Blind Game... Part-6 ...Ek Nakabposh books and stories free download online pdf in Gujarati

બ્લાઇન્ડ ગેમ (ભાગ - ૬) એક નકાબપોશ

બ્લાઇન્ડ ગેમ

(સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા)

(ભાગ - ૬ : એક નકાબપોશ)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

-----------------------

(પ્રકરણ-૫ માં આપણે જોયું કે...

બ્રેકફાસ્ટ દરમિયાન સેન્ડવીચ ઉપર કેચ-અપથી દોરાયેલું સૂર્યાસ્તનું ચિત્ર અરમાનને માઉન્ટ આબુના ‘સનસેટ પોઇન્ટ’ તરફ દોરી જાય છે. ત્યાં મુસ્કાન નામની બુરખાધારી મોહતરમા ઘટસ્ફોટ કરે છે કે ચીફ મિનિસ્ટરના સાહિત્ય-સમારોહમાં પ્રવેશ મેળવવા માટે અરમાનને એક મહોરું બનાવવામાં આવ્યો છે. અને આ ષડ્યંત્રનો અંજામ એટલે સી.એમ. સાહેબનું મર્ડર! અરમાન હજુ એ ભેદી મુસ્કાનની ઓળખની ભાળ કાઢવાનું વિચારે છે ત્યાં જ એ ગાયબ થઈ ચૂકી હોય છે...

હવે આગળ...)
‘સનસેટ પોઇન્ટ’ ઉપર મુસ્કાન નામની એક શુભેચ્છક મોહતરમાએ હઝરત કુરેશી અંગે કરેલા ઘટસ્ફોટથી અરમાન વિચલિત થઈ ચૂક્યો હતો. મનમાં મૂંઝવણોનો મારો ચલાવતો એ જયારે હઝરત કુરેશીના મુસ્તંડાઓને થાપ આપીને કોટેજમાં પાછો ફરી રહ્યો હતો ત્યારે થાક એને પોતાના મજબૂત પંજામાં ઘેરી વળ્યો હતો. થોડી ચીડ અને વધુ પડતા કંટાળાથી એનું શરીર તૂટી રહ્યું હતું. કોટેજ સુધી ટેક્ષી ભાડે કરીને આવતા સુધીમાં એને રાહત અનુભવવાનો થોડો-ઘણો સમય મળ્યો હતો. એ સમયમાં જ એણે મુસ્કાને જણાવેલી ચીફ મિનિસ્ટર વિશેની, એમના ફંક્શન અંગેની શક્ય એટલી તમામ વિગતોની ‘ઓનલાઇન’ પુષ્ટિ કરવા માંડી હતી.

એણે આંખો મીંચી દીધી. એના ચહેરા પરથી વર્તાઈ રહ્યું હતું કે એ થકાન કોઈ ઢાળના ચઢવા-ઉતરવાથી નહિ પરંતુ માનસિક સંઘર્ષ પહોંચવાથી ઉભરી આવી હતી. જેવો એણે કોટેજના સીટીંગ એરિયામાં પ્રવેશ કર્યો કે એના પગ ત્યાં જ થંભી ગયા. એની નજર એકધારી સામે જ ચોંટેલી રહી ગઈ...

