Pratiksha - 19 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા ૧૯

ઘરે આવ્યો ત્યારથી જ કહાન ચુપચાપ હિંડોળે ઝૂલી રહ્યો હતો. દેવે તેને અત્યાર સુધીમાં ત્રણ વખત જમવા માટે બોલાવ્યો પણ તેણે કોઈ જ પ્રત્યુત્તર નહોતો આપ્યો. તે ઘૂંટાઈ રહ્યો હતો મનમાં ને મનમાં. તે જાણતો હતો કે ઉર્વાથી છુપાવીને તે મુર્ખામી કરી રહ્યો છે.
જયારે તેને ખબર પડી કે ઉર્વિલનું ડેથ પ્લાનિંગ અમદાવાદમાં છે ત્યારે તો તેણે ઉતાવળમાં નિર્ણય લઇ લીધો હતો ઉર્વાથી બધું જ છુપાવવાનો પણ હવે તેને પસ્તાવો થઇ રહ્યો હતો
તેને વારંવાર અત્યારે જ જઈને ઉર્વાને બધું કહી દેવાની ઈચ્છા થઇ આવતી પણ હવે બહુ મોડું થઇ ગયું હતું... જો હવે તે ઉર્વાને કંઈ પણ કહેશે તો ઉર્વા તને માફ નહિ કરે તે તેને બહુ સરી રીતે ખબર હતી. પણ ઉર્વાને બહારથી ક્યાંકથી ખબર પડી તો....
ઉર્વાને ઘરે આવીને એટલે જ તેણે ફોન નહોતો કર્યો કે ક્યાંક કંઇક ને બદલે કંઇક બોલી ના જવાય તેનાથી
કહાન બરાબરનો મૂંઝાયો હતો. તેના માથે પરસેવો વળવા લાગ્યો હતો. તેણે ત્યાં હિંડોળા પર બેઠા બેઠા જ રસોડા તરફ ગરદન ફેરવી.
એક ઊંડો શ્વાસ લઇ તે સીધો રસોડામાં જઈ દેવને પાછળથી વળગી પડ્યો

*

રઘુના મનમાં જલ્દી અમદાવાદ પહોંચવાની ચટપટી ઉપડી હતી. તેનાથી હવે વિલંબ નહોતો સેહવાતો એટલે છેલ્લે તેણે જ સ્ટેરીંગ હાથમાં લઇ લીધું. કારમાં ફુલ એ.સી. ચાલુ હોવા છતાં તેની હથેળી પરસેવાથી ભીંજાતી હતી. તેનું ગળું સુકાઈ રહ્યું હતું. તેનું આખું શરીર કોઈ અજાણ્યા ડરથી છટપટતું હતું. રઘુ પોતે પણ નહોતો જાણતો કે કેટલા લોકોનું ખૂન તેના હાથે થયું હતું પણ આજે ઉર્વિલનું ખૂન કરતા તેને સુકુનની સાથે ડરની લાગણી કેમ થતી હતી. તે પોતે જ સમજી નહોતો શકતો કે તેને શું થઇ રહ્યું હતું.
તે કાર ચલાવવામાં જ ધ્યાન આપતો હતો કે તેની નજર દુરથી મદદ માટે રોકતા એક હાથ પર પડી. તે જેમ જેમ તે હાથની નજીક આવતો હતો તેની આંખો વિસ્મયથી પહોળી થતી જઈ રહી હતી. ઉર્વિલનો ચેહરો અત્યાર સુધી તેણે ફોટામાં જ જોયો હતો. અત્યારે ઉર્વિલને સામે જોઈ તે અચંબિત થઇ ગયો હતો
“હે ભગવાન!! આને મરવા માટે સામેથી જ મોકલી આપ્યો!!!” તેનાથી બોલાઈ ગયું. તેના શબ્દો સાંભળતા જ બાજુની સીટ પર ઝોંકુ ખાઈ રહેલા કેશુની નજર સામેની તરફ સ્થિર થઇ.
“એ આ તો ઉર્વિલ છે. આપણે ગોતવાય નહિ જવું પડે તેને હવે... પતાવી નાખો અહિયાં જ...” કેશુ આનંદમાં આવીને બોલી રહ્યો
“શાંતિ રાખ.” રઘુ કરડાકીથી બોલ્યો અને છેટ ઉર્વિલ પાસે જઈને કાર ઉભી રાખી.

