સપના અળવીતરાં ૧૪

"કેટલી વાર લાગશે? અમે લોકો બસ પહોંચવાની તૈયારી મા છીએ. "

"ગુડ. તમે જઇને કામ ચાલુ કરો. હું બનતી ઝડપે પહોંચુ છું. "

સમીરાનો કોલ કટ કરીને રાગિણી એ એક્ટિવા ની સ્પીડ ઓર વધારી. વારે ઘડીએ તેની નજર રિસ્ટ-વૉચ પર જતી અને આપોઆપ ઉએક્સિલરેટર પર રેઈઝ વધતુ જતુ હતું. સાથે જ મનમાં બબડાટ પણ ચાલુ હતો. 

"બધો વાંક ઈમરાન નો... એક કામ સોંપ્યું હતું... માસ્ટર ઓફ સેરિમની ની આખી સ્પીચ તૈયાર કરીને આપી હતી. બસ યાદ કરીને ફાઇલ સાથે લેવાની હતી... પણ કોણ યાદ રાખે? આ તો ભલુ થાય સમીરાનુ, કે છેક છેલ્લી ઘડીએ ફાઇલ યાદ કરાવી. થેંક ગોડ કે ઈમરાન એક્ટિવા લઈને આવ્યો હતો, તે એ બધા સાથે ગાડી રવાના કરી દીધી અને મારી કેબિન મા એકસ્ટ્રા કોપી હતી તે લેવા હું ઓફિસે પહોંચી ગઈ. "

આગળ ચાર રસ્તા પાસે થોડો ટ્રાફિક હોવાથી તેણે એક્ટિવા ની સ્પીડ થોડી ધીમી કરી, પણ મનમાં ધૂંધવાટ તો જેમ નો તેમ જ હતો. હા, દિશા થોડી બદલાઈ હતી! 

"શું જરૂર હતી આટલે દૂર લોકેશન ગોતવાની? મોટા ઉપાડે લોકેશન ગોતીને મિ. કેયૂરને ત્યાં ફેશન શો રાખવા માટે કન્વીન્સ કર્યા. છેલ્લા ચાર દિવસથી ત્યાં જાતે હાજર રહીને બધી તૈયારી કરાવી અને આજે.... મેઇન ઇવેન્ટ નુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે.... રસ્તો ખૂટતો જ નથી! "

ટ્રાફિક ઓછો થતાં ફરી તેણે સ્પીડ વધારી. તેના શરીર કરતાં તેનુ મન વધુ સ્પીડ મા દોડતું હતું. ફેશન શો ચાલુ થવાને માત્ર બે કલાક ની વાર હતી અને ફાઇનલ સેટ અપ ને ફાઇનલ ટચ આપવા તેણે સમયસર પહોંચવુ જરૂરી હતું. તેની ટીમને એટલે જ વહેલા રવાના કરી દીધી કે જેથી કામ ચાલુ થઇ જાય અને સમય સચવાય જાય. 

ઉતાવળા સો બહાવરા... બસ, ઉતાવળ મા આગળ નુ સ્પીડ બ્રેકર ધ્યાન બહાર રહી ગયું અને એક્ટિવા સ્લીપ થઇ ગયુ. ઉપરવાળાની મહેરબાની કે વધુ વાગ્યુ નહિ, પણ એક્ટિવા ની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ. તેનુ ફ્રન્ટ વ્હીલ આખું વળી ગયુ હતું અને હવે ચલાવી શકાય એમ નહોતું. મુખ્ય હાઇવે પરથી અંદર વળ્યા બાદ રસ્તો પણ ખાલીખમ હતો. 

