Hawas-It Cause Death - 8 books and stories free download online pdf in Gujarati

હવસ :-IT CAUSE DEATH ભાગ-8

હવસ :-IT CAUSE DEATH-ભાગ 8

રાધાનગરમાં કોઈકની હત્યા થઈ હોવાં ની જાણકારી આપતો કોલ રાધાનગર પોલીસ સ્ટેશનમાં આવતાં નાયક દ્વારા અશોકને જલ્દીથી ઘરે જવા નીકળેલાં અર્જુનને પાછો બોલાવી લેવાનું કહેવામાં આવે છે.જ્યારે અશોક અર્જુન ને રાધાનગરમાં થયેલાં મર્ડર નો કોલ આવતાં નાયક અંદર એને બોલાવે છે એની ખબર આપતાં અર્જુન ઉતાવળાં પગલે પોલીસ સ્ટેશન તરફ પ્રયાણ કરે છે.

"નાયક કોની હત્યા થઈ છે અને કોને તને કોલ કર્યો હતો..?"પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાં ની સાથે નાયક તરફ જોઈ અર્જુને સવાલ કર્યો.

"સર..પંચાલ મેટલ ઇન્સ્ટ્રીનાં માલિક પ્રભાત પંચાલની હત્યા થઈ છે..પ્રભાતની લોહી નીતરતી લાશ એનાં ઘરેથી મળી આવી છે એવી માહિતી આપતો કોલ પ્રભાતનાં ડ્રાઈવરે કર્યો હતો."નાયક અર્જુન નાં પુછાયેલા સવાલનો જવાબ આપતાં બોલ્યો.

"પ્રભાત પંચાલ..હું એકવાર મળેલો છું આ પ્રભાત ને..એ સ્વભાવે થોડો લંપટ ટાઇપનો માણસ મને એ વખતે તો લાગ્યો હતો..જે હોય એ પણ અત્યારે એનાં ઘરે જઈને તપાસ કરવી જોઈએ કે એની સાચેમાં હત્યા થઈ છે કે પછી હકીકત બીજી કંઈક છે..અને જો હત્યા થઈ છે તો એ હત્યા કોણે અને કેમ કરી એ પણ તપાસવું રહ્યું.નાયક તે પ્રભાત નાં ઘરનું એડ્રેસ પૂછ્યું.?"અર્જુને નાયક ને સવાલ કર્યો.

"ના સર..હું વધુ કંઈ પૂછું એ પહેલાં તો કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો."નાયક બોલ્યો.

"સર મને ખબર છે પ્રભાત નું ધર ક્યાં છે..મારાં ઘરની પાછળ આવેલી વૃંદાવન સોસાયટીમાં ક્યાંક રહે છે."જાની એ કહ્યું.

"ગુડ..એકજેક્ટ એડ્રેસ ત્યાં પહોંચી મળી જશે.જલ્દી ટીમ રેડી કરો પ્રભાત પંચાલ એક વગદાર વ્યક્તિ હોવાંથી આ હાઈપ્રોફાઈલ મર્ડર નાં પડઘા શહેર માં લાંબો સમય ગુંજતા રહેશે."અર્જુન ઉતાવળાં સ્વરે બોલ્યો.

"યસ સર.."અશોક,જાની અને નાયક એક સુરમાં બોલી ઉઠ્યાં.

થોડી જ વારમાં પોલીસ જીપ નીકળી પડી વૃંદાવન સોસાયટી તરફ જ્યાં પ્રભાત નું ઘર આવેલું હતું.

***************

પોલીસ જીપ વૃંદાવન સોસાયટી નાં ગેટ જોડે ઉભી રહી અને પ્રભાત પંચાલનું ઘર કયું છે એની જાણ માટે અર્જુને ત્યાંથી પસાર થતાં એક વ્યક્તિને પૂછ્યું કે પ્રભાત પંચાલનાં ઘર નો નંબર કયો છે તો એ વ્યક્તિએ જણાવ્યું કે પ્રભાત 36 નંબર નાં ઘરમાં રહે છે અને એની હત્યા થઈ ગઈ હોવાંથી લોકોનાં ટોળેટોળાં એનાં બંગલો ની બહાર ઉમટ્યા છે તથા પોતે પણ ત્યાંથી આવી રહ્યો હોવાની વાત એ વ્યક્તિ એ કરી.

