાગતો હતો.

બ્રાઝિલનાં લગભગ બધા જ શહેરો “ સ્ટેટ ઓફ ” નાં લેબલથી શરૂ થતાં. જેમ કે “ સ્ટેટ ઓફ રીઓ ડી જાનેરો ” ... “ સ્ટેટ ઓફ બાહિયા ”... “ સ્ટેટ ઓફ સાઓ પાઓલો ”...” સ્ટેટ ઓફ ગોઇયાસ “... વગેરે...

રીઓથી અમારે “ સ્ટેટ ઓફ મીનાસ ગેરાઇસ “ ... ત્યાંથી સ્ટેટ ઓફ ગોઇસ... અને સ્ટેટ ઓફ માતો ગ્રાસો વીંધીને છેક સ્ટેટ ઓફ રેન્ડોનીયા પહોંચવાનું હતું. રેન્ડોનીયાથી સીધું જ બોલીવીયામાં ઘુસી શકાય તેમ હતું. અને એ ગણતરીએ જ અમે આગળ વધી રહયાં હતાં.

અહીનાં હાઇવે કંઇ એટલા બધા સારા નહોતાં. મોટે ભાગે બધે ટૂ-વે હાઇવે જ હતો. એક તરફથી ફક્ત એક વાહન જ પસાર થઇ શકે એવા રસ્તાઓ હતાં. મને અહી કરતાં તો આપણા ભારતનાં હાઇવે ઘણા સારા જણાયા હતાં. આટલા વિશાળ દેશ બ્રાઝિલમાં સડક માર્ગની વ્યવસ્થા તદ્દન કંગાળ હતી એ જોઇને થોડી નિરાશા ઉપજી અને સાથોસાથ ચિંતા પણ થઇ કે મુખ્ય શહેરોને જોડતી આ સડકો અહીં આવી છે તો અંતરીયાળ વિસ્તારમાં કેવી હશે...? એક કાચો અંદાજ મને અત્યારથી જ આવવા લાગ્યો હતો.

ખેર... બપોર થતાં સુધીમાં અમે “ મીનાસ ગેરાઇસ ” વીંધીને “ સ્ટેટ ઓફ ગોઇસ ” આવી પહોંચ્યાં હતાં. સફર દરમ્યાન અનેરી અને વિનીત તદ્દન શાંત બેસી રહયાં હતાં. અને પેલાં પહાડને તો બોલવાં જેવું કંઇ હતું જ નહી. અનેરીએ સતત બારી બહાર પસાર થતાં દ્રશ્યોને જોયે રાખ્યા હતાં. મને કોઇ અંદાજ નહોતો આવતો કે તેનાં મનમાં શું વિચારો ચાલતાં હશે....! ઘણી વખત એવી ઇચ્છા ઉદ્દભવી હતી કે વિનીતને આગળ બેસાડીને હું તેની બાજુમાં બેસી તેની સાથે વાતો કરું, પરંતુ પછી એ તેને નહીં ગમે એવું વિચારીને પરાણે મનને મનાવ્યે રાખ્યું હતું.

સાંજ પડતાં સુધીમાં અમે અમારા પહેલા રાત્રી મુકામે આવી પહોંચ્યાં હતાં. આ રાજ્ય સ્ટેટ ઓફ ગોઇસ.... અથવા “ ગોઇયાનીયા “ તરીકે પણ ઓળખાય છે. ત્યાં એક વૈભવી રીસોર્ટમાં અમારો ઉતારો હતો. નાનકડો પણ વૈભવી “ હીલટન ગાર્ડન ઇન ” રીસોર્ટ ખરેખર ભવ્ય હતો. માત્ર થોડાં જ વૈભવી સ્યૂટ ધરાવતો આ રીસોર્ટ કાર્લોસ જેવા મોટા માથા માટે એકદમ પરફેક્ટ ગણી શકાય. હિલટન ગાર્ડનનું મેઇન બિલ્ડીંગ અને તેની આગળ બનેલો વિશાળ સ્વિમિંગપુલ જોતાં જ મારી સફરનો તમામ થાક જાણે પળભરમાં ગાયબ થઇ ગયો. બધી ચીંતાઓ છોડીને હું મારા રૂમમાં ઘુસી ગયો હતો.

@@@@@@@@@@@

જન્નત... જી હાં, આ રીસોર્ટને તમે જન્નત કહી શકો છો. દુનીયાભરનાં વૈભવની વ્યાખ્યા અહી આવીને પરીપૂર્ણ થતી હતી. આધૂનીકતાથી છલોછલ મારો કમરો... કમરાની બારી ખોલતા સામે જ દેખાતા સ્વિમીંગ પુલનું હિલોળાતું બ્લ્યૂઇશ પાણી... એ પાણીની સપાટી ઉપર પથરાતો આથમતા સૂર્યનો આછો અજવાશ... પુલની પેલે પાર દેખાતું નાનકડુ એવુ શહેર... અને તેની ઉત્તરાર્ધમાં ફેલાયેલી ગોઇયાનીયાની પહાડીઓ. શું નહોતું અહીયા...! કુદરત અને માનવીની સર્જનાત્મકતાનો આટલો સુભગ સંગમ મેં ક્યાંય નિહાળ્યો નહોતો.

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.