Pratiksha - 22 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા-૨૨

“ઓફીસનું થઇ જશે ઉર્વા એને મુક સાઈડમાં” રચિત ચીડાતા બોલ્યો અને પછી ધીમેથી પોતાનો હાથ ઉર્વાના હાથ પર મુકતા બોલ્યો “પણ આપણે શું કરશું હવે આગળ? અત્યારે જ નીકળી જવું છે કે થોડો રેસ્ટ કરવો છે તારે?”
“હું નથી આવવાની રચિત, હું તો અહિયાં જ રોકાઇશ...” ઉર્વા શુષ્ક નિર્લેપ ભાવે બોલી. રચિત તેની સામે જોઈ રહ્યો. તે તેના ચેહરા પરથી તેના વિચારો કળવાની કોશિશ કરી રહ્યો હતો પણ તેને કંઇજ સમજાઈ નહોતું રહ્યું
“શું કામ?”
“રચિત મને નથી લાગતું રઘુભાઈ આટલી સહેલાઇથી ઉર્વિલને જવા દેશે. એ અત્યારે અમદાવાદ જ હશે, મારે એકવખત એમને મળીને બધું ક્લીયર કરવું જ પડશે.” ઉર્વા શાંતિથી કહી રહી પણ રચિતને હવે ઝટકો લાગ્યો 
“તું રઘુભાઈને મળીશ?? તારી પાસે કોઈ પ્લાન છે? તને કંઈ ખબર પણ છે તું શું કહે છે એ?? શું કરવા બેઠી છો??” રચિતનો અવાજ અજાણતાજ ઉંચો થઇ ગયો અને બાજુના ટેબલ વાળા પણ તેની સામે જોવા લાગ્યા
“ઉર્વા, મહેરબાની કરીને કંઇક વિચારીને બોલ” રચિત છોભીલો પડીને ધીમા અવાજે બોલ્યો
“વિચારીને જ બોલું છું. મને ખબર છે મારે શું કરવાનું છે. પ્રશ્ન એટલો જ છે કે તું મારી સાથે છે કે નહિ...” ઉર્વાએ હવે તેની આંખમાં અંખ પરોવી
“ઉર્વા...” રચિત સમજી ના શક્યો આગળ શું બોલે. કઈ રીતે ઉર્વાને સાવ એકલી અહિયાં મૂકી દે. અને એકલી મુક્યા પછી શું? પોતે શું ખરેખર ઉર્વાના વિચારોથી છુટી શકશે??
“રચિત, જો ડીયર કોઈ પ્રેશર ના રાખ. તને અહીં સુધી લઇ આવવું એ મારી જીદ હતી જે મેં પૂરી કરી પણ હવે અહીંથી આગળના રસ્તે સાથે આવવું કે નહી એ નિર્ણય પુરેપુરો તારો રહેશે. કોઈ જ ગીલ્ટ રાખ્યા વિના નક્કી કર કે તારે મારો સાથ આપવો છે કે નહી. મારા વિષે વિચાર્યા વિના નક્કી કર કે તું શું ઈચ્છે છે...” ઉર્વા બહુ પ્રેમથી સમજાવી રહી
“ઓકે ક્યાં સુધી રોકવાનો પ્લાન છે? અને મુંબઈ ક્યારે પાછા જવું છે એ કહે.” નાનકડા સ્મિત સાથે રચિત પૂછી રહ્યો
“રઘુભાઈ સાથે પ્રોપર વાત થઇ જાય ત્યાં સુધી અહિયાં રોકાવાનું છે.” ઉર્વા રચિતના સ્મિતમાં છુપેલો ઉત્તર સમજતા બોલી પડી.
“ઓકે, ચલ હવે દક્ષીયનમાં જમવા જઈએ પછી ત્યાં જ નક્કી કરીએ આગળ કઈ રીતે કરવું એ...” રચિત શંભુઝના ટેબલ પરથી ઉભો થતા બોલ્યો અને ત્યાંથી બહાર નીકળી ગયો. ઉર્વા તેની પીઠ જોઈ રહી. તેનાથી એક હળવો નિસાસો નંખાઈ ગયો
“કેમ કહું રચિત તને... હવે ક્યારેય મુંબઈ પાછી નથી જવાની હું...”
