No return-2 Part-91 books and stories free download online pdf in Gujarati

નો રીટર્ન-૨ ભાગ-૯૧

નો રીટર્ન-૨

ભાગ-૯૧

કલ્પનામાં પણ ન આવે એવું એ દ્રશ્ય હતું. અનેરી પાછી આવી હતી અને તેનાં હાથે ક્રેસ્ટો મરાયો હતો. ન ભૂતો ન ભવિષ્યતી સમાન સમરાંગણ ખેલાયું હતું જેમાં અમે વિજેતા બન્યા હતાં. ક્રેસ્ટો જેવાં મહા- દાનવને અમે હણ્યો હતો એ ઇતિહાસમાં અમર થવાં લાયક ઘટનાં હતી કારણકે બે મગતરાં લાગતાં જીવે એક રાક્ષસને યમસદન પહોંચાડ્યો હતો.

છતાં હજું અમારાં માથેથી ઘાત ટળી નહોતી કારણકે કાર્લોસ અને એના જીવિત હતાં, અને એ લોકો ઘણાં ખતરનાક ઇરાદા ધરાવતાં હતાં. જ્યાં સુધી તેમને અમારી જરૂર હતી ત્યાં સુધી અમને સાચવ્યાં હતાં અને હવે અમને ખતમ કરવાં તૈયાર થયાં હતાં. એના પાસે તો મારી રાઇફલ પણ હતી તેનાથી ખતરો ઓર વધી ગયો હતો. એ લોકોને જ્યારે ખબર પડશે કે ક્રેસ્ટો અમારા હાથે મરાયો છે ત્યારે ખબર નહી એમનું શું રિએકશન હશે, પરંતુ આશ્વર્યાઘાતમાં તેઓ જરૂર મૂઢ બની જવાનાં હતાં. ક્રેસ્ટોને કોઇ હરાવી શકે છે એ બાબત એમનાં ગળે ઉતરતાં ચોક્કસ તકલીફ થવાની. પણ ખેર... એ બધી બાબતો વિચારવાનો અત્યારે સમય નહોતો. હવે અમે કાર્લોસ જે તરફ હતો એ દિશામાં જઇ શકીએ તેમ નહોતાં એટલે જમણી બાજું... જે દિશામાંથી અનેરી આવી હતી... એ તરફ પ્રયાણ કર્યું. અમારો મકસદ પેલા ચળકતાં પર્વત સુધી પહોંચવાનો હતો જે આ તરફથી ચાલીને પણ જઇ શકાય તેમ હતું.

મને અનેરી પાછી આવી તેનું આશ્વર્ય થતું હતું અને મેં તેને પુંછયું પણ હતું. તેનું કહ્યું કે આગળ ગયાં પછી ખ્યાલ આવ્યો હતો કે તે એકલી જ ઘોડા ઉપર બેઠી છે. તે એટલી ગભરાયેલી હતી કે હું ક્યારે ઘોડા ઉપરથી ગાયબ થયો એ પણ ખ્યાલ રહયો નહોતો. ઘણે આગળ વધી ગયાં બાદ તેણે મને ભાળ્યો નહી ત્યારે તે પાછી ફરી હતી અને મારી પાછળ હાથમાં છરો લઇને આવતાં ક્રેસ્ટોને તેણે જોયો હતો. એ કટોકટીની ક્ષણ હતી. તેણે તુરંત એક નિર્ણય લીધો અને સફરમાં અમે નિકળ્યાં ત્યારે પોતાની સેફટી માટે એક ચાકૂ સાથે લીધું હતું એ ચાકૂથી ક્રેસ્ટો ઉપર તેણે વાર કર્યો હતો. ત્યારે તેને ખૂદને પણ નહોતી ખબર કે વાર એટલો સટીક થશે કે એક જ ઘા માં ક્રેસ્ટોનાં રામ રમી જશે. ગનિમત એ થયું કે બધું સમુસુતરું પાર ઉતર્યુ હતું અને અમે સલામત રહીને... જીવિત બચીને... ખજાના વાળા પર્વત તરફ આગળ વધી રહ્યાં હતાં.

