Beiman - 8 books and stories free download online pdf in Gujarati

બેઈમાન - 8

બેઈમાન

કનુ ભગદેવ

પ્રકરણ - 8

પોલીસનો બાતમીદાર !

ઇન્સ્પેક્ટર વામનરાવ પોતાની ઓફિસમાં બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો.

‘નમસ્તે સાહેબ...’ અચાનક બારણાં પાસેથી અવાજ આવ્યો.

વામનરાવે ફાઈલમાંથી માથું ઉચું કરીને જોયું તો બારણાં પાસે આશરે પચાસેક વર્ષની ઉંમરનો એક આધેડ ઉભો હતો.

વામનરાવ આગંતુકને સારી રીતે ઓળખતો હતો. એનું નામ ભજનલાલ હતું. અને તે પોલીસનો બાતમીદાર હતો. પોલીસને ઉપયોગી નીવડે એવી કોઈ બાતમી મળે ત્યારે તે પોલીસ હેડકવાર્ટરે પહોચી જતો. એને વામનરાવ સિવાય બીજા કોઈ પર ભરોસો નહોતો. એટલે મોટે ભાગે તે એને જ બાતમી આપતો હતો. વામનરાવ ગેરહાજર હોય તો જ બીજા ઓફિસરો પાસે જતો. બાતમી આપવાના બદલામાં તેને યોગ્ય વળતર પણ પોલીસખાતા તરફથી ચૂકવવામાં આવતું હતું.

‘આવો ભજનલાલ ...બેસો...!’ વામનરાવે કહ્યું.

‘અત્યારે બેસવાનો સમય નથી સાહેબ ...!’ ભજનલાલ ગંભીર અવાજે બોલ્યો, ‘જલ્દી કરો નહીં તો રુસ્તમ છટકી જશે.’

‘એટલે ..?’ વામનરાવે ખુરશી પર ટટાર થતાં પૂછ્યું.

‘સાહેબ, પોલીસ શિકારી કૂતરાની જેમ શોધે છે એવું મને જાણવા મળ્યું છે. મેં રુસ્તમને હમણાં થોડી વાર પહેલા જ શંકર-પુરામાં જોયો હતો.’

‘ખરેખર...?’ તમારી કોઈ ભૂલ તો નથી થઈને ?’

‘ના, સાહેબ? અગાઉ ક્યારેય ભૂલ થઇ છે ખરી કે આજે થાય? મેં તેને શંકરપુરામાં રહેતા નારંગ પહેલવાનના ઘરમાં દાખલ થતો જોયો છે. એને જોતાં હું તરત જ ટેક્સીમાં બેસીને અહી આવવા માટે રવાના થયો. પુરા અઢાર રૂપિયા ટેક્સી ભાડું આપ્યું છે.’

‘રુસ્તમને નારંગ સાથે શું સબંધ છે?’

બને ગાઢ મિત્રો છે સાહેબ!’

‘ઓહ...!’

‘હવે જલ્દી કરો સાહેબ! મોડું કરવામાં સાર નથી. જોકે તે આખી રાત નારંગને ત્યાં જ રોકાશે તેવી આશા છે., પણ છતાંય આપણે શા માટે બેદરકારી રાખવી જોઈએ?’

‘તારી વાત સાચી છે...!’ વામનરાવ ઉભો થઈને બારણાં તરફ આગળ વધતાં બોલ્યો, ‘ચાલો...!’

ઉતાવળા પગલે તે જીપ પાસે પહોચ્યો.

ભજનલાલને દોડીને તેની સાથે થવું પડ્યું.

વામનરાવે કમ્પાઉન્ડમાં ઉભેલા બે સિપાઈઓને સાથે લીધા. પછી એ ડ્રાયવીંગ સીટ પર બેસી ગયો. વળતી પળે એણે જીપ સ્ટાર્ટ કરીને શંકરપુરા તરફ દોડાવી મૂકી.

પંદર મીનીટમાં જ જીપ શંકરપુરામા પહોચી ગઈ.

ભજનલાલ તેને નારંગના ઘરનો માર્ગ બતાવવા લાગ્યો.

બે મિનીટ પછી જીપ નારંગના ઘર સામે પહોચીને ઉભી રહી.

વામનરાવ તથા બંને સીપાઈઓ તાબડતોબ જીપમાંથી કુદી પડ્યા. જયારે ભજનલાલ આરામથી નીચે ઉતર્યો.

વામનરાવે બારણાં પર ટકોરા માર્યા.

થોડી પળો બાદ એક ભારે ભરખમ દેહ ધરાવતા માણસે બારણું ઉઘડ્યું.

એના પહેલવાન જેવા શરીરના બાંધાથી તે નારંગ હોવો જોઈએ એવું અનુમાન વામનરાવે કર્યું.

પોલીસને જોઇને તે એકદમ ગભરાઈ ગયો હોય એવું લાગતું હતું. ભયથી તેનો ચહેરો સફેદ થઇ ગયો હતો.

