Bewafa - 10 books and stories free download online pdf in Gujarati

બેવફા - 10

બેવફા

કનુ ભગદેવ

પ્રકરણ - 10

આનંદ તથા આશાનું ખૂન !

સાધના વર્તમાનમાં પાછી ફરી.

એની આંખો સામેથી ચલચિત્રની માફક ભૂતકાળનો એક બનાવ પસાર થઈ ગયો હતો. પોતાના વૃદ્ધ પિતાએ એ વખતે કેટલી ગૂઢ વાત જણાવી હતી એને આજે રહી રહીને સમજાયું હતું. પરંતુ એ વખતે તે એના વાતને યોગ્ય રીતે નહોતી સમજી શકી. આ વાત તેમણે આશા સાથે લગ્ન કરતાં પહેલાં કેટલાય દિવસો અગાઉ કહી હતી. એ વખતે તો આશા સાથે તેમની મુલાકાત પણ નહોતી થઈ. એના પિતાની એક એક વાતો સાચી પડતી જતી હતી. તેમની દરેક આગાહીઓ સાચી પડી હતી.

પછી સહસા તેને ટેક્સી ડ્રાયવરનો ચહેરો યાદ આવ્યો. વળતી જ પળે તે એકદમ ચમકી ગઈ. ટેક્સી ડ્રાયવર બીજું કોઈ નહીં, પણ બીજી વખત પોતાની જુબાની લેવા માટે આવેલો સબ ઈન્સ્પેક્ટર હતો, એ વાત તરત જ તે સમજી ગઈ.

એના ચહેરા પર આશ્ચર્યથી સાથે સાથે ભય અને ગભરાટના હાવભાવ છવાઈ ગયા.

તે ટેક્સી ડ્રાયવરને સબ-ઈન્સ્પેક્ટર અમરજી તરીકે બરાબર રીતે ઓળખી ચુકી હતી. એનું દિમાગ ઝપાટાબંધ કામે લાગી ગયું. એની નજર પોતાની પાછળ આવતા ટેક્સી પર જડાયેલી હતી. બેક-વ્યૂ મિરરમાં પાછળ આવતાં ટેક્સીની હેડ લાઈટ તેને દેખાતી હતી.

પોલીસ પોતાનો પીછો કરે છે, એ વાતમાં હવે તેને જરા પણ શંકા નહોતી રહી. પોલીસના વિચાર માત્રથી જ તે ગભરાઈ ગઈ હતી. એણે પોતાની કારની ગતિ એકદમ વધારી દીધી.

જવાબમાં પાછળ આવતી ટેક્સીની ગતિ પણ વધી ગઈ. પોલીસથી કેમ પીછો છોડાવવો એ તેને નહોતું સમજાતું.

છેવટે જુદી જુદી કેટલી યે સડકો વટાવીને એણે કારને રેલ્વે સ્ટેશન પાસે એક પબ્લિક બુથ પાસે ઊભી રાખી દીધી.

હવે તેને પાછળ આવતી ટેક્સીનો જરા પણ ભય નહોતો લાગતો. એણે હાલ તુરત પોતે જ્યાં જવા માંગતી હતી. ત્યાં જવાનો વિચાર માંડી વાળ્યો હતો.

એ નીચે ઊતરીને બૂથમાં દાખલ થઈ ગઈ. પછી બૂથનું બારણું અંદરથી બંધ કરીને સ્ટેન્ડ પર લટકતું રિસિવર ઊંચક્યું ત્યારબાદ હેન્ડ પર્સમાંથી એક રૂપિયાવાળો સિક્કો કાઢીને નંબર મેળવવા લાગી.

થોડે દૂર એક થાંભલાની ઓય પાછળ ઊભેલો સબ-ઈન્સ્પેક્ટર અમરજી ધૂંધવાઈ ને રહી ગયો. સાધનાનો પીછો કરવાની પોતાની યોજના નિષ્ફળ ગઈ છે, એ વાત તે સમજી ગયો હતો. સાધનાને પોતાનો પીછો થતો હોવાની શંકા આવી ગઈ હતી અને આ કારણસર જ અત્યારે તે કોઈકને ફોન કરતી હતી.

પાંચેક મિનિટ બાદ રિસિવર હૂકમાં ટાંગી, બહાર નીકળીને સાધના પોતાની કારમાં બેસીને રવાના થઈ ગઈ. તેના ચહેરા પર રાહતના હાવભાવ છવાઈ ગયા હતા. એની કાર હવે બંદર રોડ પર આવેલા પોતાના નિવાસસ્થાન તરફ આગળ ધપતી હતી.

અમરજી ટેક્સીમાં તેની પાછળ જ હતો.

થોડી વાર પછી સાધનાની કાર બંગલા પાસે પહોંચીને ઊભી રહી ગઈ. સબ-ઈન્સ્પેક્ટર અમરજીએ લખપતિદાસના બંગલાતી થોડે દૂર ઊભેલી જીપ પાસે પહોંચીને ટેક્સી ઊભી રાખી. એ જીપ પોલીસની હતી અને તેમાં નાગપાલ, વામનરાવ અને બે સિપાહીઓ બેઠા હતા. અમરજીને ઊભેલા જોઈને નાગપાલ તથા વામનરાવ જીપમાંથી નીચે ઊતર્યાં.

અમરજી ટેક્સીમાંથી નીચે ઉતરીને તેમની પાસે પહોંચ્યો.

‘શું થયું ?’વામનરાવે વ્યાકુળ અવાજે પૂછ્યું, ‘સાધના ક્યાં ગઈ હતી ?’

‘સાહેબ...!’અમરજી નિરાશાભર્યા અવાજે બોલ્યો, ‘એને કદાચ મારા પર શંકા આવી ગઈ હતી. જાણે મને ઓળખી ગઈ હોય એ રીતે એણે મારી સામે જોયું હતું.’

‘શું ચોકીદાર ટેક્સી ઊભી રાખવા માટે બહાર નહોતો આવ્યો ?’

‘ના...ટેક્સીનો તો આજે તેને જરૂર જ નહોતી.’

‘કેમ ?’

‘આજે તે પોતાની કારમાં બેસીને જ ગઈ હતી.’

‘પણ કારના અવાજથી બંગલામાં કોઈની ય ઊંઘ ન ઊડી ?’

‘ના...એની કાર બંગલાની બહાર થોડો દૂર અંધકારમાં ઊભી હતી. એ પોતાની કારમાં બેસીને રવાના થઈ ગઈ. એ ભૈરવ ચોક, દિવાન ચોક વગેરે વટાવીને રેલ્વેસ્ટેશન સુધી ગઈ હતી. ત્યાં એણે એક પબ્લિક બૂથમાંથી કોઈકને ફોન કર્યો હતો. એના ચહેરા પર ક્રોધના હાવભાવ છવાયેલા હતા.’

‘ઓહ...’નાગપાલે કહ્યું, ‘આનો અર્થ એ થયો કે તે જ્યાં જવા નીકળી હતી, ત્યાં નહોતી ગઈ. એને પહેલાંથી જ શંકા આવી ગઈ હતી. આ તો હું ઘણું ખોટું થયું. હવે તે સાવચેત થઈ જશે અને સમજી-વિચારીને સાવચેતીથી જ દરેક કામ કરશે. એ જરૂર કોઈકને મળવા જવા માટે નીકળી હતી. એ જેને મળવા જવાની હતી, તે આપણે માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે તેમ હતો. ખેર, શું એ પાછી આવી ગઈ છે ?’

‘હા...એની કાર હજુ પણ બંગલાની બહાર ઊભી છે. સવારે બહાદુર કારને બંગલામાં પહોંચાડી દેશે.’

‘આ વાતની ખબર તને કેવી રીતે પડી ?’

‘એણે ફાટક ઉઘાડીને બંગલામાં દાખલ થયા પછી બહાદુરને ચાવીનો ઝૂડો આપીને તેની સાથે કંઈક વાતો કરી હતી. હું ટેક્સીને ઊભી રાખી,

પગપાળા જ તેના બંગલાની સામે અંધકારમાં ઊભો હતો. થોડીવાર સુધી વાતો કર્યા પછી સાધના બંગલાના અંદરના ભાગ તરફ આગળ વધી ગઈ હતી.’

‘આ બધું તો અંદરથી વાઘજીએ પણ જોયું હશે. તેને આપણા પર શંકા આવી ગઈ છે એટલે હવે આપણું કામ ખૂબ જ વિકટ બની ગયું છે. આપણે કોઈક બીજો ઉપાય શોધવો પડશે. અને...’નાગપાલની વાત અધૂરી રહી ગઈ.

સહસા તેમના કાને કોઈકની ચીસોનો અવાજ અથડાયો. બધા એકદમ ચમકી ગયા. ચીસ કઈ દિશામાંથી આવી હતી, એ તેઓ નહોતા સમજી શક્યા. પછી એ ચીસની સાથે વાતાવરણમાં સીટીનો અવાજ ગુંજી ઊઠ્યો. એ સીટીનો અવાજ પોલીસ-વ્હીસલનો હતો. સીટી વાઘજી દ્વારા વગાડવામાં આવે છે, એ વાત તરત જ તેઓ સમજી ગયા.

નાગપાલે તરત જ જીપને સ્ટાર્ટ કરીને લખપતિદાસના બંગલા તરફ દોડાવી મૂકી. અમરજી ચાલુ જીપે જ ચડી ગયો હતો. ટેક્સીને એણે ત્યાં જ પડતી મૂકી દીધી હતી.

બે મિનિટમાં જ જીપ લખપતિદાસનાં બંગલા સામે પહોચીન ઊભી રહી ગઈ. બંગલાની બધી બત્તીઓ ચાલુ હતી. લોનમાં પણ ભરપુર અજવાળું હતું.

