Pratiksha - 34 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા ૩૪

“હેલ્લો ઉર્વિલ...” એક જાણીતો અવાજ તેના કાને અથડાયો અને એક જ ઝાટકે તેણે નજર ઉંચી કરી. સામે ઉભેલી ઉર્વાને જોઇને તેને ધ્રુજારી ઉઠી આવી. તેની હાલત ફરીથી એવી જ થઇ રહી હતી જેવી ઉર્વાનું નામ પહેલી વખત લેટરમાં વાંચીને થઇ હતી. તેણે આંખો પટપટાવીને ફરી ખાતરી કરી જોઈ કે સામે ઉર્વા જ છે ને!
“ઉ...ર્વા...” તેના હોઠ ધીમેથી ફફડ્યા. ઉર્વાના ચેહરા પર કોઈ જ ભાવ નહોતા. સાવ સ્થિર નજરે તે બસ ઉર્વિલની કફોડી થતી હાલત જોઈ રહી હતી. ઉર્વિલ હજુ સમજવાની કોશિશ કરી રહ્યો હતો કે વાત શું હોઈ શકે પણ સામેથી મનસ્વીને આવતી જોઇને તે વધુ આશ્ચર્યમાં પડી ગયો.
તેના મગજમાં એક પછી એક વિચારો ચાલી રહ્યા હતા. તેને રીતસરનો ડર લાગી રહ્યો હતો અત્યારે કે ઉર્વાએ મનસ્વીને બધું કહી તો નહિ દીધું હોય ને! મનસ્વી અને ઉર્વા સાથે શું કામ છે!
“અરે ઉર્વિલ, આવી ગયા તમે!” મનસ્વીના ચેહરા પર એ જ ઉત્સાહ છલકતો હતો જે ઉર્વિલના સામે આવવાથી તેના ચેહરા પર વર્ષોથી આવી રહ્યો હતો. પણ ઉર્વિલનું ધ્યાન ત્યાં હતું જ નહિ. તે હજુ દરવાજા પાસે જ પોતાના અસમંજસમાં ઉભો હતો.
“અંદર આવોને ઉર્વિલ, કેમ બહાર ઉભા છો?” મનસ્વી બહુ સહજ રીતે પૂછી રહી.
“હા...!” ઉર્વિલના ગળામાંથી માંડ શબ્દો નીકળ્યા. તેણે ધીરે રહીને ઘરની અંદર પગ તો મુક્યો પણ આજે પોતાના જ ઘરનો ઉંબરો ઓળંગતા તેને કમકમાં આવી રહ્યા હતા.
તેણે આંખના ઈશારેથી જ મનસ્વીને ઉર્વા વિષે હોલમાં એન્ટર થતા પૂછ્યું.
“અરે આ ઉર્વા છે. મારી ફ્રેન્ડ નહિ આરતી?! એના દીકરા રચિતની ફ્રેન્ડ છે.” મનસ્વીએ ઉર્વાની ઓળખાણ કરાવી.
“હેલ્લો.” ઉર્વા પણ સાવ પહેલીવાર જ ઉર્વિલને મળતી હોય તેમ નિખાલસ સ્મિત કરતા બોલી.
“હેલ્લો.” ઉર્વિલ પરાણે સ્મિત કરતા બોલી રહ્યો. તેને હજુ સમજમાં નહોતું આવી રહ્યું કે ચાલી શું રહ્યું છે!
“મનસ્વી! બહુ થાકી ગયો છું. હું નાહી લઉં.” ઉર્વિલ સ્વસ્થ રહેવાની પુરેપુરી કોશિશ કરતા બોલ્યો
“હા, તમે નાહીને આવો ત્યાં હું નાસ્તો બનાવી દઉં!” મનસ્વીને હવે અણસાર આવી રહ્યો હતો કે ઉર્વિલને કંઇક મૂંઝવણ થઇ રહી છે.
“ના... ના.... નાસ્તો નહિ. તું ખાલી ટુવાલ આપી જા ને!” ઉર્વિલ આટલું બોલી વાક્ય પૂરું થતા પહેલા જ પોતાના રૂમની સીડીઓ ચઢવા લાગ્યો. મનસ્વીને પણ બહુ નવાઈ લાગી પણ તે જોયું ના જોયું કરી ઉર્વા સામે હમણાં આવું એવો ઈશારો કરી ઉર્વિલ પાછળ દોરવાઈ રહી.

***

મનસ્વીના જતા જ ઉર્વાથી આ આખી ઘટના પર હસ્યા વિના ના રહેવાયું. “મેં કીધું હતું ઉર્વિલ વોરા, હું તમને મરવા નહિ દઉં પણ હું તમને જીવવા પણ નહિ દઉં!” પોતાના જ મોબાઈલની સ્ક્રીન પર પોતાનું અક્સ નિહાળતા તે પોતાની પહેલી જીતની ખુશી મનાવી રહી.

તે પોતાને આપેલા રૂમમાં શાંતિથી બેડ પર પગ લાંબા કરી બેસી ગઈ. તે પોતાની જીત પર મુસ્તાક હતી પણ, હજુ તો આ શરૂઆત હતી. હજુ તો આમ રોજ ઉર્વિલને તેણે ધીરે ધીરે મારવો હતો. પ્રશ્ન ફક્ત એટલો જ હતો કે રસ્તો કયો લેવો? ખોટો કે બહુ ખોટો?! તે પોતાની રીતે વિચારી રહી પણ તેને જવાબ નહોતા મળી રહ્યા. તેણે બે વખત કોન્ટેક્ટ લીસ્ટ સ્ક્રોલ કરીને જોઈ લીધું પણ તેનું મન એકજ નામ પર અટકી રહ્યું હતું. તેણે બે વખત ફરીથી એ નામને સ્ક્રોલ કર્યું અને પછી કોલનું બટન દબાવી જ દીધું.
“હેય...!” સહેજ સંકોચાતા ઉર્વા બોલી
“હા...ઈ. કેમ છે?” સામે છેડેથી એક રાહતના આછા નિઃશ્વાસ સાથે અવાજ આવ્યો.
“મેં પૈસા ટ્રાન્સફર કર્યા તા મોબાઈલના. મળ્યા કે નહિ?” ઉર્વા વાતની શરૂઆત કરી રહી
“એ જોઈ લઇશ હમણાં. તું એ કહે કે તું કેમ છે?” રચિતના શબ્દોમાંથી નીતરતી ચિંતા ઉર્વાને અડી ગઈ
“હું ઠીક છું. તું પહોંચી ગયો ને મુંબઈ રચિત?” ઉર્વાને હવે ધ્યાનમાં આવ્યું કે તેણે ક્યારની વાત જ નથી કરી.
“યા પહોંચી ગયો છું. તું કહે. શું ચાલી રહ્યું છે? આઈ ડોન્ટ નો યાર શું કહું તને હું? ક્યાંથી શરુ કરું! બટ સાચે તને હર્ટ કરવાનો કોઈ ઈરાદો નહોતો મારો યાર.” રચિતની લાગણીઓ શબ્દોમાં ઠલવાઈ રહી હતી.
“રચિત, હું તારા ભરોસે આવી હતી. મને નહોતી ખબર કે આવતી ક્ષણે શું થઇ શકે છે અને તો પણ હું તારા ભરોસે આવી હતી. પહેલા કહાને મારો ભરોસો તોડ્યો અને પછી તે?!” ઉર્વાને નહોતું બોલવું આ બધું છતાં તેનાથી બોલાઈ રહ્યું હતું.
“ઉર્વા હું...” રચિત તેને સમજાવવા જઈ રહ્યો પણ ઉર્વાએ તેની વાત વચ્ચે જ કાપી નાંખી
“લેટ મી ફીનીશ. કહાનને મુકીને, મારા ઓફીશીયલ બોયફ્રેન્ડને મુકીને, એને કંઇજ કીધા વિના હું અમદાવાદ સુધી જો તારી સાથે આવતી હોય તો એનો મતલબ એમ હોય કે તારે પણ એને કંઇજ નથી કહેવાનું. બીજી વાત એ કે તું એને કહે છે ત્યાં સુધી વાંધો નથી પણ એના કહેવા પર તું મારી સાથે ખોટું બોલ્યો ત્યાં વાંધો છે! હું ગમે તેવું સાચું સહન કરી શકું છું. પણ ખોટું નહી. ખોટું બિલકુલ નહિ!” ઉર્વા પોતાનો પોઈન્ટ ઓફ વ્યુ સમજાવી રહી.
“આઈ એમ સોરી. બટ હું ડરી ગયો હતો યાર. મારું મગજ પણ નહોતું ચાલતું ત્યારે! પ્લીઝ આઈ એમ સોરી. ફરગીવ મી.” રચિત હજુ મનાવી રહ્યો હતો ઉર્વાને.
“ચાલ છોડ એ. એ વાત પૂરી થઇ ગઈ.” ઉર્વાએ તરત જ સુર ફેરવી નાંખ્યો ને ઉમેર્યું, “એક વાત પૂછવી હતી!”
“બોલ!” રચિત સમજી ગયો કે ઉર્વાનું મગજ કંઇક રમત શરુ કરી ચુક્યું છે.
“તારા આંટીએ મને અહીં રહેવા માટે ઓફર કરી છે. એઝ પી.જી. સ્વીકારી લઉં?” ઉર્વાએ સીધી જ વાત કરી દીધી.
