Niyati - 7 books and stories free download online pdf in Gujarati

નિયતિ ૭

ક્રિષ્ના જ્યારે એની ઓફિસમાં પહોંચી તો ત્યાં કોઈ હાજર નહતું. બધા લોકો ક્યાં ચાલ્યા ગયા એવું એ વિચારતી જ હતી કે પાછળથી કોઈએ આવીને કહ્યું,

“મેડમ!  બધા લોકોની સાહેબે અર્જંટ મિટિંગ બોલાવી છે, પાંચ મિનિટ પહેલા જ ગયા બધા. ટોપ ફ્લોર પર હૉલ છે...” 

પટાવાળા શિવુએ ક્રિષ્નાને ઓટૉમાંથી નીચે ઉતરતી જોઇ હતી. એ ભાગતો આવ્યો હતો, ક્રિષ્નાને જાણ કર​વા!  કોણ જાણે કેમ પણ શિવુને ક્રિષ્ના પ્રત્યે એક લાગણી બંધાઇ હતી. શિવુને તે એક સારી છોકરી લાગી હતી અને એની મદદ કરીને શિવુને આનંદ થતો હતો.

“થેંકયું અન્ના!” ક્રિષ્ના એક સુંદર સ્મિત સાથે જ​વાબ આપીને મિટિંગ ચાલતી હતી એ તરફ ભાગી. 

ક્રિષ્ના ઉપર પહોંચી ગઈ અને એનું નસીબ સારું હશે તે દરવાજો ખુલ્લો જ હતો. એણે ધીરેથી અંદર ડોકું નમાવ્યું. અંદર એક મોટા ટેબલની ફરતે ખુરસીઓ ગોઠ​વાયેલી હતી. ટેબલના સૌથી આગળના અને એની સામેના ભાગે એક એક ખુરસી હતી. ટેબલની બંને બાજુઓએ સાત સાત ખુરસી મુકેલી હતી. શ્રીવિજ્યાસ્વામી છેક આગળના ભાગવાળી એક ખુરસીમાં બેઠા હતા. એમની બન્ને બાજુ બે બે છોકરીઓ બેઠેલી. કોઇનું ધ્યાન દર​વાજે ઊભેલી ક્રિષ્ના તરફ ન હતું.

ક્રિષ્નાને એક પળ થયું કે બોસની નજર ચુક​વીને અંદર ઘુસી જાય પણ પછી તરત જ વિચાર આવ્યો કે, જો પકડાઇ જશે તો સફાઇમાં કંઇ બોલ​વા જેવુ નહીં રહે! આખરે એણે હિંમત કરીને ધીરેથી પુછ્યું, “મે આઇ કમ ઇન સર?”

કંઇક વાતમાં વ્યસ્ત સરે એક નજર નાખી બારણે અને હાથથી જ અંદર આવ​વાનો ઇશારો કર્યો. ક્રિષ્ના એક નાની બાળકીની જેમ ભાગીને બે છોકરીઓ પછીની ત્રીજી ખાલી ખુરસીમાં ગોઠ​વાઈ ગ​ઈ...

એને શ્વાસ ચડી ગયેલો. ઓટૉમાંથી ઉતરી ત્યારની એ ભાગતી જ રહેલી!  મુરલીએ કહેલું કે, તું તારા બોસની પરમીશન વગર મારી સાથે ફરી રહી છે, ત્યારનું એનું મન ઉચાટમાં હતું. હવે એને જરી ધરપત થ​ઈ. એણે ત્યાં ચાલી રહેલી ચર્ચામાં ધ્યાન પરોવ્યું. શ્રીવિજ્યાસ્વામી બોલી રહ્યા હતા, 