વરંડામાં બંગલાના નોકરો, સવિતા, પૂનાથી આવેલ લખપતિદાસના મામાનો દિકરો સેવકરામ તથા સાધના... આ બધા ધ્રુજતી હાલતમાં ઊભા હતા.

વાતાવરણમાં હજુ પણ વ્હીસલનો અવાજ ગુંજતો હતો.

નાગપાલ વિગેરે જીપમાંથી નીચે ઊતરી, ફાટક ઉઘાડી, અંદર દાખલ થઈને સીધા જ બંગલાના પાછળના ભાગ તરફ દોડ્યા. કારણ કે વ્હીસલનો અવાજ એ તરફથી જ આવતો હતો.

વામનરાવના હાથમાં ટોર્ચ જકડાયેલી હતી.

ટોર્ચના પ્રકાશમાં આગળ વધીને તેઓ બંગલાના પાછળના ભાગમાં પહોંચ્યા. ત્યાં પાછળની દીવાલ પાસે એક આકૃતિ ઊભી હતી.

વામનરાવના હાથમાં જકડાયેલી ટોર્ચનો પ્રકાશ એ આકૃતિ પર પડ્યો. તે આકૃતિ બીજું કોઈ નહીં પણ વાઘજી હતો. નાગપાલ વિગેરેને જોઈને એણે સીટી વગાડવાનું બંધ કરી દીધું.

નાગપાલ વિગેરે ઝડપભેર તેની નજીક પહોંચ્યા.

‘શું વાત છે વાઘજી...?’વામનરાવે પૂછ્યું.

‘ખૂન...ખૂન... સાહેબ...!’સતત સીટી વગાડવાને કારણે વાઘજીનો શ્વાસ ફૂલી ગયો હતો. એણે હાંફતા અવાજે કહ્યું, ‘ત...ત્યાં જુઓ સાહેબ...!’કહીને એણે દીવાલની બીજી તરફ આંગળી ચીંધી.

નાગપાલ, વામનરાવ અને અમરજીએ એણે સંકેત કરેલી દિશામાં નજર દોડાવી.

દરિયાનાં ઉછળતાં મોજાંનો શોર વાતાવરણમાં ગુંજતો હતો.

આકાશમાં પૂનમનો ચંદ્રમાં જાણે કે સોળે ય કળાએ ખીલ્યો હતો.

ચંદ્રમાના એ આછા અજવાળામાં તેમણે જોયું તો દરિયાકિનારાની રેતી પર બે માનવદેહો તેમને દેખાયા.

નાગપાલ, વામનરાવ અને અમરજી દીવાલ કૂદીને રેતી પર પહોંચ્યા. તેમની પાછળ વાઘજી તથા એક અન્ય સિપાહી પણ હતો. નાગપાલે આગળ વધી, બંને માનવદેહો નજીક પહોંચીને ટોર્ચના પ્રકાશમાં તેનું નિરિક્ષણ કર્યું. બેમાંથી એકયના દેહમાં હલનચલન નહોતું થયું. તેમની આંખોમાંથી જીવનની ચમક ઊડી ગયેલી હતી. એ બંને મૃત્યુ પામ્યા હતા.

બંને મૃતદેહો આનંદ તથા આશાના હતા. આશાના બંને હાથ પેટ પર હતા. તેના મૃતદેહની આજુબાજુમાં રેતી પર લોહી નીકળીને ફેલાયેલું હતું. એણે પહેરેલી ગુલાબી કલરની નાઈટી લોહીથી ખરડાયેલી હતી. ચહેરા પર પીડાના હાવભાવ છવાયેલા હતા. એનો મૃતદેહ જમણા પડખાભેર પડ્યો હતો. એના ચહેરાનો અડધો ભાગ રેતીને સ્પર્શતો હતો. એના બંને હાથ જ્યાં પડ્યા હતા. ત્યાંથી હજુ પણ લોહી વહેતું હતું. એની છાતીમાં ડાબી તરફ હ્રદય પાસે ગોળીનો છેદ દેખાતો હતો. તેનાથી છ-સાત ફૂટ દૂર જમણી તરફ આનંદનો મૃતદેહ પડયો હતો. તેના દેહ પર માત્ર જીન્સનું પેન્ટ જ હતું. એણે બુશશર્ટ કે જાકીટ નહોતાં પહેર્યાં. એના હાથ-પગ વિરુદ્ધ દિશામાં ફેલાયેલા હતા. જાણે પીઠભેર આરામથી સૂતો હોય એવું લાગતું હતુ. એનું મોં આકાશ તરફ હતું. આંખો ખુલ્લી ફટાક હતી. એની ગરદનની નીચેનો ભાગ લોહીથી ખરડાયેલો હતો. ગોળી તેની ગરદનમાં વાગેલી હતી. થોડે દૂર એક પથ્થર પર તેનો બુશશર્ટ અને જાકીટ પડ્યા હતા. પથ્થરની બાજુમા જઆંદના બૂટ તથા આશાનાં સેન્ડલ વિખેરાયેલી હાલતમાં પડ્યાં હતાં.

