Naxatra - 4 books and stories free download online pdf in Gujarati

નક્ષત્ર (પ્રકરણ 4)

અંતે એ દિવસ આવી ગયો.

એન્ડ ધ મોસ્ટ અવેઈટેડ ડે કેમ!

જેને હું સારો અને ખરાબ એમ બંને તરીકે નોધી શકું - સારો દિવસ એટલા માટે કે એ દિવસે મારી કપિલથી મુલાકાત થઇ અને ખરાબ દિવસ એ માટે કે એ મારો કોલેજનો પહેલો દિવસ હતો અને પહેલા જ દિવસે મારા અને કપિલ વચ્ચે અણબન થઇ હતી.

એ દિવસે પણ હું એ જ સપનું જોઇને ઉઠી હતી. એ જ હાથને મેં મારી કમર ફરતે વિટળાતા જોયો હતો અને એ જ હોઠોના ચુબન મેળવીને મારા ગાલે લાલી મેળવી હતી. પણ બધુ જ સ્વપ્નમાં. એ કયારે હકીકત બનશે એ વિચારો સાથે હું બેડમાંથી ઉભી થઇ.

સ્ટ્રોબેરી શેમ્પુ અને સેન્ડલ શોપથી નાહીને મેં સપનાની સુવાસને હળવી બનાવી અને પેન્સિલ નેરો જીન્સ અને પરપલ ટોપ ચડાવ્યા. પરપલ મારો ફેવરીટ કલર હતો અને એ ટોપ પણ મારું ફેવરીટ હતું. મમ્મીએ મને ગયા બર્થ-ડે પર ગીફ્ટ કર્યું હતું. હું જયારે હોસ્ટેલમાં એ ટોપ પહેરતી ત્યારે મારો દિવસ સારો જતો એટલે હું એને લકી માનતી. આમેય મમ્મીએ ગીફટમાં આપેલી ચીજ લકી જ હોય!

કોલેજમાં પહેલો દિવસ હતો એટલે હું એ લકી ટોપ પહેરીને તૈયાર થઈ. હું બહુ જ ખુશ હતી. મારી ખુશીના બે કારણો હતા. એક તો રોજ દેખાતું એ સ્વપ્ન અને બીજું એ મારો કોલેજનો પહેલો દિવસ હતો.

હું કેમ ખુશ ન હોઉં? મમ્મી પપ્પાને મારી જીદ મનાવી એ કોલેજમાં આવી હતી. હું કોલેજ જવા જેટલી ઉત્સાહિત હતી એટલી નર્વસ પણ હતી કેમકે એ કોલેજનો પહેલો દિવસ હતો. મારા મનમાં સતત વિચારો ઘૂમરી લઈ રહ્યા હતા.

કપડા પહેરી આલાર્મ કલોક તરફ નજર કરી ત્યાં સવારના સાડા નવ થઇ ગયા હતા. હું ઉતાવળે નીચે ગઈ અને મમ્મી સાથે બ્રેકફાસ્ટ ટેબલ પર જોડાઈ. મમ્મીએ મને ગૂડ લક વિશ કર્યું અને મેં તેનો આભાર માન્યો. જોકે જો આ કોલેજ પણ મારી જૂની કોલેજ જેવી નીકળે તો એ ગુડ લકનો કોઈ અર્થ સરવાનો ન હતો. મુંબઈની કોલેજમાં તો જાણે ગુડલક મને અવોઇડ કરી જતું હતું.

“નયના, કેટલી વાર છે બેટા?” પપ્પાનો અવાજ સંભળાયો. પપ્પાને મારા કોલેજના સમય કરતા પણ પોતાની ડ્યુટીના સમયની વધુ ચિંતા હતી. એમને લેટ જવું પસંદ નહોતું.

“આવી, પપ્પા..” મેં કોલેજ બેગ લીધી અને મમ્મીને બાય કરી પપ્પા સાથે કારમાં નેક્સ્ટ ટુ ડ્રાઈવર સીટ પર ગોઠવાઈ. કારમાં એકદમ અલગ જ ખુશબો પ્રસરેલી હતી, પપ્પા તો ક્યારેય કાર પરફ્યુમ ન વાપરે - ચોક્સ્સ મમ્મીએ જ કારમાં સ્પ્રે લગાવ્યો હશે.