અર્જુને એ વ્યક્તિનો આભાર માન્યો અને જીપ નાં ડ્રાઈવર ને જીપ બંગલો નંબર 36 આગળ લાવીને ઉભી કરી દીધી..સોસાયટીનાં નાકે મળેલાં વ્યક્તિનાં કહ્યાં મુજબ સાચેમાં ત્યાં ઘણી ભીડ એકત્રિત થઈ હતી જે અર્જુન તથા એનાં અન્ય સાથી પોલીસદારો ને જોઈ થોડી વિખેરાઈ ગઈ.

"કોને પોલીસ સ્ટેશનમાં કોલ કર્યો હતો..?"ભીડ ને ચીરી બંગલામાં પ્રવેશ કરતાં ની સાથે અર્જુન ઊંચા સાદે બોલ્યો.

"સાહેબ મેં.."એક પાંત્રીસેક વર્ષનો મધ્યમ બાંધાનો વ્યક્તિ અર્જુન ની સમીપ આવીને બોલ્યો.

"હમમ.. તારું નામ શું છે અને ક્યાં છે પ્રભાત ની લાશ..?"અર્જુન સીધો મુદ્દા પર આવતાં બોલ્યો.

"સાહેબ મારું નામ મંગાજી દરબાર છે અને હું પ્રભાત સાહેબનો ડ્રાઈવર થાઉં..સવારે હું જ્યારે ઓફિસ નો સમય થઈ ગયો હોવા છતાં સાહેબ નીચે ના આવ્યાં તો એમને બોલાવવા ઉપર ગયો તો ત્યાં મેં જઈને જોયું કે સાહેબ તો.."આટલું કહી મંગાજી નામનો એ માણસ રડવા લાગ્યો.. એનાં અવાજમાં અત્યારે ડર પણ સાફ-સાફ વર્તાતો હતો..જે કદાચિત લાશ ને જોવાનો અને પોલીસનાં સવાલોના જવાબ આપવાનો હોઈ શકતો હતો.

"નાયક તું મંગાજી ને પાણી આપ..જાની તું અને અશોક બધી ભીડ ને વિખેરી દો.. મારે અહીં કોઈ પણ વસ્તુ આમથી તેમ હલવી ના જોઈએ.હું નથી ઈચ્છતો કે કોઈપણ એવું સબુત નાશ પામે જેનો ફાયદો કાતિલ ને થાય."આદેશ આપતાં અર્જુન બોલ્યો.

અર્જુનની વાત સાંભળી અશોક અને જાની ઝડપથી બંગલોની બહાર હાજર ભીડ ને નિયંત્રણ માં કરવાનાં કામમાં લાગી ગયાં..આ તરફ નાયક દ્વારા અપાયેલું પાણી પીધાં બાદ મંગાજીની હાલત થોડી સ્વસ્થ જણાતાં અર્જુને એનાં ખભે હાથ મૂકી પ્રેમથી કહ્યું.

"મંગાજી,તમારે કોઈ વાતે ડરવાની જરૂર નથી..હવે તમને યોગ્ય લાગે તો આપણે ઉપર જઈને લાશ જોઈ શકીએ..?"

અર્જુનનો લાગણીસભર અવાજ સાંભળી મંગાજી ને ઘણી રાહત મહેસુસ થઈ..એને અર્જુનનાં પુછાયેલાં સવાલનાં પ્રતિભાવ રૂપે હકારમાં ડોકું ધુણાવ્યું અને પ્રથમ માળે જતાં દાદરા તરફ આગળ વધ્યો.અર્જુન અને નાયક પણ મંગાજી ને અનુસરતાં દાદરાનાં પગથિયાં ચડવા લાગ્યાં.

અર્જુને જ્યારથી પ્રભાતનાં ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યારથી એની બાજ નજર સમગ્ર બંગલો ની નાનામાં નાની વાત નોટિસ કરી રહી હતી.પ્રભાતનાં બંગલાનું રાચરચીલું અને અન્ય સજાવટ જોયાં પછી અર્જુન સમજી ચુક્યો હતો કે સાચેમાં પ્રભાત એની ધારણા મુજબનો રંગીન મિજાજનો અને વૈભવી લાઈફ સ્ટાઈલ જીવનારો માણસ હતો..અને આવાં લોકો ઘણાંની આંખમાં કણાની જેમ ખૂંચતા એ બાબતથી પણ અર્જુન વાકેફ હતો.