આથમતો સૂર્ય પોતાની બધી રતાશ જાણે કે અહીં જ ગીરવી મૂકી ગયો હોય એમ આખા કમરામાં આછા લાલ ઉજાસવાળી લાઇટ્સ પોતાનો પ્રકાશ વેરી રહી હતી. ને નીચે કાર્પેટ ઉપર... ઉફ્ફ... સૃષ્ટિના સર્જનહારનું એક બેનમૂન શિલ્પ પોતાની બધી જ અદાઓ વિખેરી રહ્યું હતું. પોતાની જ તન્મયતામાં ગળાબૂડ ઐશ્વર્ય ઝળહળા થઈ રહ્યું હતું. સોફાને અઢેલીને બેસેલી નવ્યા અરમાનના આગમનની અવગણના કરતી હોય એમ પોતાના ગોરા હાથની લાંબી આંગળીઓ ઉપર નેઇલપોલિશ રંગવામાં રત હતી. બ્લેક ડેનિમ શોર્ટ્સમાંથી બેફિકરાઈથી નીકળેલા એના વેક્સ કરેલા લાંબા પગ કોઈક સફેદ-ચીકણા આરસપહાણમાંથી કંડાર્યા હોય એવા સુડોળ હતા. એણે પહેરેલા હાફ સ્લિવના યલો શર્ટનું ઉપલું બટન કોઈક તસતસતા બંધનમાંથી મુક્તિ મેળવતું હોય એમ ખુલ્લું હતું. મેકઅપ વગરની એની નિર્દોષ ત્વચા તથા શરીરના બેનમૂન વળાંકોને અરમાનનો થાક ઓગળવા માટે કોઈ જહેમત ઊઠાવવી નહિ પડી. આખરે એ પુરુષ હતો. સૌંદર્યના ધારદાર સરંજામને પારખવાની એનામાં એક આગવી કળા ઠાંસી ઠાંસીને ભરેલી હતી. અંગ ભલે લથડિયાં ખાતાં હોય, પણ આંખો તો અત્યારે એની બેસુમાર આરામ અનુભવી રહી હતી.

આખરે અરમાને પોતે જ પોતાને સંભાળ્યો. વેરવિખેર થઈ રહેલી એની યાદશક્તિને ધાર આપી – એ અને એની પત્ની, બંને અત્યારે નજરકેદ ભોગવી રહ્યાં હતાં. ફરી એક વાર થાકનો થપેડો ચહેરા ઉપર લાદી એણે બેડરૂમ તરફ જવા માટે પગ ઉપાડ્યા. પાછળથી નવ્યાના હોઠ પરથી રેલાઈ રહેલા ફિલ્મી ગીતનો આછો ગણગણાટ એને કાને પડ્યો-

‘સબકો તલાશ વો હી, સમજે યે કાશ કોઈ,

આં...હા...હાં...હા... યે હૈ ગુમરાહોં કા રાસ્તા,

મુસ્કાન ઝૂઠી હૈ... પહેચાન ઝૂઠી હૈ...

રંગીની હૈ છાઈ, ફિર ભી હૈ તન્હાઈ...’

અરમાન ફરી એકવાર સ્તબ્ધતાની અસર હેઠળ કચડાઈ ગયો. પાછળ ફરીને જોયું તો નવ્યાનો ચહેરો એના લાંબા વાળમાં ઢંકાયેલો હતો. એ બિલકુલ બેપરવા જણાતી હતી. એના હાથમાં હવે નેઇલપોલિશને બદલે મોબાઇલે હૂંફ મેળવી હતી...

***

‘અલખ-નિરંજન!’ હઝરત કુરેશીએ સિગાર સળગાવતા કહ્યું, ‘બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં એન્ટ્રી સબમિટ કરવા માટે... જરા દબાણ લાવો પેલા ચોકલેટી લેખકને!’

‘પણ તમે નવ્યાને...’

‘જેટલું કહેવામાં આવે એટલું કરો... જુઓ કે વાર્તા ક્યાં સુધી પહોંચી.’ કુરેશીએ જમણા હાથનો પંજો ઉંચો કર્યો. એમણે ‘વોકિંગ-સ્ટીક’ના માથાના ભાગની નીચેની ચાંદીની પટ્ટી પર કોતરાયેલા પોતાના નામ ઉપર આંગળી સહેલાવી, ‘...એ એક લેખક છે; ઉભરી રહેલો કલાકાર! અત્યાર સુધીમાં તો એણે બે નામોને ઇન્ટરનેટ ઉપર ‘સર્ચ’ મારીને એમની આખી જનમકુંડળી કાઢવાનો પ્રયત્ન આરંભી દીધો હશે.’

‘બે નામો?’ સામે ઊભેલા બંને જોડિયા ભાઈઓ એકબીજા સામે જોઈ રહ્યા.

‘હા, બે નામો. એક - હઝરત કુરેશી. બીજું – ગુજરાતના સી.એમ. - હૃષિકેશ મહેતા...’

