hati aek pagal - 11 books and stories free download online pdf in Gujarati

હતી એક પાગલ - 11

હતી એક પાગલ..!!:-ભાગ 11

શિવ દ્વારા પોતે આગળ ઘાયલ સાહેબની કોઈ રચના નથી જાણતો એની કબુલાત પછી હવે સભાખંડમાં હાજર સૌ માહી તરફ મીટ માંડીને બેઠાં હતાં..જો માહી ઘાયલ સાહેબની કોઈ રચનાને પ્રસ્તુત કરશે તો આ રાઉન્ડની સાથે આ સ્પર્ધામાં પણ એનાં શિર પર વિજેતાનો સહેરો સજશે એ નક્કી હતું.

બધાં ને એમ હતું કે માહી નક્કી કોઈ ગઝલ સંભળાવશે અને આ સ્પર્ધા જીતી જશે પણ બધાંની ધારણાથી વિપરીત માહી એ ત્રિવેદી સર ને ઉદ્દેશીને કહ્યું.

"સર,હું પણ ઘણાં પ્રયત્ન છતાં ઘાયલ સાહેબની કોઈપણ રચના યાદ કરવામાં અસમર્થ નીવડી રહી છું..એટલે તમે એમ સમજો કે હું પણ હવે આગળ આ રાઉન્ડ ને મારાં તરફથી અહીં જ પૂર્ણ જાહેર કરું છું."

માહી નાં નિવેદન બાદ સભાખંડમાં સોપો પડી ગયો..એક દમ નીરવ શાંતિ વચ્ચે ત્રિવેદી સાહેબે હવે માઈકની કમાન સંભળતાં કહ્યું.

"શિવ ની બાદ માહી એ પણ આ રાઉન્ડને આગળ ધપાવવામાં પોતાની અસમર્થતા બતાવી એનો અર્થ કે આ રાઉન્ડ કોઈ નિર્ણય વગર પૂર્ણ ઘોષિત થયો..જેનો સીધો મતલબ એ નીકળે કે આ સ્પર્ધા ૩-૩ ની બરોબરી પર પૂર્ણ થઈ."

ત્રિવેદી સાહેબ જ્યારે બોલી રહ્યાં હતાં ત્યારે શિવ અને માહી પરસ્પર એકબીજાની તરફ જોઈને મરક-મરક હસી રહ્યાં હતાં.શિવ ને લાગ્યું કે એમની વચ્ચેનો બધો ખટરાગ માહી ની આ સ્મિત ની સાથે હવામાં જેમ કપૂર ઓગળે એમ ઓગળી ગયો હશે.

"તો સર્વે શ્રોતાઓ આપણી સમક્ષ આ સ્પર્ધાનાં બંને સ્પર્ધકો વિજેતા બને છે એવું કહેતાં મને ગર્વ થાય છે..મેં જે પ્રકારની આ સ્પર્ધા વિચારી હતી એનાંથી અનેક ગણી સારી સ્પર્ધા આયોજિત થઈ..જેનું કારણ છે આ બંને સ્પર્ધકો શિવ અને માહી..તો એમનાં માટે તાળીઓ થઈ જાય.."શિવ અને માહી તરફ જોઈને ત્રિવેદી સાહેબે કહ્યું.

થોડીવારમાં પ્રિન્સિપાલ સર સ્ટેજ પર આવ્યાં અને એમને પોતાની તરફથી શિવ અને માહીને 2500-2500 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું.આ સાથે જ વાર્ષિક મહોત્સવ ને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.બધાં બહુ ખુશ હતાં. સ્ટેજ પરથી નીચે ઉતરી માહી પોતાની બીજી સહેલીઓને મળી કોલેજનાં પાર્કિંગમાં રાખેલી પોતાની સ્કુટી તરફ આગળ વધી રહી હતી ત્યાં એનાં કાને એક યુવકનો અવાજ સંભળાયો.

"માહી,ઉભી રે મારે તારી જોડે બે મિનિટ વાત કરવી છે."

માહીએ અવાજની દિશામાં પોતાની નજર ઘુમાવી તો ત્યાં શિવ ઉભો હતો.

માહી એ સવાલસુચક નજરે પહેલાં તો શિવની તરફ જોયું..શિવનાં ચહેરા પરથી એ શું વાત કરવા આવ્યો હતો એ વિશેનો ક્યાસ લગાવતાં માહી એની તરફ આગળ વધી અને બોલી.

"હા,બોલ શિવ..શું વાત કરવી છે..?"

"માહી congratulation.."શિવ માંડ આટલું જ બોલી શક્યો.

"Thanks.. અને તને પણ congratulation.."માહી આટલું કહી પુનઃ પોતાની સ્કુટી તરફ આગળ વધી.

"માહી,ઉભી રે ને..મારે હજુ બીજું કંઈક કહેવું છે.."શિવ દોડીને માહીની જોડે આવ્યો અને વિનંતી નાં ભાવ સાથે બોલ્યો.

"તો બોલ..હું સાંભળું છું.."માહી લાગણીહીન અવાજે બોલી.

"Sorry.. યાર.એ દિવસનાં મારાં વર્તન ઉપર હું ખુબ શરમ અનુભવું છું.મને માફ કરી દે.."કરગરતાં અવાજે શિવ બોલ્યો.

"મેં તને માફ કરી દીધો..હવે મારો પીછો છોડીશ..હું તારી જોડે કોઈ વાત કરવા નથી માંગતી.મને તારાં પ્રત્યે કોઈ જાતની લાગણી નથી.તો મહેરબાની કરી તું તારાં રસ્તે આગળ વધ."માહી રોષ સાથે બોલી.જે હકીકતમાં ખોટો ગુસ્સો હતો એ સમજતાં શિવને વાર ના થઈ.

"હું જાણું છું કે પાંચમા અને છઠ્ઠા રાઉન્ડમાં તને આગળ ની ગઝલ આવડતી હતી છતાં તું બોલી નહીં.બોલ આવું કેમ કર્યું..?"શિવ સવાલ સાથે માહી સમક્ષ ઉભો હતો.

"મને સાચેમાં નહોતી આવડતી કોઈ ગઝલ..અને તું પણ છેલ્લા રાઉન્ડ વખતે ઘાયલ સાહેબની રચના જાણતો હોવાં છતાં ના બોલ્યો એ મને સમજણ પડી ગઈ હતી."માહી બોલી.

"જો તું મારી વાત નથી માનતી કે તું હાથે કરીને પાંચમો અને છઠ્ઠો રાઉન્ડ હારી ગઈ તો હું પણ કેમ માનુ કે હું છેલ્લાં રાઉન્ડ વખતે જાણી જોઈને હાર સ્વીકારવા તૈયાર થઈ ગયો..!"શિવ બોલ્યો.

"Ok.. by.. હું નીકળું.."શિવ થી મોઢું ફેરવી માહી સ્કુટી પર બેસી ગઈ.

"માહી,પ્લીઝ પાંચ મિનિટ..ઉભી રે..પછી તું તારે જતી રહેજે."આગ્રહ કરતાં શિવ બોલ્યો

શિવ ની વાત સાંભળી માહી અદબ વાળી શિવથી મોં બીજી તરફ ઘુમાવી ઉભી રહી,જાણે એને શિવની પડી જ ના હોય.

"માહી હું ફરીવાર તારી સાથે મેં જે પ્રકારનો વ્યવહાર કર્યો એ બદલ તારી માફી માંગુ છું.પણ યાર તને ખબર તો છે કે પપ્પાનાં અવસાન પછી હું એકમાત્ર સહારો છું મમ્મી નો..હું ભણીને સારી જોબ મેળવી મમ્મી ને એ બધી ખુશીઓ આપવા ઈચ્છું છું જેની એ સાચેમાં હકદાર છે.પણ જે દિવસથી હું તારી સાથે મિત્રતા નાં રંગે રંગાયો ત્યારથી મને એવું લાગતું હતું કે હું મારાં અભ્યાસ પર ધ્યાન નહીં આપી શકું.."શિવ પોતાનાં માહી સાથેનાં ખરાબ વ્યવહારનું કારણ જણાવતાં બોલ્યો.

