VISHAD YOG - 8 books and stories free download online pdf in Gujarati

વિષાદ યોગ- પ્રકરણ-8

જેમ જેમ રાત થતી ગઇ તેમ તેમ “પેરેડાઇઝ વૃદ્ધાશ્રમ અને બાલાશ્રમ”માં એક પછી એક ગાડીઓ આવવા લાગી. કોલેજના યુવાનોની સાથે સાથે નિશીથ, સમીર, પ્રશાંત, નૈના અને કશિશ એ બધાના મિત્રો અને મમ્મી પપ્પા પણ આવી ગયાં. કશિશની દીદી દિશા આજે નીકળી જવાની હતી પણ કશિશે તેને ફોન કરી એક દિવસ રોકી દીધી હતી. તે પણ અત્યારે તેના પતિ સાથે આવી હતી. ધીમે ધીમે આખું ગ્રાઉન્ડ રોશનીથી ઝળહળી ઉઠ્યું અને મેદાનમાં ચહલ પહલ વધી ગઇ. બધા ટ્રષ્ટી પણ પોતાના ફેમીલી સાથે આવી ગયાં હતાં.

આજે બપોરે જ્યારે નિશીથ અને તેના મિત્રો જમતા હતા ત્યારે કશિશે બધાને કહ્યું “ આપણે એક કામ કરીએ કે આજે નિશીથના બર્થડેનું સેલીબ્રેશન અહીંજ કરીએ. આપણે બધાજ અહીં એક મોટું ફંક્શન કરીએ. તેમાં હું પણ મારા પપ્પાને કહી કન્ટ્રીબ્યુટ કરીશ. આમપણ મારા દવાખાનાનો ચાર્જતો વ્યાસ અંકલે લીધો નથી તો તે આમાં કન્ટ્રીબ્યુટ કરીશું.” આ વાત બધાને ગમી ગઇ એટલે આજે ત્યાંજ પાર્ટીનું આયોજન કર્યું હતું. બધાએ પોતપોતાના ઘરે ફોન કરી સાંજે આવી જવાનું કહ્યું અને પછી નિશીથે કેટરર્શવાળાને ફોન કરીને ઓર્ડર આપી દીધો. ત્યારબાદ બધા મિત્રોએ કામ વહેંચી લીધા અને પોતપાતાના કામે લાગી ગયાં.

થોડીવારમાં તો આખુ ગ્રાઉન્ડ માણસોથી ભરાઇ ગયું. ડૉ.વ્યાસ પણ તેના પત્ની સાથે આવી ગયાં હતા. બધા પોતપોતાના ગૃપમાં વાતો કરી રહ્યા હતા, ત્યાં માઇક પરથી નૈનાએ જાહેરાત કરીકે “આજે અમારા ખાસ મિત્ર નિશીથના બર્થડે પર આપ સૌનુ સ્વાગત છે. હવે આપણે કેક કાપવા માટે જઇ રહ્યા છીએ તો બધાને વિનંતી કે સ્ટેજની પાસે આવી જાય અને નિશીથના મમ્મી પપ્પાને સ્ટેજ પર આવવા વિનંતી છે. જાહેરાત પુરી થતાજ કશિશ એક મોટી ટ્રેમાં કેક લઇને આવી. નિશીથ તેના મિત્રો અને મમ્મી-પપ્પા સાથે સ્ટેજ પર આવ્યાં અને પછી નિશીથે કેક કાપી એ સાથેજ આખું ગ્રાઉન્ડ તાલીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. બધા બાળકોએ પણ એકદમ ખુશીમાં આવી જોરદાર તાલીઓ પાડી. ત્યારબાદ નિશીથે કેક તેના મમ્મી પપ્પાને ખવડાવી પછી કશિશ અને તેના મિત્રોને ખવડાવી. થોડીવારમાં કેકનો કાર્યક્રમ પતતાજ નિશીથે માઇક હાથમાં લીધું અને બોલવાની શરૂઆત કરી. “અહીં પધારેલા બધાજ સ્નેહીજનો, મિત્રો અને વડીલોને મારા જન્મદિન આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરુ છું. આજનો આ કાર્યક્રમ એકદમ અણધાર્યો નક્કી થયો છે. હજુ બપોરે કાર્યક્રમ નક્કી થયો અને આપ સૌ આપના ખૂબ વ્યસ્ત સિડ્યુલમાંથી સમય કાઢી અત્યારે