‘તારું નામ જ નારંગ છે?’ વામનરાવે રુઆબભેર પૂછ્યું.

‘જ ...જી...હા...’ એણે જવાબ આપ્યો.

‘રુસ્તમ અંદર છે?’

‘રુસ્તમ...?’ નારંગ થોથવાયો.

‘હા, રુસ્તમ...!’ વામનરાવે કઠોર અવાજે કહ્યું, ‘તારો મિત્ર!’

‘હા..હા...છે...!’

‘તું એને બહાર બોલાવે છે કે પછી મારે અંદર આવવું પડશે?’

‘હું એને બહાર જ બોલવું છું.’

‘જા ...જલ્દી બોલવ!’

નારંગ હકારમાં માથું હલાવીને અંદરના ભાગમાં ચાલ્યો ગયો.

થોડી પળો બાદ તે એક દુબળા-પાતળા માણસ સાથે બહાર આવ્યો. એની સાથે આવેલો માણસ રુસ્તમ જ હતો. એના ચહેરા પર ભય અને ગભરાટના હાવભાવ છવાયેલા હતા. એની ઉંમર આશરે પાંત્રીસેક વર્ષની હતી. લંબોતરા ચહેરા પર બંને ગાલનાં હાડકાં ઉપસી આવ્યા હતાં. એની સર્પ જેવી ઝીણી આંખો અંદર ઘસી ગઈ હતી. ધુમ્રપાનથી કાળા પડી ગયેલા હોઠ પર પાતળી મૂછ હતી.

‘બોલ, ભાઈ રુસ્તમ ...કેમ છે?’ વામનરાવે કટાક્ષભરી નજરે તેની સાથે જોતાં પૂછ્યું

‘ઠ...ઠીક છે સાહેબ!’ રૂસ્તમે થોથવાતા અવાજે જવાબ આપ્યો.

‘આજકાલ તું ક્યાં ગુમ થઇ ગયો છે? હું તો કેટલાય દિવસથી તારા દર્શન કરવા માટે અહીં સુધી લાંબા થવું પડ્યું. પણ હવે મને લાગે છે કે અહીં હું નિરાંતે તારા દર્શન નહીં કરી શકું એટલે મારા ભાઈ, તારે મારી સાથે પોલીસ હેડકવાર્ટરે આવવું પડશે. ત્યાં પહોચીને હું નિરાંતે તારા દર્શનનો લાભ લઈશ. વામનરાવનાં એક એક શબ્દમાંથી કટાક્ષ નિતરતો હતો, ‘બોલ, આટલા દિવસ સુધી તું ક્યાં હતો?’

‘ઇન્સ્પેક્ટર સાહેબ!’ રુસ્તમ થોથવાતા અવાજે બોલ્યો, ‘હું એક સગાને ત્યાં બહારગામ ગયો હતો.’

‘સગાને ત્યાં?’

‘હા...કંઈ વધો નહીં .’ વામનરાવ ગંભીર થતાં બોલ્યો, ‘મારી સાથે હેડકવાર્ટરે ચાલ. હું તને થોડી પૂછપરછ કરવા માગું છું.’

‘પૂછપરછ?’ રૂસ્તમે મુઝવણભરી નજરે તેની સામે જોતાં પૂછ્યું.

‘હા...હવે મોડું ન કર ...! ચાલ !’

‘પણ સાહેબ, મેં તો કંઈ નથી કર્યું તો પછી આપ મને કંઈ બાબતમાં પૂછપરછ કરવા માગો છો?’ રૂસ્તમે ભયભીત અવાજે પૂછ્યું.

‘મારી સાથે હેડકવાર્ટર ચાલ એટલે બધું સમજાઈ જશે.’

‘પણ સાહેબ...’

‘સીધી રીતે આવે છે કે પછી...’ વામનરાવે પોતાની વાત અધુરી મૂકી દીધી.

રૂસ્તમે હકારમાં માથું હલાવ્યું.

પાંચ મિનીટ પછી ફરીથી વામનરાવની જીપ રુસ્તમ સાથે પોલીસ હેડકવાર્ટર તરફ આગળ વધતી હતી.

***

અમિતકુમારના ગયા પછી ખાન, દિલીપ તથા શાંતા ફરીથી વાતો કરવા લાગ્યા.

‘દિલીપ...!’ અચાનક ખાને કહ્યું,’ આ કેસ તો વધુ ને વધુ ગુંચવાતો જાય છે ‘

‘કેવી રીતે ?’ દિલીપે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતા પૂછ્યું.