એ આડબીડ રસ્તે અમે લગભગ કલાકેક ચાલ્યાં હોઇશું. સામે જ એ પર્વત હતો પરંતુ કાર્લોસનાં ડરનાં લીધે અમે ઘણું ગોળ ફરીને આ તરફ આવ્યાં હતાં. કાર્લોસ અને એના અમારી ઘણાં પાછળ છૂટી ગયાં હતાં. તેમની પાસે એક ઘોડો હતો પણ મને લાગતું નહોતું કે તેઓ હવે અમારી પાછળ આવે, કારણકે તેમનો મેઇન મકસદ ખજાનો પ્રાપ્ત કરવાનો હતો. અરે.. ક્રેસ્ટો ઉપર તેમને એટલો ભરોસો હતો કે તેનું શું થયું છે એ જોવા પણ તેઓ રોકાયા નહી હોય અને આગળ વધી ગયાં હશે એની મને ખાતરી હતી. જો ક્રેસ્ટો તેમનાં સુધી સમયસર નહી પહોંચે તો પછી તેઓ કોઇ એકશન લેશે એવું મારું મન કહેતું હતું. પરંતુ એ સમય દરમ્યાન અમારે એ બન્નેની પહોંચથી ઘણે દૂર નિકળી જવાનું હતું. હવે ખજાના વાળા આખરી પડાવ સુધી અમે અમારી રીતે પહોંચવાનું નક્કી કરી લીધું હતું. ખજાનો ન મળે ત્યાં સુધી અમારી સફર હજું જારી રહેવાની હતી. એ ખજાનાનો લોભ હતો કે પછી માનવ સહજ કુતુહલતાં એ અમને નહોતી ખબર પરંતુ દુનિયાનાં એક એવાં રહસ્યમય ખજાનાની બીલકુલ નજીક પહોંચીને અમે ખાલી હાથે પાછા ફરવા માંગતાં નહોતાં. મનમાં એક લાલસા એ પણ હતી કે વર્ષોથી અછૂત અને ખતરનાક ગણાતી એક પ્રેત નગરીની અમને ભાળ મળી હતી. તેને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનો સોનેરી મોકો અમારાં નામે થતો હોય તો એ મોકો અમે ચૂકવા માંગતાં નહોતાં. એ બહાને અહી ધરબાયેલાં અતી કિંમતી ખજાનાનાં શોધક તરીકે અમારું નામ વિશ્વ ઇતિહાસનાં પાને લખાઇ જવાનું હતું. પણ... શું એ એટલું આસાન હતું...?

@@@@@@@@@@@

કાર્લોસે ઉંહકારો ભર્યો. તેનું શરીર તૂટતું હતું અને તાવ ધીકતો હતો. કોઇ અજબ તાકતથી તે ટકી રહ્યો હતો નહિતર આ કંડીશનમાં કોઇ સામાન્ય માનવી હોત તો ક્યારનો ગુજરી ગયો હોત. રોગન સાથેની લડાઇમાં તે ભયંકર રીતે ઘાયલ થયો હતો... પણ લખલૂંટ ખજાનાની લાલસા તેને બળપૂર્વક જીવિત રહેવા મજબૂર કરતી હતી. એ ખજાનો સામે દેખાતાં પહાડની ટોચે હતો એવું દસ્તાવેજનાં લખાણથી ફલીત થતું હતું. હવે તેમણે આ પર્વત ચઢવાનો હતો.

તે અને એના.. હવે માત્ર બે વ્યક્તિ જ જીવિત બચ્યાં હતાં. ક્રેસ્ટો મરાયો હતો એ આઘાતજનક ઘટનાની જાણકારી તેમને હમણાં જ મળી હતી. પવન અને અનેરીનું કાળસ કાઢવા તેમણે ક્રેસ્ટોને છૂટો મૂક્યો હતો. ઘણો વખત થવા છતાં તે પાછો ફર્યો નહી ત્યારે તેની ભાળ મેળવવા એ લોકો જંગલની દિશામાં ચાલ્યા હતાં. તેમને એમ જ હતું કે ક્રેસ્ટો જેવા ખતરનાક દાનવ સામે અનેરી અને પવન કેટલી જીંક ઝીલી શકશે..! ચપટી વગાડતા તો ક્રેસ્ટો એ બન્નેને ખતમ કરી નાંખશે. પરંતુ હજું થોડા જ આગળ વધ્યાં કે તેમણે ક્રેસ્ટોને જોયો હતો. જીવિત નહી પરંતુ મૃત હાલતમાં...! ક્રેસ્ટોનું ભયાનક મોત જોઇને તે બન્ને પણ થથરી ગયાં હતાં. સૌથી વધું આઘાત જનક બાબત તો એ હતી કે ક્રેસ્ટો પોતે અત્યંત ક્રૂર રીતે મોતને ભેટયો હતો..અને એ પણ બે નાનકડા જીવોનો સામનો કરતાં. ક્રેસ્ટોનો કપાયેલો પગ અને ગળામાં મૂઠ સૂધી ખૂંપેલું ચાકુ જોઇને તેમને ખ્યાલ આવ્યો હતો કે અહી કેવી ભિષણ જંગ ખેલાઇ ગઇ હશે...! અને કેટલી બેરહમીથી તેને મારવામાં આવ્યો હશે..! એક અસંભવ ગણી શકાય એવું દ્રશ્ય તેમની આંખો સમક્ષ હતું. પરંતુ... બહુ જલદી તેમણે એ ઘટનાને સ્વિકારવી પડી હતી અને પછી ક્રેસ્ટો જેવા વફાદાર સાથીને છોડીને તેઓ આગળ વધી ગયા હતાં.