અહીં ઉપસ્થિત રહ્યા છો તે માટે ખૂબ ખૂબ આભાર. આ મારો બર્થડે અહીં ઉજવાય રહ્યો છે તેનો શ્રેય મારી મિત્ર કશિશને જાય છે. તેણે જ આ સરસ આઇડીયા અમને બધાને કહ્યો અને પછીનું આખું આયોજન મારા મિત્રો સમીર પ્રશાંત અને નૈનાએ કરેલું છે.” આટલી પ્રસ્તાવના બાંધી પછી નિશીથ થોડૂ રોકાયો અને પછી આગળ બોલ્યો “તમે લોકો આ જે સ્થળ પર ઊભા છો, તે સ્થળ પર એક ખૂબજ સુંદર કાર્ય થઇ રહ્યું છે. આ ‘પેરેડાઇઝ વૃદ્ધાશ્રમ અને બાલાશ્રમ’ એ અહીં રહેતા નાના બાળકો અને વૃધ્ધો માટે ખરેખર એક પેરેડાઇઝ (સ્વર્ગ) સમાન છે. આ લોકો માટે આ જ તેનું ઘર છે અને અહીં રહેતા લોકોજ તેના સગા છે. અહીં હું જ્યારે પણ આવું છું ત્યારે મને એક અલગ પ્રકારની એનર્જીનો અનુભવ થાય છે. કદાચ તે અહીં રહેતા લોકોમાંથીજ મળતી હશે. અહીં આ બાળકો મને જોઇને ખુશ થઇ જાય છે અને તેના ચહેરા પરની આ ખુશી જોઇને મારો દિવસ સુધરી જાય છે. શું આ બાળકોને આપણા જેવી જિંદગી જીવવાનો અધિકાર નથી? શું આપણો સમાજ અને આપણે બધા આ બાળકોને સામાન્ય બાળકને મળે તેવી જિંદગી આપી શકવાને સમર્થ નથી? આપણે જો આ બધા બાળકોને એ ન આપી શકતા હોઇએ તો પછી આપણને કોઇ બીજી જગ્યાએ દાન કરવાનો હક નથી. મારી આપને બધાને વિનંતી છે કે તમે તમારાથી આ બાળકો માટે જે પણ થઇ શકે તે કરો. મે આજે તમને બધાને અહી એ એકજ ઉદેશ્યથી બોલાવેલા છે. સમાજમાં આ એક એવી જગ્યા છે જ્યાં તમારા સાથની જરૂર સૌથી વધુ છે. જો આજે તમારા તરફથી ફાળો મળશે તો આ બાળકો એક દિવસ સમાજના સારા નાગરીક બની તમે આપેલ ફાળા કરતા કેટલાય ગણો ફાળો સમાજના વિકાસમાં આપશે.” નિશીથ આ બોલતો હતો ત્યારે કશિશની આંખમાંથી ખુશીના આંસુ વહી રહયા હતા. આંસુ સાથે તેની અંદર જે વર્ષોથી નફરત ભરેલી હતી તે પણ બહાર વહી રહી હતી. પોતે એક માણસને લીધે નિશીથ જેવા સારા યુવાનને કેટલો અન્યાય કર્યો અને આજ નિશીથનું આજે બીજુંજ સ્વરૂપ તે જોઇ રહી હતી. નિશીથ એક સારો માણસ છે તે તો તેને ખબર જ હતી પણ નિશીથનું આ પાસુ તો તેની ધારણા કરતા પણ વધુ ઉજ્વળ હતું. હું કેટલી ભાગ્યશાળી છું કે આવો છોકરો મને દિલથી ચાહે છે. નિશીથનો દરેક શબ્દ કશિશના દિલમાં રહેલ જખમ પર હળવે હાથે મલમ લગાવી રહ્યો હતો. નિશીથના દરેક શબ્દે કશિશની અંદરનો ઘુઘવાટ, નફરત અને પીડા ધીમે-ધીમે