mazaak books and stories free download online pdf in Gujarati

મજાક



         “જો તારી બહેનપણી તને જીભ બતાવી રહી છે.” વિપુલે કબાટની બાજુની દીવાલ પર ચીપકેલી ગરોળી તરફ સંધ્યાનું ધ્યાન દોર્યું. દિવાળીની સફાઈ કરી રહેલી સંધ્યા એક જ ઠેકડે સ્ટૂલ પરથી નીચે ઉતરી ગઈ. 


   
          “એને દૂર નથી કરાતી તમારાથી? વિપુલ.. તમે દરેક સમયે આ રીતે મજાક ન કર્યા કરો.. કોઈ દિવસ આ રીતે જ તમે મારો જીવ લઈ લેશો!” વિપુલના આશ્લેષમાં ભીંસાઈ પોતાને સુરક્ષિત મેહસૂસ કરતી સંધ્યાએ ફરિયાદનો સૂર ઉચ્ચાર્યો.


           “અરે ના ડાર્લિંગ, સો સોરી.. ઈટ વોઝ ડોન્ટ જસ્ટ અ મજા.. ક! જો મેં તને ચેતવી ન હોત તો એ તારી એકદમ નજીક આવી જાત.. કદાચ એ આ તારા મસ્ત ઘટાદાર વાળમાં ભરાઈ જાત તો? વધુ કહું તો આ ગરોળીની જાત એકવાર કપડાની અંદર ઘૂસી જાય, પછી તો એને કાઢવી બહુ જ અઘરી પડે!” ગભરાયેલી હરણીને વધુ ભયભીત કરી સંકજામાં કસવા માટે વિપુલે વધુ એક તીર છોડ્યું. વિપુલની કલ્પના માત્રથી સંધ્યાનાં શરીર પર ગરોળી ફરતી થઈ ગઈ હોય એમ એ વિહ્વળ થઈ ગઈ. 



     વિપુલના મજાકીયા સ્વભાવથી એ સારી રીતે પરિચિત હતી. વિપુલ મજાક કરતો હશે એ જાણ હોવા છતાં એ ખૂબ જ ગભરાઈ જતી. અંતે વિપુલ જ એને શાંત પાડતો અને બીજીવાર મજાક ન કરવાનું પ્રોમિસ કરતો. પરંતુ એની એ વૃતિ કાબૂમાં નહોતી આવતી. ‘પછીથી મનાવી લઈશ’ એવો સંવાદ જાત સાથે કરી સંધ્યાની મજાક કરવી, વિપુલનું મનપસંદ કાર્ય હતુ. ગભરુ હરણીની જેમ એના બાહુઓમાં સમાઈ જતી સંધ્યા એને બહુ ગમતી.



        “આપણા સફાઈના કાર્યક્રમમાં તો તારી બહેનપણીએ ભંગ પડાવ્યો, હવે તું કહેતી હો તો આપણો બીજો કાર્યક્રમ આરંભીએ?” સંધ્યાની સુરાહીદાર ગરદન પર આંગળીના ટેરવા ફેરવતો વિપુલ નશીલા સ્વરમાં બોલ્યો.  



          “યુ ચીટર.. તમને તો રાત-દિવસ બસ એક જ કામ સૂજે છે! આ સીધો રસ્તો પકડો અને નાહી-ધોઈને કામે જાવ. હજી રસોઈ બનાવવી બાકી છે.” વિપુલના બાહુઓમાંથી અળગી થઈ ચેહરા પર કૃત્રિમ ક્રોધનું આવરણ ચડાવી સંધ્યાએ એને બાથરૂમ તરફ ધકેલ્યો.  નાછૂટકે જવું પડતું હોય એમ વિચિત્ર મોઢા બનાવતો વિપુલ બાથરૂમમાં ભરાઈ ગયો.