“ઉર્વા? તારે ઉર્વિલના ઘરમાં રહેવું છે? તું પાગલ થઇ ગઈ છે! એક છત નીચે તમે બન્ને કેમ?” રચિતને બે જ મીનીટમાં સારો એવો જાટકો લાગી ગયો હતો
“જો બે રસ્તા છે. એક ખરાબ અને એક બહુ ખરાબ. મારે એક સ્વીકારવાનો છે. ઉર્વિલના ઘરમાં રહી ઉર્વિલને દરેક પળમાં મારું કે રઘુભાઈના હાથે એને દરરોજ નાના મોટા જાટકા આપી મારું? રઘુભાઈ વાળો રસ્તો ખરાબ છે. મારો રસ્તો બહુ ખરાબ છે. બોલ હવે?” ઉર્વાના અવાજમાં ગજબ સ્વસ્થતા હતી પણ રચિત ત્યાં બેઠો બેઠો પરસેવે રેબઝેબ થઇ રહ્યો હતો.
“ઉર્વા??! તું શું બોલે છે?”
“યુ નો વોટ? મને જવાબ મળી ગયો. હું આ જ ઘરમાં રહીશ અને ઉર્વિલને પળેપળમાં નવી મૃત્યુ આપીશ. ધેટ્સ ફાઈનલ.” ઉર્વા હજુ એટલી જ શાંત હતી
“ઉર્વા આ બધામાં મનસ્વી!” રચિતથી તેની ચિંતા કર્યા વિના ના રહેવાયું
“આઈ પ્રોમિસ. એને હું હર્ટ નહી કરું અને નહિ થવા દઉં!”
“અને તું! તું ઓછી હર્ટ થઈશ આમાં? તારા બાપ સામે એક છત નીચે રહીને તારી અંદર કંઈ નહિ મરે શું? તને તકલીફ નહી થાય શું? ઉર્વા તારું શું? છોડ આ બધું ને આવી જા અહિયાં. ભૂલી જા બધુય યાર. તારું તો વિચાર...” રચિત બેચેન થઇ રહ્યો.
“મારું? મારું શું રચિત? હું સળગીશ તો જ સળગાવી શકીશ ને એમને પણ... હું એમને ક્યાંય ના નહિ રાખું. આજે જે એમની હાલત મેં જોઈ એ રોજ થશે. એ રોજ મરશે. જેમ રેવા એમની યાદમાં, એમની રાહમાં રોજ મરી છે એમ એ રોજ મરશે. હું મારીશ અને મારી આંખેથી એને રોજ તરસતા જોઇશ. આઈ વોન્ટ ધીઝ. આઈ બેડલી વોન્ટ ધીઝ...” અત્યાર સુધી શાંત ઉર્વામાં ઉકળાટ ભળી રહ્યો હતો. તે આગળ કંઇજ ના બોલી શકી ના રચિત કંઈ પૂછી શક્યો બન્ને બસ થોડી ક્ષણો એકબીજાનું મૌન જ સાંભળી રહ્યા.
“તું મારી સાથે છે? બસ હા કે ના કહે.” ઉર્વા પૂછી બેઠી
“હા.”
“ઓકે. તારી કાર અહિયાં પડી છે એ લેવા આવવાની છે તારે. જલ્દી આવીને લઇ જા. મનસ્વી સાથે વાત કરી જા એટલે એને કોઈ ડાઉટ ના જાય.” ઉર્વા ધીમે ધીમે ચેસ બિછાવી રહી હતી.
“ઓકે કરીએ એ. પણ એક વાત કહું? કહાન ને દેવ અંકલ તારી બહુ જ ચિંતા કરે છે. એકવાર ત્યાં વાત કરી લે.” રચિતને લાગ્યું કે દેવ સાથે વાત કરીને કદાચ જો ઉર્વાને આ રસ્તે જતા રોકી શકાય તો કોશિશ કરી લેવાય.
“ઓકે.” ઉર્વા એકાક્ષરી જવાબ આપી કંઇક વિચારી રહી ને પછી તરત જ ઉમેર્યું “એન્ડ હા, હજુ એક વાત અહીં આવીને તારે મને મળતા પહેલા રઘુભાઈને મળવાનું છે.” ઉર્વાએ ફરી એટલી જ શાંતિ જાળવીને કહ્યું.
“હું રઘુભાઈને મળું? ઉર્વા કરવા શું બેઠી છે તું?” રચિત ફરી ગૂંચવાયો
“એ બધું હું તને આજે રાતે મેસેજ કરીશ. સ્ટે ટયુન ઓકે?” ઉર્વાને કંઇક પગરવ સંભળાતા તેણે વાત સંકેલી લીધી.
“તો અત્યારે? હું શું કરું?” રચિતના મનનું સમાધાન નહોતું થયું.
“હું ટેક્સ્ટ કરું. કાલે શક્ય હોય તો નીકળી જા અહીં આવવા.” ઉર્વાએ આટલું કહી ફોન કાપી નાંખ્યો.