શાંત થઇ રહી હતી. તે ક્યાંય સુધી આંખ મિચીને નિશીથને સાંભળતી રહી. છેલ્લે નિશીથે વાતને પૂરી કરતા કહ્યું “ મારી તમને બધાને વિનંતી છે કે તમે લોકો આ આશ્રમમાં થોડો સહયોગ આપશો તો આ આશ્રમના વ્યવસ્થાપકો અહીં રહેતા દરેક બાળકને રહેઠાણ અને ખોરાકની સાથે શિક્ષણની પણ સગવડ આપી શકશે. જેને લીધે આ દરેક બાળકનું ભવિષ્ય વધુ સુરક્ષિત બનશે. આજ આપણી સમાજ પ્રત્યેની ફરજ છે. તમે બધા અહીં આવી મારી ખુશિમાં સામેલ થયાં તે માટે ખૂબ ખૂબ આભાર.” આટલું બોલી નિશીથ નૈનાને માઇક આપી પાછળ જતો રહ્યો. નૈનાએ બધાજ મહેમાનને ભોજન લઇને જ જવા આગ્રહભરી વિનંતી કરી. ત્યાં નિશીથના પપ્પા અને ડૉ. વ્યાસ બંને સ્ટેજ પર આવ્યા. નૈનાએ ડૉ. વ્યાસને માઇક આપ્યું એટલે ડૉ.વ્યાસે બોલવાની શરૂઆત કરી “ નમસ્કાર મિત્રો, હું અને આ મારો મિત્ર સુમિત કયારના આ છોકરાઓની વાતો સાંભળીએ છીએ. હવે અમે કંઇક કહેવા માગીએ છીએ. આપણે હાલતા ચાલતા વાત કરીએ છીએ કે આજની જનરેશન ખૂબ બગડી ગઇ છે અને કોઇ લાગણી તેને સ્પર્શતી નથી. પણ આપણે કેટલા ખોટા છીએ તે આજે આ યુવાનોએ સાબિત કરી આપ્યું. આ યુવાનો માત્ર ટેકનોલોજીમાંજ આપણાથી આગળ છે તેવું નથી. લાગણી અને વિચારધારામાં પણ આ લોકો આપણાથી આગળ છે. આ યુવાનોએ આજે સાબિત કરી દીધું કે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીથી તે સહેજ પણ અજાણ નથી. તે લોકો એ અમારી આંખ ઉઘાડી દીધી છે. મે અને મારા મિત્ર સુમિતે નક્કી કર્યુ છે કે આજથી આ બાળકોનો શિક્ષણનો જે પણ ખર્ચ થશે તે અમે ભોગવીશું.” આ સાંભળતાંજ બધા લોકોએ જોરદાર તાલીઓ પાડી. ત્યારબાદ નિશીથના પપ્પાએ આશ્રમના ટ્રષ્ટીને ચેક આપ્યો. આ શરૂઆત બાદ તો ઘણા બધા લોકો મદદ માટે આગળ આવ્યા. તે પછી અડધો કલાક સુધી જુદી જુદી મદદની જાહેરાતો થતી રહી. પછી આશ્રમના એક ટ્રષ્ટી આગળ આવ્યા અને તેણે નિશીથ અને તેના મિત્રોનો આભાર માન્યો. છેલ્લે નૈનાએ કહ્યું હવે જમવાનું તૈયાર થાય ત્યાં સુધી આપણે બધાજ ડાન્સ કરીશું અને ત્યારબાદ બધાએ ભોજન લઇનેજ છુટા પડવાનું છે. તે પછી બધા મિત્રો અને આશ્રમના છોકરાઓ મન ભરીને નાચ્યા. છેલ્લે નાચ્યા બાદ ભોજનનો કાર્યક્રમ ચાલ્યો. બધા પોતપોતાના ગૃપમાં ભોજન કરતા હતા ત્યારે નિશીથ અને કશિશ બધાથી દૂર જઇને વાતોએ વળગ્યા.