       બાથરૂમની બહાર નીકળી ઝડપથી તૈયાર થતી વેળા પણ એના એ ચાળા ચાલુ જ રહ્યા. બ્લેક વેલ્વેટનું પરફ્યુમ કપડા પર સ્પ્રે કરી અરીસામાં એક નજર પોતાના ગેટઅપને નિહાળી રહ્યો હતો ત્યાં એની દૃષ્ટિ બેડરૂમના દરવાજા તરફ ગઈ. એક હાથ દરવાજાની બારસાખ અને એક હાથ કમર પર ટેકવી ટિપીકલ ગુજરાતી વાઈફની જેમ સંધ્યા અપલક નેત્રોથી એને જ નિહાળી રહી હતી. બે ક્ષણ એની તરફ જોઈ વિપુલે ફરી મોઢું મચકોડ્યું. છેલ્લી નજર અરીસામાં નાંખી એણે બહાર જવા પગ ઉપાડ્યા. 



       ‘વિપુલ નારાજ છે તો ગુડબાય કિસ પણ નહીં કરે!’ મનમાં ઉગેલ એ વિચારથી આજે સંધ્યાએ પહેલ કરી. કોઈ નાયિકાની અદાથી બારણા વચ્ચે પગ આડો કરી આંખો નચાવી, “બહાર જવું હોય તો.. અહીં ટેક્સ પે કરો.” પર્પલ પોલિશ કરેલી લાંબા નખવાળી પ્રથમ આંગળીનો ઈશારો તરસ્યા અધર તરફ હતો. 



        “ઓહ.. તને તો હજી રસોઈ બનાવવાની બાકી છે. હજી કેટલી બધી સફાઈ બાકી છે. આ એક ભાઈ તો અહીં જ રખડે છે!” જગત આખાનું ભોળપણ ચેહરા પર સજાવી વિપુલે સંધ્યાનાં પગ ઉપરથી હાથ લંબાવી પીઠ પાછળ ઈશારો કર્યો. બીજી જ સેકંડે એ પગ નીચે ઉતારી પાછળ ફરી. વિપુલની ચાલાકી સમજાઈ ત્યાં સુધી એ મેઈનડોર સુધી પહોંચી ગયો હતો. 



       “મને લેટ થશે. તું જમીને સૂઈ જજે. મારી રાહ ન જોઈશ.” તદ્દન સપાટ અંદાજમાં બોલાયેલા એ વાક્યોથી સંધ્યાનાં પગ ત્યાં જ જડાઈ ગયાં. મેઈનડોર બંધ કરી અલ્ટો 800 કાર તરફ જઈ રહેલ વિપુલના સોહામણા મુખ પર એક તોફાની સ્મિત રમી રહ્યુ હતું. તો મેઈનડોરની આ તરફ બેડરૂમનાં દરવાજા પાસે  પોણો ફૂટની ગરોળીનાં મૃત શરીર સામે તાકી રહેલી સંધ્યાનાં ખૂબસૂરત ચેહરા પર જાનલેવા સ્મિત ઝબકી રહ્યું હતું…




