પ્રતિક્ષા ૨૯

રઘુની આંખ ખુલી ત્યારે હજુ ચારેકોર સુનકાર વ્યાપેલો હતો. તે હોટેલના રૂમમાં એકલો સુતો હતો. તેની સાથે આવેલા ત્રણેય છોકરાઓ તેને અડીને જ આવેલા બીજા રૂમમાં હતા. રઘુના રૂમની બધી લાઈટો બંધ હતી અને બારીઓ પર જાડા પડદા પડેલા હતા એટલે તેને કંઇજ સાફ દેખાઈ રહ્યું નહોતું. સમય કેટલો થયો હશે તે તો તે નહોતો જાણતો પણ હજુ પરોઢ નહોતી થઇ તે નક્કી હતું. તેણે પલંગથી ઉભા થઇ એક દરવાજો ખોલ્યો અને બહારની ખુલ્લી હવા તેને સ્પર્શી ગઈ. રાતનો છેલ્લો પ્રહર જ ચાલતો હશે કદાચ એટલે અંધારું ગાઢ હતું. રઘુ બાલ્કનીમાં મુકેલી ખુરશી પર બેસી સામે મુકેલી ટીપોય પર પગ ચડાવી સિગરેટ સળગાવી રહ્યો. અજાણતા જ ૨ દાયકા પૂર્વેની બપોરની સફરે ઉપડી ગયો

***

રઘુભાઈનું નામ ધીમે ધીમે આખી મુંબઈમાં જાણીતું થઇ રહ્યું હતું. બીજી એમ તો અલગ અલગ ઘણી ગેંગ ચાલતી હતી પણ રઘુભાઈનો કામ કરવાનો સલીકો અલગ હતો. તેમની ધાક અલગ હતી. મુંબઈની બીજી ગેંગના લીડર કામ તો કરી આપતા પણ રઘુ જેટલી ચોકસાઈથી નહી. મારપીટ, વસુલી, કીડનેપીંગ, હાફ મર્ડર, મર્ડર બધા જ કામના તે ઓર્ડર લેતો પણ કોઈ કામ તે જાતે ના કરતો. અને બીજી કોઈ જ ગેંગના માણસ સાથે ક્યારેય માથાકૂટમાં ના પડતો. દરેક કામના તેના ફિક્સ ભાવ અને દરેક કામ માટે અલગ માણસ તેની પાસે રહેતો. તેની પોતાની જબાનનો પાકો હતો. પણ પોતાની સાથે ખોટું કરવા વાળાને તે જીવતો રાખતો નહી. તેના કામના પરફેક્શનને લીધે જ રઘુનું નામ વધી રહ્યું હતું. અને તેના નામની ધાકનો તેના છોકરાઓ છૂટથી વપરાશ કરતા હતા.
તે દિવસે રઘુ એમજ પોતાની ખુરશી પર બેઠો છાપું વાંચી રહ્યો હતો અને તેને સમાચાર મળ્યા કે તેના છોકરાઓની કાર કોઈ છોકરી સાથે અથડાઈ છે અને માથાકૂટ થઇ છે. તેણે છોકરાઓને તો કહી દીધું કે જે કરવું હોય તે કરો પણ ત્યાંજ તેની પાસે બીજા સમાચાર આવ્યા કે તે છોકરીને ગોળી વાગી છે તે અંધેરી બાજુના એક અપાર્ટમેન્ટમાં ગઈ છે અને છોકરો કોઈ બીજી કારમાં બહાર ગયો છે. ખબર નહી રઘુને શું સુજ્યું કે તેણે તેના બધા છોકરાઓને ઉર્વિલ પાછળ મોકલ્યા તેને ધમકાવવા અને પોતે રેવા પાસેથી ગાડીના નુકસાનની વસુલી કરવા એકલો ગયો...