“બોલ, કેવી લાગી મારી સ્પીચ?” નિશીથે કશિશને પુછ્યું.

“ હું તો તારા આ રૂપથી બિલકુલ અજાણ હતી. અત્યારે મને સાચેજ એવી ફીલીંગ થાય છે કે હું તારે લાયક નથી. તું બધીજ રીતે મારા કરતા ચડીયાતો છે. તને તો મારા કરતા ઘણી સારી છોકરી મળી જાય.” કશિશે દિલમાં રહેલી દ્વિધા રજૂ કરતા કહ્યું.

“ હા, તું કહે તે કદાચ તારી દૃષ્ટિથી સાચી હોઇ શકે પણ, મારી દૃષ્ટિએ તો તું અનમોલ છે. મારે જેવી જોઇતી હતી તેવી બધીજ લાક્ષણીકતા તારામાં છે.જાણે તને ભગવાને મારા માટે જ મોકલી હોય. તારી ખાસ તો એ વાત મને ગમી કે તું મારા પૈસા કે સ્ટેટસ જોઇને મારા પ્રેમમાં નથી પડી. મારી પહેલેથીજ એક ઇચ્છા હતી કે કોઇ છોકરી માત્ર મનેજ પ્રેમ કરે મારી અમીરીને નહીં. સાચું કહું તો તારી પૈસાદાર પ્રત્યેની જે નફરત હતી તેજ મને આકર્ષી ગઇ. તને જોતાજ હું તારાથી આકર્ષાઇ ગયો હતો પણ જેમ જેમ તને જાણતો અને સમજતો ગયો તેમ તેમ આ આકર્ષણ પ્રેમમાં પરિવર્તન પામતું ગયું. મને ઘણી છોકરીઓ મળી કે જે મારી સાથે સંબંધ રાખવા માટે તડપતી હોય પણ તે બધી મારી દોલત અથવા મારી પર્શનાલિટીથી આકર્ષાઇને આવતી. તું એકજ એવી છે, જે આ બંને છોડીને માત્ર મને પસંદ કરે છે.” નિશીથે આ કહેતા કહેતા કશિશનો હાથ પકડી લીધો, અને આગળ બોલ્યો “ જો સંબંધમાં એ જરૂરી નથી કે કોણ કોનાથી વધુ ચડીયાતું છે પણ સંબંધમાં એ જરૂરી છે કે તમે બંને એકબીજા સાથે કેટલા જોડાયેલા છો. સંબંધ બાંધવો સહેલો છે પણ નિભાવવો ખૂબ મુશ્કેલ છે. બે વ્યક્તિ એકબીજાની ઉણપોને અવગણીને સાથે રહે છે ત્યારે સંબંઘનું ભવિષ્ય લાંબુ નથી હોતું પણ જો તે બંને એકબીજાની ઉણપોને સ્વિકારીને સાથે રહે તો તે સંબંધ ટકી રહે છે.”

“જો હું તારા જેટલી તો સમજદાર નથી પણ મને એટલી ખબર છે કે અમે છોકરીઓ સંબંધ બાંધતા પહેલા હજારવાર વિચાર કરીએ છીએ પણ એકવાર જેને મનથી સ્વિકારી લઇએ પછી તેનો સાથ કોઇપણ પરીસ્થિતિમાં છોડતી નથી. હું તને પ્રોમિશ કરું છું કે કોઇ પણ પરિસ્થિતિમાં હું તારી પડખે ઊભી રહીશ.” કશિશે નિશીથનો હાથ દબાવતાં કહ્યું.

પણ કશિશને ત્યારે ખબર નહોતી કે હવે પછી નિશીથની જિંદગીમાં કેવો ઝંઝાવાત આવવાનો છે. નિશીથ સાથે જોડાવાથી તેની જિંદગીમાં કેવા તોફાન સર્જાવાના છે.