હું કોલેજના પહેલા દિવસને લઈને જરાક ડરતી હતી. વાતાવરણ જરાક તોફાની હતું. એમ લાગતું હતું જાણે હમણાં વરસાદ ચાલુ થઇ જશે. જંગલ પાસેના અમારા વિસ્તારમાં વરસાદ વધુ રહેતો.

પપ્પાએ મને કોલેજના દરવાજે ડ્રોપ કરી ત્યારે મને વિશ્વાસ થયો નહી કે એ કોઈ કોલેજ હતી. એના બહાર લાગેલા જે.એમ. વોહરાના પાટિયા સિવાય ત્યાં કોઈ ચીજ એવી ન દેખાઈ જે એ સ્થળને કોલેજમાં ખપાવી શકે. કદાચ એ જે.એમ. વોહરાનું સાઈનબોર્ડ ત્યાં ન લાગેલું હોય તો એ ઓફ રોડ કોલેજને શોધતા અજાણ્યા માણસને સાંજ પડી જાય.

હું કોલેજના મેઈન ગેટ પાસે અટકી. મારી નજર કોલેજના બિલ્ડીંગ પર ગઈ. એનું બાંધકામ બાબા આદમના જમાના જેવું હતું. ત્યાં મારી મુંબઈની કોલેજ જેમ કોઈ મેટલ ડીટેકટ કે ચેઈન લીકની ફેન્સીંગ નહોતી. જયારે હું અહી રહેતી અને અમે કોલેજ આગળથી પસાર થતા ત્યારે મોટી લાગતી એ બિલ્ડીંગ મને નાની અને સામાન્ય લાગી કેમકે હું એને મુંબઈની કોલેજ બિલ્ડીંગ સાથે સરખાવી રહી હતી. સાચું છે દરેક વસ્તુ એમની એમ રહે છે બસ એને જોવાવાળી દ્રષ્ટિ બદલાઈ જતા એ બદલાયેલી લાગે છે.

જે.એમ. વોહરાના પાટિયા નીચેથી પસાર થઇ હું કોલેજ પ્રેમીસમાં દાખલ થઇ ત્યારે મારા ધ્યાનમાં એક ચીજ આવી - જે હતા વૃક્ષો. કોલેજ પ્રેમીસ આખી વૃક્ષોથી ભરાયેલી હતી. ત્યાં પચાસેક કરતા પણ વધુ વૃક્ષો હતા જે મને કહી ગયા કે એ સ્થળ મારા ઘર પાછળના જંગલ વિસ્તાર જેવું જ હતું - બસ ત્યાં કઈ અલગ હતું તો એક બાબા આદમના જમાનાની બિલ્ડીંગ. ગમે તેમ મારે હવે એ જ કોલેજમાં ભણવાનું હતું કેમકે મારી શોધ નાગપુરમાં હતી અને નાગપુરમાં રહેવા મારે એ કોલેજ ને જ આઈ.આઈ.એમ. કરતા પણ વધુ સારી સમજવાની હતી.

કોલેજ મને પપ્પા ડ્રોપ કરવા આવ્યા હતા એટલે મારે બીજોની જેમ પાર્કિંગ લોટમાં જવાની કોઈ માથાકૂટ ન હતી. ટુ વીલર કે ફોર વિલર ન હોય એનો બસ આ એક જ ફાયદો - મને એ ફાયદો જીવનભર મળ્યો હતો - મારી પાસે હજુ સુધી એકટીવા કે મોપેડ આવ્યું નહોતું અને પપ્પાની કાર હું ચલાવી શકું તેમ હતી નહિ.

મારા ચહેરા પર એક સ્મિત હતું. કેમ ન હોય? એ મારો કોલેજનો પહેલો દિવસ હતો. એકાએક મને લાગ્યું કયાંકથી મને કોઈ દેખી રહ્યું છે. મેં એ જ બે આંખોને મને જોતા અનુભવી જે આંખો મારા સપનામાં આવી મને અનહદ પ્રેમ કરતી હતી. મેં ચારે તરફ એક નજર દોડાવી - કોઈ ન દેખાયું. મેં ખુદને જ એક સ્મિત આપ્યું અને આગળ વધી.

