No return-2 Part-85 books and stories free download online pdf in Gujarati

નો રીટર્ન-૨ ભાગ-૮૫

નો રીટર્ન-૨

ભાગ-૮૫

“ એભલ સંમ્ભાળ... “ ક્લારાએ રાડ નાંખી અને પગમાં ખોસેલા ચાકુને હાથમાં પકડી તેનાથી ઉંધી દિશામાં ભાગી. તેનો આશય કંઇક અલગ હતો. સામે માતેલાં સાંઢની જેમ દોડતાં આવતાં ભીમકાય આદમી સાથે લડવા કરતાં તે રોગનની સહાય કરવાં જવાં માંગતી હતી એટલે જ તેણે દોટ મૂકી હતી. એભલ ઘડીભર સન્નાટામાં ઉભો રહયો. શું કરવું જોઇએ એ તેને સમજાયું નહી. અણીનાં સમયે જ ક્લારા દૂર જઇ રહી હતી અને સામેથી એક આદી માનવ તેની તરફ દોડતો આવતો હતો. હડબડાહટમાં જ તેણે પોતાનો છરો હાથમાં લીધો અને ક્રેસ્ટોનો સામનો કરવા સજ્જ થયો. કોઇ વાવાઝોડાની માફક ક્રેસ્ટો તેની ઉપર ધસી આવ્યો. તેનાં દોડતાં પગલાંથી ધરતી પણ ધ્રૂજતી હતી. એભલની એકદમ નજદીક પહોંચીને તેણે સૂસવાટા ભેર લાંબો છરો એબલ ઉપર વિંઝયો.

એભલે એ જોયું અને સતર્કતા પૂર્વક નીચે ઝૂકી ગયો. છરો એભલનાં માથાની થોડેક ઉંચેથી પસાર થઇને જે ઝાડ પાછળ તે સંતાયો હતો એ ઝાડનાં સૂકા થડમાં “ ફચચચચ્... “ કરતો ખૂંપી ગયો. એભલ બાલ- બાલ બચ્યો હતો. જો તે નીચો નમ્યો ન હોત તો અત્યારે તેની ગરદન તેનાં ધડથી છૂટી પડી ગઇ હોત અને તે મરી ગયો હોત. તેનાં જીગરમાં ભયાનક ધડબડાટી વ્યાપી ગઇ. તે અહીં કમોતે મરવા નહોતો આવ્યો. કોઇ તેની ઉપર હુમલો કરે ત્યારે ખામોશ રહેવાનાં ગુણધર્મો તેનાં લોહીમાં પણ નહોતાં. તેણે નીચા નમેલાં રહીને જ ક્રેસ્ટોનાં પગ ઉપર છરાથી વાર કર્યો. ક્રેસ્ટો હજું થડમાં ખૂંપેલાં છરાને કાઢવામાં પરોવાયેલો હતો. તેની એક નજર એભલ પર પણ હતી એટલે જેવો એભલે વાર કર્યો કે તરત તેણે પગ પાછળ ખસેડીને વાર ચૂકાવ્યો હતો. પણ એનાથી તેનાં રગ-રગમાં ક્રોધ વ્યાપી ગયો. કોઇ તેનો સામનો કરે, અરે... તેની ઉપર ઘા કરી જાય એ તેની સહન શક્તિની બહારની વાત હતી. ભયાનક ઝનૂનથી છરો ખેંચીને એભલ સતર્ક થાય એ પહેલાં દાંત કચકચાવીને તેની ઉપર વાર કર્યો. એભલે તુરંત થોડોક પાછો હટયો અને હાથ ઉંચો કરી છરાનો વાર પોતાનાં છરા ઉપર ઝીલી લીધો. બે લાંબા ફણાદાર છરા આપસમાં ટકરાયા અને એક કર્કશ અવાજ થયો. થોડા તીખારા પણ ખર્યા. તે બન્નેએ એકબીજાની આંખોમાં ખૂન્નસ ભરી નજરે જોયું જાણે આંખોથી જ મારી નાંખવાનાં ન હોય..! એભલ ક્રેસ્ટોથી ઘણો નીચો હતો છતાં તેને ભારે ટક્કર આપી રહ્યો હતો. તે બન્ને વચ્ચે જબરી લડાઇ ફાટી નિકળી. એવું લાગતું હતું કે કોઇ મહાભારત કાળનાં દૈત્ય જેવા યોધ્ધાઓ આપસમાં સમરાંગણ ખેલી રહ્યા છે. તેઓ એકબીજા ઉપર હાવી થવાનાં મરણીયા પ્રયાસો કરતાં હતાં. ઘડીકવારમાં તો એ લડાઇ તેની ચરમસીમાએ પહોંચી ગઇ હતી.