‘હવે આ અમિતકુમારની જ વાત લે ! એના કહેવા મુજબ જે રાત્રે ચોરી થઇ, એ રાત્રે એણે કલ્યાણીને ફોન નહોતો કર્યો. જયારે, ફોન પર અમિત તથા માધવીનાં લગ્નની વાત સાંભળીને પોતાના પર આઘાતનો હુમલો થયો હતો. એમ કલ્યાણી કહે છે. આ બંનેમાંથી સાચું કોણ? જો અમિતકુમારની વાત સાચી માનીએ તો ચોરી અને ખૂનમાં કલ્યાણીનો હાથ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. બીજા અર્થમાં કહું તો એણે પોલીસને અવળે માર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. ચોરી અને ખૂનનો બનાવ રાત્રે એક અને બે વાગ્યાની વચ્ચે બન્યો છે. એટલે જ એણે પોતાના પર આઘાતનો હુમલો બાર વાગ્યે થયો હતો. એવું જણાવ્યું છે. દિલીપ, એના પર આવો કોઈ હુમલો ન થયો હોય અને તે થવાનું નાટક કરીને હોસ્પિટલમાં દાખલ થયો હોય એવું પણ બની શકે છે.’

‘બનવાજોગ છે કે તારું અનુમાન સાચું પણ હોય !’ દિલીપ ગંભીર અવ્વજે બોલ્યો, આ બાબતમાં કલ્યાણીની પત્નીને પણ કંઈ પૂછવું નકામું છે. કારણકે એ તો, કલ્યાણીએ પઢાવ્યું હશે એવા જ જવાબ આપશે.’

ખાને ધીમેથી માથું હલાવ્યું.

‘ડોક્ટર મહેતા પાસેથી પણ કંઈ આશા રાખી શકાય તેમ નથી. કદાચ, કલ્યાણી પોતાની હોસ્પિટલમાં અઢી વાગ્યે દાખલ થયો હતો એમ તે કહે તો પણ એનાથી કોઈ લાભ થાય તેમ નથી. કારણકે આના જવાબમાં તે એવો જવાબ આપશે-ભાઈ, તમારી બધી વાત સાચી. હું અઢી વાગ્યે જ હોસ્પિટલમાં દાખલ થયો હતો. મારા પર અવારનવાર આવા હુમલાઓ થવાને કારણે તેમાં તાત્કાલિક રાહત મળી જાય એવી દવા હું મારી સાથે જ રાખું છું. એ રાત્રે –અર્થાત ચોરી થઇ, એ રાત્રે હુમલો થયા પછી મેં તાત્કાલિક રાહત માટે દવા પી લીધી હતી. મને બે-અઢી કલાક આરામ કર્યા બાદ મહેતા સાહેબની હોસ્પીટલમાં દાખલ થયો હતો. ખાન, જો તે આવો જવાબ આપે તો આપણે એને શું કરી લઈએ?

‘કઈ જ ન થઇ શકે?’

‘ખેર, અમિતકુમાર ખોટું બોલતો હોય એવું પણ બની શકે છે. કદાચ એણે ખરેખર જ કલ્યાણીને ફોન કર્યા હોય એ બનવાજોગ છે.’

‘પણ એને ખોટું શા માટે બોલવું પડે?’

‘એનાં ઘણા કારણો હોઈ શકે છે. માધવીને કલ્યાણી સાથે સંબંધ હતો, એની તો તેણે ખબર જ હતી. આ કારણસર કલ્યાણી પ્રત્યે ઈર્ષ્યા રાખીને તેણે આ કેસમાં સંડોવવા માંગતો હોય એવું ન બને? જોકે એક બીજી વાત પણ હોઈ શકે છે.’

‘કઈ વાત?’ ખાને પૂછ્યું.

‘કદાચ અમિતકુમારે પોતે જ માધવીની સાથે મળીને ચોરી કરી હોય તથા ચોરીની રકમ એકલા જ હજમ કરી જવા માટે માધવીનું ખૂન કરી નાંખ્યું હોય એવું પણ બની શકે છે.’

‘તો હું એક કામ કરું છું....!’ ખાન ધુંધવાઇને બોલ્યો.

‘હું મોતીલાલથી માંડીને અમિતકુમાર સુધી આપણા લીસ્ટમાં જેટલા શંકાસ્પદ માણસો છે, એ બધાને પકડીને તેમના પર ચૌદમું રતન અજમાવું છું. સાચો ખૂની અને ચોર આપમેળે જ પોતાનો ગુનો કબૂલ કરી લેશે.

‘ખૂની તો પોતાનો ગુનો કબુલ નહીં કરે...!’ દિલીપે હસીને કહ્યું, ‘પણ આવું પગલું ભરીને તું જરૂર તારી નોકરીથી હાથ ધોઈ બેસીશ! અને ત્યારબાદ તારે હેડકવાર્ટરની સામે જ પાનની દુકાન ખોલવી પડશે.’

‘જો એવું થાય તો તું શું કામનો છે? શું તું મને મદદ નહીં કરે? બીજું કંઈ ન કરે તો કંઈ નહીં, પણ કમ સે કમ મહિને દોઢ-બે હજાર રૂપિયા પગાર મળે એવી કોઈક નોકરી તો અપાવી દઈશને?’

દિલીપ કંઈ જવાબ આપે તે પહેલા અચાનક જ ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.

દિલીપે શાંતાને ફોન રિસીવ કરવાનું કહ્યું.

શાંતાએ આગળ વધીને રિસીવર ઊંચક્યું.