નાગપાલ ધ્યાનથી મૃતદેહોનું નિરીક્ષણ કરતો હતો.

આ દરમિયાન બંગલાના એક નોકર સાથે લખપતિદાસના મામાનો દિકરો સેવકરામ પણ ત્યાં પહોંચી ગયો હતો.

નોકરના હાથમાં પેટ્રોમેક્સ જકડાયેલી હતી.

આનંદ તથા આશાના મૃતદેહો જોઈને સેવકરામ ધ્રુજી ઊઠ્યો.

નાગપાલ વાઘજીને એક તરફ લઈ ગયો. સેવકરામ પણ તેમની બાજુમાં જ ઊભો હતો.

‘કહું સાહેબ ?’વાઘજીએ ધીમા અવાજે પૂછ્યું.

નાગપાલે હકારાત્મક ઢબે માથું હલાવ્યું.

‘દરરોજની જેમ હું નોકરોના કવાર્ટરની અગાશી પર બેઠો હતો. સાધના બહાર જઈને પાછી આવી ગઈ હતી.

‘સાધના બહાર જઈને...’સેવકરામે કહ્યું પણ પછી નાગપાલના સંકેતથી તે ચૂપ થઈ ગયો.

‘સાધના પાછી બંગલામાં ચાલી ગઈ હતી.’વાઘજીએ કહ્યું, ‘હું મારી ડયૂટિ પૂરી થયેલી સમજી, નીચે ઉતરીને મારી રૂમમાં પહોંચ્યો. હું સૂવાની તૈયારી કરતો હતો. ત્યાં જ મને કોઈકની ચીસ સંભળાઈ. ચીસનો અવાજ બંગલાના પાછળના ભાગમાંથી આવ્યો હતો. હું તરત જ એ તરફ વ્હીસલ વગાડતો દોડ્યો. આ દરમિયાન ચીસોનો અવાજ બંધ થઈ ગયો હતો. પાછળના ભાગમાં પહોંચીને મેં જોયું તો મને કંઈ જ ન દેખાયું. પછી અચાનક મને દીવાલની બીજી તરફ રેતી પર જોવાનો વિચાર આવ્યો. મેં ટોર્ચનો પ્રકાશ એ તરફ ફેંક્યો તો દરિયાકિનારે જમણી તરફ એક આકૃતિ દોડતી મને દેખાઈ. હું તેની પાછળ દોડ્યો પણ એ ક્યાંક અર્દશ્ય થઈ ગયો. ત્યારબાદ હું નિરાશ થઈને પાછો ફર્યો. પાછા ફરતી વખતે રેતી પર પડેલા આ બંનેના મૃતદેહો મને દેખાયા. નાગપાલ સાહેબ !’વાઘજીનો અવાજ ગમગીન હતો, ‘હું દિલગીર છું.’

‘કેમ...?’

‘હું મારી ફરજ સરખી રીતે ન બજાવી શક્યો ! હું અહીં હોવા છતાં પણ આશા ક્યારે પોતાની રૂમમાંથી નીકળીને દરિયાકિનારે પહોંચી ગઈ તેની મને ખબર ન પડી. મારે પાછળના ભાગમાં પણ નજર રાખવાની જરૂર હતી.’

‘એમાં તારો કંઈ જ વાંક નથી !’નાગપાલ ગંભીર અવાજે બોલ્યો, ‘તેં તારી ફરજ બરાબર જ બજાવી છે.’

ત્યારબાદ નાગપાલે નોકરના હાથમાંથી પેટ્રોમેક્સ લઈ લીધી. પછી ટોર્ચને વામનરાવના હાથમાં મૂકીને તે પેટ્રોમેક્સના અજવાળામાં, રેતી પર પગલાંના પડેલાં નિશાનોના આધારે આગળ વધવા લાગ્યો. રેતી પર પગનાં નિશાના ખાડા જેવાં દેખાતાં હતાં.

નાગપાલ નિશાનોના પીછો કરીને ઘણો દૂર નીકળી ગયો હતો. પછી અચાનક તેની નજર એક પગલાના નિશાન પાસે પડી. નિશાનની બાજુમાં જ ધાતુની કોઈક વસ્તુ તેને દેખાઈ.

નાગપાલે નીચા નમીને એ વસ્તુનું નિરીક્ષણ કર્યું તે એક બત્રીસ કેલીબરમાંથી છોડાવામાં આવેલી ગોળી હતી. ગોળીનો બારૂદ સળગી ગયેલો હતો.

એણે રૂમાલમાં લપેટીને એ ગોળીને ગજવામાં મૂકી દીધી. ત્યારબાદ તે કેટલી યે વાર સુધી મૃતદેહોની આજુબાજુમાં ફરતો રહ્યો. વામનરાવ નાગપાલના સંકેતથી ટોર્ચ લઈને જીપ પાસે ચાલ્યો ગયો હતો.