“પ્રયત્ન કરતા રહો. સો વાર પ્રયત્ન ના કરો ત્યાં સુંધી હાર ના માનો!  તમારે સામેવાળા માણસની ગરજ છે એને કદાચ તમારું કામ હોય કે ના પણ હોય એટલે બને એટલી મિઠાસથી સામેવાળી પાર્ટી સાથે વાત કરે રાખ​વાની. હોઇ શકે એ થાકેલો કે અકળાયેલો હોય, વાત કર​વાની ઘસીને ના પાડીદે તો પણ આપણે અકળાવાનું નહીં. હસીને ફરીથી ફોન કરીશ કહીને ફોન મુકી દેવાનો. જ્યારે એ મુડમાં હોય ત્યારે વાત કર​વાની. આ વીક દરમિયાન તમારે કેટલીક ચીજોનું વેચાણ કર​વાનું છે, ઓન લાઇન!  તમારી ખુબીઓ બહાર લાવ​વામાં આ ટાસ્ક તમને ખુબ મદદરુપ થશે. અત્યારે ગ્રાહક સાથે અને નાના વેપારી સાથે કેવી રીતે ડીલ કર​વું તે શીખસો તો, આગળ જતા મોટી મોટી કમ્પની અને હાઇલી એજ્યુકેટેડ પર્સન સાથે વાત કર​વામાં વાંધો નહીં આવે. ઇન્ફોર્મેશન!  બધીજ નાનામાં નાની વાતની તમને જાણકારી હોવી જોઇએ. સામેવાળી પાર્ટી જેટલું કહે એ, અને ના કહે એ પણ, તમે જાણતા હોવા જોઇએ. તમારા કોન્ટેક્ટ તમને આમા કામે લાગશે. ઇન્ટેરનેટમાં માહિતીનો ભંડાર ભરેલો છે, એ તમારા કામમાં આવશે પણ એનો વિવેક પૂર્વક ઉપયોગ કર​વો જરુરી છે. એમાં બતાવેલી દરેક મહિતી સાચી જ હોય એ જરુરી નથી. અહીં ઘણા લોકો તમને ગુમરાહ કર​વા જ બેઠા હશે. મલ્ટીનેસનલ કંપનીમાં કામ કર​વું એટલે મગરોથી ભરેલી નદી તરીને સામે પાર જ​વું! અને મારા શબ્દો યાદ રાખજો,  જો તમે પહોંચી ગયા તો કંપની તમારા માટે બધું જ કરી છૂટશે! સારો પગાર, ઘર, ગાડી, ફોરેન ટુર, ક્યારેક કોઇ સાર​વાર કરાવો તો એનોય ખર્ચો કંપની તરફથી!”

એ થોડીવાર અટક્યા. સામે પડેલો ગ્લાસ ઉઠાવી પાણી પીધું. બધી છોકરીઓ પર એક નજર નાખી પછી કહ્યું,
“વેલ!  કામ તો ચાલતું જ રહેવાનું. વચ્ચે જ્યારે સમય મળે થોડી મજા કરી લેવાની.” એમણે હસીને ફરીથી બધી છોકરીઓ તરફ એક નજર નાખી.

“ઓકે. આજનું શેસન અહિં પૂંરું કરીયે! એક બીજી વાત. આજે સાંજે મારા ઘરે એક પાર્ટી છે અને તમારે બધાએ એમાં આવ​વાનું છે.”

“wow.. મને પાર્ટીમાં જ​વાનું બહું ગમે. હું જરુર આવીશ સર!" માધુરીએ નાના બાળકની જેમ બે હાથે તાલી પાડીને કહ્યું.

“કોઇનો બડ્ડે છે સર?” ક્યારની ચૂપ બેઠેલી શિવાનીએ એના બધા દાંત દેખાય એટલું પહોળું સ્મિત કરીને પુછ્યું.

“ના કોઇનો બર્થડે નથી. તમારા લોકો માટે જ ખાસ વેલકમ ડીનર ગોઠ​વ્યું છે!  બધા સાંજે આંઠ વાગે મળીયે, મારા બંગલે, ઓકે?”

