No return-2 Part-78 books and stories free download online pdf in Gujarati

નો રીટર્ન-૨ ભાગ-૭૮

નો રીટર્ન-૨

ભાગ-૭૮

એમેઝોન ફોરેસ્ટમાં ન ભૂતો ન ભવિષ્યતી એવી ભિષણ જંગ ખેલાઇ ગઇ. કંઇ કેટલાય શવ પડયા હતાં. એક ભેંકાર સન્નાટાએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. વિનીત તેનાં આખરી શ્વાસો ગણતો હતો. અમને બચાવવા તેણે પોતાનાં પ્રાણોની પણ પરવા કરી નહોતી અને અમારી તરફ છૂટેલા તીરને તેણે પોતાનાં શરીર ઉપર જીલ્યા હતા. તેનાં એ પગલાંથી હું સન્નાટામાં રહી ગયો હતો. સાચું કહું તો વિનીત મને ક્યારેય પસંદ આવ્યો જ નહોતો. મને હંમેશા તેને લઇને અન-સિક્યોર ફીલ થતું રહયું હતું. અનેરીની બાબતમાં તે મારો પ્રતિસ્પર્ધી હતો. અમે બન્ને અનેરીને ચાહતા હતાં અને તેમાં વિનીત બાજી મારી જવાનો હતો એમાં કોઇ બેમત નહોતો કારણકે અનેરીની આંખોમાં મેં વિનીત પ્રત્યે અસીમ સ્નેહ ઉમડતો જોયો હતો. અનેરી માટે તે મારા કરતાં પણ બહેતર વિકલ્પ સાબીત થવાનો હતો એ હું જાણતો હતો તેમ છતાં, અનેરીને ચાહવાનું હું છોડી શકવા અસમર્થ હતો. તે મારા શ્વાસોશ્વાસમાં વણાઇ ગઇ હતી. મારી ધડકનોમાં ધબકતી હતી, એ મારી જીંદગીનો આખરી મકસદ હતી. તેની પાછળ જ તો હું અહી સુધી આવ્યો હતો ને...! કોઇપણ કાળે અનેરીને ગુમાવવા હું તૈયાર નહોતો, તો સામા પક્ષે વિનીત પણ તેની નજીક રહેવાનાં ભરચક પ્રયત્નો કરતો હતો. તે આદીવાસીઓનાં હાથે ઘાયલ થયો હોવાં છતાં માત્ર અનેરી ખાતર જ અમારી સાથે આવ્યો હતો. ધાર્યુ હોત તો તેણે અમને મરવા દીધા હોત અને તે સલામત બચી શકયો હોત પરંતુ ઘાયલ હોવા છતાં અસીમ બહાદુરીથી તે અમને બચાવવા કુદી પડયો હતો અને અમારી અને મોતની વચ્ચે આવીને ઉભો રહી ગયો હતો. મને સમજાતું નહોતું કે હું શું કહું..?

“ પાણી... પાણી... ! “ વિનીતને એકાએક અંતરસ ઉપડી અને તે બેવડ વળી ગયો. તેને વાગેલાં તીર મેં ખેંચી કાઢયા હતાં. એ જખ્મો માંથી સતત લોહી વહી રહયું હતું. અનેરીએ બેબાકળા બનીને ચારેકોર નજર ઘુમાવી. તે પાણી શોધી રહી હતી. રહી રહીને તેનાં જીગરમાંથી ડૂસકા નિકળતા હતાં. પાણી મળવું અહી મુશ્કેલ હતું કારણકે અમે જંગલની બરાબર વચ્ચે હતા. અહી કોઇ નદી, નાળા કે ઝરણા નહોતા. અનેરીએ પાણીની તલાશમાં આજુબાજુ નજર ફેરવી. તેની બહાવરી નજરો માયૂસ બનીને ફરીથી વિનીતનાં ચહેરા ઉપર આવીને અટકી ગઇ.

“ પ્લીઝ.. કોઇક તો પાણીની વ્યવસ્થા કરો.. “ તે રોઇ પડી. તે જબરો વલોપાત અનુભવતી હતી. મને એકાએક ઝબકારો થયો અને હમણાં જ્યાં આદીવાસીઓ થોડીવાર પહેલાં સૂતા હતાં એ તરફ હું દોડયો. મારૂ અનુમાન સાચું હતું. તેમણે સળગાવેલા તાપણાંની બાજુમાં એક પાણી ભરેલી મશક પડી હતી. ઝડપથી એ મશક ઉઠાવીને હું વિનીત તરફ દોડયો અને તેનાં મોઢે મશક ધરી. પણ... ત્યાં સુધીમાં મોડુ થઇ ચૂકયું હતુ. વિનીતની અધ્ બીડાયેલી આંખોમાંથી જીવનનું સત્વ ઓસરી ચૂકયું હતું. અનેરી સ્તબ્ધ નજરે વિનીતને જોઇ રહી. તેની આંખોમાં ખાલીપો સર્જાયો હતો. હદયમાંથી ઉઠતા ડૂસ્કા આંસુ બનીને ઉભરાવા લાગ્યા હતાં. વિનીત મરી ચૂકયો હતો.

