prem agan - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અગન 2

પ્રેમ અગન:-પ્રકરણ 2

સવારે શિવ ની જેવી આંખ ખુલી એ સાથે જ એને પ્રથમ કામ પોતાની જોડે રહેલી એ તસ્વીર ને પુનઃ પોતાની મૂળ જગ્યાએ રાખવાનું કર્યું.શિવ શાયદ એ યુવતીને બધાથી છુપાવીને રાખવાં માંગતો હતો એવું એનાં વર્તન ઉપરથી સમજવું સરળ હતું. હમીરે બનાવેલો નાસ્તો કર્યાં બાદ શિવ નવ વાગે પોતાનાં એક ક્લાયન્ટ ને મળવાં માટે વડોદરા જવાં માટે નીકળી પડ્યો.

અમદાવાદથી વડોદરા સુધીની શિવની આ સફરમાં એનાં સાથીરૂપે હતી ગુલામ અલી સાહેબની હૃદયની આરપાર નીકળતી મ્યુઝિક પ્લેયરમાં વાગતી કર્ણપ્રિય ગઝલો.આ ગઝલો ભલે દર્દની હતી,ભલે વિરહની હતી,ભલે જુદાઇની હતી પણ આમાં કંઈક તો જાદુ હતો જે શિવ ની માફક હજારો લોકોનાં મનને શાતા આપવાનું કાર્ય કરતી હતી..એમાં પણ અત્યારે તો શિવ ની સૌથી વધુ પસંદગી ની ગઝલ વાગી રહી હતી.હસરત મોહની સાહેબની આ ગઝલ જાણે શિવને એનાં ભૂતકાળમાં લઈ જવાં મજબુર કરી રહી હતી.

"चुपके चुपके रात दिन आँसू बहाना याद है

हम को अब तक आशिकी का वो ज़माना याद है

तुझ से मिलते ही वो कुछ बेबाक हो जाना मेरा

और तेरा दांतों में वो उंगली दबाना याद है

चुपके चुपके रात दिन...

चोरी-चोरी हम से तुम आ कर मिले थे जिस जगह

मुद्दतें गुजरीं पर अब तक वो ठिकाना याद है

चुपके चुपके रात दिन...

खैंच लेना वो मेरा परदे का कोना दफ्फातन

और दुपट्टे से तेरा वो मुंह छुपाना याद है

चुपके चुपके रात दिन..."

દુપટ્ટા નાં ઉલ્લેખ સાથે જ શિવ ભૂતકાળમાં નવ વર્ષ પાછો ચાલ્યો ગયો..જાણે આ કોઈ ગઝલ નહીં પણ એક ટાઈમ મશીન હતી.એ શિવની કોલેજનો પ્રથમ દિવસ હતો..બાર સાયન્સ માં શિવને 84% ગુણાંક પ્રાપ્ત થયાં હતાં.નવી આવેલી ગુજરાત સરકારની એજ્યુકેશન પોલિસી મુજબ એન્જીનીયરીંગ માં પ્રાઈવેટ કોલેજની અંદર પણ ફ્રી-સીટ ક્વોટા રાખવામાં આવતો,જેને TFWS ક્વોટા કહેવાતો..એ મુજબ શિવને જૂનાગઢમાં જ મેંદાપરા રોડ પર નવી બનેલી નોબલ એન્જીનીયરીંગ કોલેજમાં કોમ્યુટર એન્જીનીયરીંગ ફેકલ્ટીની અંદર ફ્રી-સીટમાં એડમિશન મળી ગયું હતું.

શિવ નું મકાન ઝાંઝરડા રોડ પર આવેલાં જલારામ મંદિર જોડે આવેલું હતું..શિવનો પરિવાર મધ્યમવર્ગીય પરિવાર હતો..શિવનાં પિતા હસમુખ ભાઈ એક પ્રાઈવેટ કંપનીમાં કારકુન હતાં અને શિવની માતા કુસુમ બેન ગૃહિણી. શિવ પોતાનાં પરિવારનો એકલોતો વારસદાર હતો..મતલબ કે એને કોઈ ભાઈ બહેન નહોતાં. શિવ નાં પિતાજી હસમુખ ભાઈનો સ્વભાવ વધુ પડતો કડક હતો એટલે શિવ હંમેશા એમનાંથી ડરતો રહેતો..શિવ ને પરાણે બે-ત્રણ મિત્રો હતાં અને એમની જોડે પણ શિવને ખપ પૂરતો જ સંબંધ હતો.

હવે વાત કરીએ શિવ નાં કોલેજ નાં પ્રથમ દિવસની..શિવ જોડે પોતાની માલિકીનું વાહન તો હતું નહીં એટલે એસટી બસમાં જ કોલેજ જવું પડે..કોલેજ શરૂ થવાનાં કલાક પહેલાં જ શિવ ઘરેથી નીકળી જાંજેડા ચોકડીથી બસમાં ચડ્યો..બસમાં અમુક સીટો ખાલી હતી એટલે શિવને બેસવાની જગ્યા તો મળી ગઈ..પોતાનાં 2700 ક્લાસિક મોબાઈલમાં ઈયરફોન ભરાવી શિવ ગીતો સાંભળી રહ્યો હતો..એનાં મનમાં એની કોલેજને લઈને ઘણાં બધાં વિચારો રમી રહ્યાં હતાં.

જાંજેડા ચોકડીથી નીકળી બસ જ્યારે આલ્ફા સ્કૂલથી આગળ ખોડિયાર મંદિર આગળ બસ સ્ટેન્ડ જોડે રોકાઈ ત્યારે પંદર જેટલાં વિધાર્થીઓ એકસાથે બસમાં પ્રવેશ્યાં.આ વિધાર્થીઓમાં પાંચેક છોકરીઓ પણ સામેલ હતી..શિવે બસ ઉભી રહેતાં અંદર આવેલાં ટોળાં તરફ એક નજર ફેંકી અને પાછો આંખો બંધ કરીને મોબાઈલમાં વાગી રહેલાં ગીતો સાંભળવામાં લાગી ગયો.

જેવી બસ ત્યાંથી ઉપડી એ સાથે જ બસમાં ચડેલાં વિધાર્થીઓનાં ટોળાં નાં લીધે બસની અંદર કોલાહલ જરૂર થઈ ગયો હતો..પણ શિવ તો એ તરફ ધ્યાન આપવાંનાં બદલે પોતાની ધુનમાં જ આંખો બંધ કરી ગીતો સાંભળી રહ્યો હતો.બસ થોડી આગળ વધી ત્યાં શિવને એવું લાગ્યું કે એનાં ચહેરા પર કોઈ કપડું આવીને પડ્યું છે..શિવે આંખો ખોલી જોયું તો કાળા રંગનો એક દુપટ્ટો એનાં ચહેરાને ઢાંકી રહ્યો હતો.

દુપટ્ટામાંથી શિવે આ દુપટ્ટો જેનો હતો એ યુવતીને નિહાળી..પોતાની જોડે જ ઉભી રહી પોતાની સામે ઉભેલી સખી સાથે વાતો કરેલી એ યુવતી ની જાણ બહાર એનો દુપટ્ટો બારીમાંથી આવતાં પવનને લીધે શિવનાં ચહેરાને ઢાંકી રહ્યો હતો..શિવે દુપટ્ટો દૂર કરી એ યુવતીનો ચહેરો જોયો..અને ચહેરો જોતાં ની સાથે જ શિવ એક એવી દુનિયામાં ખોવાઈ ગયો જ્યાંથી એનું પાછું આવવું શક્ય નહોતું.

"તને જોવું એટલે ફક્ત તું જ HDR માં દેખાય છે..

કેમકે પછી તો આજુબાજુ બધું blur થઈ જાય છે."

આવું જ કંઈક શિવની સાથે થયું જ્યારે એને એ યુવતીને જોઈ..ચાંદ થી પણ વધુ સુંદર ચહેરો,હોઠ ની ઉપર તલ,અણિયારું નાક,પાણીદાર આંખો અને સ્મિત કરતાં જમણાં ગાલ પર પડતાં ખંજન..જે જોઈ જાય આ ખંજન એની તો પછી રક્ષા કરે હનુમાન કષ્ટભંજન.

ના નામ અને ના ઓળખાણ..છતાં શિવ એ અજાણી યુવતીનાં પ્રેમમાં પડી ગયો..હવે તો શિવને એ યુવતીનો અવાજ સાંભળવો હતો એટલે એને કાનમાંથી ઈયરફોન નીકાળી એને બેગમાં રાખી દીધાં.. કોઈ છોકરી સારી લાગતાં એને ઈમ્પ્રેસ કરતાં જે બધાં યુવકો કરે એવું શિવથી પણ આપમેળે થઈ ગયું..જેમકે હાથ વડે માથાનાં વાળ સેટ કરવાં અને પોતાનાં હાથની હથેળીને ચહેરાની નજીક રાખી મોં વાટે શ્વાસ લેવો.