કારને ઉભેલી જોઈ ઉર્વિલ ખુશ થતો ડ્રાઈવીંગ સીટ તરફ આવ્યો
“થેંકયુ સાહેબ ગાડી ઉભી રાખવા માટે... મારી કાર બંધ થઇ ગઈ છે. પ્લીઝ તમે થોડી હેલ્પ કરી શકશો?” ઉર્વિલ સહજભાવે બોલ્યો. તેને જરાપણ અંદાજો નહોતો કે તે જેની સાથે વાત કરી રહ્યો હતો એ રઘુભાઈ પોતે જ હતો.
રઘુ આવી રીતે ઉર્વિલ સાથે મુલાકાત નહોતો ઈચ્છતો, તેને આગળ શું જવાબ આપવો એ સમજાતું જ નહોતું. કારમાં બેઠેલા અન્ય ૩ લોકો પણ ઉર્વિલને બખૂબી ઓળખતા હતા. ઉર્વિલને આમ ઉભેલો જોઈ તે ત્રણેય એકબીજાની સામે જોવા લાગ્યા. તે ત્રણેય આંખોથી એકબીજાને કહી રહ્યા હતા કે બસ હવે થોડીક જ મિનીટનો ખેલ છે...
“સાહેબ પ્લીઝ થોડી હેલ્પ કરજોને... રાત પણ બહુ થઇ ગઈ છે.” સામેથી કોઈ જવાબ ના આવતા ઉર્વિલે ફરી કહ્યું
“કેમ ઘરે કોઈ રાહ જોવે છે?” રઘુ બોલેરોની ચાવી બંધ કરતા બોલ્યો
“જી...” ઉર્વિલ પ્રશ્નનો આશય સમજ્યો નહોતો
રઘુ કારનો દરવાજો ખોલી બહાર નીકળ્યો એટલે ઉર્વિલ બે ડગલા હટી ગયો. તેને સમજાઈ નહોતું રહ્યું કે હજી શું થઇ રહ્યું છે.
“રેવા તો રાહ નહિ જ જોતી હોઈ ને...” રઘુ તેની ધારદાર નજર ઉર્વિલ પર નાખતા બોલ્યો. ઉર્વિલને જોરદાર ઝટકો લાગ્યો. રઘુ અંધારામાં તેનો ફીકો પડેલો ચેહરો સ્પષ્ટ ના જોઈ શક્યો પણ તેની ધ્રુજારી તે ચોક્કસ અનુભવી શક્યો.
“ક...ક...કોણ છો તમે?” ઉર્વિલ માંડ બોલી શક્યો
“રઘુભાઈ” રઘુ ઉર્વિલના ડરની મજા લઇ રહ્યો હતો. ઉર્વિલ હવે હેબતાઈ ગયો હતો. એ જ નામ જેણે વર્ષો પહેલા રેવાથી દુર જવાનો રસ્તો આપ્યો હતો...
તેણે ચારે તરફ નજર કરી. રસ્તો સુમસાન હતો. રઘુ તેની બિલકુલ લગોલગ ઉભો હતો. તેના ત્રણ માણસો તેનાથી ચાર જ ડગલાના અંતરે હતા. ઉર્વિલ આ નામથી ડર્યો નહોતો ક્યારેય પણ આજે તે ધ્રુજી રહ્યો હતો. તે હજી સમજી નહોતો શકતો કે રઘુભાઈ કેમ તેની સામે આમ કરી રહ્યા છે...
“શું... શું... જોઈએ છે તમારે?” ઉર્વિલ હિંમતભેર બોલ્યો પણ તેના અવાજમાં તેનો ડર હજુ વર્તાઈ આવતો હતો
“તું...” રઘુએ એક જ ઝાટકે ઉર્વિલનો કોલર ખેંચ્યો અને બીજા હાથે તેને જાપટ મારી છોડી દીધો. ઉર્વિલના કાનમાં તમરા બોલી ગયા. તે હજુ પોતાને સંભાળે તે પહેલા જ રઘુની બીજી જાપટ તેના બીજા ગાલ પર પડી. પાછળથી તેના પગ પર એક લાત પડી અને તે બેલેન્સ ના રાખી શકતા નીચે પડી ગયો. ઉર્વિલ પોતે એમ તો મજબુત હતો પણ રઘુના લોખંડ જેવા હાથની એક થપાટે જ તેને ગોઠણીયા લાવી દીધા હતા
