એસેટ - 3

3.

અંતિમ પરીક્ષા પાસ કર્યા પછી તેણી એક આર્કિટેક્ટ કંપનીમાં જોડાઈ ગઈ. પગાર કલાકનો 125 રૂ. જેવો હતો. એટલાથી પણ તેણી સંતુષ્ટ  હતી. તેણી એક મહિનામાં લગભગ 30000 રૂ. જેવું કમાઈ લેતી. પરંતુ રાતદિવસ તેના પેટમાં પતંગિયાં પાંખો ફફડાવ્યા કરતાં. તેણીને થતું કે જિંદગીમાં તે  કંઈક વધારે ઇચ્છે છે. તેના ગ્રાહકો અને સહકર્મીઓએ જણાવ્યું હતું કે તેણી એક અદ્ભુત દેહાકૃતિ અને આંખો મીટ માંડયે જ રાખે એવા ઘાટીલા અને મોહક ચહેરાની સ્વામીની  હતી. શું ઇંટ, સિમેન્ટ અને પ્લાન લેઆઉટનાં કાગળીયાં પાછળ જ આ ઈશ્વરદત્ત સૌંદર્ય દટાઈ જશે? એક બેંકરની પુત્રી પોતાની આ ખાસિયત વિષે સંપૂર્ણપણે અજાણ હતી.

ત્યારબાદ એક વખત  તેના શહેરમાં ઉભા થઇ રહેલા એક સ્ટુડિયો પ્રોજેક્ટ માટે જાણીતા ફિલ્મ નિર્માતા સાથે ક્લાયન્ટ મીટિંગ આવી. તેણીએ તેના બોસને આ નિર્માતા સુધી પહોંચવામાં પ્રોજેક્ટ પર મન લગાવી ખુબ મદદ કરી હતી. બોસે તે નિર્માતાને  તેણીના વિષે કહ્યું હતું કે "તે અમારી કંપનીની એસેટ છે. પ્રોજેક્ટ અને ક્લાયન્ટ બંનેને હેન્ડલિંગ કરવામાં એના જેવું સારું કોઈ માંડ મળે." ક્લાયન્ટનું સ્માઇલ અને વર્તન જણાવતાં હતાં કે તેઓ તેના વ્યક્તિત્વથી પ્રભાવિત થયા હતા. પ્રોજેક્ટના ડેમો બાદ ટી બ્રેક દરમિયાન, તેણી ખુબ શરમાતી, અચકાતી અચકાતી ક્લાયન્ટની  નજીક ગઈ.

"સાહેબ, તમે ફિલ્મ અને એડવર્ટાઇઝિંગની  લાઇનમાં છો એટલે હું મારી લાઇનથી કંઇક અલગ, આપની પાસે કઈંક માંગું છું, કદાચ તમારી લાઇનથી સંબંધિત છે. કઈંક આપની પાસે માંગી શકું?" તેણીએ ડરતાં  ડરતાં પૂછ્યું.

ક્લાયન્ટને આશ્ચર્ય થયું,. એક આર્કિટેક્ટને એક ફિલ્મ પ્રોડ્યુસર પાસેથી શું જોઈતું હશે? આશ્ચર્યથી તેમનાં ભવાં ચડી ગયાં. તેમ છતાં તેમણે પૂછ્યું, "આ ચમકતી દમકતી  બ્યુટી ક્વિનને હું શું મદદ આપી શકું? સાચે જ તારે મારી મદદ જોઈએ છીએ ?"

"સાચે જ સાહેબ, મારાં  આપે કહ્યું એવાં 'ચમકતાં દમકતાં’  સૌંદર્ય પર કામ કરવા માટે કંઈક. હું તમને કેટલાક કોન્ટેક્ટ બતાવવા વિનંતી કરું છું કે જે .. વેલ, મને મોડેલિંગ કરવામાં સહાય કરી શકે..  પ્લીઝ. ."