હવે પવન કે અનેરી પાછળ જવાનો કોઇ મતલબ નહોતો એટલે તેમણે પોતાની રીતે જ ખજાના સુધી જવાનું નક્કી કર્યું હતું અને તેઓ ફરી પાછા પર્વતની તળેટીમાં આવી પહોચ્યાં હતાં.

@@@@@@@@@@@

મેં અનેરી સામું જોયું. કોઇ પુરાતન કાળની વિરાંગનાની જેમ એ ઘોડા ઉપર સવાર હતી. તેનાં ખૂબસૂરત ચહેરા પર એક અજીબ પ્રકારની સૂરખી છવાયેલી હતી. અમે ક્રેસ્ટો સામે જંગ જીત્યા તેમાં સૌથી મોટો ફાળો તેનો હતો. મને તો હજુંયે એ સ્વપ્ન સમાન લાગતું હતું કે કેવી રીતે ચાકૂનાં એક જ સટિક ઘા એ તેણે ક્રેસ્ટોનું ગળું વિંધી નાંખ્યું હતું..! જો તે એકાએક ત્યાં આવી ચઢી ન હોત તો મારું મૃત્યું નિશ્ચિત હતું, એમા કોઇ બે મત નહોતો. મને ખરેખર ગર્વ થતો હતો કે એક બહાદુર છોકરીનાં પ્રેમમાં હું પડયો છું. તે જેટલી સુંદર હતી એટલી જ ખતરનાક પણ હતી.

સૂર્ય બરાબર અમારા માથા ઉપર તપતો હતો. લગભગ કલાકેકની મજલ કાપીને અમે અહી સુધી પહોચ્યાં હતાં અને એક વિશાળકાય ઝાડની નીચે ઉભા રહ્યાં હતાં. આ ઝાડ નાનકડી અમથી ટેકરી ઉપર હતું અને અહીથી સામેની દિશામાં પેલો પર્વત અમને સ્પષ્ટ નજરે ચઢતો હતો. હું અને અનેરી... બન્ને અભિભૂત બનીને પર્વતને જોઇ રહ્યાં. તે એક પર્વત નહોતો પરંતુ આખી પર્વત શૃખલાનો એક ભાગ હતો. પર્વતમાં અડધે સુધી લીલોતરી ઉગેલી હતી અને પછી સફેદ, ધવલ બરફની ચાદર છવાયેલી હતી. તેની ઉપર... એટલે કે ટોચનું દ્રશ્ય અમને દેખાતું નહોતું કારણકે ટોચનો ભાગ સંપૂર્ણપણે ઘેરા વાદળોની નીચે સમાયેલો હતો. એ અલૌકીક દ્રશ્ય હતું. મનોહર અને આંખોને ઠારે એવું...! જાણે કોઇ જોગી પોતાનાં માથે વાદળ ઓઢીને ન બેઠો હોય..! બે ઘડી તો અમે ત્યાં જ સ્થિર થઇ ગયાં. એમેઝોનનાં જંગલોમાં જે દડમઝલ કાપીને અમે અહી સુધી પહોચ્યાં હતાં એનો તમામ થાક ક્ષણભરમાં ગાયબ થઇ ગયો હતો અને એક તરોતાજા અનૂભૂતી અમને ઘેરી વળી હતી. આ પર્વત અમારે ચઢવાનો હતો એ હકીકત રોમાંચીત કરનારી હતી અને અમે એ માટે થનગની રહ્યાં હતાં. મને તો સામે દેખાતો પર્વત જ એક ખજાનો હોય એવું પ્રતિત થતું હતું. હું ઉત્સાહમાં આવી ગયો અને અનેરીનાં ઘોડાની રાશ પકડીને આગળ વધ્યો. અનેરીની હાલત પણ મારી જેવી જ હતી. તેને પણ અજબ ઉત્સાહ થતો હતો. અમે કોઇ પર્વતારોહીની માફક આગળ વધતાં ચાલ્યાં.

