Chudel munjani books and stories free download online pdf in Gujarati

ચુડૈલ મુંજાણી…

રમેશ - કાં... જીગલા.. કેમ હમણાં દેખાતો નથી? બહુ કામ માં પડી ગયો કે શું?

જીગલો (જીગ્નેશ) - ઢાકણી એક પાણી આપ તો એમાં ડૂબી નેં મરી જાઉં એવું દુઃખ છે, શું કરું યાર, કાલે છોકરી વારા જોવા આવ્યા, હું ચા ની ભૂક્કી લેવા ગયો તો, અમારો નોકર લાલ્યો દગો કરી ગયો, છોકરી વારા એને પાસ કરી નેં ચાલ્યા ગયા. ઘર માં પગ મુક્યો તો કેળા ની છાલ પર પગ પડ્યો નેં હું તો માથા ભર પછડાયો, એમાં મારુ ઢાંઢુ લલિતા માસી નેં ભટકાઈ ગયું તો એને મારા પડખામાં 3 કોણીયું મારી લીધી.

મેં હજાર વાર બા નેં કીધું કે બપોરે ચણા ના લોટ વારુ શાક ના બનાવો,,,, ના બનાવો,,, પણ ઈ ના સમજે.. મારે દુકાને થી લોટકા લઇ નેં કેટલીક હડીયું કાઢવી..તારા પૈસા ચુકવવા ના છે, બાપુજી ની દવા લેવાની છે, બા નેં જાત્રા કરાવી છે, ધાબો રીપેર કરવો છે...આમાં હું મરું તો થાય...કેટલે પુગવું મારે રમેશ આમાં..?

રમેશ - બસ બસ ભાઈ.... મેં તો તને ઈ કેવા રોક્યો હતો કે, રાતે એકલો ના ભાટકતો... મોટી ટાંકી પાસે ચુડેલ હોવાની વાત ગામ માં ઉડે છે....હાલ ભાઈ મળ્યા પછી - રામ રામ

*** 2 દિવસ પછી રાત્રે મોટી ટાંકી પાસે ****

છમ...છમ....છમ.....

જીગલો - અત્યારે કોણ છે? શું રમત આદરી છે...?

ચુડૈલ - આજે તો તને ઉપાડી જ જાઉં..તારું લોઈ ચૂસી લઈશ....અને માંસ ખાઈ જઈશ... હું ચુડૈલ છૂ...હવે થી આ મારો ઇલાકો છે...

જીગલો - મારા શરીર માં લોઈ ક્યાં છે, ભુખુ કાઢી કાઢી નેં જીવું છું... બસ ના ભાડા માટે પણ ફાંફા મારું છું...એટલે તો ચાલી-ચાલી નેં આવજા કરું છું..

ચુડૈલ - અબે એય... મને તારા રોદણાં નથી જોતા... સીધી રીતે મારા વશ માં આવી જા નહીં તો ઢસેડી નેં લઇ જઈશ...

જીગલો - મને વશ માં કરી નેં શું કાંદો કાઢી લેશો તમેં.. હું તો કુદરત નો મારેલો છું...સાહુકાર ના પૈસા ચૂકવી શકતો નથી....ઘર માં ધાન પૂરું ભરી શકતો નથી...બે જોડ કપડાં નવા ખરીદી શકતો નથી... લાચાર જીવ નેં મારશો તો વર્ષો વરશ નર્ક માં રોકાવું જોશે.. મારી આતેડી ની કદ્દુઆ લાગશે, મારા ઘરડા માં બાપ ની હાય લાગશે..જરા વિચારો ચુડૈલ જી...

ચુડૈલ - હવે બસ બસ.... તારા ધતિંગ સરાપ બંધ કર....હમણાં જ તને ફાડી ખાઉં.. અને તાજું લોહી તો મુકું નહીં..

જીગલો - જે માણસ નો જીવ બળતો હોય એનું શરીર પણ રોગિયલ હોય....ભગવાન જાણે આચા-ડૂચા ખાઈ ખાઈ નેં મારા શરીર માં અંદર-ખાને ક્યાં ક્યાં રોગ ભરાઈ ગયા હોય...

ઉપર થી હું જાજો ચોખ્ખાઈ વારો વ્યક્તિ પણ નથી...જોવ સૂંઘી લ્યો.. ગંધાતા બગલ,,, 3 દી થી ધોયા વિના ની ચડ્ડી, નેં કાળી ભેંસ જેવી મારી કાંધ (ગરદન પાછળ નો ભાગ) અનેં પરસેવે રેપજેપ મારા કપડાં..... નાક પણ મેં ક્યારે સાફ કર્યું એ ખબર નથી, માથા માં આ ટોલા વયા જાય, મને તો કોઈ દીવસ મચ્છર એ કરડતા નથી આવી ઘાતક ગંદગી નો માલિક છું હું... મને ખાઈ નેં કે મારુ લોઈ પી નેં તમેં માંદા પડશો...

