Anant Disha - 19 books and stories free download online pdf in Gujarati

અનંત દિશા - ભાગ - ૧૯

" અનંત દિશા "  ભાગ - ૧૯

આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ મિત્ર સાથે જોડાયેલ લાગણીઓની છે. ફરી એક વાર અનંતના વિચારોને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે...

તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ...
છે કાલ્પનિક પણ  તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!!

આપણે અઢારમાં ભાગમાં વિશ્વાનું એક અલગ રૂપ જોયું જે અનંત માટે પણ નવું હતું. અનંત દિશાને ખુશ કરવા બૂક લઈને એના ઘરે ગયો પણ ત્યાં દિશા ગુસ્સે થઈ. અહીં એ વાત કરવા અનંત વિશ્વાના ઘરે જાય છે પણ એ ક્યાંક જતી રહી હતી. હવે જોઇએ દિશા ના ગુસ્સાનું રહસ્ય અને વિશ્વા ક્યાં ગઈ એનુ રહસ્ય.

હવે આગળ........

હું પાડોશી આંટી એ આપેલો વિશ્વાનો લેટર લઈ ઘરે જવા નીકળ્યો હતો ત્યાંજ રસ્તામાં વોટ્સઅપ ની મેસેજ ટોન વાગી, જે મેં ખાસ દિશા માટે સેટ કરી હતી. આ ઉદાસીમાં એક સારી વાત જાણે. મેસેજ જોવા બાઇક સાઇડ માં ઊભું રાખ્યું.

"સોરી અનંત, મેં તારા પર બહુ ગુસ્સો કર્યો. થેંકસ યાર મને એ બૂક મળી ગઈ છે.એ સમયે એવું થઈ ગયું હતું કે આ બૂકનો છુટ્ટો ઘા કરું. મારા માટે એ બૂક હોય કે તું એ બધા કરતાં "હું" મહત્વની છું..!! મારો "સ્નેહ" મહત્વનો છે..!! હવે હું એ બૂક વાંચીશ. પણ હમણાં હું સ્નેહની યાદોના વમળમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહી છું અને એ માટે મારે એકાંત જોઈએ. હા સંપૂર્ણ એકાંત... કોઈપણ નહીં માત્ર અને માત્ર "હું"..!!  તો પ્લીઝ હું ના કહું ત્યાં સુધી મને મળવાની કે કોલ કરવાની કોશિશ ના કરતો. હું ચોક્કસ તારી પાસે આવીશ. જય શ્રી કૃષ્ણ "

મેં પણ એની આવી મનોસ્થિતિ જાણીને એને સમય આપવાનું નક્કી કર્યું. આમપણ મને ખબર હતી કે આવું એ અમુકવાર કરતી. વધુમાં વધુ એક વીકમાં એ ફરી નોર્મલ થઈ જશે. એટલે મેં પણ એને કહ્યું.

"હા ડિયર, હું સમજું છું..!! તું સાચવજે... હું તારા એકાંતમાંથી નીકળવાની રાહ જોઇશ. જય શ્રી કૃષ્ણ."

એ ત્યાં સુધીમાં ઓફલાઇન થઈ ગઈ હતી કદાચ...એને હશે આ સવાલો કરશે એટલે એ જાણી જોઈને ઓફલાઇન થઈ ગઈ. હું ખુબજ દુખી અને વ્યથિત થઈ ગયો..!! મનમાં વિચાર આવી ગયો કે આવી મિત્રતા અને લાગણીઓના જોડાણ પછી પણ જો કોઈ વ્યક્તિ તમારાથી દુર રહેવા ઈચ્છે તો શું એ તમારી નિષ્ફળતા નથી..!!?? અને આંખમાંથી ટપકાં સરી પડ્યા...

આવાજ વ્યથિત મનથી ઘરે પહોંચ્યો. મમ્મી ને કહ્યું મારે જમવાનું નથી હું થાક્યો છું એટલે સૂઈ જઈશ. મારે હવે શાંતી થી વિશ્વાનો કાગળ વાંચવો હતો. સખત જીજ્ઞાસા થતી હતી કે એવી તો શું વાત હશે કે એને આમ મને કાગળ લખવાની જરૂર પડી..!? એ આમ અચાનક ક્યાં ગઈ હશે..!? આજ સુધી એણે આવું રહસ્યમય વર્તન નથી કર્યું..!!  મેં જ કદાચ દિશાની પાછળ એને થોડી અવગણી હશે એટલે એને આમ લેટર લખવાની જરૂર પડી હશે. કદાચ હું સ્વાર્થી છું, વિશ્વાને મારા સ્વાર્થ પૂર્તિ માટે હમેશાં યાદ કરતો. મન બસ નેગેટીવ વિચારો જ આવતા હતા. ફરી આંસુ સરી પડ્યા. એનો લેટર કાઢ્યો અને વાંચવાનો શરૂ કર્યો.