પરંતુ.... બહારથી પર્વત જેટલો સુંદર દેખાતો હતો હકીકતમાં એટલો હતો નહી. સદીઓથી આ પર્વત પોતાની અંદર ઘણા રહસ્યો ધરબીને બેઠો હતો. એવાં ખતરનાક રહસ્યો જેને આજ સુધી કોઇ ઉજાગર કરી શકયું નહોતું. અરે... અહી સુધી કોઇ સલામત રીતે જીવીત અવસ્થામાં પહોચ્યું હોય એવા દાખલા પણ ઇતિહાસમાં શોધ્યાં જડે તેમ નહોતાં. એટલે જ કદાચ લોકો આ જગ્યાને “ અ નો રીટર્ન પોઇન્ટ “ કહેતાં આવ્યાં હશે. વિતેલાં ભૂતકાળમાં કેટલાય ઇતિહાસવીદો અને સંશોધકોએ આ ભૂમીની ખાક છાની હતી. એ તમામ લોકો આ જંગલમાંથી ક્યારેય જીવિત બહાર નિકળી શકયાં નહોતાં. કંઇ કેટલાય મરજીવાઓ ખજાનો મેળવવાની લાલચમાં મોતની ભેંટ ચડી ગયાં હતાં. એ તમામની આત્માઓ આજે પણ આ જંગલમાં ભટકતી હશે અને અમને સલામત અહી પહોચેલાં જોઇને જરૂર અચંભીત બની હશે. અમે નહોતાં જાણતાં કે આગળ અમારું શું થશે...! અહીથી જીવતાં બહાર નિકળીશું કે પછી અહી જ અમારી કબર ખોદાશે, પરંતુ આ પર્વત સુધી પહોચી શકવાનો આનંદ ગજબનો હતો. ખેર... અમે અમારી સફર આગળ ધપાવી.

પર્વતની તળેટીમાં એક સુંદર ઝરણું વહેતું હતું. એ ઝરણાને પાર કરીને અમે તળેટીમાં આવી પહોચ્યાં. પર્વત ઉપર ચઢવા માટે કોઇ રસ્તો નહોતો. ચારેબાજું ઉગેલાં નાના પણ ઘેઘૂર પાંદડા ધરાવતાં વૃક્ષોની ભરમાર હતી. અમારે એમાથી પસાર થઇને પર્વતનું ચઢાણ ચઢવાનું હતું. પર્વતનો ઢોળાવ એકદમ સીધો અને કરાળ નહોતો એટલે ઉપર ચઢવામાં અમને વધુ મુશ્કેલી થવાની નહોતી. અત્યારે તો એવું જ જણાતું હતું બાકી તો ઉપર જતાં વધું ખ્યાલ આવે તેમ હતો. અમે પર્વતનો ઢોળાવ ચઢવો શરૂ કર્યો. અનેરી ઘોડા ઉપર જ હતી અને હું એ જાનવરને દોરતો આગળ ચાલી રહયો હતો.

બરાબર એ જ સમયે... બીજી બાજુથી... એટલેકે અમારી ડાબી દિશામાં લગભગ પાંચેક કી.મી. દૂર... કાર્લોસ અને એનાએ પર્વતારોહણ શરૂ કર્યું હતું. તેની અને અમારી મંજીલ એક જ હતી... પર્વતની ટોચે સદીઓથી દફન રહસ્યમય ખજાનાની શોધ...! હવે જોવાનું એ હતું કે કોણ પહેલાં ઉપર પહોચે છે અને કોનાં હાથમાં એ ખજાનો આવે છે...! અત્યારે તો અમે ઉત્સાહમાં હતાં કે ટોચે પહોચતાં જ અમને ખજાનો મળી જશે, એ ઉત્સાહમાં જ અમે અમારી ગતી વધારી હતી.

( ક્રમશઃ )

મિત્રો... આ કહાની તેનાં અંત તરફ આગળ વધી રહી છે. ત્યારે... આપનો આભાર માનવો તો બને છે. સતત નેવું- નેવું પ્રકરણો સુધી અનંત ધીરજથી આપે આ કહાનીને માણી છે એ કોઇ અભૂતપૂર્વ ઘટનાથી કમ તો નથી જ. આજનાં ફાસ્ટ જમાનામાં આટલી લાંબી નવલકથા પ્રકરણ વાઇઝ વાંચવી એ ખરેખર જબરી ધીરજ અને પેશનનું કાર્ય છે. એ બાબતે હું આપ સહુંને ધન્યવાદ કહીશ. આ પછી એક નવી હોરર સસ્પેન્સ નવલકથા શરૂ કરવા જઇ રહ્યો છું તો..

બસ... આવી જ રીતે સાથ નિભાવતાં રહેજો અને વાંચતાં રહેજો.

માતૃભારતી ઉપર “ અંગારપથ “ વન્સ અપોન ઇન ગોવા... એક સસ્પેન્સ થ્રિલર શરૂ કરી છે. જો આપે ન વાંચી હોય તો વાંચજો અને કહાની કેવી છે એ ભૂલ્યાં વગર જણાવજો. તમારો અભિપ્રાય મારા માટે ઘણું અગત્ય ધરાવે છે માટે કોમેન્ટ કરવાનું ભૂલતાં નહી.

ઉપરાંત,

રેટીંગ ચોક્કસ આપજો.

જો આપ રહસ્યમય કથાઓનાં રસીયા હોવ તો તમને મારી અન્ય નવલકથાઓ જેવી કે....

નસીબ

અંજામ

નગર

નો રીટર્ન