ચુડૈલ - યાક... યાક... બસ કર... કમાતો નથી શું? શરીર ની તો ચોખ્ખાઈ રખાય... અલે આ મારા જાંજરા.. સોની પાસે વેચી આવ જે.... તારા ઘરડા માં માપ નેં ખાવા પીવા ના અને દવા-દારૂ ના પૈસા દેતો આવજે...અને ગામ માં જઈ નેં સાબુ શેમ્પુ ખરીદ જે... કાલે નાઈ-ધોઈ નેં ચોખ્ખો થઇ નેં આવી જા જે, પછી તને ફાડી ખાઈશ... જા તને એક દિવસ જીવવા આપ્યો...

જીગલો - પણ બેન એમ તમે અમારો માણસોનો ભરોસો ના કરો....હું તમારા જાંજર વેચી મારી જરૂરત પુરી કરી નેં પાછો ના આવ્યો તો? એના કરતા તમે પણ ભેગા ચાલો નેં...? મારા બા ઘરડા છે તમે એના પગ દબાવજો ત્યાં હું બધી વ્યવસ્થા કરી આવીશ, પછી તમે નેં હું, અહિયાં પાછા આવી જાશું?

ચુડૈલ - વેખલી વાઘરણ જેવા.... હું તારી નૌકરની નથી.... કે તારી ઘરવારી નથી કે તારી બા ની સેવા કરવા આવું, છાનો માનો કહું એ કરતો જા.... અને પાછો કાલે ના આવ્યો નેં તો તારા ઘરે થી પણ, તને ઢસેડી જતાં આવડે છે મને....સમજ્યો?

બીજા દિવસે......મોટી ટાંકી પાસે...

ચુડૈલ - હા બોલ.... તારા બધા કામ પતિ ગયા...? હવે તને મારુ? સાફ-સૂફ સરખી કરી છે નેં શરીર ની?

જીગલો - જાંજર વેચ્યા તો પૈસા તો સારા આવ્યા...માં-બાપ નેં પૈસા ની પણ સગવડ કરી આવ્યો, દવા-દારૂ ના પૈસા પણ મૂકી આવ્યો, અનેં હું પણ સ્વચ્છ થઇ ગયો, પણ મારી બા ની ચિંતા થાય મને... એની કિડની ખરાબ છે.... ડોક્ટર એ કીધું 5 લાખ જોશે,,, આમાં હું કેમ શાંતિ થી મરું તમે જ કહો,

ચુડૈલ - હદ્દ નફ્ફટ માણસ છે તું હો,,,, અલે આ મારી નથડી, કંદોરો...બંગડી... સોના નો દાત.... કડલો બધું વેચી આવ,,, અનેં તારી માં ની કિડની પણ રિપ્લેસ કરાવી આવ... હું તને એક અઠવાડિયા પછી ખાઈશ..બસ? જા... મંડ ભાગવા હવે... અને હા પાછો.. આવ ત્યારે નાય-ધોય નેં જ આવજે,,,

જીગલો - તમારો ખુબ ખુબ આભાર - નારી જાતિ મહાન છે....એમાં પણ ચુડૈલ હોવા છતાં પણ આટલી દયા...તમે તો મારુ મન જીતી લીધું.. હું ચોક્કસ આવતા અઠવાડિયે આવી જઈશ... તમેં મૌજ થી મને ખાજો-પીજો..

એક અઠવાડિયા બાદ - મોટી ટાંકી પાસે

ચુડૈલ - હવે તને શાંતિ....ખાઉં નેં તને? તારી પાછળ હું કંગાળ થઇ ગઈ...ભૂખી મરું છું 8 દિવસ થી,,, હવે મારે કાઈ જ સાંભળવું નથી...હો...

જીગલો - જીવ ઘભરાય છે... રડવું આવે છે... ખબર નહીં શું થશે....મારા બાપુજી ની આવી હાલત જોઈ નેં હું શાંતિ થી કેમ જીવ ત્યાગ કરી શકું?

ચુડૈલ - હવે શું છે તારા નવા નખરા? બધું જોસી તો દીધું તને...? હવે તો એક ટક મારું પેટ ભરાવા દે...

જીગલો - મારા બાપુજી નેં મીઠુ-મીઠું ખાઈ નેં ડાયાબીટીશ વધી ગયું... એના શરીર માં લોઈ ની ટકાવારી પણ ઘટી ગઈ... પૈસા તો તમારી દયા થી છે પણ લોઈ આપવા વારુ કોઈ નથી....એ મરી જશે તો? તમેં કઈ કરો... પ્લીઝ...

ચુડૈલ - એ લખણ-વંતા હું લોહી ચૂસવા વાળી છું... આપવા વાળી નહીં.... એ વાત સાચી છે કે.. હું ગમે તે માણસ નું રૂપ લઇ શકું અનેં મારા શરીર ના લોહી નૂ બ્લડ ગ્રુપ એ ફેરવી શકું પણ.....ઈ બધું અત્યારે નહીં.. અત્યારે તો હું જ ભૂખી છું...આ માંગ પુરી નહિ થાય...