"સાહેબ આ તરફ..."ઉપર નાં માળે આવતાં ની સાથે મંગાજીએ ડાબી તરફ આવેલ રૂમ તરફ આંગળી કરતાં કહ્યું.

દાદરો પૂર્ણ થતાં જ આવેલ વિશાળ હોલને વટાવી ડાબી તરફનાં ભાગમાં પડતાં ભવ્ય માસ્ટર બેડરૂમની અંદર મંગાજી ની પાછળ પાછળ અર્જુન તથા નાયકે પ્રવેશ લીધો.

આ બેડરૂમ ખરેખર ભવ્ય કહી શકાય એવો હતો..રૂમની મધ્યમાં કિંગ સાઈઝ બેડ હતો અને બેડની સામે એક વિશાળ LED ટીવી લાગેલ હતું.જે હજુપણ ઓન જ હતું..એટલે અર્જુને પહેલાં એને બંધ કર્યું.બેડ ની ઉપર સેમસંગ કંપની નું AC પણ લગાવેલું હતું..આ સિવાય રૂમમાં બીજી ઘણી એવી વસ્તુઓ હતી જે ધ્યાનાકર્ષક હતી..રૂમ નાં પ્રવેશદ્વાર ની સામે ની તરફ એક કાચનો સ્લાઈડિંગ દરવાજો હતો જેને ખસેડતાં બાલ્કનીમાં જઈ શકાતું હતું.

આ કાચનો સ્લાઈડિંગ દરવાજો અત્યારે ખુલ્લો હતો અને એની જોડે એક ખુરશી પર પ્રભાત નો મૃતદેહ પડ્યો હતો..અર્જુને હાથમાં ગ્લોવસ પહેર્યા અને સાવચેતીથી પ્રભાતનાં મૃતદેહનું અવલોકન કરવા આગળ વધ્યો.

પ્રભાતનો મૃતદેહ અત્યારે ખુરશીમાં એ રીતે ગોઠવાયેલો હતો જાણે એ ટીવી જોઈ રહ્યો હોય..પ્રભાતનાં ડાબી તરફ નાં માથાનાં ભાગમાંથી એક ગોળી જમણી તરફ નીકળી જવાનું નિશાન હતું.. ગોળીનાં પ્રહારથી પ્રભાતની ખોપરી જાણે ચિરાઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું..અને ખુરશીની જોડે જ લોહી નું ખાબોચિયું ભરાવાના નિશાન હતાં.

અર્જુને નીરખી નીરખી પ્રભાતનો મૃતદેહ જોયો અને ત્યારબાદ સ્લાઈડિંગ દરવાજો વટાવી બાલ્કનીમાં ગયો..બાલ્કનીમાંથી પ્રભાતને જે તરફથી ગોળી વાગી હતી એની આશરા પડતી દિશા નક્કી કરી પ્રભાત ની લાશની તરફ આવ્યો..અને બીજી તરફ ગોળી નીકળવાની દિશામાં આગળ વધ્યો તો અર્જુન ને બેડરૂમનાં દરવાજાની જોડે દીવાલમાં ધરબાયેલી એક બુલેટ મળી આવી.

"નાયક આ બુલેટ ને ઇન્વેસ્ટિગેશન બેગ માં મુકી દે.."નાયક તરફ જોઈને અર્જુન બોલ્યો.અર્જુન ની વાત સાંભળી નાયકે બુલેટ ને એક પોલીથીનની બેગમાં રાખી દીધી.

અર્જુને ચારે તરફ નજર ઘુમાવી જે કંઈપણ અન્ય વસ્તુઓ નજરે પડી એ નાયક ને કહી ઇન્વેસ્ટિગેશન બેગમાં રખાવી દીધી..જેમાં પ્રભાતનો ડેમેજ થયેલો મોબાઈલ ફોન,બિયરની ખાલી બોટલ,પ્રભાતે જેમાં બિયર પીધી હતી એ ગ્લાસ,બોટલનો પ્લાસ્ટિક બુચ,બોલપેન નું ઢાંકણ,માથાંનાં વાળ,પ્રભાતનો ડેમેજ મોબાઈલ ફોન તથા બીજી થોડી નાની-મોટી વસ્તુઓ હતી.