‘સી.એમ. સાહેબ તો ચાલો સમજ્યા કે પબ્લિક ફિગર છે - સેલેબ્રીટી છે. પણ તમે તો ‘ગૂગલ’ની પકડમાંયે ક્યાં કદી આવો છો! તમારા વિશે તો બોસ, હંમેશા તમારી સાથે રહેનારાયે પૂરું નથી જાણતાં! ઇવન તમારી આ સિગાર અને ‘વોકિંગ-સ્ટીક’ પણ તમારા અસ્તિત્વથી અજાણ છે...’

‘અલખ-નિરંજન...’ હઝરત કુરેશીએ નોટોની એક મોટી ગડ્ડી ટેબલ ઉપર ફેંકતા કહ્યું, ‘...આ તમારા બંનેનું એડવાન્સ પેમેન્ટ! મને ઝીણામાં ઝીણી વિગતો મળતી રહેવી જોઈએ. ખૂબ જ રાહ જોવડાવી છે, જેમ બને એમ આ મિશન જલ્દી ‘ફિનીશ’ થવું જોઈએ, એનીહાઉ...’

‘અલખ...’ નિરંજને પોતાના ટ્વીન-બ્રધર સામે આંખ મીંચકારતા કહ્યું, ‘વર્ક સ્ટાર્ટ...’

‘ગેટ, સેટ, ગો, નિરંજન...’ અલખે પોતાના બંને હાથ હવામાં એ રીતે વીંઝ્યા જાણે કે બાજ પક્ષીની જેમ મોટી ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યો હોય.

હઝરત કુરેશીએ નાક ઉપર ખુન્નસ ઉપજાવતા ચશ્માંની ગોલ્ડન ફ્રેમ ઠીક કરી. કાચના ટેબલ ઉપર નીલમ-પન્ના-પોખરાજના નંગવાળી દરેક આંગળીઓમાં પહેરેલી વીંટીઓ તાલબદ્ધ ઝૂમી ઊઠી. એક ચોક્કસ લયમાં તબલા વગાડવાનું શરુ કર્યું. પછી અચાનક ઊભા થઈ ગયા. પહોળા પગ અને ટટ્ટાર શરીર સાથે પોતાના બંને હાથોને અંગ્રેજી ‘વી’ આકારમાં ઊંચા કરી માથું છત ભણી ઊંચું કર્યું, જાણે કે જંગલનો રાજા ડણક દેવાની તૈયારી કરી રહ્યો હોય. આકાશને વીંધી નાખવા માગતી હોય એવી ધારદાર નજરે એમણે હૂંકાર કર્યો, ‘લેટ્સ પ્લે અ ગેમ... અ બ્લાઇન્ડ ગેમ...!’

***

સ્પોર્ટ્સ બ્રામાંથી ડોકાઈ રહેલા પોતાના બંને પયોધરોને અર્પિતાએ ક્યાંયે સુધી તાક્યા કર્યું. થર્ટી સીક્ષ? યેસ્સ, ઓલમોસ્ટ! એણે પોતાની આંખો એ રીતે ઢળવા દીધી જાણે કે કોઈક નશો કર્યો હોય. પછી ગરદન ઉંચી કરી, માથું એક તરફ સહેજ નમાવીને પોતાના હોઠ ગોળ કર્યા. એ સાથે જ એક સિસકારો બહાર નીકળ્યો. એના જમણા હાથની આંગળીઓના ટેરવા પોતાના જ કપાળે રમતી લટની છેડતી કરવા માંડ્યાં. બીજી ક્ષણે એ કોમળ ટેરવાં નીચે તરફ સરકીને મીંચાયેલી પાંપણો સહેલાવતા હોઠના ખૂણે એ રીતે અડપલાં કરવા માંડ્યા જાણે કે એક માશુક એની માશુકાને ઉત્તેજિત કરતો હોય! પછી લિપસ્ટિક વગરના ગુલાબી હોઠોને એકબીજાની નજીક લાવી એની ગોળાકાર ગોઠવણી કરીને ‘પાઉટ’ કર્યું. અને એ સાથે જ એ પોતાની અદા ઉપર ખડખડાટ હસવા માંડી અને બબડી, ‘હોટ શોટ!’ પણ જેવી એની નજર એના માદક ચહેરા અને છાતીના ઉત્તેજક ઉભાર વળોટીને કમર ઉપર ઠરી કે એક ઠંડો નિસાસો સરી પડ્યો. પેટ અને કમર ફરતે વધી રહેલા ચરબીના થરને એણે બંને હાથોની મુઠ્ઠીમાં પકડીને ઊંચા-નીચા કર્યાં જાણે કે પોતાને જ ઊંચકીને એ પોતાનું વજન માપી રહી હોય. સામે ઉભેલા વિરાટકાય આયના સામે મોં મચકોડીને એણે પોતાની મજાક ઉડાવવા બદલ ઠપકાર્યો.

