Pratiksha - 17 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા ૧૭

“જે બદામી આંખોએ તારી પાસેથી પ્રેમ કરવાનો હક છીનવી લીધો એ બદામી આંખો મીચાવી તો તારા હાથે જ જોઈએ ને... એ આશિકને તારે તારી આંખે મરતા નથી જોવાનો, તારે જ મારવાનો છે. ઉર્વિલને મારવાનો હક ખાલી તને છે.” આટલું કહી રઘુની ઉઘાડી છાતી પર હાથ રાખી તેણે ઉમેર્યું,
“અહિયાં, એકઝેટ અહિયાં ગોળી મારજે એને, જે દિલમાં રેવા રહી છે ને... એ દિલના ફુરચેફુરચા બોલાવી નાખજે તારા હાથે જ...” બંદિશનો અવાજ કાંપી રહ્યો હતો. તેની આંખોમાં ઉપસી રહેલી લાલાશ જોઈ રઘુ પણ કંઈ જવાબ આપવા ના રહ્યો
“બંદિશ, તને શું કામ આટલી નફરત થઇ ગઈ એનાથી?? તું તો ઓળખતી પણ નથી એને...” બંદિશના બન્ને ખભા પકડી સહેજ ગભરાહટ સાથે રઘુ બોલ્યો
બંદિશ જોઈ રહી રઘુ સામે લાલઘુમ આંખે અને પછી તેની નજીક આવતા બોલી
“તને સૌથી વધારે કયું ફુલ ગમે?”
“હેં... અં... ગુલાબ...” રઘુ કંઇજ સમજ્યા વિના જે મગજમાં આવ્યું તે બોલી ગયો
“એને તારી આંખો સામે મુરજાતા જોયું છે??”
“સીધી વાત કરને બંદિશ... આ ફુલને એને મુરઝાતા જોવું ને એ બધું મને ના સમજાય...” રઘુ સહેજ ચીડાતા બોલ્યો
“એ ઉર્વિલના લીધે મેં તને રાત દિવસ હેરાન થતા જોયો છે... એને હું ક્યારેય માફ ના કરી શકું. તું મારું બધુય છે રઘુ.” બંદિશનો અવાજ અચાનક જ ઉંચો થઇ ગયો
“રઘુ ખબર નહિ કેટલા લોકોના લોહીથી મારા હાથ રંગાયેલા હશે પણ તારા ચેહરા પરથી રોનક છીનવી લેવા વાળાને કંઈ ના કરી શકવું એ મને કઈ હદે સળગાવે છે ને એ તને નથી ખબર... તો સારું એ જ રહેશે કે તું એને ખરાબ મોત માર કે તારો ને મારો બેય નો બદલો લેવાઈ જાય.”
રઘુ જોઈ રહ્યો શાંતિથી બંદિશને અને એની આંખમાં છલકાઈ રહેલા ક્રોધાગ્નીને અને બીજી જ પળે તેણે બાજુમાં પડેલો ફોન ઉઠાવી નંબર ડાયલ કર્યો

“શું હાલે છે ત્યાં?”
“કંઈ નહિ આ સીઝન ટાવરમાં જ છે હજુ સુધી તો બધા”
“ઓકે એ અમદાવાદ તરફ નીકળે એટલે કહેજે હું ભેગો આવીશ...” જવાબની રાહ જોયા વિના જ રઘુએ ફોન કાપી નાંખ્યો અને બંદિશના ખભા પર ઢળી પડ્યો

