Micro fiction - 1 books and stories free download online pdf in Gujarati

માઇક્રો ફિક્શન - 1

     એક નવા પ્રકારની વાર્તા ઓ લખવાનો પ્રયાસ કર્યો છે, આશા છે કે વાચકોને ગમશે.વાંચીને આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો. 

 (૧) ચહેરા પાછળ ચહેરો  =

         માલતી એટલે સમાજસેવિકા તરીકે નો જાણીતો ચહેરો,દહેજ,બેટી બચાવો, ઘરેલું હિંસા જેવા વિષયોના વિરોધમાં તેજાબી ભાષણ આપવા માટે અને આવા અપરાધીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં તેનુ નામ હતું. 

       આજે સવારથી જ તેની તબિયત સારી ન હોવાથી સાંજે એપોઇન્ટમેન્ટ લઇ શહેરના મોટા ડોક્ટરને મળવા ટાઇમસર  પહોચી ગઇ.
         ડોક્ટર પણ ઓળખીતા જ હતા, એટલે તરત જ અંદર બોલાવી લીધી,ચેક અપ કરીને ડોક્ટરે પ્રેગનન્સી ના ગુડ ન્યૂઝ આપ્યા.
           પણ આ બે દીકરીઓ પછી આ ત્રીજી વાર હતું  એટલે તરત જ માલતીએ લિંગ પરિક્ષણ માટે દસ હજાર નું કવર ટેબલ નીચેથી એ મોટા ડોક્ટરને પધરાવી દીધું.

       ( ૨)   કલંકિનિ  =  

         સમાજ અને પડોશી ઓ તો ઠીક પણ પોતાના જ મા -બાપ તેનો વાંક કાઢી રહ્યા હતાં. 

        રાજ તેનો ફિયાન્સ તેની જીદ અને મા ની મંજૂરી થી જ તે રાતના શો માં મૂવી જોવા ગઇ હતી.માએ જ આગ્રહ કરી કરીને તેને જાતે સરસ તૈયાર કરી હતી.
          મૂવી જોઈ પાછાં ફરતાં રસ્તામાં ચારેક મવાલીઓ એ તેમને આંતરી લીધા, રાજ તો તેને  અને બાઇકને મુકીને તરત જ ત્યાંથી ભાગી નિકળ્યો.
           અને એ ગોઝારી રાતે તેના ઘરેણાં ની સાથે સાથે તેનુ શિયળ પણ લુટાંઇ ગયું.
         બીજા જ દિવસે રાજે સગાઇ ફોક કરી અને દોષનો ટોપલો તેના માથે નાખી દીધો.તેની મા પણ તેને જ કોશતી જઈ રડી રહી હતી.સમાજ તેને કલંકિત માની તેના પર થૂ થૂ કરી રહ્યો હતો.
             પાપ કરનારા આરામથી ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા હતા અને તે ઘરના એક ખૂણામાં બેસીને શૂન્યાવકાશ માં તાકતી વિચારી રહી હતી કે પોતે કલંકિનિ કઇ રીતે?

      (૩) બળાત્કાર   =

         દવાખાનામાં બેશુધ્ધ પડેલી તે હજુ ય દદૅથી કણસી રહી હતી, ક્યારેક કઈક યાદ કરીને બચાવો બચાવોની ચીસ પાડી ઉઠતી ,તો ક્યારેક છોડી દેવાની વિનવણી કરતી રડી પડતી. 

           તેના મમ્મી પપ્પા અને ભાઇ બધા જ ત્રણ ત્રણ દિવસથી તેની આ હાલત જોઈને રડતા હતા.
           કેટલા અરમાનો સાથે હજુ તો વરસ પહેલાં જ બહેનની વિદાય કરી હતી અને પોતે એની રાખડીનુ ઋણ ન ચૂકવી શકયો, એક ભાઇ પોતાની જાતને ધિક્કારી રહ્યો.
            માતા-પિતા પણ પોતાની લાડલીની આ દશા જોઈ એક પૈસાદાર પિતાના વંઠેલ દીકરા સાથે તેના લગ્ન કરવાના
પોતાના નિણૅય પર પસ્તાઇ રહ્યાં.
           અને જીવન-મરણ વચ્ચે  ઝોલાં ખાતી પોતાના જ પતિ દ્વારા પાશવી બળાત્કાર નો ભોગ બનેલી દીકરીની જીંદગી માટે ભગવાનને વિનવણી કરી રહ્યા.

     (૪) ભિખારી   =  

         બિન્દાસ બેફિકર રીતે રાહુલ રસ્તા પર ચાલી રહ્યો હતો ત્યાં જ અચાનક કંઇક યાદ આવતા જ બેસ્ટ ફ્રેન્ડ એવા યોગેશને ફોન કર્યો અને એક હજાર રૂપિયા માંગ્યા. 

        યોગેશે તરત જ તુ પરત તો આપતો નથી કહી ઇનકાર કરી દીધો અને ઉપરથી સંભળાવી પણ દીધુ કે રખડવા કરતા કોઈ કામ કરતો હોય તો.
         હવે બીજા કોને પૂછવું એ વિચારતો હતો ત્યાં જ કંગાળ અને  ભૂખથી દુબળો પડી ગયેલા શરીર વાળો ભિખારી આવી લાગ્યો અને કંઇક આપવા માટે વિનવણી કરી તેણે હડસેલો મારી તેને દૂર કર્યો, તેને ભિખારીઓની સખત ચીડ હતી.

    (૫) ભૂખ =

           આ બીજી વાર એવું બન્યું હતું કે સમજુ બા ને આલિશાન એવા 'માતૃકૃપા' બંગલા ને તાળુ મારી બહાર ગેલરીમા રહેવા મૂકી ને તેમના ડૉક્ટર એવા દીકરો વહુ દસ દિવસ માટે બહાર ફરવા ગયા હતા.
           વહુએ એક નાના ડબ્બામાં તૈયાર ભાત ભરી આપ્યા હતા, અને એક માટલી પાણી, એનાથી ચારેક દિવસ તો ચલાવ્યું પણ હવે ભુખ સહન નહોતી થતી.
         આખી જિંદગી સ્વાભિમાન પૂવૅક જીવેલા, કોઇ પાસે ખાવાના માટે હાથ લંબાવે તો પોતાના દિકરા ની પણ ઇજ્જત જાય.
          બીજા બે દિવસ તો ભુખથી  ટળવળતા કાઢી દીધા, પણ આજે હવે ભુખ જીતી અને સમજુબા હારી ગયા.સંતોષ સાથે તેમની આંખો બંધ હતી કેમકે હવે ક્યારેય ભુખ નહોતી લાગવાની.