શિવ પોતાને એક ધ્યાને જોઈ રહ્યો છે એ વાતથી બિલકુલ બેખબર એ યુવતી તો બસ પોતાની સહેલી જોડે વાતો કરવામાં મશગુલ હતી..શિવને તો કાને પડતાં એ યુવતીનાં ત્રુટક ત્રુટક શબ્દો પણ કર્ણપ્રિય સંગીતથી વધુ સુમધર લાગી રહ્યાં હતાં.

નોબલ એન્જીનીયરીંગ કોલેજનું સ્ટેન્ડ આવી જતાં બસ ઉભી રહી..અન્ય વિદ્યાર્થી મિત્રોની સાથે એ યુવતી પણ બસમાંથી હેઠે ઉતરી..શિવ પણ એની પાછળ-પાછળ બસમાંથી ઉતરી નીચે આવ્યો.આ યુવતી પોતાની કોલેજની જ સ્ટુડન્ટ હતી એ શિવને એનાં અહીં ઉતરવાનાં લીધે સમજાઈ ચૂક્યું હતું..અને આ વસ્તુ શિવનાં એકતરફી પ્રેમની પ્રથમ જીત હતી.આમ પણ ઓમ શાંતિ ઓમ મૂવીમાં શાહરુખ ખાને કહ્યું તો છે.

"કહતે હૈ કિસી ચીઝ કો તુમ પુરી શીદ્દત સે ચાહો તો પુરી કાયનાત તુમ્હેં ઉસસે મિલાનેકી ફિરાક મેં લગ જાતી હૈં.."

પોતાની પસંદગી ની ફિલ્મોમાંથી એક ફિલ્મનો આ પ્રસિદ્ધ ડાયલોગ શિવને એ યુવતીનાં પોતાની કોલેજની જ સ્ટુડન્ટ હોવાની વાત જાણ્યાં બાદ ડાયલોગ નહીં પણ વિધાતા નું કોઈ બ્રહ્મવાક્ય લાગ્યું.

પુછપરછ કરતો કરતો શિવ પોતાનાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગનાં પ્રથમ વર્ષનાં ક્લાસમાં પહોંચી ગયો..એ યુવતી રસ્તામાં એનાં ઓળખીતા મિત્રો જોડે કેન્ટીન જોડે રોકાઈ ગઈ હતી..પણ શિવને કોલેજનાં પ્રથમ દિવસે ક્લાસમાં જવાની પણ ઉતાવળ હતી એટલે એ યુવતી કયા ક્લાસમાં જાય છે એની રાહ જોયાં વગર શિવ પોતાનાં રૂમમાં જઈ પહોંચ્યો.

ગ્રીન એન્ડ રેડ ચેક્સ શર્ટ અને બ્લુ જીન્સમાં શિવ પણ સુંદર અને સોહામણો દેખાઈ રહ્યો હતો.સ્કૂલમાં જે વહેલાં આવે એ પહેલી હરોળમાં બેસે અને કોલેજમાં જે પહેલાં આવે એ છેલ્લી હરોળમાં બેસતાં હોય છે.. અને એટલે જ શિવ ને ના છૂટકે બીજી બેન્ચ ઉપર બેસવું પડ્યું કેમકે એ આવ્યો ત્યારે ઓલરેડી પાછળની બધી બેન્ચ ફૂલ હતી.

શિવે એ પણ નિહાળ્યું કે ક્લાસમાં છોકરીઓની સંખ્યા પણ લગભગ છોકરાઓ જેટલી જ હતી..કોમ્પ્યુટર અને EC એન્જીનીયરીંગ ભણવાનો આ ફાયદો પણ ખરો..બાકી મિકેનિકલ અને ઓટો મોબાઈલ વાળાં નો કલાસ તો બજરંગદળ ની વાર્ષિક સભા જ લાગે.

શિવ નાં ક્લાસમાં આવ્યાં નાં બે મિનિટ બાદ એક બીજો છોકરો પણ શિવની બાજુમાં આવીને બેઠો..એ છોકરાં એ સ્મિત સાથે શિવની તરફ જોયું સામે પક્ષે શિવે પણ એની તરફ જોઈ મંદ મુસ્કાન વેરી.એ છોકરાંએ પોતાનો પરિચય સાગર તરીકે આપ્યો..સામે પક્ષે શિવે પણ સાગર ને પોતાનો ટૂંકમાં પરિચય આપી દીધો..હવે આ શિવ-સાગર ની દોસ્તી કોલેજનાં આગામી ચાર વર્ષો સુધી કાયમ રહેવાની હતી.