‘હેલ્લો ....હું શાંતા બોલું છું.’ એણે કહ્યું.

‘મેડમ...! હું ઇન્સ્પેકટર વામનરાવ બોલું છું.’ સામે છેડેથી વામનરાવનો અવાજ તેને સંભળાયો.

‘બોલો...શું કોઈ ખાસ સમાચાર છે?’ ત્યારબાદ તે થોડી પળો સુધી સામેથી કહેવાતી વાત સાંભળતી રહી. પછી માઉથપીસ પર હાથ મૂકી, દિલીપ તરફ ફરીને એ આનંદભર્યા અવાજે બોલી, ‘દિલીપ, રુસ્તામનો પતો લાગી ગયો છે. અત્યારે એ હેડક્વાર્ટરમાં છે.’

‘વેરી ગુડ...!’ દિલીપે કહ્યું., ‘વામનરાવને કહે કે હું હમણાં જ ત્યાં પહોચું છું.’

શાંતાએ માઉથપીસ પરથી હાથ ખસેડીને વામનરાવને દિલીપનો સંદેશો આપી દીધો.

પછી એ રિસીવર મુકીને પાછી ફરી.

‘તારે શું કરવું છે?’ દિલીપે ખાન સામે જોતા પૂછ્યું.

‘હું પણ તારી સાથે જ આવું છું.’ ખાને ઉભા થતાં કહ્યું.

‘તો જીપનું શું થશે?’

‘એ આપણે સાથે જ લઇ જઈશું. પછી તને કોઈક મૂકી જશે,’

‘ભલે ચાલ...!’

ત્રણ મિનીટ પછી ખાનની જીપ પોલીસ હેડક્વાર્ટર તરફ ઘસમસતી હતી.

દસેક મિનીટ પચ્ચી તેઓ પોલીસ હેડક્વાર્ટર પહોચી ગયા.

વામનરાવ તેમને કસ્ટડીમાં લઇ ગયો.

ત્યાં એક ખુરશી પર રુસ્તમ બેઠો હતો.

દિલીપ પરથી માથા સુધી તેનું નિરીક્ષણ કર્યું. પછી એણે પોતાની વેધક આંખો રૂસ્તમની આંખોમાં પરોવી.

રુસ્તામથી એની નજરનો તાપ ન જીરવાયો.

એ નીચું જોઈ ગયો.

‘હું ...’ દિલીપે હુંકાર કર્યો, ‘તો તારું નામ જ રુસ્તમ છે એમ ને?’

‘હા, સાહેબ...’ રૂસ્તમે હથેળીથી કપાળ પર વળેલો પરસેવો લૂછતાં ગભરાયેલા અવાજે કહ્યું.

‘તારા પર બે ખૂન તથા એક ચોરીનો આરોપ છે, એની તને ખબર છે?’ દિલીપે પૂછ્યું.

‘જી...’

‘શું તું તારો ગુનો કબૂલ કરે છે?’

‘ના...’ રૂસ્તમે નકારાત્મક ઢબે માથું હલાવતાં જવાબ આપ્યો.

‘તો એનો અર્થ એ થયો કે તે ચોરી નથી કરી...ખૂનો નથી કર્યા ખરું ને?’

‘મેં...મેં કોઈ ચોરી નથી કરી..કોઈનુંય ખૂન નથી કર્યું!’ રુસ્તમ પોતાના સૂકાયેલા હોઠ પર જીભ ફેરવીને બોલ્યો, ‘સાહેબ, આ વાત હું ભગવાનના સમ ખાઈને કહું છું.’

‘તું ખોટું બોલે છે. એમ.જે. એક્સ્પોર્ટ-ઈમ્પોર્ટની ઓફિસમાંથી તેં દસ લાખ રૂપિયાની ચોરી કરી છે. એ ઈમારતના ચોકીદારનું ખૂન પણ તેં જ કર્યું છે.’ જાણે ક્રિકેટ મેચની રનીંગ કોમેન્ટરી સંભળાવતો હોય એવા અવાજે કહ્યું, ‘ત્યારબાદ તે તારી સાથીદાર માધવીનું ખૂન કરીને ચોરીની રકમ એકલાએ જ હડપ કરી લીધી.

‘ના, સાહેબ ના...!’ ભય અને ગભરાટના અતિરેકથી રુસ્તામનો અવાજ કંપતો હતો, ‘આ બધું મેં નથી કર્યું. માધવી નામની કોઈ સ્ત્રીને હું નથી ઓળખતો. મારા પર ભરોસો રાખો. હું ચોર જરૂર છું. ક્યારેક તક મળ્યે નાની-મોટી ચોરીઓ પણ કરું છું, પરંતુ કોઈનું ખૂન...ના, સાહેબ, મારું હૃદય એટલું કઠોર નથી. મારામાં કોઈનું ખૂન કરવા જેટલી હિંમત નથી સાહેબ !’