રાગિણી એ મદદ માટે આસપાસ નજર કરી પણ કોઇ દેખાયુ નહિ, એટલે જાતે જ ઉભી થઈ. પગમાં સ્હેજ મચકોડ જેવું લાગ્યું. લંગડાતા પગે તેણે એક્ટિવા ખસેડી ને સાઈડ પર કર્યું. મોબાઈલ હાથ માં લઈ ઓલા કે ઉબેર માટે ઓનલાઈન તપાસ કરી, પરંતુ એમાં પણ સમય વધુ લાગે એમ હતું. ઘડિયાળ મા જોયું તો ફેશન શો ના મહેમાનો ને આવવાને હજુ વાર હતી. તેણે તરત સમીરાને કોલ કરીને આખી પરિસ્થિતિ સમજાવી અને ગાડી પાછી મોકલવા કહ્યું, પણ સમીરાએ જ્યારે જણાવ્યું કે ગાડી મા પંચર પડ્યું છે અને ઇમરાન તથા ડ્રાઇવર પંચર રીપેર કરાવવા બાજુના ગામમાં ગયા છે, તો એક ક્ષણ માટે તે ધ્રુજી ગઈ...પરંતુ બીજી જ ક્ષણે તે પાછી સ્ટેબલ થઈ ગઈ. 

રાગિણી એ ત્યાં જ રહીને રાહ જોવાનું ઉચિત માન્યું. સમીરાએ બધી તૈયારીઓ બરાબર થઈ હોવાની બાંહેધરી આપતા તેને થોડી હા'શ થઈ હતી. બસ, થોડો સમય પસાર થશે એટલે ફેશન શો ને અનુલક્ષીને કેટલાય વાહનો આવશે, જેમાંથી એકાદ માં તો તેના જવાની વ્યવસ્થા થઈ જ જશે... જસ્ટ ધ મેટર ઓફ સમ ટાઈમ... અને રાગિણી રસ્તા ની સાઈડમાં રહેલા પથ્થર પર બેસી દુખતા પગને પંપાળવા માંડી. 

થોડોક સમય પસાર થયો અને સામેથી એક મર્સીડીઝ આવતી દેખાઇ. તે ઉભી થઈ અને લંગડાતા પગે રસ્તા ની વચ્ચે જઇને ઊભી રહી ગઈ. મર્સીડીઝ જોરદાર ચિચિયારી સાથે તેની એકદમ નજીક આવી ને ઊભી રહી. ડ્રાઇવરે અંદર બેઠા બેઠા જ પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. રાગિણી ડ્રાઇવર સીટ પાસે આવી અને બધી વાત જણાવી મદદ માંગી. ડ્રાઇવરે પાછળ ની સીટમા બેસેલી વ્યક્તિ તરફ જોયું, અને ફ્રન્ટ સીટનો દરવાજો ખોલી આપ્યો. 

**********

"ઓહ, કમ ઓન આદિ... આટલુ તો તું મારી માટે કરી જ શકે ને! "

"પ્લીઝ, યાર. અત્યારે તારો ડોક્ટર આ આદિત્ય નથી, પણ ડૉ. ભટ્ટ છે. અને પરમિશન પણ એની જ લેવી પડશે. "

"આઇ નો, યાર. એટલે તો તને કહું છું. તુ ડૉ. ભટ્ટ પાસેથી પરમિશન અપાવી દે. તને ના નહિ પાડે. બાકી જ્યારથી ડેડ ડૉ. ભટ્ટ ને મળીને ગયા છે, તે મારું કશું સાંભળતાં જ નથી... પ્લીઝ યાર... ડુ સમથીંગ. "

"નો કે. કે. નોટ ધીઝ ટાઈમ. "

"ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ યાર. બસ, આજની આ ઇવેન્ટ મારી નજરે જોઈ લઉં એટલે મારા મનને શાંતિ થઈ જાય. પછી કોઇ ચિંતા નહી. પ્લીઝ આદિ... "

કે. કે. ને નાના બાળકની જેમ જીદ્દ કરતો જોઈ આદિત્ય થી હસી પડાયુ અને એટલું જ બોલ્યો, 

" લેટ મી ટ્રાય... બટ નોટ શ્યોર... "

"જા મેરે શેર... હિંમતે મર્દા તો મદદે ખુદા... ફતેહ કરકે લૌટના.. "

આદિત્ય રૂમની બહાર નીકળ્યો ત્યા સુધી કે. કે. આવી જ ઉટપટાંગ વાતો કરતો રહ્યો અને તેના ગયા પછી બંને હાથની પહેલી બે આંગળીઓની આંટી મારી ઉપર છત સામે જોતા બોલ્યો, 

"પ્લીઝ ભગવાન, હેલ્પ મી ધીઝ ટાઈમ. "

થોડીવારે આદિત્ય પાછો આવ્યો અને જમણા હાથનો અંગૂઠો બતાવી થમ્બસ અપ ની સાઇન કરી. કે. કે. એ પોતાની ક્રોસ્ડ ફિંગર્સ સીધી કરી અને આદિત્ય ને ભેટી પડ્યો. 