રઘુ જયારે રેવાના એપાર્ટમેન્ટની બેલ વગાડી રહ્યો હતો ત્યારે તેને સ્વપ્નેય કલ્પના નહોતી કે તે એ રસ્તા પર નીકળી પડ્યો છે જ્યાંથી પાછુ વળવું અસંભવ છે.
તેણે એકસાથે ૩ બેલ વગાડી દીધી એટલે અંદર થી તરત જ અવાજ આવ્યો
“ખુલ્લું છે બારણું. આવી જા...”
રઘુ બારણું ખોલીને અંદર દાખલ થયો તો આરસથી કંડારેલી હોય તેવી છોકરી સોફા પર બેઠી હતી. રડીને લાલ થયેલી આંખો, આંસુના નિશાનોથી ઘવાયેલા ગાલ અને દર્દથી કણસતો ચેહરો રઘુને આકર્ષી રહ્યો. રઘુને જોઇને જ તે ચોંકી ગઈ અને એક હાથથી બીજો હાથ પકડતી ઉભી થઇ રઘુ તરફ આવી.
“ઓહ તમે? સોરી મને લાગ્યું કોઈ બીજું છે... બોલો કોનું કામ છે?”
રઘુનું ધ્યાન હવે ગયું કે તેના બાવડા પર ગોળી વાગી હતી અને તેના કપડા પણ લોહીથી ખરડાયેલા હતા. રઘુને તરત યાદ આવ્યું કે પોતે અહીં વસુલી કરવા અને ધમકાવવા આવ્યો છે.
“હું રઘુભાઈ. સવારે તમે જેના છોકરાઓની ગાડી ઠોકી હતી...” રઘુ પોતાના અવાજમાં કડકાઈ લાવવા ગયો
“ઓહ રાઈટ...” રેવા ધીમું કટાક્ષભર્યું હસીને દરવાજાને અઢેલીને ઉભી રહી રઘુની આંખમાં આંખ પરોવતા ઉમેરી રહી “પૈસા આપવાના છે કે જાન? ગમે તે લઇ જઈ શકો છો. મને કંઇજ વાંધો નથી.”
“કેમ રૂપિયા બહુ વધી પડ્યા છે?” રેવાની આંખોમાં ડરનો એક તણખો પણ નહોતો. તે જાણતી હતી કે રઘુ કોણ છે પણ તેનાથી તેને કોઈ ફરક નહોતો પડતો. તેની નીડરતા તેને સપર્શી ગઈ. રઘુને સુઝ્યું નહિ કંઈ બોલવાનું એટલે ગમે તે બોલી નાખ્યું
“ના, જાન નીકળી ગઈ છે ને શ્વાસ વધી પડ્યા છે...” રેવાથી બોલી જવાયું. રઘુને એનો અર્થ તો ના સમજાયો પણ એટલો ખ્યાલ આવ્યો કે આ સામે ઉભેલી વ્યક્તિ છે કંઇક અનોખી.
“કેટલા રૂપિયા જોઈએ છે?” રઘુ હજુ વિચારી જ રહ્યો હતો ત્યાં રેવા એ સીધું જ કહી દીધું.
“રેવા નામ છે ને તારું?”
રેવા એ ફક્ત હકારમાં માથું હલાવ્યું
“હું ડોક્ટર પાસે લઇ જઈ શકું તને?” રઘુને પણ નહોતી ખબર કે કઈ લાગણીના જોરે તે આ બોલી ગયો. પણ હવે ચોંકવાનો વારો રેવાનો હતો.
“ના દેવ હમણાં આવતો જ હશે એ લઇ જશે.” થોડું વિચારી રેવા બોલી
“પ્લીઝ...” રઘુના સ્વરમાં ભારોભાર વિનંતી હતી. રેવા પણ નહોતી સમજી શકતી કે જે વ્યક્તિને લીધે તેને ગોળી વાગી હતી તે જ ડોક્ટર પાસે લઇ જવા કેમ કહી રહ્યો છે...! છેલ્લી કલાકોમાં જે કંઈ થયું તેનાથી તેની વિચારવાની ક્ષમતા બંધ પડી ગઈ હતી કદાચ. તે રઘુના પ્લીઝને ઇન્કારી ના શકી અને તેની સાથે ડોક્ટર પાસે જવા નીકળી ગઈ.

***

રઘુ રેવાને તેના ફ્રેન્ડના કલીનીક પર જ લઇ આવ્યો હતો જેથી ગોળીની વાતનો બવાલ ના થાય. રેવાની મલમપટ્ટી ચાલતી હતી. રઘુને પણ બહુ વિચિત્ર લાગી રહ્યું હતું કે તે પોતે જ તેનો ઈલાજ કરાવવા લઇ આવ્યો હતો. તે વારેવારે ત્રાંસી નજરે જોઈ લેતો રેવાને. તેની નમણાશ અને છતાંય આટલી નીડરતા રઘુને છેક સુધી અડી ગઈ. તે હજુ વધુ વિચારે રેવા વિષે તે પહેલા જ ડોક્ટરના આગમને તેના વિચારો વિખેરી નાંખ્યા.
“શું ડોક્ટર ઓલ ઓકે?” રઘુ એમજ પૂછી બેઠો
“અરે સારું છે બહુ બ્લડ લોસ નથી થયું રઘુભાઈ. બાકી પ્રેગનેન્સીના અર્લી ડે માં બેબી માટે બહુ પ્રોબ્લેમ થઇ જાય. યુ આર લકી બધું બરાબર છે અને બેબી પણ સેફ છે.” ડોક્ટર એકસામટું રીપોર્ટ સામે જોઇને બોલી ગયા પણ તેનું રીએક્શન શું આપવું તે રઘુને નહોતું સમજાતું.
“આઈ એમ પ્રેગનેન્ટ?” રઘુની પાછળ ઉભેલી રેવા આશ્ચર્યથી પૂછી રહી. તેના અવાજમાં ખુશી હતી કે નિરાશા તે રઘુને સમજાયું નહોતું પણ તે હતપ્રભ જરૂર હતી
“યેસ... ગ્રાફ પ્રમાણે તમે ૧૦ વીક પ્રેગનેન્ટ છો...”
ડોક્ટરનો જવાબ સંભળતા જ રેવા ત્યાં પાછળ પડેલા ચેકઅપ બેડ પર બેસી ગઈ. તે આંખો મીંચી ગઈ અને તેના ચેહરા પર એક પછી એક ભાવ આવીને જઈ રહ્યા હતા. તેના બન્ને હાથ ધીરે રહીને તેના પેટ પર આવ્યા અને તેના હોઠ સ્મિતમાં વંકાઈ ગયા.
“આઈ એમ પ્રેગનેન્ટ... આઈ એમ પ્રેગનેન્ટ...” આખું જગત જીત્યાનો આનંદ તેના સ્મિતમાં સમાઈ રહ્યો હતો.