“ મારો જ વાંક છે... મારે તને સાથે નહોતો લાવવો... પ્લીઝ વિનીત, ઉઠ... આપણે અત્યારે જ અહીથી પાછા જતા રહીએ... વિનીત, તું સાંભળતો કેમ નથી..? પ્લીઝ ઉઠી જા...” તેણે હૈયાફાટ આક્રંદ શરૂ કર્યું. તેનાં આક્રંદથી સમગ્ર જંગલમાં ગમગીની ફેલાઇ ગઇ. “ આઇ એમ સોરી દોસ્ત... તારું મૃત્યુ મારા કારણે જ થયું છે. પ્લીઝ મને માફ કરી દે... “ કેટલોય સમય તે એકધારું બબડતી રહી. મારે તેને સાંત્વનાં આપવી હતી, તેને છાતીએ લગાવીને તેનો બરડો પસવારવો હતો. મેં એવું ચોક્કસ કર્યુ પણ હોત પરંતુ તેનાં શબ્દોએ મને ચોંકાવ્યો હતો. તે વિનીતનાં મોત માટે પોતાને જવાબદાર ઠેરવતી હતી. જ્યારે હકીકત એ હતી કે વિનીત ખુદ જીદ કરીને અમારી સાથે આવ્યો હતો.

આટલા ગમગીન વાતાવરણમાં પણ મારા મનમાં એક ખટકો ઉદભવ્યો. આ પહેલાં પણ એક વખત અનેરી આવાં જ મતલબનું કંઇક બોલી હતી જે મને અજૂગતું લાગ્યું હતું. મને એકાએક ચોખવટ કરવાનું મન થયું.

“ અનેરી પ્લીઝ.. વિનીતનાં મોત માટે તું પોતાને જીમ્મેદાર ન ઠેરવ. આપણે આ સફર પર નિકળ્યા ત્યારે બધા જ જાણતાં હતાં કે કેટલી ખતરનાક પરિસ્થિતિઓમાંથી આપણે પસાર થવાનું થશે અને કેવાં ગંભીર પરીણામો ભોગવવા પડશે. “ શબ્દોને ભારે ગંભીરતાથી ગોઠવતાં મે કહયું. મારે તેને ઉકસાવીને સત્ય બહાર કઢાવવું હતું.

“ નહી.. તે મારે લીધે જ અત્યારે આ હાલતમાં છે. મેં જ તેને સાથે લીધો હતો.. “ તે લગભગ ચીખતા સ્વરે બોલી.

“ હું માનવા તૈયાર નથી. મને ખબર છે કે એ તારી પાછળ આવ્યો હતો. “

“ હાં... કારણકે એ મને પ્રેમ કરતો હતો. મને સહેજ ખરોચ પણ આવે તો એ બર્દાશ્ત કરી શકતો નહોતો...અને તેની એ જ લાગણીઓનો મે ફાયદો ઉઠાવ્યો હતો. “

“ વોટ...? “ ગાડી યોગ્ય રસ્તે જઇ રહી હતી. કાર્લોસ, એના અને ક્રેસ્ટો અમને ઘેરીને ઉભા હતાં. તેઓ વિસ્મયથી અમારી વાતો સાંભળી રહયાં હતા પણ કંઇ સમજતાં નહોતાં કારણકે તમામ વાર્તાલાપ ગુજરાતીમાં ચાલતો હતો.

“ આશ્વર્ય થયુંને તને...? હકીકત સાંભળવી છે તારે...? હં... ! તો સાંભળ... “ અનરીએ તેનાં આંસુ લૂંછયાં અને તેનાં ચહેરા ઉપર મક્કમતા છવાઇ. “ તને શું લાગે છે...? કે હું કાર્લોસની જાળમાં ફસાઇને મારા દાદાને છોડાવા નિકળી હતી...? નહિં.... અરે, દાદાને છોડાવા તો એક બહાનું હતું. હકીકત એ છે કે હું તમને બધાને અહી સુધી લઇ આવી છું. “

મારા હદયમાં શેરડો પડયો. સ્તબ્ધ બનીને વિસ્ફારીત નજરે અનેરીનાં બેહદ ખૂબસૂરત ચહેરાને હું તાકી રહયો. “ ડોન્ટ ટેલ લાઇ...! તું કેવી રીતે...? “

“ આશ્વર્ય થાય છે ને...? પણ એ જ હકીકત છે. “

“ ઓહ ગોડ... એનો મતલબ કે એકલો વિનિત જ નહી. અત્યાર સુધીમાં જે કોઇપણ લોકો મરાયા છે એની જિમ્મેદાર તું છે... “ મારે અનેરી વિશે એવું વિચારવું નહોતું છતાં એ સચ્ચાઇથી ભાગી શકાય એમ નહોતું. મારી વાત સાંભળીને એકાએક એ હસી પડી.