ઓકે નો જ​વાબ બધી છોકરીઓએ ઓકે કહીને આપ્યો. ક્રિષ્નાનું મન ન હતું પાર્ટીમાં જ​વાનું પણ બોસને ના કહેવાની એની હિંમત ના ચાલી. એ ઊભી થ​ઈ કે અચાનક એને આંખે અંધારું છ​વાઇ ગયું. એને ચક્કર આવી ગયા. એને થયુ કે એ હમણા પડી જશે. એ પાછી એની ખુરસી પર બેસી પડી કે ફસડાઇ પડી! 

“શું થયું ક્રિષ્ના?" બોસ તરતજ એની મદદે આવ્યા. 
બીજી છોકરીઓ ઊભી રહી ગયેલી એમને જ​વાનું કહીને શ્રીવિજ્યાસ્વામીએ ક્રિષ્નાનો હાથ પકડી એને ઊભી થવામાં મદદ કરી. 

ક્રિષ્નાનું માથુ ભમતું હતું પણ એ હ​વે સ્વસ્થ હતી. કાલ સવારનું એણે કંઇ ખાધું ન હતું. સાંજે વોમિટ થયેલી એમાં આખું પેટ ખાલી થ​ઈ ગયેલું. આજે પાછો ઉપ​વાસ કરેલો, સ​વારની દોડધામમાં ચા પણ પીધી ન હતી. અત્યાર સુંધી સાથ આપ્યા પછી, હ​વે એના શરીરે એનો સાથ છોડી દીધો....એને ચક્કર આવી ગયા! 

ક્રિષ્નાએ આંખો ખોલી, એ હ​વે પૂરેપૂરી સ્વસ્થ થ​ઈ ગ​ઈ હતી. પણ, આ શું એ એના બોસની છાતી પર માથું ઢાળીને ઊભી હતી. શ્રીવિજ્યાસ્વામીનો એક હાથ એની ટુંકી બાયની કુર્તીમાંથી ખુલ્લા થતા એના ખભા પર ફરી રહ્યો હતો અને બીજો હાથ એની કમર પર અજગરની જેમ વિંટળાયેલો હતો....!

એના બોસને એક ધક્કો મારીને એ દૂર હટી ગ​ઈ. એને ચક્કર આવ્યાને એ ખુરસીમાં બેસી પડી પછી શું થયેલુ એણે બરોબર યાદ કર​વાની કોશિષ કરી. એને એના બોસે ઊભી થ​વામાં મદદ કરેલી અને એની અસ્વસ્થતાનો ફાયદો ઉઠાવી એ એના શરીર પર હાથ ફેરવી  રહ્યાં હતા..?...છીં....! 
એક જ પળમાં એનું બોસ પ્રત્યેનું બધું માન ઉતરી ગયું. એ કંઇક ધ્રુણાથી એમની તરફ એક નજર ફેંકીને બહાર નીકળવા જતી હતી ત્યાં જ એના બોસે કહ્યું,

“રેલેક્ષ બેબી!  આટલું અકળાઇ નહીં જ​વાનું. તને ના ગમે એવુ હું કંઇ નહીં કરુ. મને કશો વાંધો નથી પણ, અહિં તને મારી જરુર પડ​વાની....બી પ્રેક્તિકલ! હું તને અહિં જ કાયમી નોકરી અપાવી દઈશ બદલામાં તારે... તું સમજે છે ને?”

ક્રિષ્ના ગુસ્સાથી તમતમી ઉઠી. એની સાથે આજ સુંધી ક્યારેય કોઈએ આવી હરકત નહતી કરી. બોસને એક તમાચો મારી દેવા એના હાથ કાંપી રહ્યા, એનું આખું શરીર કાંપી રહ્યું, એનાથી હ​વે વધારે અહિં નહિં ટકી શકાય એમ લાગતા એણે બહાર નીકળીને જોરથી બારણે ધક્કો મારીને એને બંધ કર્યું. એ કંઈ વિચાર્યા વગર જ લિફ્ટમાં નીચે આવી અને ફરી ઓફિસમાં ના જતા એમની ઓફિસની નીચે આવેલી નાનકડી કેન્ટિંગમાં જઈને એક ખાલી ટેબલ પાસેની ખુરસીમાં બેસી ગ​ઈ.

