Bhaibandhini Vatu... books and stories free download online pdf in Gujarati

ભાઈબંધીની વાતું...



                 એક નગર અને એ નગરનો ધણી રાજા અજયસિંહ. અજયસિંહ જેટલો પ્રજાને વહાલો એટલો જ સતાનો અભિમાની. સતા અને સંપતિ આવે પછી સારા-સારાની મતિ ફરી જાય તો આ અજયસિંહની શુ કામ ન ફરે ?


                 પણ મતિ પણ એવી ફરી કે એના રાજ્યની બાજુમાં જ એના બાળપણના ભેરૂ રાજા અમરસિંહનુ રાજ્ય અને એનું રાજ્ય પડાવી લેવાની લાલચા જાગી. બળેથી તો એને પોગી શકે એમ હતો નહિ અને માંગે રાજ મળે એમ હતા નહિ. આથી હદ નક્કી કરવાના બહાને ઝગડા કરે રાખે. અમરસિંહ સમજતો હતો કે મારા ભેરૂની મતિ ફરી છે આથી એ નમતું જોખે રાખે પણ કેટલા દી’ ?


                 ધીમે ધીમે કરતી વાત વટે પહોંચી અને પછી તો વેર બંધાણા. સતાએ એવા તે ખેલ ખેલ્યા કે, ભેરૂ હતા ઈ વેરી થયા હો બાપ. આ વાતને ધીરે ધીરે કરતાં પંદર-પંદર વર્ષ વીતી ગયા પણ વેર રોજે રોજ વધતા ગયા.


                 એક દી અજયસિંહ ગાદી પર બેઠો બેઠો કંઈક વિચારે છે ત્યાં એને સૈનિક આવીને ખબર આપે છે,


‘બાપુ ગજબ થઈ ગયું… ગજબ થઈ ગયું… ઝટ ઉભા થાવ… ઝટ હાલો…’


‘પણ થયુ સે શું…?’


‘બાપુ, મુગલ સરદાર આપણી પર હમલો કરવા હાયલો આવે છે. આઘડી આયા પોગી જાહે… ઝટ કરો…’


                 ત્યાં તો અજયસિંહના પગ હેઠેથી જમીન ખસી ગઈ હો...


‘હેં…? મુગલ સરદાર હાયલો આવે છે…?’


‘હા બાપુ… ઝટ કરો નક્કર આઘડી આયા પોગી જાહે…’


‘પણ એને આપણી હારે વેર શેના ? નક્કી ઓલા અમરસિંહે મોકલ્યો હશે…’


                 એમ કેયને અમરસિંહને ભાંડતો ભાંડતો દોડ્યો અને સૈનિકોને તૈયાર કર્યા. અને મુગલ સરદારને રોકવા એની સામે ફોજ લઈને ગયો હો બાપ. પણ સામે જુએ તો ધૂડની ડમરીયુ ઉડતી આવતી હોય એવું લાયગુ હો.


‘ઓહો… આવડી મોટી ફોજ અને આપડે આટલા…!?’


                 એટલું અજયસિંહ બોલ્યો હશે ત્યાં તો ઉગમણી દશાએથી બાગડદા… બાગડદા… બાગડદા… કરતો ઘોડો આવ્યો અને મુગલ ફોજની સામો ગયો અને સડડડડડડડ… સટ… કરતો ઘોડો ફોજની વચ્ચે કુદ્યો. ત્યાં તો ઈ ઘોડો જે દિશા માંથી આવ્યો હતો ત્યાંથી ધૂડની ડમરીયુ ઉડાડતી ઉડાડતી ફોજ આવી અને મુગલ ફોજની સામી ગઈ…


                 બેય ફોજ વચ્ચે બાકાજીક… બાકાજીક… બાકાજીક… એમ કેવાય બોલવા માંડી, તલવારૂ હારે તલવારૂ ભટકાવા માંડી, ઘણાય ધડ માથા વગરના થઈ ગયા, સૌથી મોર આવેલો ઘોડે સવાર મોઢામા લગામ પકડીને બેય હાથમા તલવારો ફેરવતો ફેરવતો ઘોડાને કૂદાવીને દુશ્મનોને વઢવા માંડ્યો, એમ કેવાય કે, મોગલોની અડધી સૈના ખાલી થઈ ગઈ, જ્યાં જોવે ત્યાં કોઈના હાથ તો કોઈના પગ તો કોઈના માથા કપાયેલા પડ્યા છે, કોઈના આંતરડા બારા આવી ગયા છે, કોઈ લોહીથી આખા રંગાઈ ગયા છે અને એવી બાકાજીક બોલવા માંડી પણ અજયસિંહના ડોળા બારાને બારા રહી ગયા.


                 એને સમજાતું નથી કે આ વળી કોણ છે ? ખબર તો એવા મળ્યા હતા કે મુગલ સરદાર આપડી પર હુમલો કરવા આવે છે અને આપણે કોઈને મદદ માટે કેવરાવ્યું પણ નહોતું, તો આ વળી કોણ આવ્યું ?


                 હજી આવી ધૂન અજયસિંહના મગજમાં હાલે છે ત્યાં ઓલા ઘોડે સવારની પાછળથી કોઈકે તલવારનો ઘા કર્યો અને માથુ ધડથી ખટરાક કરતું નોખું થઈ ગયું અને જ્યાં અજયસિંહ ફોજ લઈને ઉભો હતો ઈ કોર જઈને પડયું. અજયસિંહે એની સામે જોયું, કોણ વળી આ અને ત્યાં તો હાયયય… હાય… હાય… કરતો ઘોડા પરથી હેઠે કુદકો મારી માથું ખોળામા લઈને રોય પયડો અને બોલ્યો,


‘હાય… હાય… હાય… મારા ભેરૂડાં, મારા અમર… આપડે તો વર્ષોના વેર હતા તોય આજે તું મારી વહારે આવ્યો બાપ ?! આજે તે મારી માટે તારા માથા દઈ દીધા બાપ..! હે અમરસિંહ… હે ભેરૂ… હે સખા… ઘડી ખમ્મા બાપ… ઘડી ખમ્મા...’


                 આને મિત્રતા નિભાવી કેવાય, આને સાચો મિત્ર કેવાય, સાવજ કહેવાથી કે, ખભે હાથ મુકી દેવાથી સચ્ચો ભાઈબંધ મળી નથી જતો બાપ પણ ઈ તો વિપત પડે અને સાદ નો દીધા હોય છતાંય ખબર પડે અને આપણી વહારે આવે એને સાચા ભેરૂ કેવાય, આડેથી સુખ લેવા વાળા તો ઘણા મળે પણ આડેથી મોતને મીઠા કરી જાય એને સાચા ભાઈબંધ કેવાય બાપ…!


                 ધન્ય હો… ધન્ય હો… રંગ છે તને રાજા અમરસિંહ… રંગ છે તારી ભાઈબંધીને… જય હો બાપ… જય હો….


- અર્જુન ગઢિયા (મો.૭૮૭૮૧૨૭૨૩૮)