Dear અનંત,

તું આ લેટર વાંચીશ ત્યાં સુધી હું તારાથી દૂર જતી રહી હોઈશ. તારો વિરહ મને બહુ સાલશે. આમ તો એકપળ માટે પણ મને તારાથી દૂર જવું નથી ગમતું..!! પણ...

તું તો જાણે છે કે મારો ધ્યેય બ્રહ્માકુમારીમાં જવાનો હતો. પણ હમણાંથી તારો દિશા તરફનો ઝુકાવ જોઈ ને મને અહેસાસ થવા લાગ્યો હતો કે હું તને પ્રેમ કરું છું..!! એટલે જ હું મારા આ ધ્યેયથી દૂર જતી હતી અને તારા તરફ ઢળતી જતી હતી. પણ હું જાણું છું કે તને પામવો એ ઝાંઝવાના નીર સમાન છે. કારણ કે, તારી લાગણી દિશા તરફ ઢળેલી છે. સાચું કહું ને તો મને નહોતી ખબર... કે, પ્રેમ કોને કહેવાય..? પણ તારો હમેશાં મને આપેલો કાળજી ભર્યો સાથ અને એના લીધે મને થયેલો ખાસ અહેસાસ જ કદાચ મારા માટે પ્રેમ છે. મમ્મી પણ મને કહેતી હતી કે અનંત તારો જીવનભર સાથ નિભાવશે અને તારો જીવનસાથી બનશે. પણ હું નહોતી ઇચ્છતી કે કોઈપણ સંબંધ મજબૂરીમાં બંધાય.

તે મને જે આપ્યું એ અદ્ભૂત હતું. તારા જેવી સાચી લાગણીઓ આપનાર ભાગ્યેજ કોઇ હોય અને આ લાગણીઓ પામનાર પણ નસીબદાર જ હોય..!! તું જેટલો પરફેક્ટ છે એવી કદાચ હું પણ નથી. આવતા જન્મમાં પણ સ્નેહી તરીકે તું જ મળજે અને મને આમજ અપાર લાગણીઓ આપજે... આપીશ ને..!!??

તું વારે વારે કહેતો હતો કે હું તારું વિશ્વ છું પણ સાચું કહું તો તું મારું વિશ્વ હતો..!! તારું સુખ, દુખ બધુંજ મારું હતું. હવે મને લાગે છે કે તું મોટો થઈ ગયો છે. તું, તને સાચવી શકીશ અને હા મારી besty દિશા પણ છે જ તારી સાથે. તો, હવે આમપણ મારી જરૂર નથી. પણ હા.. એને સાચવજે નહીં તો તને માર પડશે.

હું દીક્ષા લઉં એ પહેલાં સમાજના બંધનોથી અને ખાસ આ તારા બંધનમાંથી મુક્ત થવા આશ્રમમાં સેવા માટે જાઉં છું. મારે તને ભૂલવો પડશે અને એ માટે મારું તારાથી દૂર જવું જરૂરી હતું. તું મને શોધતો નહીં કારણ કે હું એમ મળીશ નહીં.

" તારું તને અર્પણ, મારું ઈશ્વરમાં સમર્પણ. "

એ જ તારી...

લાગણીઓ ઘેલી વિશ્વા...

વિશ્વાનો એક એક શબ્દ દિલની આરપાર નીકળી ગયો. આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. એક એક આંસુ વિશ્વા ને કેમ હું ના રોકી શક્યો..!!? કેમ હું ના સમજી શક્યો..!!? કેમ મેં એની લાગણીઓ દુભાવી..!!? એનો હિસાબ માગી રહ્યા હતા. અને કદાચ મારા સંબંધો સાચવવાની, સમજવાની નિષ્ફળતા માટે મને દોષી સાબિત કરી રહ્યા હતા..!!

આજે મને સમજાઈ રહ્યું હતું કે દુખ કોને કહેવાય. હું આખી જિંદગી નાહક રડતો રહ્યો અને નસીબ કોસતો રહ્યો. આ જિંદગીના એ પળ હતા જેમાં જાણે મારું કોઈજ નહોતું. અને મને લાગી રહ્યું હતું કે હું અનંત એકાંતના અંધારામાં હમેશાં માટે ખોવાઈ જઈશ.

આખી રાત રડતો રહ્યો અને જાતેજ મને સાંત્વના આપતો રહ્યો. સવારે મમ્મી પપ્પા ને પણ કહ્યું કે વિશ્વા હમેશાં માટે દૂર ચાલી ગઈ છે. એમને પણ ખબર હતી કે મને સાચવનારી એ જ હતી એટલે એ પણ મારી સાથે ભાવુક થઈ ગયા. વાતાવરણમાં ગમગીનતા છવાઈ ગઈ.

"ખુબ સમજવી મુશ્કેલ છે સંબંધો ની માયાજાળ

ક્યારેક હસાવે તો ક્યારેક રડાવે એવી માયાજાળ

ક્યારેક થાય ચલાવી લઉં એના વગર આજીવન

ક્યારેક  થાય  એ જ તો છે મારું આખું જીવન

સમજી શક્યો નથી ક્યારેય આ સંબંધો ની વાત

આ સંબંધોને હું નથી લાયક એવું લાગ્યું એ વાત."

