hati aek pagal - 19 books and stories free download online pdf in Gujarati

હતી એક પાગલ - 19

હતી એક પાગલ..!!:-ભાગ 19

"સમયને અને યાદોને વર્ષો સાથે ક્યાં સંબંધ છે,

તારા ગયાની એ ક્ષણ હજુ હૃદયમાં અકબંધ છે .."

માહી શિવની લખેલી પ્રથમ નવલકથા હતી એક પાગલ વાંચવાની શરૂવાત કરી ચુકી હતી..શિવે પ્રસ્તાવનામાં આ નોવેલ અને પોતાનાં વિશે થોડું ઘણું લખી અંતમાં જે લોકોનો એની સફળતામાં હાથ છે એવાં દરેકનો આભાર માનતાં વાક્યો લખ્યાં હતાં.. પણ છેલ્લે શિવે લખ્યું હતું.

"આ નોવેલ લખવાની પ્રેરણા તો ઘણાં લોકોએ આપી પણ આ નોવેલ જેનાં પ્રેરકબળથી લખી શક્યો એ વ્યક્તિ,મારી એ પાગલ જો આ નોવેલ ક્યારેક વાંચશે તો એ સમજી જશે કે આ નોવેલ ભલે મેં લખી હોય પણ એમાં શબ્દો તો એનાં જ છે.."

માહીને સમજતાં વાર ના થઈ કે શિવનો ઈશારો કોની તરફ હતો..પ્રસ્તાવના વાંચ્યા બાદ માહી એ નવલકથાનું પ્રથમ પ્રકરણ વાંચવાનું શરૂ કર્યું..નવલકથાનાં મુખ્ય પાત્રોનાં નામ શિવે શિવ અને નવ્યા રાખ્યાં હતાં.માહી એ નોવેલનું પ્રથમ પ્રકરણ વાંચ્યું જેમાં શિવ અને નવ્યાની પ્રથમ મુલાકાત કેવી રીતે થઈ એની કહાની હતી.

જેવું પ્રથમ પ્રકરણ પૂર્ણ થયું એટલે માહી ને એક આંચકો જરૂર લાગ્યો કેમકે જે રીતે શિવે નવ્યાનું વર્ણન કર્યું હતું એતો પોતાને મળતું આવતું હતું..આ ઉપરાંત પોતે જે રીતે સામે ચાલીને નોટબુક શિવ જોડે માંગી હતી એમજ નવ્યા એ પણ કોલેજ ચાલુ થયાંનાં થોડાં સમયમાં શિવ જોડે જે રીતે પોતે નોટ્સની માંગણી કરી.

પ્રથમ પ્રકરણનાં અંતમાં લખ્યું હતું.

"નામ તો દઈ દઉં દુનિયાની સામે એનું..

પણ ડર છે લોકો નામ જાણી એને બદનામ ના કરે.."

મતલબ કે શિવે આ નવલકથા પોતાનાં અને માહીનાં રિલેશનશીપ વિશે લખી હતી..એક તરફ માહી ને એ બાબતની ખીજ આવી રહી હતી કે શિવ આમ લોકોની વચ્ચે એમની અંગત જીંદગી ને ઉજાગર કરી રહ્યો હતો.પણ બીજી તરફ પોતાનાં નામ ને છુપાવીને શિવે જે રીતે નવ્યા નામનો ઉપયોગ કરી માહી નું ચિત્રણ કર્યું હતું એ ગજબ હતું.શિવે આગળ શું લખ્યું હતું એ જાણવાની બેતાબી સાથે માહી એ પુસ્તક નું નવું પાનું પાલટયું અને શરૂ થયું એક હતી પાગલ નું પ્રકરણ નંબર બે.

"ફેરવી પીંછી કેનવાસ પર એમજ અને ચિત્ર બની ગયાં..

બે અજાણ્યાં,અજનબી સમય સાથે ખાસ મિત્ર બની ગયાં."

આ સાથે જ શરૂ થયું એક હતી પાગલનું બીજું પ્રકરણ.હવે તો માહી જેમ-જેમ આગળ વાંચતી જઈ રહી હતી એમ-એમ એનાં મગજમાં ભૂતકાળની એ બધી યાદો એક પછી એક મુદ્રીત થઈ રહી હતી.શાયદ એ શિવનાં શબ્દોની કમાલ હતી કે બીજું કંઈ પણ માહી હવે આ નોવેલ સાચેમાં પોતાનાં લીધે જ રચાઈ હોવાની શિવે પ્રસ્તાવનામાં લખેલી વાત ને માનવા મજબુર થઈ ગઈ હતી.