***
સામે છેડેથી હેલો સાંભળી દેવને થોડીક એવી શાંતિ થઇ
“હેલો ઉર્વા...” દેવના અવાજમાં ઉચાટ સાફ વર્તાતો હતો
“હેલો હું ડીલાઈટ કોફી શોપથી બોલું છું. આ મોબાઈલ ઉર્વા મેડમ અહીં આપી ગયા હતા. કીધું હતું કે દેવ સર આવીને લઇ જશે...” સામે છેડેથી અવાજ આવ્યો. દેવના કપાળે પરસેવો વળવા લાગ્યો. તેની સામે જ કહાન આંખોથી પૂછી રહ્યો હતો કે શું થયું. દેવને ફરીથી ખીજ ચડી રહી હતી કહાનની બેવકૂફી ઉપર... તેનો ગુસ્સો વધી રહ્યો હતો
“હા હું દેવ જ બોલું છું, જુહુ વાળી કોફીશોપને??” દેવ જાણતો હતો કે ઉર્વા જુહુ સિવાય ક્યાંય કોફી પીવા જતી નહી
“યસ સર”
“ઓકે હું પહોંચું અડધી કલાકમાં.” દેવે આટલું કહી ફોન કાપી નાંખ્યો. તે ઉતાવળમાં ગેસ બંધ કરી ઘરની ચાવીઓ શોધવા લાગ્યો. કહાન હજુ એમજ સ્થિર ઉભો હતો. તે દેવના ગુસ્સાથી બહુ સારી રીતે વાકેફ હતો એટલે તે નક્કી નહોતો કરી શકતો કે દેવને કંઈ પૂછવું કે નહિ.
તે હજી અટકળો જ લગાવી રહ્યો હતો કે દરવાજાથી બહાર નીકળતો દેવનો અવાજ તેને સંભળાયો
“બુત બનીને ઉભો જ રહીશ કે આવીશ ભેગો??”
“હા આવું છું.” કહાન ગભરાતા ગભરાતા જ ઘરની બહાર નીકળી ગયો
***
કારમાં આખા રસ્તે દેવે કહાન સાથે વાત નહોતી કરી. કહાન બરાબરનો મૂંઝાયો હતો હવે. કોફીશોપમાં જઈને દેવ સીધો જ કેશ કાઉન્ટર પાસે ગયો. ત્યાં બેઠેલી છોકરીના ટેબલ પર કહાનનો ફોન પડ્યો હતો તે જોઈ દેવે એક ધારદાર નજર કહાન પર નાખી અને વળતી જ પળે પોતાનો ગુસ્સો દબાવી કેશ કાઉન્ટર વાળી છોકરી સામે સ્મિત વેરતા બોલી રહ્યો
“હાઈ દેવ હિયર...”
“ઓહ હેલો સર, ઉર્વા મેડમ આ ફોન તમને આપવા માટે મૂકી ગયા હતા. તેમણે કહ્યું હતું આ વોલપેપરમાં દેખાય છે એ જ સર લેવા આવશે...” તે છોકરી વધુ પડતી ચોખવટ કરતા બોલી
“ઓહ થેંક્યું થેંક્યું ફોન સાચવવા માટે... અચ્છા ઉર્વા કાલે કેટલા વાગે નીકળી?” દેવે બહુ સફાઈથી પ્રશ્ન પૂછ્યો
“એ તો સર પાક્કુ ખબર નથી પણ ગઈ કાલે સાંજે ૮ – ૯ ની આસપાસ નીકળ્યા હશે.”
“ઓકે, થેન્ક્સ” દેવ ફોન લઇ કહાનને ઈશારો કરી બહાર નીકળી ગયો.
“એ કાલ સાંજની ક્યાંક ચાલી ગઈ છે.... તને ખબર પડે છે કે નહિ કહાન...” કોફીશોપની બહાર નીકળતા જ દેવે પોતાનો કંટ્રોલ ખોઈ દીધો.