ત્યારબાદ ક્યાંય સુધી બંને વચ્ચે મૌન સંવાદ થતો રહ્યો. આંખોથીજ વચનો અપાઇ ગયા અને આંખો વડેજ સ્વિકારાઇ ગયા. થોડીવાર બાદ સમીરે બુમ પાડી એટલે બંને તે તરફ ગયા. ત્યાં બધા જમતા હતા અને જેણે જમી લીધુ હતું તે વિદાઇ થઇ રહ્યા હતા. જે કોઇ જતા તે ટ્રષ્ટિને નાનું મોટું ડૉનેસન આપીનેજ જતા. નિશીથની સ્પીચની અસર આ આશ્રમને સારી એવી ફળી હતી. તે અને કશિશ ઊભા હતા ત્યાં ડૉ.વ્યાસ તેની પત્ની શોભા સાથે આવ્યા અને બોલ્યા “શું ભાઇ હવે તો આ છોકરીને સાચવીને લઇ જાય છે ને? અને મે તને કહ્યુ હતુ તેના વિશે શું વિચાર્યુ?”

“ શુ અંકલ તમે પણ. શોભા આન્ટી, અંકલને સમજાવોને તે મને ફસાવીનેજ રહેશે.” નિશીથે મજાક કરતાં કહ્યું.

“ એતો પોતે ફસાયેલા છે એટલે તારી આઝાદી જોઇ નથી શકતા. જેલસી યુ નો.” શોભા આન્ટીએ મજાક કરતા કહ્યું.

“ હા, તે બંને મિત્રો મારા દીકરાની ખુશી જોઇજ નથી શકતા એટલેજ નિશીથને પણ પોતાની જેમ ઝડપથી ફસાવી દેવો છે.” સુનંદાબેને પાછળથી આવી કહ્યું. સુમિતભાઇ પણ બધાને ઊભેલા જોઇને આ તરફ આવતા બોલ્યા.

‌“ જો અમે તો ખોટી જાળ પસંદ કરી લીધી છે પણ આ નિશીથ માટે તો કેટલી સરસ જાળ છે.”

આ સાંભળી કશિશ શરમાઇને નીચું જોઇ ગઇ.

“ હવે તમે બંને મિત્રો ખોટી હોશિયારી નહીં મારો. યાદ છે ને અમારી પાછળ કેટલા લટ્ટુ થઇને ફરતા હતા. કેટલા વાયદા કરેલા, તેમાંથી એકપણ પૂરા કર્યા નથી.” શોભાબહેને મજાક આગળ વધારતાં કહ્યું.

“ એતો અમને દયા આવતી હતી કે આટલી સુંદર છોકરીઓ કોઇક ખરાબ માણસો સાથે ભટકાઇ જશે, તેના કરતા અમારા જેવા જેન્ટલમેન સાથે આવે તો તેનો ઉદ્ધાર થઇ જાય એટલે બાકી અમારી પાછળ તો ઘણી બધી છોકરીઓ મરતી હતી.” ડૉ. વ્યાસે પણ સામે બાણ છોડ્યું.

નિશીથ અને કશિશ આ બધાની મજાક મસ્તી હસતા હસતા સાંભળતા રહ્યાં.

“ જો હવે તમે અને સુમિત ખોટી ડંફાસો નહીં મારો નહીંતર, હું અને શોભા આ છોકરા સામેજ તમારી સિક્રેટ ફાઇલ ખોલી નાખીશું.” સુનંદાબેને મજાકમાં ધમકી મારી.

“ જો ભાઇ વ્યાસ, તું રહેવા દે નહીંતર આ બંને બાળકો સામે આપણી ઇજ્જત જશે. આ બંને રણચંડી સામે આપણે આમપણ કયારેય જીત્યાં નથી, એટલે તું ખોટો પ્રયત્ન નહીં કર.” સુમિતભાઇએ હસતા-હસતા કહ્યું.

“આમા અમારે તો “હમ આપકે કૌન હૈ” ના સલમાન જેવો જ ડાયલોગ મારવાનો રહે છે. “અપને બડે તો બડે ચાલુ નિકલે. હમ ઐસા નહીં કરેંગે.” બરાબરને કશિશ.” નિશીથે કશિશ સામે જોઇને કહ્યું.

આ સાંભળી બધાજ હસી પડ્યાં.