‘જો રુસ્તમ...!’ દિલીપ કુત્રિમ ક્રોધ વ્યક્ત કરતા બોલ્યો, ‘આવા તો કેટલાય નાટક હું જોઈ ચુક્યો છું. એટલે મારી પાસે તારું આ નાટક નહીં ચાલે તેમ નથી. હજુ પણ જો તું જે હોય તે સાચેસાચું જણાવી દઈશ તો એમાં તને જ લાભ છે. અહીંથી મારા ગયા પછી તારી જે હાલત થશે એની કલ્પના તું કરી લેજે. પોલીસ મારી મારીને તને અધમૂઓ કરી નાખશે.’

‘હું સાચું જ કહું છું સાહેબ! મેં કંઈ જ નથી કર્યું.’

‘જો તે કંઈ ન કર્યું હોય તો પછી તું ચોરી તથા ખૂનની રાત્રે ગુમ શા માટે થઇ ગયો હતો?’

‘હું ક્યાંય ગુમ નહોતો થયો સાહેબ ! હું તો મારા એક સગાંને ત્યાં ગયો હતો.’

‘સગાંને ત્યાં?’

‘હા...’

‘ક્યાં?’

‘જી, સંતોષપુર !’

‘સંતોષપુર જઈને પણ તુ સંતોષથી ન રહી શક્યો.’ દિલીપે નાટકીય ઢબે કહ્યું. પછી તે વામનરાવ તરફ ફર્યો, ‘વામનરાવ, પેલું લાઈટર આપ તો !’

લાઈટરનું નામ સાભળતા જ રુસ્તમ ધ્રુજી ગયો. વહેતું લોહી જાણે કે થીજી ગયું. ચહેરો પરસેવે રેબઝેબ થઇ ગયો.

વામનરાવે ચૂપચાપ ટેબલના ખાનામાંથી રુસ્તામનું લાઈટર કાઢીને દિલીપના હાથમાં મૂકી દીધું.

‘આ લાઈટરને તું ઓળખે છે રુસ્તમ?’ દિલીપે તેની આંખો સામે લાઈટર લહેરાવતાં પૂછ્યું.

‘જ...જી...જી..હું...’ રુસ્તમ થોથવાયો.

દિલીપના સવાલનો કોઈ જવાબ તે ન આપી શક્યો.

‘સાચું બોલ...! ‘ સહસા દિલીપનો અવાજ એકદમ કઠોર થઇ ગયો, ‘ નહીં તો તારાં હાડકાં –પાંસળા એક થઇ જશે ,’

રુસ્તામનો ચહેરો કાપો તો લોહી ન નીકળે એવો થઇ ગયો.

‘આ લાઈટર તારું જ છે ને?’

રૂસ્તમે ધીમેથી હકારમાં માથું હલાવ્યું.

‘તારું આ લાઈટર દિવાનચોકમાં આવેલા, સાગર બિલ્ડીંગના, ચોકીદારના મૃતદેહ પાસે કેવી રીતે પહોચી ગયું?’

અચાનક રુસ્તમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

‘સાહેબ ...! એ ધ્રુસકા વચ્ચે બોલ્યો, ‘હું ચોર નથી ...મેં કોઈનું ખૂન નથી કર્યું. મારા પર ભરોસો રાખો. હું જે કઈ જાણું છું. તે સાચેસાચું આપણે કહી દઈશ.’

‘એમાં જ તારું હિત છે.’ દિલીપે પેંતરો બદલીને કોમળ અવાજે કહ્યું.

‘પણ સાહેબ...મને ડર લાગે છે!’

‘તેં ચોરી નથી કરી, ખૂન નથી કર્યું...તો પછી તું શા માટે ડરે છે?’ દિલીપે પૂછ્યું.

‘ડરવું તો પડે જ ને સાહેબ!’ રૂસ્તમે હથેળીથી પોતાની આંખો લૂછતાં જવાબ આપ્યો, હું ગમે તેમ તો ય પોલીસના રેકોર્ડમાં નોધાયેલો ગુનેગાર છું. કદાચ હું સાચું બોલું તો પણ કાયદો તેને શંકાની નજરે જોશે.’

‘અહીં જ તારી ભૂલ થાય છે, જે વાત સાચી છે, તે સાચી જ રહેવાની છે. ‘ દિલીપે કહ્યું.

રુસ્તમ ચૂપ રહ્યો. એણે ફરીથી પોતાના હોઠ પર જીભ ફેરવી.

‘વામનરાવ...!’ દિલીપે વામનરાવને ઉદેશીને કહ્યું. ‘એક ગ્લાસ પાણી મંગાવ!’

વામનરાવે તરત જ એક સિપાઈ પાસે પાણી મંગાવ્યું.

દિલીપે પાણીનો ગ્લાસ રુસ્તમને આપી દીધો અને જે એણે એકી શ્વાસે ખાલી કરી નાખ્યો.

ત્યારબાદ દિલીપ આરામથી રૂસ્તમની સામે એક ખુરશી પર બેસી ગયો.

પાણી પીધા પછી રુસ્તમ સ્વસ્થ થઇ ગયો હતો.