"ઠીક છે, તમે મોડેલિંગથી ઘણી કમાણી કરી શકો છો પરંતુ યાદ રાખો, એક આર્કિટેક્ટને ઉચ્ચ શિક્ષિત પ્રોફેશનલ તરીકે ગણવામાં આવે છે પરંતુ મોડેલિંગ એ આપણા સમાજમાં એટલું ઊંચું માનવામાં આવતું નથી. અને તું ધારે છે એટલું સરળ પણ નથી. છતાં કોઈપણ રીતે, હું મારા મિત્રનો ફોન નંબર આપીશ.એ પહેલાં હું તેની સાથે વાત કરી લઉં. "

તેણે તેના મિત્ર સાથે વાત કરી, વાત કરતાં હવે તેની આંખો તેણીને આપાદમસ્તક માપતી હતી.  તે તેની ઝોળીમાં મદદ માટે સામેથી આવી પડેલ સૌંદર્યનો આસ્વાદ માણતો હતો. જાણે તેણીનું સૌંદર્ય ઘૂંટડે ઘૂંટડે પીતો હતો.

તેણીએ નોંધ્યું કે હવે કલાયન્ટ  ભલે પ્રેમ ચોપરાની જેમ લાળ ટપકાવતી જીભ લઇ જોતો  ન હતો પરંતુ તેની દ્રષ્ટિ એક આર્કિટેક્ટ માટે એક ક્લાયંટની હોય તે  કરતા સાવ જુદી થઇ ગઈ હતી . તેણીએ એ દ્રષ્ટિ અવગણવામાં જ સાર સમજ્યો.

ફિલ્મ અને મોડેલિંગ લાઈનના અનુભવી ક્લાયન્ટે કેટલીક અમૂલ્ય ટીપ્સ જરૂર  આપી જેવી કે સીધું શરીર રાખવું, યોગ્ય પોશ્ચર, સફેદ ચમકતા દાંત દર્શાવતું  સ્મિત પહેરેલો ચહેરો છતાં સાવ ખુલ્લું જડબું નહીં, ડ્રેસ કેર, વસ્ત્રોનું કલર મેચિંગ, જાહેરાતને અનુરૂપ આભૂષણો અને એક્સેસરીઓ, વગેરે વિષે સમજાવ્યું .

તેણીએ તેમનો   હૃદયપૂર્વક આભાર માન્યો. બીજે દિવસે સવારે તે નિર્માતાના  મિત્રને મળવા ગઈ. એ મિત્રએ તેને જોઈ, નખશીખ નિહાળી, આંખોમાં પીધી અને કદાચ મનોમન ભોગવી પણ ખરી. પહેલો અનુભવ. સંકોચ સાથે તેણીએ એ સહન કરી લીધું. પણ તેણીથી  એ મિત્ર સારો એવો પ્રભાવિત થયો. તેની સાથેની બેઠક સારી ગઈ.


તેણીએ સૌથી ખરાબ "બેબી, ઘરે જાઓ અને મોડેલિંગ ભૂલી જાઓ" તેવી કોમેન્ટની પણ અપેક્ષા રાખી  હતી, પરંતુ તેના બદલે, એ હાઉસિંગ પ્રોજેક્ટ માટે તેને મોડેલિંગ ઓફર કરાયું હતું, જેની આર્કિટેક્ટ કંપની તેની હાલની કંપનીની કટ્ટર હરીફ હતી.

તેણી વૉકથ્રુ , માયા જેવા આર્કિટેક્ચરના કેટલાક સોફ્ટવેરના પ્રયોગો કરી ચુકેલી એટલે કેટલી ઊંચાઈ, આસપાસથી કેટલો પ્રકાશ, અંગભંગીના ખૂણા અને એવી વિગતો કેમેરા સમક્ષ કેમ અને કેવી રીતે મુકવી  તે થોડું જાણતી હતી અને તેનાં પહેલાં જ એસાઇન્મેન્ટમાં સફળતાપુર્વક તેને શુટ કરવામાં આવી. પરંતુ આ એસાઇન્મેન્ટથી તેની કંપનીનો બોસ ખુબ ગુસ્સે ભરાયો હતો.

"ચાલતી થા. જા એ ફર્મ  પાસે. ત્યાં મોટો લાડવો આપે છે ને? ખબર નથી એ આપણો  કટ્ટર હરીફ છે ?"

તેણીએ મિજાજ ગુમાવ્યો નહીં. તેના બદલે શાંતિથી પૂછ્યું કે શું તેઓ પોતાની કંપનીની જ કોઈ જાહેરાતમાં  પોતાની કર્મચારીનો ઉપયોગ કરી શકશે? બોસે કહ્યું કે તેમની જાહેરાતમાં પ્રોજેક્ટ જરૂર કરી શકે છે પરંતુ મફતમાં.  આ આર્કિટેક્ટની નોકરી આપી છે એ ઓછું નથી? તેણીને સખત પરિશ્રમને અંતે આ કામ મફતમાં કરવું પરવડી શકે તેમ ન હતું. ફર્મનો બોસ એક તો હરીફની કંપનીમાં મોડેલિંગ કર્યું એ વાતે જ ગુસ્સે ભરાયેલો અને પોતાની કંપનીમાંથી મોડેલિંગ કરતી કર્મચારીએ કંપનીની જાહેરાત માટે મફતમાં જ કામ કરવું જોઈએ એવું દ્રઢપણે માનતો હતો અને તેમાં કોઈ બાંધછોડ કરવા તૈયાર ન હતો. તેથી તેણીએ તે પેઢીને ગુડબાય કહ્યું અને જે કારકીર્દિને બનાવવા જિંદગીનાં અમુલ્ય પાંચ વર્ષ અથાગ પરિશ્રમ કરી આપેલાં, તેને અલવિદા કહી સાવ અજાણી એવી મોડેલિંગની કારકિર્દીમાં ઝંપલાવ્યું.

એસાઇન્મેન્ટ તો સીઝનલ, કોન્ટ્રેક્ટ બેઝડ હતાં. નિયમિત આવક હવે ન હતી. પપ્પાએ તેણીને  નવી કારકિર્દી શરુ કરવા આર્થિક ટેકો આપ્યો હતો, પરંતુ હવે તેઓ નિવૃત્ત થઈ ગયા હતા અને ભાઈ કૉલેજમાં હતો  અને તેની ઊંચી ફી ભરી અભ્યાસ કરાવવાનો હતો. તેણી તેના ભાઇને શ્રેષ્ઠ શિક્ષણ અને તેના માતાપિતાને વધુ સારું જીવન આપવા માગતી હતી, છતાં હકીકત સ્વીકારતી હતી કે તે એક સ્ત્રી હતી અને તેની  ગમે તેટલી ઉજવળ કારકીર્દિનો તેણીના પરિવાર માટે ભોગ આપી ક્યારેક તો અંત લાવવો પડશે.અત્યારે તો તેણી નવી કારકિર્દી માટે જાનની બાજી લગાવી રહી હતી.

પરંતુ એક જ એસાઇન્મેન્ટએ તેણીને આશરે 2 લાખ રૂ., તેના આર્કિટેક્ટ તરીકે મળતા  પગારના 6 ગણા થી પણ વધુ રળી આપ્યા.

તેણી સંયમી આહારવિહારને  ચુસ્ત પણે વળગી રહી, નિયમિત યોગ કર્યો, નિશ્ચિત સમય ઊંઘ લીધી અને દિવસમાં 12 કલાકથી વધુ સમય સુધી રિહર્સલો અને પરફોર્મન્સ કરતી રહી.. તેના લોકપ્રિય મૉડેલ બનવાના નિર્ણય અને અથાગ  પ્રયાસો સાથે તેના માતાપિતાના ટેકાથી તે બધું શક્ય બન્યું. તેણી પોતાનું શહેર છોડી મુંબઇમાં સ્થાયી થઈ, હવે 2 કે 3 મહિનામાં એક વાર માતાપિતા સાથે મળી શકતી. તેણીના માતાપિતા માટે તેણીએ નિવૃત્ત પિતા  માટે પ્રતિષ્ઠિત ટાઉનશીપમાં આરામદાયક 3 BHK વાળું મકાન ખરીદ્યું. તેણીના સમાજમાં મોડેલિંગનું સ્થાન ખાસ ઊંચું ગણાતું નહીં. માતાપિતા તેના લગ્ન અંગે ચિંતિત હતાં પરંતુ એ કારકિર્દી સાથે સંકળાયેલી આંતરિક પીડા તેઓ સમજી શક્યાં હતાં, જે દરેક આકર્ષક કારકિર્દી સાથે સંકળાયેલી હોય જ છે..

'કુછ પા કર ખોના હૈ, કુછ ખો કર પાના હૈ

જીવન કા મતલબ તો આના ઔર જાના હૈ.'

ક્રમશ:

***

Rate & Review

Priya Mehta

Priya Mehta 7 months ago

Chintan Gajera

Chintan Gajera 7 months ago

Alopi

Alopi 8 months ago

Rekha Patel

Rekha Patel 9 months ago

Hiren

Hiren 9 months ago