“દીકરા એતો સમયજ કહેશે કે તમે શું કરશો? ચાલ હવે અમે નિકળીએ તમે જુવાન લોકો એન્જોય કરો.” એમ કહી ડૉ.વ્યાસ અને તેની પત્ની જતાં રહ્યાં.

ત્યારબાદ મહેમાનોએ જમી લીધું એટલે નિશીથ અને તેના મિત્રોએ બધાજ બાળકોને જમાડ્યાં. ત્યાં સુધીમાં તો કશિશ અને નિશીથના મમ્મી પપ્પા સિવાયના બધાજ જતા રહ્યાં હતાં. છેલ્લે નિશીથ અને તેનુ ગૃપ જમવા બેઠા. બધાજ મિત્રો વાતો કરતા કરતા જમવા લાગ્યા.

“નિશીથ, તારો આ જન્મદિન જિદગીમાં ખૂબ યાદગાર રહેશે, બહું મજા આવી.” સમીરે કહ્યું.

“આનો શ્રેય મારી મિત્ર કશિશને જાય છે. આઇડીયા તેનો જ હતો.” નૈનાએ મજાક કરતા કહ્યું.

“નિશીથ કે કશિશ શું ફેર પડે છે? હવે બંને એકજ છે ને?” પ્રશાંતે મજાકને વેગ આપતા કહ્યું.

“ના હજુ ઑફિસિયલી એક નથી. એક થવા માટે તો આના કરતા પણ ભવ્ય બીજો જમણવાર કરવો પડશે.” નૈનાએ કહ્યું. આ સાંભળી કશિશે નૈનાને જોરદાર લાત મારી.

“ અમે તો જાનમાં આવીશું. તું અમારુ સ્વાગત કરજે.” સમીરે નૈનાને ચીડવતા કહ્યું.

“ઓય સ્વાગતવાળી, હું તો બંને બાજુથી હોઇશ. નિશીથ મારો પણ મિત્ર છે.” નૈનાએ કહ્યું.

“જો ભાઇઓ અને ભાઇઓની બહેનો, હું મારા લગ્ન કરીશ ત્યારે તમને આમંત્રણ આપીશ. એટલે અત્યારથી તમે તેની ચિંતા છોડી દો. અમને આ જે સમય છે તે માણી લેવા દો.” એમ કહી નિશીથે કશિશ સામે આંખ મારી. આ જોઇ કશિશ બોલી “ હા, અને તમે હવે તમારા લગ્ન વિશે વિચારો.”

“હવે, મને જે છોકરો ગમતો હતો તે તો તુ પટાવીને લઇ ગઇ છે. હવે હું શું લગ્ન વિશે વિચારું?” નૈનાએ કશિશને ચિડવતા કહ્યું.

“ હા ભાઇ, હવે તમારું તો ગોઠવાઇ ગયું, ચિંતાતો અમારે જ છે. અમારી સામે તો કોઇ જોતુજ નથી. આ ભાઇ નસીબદાર છે કે દર વર્ષે તેના પર એક છોકરી ફિદા થઇ જાય છે.” સમીરે કહ્યું.

“ જો ભાઇઓ આ છોકરી મારા પર ફિદા નથી થઇ હો. આને તો પટાવતા મારો પસીનો છૂટી ગયો છે. એટલે તમે પણ મહેનત કરો. તમારા પર પણ કોઇ દેવી જરૂર પ્રસન્ન થશે.” નિશીથે કશિશ સામે જોઇ કહ્યું.

“ ભાઇ, દેવીઓ તારા પરજ પ્રસન્ન થાય છે અમને તો ગાળ રૂપી શ્રાપ જ આપે છે.” પ્રશાંત હસતા હસતા બોલ્યો. આ સાંભળીને આખું ગૃપ હસી પડ્યું.