‘હા, બોલ...તું શું કહેતો હતો?’ દિલીપે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતા પૂછ્યું.

‘સાહેબ...!’ રૂસ્તમે વાતની શરૂઆત કરતાં કહ્યું, ‘ એ રાત્રે હું ચોરી કરવા માટે જ ઘરેથી નીકળ્યો હતો. એ વખતે રાત્રિના લગભગ એક વાગ્યો હતો. મારી ઈચ્છા સાગર બિલ્ડીંગની કોઈક ઓફિસમાંથી કીમતી સામાન ચોરવાની હતી. હું પહોચ્યો ત્યારે લગભગ આખી ઈમારત અંધકારમાં ડૂબેલી હતી. એકાદ માળ પર જરૂર અજવાળું હતું. ઈમારત પાસે પહોચીને મેં જોયું તો મને ચોકીદાર ક્યાંય ન દેખાયો. કદાચ આજુબાજુમાં ક્યાંય હશે. એવું મેં વિચાર્યું. છેવટે હું દીવાલની ઓથે આગળ વધવા લાગ્યો.પછી અચાનક જમીન પર પડેલી કોઈક વસ્તુ સાથે ટકરાવાથી હું સંતુલન ગુમાવીને પડી ગયો. ગભરાટને કારણે મારા મોમાંથી ચીસ નીકળી ગઈ. ત્યારબાદ સહેજ સ્વસ્થ થઇને ઉભો થયો. મેં ગજવામાંથી લાઈટર કાઢીને પેટાવતાં જ હું કિંકર્તવ્ય વીમુઢ બની ગયો. જે વસ્તુ સાથે અથડાઈને હું ગબડી પડ્યો હતો, એ વસ્તુ બીજું કોઈ નહીં પણ ચોકીદારનો મૃતદેહ જ હતો. હું કેટલીયે વાર સુધી જડવત બનીને મૃતદેહ સામે તાકી રહ્યો. ભય અને ગભરાટથી મારું દિમાગ કામ કરતુ અટકી ગયું. પછી અચાનક કોઈકનો પગરવ સાંભળીને હું ચમક્યો. ગભરાટના કારણે મારા હાથમાંથી લાઈટર છટકીને નીચે પડી ગયું. આગન્તુક મને ન જોઈ શકે એટલા માટે હું ત્યાં જ છાતીભેર સુઈ ગયો. થોડી પળો બાદ એક પુરુષ અને એક સ્ત્રી સાગર બિલ્ડીંગની ઈમારતમાંથી બહાર નીકળ્યા. જયારે તેઓ સડક પર પહોચ્યા ત્યારે હું પણ ઉભો થઈને એ તરફ આગળ વધ્યો. એ સ્ત્રી ખૂબ જ સુંદર હતી સાહેબ!’

‘અને પુરુષ...? એ કેવો હતો?’ દિલીપે વચ્ચેથી જ તેણે ટોકીને પૂછ્યું.

‘સાહેબ....! પુરુષનો ચહેરો નહોતો દેખાતો. એણે ઘૂંટણ સુધીનો લાંબો ઓવરકોટ પહેર્યો હતો. ઓવરકોટના કોલર ઊંચા ચડાવેલા હતા. એના માથા પર રહેલી ફ્લેટ હેટ કપાળ સુધી નમેલી હતી. પણ સાહેબ, જયારે યુવતી ટેક્સી સ્ટેન્ડ તરફ આગળ વધી ગઈ ત્યારે પુરુષે ચશ્માં તથા હેટ કાઢી, ઓવરકોટના કોલર નીચાં કરીને રૂમાલ વડે ચ્હેરો તથા ગરદન જરૂર લુછયા હતા. સ્ટ્રીટ લાઈટના અજવાળામાં થોડી પળો માટે તેનો ચહેરો ઉજાગર થયો હતો.’

‘ઓહ...તો તે એનો અસલી ચ્હેરો જોયો છે એમ ને ?’

‘હા...’

‘બીજી વાર તું એને જુએ તો ઓળખી નાખીશ ?’ દિલીપે પૂછ્યું.

‘હા, સાહેબ! ચોક્કસ ઓળખી કાઢીશ ?’ રૂસ્તમે પળનો ય વિલંબ કર્યા વગર જવાબ આપ્યો.

‘વેરી ગુડ...!’ દિલીપે ચપટી વગાડી. પછી એણે વામનરાવ સામે જોતાં પૂછ્યું, ‘તારી પાસે કોઈ માધવીનો ફોટો છે?’

‘જીવીત હાલતમાં તો નથી પણ મૃતદેહનો ફોટો તો જરૂર છે.’ વામનરાવે કહ્યું.

‘જરા આપો તો ...’

વામનરાવે ફાઈલમાંથી માધવીનો ફોટો લાવીને દિલીપને આપી દીધો.

‘રુસ્તમ...!’ દિલીપે એ ફોટો રુસ્તમના હાથમાં મુકતાં પૂછ્યું, ‘આ ફોટાવાળી યુવતીને જ તેં પેલા પુરુષ સાથે સાગર બિલ્ડીંગમાંથી બહાર નીકળતી જોઈ હતી?’