શિવ ની વાત માહી ધ્યાનથી સાંભળી રહી હતી..શિવ જેવો બોલતાં અટક્યો ત્યાં માહી એની તરફ જોઈને બોલી.

"તો તારાં અભ્યાસ માં હું તને ક્યાં નડતી હતી..મેં ક્યાં તને એવું કહ્યું કે તું અભ્યાસ ના કરીશ..ઉલટાનું હું પણ ઈચ્છું છું કે તું યુનિવર્સિટીમાં ટોપ કરે.હું તો તારી મિત્ર બની રહેવા માંગતી હતી પણ તું તો વિના કોઈ કારણે મારાં થી દુર થઈ ગયો..શું જવાનું હતું તારું જો એ મિત્રતા ને એમજ રહેવા દીધી હોત.."

માહી નો રોષમિશ્રિત અવાજ સાંભળી શિવ અનાયાસે જ બોલી પડ્યો.

"પ્રેમ થઈ જાત મને તારી જોડે.."

શિવની વાત જાણે માહી માટે કોઈ આંચકા રૂપી હતી..એ તુરંત બોલી ઉઠી.

"શું કહ્યું..પ્રેમ થઈ જાત..તને મારી જોડે..?"

માહીને હવે બધું વ્યવસ્થિત જણાવી દેવું જોઈએ એમ વિચારી શિવ એક ઊંડો શ્વાસ લઈને બોલ્યો.

"હા માહી..પ્રવાસનાં પ્રથમ બે દિવસ જે રીતે હું અને તું એકબીજાની નજીક આવ્યાં એનાં બાદ હું તારી તરફ આકર્ષાય રહ્યો હતો.તું મને તારો દિવાનો બનાવી રહી હતી.આંખો બંધ કરું તો પણ તું જ મને બધે દેખાતી..હવે તારી વધુ સમય તારી જોડે જો મિત્રતા રાખત તો એ પ્રેમ નું રૂપ ધારણ કરી લેત એવું મને લાગતું હતું..અને આમ થવું ના મારી અને તારી દોસ્તી માટે સારું હતું ના મારાં અભ્યાસ માટે.."

શિવ ની વાત પૂર્ણ થતાં માહી પહેલાં તો એનો નજર ઝુકાવેલો ચહેરો જોતી જ રહી..શિવ કેટલો માસુમ હતો એ એની વાતો પરથી જાણ્યાં બાદ એનો શિવ તરફનો પ્રેમ વધી ગયો હતો. આજકાલનાં બીજાં છોકરાં જો કોઈ છોકરી ખાલી hi બોલે તો સાથે સુવા મળશે ત્યાં સુધીનાં દિવા સ્વપ્નમાં રાચતા હોય છે અને એક શિવ હતો જે પોતાનો એની તરફનો ઝુકાવ સમજી પણ નથી શકતો.

હવે શિવ હિંમત કરી આટલું બોલી જ ચુક્યો હતો તો પોતે પણ એનાં મનમાં શું ચાલી રહ્યું હતું એ વાત શિવ ની આગળ હવે કહી દેવી જ ઉચિત હતી અને એનો યોગ્ય સમય પણ આ જ હતો એમ વિચારી માહી બોલી.

"શિવ,હું કંઈ 3-4 વર્ષની તો છું નહીં કે તારી બુક કે નોટ્સ ફાડી નાંખત.. અને કોને કહ્યું જે પ્રેમ કરે એ સ્ટડી નથી કરી શકતાં..બીજી વાત કે મારે પણ તારી સાથે ક્યાં દોસ્તી રાખવી હતી..હું પણ એવું ઈચ્છતી હતી કે આપણી દોસ્તી થોડી આગળ વધે.."