ત્યારબાદ બધાએ જમી લીધું એટલે બધા જવાની તૈયારી કરતા હતા ત્યાં એક સાધુ દરવાજામાં દાખલ થયા. એકદમ મેલા ઘેલા કપડા, માથે જટાવાળેલી અને લાંબી ડાઢી હતી. પહેલી નજરે તેનો વેશ જોતાજ કોઇને પણ સુગ ચડે, પણ જેવી તેના ચહેરા પર નજર પડે એ સાથેજ તેના ચહેરા પર એક અજબ પ્રકારનું તેજ અને આંખોમાં એક અજબ મોહિની જોઇ આપોઆપ તેના તરફ હાથ જોડાઇ જાય. આ સાધુને જોતાજ નિશીથ તેની પાસે ગયો “આવો બાબા. જમવાનું તૈયાર છે જમીલો.” એમ કહી નિશીથે તેને એક ખુરશી પર બેસાડ્યા અને એક ડિશ તૈયાર કરીને આપી. બાબા જમવા લાગ્યા અને નિશીથ પીરસતો ગયો. છેલ્લે જમવાનું પૂરું થયું એટલે નિશીથે તેને ખીસ્સામાંથી 100ની નોટ કાઢી આપવા માટે હાથ લંબાવ્યો. બાબાએ અચાનક પૈસાને બદલે તેનો હાથ પકડી લીધો. અચાનક આમ થવાથી નિશીથ ચોંકી ગયો પણ ત્યાંતો સાધુ નિશીથની

હથેળીમાં તેની હસ્તરેખા જોઇ અચાનક બોલી ઉઠ્યા “ દીકરા, તું ખોટી જગ્યાએ રહે છે. તારું ઠેકાણું કંઇક અલગ છે. તારી જગ્યાએ તું પાછો ફર. ત્યાં તારી જરૂર છે.” અને પછી આંખ બંધ કરી જાણે અંદરથી અવાજ આવતો હોય તેમ બોલ્યાં “ ટુંક સમયમાં તારી જિંદગી રસ્તો બદલશે. થોડી રાહ જો તને રસ્તો સામેથી દેખાશે. પણ એટલું યાદ રાખજે કુદરત તને જે સંકેત આપે છે, તેની પાછળ કોઇ રહસ્ય જરૂર હોય છે. તું લાંબો સમય તેને અવગણી શકીશ નહી. તારી જિંદગી કોઇ નિશ્ચિત કાર્ય માટે છે. જે પૂરુ કર્યા વિના તને ચેન નહી પડે.” આમ બોલી તે બાબા પૈસા લીધા વગર જ દરવાજાની બહાર નીકળી ગયા. નિશીથ અને તેની આસપાસ બધાએજ બાબાએ કહેલી ભવિષ્યવાણી સાંભળી હતી. નિશીથ તો આ સાંભળી અવાચક થઇ ગયો. તે થોડીવાર એમજ ઊભો રહ્યો ત્યાં પાછળથી તેની મમ્મીએ ખભ્ભા પર હાથ મુક્યો અને બોલ્યા “શું દિકરા 21મી સદીનો યુવાન થઇ આવી વાતો માને છે?” આ સાંભળી નિશીથે જે જવાબ આપ્યો તે સાંભળી સુનંદાબહેન પણ વિચારમાં પડી ગયા અને તેને ડર લાગ્યો કે “ તે લોકો જે વાત નિશીથથી છુપાવે છે તે લાંબો સમય છુપાવી શકાશે નહીં.”

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌----‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌--------------------------------------***********----------------------

બાબાએ કહેલ આગાહીનો નિશીથ સાથે શું સંબંધ હશે? નિશીથે શું કહ્યું જેથી સુનંદાબેન વિચારમાં પડી ગયા? સુનંદાબહેન નિશીથથી શું છે? આપ્રશ્નોના જવાબ જાણવા માટે આ નવલકથા “વિષાદ યોગ” વાંચતા રહો. મિત્રો આ વાર્તા વાચી રેટીંગ ચોક્કશ આપજો અને શક્ય હોય તો તમારો પ્રતિભાવ પણ આપજો. તમને જો આ નોવેલ ગમી હોય તો તમારા સગા સંબંધી અને મિત્રોને પણ આ વાંચવાની ભલામણ કરજો.

------------------------------------------------------------------------------------------મિત્રો આ મારી બીજી નોવેલ છે.મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા whattsapp number પર જરૂરથી આપજો.


HIREN K BHATT :- 9426429160

અEMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM