Karnalok - 2 in Gujarati Social Stories by Dhruv Bhatt books and stories PDF | કર્ણલોક - 2

કર્ણલોક - 2

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 2 ||

મામાના ઘરનો ત્યાગ કરવાના મારા નિર્ણયને મેં ભાગી જવાના નિર્ણય તરીકે ક્યારેય સ્વીકાર્યો નથી. બાર-તેર વરસની ઉમ્મરે પણ મને લાગેલું કે એ તો મેં અભિનિષ્ક્રમણ કર્યું કહેવાય.

ઘર છોડતી વખતે મને જે ભાવ અનુભવાતો હતો તેમાં હીણપતની લાગણી ક્યાંય નહોતી. એવું ન હોત તો તે બપોરે ટ્રેનમાં ચડી જવા સિવાય મેં કંઈ કર્યું ન હોત; પણ સ્ટેશને દાખલ થતાં અગાઉ ગાડીની ટિકિટ લીધી હતી, મુંબઈની. મુંબઈ જવું નહોતું. ક્યાં જઈશ, તે ખબર નહોતી. મામા સ્ટેશને તપાસ કરે તો મને મુંબઈ ગયેલો માને એટલું બસ હતું.

રસ્તામાં ગમે ત્યાં ઊતરી જવાનું હતું. ક્યાં તે નક્કી નહોતું કર્યું. સાંજે વરસાદ શરૂ થયો. વચ્ચેના કોઈ સ્ટેશનેથી બે પુરુષો, એક સ્ત્રી અને એક છોકરી ગાડીમાં ચડેલાં.

સ્ત્રી પાતળી, સહેજ શ્યામ, નમણી, સૌમ્ય પરંતુ દૃઢ મુખમુદ્રાવાળી અને એક પુરુષ મજબૂત બાંધાનો, વિદ્વાન હોવાની છાપ પડે તેવો, ખાદીના ઝભ્ભા-ધોતીમાં. બીજો જરા વૃદ્ધત્વ તરફ ઢળતો જતો ધોતી અને ઉપરના ભાગે માત્ર બંડી પહેરેલો.

સાથેની કિશોરી ઘડીભર જોઈ રહેવું ગમે તેવી. તેણે આવતાંવેંત જાણે આખો ડબો રોકી લેવો હોય તેમ પાટલી પર થેલીઓ મૂકવા માંડી. બધાં સામેની સીટ ઉપર ગોઠવાયાં. થોડો સામાન સીટ તળે ગોઠવીને છોકરી વળી ઉપરની છાજલી પર જઈ બેઠી. એક થેલો માથે મૂકીને ત્યાં લંબાઈને કંઈ ચોપાનિયું વાંચવામાં પડી. ગાડી ચાલી, ન ચાલી અને વળી પાછી નીચે ઊતરીને દૂર જતાં સ્ટેશનને આવજો કરતી રહી.

એ લોકો સાથેની સ્ત્રી તેના પાટિયેથી ઊઠીને મારી બાજુમાં આવીને બેઠી. પૂછ્યું. ‘શું નામ બેટા? એકલો જ છે કે?’

જવાબમાં શું કહેવું તે ઝટ વિચારી ન શકાયું. ઘડીભર સાંભળ્યું ન સાંભળ્યું કરીને કંઈ બોલ્યા વગર બારી બહાર જોઈ રહ્યો. પેલા ધોતી-બંડીવાળાએ પણ મને ધ્યાનથી જોયો.

મને વધુ પજવ્યા વગર પેલી સ્ત્રી તે બંડીવાળા સામે જોઈને બોલી, ‘નંદુ, ભાતાનો ડબરો કાઢ ભાઈ.’

ડબરો ખૂલતાં જ ઢેબરાં અને અથાણાની સુગંધ ફેલાઈ. બારીએ ચડી. બેઠેલી છોકરીએ તરત ઊભા થઈને છાજલી ઉપર એક થેલીમાંથી થોડાં છાપાં બહાર કાઢીને નીચે અંબાવતા કહ્યું, ‘લો, નિમ્બેન.’

નિમુબહેને છાપાંના ભાગ કરીને દરેકમાં ઢેબરાં અને અથાણું મૂક્યાં. એક ભાગ ઉપર અંબાવતાં કહ્યું, ‘દુર્ગા, લે. અને તારી થેલીમાં જી’ભાઈનો નાસ્તો હશે તે આપ.’

દુર્ગા પોતાની થેલી ફંફોસવામાં પડી. તેમાંથી ભાખરી અને મેથીનો સંભાર કાઢી, નીચે આવીને પેલા ખાદીધારીને આપતાં કહ્યું, ‘લો, જી’ભાઈ તમારું મોળું.’ પછી કંઈક ફળ બતાવતાં બોલી, ‘જોઈએ છે?’

દુર્ગાના ચહેરાનો ઘાટ, ઊજળો વાન, મોટી આંખો બધું તેને તેના સાથીઓથી અલગ પાડતું હતું. તેનાં લક્ષણો પણ તેના ધીર-ગંભીર દેખાતાં સાથીમાંથી કોઈને મળતાં આવતાં નહોતાં. કદાચ આ લોકોના કોઈ મિત્રની કે કુટુંબના સગાની છોકરી હશે તેવું અનુમાન મેં કરેલું.

આ લોકો નિરાંતે ખાઈ શકે તે માટે હું બીજી તરફ જવા ઊઠ્યો તો નિમુબહેને સ્નેહપૂર્વક રોકતાં કહ્યું, ‘બેસને બેટા. ચાલ અમારી જોડે થોડું ખાઈ લે.’ પછી નાસ્તો હાથમાં આપતાં કહ્યું, ‘લે ભાઈ, આ તારો ભાગ. વધારે જોઈએ તે ડબરામાંથી લઈ લેજે.’

થોડું ખચકાઈને મેં ઢેબરાં લીધાં અને ખાવા માંડ્યો.

સામે બેઠેલી દુર્ગા મને જોતી રહી. પછી બોલી, ‘અથાણું ભાવે છે?’ જવાબની રાહ જોયાં વિના તેણે પીરસી પણ દીધું.

મને થયું કે તે થોડી વધુ વાર બોલતી રહી હોત તો સારું થાત. પણ એ તો બારી બહાર અંધારામાં દૂરનાં ગામોમાં બળતા દીવા જોતી જોતી ખાતી હતી. મેં તેના તરફ જોયા કર્યું. આચાનક હું તેને જોઉં છું એ ખ્યાલ દુર્ગાને આવી ગયો. સહેજપણ સંકોચ પામ્યા વગર તેણે લાગલું જ કહ્યું, ‘ખાવામાં ધ્યાન રાખ.’ પછી સ્વાભાવિક રીતે ફરી બહાર જોતી રહી.

પેટમાં શાતા વળી એટલે બેઠાં બેઠાં જ ક્યારે ઊંધી જવાયું તે ખબર ન રહી. અધરાતે એક મોટા સ્ટેશને નંદુએ જગાડ્યો. ‘ઊતરવાનું છે?’

નિમુબહેન અને જી’ભાઈ ક્યાંય દેખાયાં નહીં. આ લોકો કોણ છે તે મને ખબર નહોતી. થોડી મૂંઝવણ થઈ. નંદુને ના કહું તો કદાચ મારે આગળ ક્યાં જવું છે તે કહેવું પડે તેના કરતાં તેની સાથે ઊતરીને પછી કોઈ બહાને ચાલ્યા જવું સહેલું લાગ્યું.

ગાડીમાંથી ઊતરતાં તો ઊતરી ગયો; પરંતુ તરત જ યાદ આવ્યું કે દરવાજા પર ટિકિટ માગશે. મારી ટિકિટ મુંબઈની હતી એટલે કદાચ કંઈક પૂછપરછ થશે.

થોડા ગભરાટમાં ખિસ્સામાં હાથ નાખ્યો તો ટિકિટ ગુમ. જે ખિસું તપાસતો હતો તેમાં જ ટિકિટ મૂકી હતી તેની મને ખાતરી હતી, તે છતાં બીજા ખિસ્સામાં પણ તપાસી જોયું. ટિકિટ ત્યાં પણ નહોતી.

થેલીમાં તો મેં મૂકી જ નહોતી તોયે થેલી તપાસી લેવા હું નીચે બેઠો અને દુર્ગા બોલી, ‘આમ જો તો ખરો, ઝાંપે કોઈ નથી.’

ઊંચે જોયું તો લોકો દરવાજેથી બે-રોક-ટોક આવતાંજતાં હતાં. હું એટલી મૂંઝવણમાં હતો કે ટિકિટ શોધું છું તેની ખબર દુર્ગાને કેવી રીતે પડી તેનો વિચાર મને નહોતો આવ્યો. બહાર નીકળતાં મને આભાસ થયો કે દુર્ગા કંઈક રહસ્યમય રીતે હસે છે.

બહાર ઝરમરઝરમર વરસાદ ચાલુ હતો. થોડાં પાણી પણ ભરાયાં હતાં. નંદુએ દુર્ગાને કહ્યું, ‘તને નેહાબેનને ત્યાં મૂકી જઉં. વરસાદ ચાલુ છે અને સાઇકલ પર ત્રણ જણાથી જવાશેય નહીં.’

‘ભલે, પણ સવારે નિશાળનું શું?’ દુર્ગા બોલી.

છટકવાની તક જોઈને મેં કહ્યું. ‘તો તમે લોકો જતાં રહો. મારું તો કરી લઈશ.’

‘ના રે, તું તારે સાઇકલ પર ચાલ. દુર્ગાઈને હું વહેલી સવારે લઈ જઈશ.’ નંદુએ કહ્યું. તેનાથી પીછો છોડાવવાનું અઘરું હતું. તે લોકો સાથે ચાલવા સિવાય કશું કરી ન શક્યો.

થોડે આગળ જતાં એક મકાન પાસે અમે રોકાયાં. ઘંટડી વગાડીને મકાનમાલિકને જગાડ્યા. એક પ્રભાવશાળી યુવતીએ બારણું ખોલ્યું અને કહ્યું, ‘આવો. નિમુબેન અને ભાઈ ન આવ્યા?’

‘એ લોક આગળ મઢીના રોડે ઊતરી ગયાં. રાત સ્ટેશને કાઢીને સવારની બસે મઢીએ પહોંચી જશે.’ નંદુએ કહ્યું અને અંદર આવતાં ઉમેર્યું, ‘આ દુર્ગાને રાત રોકું છું. વહેલાં આવતાં-જતાં કોઈ સાથે મોકલી દેજો. નહીંતર લેવા આવું.’

‘ભલે, હું જ મૂકી જઈશ. અને કહું છું કે તમે બધાંય રોકાઈ જાવ. સવારે જજો.’ તે યુવતીએ કહ્યું. તેણે મારી ઓળખ ન પૂછી તેથી મારી એક મુશ્કેલી તો ઓછી થઈ.

‘ના. નેહાબેન, એક વાર ત્યાં પહોંચીને જ શાતા થશે.’ નંદુએ કહ્યું અને મારા તરફ જોઈને કહ્યું. ‘ચાલ.’

બાર-તેર વરસની ઉમ્મરે ગૃહત્યાગ કરીને નીકળેલા કિશોરની થાય તેવી મૂઢ સ્થિતિ મારી પણ હતી. પકડાઈને પાછા જવું પડે તે અસહ્ય થઈ પડે. કોઈ અજાણી ટોળકીમાં ફસાઈ જવાનો ભય સતાવતો હતો. ગઈ રાતે નિમુબહેન, દુર્ગા, નંદુ અને અત્યારે નેહાબહેનના વર્તનથી એકાદ રાત નંદુને ત્યાં ગાળી નાખવામાં મને કંઈ મુશ્કેલી જેવું તો નહોતું લાગ્યું. ઊલટાની થોડી આત્મીયતા અને રાહતની લાગણી થયેલી.

મેં કહ્યું, ‘હા. ચાલો.’

તે રાત્રે નંદુ મને પોતાની સાઇકલ પાછળ બેસાડીને શહેરથી દૂર લઈ ગયો. ખેતરો વચ્ચેથી અંધારા માર્ગે અડધો-એક કલાક ચાલ્યા પછી તેણે સાઇકલ એક મોટા દરવાજામાં વાળેલી અને દીવાલ પાસે બાંધેલી ત્રણેક ઓરડીમાંથી છેલ્લી ઓરડી પાસે મને ઉતારીને તાળું ખોલવા માંડેલું.

ઘરમાં પ્રવેશીને મને એક કોરી ધોતી હાથમાં પકડાવીને પોતાનું શરીર ટુવાલથી લૂછતાં નંદુએ મને કહેલું, ‘ઘરેથી ભાગેલા છોકરાને તો પોલીસ બોલાવીને પાછો ઘેર મોકલવો જોઈએ. મારે પણ એમ જ કરવું જોઈતું હતું. પણ તારું મોં જોઈને લાગે છે કે તારે ભાગવું પડ્યું ન હોત તો તું ભાગ્યો ન હોત. નક્કી કોઈ કારણ હોવું જોઈએ નહીંતર કોઈ ઘર છોડે શા કાજે? આ તારો ચહેરો જ કહે છે કે તું એવો નથી.’

આ સાંભળતાં જ હું હેબતાઈ ગયો. હું ઘરેથી નીકળી આવ્યો છું તે આ માણસે શી રીતે જાણ્યું તે મને સમજાયું નહીં. હું જરા અચકાયો અને બોલી પડ્યો, ‘હું ઘરેથી ભાગ્યો નથી. મારે ઘર જ નથી.’

‘ભાગ્યો નથી? વાહ, ભાગ્યા વગર ત્યાં રેલવેના ડબામાં બાંકડે બેસવા પહોંચી ગયો!’ ખૂણામાંથી સગડી ખેંચતાં નંદુ મારા સામે જોઈને હસ્યો, ‘તારે બીજું પણ ઘણું કહેવાનું હશે; પણ અત્યારે આ નંદુ કાંઈ સાંભળવાનો નથી. રહેતાં રહેતાં બધી ખબર પડવાની જ છે. અત્યારે તો મારા મનમાં સવારના કામની પીડા છે. થોડીઘણી રાત રહી છે તે સૂઈ લેવું છે.’ કહીને તેણે પાણી પીધું અને મને પાણી આપતાં બોલ્યો, ‘તને ભૂખ લાગી હોય તો ડબામાં બિસ્કિટ પડ્યાં હશે.’

‘ગાડીમાં નિમ્બેને, તમે લોકોએ મને ખાવા આપેલું.’ મેં કહ્યું.

‘આપે જ. નિમ્બેન તો આપે જ. એ ના હોત તોપણ તને તો કોઈ પણ આપત. તારો આવો વાન અને ચહેરો જોયા પછી તને આપ્યા વગર બીજુંયે કોણ રહી શકવાનું?’ નંદુ ઉતાવળે બોલ્યો.

મેં તેના કમરાને જોયા કર્યો. એટલી વારમાં નંદુએ ચોકડીમાં હાથ ધોયા અને લૂછતાં લૂછતાં ફરી કહેવા માંડ્યો, ‘તારા આ રાજકુમાર જેવા ઘાટ-ઘૂટને જોઈને જ નિમુબહેને મને ચીંધેલું કે તને, નવા-સવા ભાગેડુને અહીં લઈ આવું. મને પણ સમજાઈ ગયેલું કે તને અહીં જ લાવવો પડશે. નહીંતર કોણ જાણે કોનાયે હાથે જઈ ચડ્યો હોત. બધું આરાસુરવાળીનું ગોઠવેલું હોવું જોઈએ. માન કે કવચ-કુંડળ લઈને જન્મ્યો છે. નહીંતર તું બેઠો હોય તે જ ડબે નિમ્બેન ચડે તે શા કારણે!’

નંદુ થોડો ઉશ્કેરાટમાં હતો. ખાટલો પાથરતાં તે ફરી બબડવા લાગેલો. ‘હવે સગડી સળગાવ, વરસાદમાં પલળ્યાં છીએ તો ઓરડી ગરમ રાખવી પડશે. માંદા પડ્યે ચાલવાનું નથી. પાછું પરમ દિવસે તો ઇન્સ્પેક્શન છે. કંઈ કેટલીયે ગોઠવણ કરવાની થશે. દુર્ગાને મૂંગી રહેવા સમજાવવી પડશે કે પછી ક્યાંક બહાર મોકલવી પડશે. એ કોઈની શરમ નહીં રાખે. કંઈ ને કંઈ બોલી દેશે. તું અહીં રહીશ પછી તને સમજાશે. એ કંઈ તારા મારા જેવી માણસ થોડી છે. એ જગજનની તો પોતે ઇચ્છા કરીને આવી છે આ પીળા મકાનમાં. એને કોની બીક લાગવાની!’

વાત કરતાં અચાનક અટકી જઈને નંદુએ ફરી કહ્યું, ‘સગડી કરી લે અને તું તારી પથારી પાથરી લે. મારે તો ધ્યાન-પૂજા કરવાનાં પણ બાકી છે. સૂતાં પહેલાં કરી લઈશ તો શાતા વળશે.’

મેં જોયા કર્યું. પાણિયારું, ડબલાં-ડૂબલી – પુરુષના હાથે ગોઠવાયેલું ઘર. આ ઓરડીમાં કોઈ સ્ત્રી કદીયે રહી નહીં હોય. દુર્ગા નંદુ સાથે નહીં તો ક્યાં રહેતી હોય? કંઈ સમજાતું નહોતું.

નંદુની પૂજા પતી ગઈ. અમે બેઉ એક પણ શબ્દ બોલ્યા વગર સૂતા. મારી ચટાઈ જમીન પર અને નંદુ ખાટલા પર સૂતો.

ઇન્સ્પેક્શન છે, દુર્ગાને સમજાવવી પડશે. આ કશું મને સ્પષ્ટ સમજાયું નહોતું. નંદુએ તો ‘તારી વાત સાંભળવી નથી’ એવું કહી જ મૂકેલું. વળી, એવી બધી અહીંની બાબતોમાં પડવાનો વિચાર તે વખતે આવેલો નહીં. ક્યાં આવી પડ્યો છું તે જાણવા જેટલા હોશ પણ મને નહોતા. નંદુની વાતો મને આધેડ વય વટાવવા ઊભેલા એકલવાયા પુરુષના બડબડાટથી વિશેષ લાગી નહોતી. એક છોકરીને તે જગજનની કહે તે વળી શું!

અમારી આંખ મળે ન મળે ત્યાં બારણે કોઈએ હાથ દીધો અને ઘોઘરા અવાજે પૂછ્યું, ‘નંદુ મા’રાજ, આવી ગયા કે? આ બેને પુછાવ્યું છે કે તમે દુર્ગા સાથે વાત કરી લીધી?’

‘નથી કરી. કાલે કરી લઈશ’ નંદુએ સૂતાં સૂતાં જ જવાબ આપ્યો.

પછી બબડતો હોય તેમ બોલ્યો, ‘મને કહે છો તે પોતે વાત કેમ નથી કરી લેતાં? કોઈ વાંકગુનો કહેવાનો હોય ત્યારે તો બધા જાતે જ એને બોલવા માંડો છો. હવે એની ગરજ આવી પડી ત્યારે નંદુ હાથમાં આવે છે?’

આવું બધું સાંભળીને મૂંઝવણ વધી. અહીં શાનું ઇન્સ્પેક્શન હશે? કદાચ પોલીસ આવવાની હોય તે વિચારે ડર લાગ્યો. આ સૂમસામ એકાંત વાતાવરણમાં મનોમન રડવું આવતું હતું. ટ્રેનનો અને સ્ટેશનનો ભર્યો-ભાદર્યો કોલાહલમય સંસાર છોડીને નંદુ સાથે આવવા તૈયાર થઈ ગયો તેનો પસ્તાવો પણ કદાચ થયો હશે. યાદ નથી. જાણે કોઈ રહસ્યમય સ્થળે પુરાઈ ગયો હોઉં તેવું લાગતું હતું.

ઊંઘમાં પણ ઝબકીને જાગી જવાતું હતું. એથી, સવારે ઊઠતાં મોડું થયું. પૂજાના ગોખલામાં પડેલાં તાજાં ફૂલો જોઈને સમજાઈ ગયું કે નંદુ નાહી, પૂજા કરીને બહાર નીકળી ગયો છે.

રાતે પેલી દુર્ગાએ વહેલા આવી જવાની વાત કરેલી તે આવી ગઈ હોય તેવાં કોઈ ચિહ્નો નહોતાં. કદાચ નંદુ તેને લેવા ગયો હોય. ઘર ખાલી હતું.

મેં કમરાનું બારણું ખોલ્યું અને બહાર આવ્યો. ચારે બાજુથી કમ્પાઉન્ડ વૉલમાં ઘેરાયેલી જગ્યા વચ્ચે સરસ બેઠાઘાટના સરકારી મકાન જેવું પીળું મકાન. દવાખાનાને કે નિશાળને હોય તેમ આગળના ભાગે બે ઓરડા વચ્ચેથી પાછળના ચોકમાં જવાય તેવી બાંધણી. ચોકમાં જવાનો રસ્તો જાળીબંધ. ચોકમાં કેટલાંક બાળકો અને એકાદ સ્ત્રી કંઈ કામે વળગેલાં હોય તેવું લાગ્યું. તે જાળીબંધ ચોકની બંને બાજુએ ઓરડા હશે તેમ લાગતું હતું. જાળીની બહારના જમણી બાજુના કમરા પર બોર્ડ હતું. ‘ઑફિસ’.

ડાબી બાજુ થોડે દૂર નાનકડો બાગ. બાગમાં બાળકોને માટે હીંચકા, લપસણી જેવાં સાધનો લગાવેલાં હતાં. ફરતે જામફળ, લીંબુ, સીતાફળ, દાડમ અને થોડાં ફૂલોનાં ઝાડવાં હતાં. બગીચાની પાછળ ચારેક ઘર દેખાતાં હતાં.

જમણી તરફ મોટો દરવાજો હતો જેમાંથી કાલ રાતે અમે આ કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા હતા. અંદરની જગ્યા સરસ હતી. કાલ રાતે જાગેલો ભય ઓગળી જાય તેવી. બહાર શું છે તે જોવા દરવાજા તરફ ગયો.

દરવાજા બહાર નીકળતાં જ આસપાસ ન તો કોઈ મકાનો હતાં કે ન દુકાન. દરવાજાથી થોડે દૂર પાકી સડક હતી. સડક નીચે નાળામાં થઈને નાનકડો વહેળો વહેતો હતો. તે પછી દૂર દૂર સુધી ખેતરો, તેમાં નાનાં ઝૂંપડાં અને ક્ષિતિજ પર શહેરની સોસાયટીઓ નજરે પડતી હતી.

રસ્તા પર બહુ વાહનો નહોતાં. એકાદ ગાડું કે દૂધવાળાની મોટરસાઇકલ, શહેર તરફ કામ પર જતાં ગ્રામજનોની સાઇકલો સિવાય કંઈ આવતું-જતું લાગ્યું નહીં. એ જમાનામાં આજ જેવાં અને આટલાં વાહનો હજી હતાં પણ ક્યાં!

ફરીને પાછો અંદર જવા વળ્યો કે મારી નજર પીળા મકાન ફરતે લાંબે સુધી ચણેલી ઊંચી દીવાલ પર પડી. સડકની પેલે પારથી આવતો વોંકળો આગળ જતાં તે દીવાલને ઘસાઈને ચાલ્યો જતો હતો. આવડા મોટા કમ્પાઉન્ડમાં બસ આટલાં જ મકાનો!

આ નંદુ ક્યાં રહીને શું કામ કરે છે તે મને સમજાતું નહોતું. અંદરનાં મકાનો નજીકથી જોઈ લેવાના વિચારે પાછો દરવાજા તરફ ફર્યો કે મારી નજર દરવાજા પર મસ મોટી કમાન તાણીને લખેલા અક્ષરો પર પડી.

પાંચ વરસની ઉંમરથી જ સાત પેઢીના પૂર્વજોનાં નામ બોલતાં શીખેલો, રોજ તેમનું નામ લઈને મનોમન તેમને પ્રણામ કરતો, ગૌરવશાળી પિતા અને જાજરમાન માતાનું સંતાન હું, મારે કદી પણ ન આવવાનું હોય તેવી જગ્યાએ આવીને ઊભો હતો. જે શબ્દથી દૂર ભાગવા નીકળેલો તે જ શબ્દ મારી સામે ભડકતા લાલ રંગે ચમકતો હતો. .....બાલાશ્રમ.

***

Rate & Review

nihi honey

nihi honey 1 month ago

Kashmira Shah

Kashmira Shah 7 months ago

Smita

Smita 9 months ago

Batuk bhai Patel
Jatin  Patel

Jatin Patel 1 year ago