           “ઓહ.. તો સાહેબ ખોટે ખોટું નાટક કરી મોઢું ચઢાવી રહ્યા હતા!  ‘બહેનપણી’ બોલી બોલીને બિચારીને મારી નાંખી!” સંધ્યાનાં બબડાટમાં વિપુલ પ્રત્યેનો પ્રેમ ઝળકી રહ્યો હતો. થોડી સેકંડ પહેલાં વિપુલે મેઈનડોર બંધ કર્યો ત્યારે એ મૃત ગરોળી જોઈ ચોંકી-ગભરાઈ હતી. પરંતુ બીજી ક્ષણે એનાં ખૂબસૂરત ચેહરા પર જાનલેવા સ્મિત ફરી વળ્યું, હોઠેથી શબ્દો પણ આપોઆપ સર્યા.. ‘દિન આપ કા થા, રાત મેરી હોગી.. નારાજ તો હું થઈશ હવે.. બદલો લઈશ બરાબર!’ મીઠી લડાઈ અને મધુર રાત્રિનાં દિવાસ્વપ્ન નિહાળતાં એણે અધૂરી રહેલી સફાઈ પૂર્ણ કરી અને રસોઈ બનાવી. હૂંફાળા પાણીથી શાવર-બાથ લઈ આદમકદ અરીસામાં પોતાની માદક કાયાને જોઈ એ પોતાનાં જ પ્રેમમાં પડી ગઈ, ‘વિપુલની મજાલ છે કે આ કામણથી બચી શકે?’ આંખ મીચકારી એ ખડખડાટ હસી પડી. 

~~~

         ‘સંધ્યા સોફા ડેકોર’ ના સાઈનબોર્ડ તળે ધમધમતી એ દુકાનમાં દિવાળીની રજાના ઉત્સાહમાં કારીગર વર્ગ બેવડા જોશથી કામ કરી રહ્યો હતો. એરકન્ડિશન્ડ ઓફિસમાં રીવોલ્વીંગ ચેર પર ઝૂલી રહેલો વિપુલ પણ ફટાફટ માલના નિકાલમાં વ્યસ્ત હતો. તૈયાર થયેલ સોફાસેટ્સ માલવાહક વાહનોમાં જે ગતિથી રવાના થઈ રહ્યાં હતાં, એ જ ગતિથી સંધ્યાનાં સાંનિધ્યમાં વેકેશન માણવાનો વિપુલનો ઉત્સાહ બેવડાઈ રહ્યો હતો. આ ટ્રીપ હજી એણે ગોપનીય રાખી હતી. આજે કામની પૂર્ણાહુતિ સાથે ટ્રીપની સરપ્રાઇઝ આપી એનો રોમાંચ સંધ્યાનાં મુખ પર નિહાળવાની એની અદમ્ય ઈચ્છા હતી. 

            રજા પૂર્વેનો અંતિમ દિવસ ખૂબ જ વ્યસ્ત રહ્યો. સંધ્યાને બનાવટી ગુસ્સો બતાવવા માટે કહેલી વાત કબૂલ થઈ ગઈ હતી. ઘડીયાળે અગિયારનો કાંટો વટાવ્યો, ત્યારે વિપુલને સમયની જાણ થઈ. કારીગરોને પગાર બોનસ આપી, ઝડપથી બધો હિસાબ સંકેલી એણે ઘર તરફ કાર ભગાવી. વેસ્ટર્ન લોકમાં લેચ કી ફેરવી રહેલા વિપુલના તન-મન હવે આરામ ઝંખી રહ્યા હતા. સાંજે ટી-બ્રેક સમયે હળવા નાસ્તાએ એની ભૂખ ભાંગી નાંખી હતી. ‘બેડ પર પડતા સાથે જ ઉંઘ આવી જશે’ એ ધારણા પણ એની ભૂખની જેમ જ પડી ભાંગી, જ્યારે બેડરૂમનો દરવાજો હળવેથી ખોલી વોર્ડરોબ તરફ નાઈટ સૂટ લેવા માટે એ જઈ રહ્યો હતો.

            બ્લુ રોપલાઈટના આછા પ્રકાશમાં સાટીનની ચમકતી ગુલાબી નાઈટી પહેરેલી સંધ્યાનું ગુલાબી મુખ અને અનાવૃત પિંડીઓ ચમકી રહી હતી. ગાદલાનો સહવાસ ઈચ્છતું વિપુલનું થાકપ્રચૂર શરીર, નાઈટ સૂટ લેવા માટે ઉપાડેલા પગ પ્રેમી હ્રદયના ઈશારે મજબૂર થઈ ઉદ્દેશ્યથી ભટકી સંધ્યાની નજીક આગળ વધ્યા. અમીટ દૃષ્ટિથી આંખની તરસ છિપાવતા વિપુલના હોઠ નિમંત્રણ આપી રહેલ સંધ્યાનાં અધખુલ્લા હોઠ પાસે પહોંચ્યા જ હતા એ જ ઘડીએ સંધ્યાની આંખ ખૂલી ગઈ. એનાં બન્ને હાથ બચાવની મુદ્રામાં આગળ આવ્યા અને એક તીણી ચીસ બેડરૂમના વાતાવરણમાં ગૂંજી ઉઠી, “નહીં..!”

ક્રમશઃ…


ક્રમશઃ