મારે ઓફીસ શોધવા માટે ઘણી મેહનત ન કરવી પડી. અંદર પ્રવેશતા જ મને સામેની ડાબી તરફ એક રૂમ પર કાર્યાલય લખેલું જુનું પાટિયું દેખાયું. હું ઓફિસમાં દાખલ થઇ. ઓફિસમાં ત્રણ જુના અને મોટા ટેબલ હતા એ જોતા જ મને લાગ્યું કે કદાચ એ મારા ઘર પાછળના જંગલના વૃક્ષોને કાપીને બનાવાયા હશે. એ મોટા ટેબલને બાદ કરતા એ બાબા આદમ બિલ્ડીંગના કાર્યાલયમાં કોઈ ખાસ ચીજ નહોતી. હા, જમીન પરની ટાઈલ્સો તૂટી ગયેલી હતી જે છુપાવવા એના પર રેડ કલરની એક નવી કાર્પેટ લગાવેલી હતી. જે ટાઈલ્સોના ગાબડા છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી હતી. ઓફિસનો વેઈટીગ એરિયા પણ એક અમીર માણસના એટેચ્ડ બાથરૂમ કરતા મોટો ન હતો. જોકે મને એની કોઈ જરૂર પડી નહોતી. મારા સિવાય ત્યાં કોઈ નહોતું. મારી જૂની કોલેજ હોત તો પ્રિન્સીપાલને મળવા માટે અડધો કલાક રાહ જોવી પડી હોત પણ અહી મને સીધી જ કાર્યાલયમાં એન્ટ્રી મળી ગઈ. કાર્યાલયમાં ન્યુ કમરને ઈમ્પ્રેસ કરી શકે એવી કોઈ ચીજ નહોતી.

એ વિશે મારા મને વધુ વિચાર્યું નહી કેમકે વિચારવા માટે મારી પાસે એ દિવસે ઘણું બધું હતું. મારો કલાસ ક્યાં હશે? કલાસમાં કેવા વિદ્યાર્થીઓ હશે? મારી પાટલી પર બીજું કોણ હશે? પહેલો દિવસ કેવો જશે? હું મારો પરિચય આપતી વખતે ગભરાઈશ તો નહી ને? વગેરે વગેરે વગેરે.... કોલેજના પહેલા દિવસે એક સામાન્ય છોકરીના મનમાં જે પ્રશ્નો હોય એ બધા જ પ્રશ્નો મારા મનમાં હતા.

“ન્યુ એન્ટ્રી?” વચ્ચેના મોટા ટેબલ પાછળ બેઠેલી મેડમે મારી તરફ જોઈ પૂછ્યું.

મેં માત્ર હકાર ડોકું ધુણાવ્યું. મને ખાસ મનમાં જ બોલવાની આદત હતી. કોઈના સામે હું ઓછુ જ બોલતી. ઓછુ બોલી શકતી એમ કહીએ તો વધુ સારું અને વધુ સાચું ગણાય.

“યોર ગુડ નેમ...?” મેડમે પોતાના ચશ્મા જરાક ઊંચા કરતા પૂછ્યું.

“નયના મેવાડા.” મેં કહ્યું. હું સુથાર હતી, પિતાજીએ દાખલામાં સુથારને બદલે મેવાડા અટક લખાવેલી. સારું જ હતું. મને મેવાડા થોડુક ઇમ્પ્રેસિવ લાગતું. બીજા કોઈને લાગતું કે નહિ એ ખબર નથી.

મેં પોતાનો ટૂંકો પરિચય આપ્યો એટલે એ મેડમ પોતાના ટેબલ પર મુકેલા એક લાલ પાકા પુંઠાના ચોપડાને ફેદવા લાગી. લગભગ પાંચેક મિનીટ હું ચુપચાપ ઉભી રહી ત્યારબાદ એ મેડમેં ઉપર જોયું. એ મારી આરપાર જોતા હોય એમ ઘડીભર મને જોઈ રહ્યા. હું નર્વસ ફિલ કરતી હતી પણ ત્યાં ઉભા રહ્યા વગર કોઈ છુટકો જ ન હતો.