રૂસ્તમે ધ્યાનથી ફોટાનું નિરીક્ષણ કર્યું.

‘સાહેબ...! ‘ થોડી પળો સુધી ફોટાનું નિરીક્ષણ કર્યા પછી એણે કહ્યું, ‘ચહેરો તો આબેહુબ એ જ છે,. પરંતુ આ ફોટામાં રહેલી યુવતીનો ચહેરો સ્હેજ જાડો-ફૂલેલો દેખાય છે.’

‘બરાબર...પણ છે તો એ જ ને? ’હા....’

‘વારુ, પુરુષના હાથમાં એકેય બ્રીફકેસ હતી ખરી?’

દિલીપનો સવાલ સાંભળીને રુસ્તમ વિચારમાં પડી ગયો. જાણે કંઇક યાદ કરવાનો પ્રયાસ કરતો હોય એવા હાવભાવ તેના ચહેરા પર છવાઈ ગયા.

‘સાહેબ...!’ છેવટે એ બોલ્યો, ‘મેં પુરુષના હાથમાં તો નહીં પણ એની સાથે રહેલી યુવતીના હાથમાં જરૂર એક બ્રીફકેસ જોઈ હતી. જાણે એમાં કોઈ કીમતી ચીજ-વસ્તુ પડી હોય એમ એણે મજબુતીથી તેણે પકડી રહી હતી.’

‘વારુ...બહાર નીકળ્યા પછી એ બને વચ્ચે કઈ વાતચીત થઇ હતી?’ દિલીપે પૂછ્યું.

‘ખાસ તો કોઈ નહોતી થઇ.’ હું ટેક્સીમાં બેસીને ચાલી જઉં છું.’ એટલું કહીને યુવતી ચાલી ગઈ હતી.’

‘બ્રીફકેસ એ પોતાની સાથે જ લઇ ગઈ હતી?’

‘હા...’

‘હું...’ દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો, ‘અને પુરુષ..? એ કઈ તરફ ગયો હતો?’

‘સાહેબ...થોડી પળો સુધી તો તે ત્યાં જ ઉભો રહ્યો. પછી સાગર બિલ્ડીંગની સામેનાં ભાગમાં આવેલા પાર્કિંગમાં જઈ ત્યાંથી એક સ્કુટર કાઢીને તે યુવતી ગઈ હતી, એ જ દિશામાં ચાલ્યો ગયો હતો.’

‘પછી...?’

‘ઘેર પહોચ્યા બાદ, મારું લાઈટર ચોકીદારના મૃતદેહ પાસે ભુલાઈ ગયાની વાત મને યાદ આવી. આ વાત યાદ આવતાં જ મારો જીવ તાળવે ચોંટી ગયો. હું ગભરાઈ ગયો. પોલીસ મને ખૂનના મામલામાં સંડોવી દેશે એવો ભય મને લાગ્યો. પરિણામે હું સંતોષપુર ચાલ્યો ગયો.’

‘ઓહ...’ દિલીપ બબડ્યો.

પછી એણે એક સિગારેટ સળગાવી.

‘સાહેબ, પોલીસે પાછળથી શું કર્યું, એ જાણવા માટે હું આજે વિશાળગઢ પાછો ફરીને નારંગ પાસે ગયો હતો. ત્યારબાદ શું થયું તે આપ જાણો જ છો.’

‘’વારુ,...યુવતી સાથેનો પુરુષ જે સ્કુટર પર બેસીને ગયો હતો, એના નંબરની તને ખબર છે?’

‘ના, સાહેબ...!’ રૂસ્તમે જવાબ આપ્યો, ‘એ બધું જોવાનું મને ભાન જ નહોતું રહ્યું. ચોકીદારનો મૃતદેહ જોયા પછી મારો જીવ બુટ પર જ ચોંટ્યો હતો. એ બંને જાય એની જ હું રાહ જોતો હતો. તેમના ગયા પછી હું પણ તાબડતોબ ત્યાંથી નાસી છુટ્યો.

સ્કૂટરની બનાવટ કે રંગ વિશે તું કઈ જણાવી શકે તેમ નથી?’

‘ના, સાહેબ...!’ રૂસ્તમે નકારાત્મક ઢબે માથું હલાવતા કહ્યું, કંઈ જ જણાવી શકું તેમ નથી. મેં આ વાત પ્રત્યે તો ધ્યાન જ નહોતું આપ્યું.

‘પુરુષના દેખાવનું વર્ણન કહી શકીશ?’

‘સાહેબ, એક તો રાતનો સમય હતો. ઉપરાંત એ મારાથી ઘણો દુર હતો. એની ઉમર પણ કહી શકું તેમ નથી. અલબત, એટલું જરૂર કહીશ કે વૃદ્ધ નહોતો. એની ઉમર ત્રીસથી ચાલીસ વર્ષની વચ્ચે હોઈ શકે છે. ચહેરો ક્લીનશેવ્ડ હતો. પણ હું જોતાંવેત એને ઓળખી કાઢીશ તેની મને પૂરી ખાતરી છે.’