***

“હેય સોરી અમને લેટ થઇ ગયું...” વેઇટિંગ એરિયાના દરવાજામાંથી એન્ટ્રી લેતા જ ઉર્વા કહાન સામે જોઈ બોલી પડી
“ઉર્વા આટલી વાર હોય??” થોડા કંટાળા અને ગુસ્સાના મિશ્રિત ભાવ સાથે કહાન ફરિયાદ કરી રહ્યો. તે આંખોથી જ ઉર્વા અને દેવને પોતાને ઉર્વિલ સાથે એકલો મુકવા માટે ઠપકો આપી રહ્યો હતો
“સોરી...” ઉર્વા વાત પતાવવાના હેતુથી બોલી
“કંઈ વાંધો નહિ... કામ થઇ ગયું?” અત્યાર સુધી ચુપ રહેલા ઉર્વિલે કહ્યું
“અરે એક્ચ્યુલી અમે ગયા હતા એ ટ્રાન્સપોર્ટવાળા એ તો ના પાડી બધું અમદાવાદ પહોંચાડવાની તો હવે બીજું કંઇક ગોતવું પડશે. હું અત્યારે જોઉં જ છું” દેવ તેના મોબાઈલમાં કંઇક સર્ચ કરતા બોલ્યો
“ચાલો ને એ બધું જોયું જશે પણ આપણે પહેલા ફોર્માલીટીઝ બધી પતાવી લઈએ?” કહાનને ઉર્વિલને અમદાવાદ રવાના કરવાની બહુ ઉતાવળ હતી. તે કોઈની રાહ જોયા વિના લોયરની ઓફીસ તરફ ચાલવા લાગ્યો
ઉર્વા અને દેવ પણ જાણતા હતા કે ઉર્વિલને મુંબઈમાં વધારે રાખવું અને એ પણ ઘરની બહાર રાખવું જોખમી હતું અને હવે સમય બરબાદ કરવાનો કોઈ મતલબ પણ નહોતો.
ઉર્વા, દેવ અને ઉર્વિલ પણ તેની પાછળ દોરવાયા
***
બધી ફ્લેટની ફોર્માલીટીઝ પૂરી કરીને મેઈન દરવાજા તરફ આવતા ઉર્વિલ હજુ વિચારી જ રહ્યો હતો કે આગળ શું કરવું ત્યાંજ તેના કાનમાં વાદળનો અવાજ ગર્જયો. તેની નજર એકએક જ બારીની બહાર ગઈ અને તે ધીમે ધીમે વધી રહેલો વરસાદ જોઈ રહ્યો.
તેના મસ્તિષ્કમાં ૨૩ તારીખની એ સવાર તરવરી રહી
તેની આંખોમાં આછી એવી ભીનાશ ઉતરી આવી. તેના મુખમાંથી સરી પડ્યું
“કમોસમનો વરસાદ...”
ઉર્વાથી અચાનક જ તેની સામે જોવાઈ ગયું. એક ક્ષણ માટે પણ ઉર્વાને ઉર્વિલની દયા આવી ગઈ. અત્યાર સુધી જે મિથ્યા વચનોને તે સત્ય માનતી હતી તે અત્યારે ખોટા પુરવાર થઇ રહ્યા હતા. ના ઈચ્છવા છતાં પણ તે અનુભવી રહી કે ઉર્વિલ કઈ હદે પ્રેમમાં રત હતો રેવાના... તે સમજી રહી હતી કે ખરેખર તો ઉર્વિલનો પ્રેમ ૨૪ કેરેટ સોના જેવો શુદ્ધ હતો.
ઉર્વાએ આંખોથી જ ઉર્વિલને દિલાસો આપવાની કોશિશ કરી પણ તે પહેલા જ તેના કાનમાં કહાનનો સ્વર પડ્યો
“ફ્લાઈટતો નહિ મળે હવે... શું કરીશું??”
“હું રેવાની કાર લઈને જઈશ.” કોઈ કંઇજ કહે તે પહેલા ઉર્વિલે કહી દીધું. આંખોથી સોંસરવો હ્રદયમાં ઉતરતો આ વરસાદ તેના રોમેરોમને સળગાવી રહ્યો હતો. રેવાની યાદમાં તેને દઝાડી રહ્યો હતો
“પણ તેમાં જોખમ છે.” દેવ તરત બોલી પડ્યો
“યેસ ઉર્વિલ, કાર ઘણા ટાઈમથી બંધ છે, સર્વિસ પણ નથી થઇ, રસ્તામાં ગમે ત્યારે બંધ થઇ શકે છે... એના કરતા કાર ટ્રાન્સપોર્ટમાં જ આવી જવા દો. બસ મળી જશે ડાયરેક્ટ અમદાવાદની...” ઉર્વા પણ સમજાવતા બોલી
“ઇટ્સ ઓકે ઉર્વા, પણ હું એ કારમાં જ જઈશ.” ઉર્વિલે દ્રઢ અવાજે કહ્યું
“ઓકે ઉર્વિલ, તમને યોગ્ય લાગે એમ.” કહાન વચ્ચે જ બોલી પડ્યો અને ઉર્વા આંખોથી જ એની સામે ગુસ્સો વરસાવી રહી
“બધો સામાન અને કાર ક્યાં છે?” ઉર્વિલે પણ હવે જવાનું મન બનાવી લીધું
“મારા ઘરે...” દેવ પાસે પણ હવે ઉર્વિલને કારમાં જવા દેવા સિવાય વિકલ્પ નહોતો
“ઓકે તો એક કામ કરીએ હું, પપ્પા અને ઉર્વિલ ઘરે જઈએ. કાર અને સામાન ઉર્વિલને હેન્ડઓવર કરી દઈએ...” કહાન ઉર્વાને સૂચક રીતે કંઇક કહેતા બોલ્યો
“હા, આમ પણ મારે લાઈબ્રેરી જવાનું છે.” ઉર્વા એમજ બોલી પડી અને ઉર્વિલ તેના ચેહરા સામે પથ્થર જેવા ભાવ સાથે જોઈ રહ્યો
“બાય ઉર્વા. આઈ વીશ લાઈફ ક્યારેક ફરી મળાવે...” માંડ ગળેથી આટલું બોલી ઉર્વિલ દરવાજાની બહાર નીકળી ગયો અને દેવ પણ ઉર્વા સામે ઉછળતી નજર નાખી ઉર્વિલ પાછળ દોરવાયો