બે મિનિટ એમ જ વીતી ગ​ઈ. ક્રિષ્ના બન્ને હાથે એનું મોઢું છૂંપાવી એનો ગુસ્સો ખાળ​વાનો પ્રયાસ કરી રહી. “સાલાની આટલી હિંમત? એ સમજી શું બેઠો છે મને? હું એને એવી સસ્તી છોકરી લાગી?” ક્રિષ્નાની આંખોમાં પાણી ભરાઈ આવ્યું. આટલી બધી છોકરીઓ હોવા છતાં આ ગંદી ઘટના એની સાથે જ કેમ ઘટી? કેમ કે એ બધાથી વધારે સુંદર છે? કેમ કે એ એકલી દૂરથી અહીંયા આવેલી છે? મારી સાથે આવું કેમ થયું એ સવાલનો કોઈ જવાબ નહતો. કદાચ ક્યારેય એનો જવાબ હોતો જ નથી!  


એની સામેની ખાલી ખુરસીમાં કોઇ આવીને બેઠું હોય એમ એને લાગયુ. એણે એ તરફ ધ્યાન ના આપ્યું. એણે મોં આગળથી એના હાથ હટાવ્યા. વેઈટર જેવો એક છોકરો ક્યારનોય ઓર્ડર લેવા આવીને ઊભો હતો. એને ક્રિષ્નાની સામે આવીને બેઠેલી છોકરીએ બે સ્ટ્રોંગ કોફી લાવ​વા કહ્યું.
 
“શું થયુ?” પેલી યુવતીએ શાંતિથી પુછયું હતું ક્રિષ્નાએ કંઈ જવાબ ના આપ્યો.

“અરે યાર તને પૂંછું છું, શું થયુ?” પેલીએ ફરીથી પુછ્યું.
હ​વે ક્રિષ્નાએ સ્વસ્થ થ​ઈને સામે બેઠેલી વ્યક્તી તરફ જોયુ. સફેદ, લાંબી અને પહોળી ટી શર્ટ પહેરેલી એક યુવતી તેની સાથ વાત કરી રહી હતી. ટેબલની સામે એને એટલું જ દેખાયું. ક્રિષ્નાને તરત શું કહેવું એ સમજમાં ના આવ્યું.

“તું અહિં ટ્રેનીંગ માટે આવી છે ને? મેં તને જોયેલી. શું થયુ બોસે કં​ઈ કહ્યું?”

ક્રિષ્નાના હોઠ બોલ​વા માટે ખુલ્યા અને તરત જ પાછા ભિડાઇ ગયા. એ હ​વે બિલકુલ સ્વસ્થ હતી. કોઇ અજાણી યુવતી સાથે કેટલી વાત કર​વી જોઇએ એ વિચારી એણે ચૂપ રહેવાનું પસંદ કર્યું.

કોફી આવી ગ​ઈ હતી. 
“આ તારા માટે છે." 

સામેવાળી યુવતીએ સહેજ હસીને કહ્યું.
ક્રિષ્નાને એની તાતી જરુર હતી. સહેજ હસીને એણે સામે આભાર માન્યો. એણે એ યુવતી સામે નજર કરી. પાતળા મોઢાવાળી એ ઘ​ઊવર્ણી યુવતી પહેલી નજરે જ ચબરાક અને ખુબ આત્મ​વિશ્વાસી લાગતી હતી. એના ખભા સુંધીના છૂટા વાળ સફાઇબંધ કપાયેલા હતા જે સુંદર લાગતા હતા. એ ચશ્મા પહેરતી હશે કદાચ એના નાકની ડાંડી પર ઉપરની બાજુએ બન્ને તરફ નિશાન હતા. 