હવે તો માહી ને એવું લાગતું કે પોતાનાં હાથમાં કોઈ પુસ્તક નહીં પણ એક અરીસો હતો..જેનાં શબ્દે શબ્દે એ પોતાની જાતને જોઈ રહી હતી.કોઈ પેઈન્ટર કેનવાસ પર પીંછી વડે સુંદર તસવીર બનાવે એમ શિવે પોતાની કલમ વડે આ પુસ્તકમાં શબ્દો વડે માહીની આબેહુબ પ્રતિકૃતિ બનાવી હતી.

હવે એમાં વર્ણન હતું કે કઈ રીતે શિવ અને નવ્યા કોલેજની ટુર વખતે કઈ રીતે એકબીજાની નજીક આવ્યાં હતાં..ટુર ની એ અંતાક્ષરી અને ગિરનારનું ચડાણ બધું શિવે પોતાનાં પુસ્તકમાં એ હદે સમાવ્યું હતું કે માહી રીતસર રડવા લાગી હતી.

"આમ પણ તમારાં પ્રિય પાત્ર જોડે જે કારણે રડયાં હોય એ યાદ કરો તો હસવું આવે..અને જે કારણે હસ્યાં હોય એ યાદ કરો તો ફક્ત અને ફક્ત રડવું આવે."

શિવની સાથે વિતાવેલાં ટુર નાં એ શરુવાતનાં બે દિવસ માહી માટે એની લાઈફનાં સર્વશ્રેષ્ઠ બે દિવસ હતાં..એ બે દિવસની મીઠી યાદો અશ્રુ બની ને આજે વહી રહી હતી.જે શિવને પોતે નફરત કરવાનો ઢોંગ કરી રહી હતી એ શિવે એને પોતાની યાદમાં રડવા મજબુર કરી દીધી હતી એ જોઈ માહી ને નવાઈ થઈ રહી હતી.

એનાં પછી પુસ્તકમાં જે લખ્યું હતું એમાં પોતાનાં મનમાં ચાલતાં વિચારો નાં લીધે એનું નવ્યાથી દુર જતાં રહેવાનો ઉલ્લેખ હતો..આગળ શું આવવાનું છે એની ખબર હોવાં છતાં માહી વ્યાકુળ બની પુસ્તક ને વાંચી રહી હતી.કેમકે હવે આવનાર હતું એની અને શિવની રિલેશનશીપ નું ટર્નિંગ પોઈન્ટ સમાન પ્રકરણ એટલે વર્ષિકોત્સવ વખતની સ્પર્ધાનું વર્ણન.

"મન માં એની યાદ નું ચિંતન તો થશે,

એ બહાને એને મળવાનું મન તો થશે,

વિચાર થયો ચાલને ફરી આવું એની ગલી માં,

મુલાકાત નહિ તો કઈ નહી દર્શન તો થશે.."

સ્પર્ધામાં કઈ રીતે શિવ અને માહીની વચ્ચે એક જોરદાર ટક્કર થઈ અને માહી એ જાણીજોઈને શિવ માટે બે રાઉન્ડમાં હાર સ્વીકારી અને શિવે પણ આસાનીથી આ સ્પર્ધા જીતવાને બદલે લાસ્ટ રાઉન્ડમાં હાર સ્વીકાર સ્પર્ધાને ટાઈ થવા દીધી બધું જ અક્ષરશઃ વર્ણવાયેલું હતું.આ વાંચ્યા બાદ શિવે પોતાની સમક્ષ કરેલી પ્રેમની કબુલાત વાંચતા વાંચતા તો માહી ખુશીથી પોક મુકીને રડવા લાગી.

"તારાં પ્રેમ નું વિષ અમે કંઈક એ રીતે અમે પીધું

હસવાની જગ્યાએ રડી,રડવાની જગ્યાએ હસી લીધું.."