“પપ્પા આઈ એમ સો સો સોરી, હું બધું ઠીક કરી દઈશ પાક્કુ” કહાન સાવ રડવા જેવો થઇ ગયો. એક તરફ ઉર્વાની ચિંતા અને બીજી તરફ પપ્પાનો ગુસ્સો. તે હચમચી ગયો હતો
“શું તંબુરો ઠીક કરીશ તું? હાલી જ નીકળવું હોય તારે ગમે ત્યારે જોયા કર્યા વગર... એક કામ ય તારાથી વિચારીને નથી થતું.” દેવનો ગુસ્સો દરેક શબ્દ સાથે વધી રહ્યો હતો
“પપ્પા કદાચ એ ઘરે હોય...” કહાન પોતે પણ જાણતો હતો કે આ શક્ય નથી છતાં તેણે મરણીયો પ્રયાસ કરતા કહ્યું
“તને ખરેખર લાગે છે એ ઘરે હશે?” દેવે ફરીથી ધારદાર પ્રશ્ન કર્યો ને કહાન નીચું જોઈ ગયો
“ફોન જો... એમાંથી જ કંઇક મળશે.” દેવે કહાનને તેનો ફોન આપતા કહ્યું ને કહાન નીચું મોઢું રાખી ફોન જોવા લાગ્યો. કોલ લોગ જોતા જ લાસ્ટ ૨ રીસીવ્ડ કોલ તેણે રચિતના જોયા ને તેના હોઠમાંથી નિસાસો નીકળી ગયો
“હું આટલી મોટી ભૂલ કેમ કરી ગયો...” કહાનને પારાવાર અફસોસ થઇ રહ્યો
“શું કર્યું તે ડફોળ હવે...” દેવ રુક્ષતાથી બોલ્યો
“પપ્પા રચિતે મારા ફોન પર ફોન કર્યો હતો... એટલે જ ઉર્વાને બધી ખબર પડી ગઈ... મારે એને કહી દેવાની જરૂર હતી કે ઉર્વાને નથી કહેવાનું” કહાન નીચું જ રહ્યો હતો હજુ પણ દેવનું મગજ બમણી ઝડપે દોડવા લાગ્યું
“૯૯% શક્યતા છે કે ઉર્વા રચિત સાથે હોય અત્યારે...” દેવ વિચારીને બોલ્યો
“ગ્રેટ, હું હમણાં જ ફોન કરું એને...” કહાન રચિતનો નંબર ડાયલ કરતા બોલ્યો
“ઉભો રે તું હમણાં, ઉતાવળ ના કર.” દેવે એક ઝાટકે તેના હાથમાંથી ફોન લઇ લીધો. કહાન આશ્ચર્ય સાથે તેની સામે જોઈ રહ્યો
“એ ડફોળ ઉર્વાને ખબર પડી કે તું ફોન કરે છે રચિત ને વાત વધુ બગડશે... રચિત પાસે મારો નંબર સેવ નહિ હોય, હું ફોન કરું છું એને.” દેવ શાંત થતા બોલ્યો અને કહાનના ફોનથી નંબર જોઈ રચિતને ફોન જોડ્યો અને સામેથી હેલો આવતા જ દેવ એકીશ્વાસે બોલી રહ્યો
“હેલો રચિત, હું દેવ બોલું છું. કહાનનો ફાધર  ઉર્વા સામે જ હોય તો ખાલી હા કે ના માં જ જવાબ આપજે”
“હા” આ હા સાંભળી દેવને ફાઈનલી જીવમાં જીવ આવ્યો
“ઉર્વા ઠીક છે ને?”
“હા”
“ક્યાં છો તમે?”
“અમદાવાદ” રચિત ઉર્વાને ખબર ના પડે તેમ જવાબ આપી રહ્યો હતો. અમદાવાદ સાંભળી દેવને આંચકો તો લાગ્યો પણ તેણે તરત જ પોતાને સંભાળી લીધો
“તું અત્યારે જ એને લઈને અહીં આવી જા પ્લીઝ, મને બહુ ચિંતા થાય છે ઉર્વાની” દેવ કહી રહ્યો
“નથી શક્ય”
આ જવાબ સાંભળી દેવ ૨ મિનીટ વિચારમાં ચડી ગયો પછી તરત જ કંઇક ઝબકારો થતા બોલ્યો
“તું ઉર્વાને કોઈ એક સેફ જગ્યાએ રોકી આવી જા, આપણે એક પ્રોપર પ્લાન જોઇશે. તું આવી શકીશ?”
“હા” રચિત બોલ્યો અને ફોન કાપી નાંખ્યો
***
(ક્રમશઃ)