રઘુ અપલક નિહાળી રહ્યો રેવાને. તેની આ ખુશીમાં, તેના આ સ્મિતમાં, તેની આ નિર્દોષતામાં પૂરી દુનિયાનો સાર મળી ગયો રઘુને. આ ચેહરાને આમ ખીલખીલતો જોવા માટે તે દુનિયાની કોઈપણ હદ જઈ શકે એવું તેનું મન પોકારી ઉઠ્યું. આ કયો ફેરફાર હતો તે રઘુને સમજાયું નહોતું પણ કંઇક બદલાયું હતું તેની તેને જરૂર ખબર પડી હતી.

***

રેવાને મળીને રઘુ એટલું તો જાણી ગયો હતો કે આ છોકરી નિર્દોષ દેખાય છે એટલું જ ભારોભાર એટીટ્યુડ પર ધરાવે જ છે. રઘુ પણ સમજતો હતો કે ડાયરેક્ટ રેવાને મળવા જશે તો રેવા છંછેડાઈ પણ જઈ શકે.
રઘુએ રેવાની આસપાસના લોકો વિષે માહિતી એકઠી કરી. રેવાની સામે રહેતા કપલ દેવ અને સ્વાતીથી રેવા સૌથી વધારે નજીક હતી. અને એમાં પણ સ્વાતી ક્રાઈમ રિપોર્ટર હતી એટલે રઘુ માટે સ્વાતી સાથે ઘરોબો વધારવું જરાપણ અઘરું નહોતું. તે સ્વાતીને તે બધી જ ઇન્ફર્મેશન આપતો જેનાથી સ્વાતીના ગ્રોથમાં મદદ મળતી રહે

તે થોડા થોડા સમયે  સ્વાતીને મળવાના બહાને રેવાના બિલ્ડીંગમાં અચૂક આવતો રહેતો. હા, તે એ વાતનું પૂરું ધ્યાન રાખતો કે તેની શોહરતની અસર રેવા, સ્વાતી કે દેવ પર ના આવે. સ્વાતી મોટાભાગે રેવાના જ ઘરે રહેતી એટલે ત્યાંજ તેને મળતો રહેતો અને તીરછી નજરે રેવાને જોયા કરતો. રઘુ રેવાના પ્રેમમાં ડૂબી રહ્યો હતો પણ એનો અણસાર સુધ્ધા તેણે રેવાને આવવા દીધો નહોતો.
રેવા પણ રઘુની અંદરના એક ગેંગસ્ટર સિવાયના વ્યક્તિત્વને જોઇને અભિભૂત થતી. તે હંમેશા માનતી હતી કે ગમે તેવો ખરાબ વ્યક્તિ પણ તમને સારી રીતે ટ્રીટ કરે જો તમે એને કારણ આપો તો... આ વાતની પ્રત્યક્ષ અસર રઘુમાં જોઇને તે તેની નજીક આવતી ગઈ.
થોડા મહિનાઓ તો એમનામ નીકળી ગયા પણ રેવાની પ્રેગનેન્સી કોમ્પ્લીકેટેડ હતી. તેની ભેગું સતત કોઈ વ્યક્તિને રહેવું પડે એવી હાલત થતી જતી હતી. આરતી અને દેવ મોટાભાગનો સમય રેવા સાથે જ વિતાવતા અને રઘુ પણ હવે રેવાનો મિત્ર બની ચુક્યો હતો.
જેમ જેમ દિવસો જતા ગયા તેને સમજાતું ગયું કે રેવા વિના જીવવું એ ફક્ત શ્વાસ લેવા જેવું છે. પોતાના પ્રેમને વાચા નહિ આપે તો ઘૂંટાઈ જશે.

એ રવિવારની સાંજ હતી. રેવાને પુરા દિવસો જતા હતા. તે ડાઈનીંગ ટેબલ પર બેઠી બેઠી ફ્રુટ્સ ખાઈ રહી હતી ને  રઘુએ વાત કરવાની શરૂઆત કરી.
“રેવા... હું મારા બધા જ કામ ધંધા છોડવા માંગું છું.”

***

(ક્રમશઃ)

***