"થેંક્સ અ લોટ, આદિ.. "

વચ્ચેથી જ કે. કે. ને અટકાવતા આદિત્ય બોલ્યો, 

"ઓન વન કન્ડિશન... આઇ વીલ બી વીથ યુ ઓલ ધ ટાઇમ એન્ડ યુ હેવ ટુ ફોલો ઓલ માય ઇન્સ્ટ્રક્શન્સ વેરી સ્ટ્રીક્ટલી.. "

"કબૂલ હૈ... કબૂલ હૈ... કબૂલ હૈ... "

અને બંને દોસ્ત ખડખડાટ હસી પડ્યા. કે. કે. ના અતિઉત્સાહને કારણે નિયત સમય કરતાં ઘણા વહેલા તેઓ ફેશન શો ના વેન્યુ પર જવા માટે નીકળી ગયા. કે. કે. ની ખાસ ઈચ્છા હતી 'ડ્રીમ્સ અનલીમીટેડ' ની ટીમ ને મળવાની. હવે ઓફિસ જવાનુ તો બંધ જ થઈ ગયુ હતું અને હોસ્પિટલમાં મુલાકાત શક્ય નહોતી. 

"ડ્રીમ્સ અનલીમીટેડ"ની ટીમ કે. કે. ના મનોમસ્તિષ્ક પર પોતાનો પ્રભાવ છોડવામાં સફળ રહી હતી. આ રીતે આટલા અંતરિયાળ વિસ્તારમાં આવુ સરસ લોકેશન શોધવાનું, ત્યાં સ્પેશિયલ રોટેટીંગ સ્ટેજ બનાવવાના, મોડેલ્સને તૈયાર કરવાના, રિહર્સલ્સ કરાવવાના, ગેસ્ટ માટે ની સીટીંગ અરેન્જમેન્ટ, કેટરીંગ સર્વિસ, માસ્ટર ઓફ સેરીમની ની સ્પીચ તૈયાર કરવી... દરેક વસ્તુ પરફેક્શન ના લેવલ સુધી લઈ જવી... ખરેખર કે. કે. ઈમ્પ્રેસ્ડ તો થયો હતો, સાથે જ તે એ પણ જાણવા માંગતો હતો કે આ ટીમ અને તેના આઈડિયા સિંગાપોર મા કામ કરશે કે નહીં? 

રસ્તો લાંબો હતો, પરંતુ આદિ સાથે હસી મજાક મા કપાતો જતો હતો. વીકનેસને કારણે રસ્તામાં, ચાલુ ગાડીએ પણ ગ્લુકોઝ નો બોટલ ચડાવવાનુ ચાલુ રહે એવી વ્યવસ્થા આદિ એ કરી દીધી હતી. પાછળની સીટ આખી પરદાથી કવર કરી દીધી હતી. ફ્રંટ સીટ અને બેકસીટ વચ્ચે પણ પરદો લગાવેલો હતો. પૂરપાટ ઝડપે દોડતી મર્સીડીઝ એક ચિચિયારી સાથે ઉભી રહી એટલે આદિત્ય એ તરતજ પરદો સ્હેજ ખસેડી ડ્રાઇવર ને કારણ પૂછ્યું. એટલી વારમાં વ્હાઇટ શર્ટ અને સ્કાય બ્લ્યુ કેપ્રી પહેરેલી એક છોકરી ડ્રાઇવર સાથે વાત કરતી સંભળાઇ. તેના ખભે એક નાનકડી શોલ્ડર બેગ હતી. ડ્રાઇવર સાથેની તેની વાતચીત દરમિયાન આદિત્ય એ એવુ અનુમાન લગાવ્યું કે કોઈ મોડેલ હશે અને શો માટે જતી હશે, પણ રસ્તા મા એક્સિડન્ટ થતાં અહિ અટવાઈ ગઈ હશે. તેણે કે. કે. સામે જોયું અને કે. કે. એ હા પાડતાં એ છોકરી ને ફ્રંટ સીટમા બેસવાની મંજુરી મળી ગઈ. 