“મેં કર્યું છે શું મને એ તો કહો...” ઉર્વિલ ચિલ્લાઈ રહ્યો. કેશુ અને ગુડ્ડુ ઉર્વિલ પર હાથ સાફ કરવાના મૂડમાં નજીક આવી રહ્યા હતા પણ રધુએ તેને રોકી લીધા. તે આંખથી જ કહી રહ્યો કે ઉર્વિલ પર ફક્ત તે જ હાથ ઉપાડશે અત્યારે. ગુડ્ડુને કેશુ પાછળ હટી ગયા
“તને નથી ખબર? રેવાએ ૨૦ વરસ કઈ રીતે કાઢ્યા છે તારે લીધે... એ તને નથી ખબર?? રઘુએ ઉર્વિલના પગ પર લાત મારતા કહ્યું
“રેવા??” ઉર્વિલ કણસતા બોલ્યો “રેવાને ને તમારે શું?” ઉર્વિલ ઉભો થવાની કોશિશ કરતો હતો પણ રઘુએ તેના વાંસામાં લાત મારી તેને ફરી પછાડી દીધો.
રઘુ પર હવે ધીમે ધીમે જુનુન ચડી રહ્યું હતું. ઉર્વિલના ધૂળથી ખરડાયેલા કપડા વચ્ચે દેખાતી લાલાશ તેને અજબ શાંતિ આપતી હતી.
તેણે ઉભો કર્યો ઉર્વિલને ગળેથી પકડીને અને ફરીથી તેના પર મુક્કાઓથી વરસી પડ્યો. તેના ડાબા લમણેથી લોહી નીકળવા લાગ્યું હતું. તેની એક આંખ પણ સોજી ગઈ હતી
“રેવા...ને લીધે કે..મ મ...ને મારો છો..., જસ્ટ ટેલ મી પ્લીઝ... મેં શું... કર્યું છે...” ઉર્વિલના મોઢામાંથી પણ હવે લોહી વહેવા લાગ્યું હતું તે તૂટક તૂટક અવાજે માંડ બોલ્યો
“રેવા મારો પ્રેમ છે... ને તારે લીધે એ...” રઘુ અડધું જ બોલ્યો અને ફરી જોરદાર મુક્કો ઉર્વિલના ચેહરા પર માર્યો. ગોળીથી વાત પતાવવા કરતા તકલીફ દઈને મારવું રઘુને વધુ ગમતું. જેમ વાઘ દોડાવી દોડાવીને શિકાર કરે તેમજ રઘુને પણ શિકાર કરવો ગમતો અને એટલે જ આટલી વારથી ઉર્વિલને તકલીફ આપી તે ટાઇમપાસ કરી રહ્યો હતો. તેના ત્રણેય છોકરાઓ શાંતિથી ઉભા ઉભા ઉર્વિલને માર ખાતા જોતા હતા. તેમને ખરેખર આ બધાથી કોઈ જ નિસબત નહોતી

ઉર્વિલ રેવા વિષે સાંભળી વઘુ અવાચક થઇ ગયો. તે સમજી ચુક્યો હતો કે આ રઘુભાઈ આજે તેના પ્રાણ લઈને જ રહેશે. તે તેનું મોત સામે જ જોઈ રહ્યો હતો પણ ત્યાંજ તેની આંખોમાં સામે ફુલ સ્પીડમાં આવતી વેગેનારની લાઈટ પડી. તેણે જોયું તો રઘુ પણ તે લાઈટથી અંજાઈ ગયો હતો.
ઉર્વિલ હતી એટલી બધી જ તાકાત ભેગી કરી વેગેનાર તરફ દોડ્યો અને તેના આશ્ચર્ય વચ્ચે જ વેગેનારનું બારણું ખુલ્યું અને ઉર્વિલ તેમાં બેસી ગયો.

*

(ક્રમશઃ)