આ દરમિયાન સાધના પણ સવિતા સાથે બંગલાના પાછળના ભાગમાં આવી પહોંચી હતી.

સેવકરામ દરિયાકિનારેથી પાછો ફરીને તેમની સાથે વાતો કરવા લાગ્યો. વામનરાવ જીપ પાસેથી પાછો આવી ગયો હતો. નાગપાલે સંકેતથી તેને કંઈ સમજાવ્યું.

વામનરાવ દીવાલની સાથે સાથે આગળ વધીને રેતીનું નિરીક્ષણ કરવા લાગ્યો. ત્યાં રેતી પર તેને સિગરેટનાં ઠુંઠા દેખાયા. એણે એ ઠૂંઠાને ઊંચકીને ગજવામાં મૂકી દીધાં. ત્યારબાદ તે ફરીથી પગલાંના નિશાનોનું નિરીક્ષણ કરવા લાગ્યો. પગલાંના એ નિશાન કાં તો આનંદના બૂટનાં અથવા તો પછી આશાનાં સેન્ડલનાં હતાં. પરંતુ એ બંને સિવાય બીજા કોઈનાં પગલાંનાં નિશાન તેને ન દેખાતા.

મૃતદેહોની બીજી તરફની રેતી એટલી બધી પોચી ને નરમ હતી કે ત્યાં પગલાંના નિશાન ખાડાના રૂપમાં હતાં અને એ ખાડામાં બૂટ કે સેન્ડલના તળીયાની છાપ બનવી તો એક તરફ રહી, પગની સાઈઝનું અનુમાન પણ થઈ શકે તેમ નહોતું.

‘તમે લોકો હમણાં અહીં રેતી પર આવશો નહીં, ‘નાગપાલે બંગલાની દીવાલ પરથી નીચે રેતી પર ઉતરવાનો પ્રયાસ કરતી સાધનાને ઉદ્દેશીને કહ્યું, ‘હમણાં તમે બધાં ઉપર જ રહેજો. જો તમે નીચે ઉતરશો તો પછી અમે ગુનેગારના પગલાંના નિશાનોને નહીં સમજી શકીએ.’

સાધના વગેરે ત્યાં જ ઊભા રહી ગયા. તેમના ચહેરા પર ભય ગભરાટ અને ગભરાટના હાવભાવ છવાઈ ગયા હતા.

દસેક મિનિટ પછી...

દરિયાકિનારે ડોમ સ્કવોડ પહોંચી ચૂક્યો હતો. નાગપાલના કહેવાથી વામનરાવે જ જીપ પાસે જઈ, પોલીસ હેટક્વાર્ટરે વાયરલેસથી આ બનાવાની સૂચના આપીને ફોટોગ્રાફર તથા ડોગ સ્કવોડની માંગણી કરી હતી.

બે સિપાહીઓના હાથમાં પોલીસ ડોગના ગળામાં બાંધેલા પટ્ટાની સાંકળ જકડાયેલી હતી.

તેમના આગમન સાથે જ નાગપાલ વિગેરે બંગલાની દીવાલ પાસે પહોંચી ગયા.

પોલીસ ડોગની સાંકળ પકડેલા બંને સિપાહીઓ મૃતદેહની ચારે તરફ ચક્કર મારવા લગ્યા.

બંને કૂતરાઓએ મૃતદેહની આજુબાજુમાં સૂંઘીને માથાં ઊંચા કર્યાં. પછી ફરીથી મૃતદેહો સૂંધીને તેઓ આનંદના વસ્ત્રો તથા બૂટ પાસે ગયા. ત્યારબાદ તેઓ સિગારેટનાં ઠૂંડા પડ્યાં હતાં એ તરફ ગયાં..

પછી તેમણે ફરીથી મૃતદેહોની આજુબાજુમાં સૂંઘીને માથાં ઊંચા કર્યાં.

આ વખતે તેઓ ઝડપભેર જમણી તરફ આગળ વધ્યાં. તેઓ નાગપાલ પગલાંનો પીછો કરીને દૂર સુધી ગયો હતો, એતરફ દોડ્યા. તેમની ચાલ એકદમ વઘી ગઈ હતી. કૂતરાની પાછળ પાછળ બંને પોલીસોને પણ હવે દોડવું પડતું હતું.

તેઓ દોડીને સડક પાસે પહોંચ્યાં. આ સડક મૃતદેહોથી હજારેક વાર દૂર હતી.

સડક પર પહોંચીને તેઓ ઊભા રહી ગયા. જેના પરથી સ્પષ્ટ થતું હતું કે ગુનેગાર સડક પર આવી કોઈક વાહનમાં બેસીને નાસી છૂટ્યો હતો.

ત્યારબાદ આનંદ તથા આશાના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યાં.

વિશાળગઢથી બહાર પડતાં સાંજના દરેક અખબારમાં આશા તથા આનંદના ખૂનના સમાચાર છપાયા.