આજે સવારે જ અર્પિતાએ ‘ગુજરાત ગાર્ડિયન’ની બુધવારની ‘મિડ-વીક’ પૂર્તિમાં ‘ફ્લેટ-ફિગર’ મેળવવા માટેનો એક રસપ્રદ આર્ટીકલ વાંચ્યો હતો. એ શિડ્યૂઅલ મુજબ કેટલી કેલેરી ‘બર્ન’ કરવી એની મનોમન ગણતરી કરતા એણે ટ્રેડમિલ ભણી પોતાના ભરાવદાર પગ મક્કમતાથી વાળ્યા. એટલામાં એનો મોબાઇલ રણકી ઊઠ્યો. સ્ક્રિન પર નામ ફ્લેશ થયું - ‘સ્વિટહાર્ટ’!

એ રીતસરની ઉછળી પડી. કમરની ચરબીએ આપેલો વજનદાર વજ્રઘાત એ જ ક્ષણે હવામાં ‘બર્ન’ થઈ ગયો.

‘હા...ય, સ્વિ...ટ...હાર્ટ...’ અર્પિતા ચીસ પાડી ઊઠી. સાથે-સાથે બંને પગ ઘૂંટણેથી વાળીને હવામાં એક ઉંચો કૂદકો લગાવ્યો.

‘હે...ય, જા...ન...’ સામેથી એ જ લહેકામાં એક માદક અવાજ ઝીલાયો.

‘સે ના... વ્હેર બીન યુ લોસ્ટ?’ અર્પિતાએ પૂછ્યું.

‘ટ્રાવેલિંગ, બેબી... યુ નો ને, આઇ તો જસ્ટ લવ રોમિંગ...’

‘ય્યાર, આઇ તો ફેડ-અપ વિથ આ વેઇટ-લોસ... ઓહ્હ, ગોડ ડેમ!’ અર્પિતાએ થોડી ક્ષણો પહેલાં જ આયનાએ એને બતાવેલી ચરબીયુક્ત હકીકત ફોન પર ઠાલવવાનું શરુ કર્યું.

‘આં...હા...હાં...હા... આં...હા...હાં...હા...’ સમો છેડો ગણગણી ઊઠ્યો, ‘મુસ્કાન ઝૂઠી હૈ... પહેચાન ઝૂઠી હૈ... રંગીની હૈ..’

‘હ્હાયે, સ્વિટહાર્ટ! યુ તો વેરી હેપ્પી ટુડે, હમ્મ્મ! કોઈ બોયફ્રેન્ડ મળી ગયો?’ અર્પિતાએ પૂછી જ લીધું.

‘ઓ જા...ન!’ સામો છેડો કાનમાં ફૂસ્ફૂસાવતો હોય એમ ધીમેથી બોલી ઊઠ્યો, ‘બોયફ્રેન્ડ જ બનાવવો હોય તો તારો હબી ક્યાં દૂર છે!’

‘અચ્છા, લીસન ના... યાદ આવ્યું... તે દિવસે કેમ તેં મારા માથામાં ખોસેલું સફેદ ગુલાબનું ફૂલ અને ઓર્કીડનો બૂકે મારી પાસેથી છીનવી લીધાં હતાં?’