માહી ની વાત સાંભળી શિવ પહેલાં તો આટલી તંગ પરિસ્થિતિમાં પણ હસી પડ્યો..પણ છેલ્લે જ્યારે માહી એ પણ પોતાનાં તરફથી એમની દોસ્તીને આગળ વધારવાની વાત કરી ત્યારે તો શિવ ને એક ગજબનો સુખદ આંચકો લાગ્યો.

"મતલબ તું પણ મને પ્રેમ કરવા લાગી હતી..?"શિવનાં અવાજમાં આશ્ચર્ય હતું.

"ના હું તો તારું મર્ડર કરવા માંગુ છું..બુદ્ધિ નાં બારદાન હું હવે તને લેખિતમાં આપું કે હું તને પ્રેમ કરું છું.."શિવ નાં માથાં પર ટપલી મારી માહી બોલી.

માહી ની વાત સાંભળી શિવ થોડો શરમાઈ ગયો..માહી જોડે આંખ મેળવવામાં પણ એને શરમ આવી રહી હતી.મંદ મંદ હસતાં હસતાં શિવે ચહેરો ઝુકાવી ને કહ્યું.

"I LOVE U.. માહી.."

'આય..હાય.. શરમાઈ ગયો તું તો..અરે મારે શરમાવું જોઈએ અને શરમાય છે તું..ગજબનો છોકરો શોધી આપ્યો છે ભગવાને મને પણ..શિવ I LOVE YOU TOO.."આટલું કહી માહી શિવને ખુશીમાં આવી ભેટી પડી.

માહી નું આમ પોતાનાં ગળે વળગી જવું શિવ માટે તો જાણે કોઈ નવી જ દુનિયામાં પોતે પહોંચી ગયો હોય એવો અનુભવ મહેસુસ થઈ રહ્યું હતું.એને ડરતાં ડરતાં આજુ બાજુ નજર ઘુમાવી તો 3-4 છોકરાં છોકરીઓ એમની તરફ જોઈ રહ્યાં હતાં.એમને જોઈ શિવે માહી ને ધીરેથી કહ્યું.

"માહી બધાં જોવે છે..આમ આ બધું અહીં ઠીક નથી."

"ભલે જોવે..મેં કોઈ ગુનો થોડો કર્યો છે.પ્રેમ કર્યો છે.અને તું છે ને મને તારી બાહોમાં સમાઈ દે અને આજુબાજુ ડાફેરા માર્યાં વગર આંખો બંધ કરી દે."માહી એ શિવ પર પોતાની પકડ મજબુત કરતાં કહ્યું.

શિવે પણ હિંમત કરી માહી ને પોતાની બાહોમાં જકડી લીધી..જાણે કોઈ વહેતી નદી જઈને પોતાનાં સાહિલ ને મળી હોય એવું મનમોહક દ્રશ્ય સર્જાયું હતું.થોડો સમય પહેલાં એકબીજાનાં કટ્ટર પ્રતિસ્પર્ધી બની લડતાં બે વ્યક્તિ અત્યારે સઘળી દુનિયાને ભુલી એકમેકમાં સમાઈ જવાની હરીફાઈમાં લાગ્યાં હતાં.

ક્યાં જીતવું જોઈએ એ જાણનારો સિકંદર બને અને દુનિયા પર રાજ કરે પણ ક્યાં હારવું જોઈએ એ જાણનાર દિલો પર રાજ કરે છે એ વાત ની સાબિતી શિવ અને માહી એ પોતપોતાનાં હાથમાં આવેલી બાજી ને જાણીજોઈ હારમાં ફેરવીને સાબિત કરી દીધું હતું.