એક અખબારમાં મોટા હેડીંગમાં લખ્યું હતું- સાસું અને જમાઈનું ખૂન !

એક અન્ય અખબારમાં લખ્યું હતું કે- શેઠ લખપતિદાસની ખૂન પરથી સ્પષ્ટ થતું હતું કે આનંદ તથા આશાના ખૂન વચ્ચે જરૂર કંઈક સંબંધ છે. સવાર પડતાં જ સી.આઈ.ડી. વિભાગના ચીફ ઓફ સ્ટાફ મહેતા સાહેબે નાગપાલને બોલાવ્યો.

અત્યારે નાગપાલ મહેતા સાહેબ સામે બેઠા હતો.

‘નાગપાલ...!’મહેતા સાહેબનો અવાજ ગંભીર હતો, ‘લખપતિદાસ વિશાળગઢનો પ્રતિષ્ઠિત માણસ હતો. કોર્ટે તેમનો કેસ આપણા વિભાગને સોંપ્યો હતો. વિશાળગઢનો સી.આઈ.ડી. વિભાગ ગુનેગારો સુધી પહોંચવામાં કેટલો નિષ્ણાંત છે. એ વાત માત્ર તું અને હું , જ નહીં પણ ભારતમાં રહેતા સૌ કોઈ જાણે છે. અને આપણી આ યોગ્યતા જોઈને જ ભારત સરકારે આપણને તપાસમાં ઉપયોગી નીવડે તેવાં આધુનિક યંત્રો આપ્યાં છે. આ શહેરમાં ભારતભરનાં જુદા જુદા શહેરોમાંથી આવે લોકો વેપાર કરે છે. વિશાળગઢમાં જેટલી શાંતિ છે, તેટલી શાંતિ ભારતના બીજા કોઈ શહેરમાં જોવા નથી મળતી. શા માટે...? એટલા માટે કે આપણો વિભાગ શાંતિ જાળવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. આપણા વિભાગના ઓફિસરો ખૂબ જ મહેનતુ ને ઈમાનદાર છે. અને આવા ઓફિસરોમાં એક નામ હું કેટલી યે વાર સાંભળી ચૂક્યો છું. અને એ નામ છે, તારું ! મેજર નાગપાલનું !’

મહેતા સાહેબની વાત સાંભળીને નાગપાલના ચહેરા પર ભોંઠંપના હાવભાવ છવાઈ ગયા. મહેતા સાહેબે જાણે પોતાના વખાણ નહીં પણ કટાક્ષ કર્યો હોય એવું તેને લાગ્યું. અને ખરેખર જ નાગપાલ જેવો નાગપાલ પણ લખપતિદાસના કેસમાં મૂંઝાઈ ગયો હતો.

‘નાગપાલ...’મહેતા સાહેબે કહ્યું, ‘આજ સુધીમાં જેટલા કેસો તને સોંપવામાં આવ્યા છે, એ બધાં તે સફળતાપૂર્વક ઉકેલીને ગુનેગારોને ઘટતા ફેજે પહોંચાડ્યા છે. પરંતુ આ કેસમાં હજી સુધી તું સફળ નથી થયો. અત્યાર સુધી આ કેસમાં તું કેટલા આગળ વધ્યો છે. એ હું નથી જાણતો.

પરંતુ સફળતાને બદલે અત્યાર સુધીમાં આપણાં વિભાગને આ બીજો ફટકો પડ્યો છે. બબ્બે ખૂન થઈ ગયાં ને તું જોતો રહ્યો. આજે કેટલી યે સંસ્થાના મારા પર પત્રો આવ્યા છે. અને તેમાં આપણા વિભાગની આકરી ટીકા કરવામાં આવી છે.’

‘સર...!’નાગપાલ બોલ્યો, ‘ આ કેસમાં મને અત્યાર સુધી નિષ્ફળતા મળી છે, એ વાત હું કબૂલ કરું છું. આ કેસને ઉકેલવા માટે મેં મારાથી બનતા તમામ પ્રયાસો કર્યાં છે. પણ તે ઉકેલવાને બદલે વધુને વધું

ગુંચવાતો જાય છે. પણ હવે આપણા વિભાગની વધુ બદનામી નહીં થાય’.

‘કેમ...?’

‘હું શેઠ લખપતિદાસની પુત્રી સાધનાની ધરપકડ કરવા માગું છું અને આ માટે મને મંજૂરી મળે એમ હું ઈચ્છું છું.

‘શું...?’મહેતા સાહેબે ચમકીને પૂછ્યું.