એ દરમ્યાન હાથમાં નાનકડું ચાકું લઇને જોશભેર દોડતી ક્લારા રોગન અને કાર્લોસ જ્યાં લડતાં હતાં ત્યાં પહોંચી. રોગન અને કાર્લોસ ભયંકર રીતે એકબીજામાં ઉલઝેલાં હતાં. રોગનનું પલડું અત્યારે ભારી હતું. તેણે કાર્લોસને બરાબરનો ઠમઠોર્યો હતો. કાર્લોસ આખો લોહીમાં નહાઇ ઉઠયો હતો અને તેનાં શરીરે ઠેકઠેકાણે ઘાવ પડયાં હતાં. તે બન્ને હાથો- હાથનું દ્વંદ યુધ્ધ લડતાં હતાં. કાર્લોસની નસકોરી ફૂટી ગઇ હતી અને તેમાંથી સતત લોહી વહેતું હતું, છતાં તે ભયાનક રીતે ઝઝૂમી રહયો હતો. તેનાં ધારવાં કરતાં રોગન ઘણો શક્તિશાળી નિકળ્યો હતો એનું આશ્વર્ય તે અનૂભવતો હતો. રોગન ધફાધફ હાથપગ ચલાવતો હતો. તેનો વાર ચૂકવવા કાર્લોસ લગભગ હવાતીયા જ મારતો હતો. રોગને પગ ઉલાળીને કાર્લોસનાં પેટમાં લાત મારી જે કાર્લોસે થોડા પાછા હટીને ચૂકવી હતી અને પછી તે ઝઝૂનભેર દોડયો હતો અને તેણે રોગન ઉપર રીતસરનું પડતું મુકયું હતું.

હું દૂરથી એ લડાઇ જોઇ રહયો હતો. બાપ જન્મારેય આટલી ભયાનક લડાઇ મેં ક્યારેય ભાળી નહોતી. અરે ફિલ્મોમાં બતાવાતી લડાઇઓ તો આની સામે સાવ તૃચ્છ ગણાય એટલી ખતરનાક રીતે તેઓ એકબીજાને પરાસ્ત કરવાં ઝઝૂમી રહયાં હતાં. હું મુંઝવણમાં હતો કે મારે શું કરવું જોઇએ...! કોની મદદ કરવી જોઇએ..? ઓફકોર્સ મારી પાસે રાઇફલ હતી અને તેમાં ગોળીઓ પણ હતી જ. ધારું તો અત્યારે જ અમારી ઉપર હુમલો કરનારાઓને અહીથી જ ફૂકી મારું. પણ... કોને માટે...? કાર્લોસ મારો કોઇ સગો નહોતો. તેને બચાવીને મને કોઇ ફાયદો થવાનો નહોતો. એમ પેલાં હુમલાખોરોને મારવાનો પણ કોઇ અર્થ નહોતો. અને મારું પણ શું કામ...? હું કોઇ માનસીક વિકૃતી ધરાવતો વ્યક્તિ નહોતો જે કારણ વગર કોઇને પણ મારી નાંખે. હું મુંઝવણમાં હતો કે અચાનક એનાએ મારી તરફ ફરીને ઇશારો કર્યો. એ રાઇફલ માંગી રહી હતી. તેને રાઇફલ આપવી કે નહી એ મુંઝવણ ઘડીક થઇ પણ પછી મેં તેની તરફ રાઇફલનો ઘા કરી જ દીધો.