એક તો એ મેડમને મારું નામ રજીસ્ટરમાંથી શોધતા આટલો સમય કેમ લાગ્યો એ મને નવાઈ લાગી કેમકે કોલેજમાં માંડ પાંચસો સાતસો સ્ટુડેંટસ હતા. એમાં મારા ક્લાસમાં હશે તો માંડ પચાસ અને એમાય નવા આવનાર કેટલા? બે કે ચાર? તો એ બે કે ચાર નામમાંથી મારું નામ શોધતા એમને કેમ પાંચ મિનીટ થઇ હશે? મેં વિચાર્યું. મેં આગળ કહ્યું એમ મને દરેક વાતે વધુ વિચારવાનો એક રોગ હતો!

“તું હરેશભાઈ મેવાડાની દીકરીને?” એમણે પ્રશ્ન કર્યો, એમની આંખો હજુ મારું અવલોકન કરી રહી હતી. એ આંખો જરા અજીબ હતી. ભૂરી હતી કે કાળી એ જ નક્કી કરવું મુશ્કેલ હતું. કઈક તો અલગ હતું જ એ આંખોમાં. પણ શું? હું જાણી ન શકી.

“હા.” મેં ટૂંકો જવાબ આપ્યો.

અમારું શહેર ખાસ મોટું નહોતું એટલે લગભગ બધા એકબીજાને ઓળખતા જ હોય અને આમેય પપ્પા જંગલ ખાતામાં નોકરી કરતા એટલે જયારે કોલેજની પીકનીક ગોઠવાય એમની જ મદદ લેવાતી. એ કોલેજના વિધાર્થીઓ માટે કેમ્પીંગ લાયક જગ્યા શોધી આપતા અને અધિકારીઓ જોડેથી લોગ ફાયરની પરવાનગી પણ. કોલેજ કેમ્પીંગમાં પપ્પા મદદરૂપ થતા એટલે કોલેજનો મોટા ભાગનો સ્ટાફ પપ્પાને ઓળખતો.

ત્યારબાદ જાણે હું ત્યાં વર્ષોથી ભણતી હોઉં એમ મેમે મને કોલેજના સામાન્ય નિયમો સમજાવ્યા જે નિયમોનું પાલન કરનાર વ્યક્તિ વધુમાં વધુ એક અઠવાડિયા કરતા વધુ કોલેજમાં ન જ ટકી શકે - એ નિયમોનું પાલન કરનાર વ્યક્તિ એક અઠવાડિયામાં તો પાગલ થઇ જાય એટલા બધા અને એટલા કડક નિયમો મને મેમે કહી સંભળાવ્યા. જોકે હું જાણતી હતી કે દરેક કોલેજ જેમ આ કોલેજમાં પણ એ નિયમો માત્ર કાગળ પર જ કામ કરતા હશે માટે એ સાંભળતી વખતે બોર થવા સિવાય એ નિયમો કોઈ રીતે નુકશાન કારક નહોતા.

મારી પાસે મેમના એ ભારતા બંધારણ કરતા પણ લાંબા નિયમોનું લીસ્ટ સાંભળવા સિવાય કોઈ રસ્તો ન હતો - હું એમની એક એક સુચના બાદ હકારમાં માથું હલાવતી ગઈ.

“ઈઝ એવરીથિંગ કલીયર?” મેમે દશેક મીનીટ નિયમો સભળાવીને એ જ નિયમોને લેખિતરૂપે દર્શાવતું એક સો પચાસ જી.એસ.એમ. જાડાઈનું એક આછા વાદળી કલરનું કાર્ડ મારી સામે ધર્યું. કદાચ એમને એમ હશે કે બાળકો એ નકામા નિયમોના કાગળને વાર વાર વાંચતા હશે અને બંક કરતા પહેલા એમને એ નિયમો યાદ આવતા મિસચીફ કરવાનું માંડી વાળતા હશે. હોઈ શકે? લોકોને વિવિધ પ્રકારની ગલાત્ફેમીઓ હોય છે - કદાચ મેમને એ હોઈ શકે.

“હા, સમજી ગઈ.” કહી મેં એ કાર્ડ એમના હાથમાંથી લીધું. એમના હાથમાંથી કાર્ડ લેતી વખતે મારું ધ્યાન એમની ત્રીજી આંગળીમાં પહેરેલ રીંગ પર ગયું. એ રીંગ ચાંદીની હતી અને એના પર કોઈ એક નક્ષત્ર કંડારેલું હતું.