ત્યારબાદ તો બે વર્ષ સુધી પોતાની અને શિવની વચ્ચે કઈ રીતે પ્રેમ પાંગર્યો એનું આલેખન હતું.એક પ્રેમનું અંકુરિત બીજ કઈ રીતે ઘટાટોપ વૃક્ષ બન્યું હતું એનું ચિત્રણ વાંચવાનું માહી ને પસંદ આવી રહ્યું હતું..લોકો એમની પાછળ કોલેજમાં એમને લૈલા મજનુ કહેતાં એતો માહી ને આજે જ ખબર પડી હતી.પુસ્તકમાં શિવનાં ખાસ મિત્રો કાળુ અને મયુરનો પણ ઉલ્લેખ હતો.શિવે એકરીતે આ પુસ્તકમાં પોતાની મહદઅંશે આપવીતી જ લખી હતી પણ એમાં માહી નું નામ ઉપયોગ કરવાનાં લીધે નવ્યા નામનો ઉપયોગ કર્યો હતો.

આજે શિવને કોર્ટમાં જોઈ એની જોડે પોતે કરેલ ઉદ્ધત વર્તન માટે માહી ને પસ્તાવો જરૂર થઈ રહ્યો હતો પણ શિવે પોતાની સાથે પ્રેમ કર્યો કે પ્રેમનું નાટક કર્યું એની સમજણ હજુ સુધી માહી ને નહોતી પડી રહી.જો શિવે પ્રેમ કર્યો હોત તો એ પોતાને બિકાનેર આવી ભગાડી જાત અને જો પ્રેમનું નાટક કર્યું હોત તો એની દરેક કવિતા અને લખેલી આ નવલકથા પોતાની જાત ઉપર ના લખત.આ ઉપરાંત પોતાની જોડે આજે દોલત-શોહરત બધું હોવાં છતાં શિવ એકલો કેમ હતો એ જ્યારે માહી વિચારતી ત્યારે એનું દિલ શિવનાં નામે ધબકવા લાગતું.

હવે માહી અને શિવ ની જુદાઈ નું પ્રકરણ આવવાનું હતું જેમાં શિવે પોતે માહીથી કેમ અલગ થઈ ગયો એ વિષયમાં લખાયેલું હતું. પણ દિવસ ભરનો થાક માહીની આંખોને બોઝલ બનાવી રહી હતી..એ વધુ આગળ કંઈ વાંચે એ પહેલાં જ સુઈ ગઈ.માહી ની આ નીંદર સાથે જ અધૂરું રહી ગયું એની અને શિવની જીંદગી નું એ પ્રકરણ જે વાંચી લીધાં બાદ માહી નાં મનમાં ઉપજી રહેલી બધી ગલતફહેમી દૂર થઈ જાત.

********

તુષાર અને આરોહી અત્યારે પોતાની લગ્નની પ્રથમ રાતને વધુ રંગીન બનાવવાની કોશિશમાં હતાં.એકમેકની બાહોમાં સમાયેલાં આ નવ વિવાહિત જોડાં ને અત્યારે દુનિયાની કોઈ ફિકર જ નહોતી.બસ આજે તો એમની વચ્ચે હોડ જમવાની હતી એકબીજાને સંતૃપ્ત કરવાની.

આરોહી અજાણતાં જ એક વસ્તુ કરી ચુકી હતી જેનાં પડઘા અત્યારે સુરતથી લગભગ ચારસો કિલોમીટર દૂર મહેસાણા માં પડી રહ્યાં હતાં.વાત એમ બની કે મયુર ની પત્ની સંધ્યાને જ્યારથી શિવ અને માહી વચ્ચે કયાં સંજોગોમાં જુદાઈ થઈ એની ખબર પડી ત્યારથી શિવ અને માહીને એક કરવા માટે પોતાને કંઈપણ કરવું પડે તો કરશે એવું સંધ્યા મન બનાવી ચુકી હતી.

આજ કારણોસર સંધ્યા શિવ નાં ફેસબુક,ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર ને વારંવાર ચેક કરતી રહેતી..એને એમ હતું કે જો માહી શિવને હજુપણ પ્રેમ કરતી હશે તો કોઈ નકલી આઈડી બનાવી શિવને ક્યાંક ને ક્યાંક ફોલો કરતી જરૂર હશે.આજે જ્યારે સંધ્યાએ શિવની ફેસબુક પ્રોફાઈલ ચેક કરી ત્યારે એની નજરે એવું કંઈક ચડ્યું જેને એને એ જ્યાં બેઠી હતી ત્યાં સફાળી ઉભી કરી દીધી.