કહાન પણ નીકળવા જતો હતો પણ ઉર્વાએ સાદ પાડી તેને રોક્યો
“હેય, હું ફોન ભૂલી ગઈ છું... તારો આપને.”
“દર વખતનું છે તારું...” કહાન બનાવટી ગુસ્સો કરીને પેન્ટના પોકેટમાંથી ફોન આપતા બોલ્યો. તે પાછળ ફરવા જ જતો હતો કે ઉર્વાએ તેનો હાથ પકડી તેને ફરીથી રોક્યો
“કહાન...”
“હા...” કહાન પાછળ ફરીને તેની આંખમાં આંખ પરોવતા બોલ્યો
“આઈ લવ યુ” ઉર્વાની ધડકનો એમજ વધી ગઈ હતી
“આઈ લવ યુ સો મચ” ઉર્વાને આલિંગનમાં જકડીને કહાન બોલ્યો અને તેના માથાને ચૂમી સ્મિત ફરકાવતા તે નીકળી ગયો.

***

જુહુ બીચ પર બનેલી પોતાની ફેવરીટ કોફીશોપમાં ઉર્વા કોફીના ઘૂંટ ભરતા ભરતા બુક તો વાંચી રહી હતી પણ ના તેને શબ્દો અસર કરતા હતા કે ના કોફી. ૨ કલાક ઉપર થઇ ગયું હતું ઉર્વિલને મળ્યે પણ હજુ ઉર્વા તેને મસ્તિષ્કમાંથી હટાવી શકી નહોતી.
તે હજી વિચારોના વમળોમાં ઘેરાયેલી જ હતી કે તેની પાસે રહેલો કહાનનો ફોન રણક્યો
“હેલો?”
“હેય ઉર્વા, રચિત બોલું છું, કોલ બેક કેમ ના કર્યો?”
“હા, રચિત બોલને શું હતું? શેનો કોલ બેક?” ઉર્વાને કંઇજ સમજાઈ નહોતું રહ્યું
“અરે ઉર્વિલને બચાવવાની સ્ટ્રેટેજી માટે, બીજું શું?”
“ઉર્વિલે મુંબઈ છોડી દીધું છે. એ સેફ છે હવે...” ઉર્વાને જે મનમાં આવ્યું તે બોલી નાખ્યું
“બેબ, એનું મર્ડર અમદાવાદમાં થશે, અહિયાં નહિ... કહાને તને કીધું નહિ? અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ રઘુભાઈ ભેગા ગયા છે અમદાવાદ...”
રચિતના મોઢે આટલું સાંભળી તેના હોશ ઉડી ગયા પણ તેનું મગજ બમણી ઝડપે ચાલવા લાગ્યું. કોફીનો મોટો ઘૂંટડો ભરી તે અચાનક જ બોલી પડી
“તું અત્યારે જ જુહુ આવ, આપણે અમદાવાદ માટે નીકળીએ છીએ.”

(ક્રમશઃ)