“ હમણાં તું જ બોલ્યો ને કે હું કોઇનાં મોત માટે જીમ્મેદાર નથી. દરેક વ્યક્તિ પોતાની રીતે સાથે આવી છે. આટલી જલદી તું ભુલી પણ ગયો..? “

“ વાતને ગોળ ફેરવવાની જરૂર નથી. મને શક તો પહેલાં પણ ઉદભવ્યો હતો છતાં હું કંઇ બોલ્યો નહોતો. હવે કહી જ દે કે તેં આખરે એવું શું કામ કર્યુ...? હું નથી માનતો કે તને ખજાનાની લાલચ હોય...! જરૂર અન્ય કોઇ મકસદ હશે.. “

“ એમ...? તને મારી ઉપર એટલો બધો ભરોસો છે...? “

“ ભરોસો નહીં... પ્રેમ છે. હું તને મારા જીગરનાં ઉંડાણથી ચાહું છું. તને પહેલી વખત કાલુપુરનાં રેલ્વે પ્લેટફોર્મનાં દાદરે ઉભેલી જોઇ એ ક્ષણથી હું તેને ચાહવા લાગ્યો હતો.. મને એટલો તો મારા પ્યાર ઉપર વિશ્વાસ છે કે એ કંઇ ખોટુ ન કરી શકે. બાકી સચ્ચાઇ તો તારા મુખેથી સાંભળીશ ત્યારે જ સમજાશે. “ ભાવાવેશમાં હું બોલી ગયો. અનેરીએ કોઇ કપટ રચ્યું હોય એવું તો સ્વપ્નેય હું વિચારું નહી. તે અનીમેષ નજરે મને જોઇ રહી.

“ હું જ્યારે બ્રાઝિલ ભણવા આવી ત્યારે દાદા પણ મારી સાથે આવ્યા હતાં. ઉંમરનાં કારણે તેઓ ઘણુંબધુ ભૂલી જતાં હતાં. તેમણે જ મને ખજાના વિશે વિસ્તારથી જણાવ્યું હતું અને મારી જીજ્ઞાષાવૃત્તિને ઉકસાવી હતી. પછી તેઓ એ વાતને ભૂલી ગયા હતાં પરંતુ મને ક્યાંય ચેન પડતું નહોતું. મારે એ ખજાના વિશે વધું જાણવું હતું. એવી વાર્તાઓ તો મેં ઘણી વાંચી હતી પરંતુ હકીકતમાં કોઇ અમૂલ્ય ખજાનો હોઇ શકે... અને એ પણ મારા ખુદનાં દાદા તેનાં વિશે જાણતાં હોય, અરે... જાણતાં શું કામ હોય, તેઓ પોતે એ ખજાનાની ખોજમાં ગયાં હોય એ બાબત મને રોમાંચીત કરતી હતી. મેં બ્રાઝિલની લાઇબ્રેરીમાં પડેલા દસ્તાવેજોની તપાસ આદરી. ત્યારે મને ખ્યાલ આવ્યો હતો કે મારી જેમ બ્રાઝિલનો સૌથી મોટો માફીયા કીંગ કાર્લોસ પણ એ ખજાનાની પાછળ પડયો છે. બસ.. પછી મારે વધું કંઇ કરવાનું નહોતું. કાર્લોસની પહોંચનો મને અંદાજ હતો. જો તેને એ ખજાનામાં રસ જાગ્યો હોય તો એ ગમે ત્યાંથી તેની જાણકારી એકઠી કરી લેવા સક્ષમ હતો. હું તેની પાછળ લાગી ગઇ. પરંતુ તેમાં એક ગરબડ ઉદભવી હતી. “

“ કેવી ગરબડ...? “ મારો શ્વાસ તાળવે ચોંટી ગયો હતો.

( ક્રમશઃ )

મિત્રો..

બની શકે તો કોમેન્ટ કરજો કે આ કહાની તમને કેવી લાગે છે..?

રેટીંગ ચોક્કસ આપજો.

આપ રહસ્યમય કથાઓનાં રસીયા હોવ તો તમને મારી અન્ય નવલકથાઓ જેવી કે....

નસીબ

અંજામ

નગર

નો રીટર્ન

પણ ચોક્કસ ગમશે.