શિવ અને માહી જ્યાં ઉભાં હતાં ત્યાં એક લીમડાનું વૃક્ષ હતું..એજ સમયે એક પવનની લહેરખી આવી અને પાનખરમાં સુકાયેલાં લીમડાનાં પર્ણો શિવ અને માહી ની ઉપર જાણે વરસાદ બની વરસી પડ્યાં..આ દ્રશ્ય જોઈ એવું લાગતું હતું કે કુદરત પણ આ પ્રેમી યુગલ ને પોતાનાં સુભાસીષ આપી રહી હતી..!!

करनी है खुदा से गुजारिश, तेरे प्यार के सिवा कोई बंदगी न मिले

हर जनम में मिले यार तेरे जैसा,या फिर कभी जिंदगी न मिले.!!

**************

પોતાનાં શિવ તરફનાં પ્રેમ ની શરૂવાત ની મીઠી યાદો ને માનસપટલ પર લાવી માહી નિરાંતે સુઈ ગઈ..ઊંઘમાં પણ એનાં ચહેરાનું સ્મિત એ વાત ની સાબિતી આપી રહ્યો હતો કે અત્યારે જે માહી શિવની યાદો અને નામ માત્રથી ભાગી રહી હતી ક્યારેક એજ શિવ ની સાથે વિતાવેલાં દિવસો ની સ્મૃતિ કેટલી ખુશનુમા રહી હશે.

આ તરફ શિવ પણ માહી સાથે થયેલાં પ્રેમનાં એકરારનાં પ્રસંદ ને યાદ કરતાં કરતાં સુરત થી અમદાવાદ આવી પહોંચ્યો હતો.ઘરે આવીને શિવે પોતાનાં સેટેલાઇટ સ્થિત ટેનામેન્ટ પર પહોંચી ગાડીને પાર્કિંગમાં પાર્ક કરી.રાત નાં દોઢ વાગી ગયાં હોવાથી એ સીધો પોતાનાં રૂમમાં ગયો અને કપડાં બદલીને સુઈ ગયો.

માહી ઉર્ફે રાધા સવારે પોતાની ઓફિસ જવા નીકળી ત્યારે આરોહી ઘરે જ હતી..એ આજે પોતાની તબિયત થોડી ખરાબ હોવાથી પોતે કોલેજ નથી જવાની એવું એને માહી ને કહી દીધું હતું.માહી એને આરામ કરવાની હિદાયત આપીને નીકળી ગઈ.

માહી નાં જતાં જ આરોહી સીધી એનાં ઓરડામાં ગઈ.આરોહી ની તબિયતને તો કંઈ નહોતું થયું પણ હકીકતમાં આજે એ માહી સાથે જોડાયેલી અમુક હકીકતો ને જાણવા માંગતી હતી જે અત્યાર સુધી માહી પોતાનાથી છુપાવી રહી હોવાનું એને લાગી રહ્યું હતું.

આરોહીનાં આવું કરવા પાછળ બે કારણ હતાં.. પ્રથમ કારણ હતું માહી નું નામ..જે એને આરોહીને રાધા કહ્યું હતું પણ આરોહી અંદરખાને જાણતી હતી કે પોતાનાં માટે જે રાધા દીદી છે એમનું સાચું નામ માહી છે.એટલે પોતાની સાચી ઓળખાણ રાધા દીદી કેમ છુપાવી રહ્યાં છે એ આરોહીને જાણવું હતું.

બીજું કારણ હતું કાલે અચાનક રાધા દીદી નું એમની સામે શિવ પટેલનું નામ સાંભળતાં જ ગમગીન થઈ જવું..આરોહી માટે માહી નું મહત્વ ઘણું જ હતું..એ એનાં માટે દીદી ગણો તો દીદી અને માં ગણો તો માં બધું જ હતી.આરોહી સુરતમાં રહીને બેફિકર બની ભણી શકી છે એનું કારણ માહી જ હતી.