એનાએ હવામાં જ રાઇફલને ઝીલી લીધી અને તે કાર્લોસની દિશામાં દોડી. તેણે ક્લારાને કાર્લોસ તરફ આગળ વધતાં જોઇ હતી. જો જલદીથી તેણે કંઇ ન કર્યું તો કાર્લોસનું મોત નક્કી હતું કારણકે રોગન ઓલરેડી તેની ઉપર હાવી થઇ ગયો હતો અને કાર્લોસની મારી મારીને ભૂંડી હાલત કરી નાંખી હતી. એનાએ દોડતાં જ નિશાન સાધ્યું અને ટ્રિગર દબાવી દીધું. “ ધાંય.... “ એક અવાજ હવામાં ગુંજયો અને દોડતી ક્લારા રીતસરની ઉછળીને જમીન ઉપર પડી. એનાનું નિશાન એકદમ સટીક હતું. ગોળી સીધી ક્લારાનાં પડખામાં વાગી હતી. તે ઉંધે માથે એમેઝોનની પીળી ધરતી ઉપર છાતીભેર પછડાઇ હતી અને તેનાં પડખામાંથી લોહી વહેવા લાગ્યું હતું. ગણતરીની ચંદ સેકન્ડોમાં ક્લારા પરાસ્ત થઇ ગઇ હતી. તેનાં શ્વાસ ધમણની જેમ ચાલતાં હતાં જેનાં લીધે સૂકી- કોરી માટી હવામાં ઉડતી હતી. રોગને એ દ્રશ્ય જોયું અને તે સ્તબ્ધ બની ગયો. પોતાની પ્રાણથી પ્યારી ક્લારાને કંઇ થઇ જાય એ તેનાથી જોયાયું નહી. કાર્લોસને મારવા ઉગામેલો તેનો હાથ હવામાં જ અધ્ધર રહી ગયો અને તેને છોડીને તે ક્લારા તરફ આગળ વધવા ગયો. પરંતુ તેની એ મંશા થોડી ટૂંકી પડી. એનાએ રોગનની છાતીનું નિશાન લઇને ફાયર કર્યો. રોગનની છાતીમાં ક્ષણનાં ચોથાભાગમાં ધગધગતું લોઢું સમાઇ ગયું અને એક ભગદળ પડયું. કપાયેલા ઝાડની જેમ તે પીઠભેર ચત્તોપાટ પડયો અને તેનું પ્રાણ પંખેરુ ઉડી ગયું. કંઇ જ વિચારવાનો કે રીએકશનનો સમય તેને મળ્યો નહી, એવું કંઇ કરે એ પહેલાં તે મોતને ભેટયો હતો. એનાએ કાર્લસ તરફ દોટ મૂકી. તે કાર્લોસની નજીક જઇને તેને વળગી પડી. મોતનાં મૂખમાંથી તે માંડ માંડ બચ્યો હતો. રોગન મરાયો હતો અને ક્લારા તેનાં આખરી શ્વાસોશ્વાસ ગણી રહી હતી. તેનાં હાથમાં ચાકૂ હજું અકબંધ હતું.

બીજી તરફ... એભલ ભયંકર રીતે ક્રેસ્ટો સાથે બાખડી પડયો હતો. પોતાની શારીરીક હેસીયત કરતાં પણ વધું ઝનૂનથી તે ક્રેસ્ટો જેવા વિશાળ દાનવનો સામનો કરતો હતો. ક્રેસ્ટો ઉપર વાર કરવાં માટે રીતસરનો તેણે કુદકો લગાવવો પડતો હતો. તેમ છતાં કોઇ અજબ જીજીવિષાથી તે લડતો હતો. તે એકદમ દેહાતી માણસ હતો અને તેની લડવાની પધ્ધતી પણ દેહાતી જ હતી. છરાનો બળપૂર્વક ઘા કરવો અને પછી ક્રેસ્ટોનો ઘા ચૂકાવવો... બસ, એટલી જ તેનામાં સમજ હતી. એ પ્રયાસમાં કેટલાય વાર તેનાં શરીર ઉપર થયાં હતાં અને તે આખો લોહી-લૂહાણ થઇ ગયો હતો. સામા પક્ષે ક્રેસ્ટો પણ ઘવાયો હતો. બન્નેનાં શ્વાસોશ્વાસ ફૂલતાં હતાં અને પરસેવે રેબઝેબ થઇ ગયાં હતાં. લાગતું હતું કે આ લડાઇનો અંત ક્યારેય નહી આવે. પરંતુ... આખરે તાકત જીતી હતી. ક્રેસ્ટોનો સામનો કરવાની હેસીયત ન હોવા છતાં એભલે સારી ટક્કર ઝીલી હતી અને છેલ્લે તે મરાયો હતો.