અર્જુને હવે રૂમમાં બધે નજર ઘુમાવી તો એને જોયું કે બધી અલમારી અને કબાટ ખુલ્લાં હતાં.. જેમાંથી સામાન વિખરાયેલો હતો.હત્યા બાદ ચોરી થયાંની આશંકા પણ હવે સેવાઈ રહી હતી.

"મંગાજી ચોરી થઈ હોય એવું લાગે છે..શું તમે કહી શકશો કે શું ચોરાયું હશે..?"મંગાજી તરફ જોઈને અર્જુન બોલ્યો.

"સાહેબ..ચોરી થઈ હોય એવું તો મને પણ લાગી રહ્યું છે પણ શું ચોરાયું હશે એની જાણકારી તો સાહેબનાં પત્ની જ આપી શકશે.."હાથ જોડી મંગાજી બોલ્યો.

"પ્રભાત ની પત્ની ની વાત કરો છો..?.હા તો એ ક્યાં છે..એમને ખબર આપી કે એમનાં પતિની હત્યા થઈ છે..?"અર્જુને એકસાથે ઘણાં સવાલો પૂછી લીધાં.

"સાહેબ નાં પત્ની નું નામ અનિતા બેન છે અને એ અત્યારે વડોદરા ગયાં છે કેમકે ત્યાં એમનાં માતૃશ્રી નું ઘૂંટણ નું ઓપરેશન હતું..એમને મેં તમને કોલ કર્યાં પહેલાં જ કોલ કરી દીધો છે..એ આમ પણ આજે રાધાનગર આવવાનાં હોવાથી મેં કોલ કર્યો ત્યારે રસ્તામાં જ હતાં એટલે હમણાં જ એ અહીં આવી જ પહોંચશે"મંગાજી એ કહ્યું.

"સારું મંગાજી તમે અત્યારે નીચે જઈને બેસો.મેડમ આવે તો એમને લઈને ઉપર આવજો.."

અર્જુન ની કહેવાયેલી વાત ને અનુસરતાં મંગાજી પ્રભાત પંચાલનાં બેડરૂમમાંથી નીકળી નીચેની તરફ પ્રસ્થાન કરી ગયાં..મંગાજીનાં જતાં જ નાયક અત્યાર સુધી પોતાનાં મનમાં ચાલતાં પ્રશ્નો ને અર્જુન સમક્ષ ઠાલવતાં બોલ્યો.

"સાહેબ,આ એક સીધો ને સરળ ચોરીનાં ઈરાદે કરવામાં આવેલી હત્યાનો કેસ છે.."

"નાયક,પહેલી નજરે તો મને પણ એવું જ લાગ્યું કે આ ચોરી માટે કરવામાં આવેલી હત્યાનો કેસ છે..પણ જે દિશામાંથી બુલેટ આવીને પ્રભાત ની ખોપડીમાંથી આરપાર નીકળી દીવાલમાં નીચેની તરફ ગઈ છે એની ઉપરથી તો એવું લાગે કે બુલેટ ઉપરની દિશામાંથી આવી છે.."બુલેટની દિશા ને વર્ણવતાં અર્જુન નાયક ને બતાવતાં બોલ્યો.

"મતલબ કે ગોળી કોઈએ આ તરફથી એટલે કે બાલ્કની તરફથી ચલાવી છે એ નક્કી છે પણ ગોળી બાલ્કનીમાંથી નથી ચલાવવામાં આવી પણ..સ્લાઈડિંગ ડોર ની બીજી તરફ બાલ્કનીમાં ઊભાં રહી નાયકે સામેની તરફ લગભગ પાંચસો મીટર દૂર આવેલી એક બહુમાળી મકાનની દિશામાં જોઈને કહ્યું.

"હા નાયક..ગોળી એ બહુમાળી મકાનનાં ટેરેસ પરથી ચલાવાઈ છે..મતલબ કે કોઈએ સ્નાયપર ગનનો ઉપયોગ કરી પ્રભાત ની હત્યા કરી છે.."અર્જુન પોતાની આંખો ને બહુમાળી મકાનની ટેરેસ તરફ સ્થિર કરીને બોલ્યો.

"પણ ચોરી કરવા માટે કોઈ સ્નાયપર ગનનો ઉપયોગ કરી હત્યા કરે..પછી ઘરમાં પ્રવેશ કરી લૂંટ ને અંજામ આપે.આ વાત ગળે ઉતરતી નથી."નાયક પણ પોતાનું મગજ થોડું વાપરતાં બોલ્યો.