તુષાર એની જીંદગીમાં આવ્યો ત્યાં સુધી એની દરેક નાની મોટી જરૂરિયાત ને માહી એ મોટી બેન બની પુરી કરી હતી..એટલે એમનું દુઃખ પોતાનું દુઃખ છે એવું આરોહી મનોમન માનતી..રાધા દી પોતાને તો એ દુઃખ નું કારણ કહેવાનાં નથી એટલે પોતેજ આજે તો જાસુસ બની રાધા દી ની જીંદગી જોડે જોડાયેલ ભૂતકાળ ને જાણીને જ રહેશે એવો મક્કમ નિર્ધાર કરી આરોહી માહી ઉર્ફે રાધા દીદી નાં ઓરડામાં પ્રવેશી.

પહેલાં તો પોતે માહીની જાણ બહાર એનાં રૂમની તલાશી લેવા જઈ રહી હતી એ વાત આમ તો યોગ્ય નહોતી એવું આરોહી ને લાગ્યું હતું.છતાં રાધા દીદી નો ભૂતકાળ જાણવાની તીવ્ર ઈચ્છા એને આ પગલું ભરવા મજબુર કરી રહી હતી.

આરોહી માહી નાં રૂમમાં પ્રવેશી અને સીધી જ એની અલમારી ખોલીને ઉભી રહી..રાધા દીદીનાં ડોક્યુમેન્ટ ક્યાં રહેતાં એની આરોહીને ખબર હતી અને આ ડોક્યુમેન્ટ જ્યાં રહેતાં એ અલમારીનાં ડ્રોવરની ચાવી પણ ક્યાં રહેતી એનો આરોહીને ખ્યાલ હતો.માહી નાં પલંગ નું ગાદલું ઊંચું કરી એની નીચેથી આરોહીએ અલમારીનાં ડ્રોવર ની ચાવી નીકાળી અને ફટાફટ ડ્રોવર ખોલી દીધું.

ડ્રોવર ની અંદર પાંચેક હજાર રૂપિયા કેશ પડી હતી અને અમુક પ્લાસ્ટિક ફોલ્ડર હતાં જેની અંદર વિવિધ બેંકોની ચેકબુક,પાસબુક પડી હતી.આ ફોલ્ડર ની નીચે એક ઝીપર બેગ હતી જેની અંદર એક પાસપોર્ટ પડ્યો હતો.આરોહીએ અધિરાઈથી એ પાસપોર્ટ કોનો છે એ જાણવાં પાસપોર્ટ ખોલીને અંદર કોનું નામ છે એ વાંચ્યું.

અંદર લખેલું નામ વાંચતાં આરોહી ને જોરદાર આંચકો લાગ્યો..એની અપેક્ષા મુજબ રાધાનું સાચું નામ તો માહી જ હતું પણ માહી ની પાછળ જે નામ લખ્યું હતું એ વાંચી આરોહીને આશ્ચર્ય થયું.

"રાધા દી એ પોતાનું સાચું નામ તો મારાંથી છુપાવ્યું પણ આટલી મોટી વાત પણ એની સાથે છુપાવી.. એનું કોઈ કારણ જરૂર હશે અને હું એ કારણ શોધી ને જ રહીશ.."

★■■■■■■■■★

વધુ આગળનાં અધ્યાયમાં.

દોસ્તો આ નવલકથા માં મેં મારી પોતાની કવિતાઓ સાથે ઘણાં ગુજરાતી,હિન્દી અને ઉર્દુ નાં શાયરો અને કવિઓની કવિતાઓ અને શાયરીઓનો પણ રસાળ રીતે ઉપયોગ કર્યો છે.આ બધાં મશહુર શાયરોને આ લઘુનવલ દ્વારા હું શબ્દાંજલી આપવાની કોશિશ કરી રહ્યો છું.

વાંચક મિત્રો ને આ નવલકથા વાંચવી ખુબ જ પસંદ આવશે એવી મને ખાતરી છે..જો પ્રેમ કર્યો હોય અને દિલ તૂટ્યું હોય તો પછી આ નોવેલ ફક્ત તમારાં માટે લખાઈ છે એ નોંધવું રહ્યું.તમે તમારો કિંમતી અભિપ્રાય મારાં whstsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

~જતીન.આર.પટેલ (શિવાય)