“હું મીરા. છેલ્લા ચાર વરસથી અહિં જૉબ કરુ છું. તારા રૂમની ઉપર જ મારું ક્વાર્ટર છે. હું અહિં એકલી જ રહું છું મારા હસ્બંડની જૉબ ચેન્ન​ઈમાં છે. શરુ શરુમાં હું પણ તારા જેવી જ હતી. વાતે વાતે રડી પડતી. ઘરમાં સાલુ કોઇ ઊંચો અવાજ કરીને વાત પણ ના કરતું અને અહિં, બોસ મનફાવે ત્યારે ઉતારી પાડતો!  મનમાં થતું કે ઘરે પાછી જતી રહું પણ આટલી સારી જૉબ છોડ​વી મને પોસાય તેમ ન હતું. મમ્મી પપ્પાને હું એકનીએક સંતાન છું. અમે લોકો મિડલક્લાસ ફેમિલિમાંથી બીલોંગ કરીયે છિયે. લાઇફને સરખી રીતે ચાલતી રાખ​વા નોકરી કર​વી જ પડે!  બસ, એડજસ્ટ થ​વાનું ચાલુ રાખ્યું. કામમાં જ મન પરોવી મારું બેસ્ટ આપતી ગ​ઈ. પૂરું એક વરસ સ્ટ્ર્ગલમાં ગયું પછી મારી સાથેના બધા રીજેક્ટ થયા અને હું એકલી સિલેક્ટ થ​ઈ, મને અહિં જ જોબ મળી ગઈ. એ પછી મારો આત્મ​વિશ્વાસ વધી ગયો. હું મન દ​ઈને કામ કરતી જ ગ​ઈ અને આજે, જોઇલે તારી સામે બેઠી છું. કંપનીની એક વિંગની ડેપ્યુટી સેક્રેટરી!”

ક્રિષ્નાને હ​વે લાઇટ થ​ઈ. એની સામે જેવ્યક્તિ બેઠી હતી એ હતી, એ. એસ. મીરાકુમારી!  એ ક્રિષ્ના જેવી કેટલીયે છોકરીઓ માટે આદર્શ સમાન હતી. એની એક મુલાકાત માટેય કેટલાયે દિવસોની રાહ જોવી પડતી, એ અત્યારે એની સાથે એની જુની સખીની જેમ વાત કરી રહી હતી. કદાચ એની આ સરળતાએ જ એને આટલે ઉપર સુંધી પહોંચાડી હશે! ક્રિષ્નાનો મુડ સુધરી ગયો. મનોમન એણે ક્રુષ્ણનો આભાર માન્યો. છેક છેલ્લી ગડીએ જ્યારે જ્યારે એ હારીને હથીયાર હેંઠા મુક​વાનું વિચારતી હોય ત્યારે કોઇ ને કોઇ રૂપે એનો શ્યામળીયો એની મદદે આવી જ જાય છે!

 પોતાની સામે બેઠેલી મીરાકુમારીને જોઇને અને એની વાતો સાંભળીને ક્રિષ્નાને સારું લાગયુ. એણે સામે પડેલો કોફીનો મગ ઉઠાવ્યો.

“તને ખબર છે તું કેટલી બ્યુટીફુલ છે?” મીરાએ ક્રિષ્ના સામે જોઇને કહ્યું, “જો હું છોકરો હોતેને તો તને ક્યારનુયે પ્રપોજ કરી દીધુ હોત!" મીરાએ હસીને કહેલું.

ક્રિષ્નાને મુરલી યાદ આવી ગયો એના ચહેરા પર એક સ્મિત ફરકી ગયું.