તેણે ધીમેથી બેડ પરથી ઉભા થઇ દરવાજો ખોલી બહાર જોઈ જોયું. ઉર્વિલ ક્યાંય દેખાઈ નહોતો રહ્યો અને મિક્સરનો કિચનમાંથી અવાજ આવી રહ્યો હતો. તેણે અનુમાન લગાડ્યું કે મનસ્વી કિચનમાં જ હશે એટલે ફરી પોતાનો રૂમ લોક કરી બેસ પર બેસી ગઈ અને બીજો નંબર ડાયલ કર્યો.

“હેલ્લો, ઉર્વા બોલું છું!”
“ક્યાં છે તું? અને કેમ છે તું?” સામેથી એકદમ ગુસ્સામાં અવાજ આવી રહ્યો હતો.
“દેવ અંકલ! હું બિલકુલ ઠીક છું. અમદાવાદ છું. પણ એ બધું જવા દો પ્લીઝ” ઉર્વાના અવાજમાં દેવ માટેનું આદર યથાવત હતું
“બોલ”
“કહાનને પ્લીઝ સાચવી લેજો. હું હવે ક્યારેય...” ઉર્વાથી એક નિસાસો નંખાઈ ગયો. પોતાની આંખમાં આવેલા ઝળઝળિયાંને આંખમાં જ રોકી રાખીને તેણે ઉમેર્યું, “હું હવે ક્યારેય તેની સાથે કોઈ જ વ્યવહાર નથી રાખવા માંગતી. પ્લીઝ”

***

(ક્રમશઃ)