*******

રાગિણી બેસતા તો બેસી ગઈ, પણ પાછળ ની સીટ આ રીતે પરદાથી કવર કરેલી જોતા તેને નવાઈ લાગી. સાથે આશંકા પણ જાગી કે ક્યાંક તેણે ખોટા માણસો પાસે તો લિફ્ટ નથી લીધી ને! પણ તે વધુ કંઇ પૂછે તે પહેલા તો મર્સીડીઝ ફરી પૂરઝડપે દોડવા માંડી હતી. 

રાગિણી ના મનનો ઉચાટ વધતો જતો હતો. પરંતુ ઘડિયાળ સામે નજર જતા જ તે પોતાના મનને વાળી લેતી હતી. તેના પેટમા લોચા વળવાના શરૂ થઈ ગયા હતા. આમપણ તેનાથી ગાડીમા સફર થતી નહી. એટલે જ તો ફાઇલ ના બહાને તેણે એક્ટિવા પર આવવાનુ પસંદ કર્યું હતું. બીજી દસેક મિનિટ પસાર થઈ અને રાગિણી ને જોરદાર ઉબકા આવવા માંડ્યા. તેની હાલત જોઈને ડ્રાઇવર નટુકાકા એ ગાડી સાઇડમા ઉભી રાખી દીધી. 

રાગિણી ઝડપથી નીચે ઉતરી ને રસ્તા ની સાઇડમાં આવેલા ઝાડ પાસે દોડી ગઈ. એક કોગળા સાથે તેને વોમિટ થઈ ગઈ. નટુકાકા પાણી ની બોટલ લઈ તેની પાસે આવ્યા. આદિત્ય એ પરદો સ્હેજ ખસેડી ને આ બધુ જોયુ, તો તેનાથી રહેવાયુ નહી. તે બહાર નીકળવા જતો હતો, તો કે. કે. એ પણ પગ છૂટો કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આદિત્ય એ ગ્લુકોઝ ની બોટલ અટકાવીને નળી છૂટી કરી દીધી. બંને જણ ગાડીમાંથી સાથે જ બહાર આવ્યા. 

રાગિણી ને હજુ પણ વોમિટ થતી હતી. આદિત્ય તેની પાસે ગયો અને પોતાની પાસેથી વોમિટ બંધ કરવાની દવા તેને આપી. બરાબર ત્યારે જ રસ્તા ની સામેની બાજુ ની ઝાડીમાં હલચલ થઈ. એક સ્ત્રી બે હાથે ઘાઘરો પકડીને દોડતી એ તરફ આવતી હતી. માથે પરસેવાના રેલા, આંખમાં આંસુ ની ધાર... વારેઘડીએ પાછળ ફરીને જોતી, જાણે કોઇ પીછો ન કરતું હોય! કે. કે. એ આ જોયું. તે એ તરફ ગયો. એ સ્ત્રી ઘણી નજીક આવી ગઈ હતી. સખત હાંફતી હતી. હાંફને કારણે કશું બોલી નહોતી શકતી, પણ તેની બોડી લેંગ્વેજ પરથી તે મદદ માંગતી હોય એવુ લાગ્યુ. 

કે. કે. વધુ આગળ ગયો. અચાનક તે સ્ત્રીનુ બેલેન્સ ગયું અને તેનાથી રાડ પડાઇ ગઇ. કે. કે. એ છેલ્લી ઘડીએ તેને ઝીલી લીધી.

.......અને રાગિણી ની નજર એ તરફ ગઈ..... ***

Rate & Review

Kinjal Barfiwala 1 week ago

Manish Kuwadiya 4 weeks ago

nihi honey 4 weeks ago

Chetna Bhatt 1 month ago

Deepali Trivedi 1 month ago