‘જી, હા...!’નાગપાલે જવાબ આપ્યો, ‘આ કેસમાં સ્ત્રીઓએ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. હું હજુ ગઈ કાલે જ મારી તપાસમાં આગળ વધીને આશા તથા આનંદ સુધી પહોંચ્યો હતો અને આજે સવારે તેમની ધરપકડ પણ કરવાનો હતો. પરંતુ હું તેમની ધરપકડ કરું એ પહેલાં જ તેમનાં ખૂન થઈ ગયાં. મારી બધી મહેનત નકામી ગઈ. હવે એક માત્ર સાધના પાસેથી જ ખૂની વિશે જાણવા મળી શકે તેમ છે. બસ, મને તેની ધરપકડ કરવાની

રજા આપવામાં આવે એટલું જ ઈચ્છું છું. આમ તો હું ધારું તો મારી પાસેનાં સ્પેશીયલ બ્લેન્ક વોરંટના આધારે પણ તની ધરપકડ કરી શકું તેમ છું.’

‘નાગપાલ, આ તું શું કહે છે ?’મહેતા સાહેબ ઉત્તેજીત અવાજે બોલ્યા, ‘સાધનાની ધરપકડથી આખા શહેરમાં હોહા મચી જશે. એના જેવી માસૂમ છોકરી ચાર-ચાર ખૂનો કરે એ વાત જ મારે ગળે નથી ઊતરતી. એની ધરપકડ કરવા માટે તારી પાસે કોઈ પુરાવો છે ?’

‘એની ધરપકડ કર્યા પછી હું પુરાવાઓ પણ મેળવી લઈશ. જ્યાં સુધી તેની ધરપકડ નહીં થાય, ત્યાં સુધી આ ચારે ય ખૂનનો ભેદ નહીં ઉકેલાય તે હું જાણું છું.

‘ના...પુરાવાઓ વગર સાધનાની ધરપકડ કરવા માટે હું તને રજા આપી શકું તેમ નથી. દુનિયાની નજરે સાધના માસૂમ નિર્દોષ અને કમનસીબ છે. હા, જો તારી પાસે સાધના વિરુદ્ધ કોઈ જડબે-સલાક પુરાવો હોય તો તું તારે ખુશીથી તેની ધરપકડ કરી શકે છે. પહેલાં તું એની વિરુદ્ધ પુરાવાઓ શોધી કાઢ. પછી તારે મારી મંજુરી લેવાની પણ જરૂર નથી. તું બેધડક તેની ધરપકડ કરી લેજે.’

‘ઠીક છે...તો પછી હું માત્ર ચોવીસ કલાકમાં જ તેની વિરુદ્ધ પુરવાઓ શોધી કાઢીશ.’નાગપાલનો અવાજ કઠોર હતો, ‘આ મારો... મેજર નાગપાલનો દાવો છે ! એ ભલે પોતાના માસૂમ ચ્હેરાની આડમાં આ બધાં ખૂન કરતી હોય ! પણ હું તેનાથી નથી છેતરાવાનો !’

‘એને શા માટે ખૂન કરવાં પડે, તેનો વિચાર તેં કર્યો છે. ખરો ?’મહેતા સાહેબે ખુરશી પર પાસું બદલતાં પૂછ્યું.

‘હા...એણે જ અનવર, આનંદ તથા આશાનાં ખૂન કર્યા છે. આનંદ તેનો ભાવિ પતિ હતો. પંરતુ એની સાવકી મા આશાએ આનંદને પોતાના મોહપાશમાં જકડી લીધો. બીજી રીતે કહું તો આનંદને તેની પાસેથી આંચકી લીધો. સાધના પહેલાંથી જ આશાને નફરત કરતી હતી. આશા તથા આનંદના અનૈતિક સંબંધો વિશે તે જાણતી હતી. એણે બદલો લેવા માટે એ બંનેનાં ખૂન કરાવી નાંખ્યા.’

‘અર્થાત્ આ ખૂન એણે પોતે નથી કર્યાં ખરું ને ?’

‘અનવરનું ખૂન એણે પોતે જ કર્યું છે. આનંદ તથા આશાના ખૂન પણ એણે જ કરાવ્યાં છે. એ બંગલાની બહાર ગઈ. સબ-ઈન્સ્પેક્ટર અમરજીએ તેનો પીછો કર્યો. એ બહાર ગઈ ત્યારે ખૂબ જ ગુસ્સે દેખાતી હતી. એને પોતાનો પીછો થતો હોવાની શંકા આવી. પહેલાં તે ભૈરવ ચોક તરફ જતી હતી પણ પછી એણે પોતાનો માર્ગ બદલી નાખ્યો. એ રેલ્વેસ્ટેશન પર પહોંચી. એણે ત્યાંના એક પબ્લિક બૂથમાંથી કોઈકને ફોન કર્યો. એ વખતે પણ તેના ચ્હેરા પર ક્રોધના હાવભાવ છવાયેલા હતા. ફોન કરીને એ પાછી