‘તારા અરમાન ઉપર પાણી ફેરવવા... એને રીઝવવા, બેબી!’

‘સા...લી, તું સીધ્ધી જ રહેજે, નહિ તો...’ અર્પિતા એક ક્ષણ રોકાઈ. પછી ઢીલા પડી ગયેલા અવાજે કહ્યું, ‘...એમ પણ અરમાન ઘણા વખતથી મારાથી ઉખડેલો ઉખડેલો રહે છે!’ અર્પિતાએ પોતાની આંગળીથી આંખોના ખૂણા સાફ કરવાની કોશિશ કરી. ‘ઓક્કે, યુ લીવ ના... વ્હેર આર યુ એ બોલ!’

‘માઉન્ટ આબુ!’

ત્યાં જ ઓચિંતું... ખ...ણ...ણ...ણ... અવાજ સાથે દીવાલ સાથે જડાયેલો વિરાટકાય આયનો તૂટી પડીને ચૂરેચૂરા થઈ ગયો.

એક ધ્રાસ્કાથી અર્પિતાના હાથમાંથી મોબાઇલ સરકીને ફ્લોર ઉપર પટકાયો અને ડીસ્કનેક્ટ થઈ ગયો. એણે પાછળ ફરીને જોયું તો એના મોંમાંથી એક તીણી ચીસ નીકળી ગઈ. એનું શરીર કંપવા માંડ્યું. એના કપાળ પર ફૂટી રહેલી પરસેવાની તાજી ધાર એના હાંફી રહેલાં ઉરોજોની અંધારી ગલીમાં ગરકાવ થઈ જવા માટે બેબાકળી થઈ ઊઠી. માથાથી પગ સુધી કાળા કપડામાં ઢંકાયેલો એક વ્યક્તિ ઝડપભેર ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. મોં ઉપર પહેરેલા માસ્કથી ચહેરો આખો ઢંકાયેલો હતો. ફક્ત એની બિહામણી આંખો એક ભય બયાન કરી રહી હતી કે એની પોતાની ઉપર એક અણધાર્યો હુમલો થયો હતો. એના જમણા હાથના કાંડામાંથી લોહી નીકળી રહ્યું હતું. એ પોતાનો લોહી નિગળતો હાથ ઝાટકતો અને બીજા હાથે એને દબાવતો અર્પિતાના કમરામાંથી બહાર તરફ ભાગી રહ્યો હતો.

ખૂલ્લા રહી ગયેલા મોં અને ગૂંગળાઈને ગળામાં ફસાઈ ગયેલી ચીસ સાથે અર્પિતા થરથર ધ્રૂજી રહી હતી. એ જ અવસ્થામાં એની વિસ્ફારિત થઈ ઊઠેલી આંખો ફ્લોર ઉપર ફેલાઈ ગઈ. જે થોડી ક્ષણો પહેલાં એના મેદની મજાક ઉડાવી રહ્યો હતો એ વિશાળ આયનો નાના-નાના ટુકડાઓમાં વિસર્જિત થઈને લાચાર હાલતમાં પડ્યો હતો. ક્ષણ પલટાઈ અને વિરાટતાની કેવી સૂક્ષ્મ હાલત! એના સુન્ન મારી ગયેલા દિમાગે તાળો મેળવવાનો પ્રયાસ કર્યો... જ્યાં ક્યારેક આ આયનો અડીખમ ઊભો હતો એ દીવાલમાં એક નાનું કાણું પડી ગયું હતું. કશેકથી બંદૂકની ગોળી ચાલી હોય એવું અનુમાન લગાવી શકાય. અને એ ગોળી પેલા નકાબપોશના કાંડાને ઘસરકો પાડતી સીધી દીવાલમાં ઘૂસી ગઈ હતી. નકાબપોશના રક્તથી રંજીત થઈ ઊઠેલી કાચની કરચો પાસે ફ્લોર ઉપર એક ખંજર પડ્યું હતું... કાચનું પારદર્શક ખંજર!

(ક્રમશઃ)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------

(બ્લાઇન્ડ ગેમ : ભાગ-૭ વાંચવાનું ચૂકશો નહિ.)