કોલેજ નું પ્રથમ લેક્ચર શરૂ થવાની રિંગ વાગતાં ની સાથે જ બહાર લોબીમાં ઉભેલાં બધાં સ્ટુડન્ટ દોડીને પોતપોતાનાં ક્લાસરૂમમાં આવી ગયાં.. સાગર જોડે વાત કરતાં કરતાં શિવની નજર અનાયાસે જ ક્લાસરૂમમાં પ્રવેશેલી એ યુવતી પર પડી જેને બસમાં જોતાં જ શિવને એની સાથે પ્રેમ થઈ ગયો હતો.

શિવ અર્ધખુલ્લાં મોંઢે એ યુવતીને જોતો જ રહ્યો જ્યાં સુધી સાગરે એને ખભેથી હલાવી એનું ધ્યાન ભંગ ના કર્યું.

"ભાઈ તું તો બહુ જબરો..અત્યાર થી જ પોતાનાં માટે છોકરી ગોતવા લાગ્યો.."સાગરે શિવની ખેંચતાં કહ્યું.

"અરે ભાઈ એવું કંઈ નથી..એતો બસ હું એ જોતો હતો કે એ યુવતી એજ છે જે મારી સાથે બસમાં હતી.."શિવે શબ્દો ને ગોઠવતાં કહ્યું.

"આટલી જ વાત છે ને..બીજું કંઈ હોય તો બોલજે..કેમકે હું એ છોકરીને ઓળખું છું.."સાગર એ બ્લેક ડ્રેસવાળી યુવતી તરફ જોઈને બોલ્યો.

શિવ એ યુવતી વિશે વધુ માહિતી મેળવવા જતો હતો પણ એટલામાં લેક્ચરર ક્લાસમાં આવી ગયાં એટલે શિવે પોતાની વાત અધૂરી જ મૂકી દીધી..બે લેક્ચર પછી જ્યારે રીસેસ પડી ત્યારે શિવ અને સાગર સાથે જ કેન્ટીનમાં ગયાં અને સમોસા નો નાસ્તો કર્યાં બાદ ત્યાં જ બેઠાં.. આ જ સમયે શિવની નજર એની સામેનાં ટેબલ પર બેસેલી એ યુવતી પર પડી ને પ્રથમ નજરમાં જ શિવ ને ઘેલો બનાવી ગઈ હતી.

"એ સાગર તું એ છોકરીને ઓળખે છે એવું કહેતો હતો..તો મને જણાવ ને એ કોણ છે..?"હવે એ યુવતી આખરે કોણ હતી એ જાણવાની તાલાવેલી માં શિવે સાગર ને મનમાં ઘુમરાતો સવાલ કરી જ લીધો.

"મતલબ કે અમારી સ્કૂલનાં બધાં છોકરાંઓની જેમ તું પણ ઈશિતા નો દિવાનો બની ગયો છે..?"શિવ ની તરફ જોઈને હસતાં હસતાં સાગર બોલ્યો.

સાગર નાં સવાલનાં પ્રત્યુત્તર માં શિવ નજરો ઝુકાવી ગયો..જેનો અર્થ હા હતો એ સમજાતાં સાગરે આગળ બોલવાનું શરૂ કર્યું.

"એ છોકરીનું નામ છે ઈશિતા ઠાકુર..ઈશિતા મારી સાથે જ ધોરણ આઠ પછી ભણી છે..એ વધુ પડતી બોલકી અને ઓવરસ્માર્ટ છે..જો ભાઈ તું મને સીધો સાદો માણસ લાગે છે તો એક મફતમાં સલાહ આપું કે તું ઈશિતા વિશે વિચારવાનું ભૂલી જ જા.."

"પણ કેમ..એ આમ તો બહુ સારી લાગે છે..."સાગર ની વાત સાંભળી શિવ બોલ્યો.

"ભાઈ ચમકતું બધું સોનુ ના હોય..આતો મારે તને કહેવું જરૂરી હતું એટલે કહી દીધું..બાકી આગળ તારી મરજી.."સાગર રુક્ષ સ્વરે બોલ્યો.

એટલામાં નવું લેક્ચર શરૂ થવાનો સમય થઈ ગયો હતો એટલે કેન્ટીનમાં નાસ્તો કરવાં આવેલાં બધાં સ્ટુડન્ટ પોતાનાં કલાસ તરફ જવાં નીકળી પડ્યાં.. ઈશિતા નું ગ્રૂપ પણ શિવની આગળ જ જઈ રહ્યું હતું..શિવે એક વસ્તુ નોટિસ એ પણ કરી કે પોતાની જેમ ઘણાં છોકરાઓનું ધ્યાન ઈશિતા તરફ હતું.