જે થવાનું હતું એ જ થયું. ક્રેસ્ટોનો એક વાર સીધો જ એભલનાં ગળા ઉપર થયો. એ વાર એટલો ફોર્સ અને તાકાતથી ઝિંકાયો હતો કે એભલનું ડોકું તેનાં ધડ ઉપરથી ઉખડીને ક્યાંય દૂર જઇ પડયું. ધડમાંથી રીતસરનો લોહીનો ફૂવારો જ ઉડયો અને ક્ષણનાં ચોથા ભાગમાં... થોડુ તરફડીને એભલ શાંત થઇ ગયો. એ દ્રશ્ય ભયાનકતાની ચરમસીમા સમું હતું. એભલનું ધડ અને તેનું માથું અલગ- અલગ દિશામાં પડયાં હતાં અને તેની પાસે ક્રેસ્ટો લોહી- લૂહાણ દશામાં ઉભો હતો. તેનાં હાથમાં છરો ચમકતો હતો. કોઇ હોરર ફિલ્મમાં આવે એવું એ દ્રશ્ય હતું.

મેં અનેરીની આંખો ઉપર મારી હથેળી ઢાંકી દીધી. આટલું ભયાનક દ્રશ્ય મારાથી પણ સહન નહોતું થયું ત્યારે અનેરી તો છળી જ મરે ને...! હું નહોતો ઇચ્છતો કે સ્વપ્નમાં પણ તેને આ દ્રશ્ય છળાવી મારે.

એમેઝોનની ધરતી લોહી તરસી છે એ ફરી વખત પૂરવાર થયું હતું. બે મોત થયાં હતાં અને એ બન્નેને અત્યંત ઘાતકી રીતે મારવામાં આવ્યાં હતાં. ક્લારા હજું જીવંત હતી. તેનાં પડખામાં ખૂંપેલી ગોળી એમ જલદી મોત આવવા દે તેમ નહોતી. અમને બધાને ખ્યાલ હતો કે તે રીબાઇ- રીબાઇને મરશે. તેની આંખોમાં પોતાનાં પિતાનાં કાતીલને મારી ન શકવાનો ક્રોધ હતો અને જીગરમાં એક વસવસો હતો કે હવે તે કંઇ કરી શકશે નહી. તેણે ક્રોધ ભરેલી આંખોએ જ કાર્લોસ તરફ જોયું. કાર્લોસે પણ તેની સામું જોયું. એના કાર્લોસની સારવારમાં પરોવાઇ હતી. તેણે માજરાની ગંભીરતા પારખી અને રાઇફલ ઉઠાવી ક્લારાની ખોપરીમાં ગોળી ધરબી દીધી. ક્લારા ત્યાં જ ખામોશ થઇ ગઇ. હવે તે રીબાવાની નહોતી.

( ક્રમશઃ )

રહસ્ય અને રોમાંચ એ હંમેશા મારો પ્રિય વિષય રહયો છે. હું એટલે જ એવું લખી શકતો હોઇશ. મારા વાચકમિત્રોને પણ એ કહાનીઓ અનહદ પસંદ આવી રહી છે એ જોઇને મને ખરેખર આનંદ થાય છે.

માતૃભારતી ઉપર “ અંગારપથ “ વન્સ અપોન ઇન ગોવા... એક સસ્પેન્સ થ્રિલર ગયાં સોમવારથી શરૂ થઇ છે. જો આપે ન વાંચી હોય તો વાંચજો અને કહાની કેવી છે એ ભૂલ્યાં વગર જણાવજો. તમારો અભિપ્રાય મારા માટે ઘણું અગત્ય ધરાવે છે માટે કોમેન્ટ કરવાનું ભૂલતાં નહી.

ઉપરાંત,

રેટીંગ ચોક્કસ આપજો.

જો આપ રહસ્યમય કથાઓનાં રસીયા હોવ તો તમને મારી અન્ય નવલકથાઓ જેવી કે....

નસીબ

અંજામ

નગર

નો રીટર્ન

પણ ચોક્કસ ગમશે.