"પણ મૃતદેહ જે સ્થિતિમાં પડ્યો છે એ જોઈ સ્નાયપર ગન વડે હત્યા થવાની મારી વાત પર હું કાયમ છું..બાકી તો બુલેટ ની ફોરેન્સિક ટીમ દ્વારા તપાસ કરાયા પછી જ ખબર પડશે.. અને હવે રાત થવા આવી તો ત્યાં સામેની બિલ્ડીંગ ની ટેરેસ પર જઈને તપાસ કરવી અત્યાર પૂરતી તો શક્ય નથી.."અર્જુન મનોમંથન કરતાં બોલ્યો.

"એતો કાલે સવારે જઈને ત્યાં તપાસ કરતાં આવીશું પણ લૂંટ માટે સ્નાયપર ગન આતો નવાઈની વાત તો છે.."નાયકે કહ્યું.

"એજ વાત મને ખટકી રહી છે..કેમકે સ્નાયપર ગનનો ઉપયોગ કરવા કોઈ પ્રોફેશનલ કિલર ને હાયર કરવો પડે અને પ્રભાત જેવાં એકરીતે મીડીયમ કહી શકાય એવાં બિઝનેસ મેનનાં ઘરે લૂંટ કરવા કરવા કોઈ પ્રોફેશનલ કિલર હાયર કરે એવું મને નથી લાગતું.."અર્જુન અંદર આવી પ્રભાત નાં મૃતદેહ તરફ જોતાં બોલ્યો.

"સાહેબ એવું પણ હોઈ શકે કે પ્રભાતનાં ઘરે મોટી રકમ હોવાંની કે કોઈ કિંમતી સામાન હોવાંની વાત મળી હોય એટલે કોઈ એ પહેલાં એની સ્નાયપર ગન વડે હત્યા કરાવી ને લૂંટ ને અંજામ આપ્યો હોય.."નાયક બોલ્યો.

"હા એ વાત પણ મુદ્દાની છે,એવું કંઈપણ હોઈ શકે છે.હવે તો તું પણ સ્માર્ટ થઈ ગયો નાયક,લાગે છે હમણાંથી બોર્નવિટા પીવાનું શરૂ કર્યું લાગે છે."આવાં સમયે પણ અર્જુન નોર્મલ હતો જે એની આ મજાક પરથી પુરવાર થતું હતું.

"પણ શું ચોરાયું છે એની ખબર કઈ રીતે પડશે..?"નાયકે સવાલ કર્યો.

"એ માટે આપણે પ્રભાતની પત્ની અનિતાનાં આવવાની રાહ જોવી પડશે..ત્યાં સુધી તું એક કામ કર આ બેડરૂમને કોર્ડન કરી ફોટોગ્રાફર અને ફોરેન્સિક ટીમ ને કોલ કરી અહીં બોલાવી લે..હું પીનલ ને કોલ કરી કહી દઉં કે મારે મોડું થઈ જશે..!!

***********

અર્જુન જ્યાં પ્રભાત પંચાલનાં ઘરે એની હત્યા કરનારાં કાતિલનાં સબુત એકઠાં કરી રહ્યો હતો ત્યાં સાંઈબાબા મંદિર ની બાજુમાં શહેરની મધ્યમાં આવેલાં બગીચામાં એક જેકેટ પહેરેલો વ્યક્તિ અંધકાર વધુ ઘેરો થવાની રાહ જોઈ આમથી તેમ આંટા મારી રહ્યો હતો.એ વ્યક્તિનાં ખભે એક બેગ લટકાવેલી હતી,શાયદ એ બેગમાં એવી કંઈક વસ્તુ હતી જેને એ કોઈને બતાવવા નહોતો માંગતો.

જેવો સુરજ પશ્ચિમ દિશામાં ક્ષિતિજે ડૂબી ગયો અને રાત નો અંધકાર રાધાનગર શહેર ને પોતાની આગોશમાં લેવા લાગ્યું ત્યારે એ જેકેટ પહેરેલી વ્યક્તિએ પોતાની બેગમાંથી એક છાપામાં વીંટલાયેલું પાર્સલ કાઢ્યું અને બગીચામાં આવેલ વડનાં વૃક્ષ નીચે આવેલ કચરાપેટીમાં મૂકી દીધું.