પોતાના બંગલે પહોંચી ગઈ. એના ફોન પછી ખૂની, કે જે એટલામાં જ ક્યાંક હતો, એ કોઈક વાહનમાં બેસીને લખપતિદાસના બંગલાના પાછળના ભાગમાં દરિયાકિનારે પહોંચી ગયો. વાહનને એણે સડક પર જ ઊભું રાખી દીધું હશે.’કહીને નાગપાલ થોડી પળો માટે અટક્યો. થોડી પળો બાદ નાગપાલે પોતાની વાત આગળ લંબાવી, ‘સાધનાનો એ સાથીવાર આનંદ તથા આશાને ગોળી ઝીંકીને આવ્યો હતો. એ જ રીતે વાહનમાં બેસીને નાસી છૂટ્યો. મેં હજુ સાધનાને બહુ પૂછપરછ નથી કરી. માત્ર થોડી ઘણી જ પૂછપરછ કરી છે. એ પૂછપરછ મેં હજી સુધી તેના બહાર જવા વિશે કંઈ નથી પૂછ્યું. મારી મુંઝવણ લખપતિદાસના બંગલાના ચોકીદાર બહાદુરના ગુમ થઈ જવાની એકદમ વધી ગઈ છે. મેં તેના વિશે પણ કોઈને કંઈ પૂછપરછ નથી કરી. પરંતુ તેમ છતાંય તે ગુમ તો થઈ જ ગયો છે.’

‘બરાબર છે...પણ તેમ છતાં ય સાધના ખૂની છે એમ માની હોવાની કંઈ જરૂર નથી નાગપાલ ! જોકે તેની ફોન કરવાની હિલચાલ શંકાસ્પદ જરૂર છે. મેં તેને એક વખત લખપતિદાસના શો રૂમ નૂર મહેલમાં જોઈ હતી. એ ખૂની હોઈ શકે જ નહીં.’

‘ખેર, આનંદ તથા આશાનાં ખૂન સાધનાએ કરાવ્યાં છે. અગાઉ અનવરનું ખૂન એણે પોતે જ કર્યું છે. કારણ કે અનવર તેની રૂમમાં જ દાખલ થયો હતો.’

‘અને શેઠ લખપતિદાસનું ખૂન કોણે કર્યું ? એના ખૂન વિશે તું માને છે ?’

‘તેમણે આપઘાત કર્યો હોય એમ હું માનતો નથી માનતો !’

‘કરેક્ટ...!’મહેતા સાહેબના ચહેરા પર ચમક પથરાઈ ગઈ, ‘તારી માન્યતા સાચી હોય એવું લાગે છે. જોકે પહેલાં તો હું પણ તેમણે આપઘાત કર્યો છે એમ જ માનતો હતો. એણે પોતાની પત્નીને, દિકરા સમાન જમાઈના બાહુપાશમાં જોઈ, દુ:ખી થઈને આપઘાત કરી લીધો હશે એવી મારી માન્યતા હતી. પણ પછી એક વિચાર આવતાં જ મને મારી માન્યતા હતી. પણ પછી પોતાની યુવાન પુત્રીની ફિકર છોડીને આપઘાત કરી શકે તેમ નહોતો. ઉપરાંત તેની પાસે રિર્વોલ્વર પણ હતી. માણસ બધી બાજુથી નિરાશ થયા પછી, જ્યારે તે કંઈ જ ન કરી શકવા ‘માટે લાચાર બની જાય ત્યારે જ આપઘાત કરવાનું પગલું ભરે છે. લખપતિદાસ ધારત તો પોતાની રિવોલ્વરથી આનંદ તથા આશાને ગોળી ઝીંકી દઈ શકે

તેમ હતો. આ ઉપરાંત તેની રૂમમાંથી સ્યૂસાઈડ નોટ પણ નથી મળી.

માણસ જ્યારે આપઘાત કરે, ત્યારે આપઘાતનું કારણ દર્શાવતો કોઈકને કોઈક પત્ર જરૂર લખતો જાય છે. લખપતિદાસે આવો કોઈ જ પત્ર નથી લખ્યો.’

‘હું પણ એમ જ માનું છું. સર ! આ માન્યતા પાછળ મારી સામે માત્ર સાધનાનો ચહેરો જ આવે છે. એ જ પોતાના પિતાના ખૂનીનો અથવા તો પોતાને પ્રેમમાં દગો આપનારાઓને એક પચી એક ઠેકાણે પડાવતી આવે છે. પોસ્ટમોર્ટમ દરમિયાન આનંદ તથા આશાના મૃતદેહોમાંથી જે ગોળીઓ મળી આવી છે, તે બત્રીસ કેલીબરની રિર્વોલ્વરમાંથી છોડવામાં આવી છે. આ ગોળીઓ બેલેસ્ટીક વિભાગમાં મોકલી આપવામાં આવી છે અને હું હવે માત્ર બેલેસ્ટિક વિભાગના રિપોર્ટની જ રાહ જોઉં છું. સર ! હું માત્ર ચોવીસ કલાકમાં જ આ કેસના અસલી ગુનેગારને શોધી કાઢીશ, તેની આપને ખાતરી આપું છું.’

‘ઓ.કે...મારી શુભેચ્છાઓ તારી સાથે જ છે !’મહેતા સાહેબે કહ્યું. ત્યારબાદ નાગપાલ ત્યાંથી વિદાય થઈ ગયો.

***

Share

NEW REALESED