વાત એમ બની કે આરોહી એ આજે સાંજે જ પોતાનાં કોર્ટ મેરેજ વખતે ક્લિક કરેલાં ફોટો ફેસબુક પર અપલોડ કર્યાં હતાં..જેમાં એને શિવને પણ ટેગ કર્યો હતો..આજ કારણથી સંધ્યાની નજરે શિવની પ્રોફાઈલ ખોલતાં જ એ ફોટોગ્રાફ ચડ્યાં.આ ફોટોમાં સંધ્યાએ શિવ સિવાય આરોહી અને તુષાર ની સાથે એક ત્રીજી વ્યક્તિને જોઈ..એ હતી માહી.

મયુરે પોતાનાં કોલેજ સમયનો જે ગ્રૂપ ફોટો બતાવ્યો હતો એમાં આજ ચહેરો ધરાવતી યુવતી માહી છે એવું મયુરે સંધ્યાને કહ્યું હતું.સંધ્યા આ ફોટો જોતાં જ સ્તબ્ધ બની ગઈ..હજુ પણ એને પોતે જે કંઈપણ જોયું હતું એની ઉપર વિશ્વાસ નહોતો આવી રહ્યો.પોતે ફોટામાં જે શિવની જોડે ઉભેલી સ્ત્રીને જોઈ એ માહી જ હતી એ બાબતની ખરાઈ કરવા સંધ્યાએ જોરથી મયુરને અવાજ આપ્યો.

"મયુર,અહીં આવ તો.."

"અરે યાર મેચ જોવાં દે ને..જોરદાર જામી છે.."ટેલિવિઝન પર ક્રિકેટ મેચ જોતાં મયુર બોલ્યો.

"અરે મેચ જોવાનું પડતું મુક અને અહીં આવ જલ્દી.."માહી હજુ ઊંચા અવાજે ચિલ્લાઈ.

"આ બૈરાં છે ને લોહી પીવા જ જન્મ લેતાં હોય છે.."સંધ્યાની વાત સાંભળી ગુસ્સા સાથે ટીવીનું રિમોટ સોફા પર પછાળતાં મયુર બોલ્યો અને પછી ઉભો થઈને સંધ્યા જ્યાં હતી એ તરફ ગયો.

ત્યાં પહોંચી મયુર બોલ્યો.

"બોલ શું કામ હતું..?"

"અરે આ ફોટો જો.."પોતાનો મોબાઈલ મયુરની સામે ધરતાં સંધ્યા બોલી.

"શું લાવી પાછું.."આવો બબળાટ કરતાં કરતાં મયુરે સંધ્યાના હાથમાંથી મોબાઈલ લઈ લીધો.

મોબાઈલમાં રહેલાં ફોટો જોતાં જ મયુર અચંબામાં પડી ગયો..માહી અત્યારે થોડી બદલાઈ જરૂર ગઈ હતી પણ મયુર એને જોતાં જ ઓળખી ગયો.

"પણ કઈ રીતે..માહી તો USA હતી..??અને માહી શિવની સાથે છે મતલબ કે બંને મળ્યાં અને એમની વચ્ચેનું બધું પહેલાં ની જેમ ઠીક થઈ ગયું..?"અનાયાસે જ ઉપરાઉપરી સવાલો મયુરનાં મોંઢેથી નીકળી ગયાં.

"એતો શિવભાઈ ને કોલ કરો એટલે ખબર પડી જશે.."સંધ્યા બોલી.

"પણ પહેલાં તું એ બોલ કે આ ફોટો ક્યાંનાં છે અને તને ક્યાંથી મળ્યાં..?"મયુરે પૂછ્યું.

"આ શિવની કોઈ ફેસબુક મિત્ર આરોહી નાં લગ્ન સમયનાં ફોટો છે..એનાં તુષાર નામનાં કોઈ છોકરા જોડે કોર્ટ મેરેજ હતાં આજે સુરતમાં તો આ ફોટો આજે જ ત્યાં પાડેલાં છે.."સંધ્યાએ જણાવ્યું.