દિલીપે નિરાશાથી માથું હલાવીને જોયું તો પોતાની કાંડાઘડિયાળમાં રાતના નવ વાગ્યા હતા.

‘વામનરાવ...!’ થોડી પળો વિચાર કર્યા બાદ એણે કહ્યું.

વામનરાવે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘આજની રાત રુસ્તમને કસ્ટડીમાં જ રાખ અને....’

દિલીપની વાત સાંભળીને રુસ્તમના ચહેરા પરથી લોહી ઉડી ગયું.

‘સાહેબ !’ એ વચ્ચેથી જ રડમસ અવાજે બોલ્યો, ‘મેં આપણે જે કંઈ હતું તે સાચેસાચું જણાવી દીધું છે. આપનાથી એકેય વાત મેં નથી છુપાવી. હવે તો મને છોડી દો.’

‘તારે જરા પણ ગભરાવાની જરૂર નથી.’ દિલીપે રુસ્તમના ખભા પર હાથ મૂકતા કહ્યું.

‘પણ સાહેબ...!’

‘પહેલા મારી વાત તો પૂરી સાંભળી લે. સાભળ, તારી ધરપકડ કે અટક કરવામાં નથી આવતી. તારે માત્ર રાત જ પસાર કરવાની છે. અહીં તું સલામત રહીશ. સવારે અમે તને કેટલાક માણસો ને મળવા લઇ જઈશું.’

‘કેમ?’

‘એટલા માટે કે જે માણસો સાથે તારી મુલાકાત કરાવવામાં આવશે, એમાંથી જ કોઈક ચોર તથા ખૂની છે, એની મને પૂરી ખાતરી છે.’

‘તો આપ મારી પાસે ગુનેગારની ઓળખ કરાવવા માગો છો એમ જ ને?’

‘હા...’

દિલીપની વાત સાંભળીને રુસ્તમના જીવમાં જીવ આવ્યો.

‘એટલું જ નહીં ...’ દિલીપ બોલ્યો, ‘જો તારી મદદથી અમે ગુનેગારને પકડી પાડીશું તો તને ઇનામ પણ આપવામાં આવશે.’

‘એમ?’

‘હા...’ કહીને દિલીપ વામનરાવ તરફ ફર્યો, ‘વામનરાવ...!’

‘બોલ...’ વામનરાવે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘રુસ્તમને અહીં કોઈ જાતની તકલીફ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એને સ્પેશિયલ ભોજન મળવું જોઈએ. એ સિવાય પણ તેને જે કોઈ ચીજ-વસ્તુની જરૂર હોય તે પૂરી પાડજો .

વામનરાવે હકારમાં માથું હલાવ્યું.

‘અને હા....’ અચાનક કંઇક યાદ આવ્યું હોય એમ દિલીપે ખાન સામે જોતા કહ્યું. ‘ કાલે હું અહી આવું ત્યારે રુસ્તમ કોન્સ્ટેબલની વર્દીમાં સજ્જ હોવો જોઈએ.

‘કોન્સ્ટેબલની વર્દીમાં ?’ ખાને આશ્ચર્યથી પૂછ્યું .

‘હા....રુસ્તમ કોન્સ્ટેબલના રૂમમાં આપણી સાથે રહેશે. આપણે પુછપરછના બહાને પ્રમોદ કલ્યાણી, અમિતકુમાર, દીનાનાથ, મોતીલાલ અને રણજીતને મળીશું.’

‘અને મોહનલાલને શા માટે નહીં?’

‘એટલા માટે કે મોહનલાલની ઉમર ત્રીસથી ચાલીશ વચ્ચેની નથી.’ દિલીપે સ્મિત ફરકાવતા કહ્યું.

ખાન મનોમન ભોંઠપ અનુભવવા લાગ્યો.

વામનરાવના હોઠ પર હળવું સ્મિત ફરકી ગયું.

‘અને રુસ્તમ....’ દિલીપે પુનઃ રુસ્તમ સામે જોયું,’ મેં કહ્યું તેમ, તારે કોન્સ્ટેબલના રૂપમાં અમારી સાથે રહેવાનું છે. અમને જે જે લોકો પર શંકા છે, એ બધાને અમે મળીશું. તે જોયેલો પુરુષ દેખાય એટલે તારે બહાર આવીને અમને જણાવી દેવાનું છે.’

‘ભલે સાહેબ!’ રૂસ્તમે સહમતિસૂચક ઢબે માથું હલાવતા કહ્યું.

‘તારે કશીયે ફિકર કરવાની જરૂર નથી. અત્યારે તું ગુનેગાર નહીં પણ પોલીસનો મિત્ર છે.’

રૂસ્તમે ધીમેથી માથું હલાવ્યું.

ત્યારબાદ દિલીપ વામનરાવ તથા ખાનની રજા લઇ, ટેક્સીમાં બેસીને જવા માટે રવાના થઇ ગયો

***