આમ પણ ફૂલ જ્યારે સુંદર હોય ત્યારે બાગનાં બધાં ભમરાં એનો રસ ચુસવા આવી પહોંચે છે..તો પછી ઈશિતા તો ફુલથી પણ વધુ મનમોહક હતી..તો બધાંનાં આકર્ષણનું કારણ બને એમાં નવાઈ જ નહોતી.

રીસેસ પછીનાં બે લેક્ચર પણ શિવે ક્યારેક બોર્ડ તરફ તો ક્યારેક ઈશિતા તરફ જોઈને પસાર કર્યાં.. સાગર શિવને આમ કરતો જોઈ રહ્યો હતો પણ હવે જ્યારે શિવે એની સલાહ નહીં માનવાનું મન બનાવી જ લીધું હતું તો એને રોકવાનો કોઈ અર્થ નહોતો એમ વિચારી સાગર ચૂપ જ રહ્યો..સાગર મનોમન વિચારતો હતો કે માણસ માર્યો ના વરે પણ હાર્યો જરૂર વરે..અને ઈશિતા ને પોતે ઓળખતો હતો ત્યાં સુધી એનો સાચો પરચો શિવ ને મળશે એટલે એ ફરીવાર એનું નામ પણ નહીં દે એ વાત નક્કી હતી.

આખરે કોલેજનો પ્રથમ દિવસ હોવાથી ચાર લેક્ચર પછી જ કોલેજ પૂર્ણ જાહેર કરવામાં આવી..બધાં એ પોતપોતાનાં મિત્રો બનાવી લીધાં હતાં..શિવ ને પણ સાગર રૂપે સારો દોસ્તાર મળી ગયો હતો..હવે શિવ સાગરની સાથે જ બસ સ્ટેન્ડ પર આવીને ઉભો રહ્યો..શિવે જોયું કે ઈશિતા પણ ત્યાં જ ઉભી હતી..પાંચ મિનિટમાં બસ આવી ગઈ એટલે ધક્કામુકી કરીને શિવ બસમાં ચડી ગયો.

બસમાં ચડતાં જ શિવે ત્રણની સીટ પર પોતાનું આધિપત્ય જમાવી દીધું..સાગર આવીને શિવને ખસેડી સીધો બારીએ જતો રહ્યો.જ્યારે ઈશિતા બસમાં ચડી ત્યારે બાકીની સીટો ફૂલ થઈ ગઈ હતી..બસમાં હવે એક જ સીટ ખાલી હતી અને એ હતી શિવની જોડે.ઈશિતા ની નજર બસમાં ચડતાં ની સાથે જ શિવની જોડે ખાલી પડેલી સીટ પર પડી..આજ વખતે એક ક્ષણ માટે ઈશિતા ની નજર શિવ ની નજરો સાથે ટકરાઈ.

શિવ તો સવારથી લઈને અત્યાર સુધીમાં ઈશિતા ને હજારો વખત જોઈ ચુક્યો હતો..પણ ઈશિતા ની નજર શાયદ પ્રથમ વખત જ શિવ પર પડી હતી.. ઈશિતા સાથે નજર પડતાં જ શિવ નું હૃદય કામ કરતું જાણે બંધ જ થઈ ગયું..હજુ તો આ ઓછું હોય એમ ઈશિતા ચહેરા પર કાતીલ મુસ્કાન સાથે શિવ તરફ આગળ વધી..!!

"જોઈ તને મેં જ્યારથી,ભુલ્યો હું ભાન ત્યારથી..

હથિયાર ની જરૂર શું?, તું માર મને તારાં પ્યારથી.."

★★★★★★★

★★★★★★★

વધુ નવાં અધ્યાયમાં.

શિવ અને ઈશિતા વચ્ચે ભૂતકાળમાં શું બની ગયું હતું અને શિવનાં ભૂતકાળની અસર એનાં વર્તમાન અને ભવિષ્ય પર શું પડવાની હતી એ જાણવાં વાંચતાં રહો આ પ્રેમસભર નવલકથાનો નવો ભાગ.આ નોવેલ ગુરુવારે અને રવિવારે પ્રસારિત થાય છે.

એક બીજી વાત કે આ નવલકથા નો મારી અંગત જીંદગી જોડે કોઈ સંબંધ નથી..પણ મારી દરેક લવસ્ટોરીનું મુખ્ય પાત્રનું નામ હંમેશા શિવ જ રહેશે.આ નોવેલ અંગે આપના કિંમતી અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)