આજે રવિવાર હતો એટલે હું આખો દિવસ ઘરે જ રહેવાનો હતો. એકાંતના સથવારે મારે જીવવું હતું. થોડા સવાલો જાતને કરવા હતા. મારી લાગણીઓ ને સમજવી હતી. મારે નક્કી કરવાનું હતું કે હું ચાહું એ દિશા ને સાચવવી કે મને ચાહે એ વિશ્વા ને શોધવી. આખરે એક નિર્ણય પર પહોંચ્યો કે મને સમય જ્યાં લઈ જાય, જેની સાથે લઈ જાય ત્યાં હું જોડાઈ જઈશ.

વિશ્વાએ આપેલી જવાબદારી દિશા છે અને વિશ્વાની મા ને આપેલું વચન વિશ્વા છે. આમ મારે તો લાગણીઓ વેરવાની જ હતી. છતાં પણ મારે મન તો દિશા ને જ પામવી પ્રાથમિકતા હતી. આ વિચારોમાં જ મારાથી રચના સર્જાઈ ગઈ.

"હું તમને પામી શકીશ કે નહીં એ સવાલ જ નથી, 

કારણ મેં તો પામી તને અને આ જીવન થયું કેટલું જીવંત એનો કોઈ હિસાબ જ  નથી...!!! 

તું મારી બનીશ કે નહીં એવો  કોઈ  સવાલ જ નથી, 

કારણ તું મારી જ  છે એ પણ સંપૂર્ણ એટલે જ તો આ અનંતતા નો કોઈ હિસાબ જ નથી...!!!"

મારી લાગણીઓ સમજવા મારે બંને ની જરૂર હતી. એટલે હું બંને ને સાથે જોડવાના પ્રયત્નોમાં લાગી ગયો. એક બાજુ મેં દિશા ને મેસેજ કર્યો પણ કોઈજ જવાબ ના આવ્યો. ફોન કર્યા પણ એમાં પણ કોઈજ જવાબ નહીં. અને બીજી બાજુ મેં બ્રહ્માકુમારી સંસ્થાના બધાજ સેંટરનું લિસ્ટ શોધ્યું અને વિશ્વાને શોધવા માટે લાગી ગયો. એક એક સેંટરમાં જતો, અને આ સંસ્થા દ્વારા કરવામાં આવતા બધાજ મોટા કાર્યક્રમોમાં પણ. શું ખબર ક્યારે મારું વિશ્વ મને મળી જાય.

મને એ પણ ખબર નહોતી કે દિશા એ વિશ્વાને એના જવાની જાણ કરી કે નહીં. હું દિશાના ઘરે પણ જઈ શકવાનો નહોતો. સાચું કહું તો મારામાં હિંમત જ નહોતી. છેલ્લે ગયો ત્યારે જે બન્યું એ વાત મારા મનમાં ઘર કરી ગઈ હતી. દિવસો વીતતાં જતાં હતાં, ધીરજ ખૂટતી જતી હતી, હું તૂટતો જતો હતો.

આખરે મેં મારા જીવનને એક નવા માર્ગે લઈ જવાનું નક્કી કર્યું. મને થયું કે એ માર્ગેથી જ મને અંતિમ શાંતિ પ્રાપ્ત થશે અને "હું" મને તૂટતો અટકાવી શકીશ.

" બહું પ્રયત્ન કર્યો તારી યાદો ને ભુલાવવા માટે, 

પણ  એટલો પ્રયત્ન  તો ના જ કરી શક્યો જેટલો તને મારી બનાવવા  કર્યો હતો...!!! 

બહું પ્રયત્ન કર્યો તને સદાય માટે મારાથી દૂર કરવા,  

પણ  એટલો પ્રયત્ન તો  ના  જ  કરી શક્યો જેટલો તને મારી બનાવવા કર્યો હતો...!!! "

આવીજ વિહ્વળતામાં દિવસો પસાર થઈ રહ્યા હતા. અને મેં મારા નવાં માર્ગે ચાલવાનું શરૂ કરી દીધું હતું.

*****

કેવી લાગી રહી છે મિત્રો અને સ્નેહીઓ આ વાર્તા.??
વિશ્વા શું હવે ક્યારેય પાછી નહીં આવે ??
દિશા કેમ અનંત સાથે વાત નથી કરતી..!? શું થયું હશે..!! ??
કેવો નવો અધ્યાય તમે વિચારો છો એ પ્રતિભાવ કરજો...
વાંચક મિત્રો અને સ્નેહીઓ તમારા પ્રતિભાવ મારા માટે મહત્વના છે, ત્યાંથીજ પ્રેરણા લઈ હું આગળ લખી શકીશ અને ભુલ સુધારી શકીશ...
ફરી એકવાર જલ્દી મળશું આ અનંત ની અનંત સફરમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ...

Join My fb Group :- Sweet beat Frdzzzzz
આ લાગણીઓના જોડાણની વાર્તાની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.
Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...