"હા,કાલે સુરતમાં શિવની નવી બુકનું લોન્ચિંગ છે તો એ માટે શિવ સુરત ગયો હોવો જોઈએ..પણ શિવ માહી ને મળવા લાગ્યો હતો તો એને આપણાંથી એ વિષયમાં કેમ છુપાવ્યું."મયુર બોલ્યો.

"એવું પણ બને કે શિવભાઈ ને આજે ઓચિંતા જ માહી મળી હોય..અને શિવ ભાઈ વ્યસ્ત હોવાથી આપણને એ વિશે જણાવી ના શક્યાં હોય.."પોતાનો અલગ તર્ક રજૂ કરતાં સંધ્યા બોલી.

"સંધ્યા એક કામ કરીએ તો..જો કાલે સાંજે શિવની પ્રથમ નવલકથા નું લોન્ચિંગ છે અને માહી પણ ત્યાં સુરતમાં છે તો શિવ માટે આ બંને સુવર્ણ અવસરની ઘડી છે તો તને નથી લાગતું આપણે ત્યાં જઈને શિવ ને સપ્રાઈઝ આપવી જોઈએ.."ઉત્સાહિત થઈને મયુર બોલ્યો.

"નેકી ઓર પૂછ પૂછ..તો ક્યારે નીકળવું છે..?"મયુરનાં ખભે પોતાનું માથું મૂકી સંધ્યા બોલી.

"હું કાળુ ને પણ કોલ કરી આપણે સુરત જવાનું છે એ વિશે જણાવી દઉં..કાળુ પણ આપણી સાથે આવવા તૈયાર થઈ જશે એની મને ખાતરી છે.."મયુરે પણ પોતાનું માથું સંધ્યાનાં માથાં પર ઢાળીને કહ્યું.

ત્યારબાદ મયુરે કાળુ ને કોલ કરી શિવ અને માહી સુરતમાં છે અને એકબીજાને મળ્યાં પણ છે એ બધું જણાવી દીધું..પોતે સંધ્યા સાથે સુરત જવાનો છે એવું જ્યારે મયુરે કાળુ ને જણાવ્યું ત્યારે કાળુ એ સામેથી પોતે પણ પોતાનાં પરમ મિત્ર શિવની જીંદગીનાં આ ભવ્ય પ્રસંગ માટે સુરત આવશે એવું મયુર ને જણાવી દીધું.

આખરે બીજાં દિવસે સવારે 8 વાગે એ લોકો સુરત જવા નીકળશે એવું નક્કી કરી મયુરે કાળુને કરેલો કોલ ડિસ્કનેક્ટ કર્યો.આજ ની આ ક્ષણ ઘણી બધી ખુશીઓ લઈને આવી હતી એજ ખુશીમાં આનંદિત ચહેરે સંધ્યાની બાહોમાં હસીન રાતની હસીન ક્ષણો વિતાવ્યાં બાદ મયુર સુઈ ગયો.

"પ્રેમ ની રમત પણ કમાલ છે.

હાર હોય કે જીત એક સરખી ધમાલ છે.

નીરાલા એનાં નીયમ,નીરાલી એની ચાલ છે.

હારેલા તો ઠીક એમાં જિતેલા પણ બેહાલ છે."

★■■■■■■■■★

વધુ આગળનાં અધ્યાયમાં.

દોસ્તો આ નવલકથા માં મેં મારી પોતાની કવિતાઓ સાથે ઘણાં ગુજરાતી,હિન્દી અને ઉર્દુ નાં શાયરો અને કવિઓની કવિતાઓ અને શાયરીઓનો પણ રસાળ રીતે ઉપયોગ કર્યો છે.આ બધાં મશહુર શાયરોને આ લઘુનવલ દ્વારા હું શબ્દાંજલી આપવાની કોશિશ કરી રહ્યો છું.

વાંચક મિત્રો ને આ નવલકથા વાંચવી ખુબ જ પસંદ આવશે એવી મને ખાતરી છે..જો પ્રેમ કર્યો હોય અને દિલ તૂટ્યું હોય તો પછી આ નોવેલ ફક્ત તમારાં માટે લખાઈ છે એ નોંધવું રહ્યું.તમે તમારો કિંમતી અભિપ્રાય મારાં whstsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

~જતીન.આર.પટેલ (શિવાય)