જીગલો - ગરમ તેલ ની કડાઈ માં જીવ નેં તરવા ની વાત સાંભળી છે? અણી વારા સળિયા પર માણસો નેં બેસાડવાની વાત સાંભળી છે? જે પાપી કોઈ મજબુર ની મદદ ના કરે ને...એની હારે નરક માં આવું બધું પણ થઇ શકે....માટે હજી થોડીક દયા ખાઓ મારા પર... બસ ખાલી બાપુજી નેં તમે 8 બાટલા તમારું લોહી આપી દો ને? પછી તમે તરત જ મને મારી ખા જો... આપણે પછી બીજું કઈ કામ નથી....।

ચુડૈલ - મેં પુરા પાપ કર્યા હશે તી તું મને ભાટકયો.... ચાલ માણસ નું રૂપ લઇ નેં તારા બાપ નું બ્લડ ગ્રુપ ધારણ કરી લઉં...પણ હવે હદ્દ થઇ હો, બીજી કોઈ માંગ નહીં...પોસાય..

દવાખાના માં - લોહી ચડાવ્યા બાદ

ચુડૈલ - એ બળદિયા હવે કા ભામ્ભરે? તારા બાપા નેં લોઈ તો આપી દીધું...એ ઈ બેઠો બેઠો ચીકુ નેં સફરજન ચાવે....હવે તો હાલ...

જીગલો - એમ નહિ, ડોક્ટર એ કીધું કે તારા માં બાપ ઘરડા છે,,, એની સેવા કરવા કોઈ સારી છોકરી ગોતી નેં લગન કરી લે... આ વાત પર મારા માતા-પિતા એ કીધું કે અમારી પણ એક જ ઈચ્છા છે કે તને લગન કરતો અને ઘર વસાવતો જોવો..

હવે મારે આમાં કરવું શું,,,? કોઈ છોકરી તો શું વાંદરી પણ મને પરણવા માટે માનતી નથી....! આમ મારા માતા-પિતા ની ઈચ્છા પુરી કર્યા વિના કેમ મરવુ મારે? તમે કંઈક મદદ કરો નેં?

ચુડૈલ - નીચ છો....! તું નીચ... માણસ....છો... પેટ માં ગરી નેં પગ પહોળા કરવા વારો માણસ છે તું.... ! તારી ઈચ્છા અને જરૂરત કોઈ દી પુરી નહીં થાય...મારા ઘરેણાં લીધા... મારુ લોહી ચૂસી લીધું... હવે તારે પરણવું છે... એના માટે હું છોકરી ગોતવા જાઉં કે....હું મારા કરમ ફોડું તારી સાથે? હરામખોર...

જીગલો - એમ નહીઁ જોવ... તમે મારુ આટલું કર્યું,,, હવે ખાલી મારી જોડે લગન કરી નેં 50 કે 60 વર્ષ કાઢી લ્યો નેં? આપણા છોકરા માણસ જેવા થાય તો એ ઠીક અને તમારા જેવા ડાકોતરા પાકે તો એ ઠીક...આપણે સંભાળી લેશું..

ઓમ એય મારે ઘરે ઠામ કપડાં, રસોઈ, કચરા-પોતા, સાફસફાઈ અને જારા -ઝાપટા સિવાય કામ જ શું હોય, બાકી દિવસ માં 8 થી દસ કલાક માં બાપ ની સેવા ચાકરી બસ,,,

અને દર રવિવારે હું તમને ફરવા એ લઇ જઈશ, ઘોઘા ની રેંકડી ના ઠંડા ટમેટા, ગરબી ચૌક ની પાણીપુરી, નેં 10 રૂપિયા વાળી ફૂલ પ્લેટ ભેળ નેં સેકેલી માંડવી નેં બીજું જી તમે સસ્તું માંગો ઈ,,,,

માની જાઓ તો, મજા આવી જશે જીવવા ની,,, એક વાર હાથ લંબાવી દો,,

ચુડૈલ - પેટ નો ખાડો પુરવા આવી હતી, લુટેડો લુવાઈ ગયો,,, હવે તો મને પણ નબળાઈ આવી ગઈ છે,, આ માનવ જાતિ થી તો ભગવાન જ બચાવે,,,

ભાઈ નથી પરણવું મારે.... કોઈ બીજી સસ્તી મજુર ગોતી લે, આ ભવ માં મળ્યો,,,,બીજા ભવ માં ભાટકતો નહિ....

હવે બસ એક મોટી ટાંકી જવા માટે રિકશા બોલાવી દે મારા માટે...

અહીં થી અલોપ થઇ નેં ત્યાં પુગવા ની તેવડ નથી મને,,,, હવે મારે તને ખાવો એ નથી,,, અને નથી તારું લોહી પણ પીવું નથી અનેં, પરણી નેં તારી મજૂરી તો કરવી જ નથી.... આવજે....હો

સારાંશ - કઈ જ નથી....બસ મૌજ થી વાંચો અને મૌજ માં હસતા-રમતા રહો - જય હિન્દ