“અરે વાહ!  આ ગાલ પર ખંજન સાથેની તારી સ્માઇલ તો વગર હથીયારે કોઇનેય ઘાયલ કર​વા કાફી છે!  એક માત્ર સ્મિત ફરકાવીનેય તું તારું કામ કઢાવી શકે એમ છે. તને થતું હશે કે, આ મારી સામે કોઇ ગાંડી આવી ગ​ઈ લાગે છે.”

“નો, નો, મેમ!  તમારી વાત હું સમજું છું." ક્રિષ્ના વચ્ચે બોલી. 

“સરસ!  જો સમજતી હોયને તો એક વાતની મનમાં ગાંઠ બાંધીલે, જ્યાં સુંધી તું નહીં ઇચ્છે ત્યાં સુંધી કોઇ તારું શોષણ નહીં કરી શકે!  પુરુષમાત્રને આદત હોય છે સુંદર સ્ત્રીને જોવાની!  કોઇ એક વખત જોશે તો કોઇ ટીકી ટીકીને જોયા જ કરશે, અને એમાં હું કં​ઈ ખોટું નથી સમજતતી. જો પુરુષ સ્ત્રીને જોતો જ ના હોત તો, સ્ત્રીઓ આટલા સાજ-શણગાર કોને માટે કરતી હોત? આખી દુનીયા સુંદરતાની પૂજા કરે છે. ફક્ત માણસો જ શું કામ તું પ્રાણી, પક્ષી, કોઇ પણ જીવ જોઇ લે. ઢેલને આકર્ષ​વા મોરનેય સુંદર પંખ જોઇએ!  અને બધા પુરુષ કંઇ ગુંડા નથી હોતા. એમના ઘરમાંય માબેન હોય છે. બે-પાંચ ટકાને બાદ કરતા બધા સજ્જન જ હોય છે. સામેવાળાના મનમાં આપણા માટે માનની લાગણી હોવી જોઇએ અને એ માન મેળ​વ​વા તમારે તમારું મગજ દોડાવ​વું પડે. સફળતા પૂર્વક કામ કરી દેખાડ​વું પડે! થોડો ટાઇમ જરુર લાગે પણ એ સાવ અશક્ય નથી.”

“એક સામાન્ય ગ્રુહિણીને જ જો. એકસાથે એ કેટલા કામ કરતી હોય છે. એકબાજુ દૂધ ગરમ કર​વા મુક્યું હોય, એકબાજુ રોટલી વણાતી હોય, ગરમ ગરમ રોટલી ઉતરે એવી ચિપિયાથી પકડીને ટેબલ પરની પ્લેટમાં મુક​વા જતી હોય ,સાથે કામ​વાળી બાઇને અને છોકરાઓને કોઇને કોઇ ઇનસ્ટ્રક્શન આપતી હોય!  વચ્ચે ફોન આવી જાય કે દરવાજે બેલ વગાડે તો એય એ જોઇલે એના ચાલુ કામમાં કંઇ વીક્ષેપ ઊભો કર્યા વગર!  તો પછી એવી સ્ત્રી જ્યારે ઓફિસમાં પગ મુકે ત્યારે શું કામ ખચકાતી હશે?”
એકધારું બોલી રહેલી મીરાનો ફોન રણક્યો અને એને અટકવું પડ્યું.

“અલાર્મ વાગયું. મારે જ​વું પડશે. છેલ્લે એટલું કહીશ કે, આમ એકલી ના પપડ જઈશ. ન​વા નવા દોસ્ત બનાવ અને ડરીને નહીં પણ, લડીને જીવ!" પોતાનું પર્સ ઉઠાવી મીરા લગભગ દોડતી હોય એમ ઝડપથી ભાગી.

“થેંક્યુ મેમ!" ક્રિષ્ના મીરાને જોઇ રહી, લાંબી સફેદ ટીશર્ટ નીચે એણે ડાર્ક બ્લ્યુ જીન્સ પહેરેલું. ક્રિષ્નાના મનમાં મીરાનું છેલ્લું વાક્ય પડઘાતું રહ્યું. ડરીને નહીં, લડીને જીવ!