પાર્સલ ને કચરાપેટીમાં મૂક્યાં બાદ એ વ્યક્તિએ ચારેતરફ નજર ઘુમાવી અને પોતાને કોઈએ જોયો નથી એની ખાતરી કરી લીધાં બાદ એ દબાતા પગે બગીચાનાં પ્રવેશદ્વાર તરફ આગળ વધ્યો અને બહાર નીકળી પોતાની કારમાં બેસી નીકળી ગયો.

હજુ તો એ જેકેટ પહેરેલ વ્યક્તિ માંડ બગીચાથી અડધો કિલોમીટર દૂર પહોંચ્યો હતો ત્યાં એનાં ફોનની રિંગ વાગી..ફોનની રિંગ સાંભળી એ વ્યક્તિ થોડો ડરી ગયો હોય એવું પ્રતીત થતું હતું..એને તરત જ કોલ ને રિસીવ કર્યો તો સામેથી એક પુરુષનો ભારે અવાજ સંભળાયો.

"કેમ છો..સાહેબ મજામાં..?"

"હા મજામાં છું..હવે બીજી વાતો મુક અને એ બોલ કે મળી ગયું તારું પાર્સલ..જોઈલે નક્કી કર્યાં મુજબની રકમ એમાં છે કે નહીં..?"વ્યગ્રતા સાથે ગાડી ચલાવતાં એ વ્યક્તિએ પૂછ્યું.

"હા બધું બરાબર છે..વજન પરથી તો રકમ ok જ લાગે છે..પછી ભગવાન જાણે.મેં ત્યાંથી પાર્સલ નીકાળી લીધું છે.તમારો ખૂબ ખૂબ આભાર..ભવિષ્યમાં કોઈ કામ પડે તો યાદ કરજો.."સામેથી એક વ્યક્તિ હસતાં હસતાં બોલ્યો.

"સારું..હવે ક્યારેક તું મને કોલ ના કરતો.અને એક સલાહ આપું તું આ શહેર મૂકી થોડાં દિવસ માટે પલાયન થઈ જા નહીંતો એસીપી અર્જુન તારાં સુધી પહોંચીને જ રહેશે..અને એવું થયું તો અમારાં ગળા પર પણ ગાળિયો કસાઈ જશે.."ગાડી ચલાવતાં એ જેકેટ પહેરેલ વ્યક્તિ બોલ્યો..ગાડી નું AC ચાલુ હોવાં છતાં એનાં કપાળ પર પ્રસ્વેદ બિંદુનો સમુહ ઉપસી આવ્યો હતો.

"Ok.. તમે તમારી ચિંતા કરો..મને કંઈ નહીં થાય.."એ વ્યક્તિનાં આટલું બોલતાં જ કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો.

"ભગવાન કરે એસીપી અર્જુન અને પોલીસ નાં હાથ અમારાં સુધી ના પહોંચે.."એક હાથે ગાડી નું સ્ટેયરિંગ પકડી ગાડી ચલાવતાં અને બીજાં હાથમાં રહેલ હાથરૂમાલ વડે કપાળ પર રહેલ પરસેવા ને લૂછતાં બબડયો.

★★★★★★★

વધુ આવતાં અંકે.

પ્રભાત ની હત્યા કોને કરાવી હતી.??રૂપિયા ભરેલાં પાર્સલની આપલે કરનારાં એ વ્યક્તિઓ કોણ હતાં અને એમનો પ્રભાતની હત્યા જોડે શું સંબંધ હતો...??શું અર્જુન હત્યારા સુધી પહોંચી શકશે કે નહીં..??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

આ નોવેલ નો વિષય થોડો બોલ્ડ છે એટલે અમુક રૂઢિવાદી લોકો એ સરળતાથી સ્વીકારી ના પણ શકે..પણ હું એક નવી પેઢીનો લેખક હોવાનાં નાતે સમાજનો સાચો અરીસો આપની સામે લાવવાનો પ્રયત્ન કરતો રહીશ.ઘણાં બધાં ચડાવ-ઉતાર તથા ટર્ન એન્ડ ટ્વિસ્ટ સાથે સમય જતાં મારી આ નોવેલ "હવસ" તમારાં દિલ અને દિમાગ પર છવાઈ જશે એની ગેરંટી.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..~જતીન.આર.પટેલ (શિવાય)