મેં યાદ કરવાનો પ્રયત્ન કર્યો કે એ કયું નક્ષત્ર હતું પણ મને યાદ ન આવ્યું. બસ મેં ન્યુઝપેપરમાં ગયા બુધવારે જ એ ચિત્ર જોયું હતું એટલે મને ખબર હતી કે એ કોઈ નક્ષત્રનું ચિહન હતું. કદાચ ગુજરાત સમાચારની ધર્મ-લોક પૂર્તિમાં જ મેં એ જોયું હતું. પણ હું ચોક્કસ યાદ ન કરી શકી.

“ડાબી તરફનો ત્રીજો રૂમ.” એમણે કહ્યું એટલે હું એ નક્ષત્રના વિચારોમાંથી બહાર આવી.

“થેન્ક્સ, મેમ.” કહી હું કાર્યાલયમાંથી બહાર આવી.

મારા મનમાં હજી એ જ પ્રશ્ન ઘૂમરી લઇ રહ્યો હતો. એ કયું નક્ષત્ર હતું? કુલ કેટલા નક્ષત્ર હોય છે? એ મેડમ ઊંચા પગારની નોકરીમાં હતા, જુના ક્લાર્ક હતા એટલે ચાલીસેક હજાર પગાર તો હોય જ. તો એમણે ચાંદીની વીંટી કેમ પહેરી હશે? કોઈ સ્ત્રી સોનાના દાગીના પહેરવા સક્ષમ હોય તો એ ચાંદીની વીંટી કેમ પહેરે? અને પહેરી તોયે એમના પતિના નામના સ્પેલિંગનો પહેલો લેટર વીંટી પર હોવો જોઈએ, એ વીંટી પર નક્ષત્ર શું કરતુ હતું? કોઈ જ્યોતિષે સલાહ આપી હશે. ધન પ્રાપ્તિનો નુસખો કે પછી કોઈ સમસ્યામાંથી છુટકારો મેળવવાનો ઉપાય?

એકાએક મને યાદ આવ્યું કે મેં એ નક્ષત્ર કેટલીયેવાર જોયેલું હતું. મારા સપનામાં નાગની જેમ મારી કમર પર વીંટળાતા હાથની ત્રીજી આંગળીમાં વીંટી પર એ જ નક્ષત્ર હતું - મેં અનેક વાર સપનામાં એ નક્ષત્ર જોયું હતું. મારી આંખો સામેથી મારા સપનાનું એ દ્રશ્ય પસાર થયું. હા, એ જ નક્ષત્ર હતું જે મેં સપનામાં અનેકવાર જોયું હતું.

આઈ ફેલ્ટ ગુઝબમ્પ. મારા શરીરમાંથી રોમાંચક ધ્રુજારી પસાર થઇ ગઈ. શું મારા સપનાના યુવક અને એ મેમ વચ્ચે કોઈ સબંધ હતો? મારા ડ્રીમ બોય જેવી જ વીંટી ક્લાર્ક મેમની આંગળીમાં કેમ હતી?

સવાલો મારા મગજમાં ઘૂમરી લેવા માંડ્યા. કેટલાયે પ્રશ્નો સાથે લાંબા કોરીડોરને ચીરતી હું મારા કલાસ, ડાબી તરફના ત્રીજા રૂમ તરફ ગઈ. મને ફરી એકવાર થયું મને કોઈ જોઈ રહ્યું છે. મેં એકાએક પાછળ ફરી તેને પકડી પાડવાનું વિચાર્યું, હું જાટકે પાછળ ફરી પણ કોઈ ન હતું. હું ફરી મારી જાત પર એકવાર હસી અને આગળ વધી પણ મને મારા સપનામાં દેખાતા એ સોદાગરની સુગંધ ત્યાં મહેસુસ થઇ રહી હોય એવું લાગ્યું.

શું હું પાગલ થઇ ગઈ હતી? મારા મગજમાં ઓવર રીએક્ટ કરવા સાથે ઓવર ઈમેજીનેસનની બીમારી પણ ઘર કરી ગઈ હતી?

મેં ભયની લાગણી અનુભવી. વોઝ આઈ ક્રેજી? ના, હું એ બધી કલ્પના કરી રહી નહોતી. હું જાણતી હતી કે ક્યારેક હ્રદય એ ચીજોને પણ જોઈ શકે છે જે આંખો માટે અદશ્ય હોય છે. પ્રેમમાં એવું થતું જ હોય છે. મેં ક્યાય સાંભળ્યું પણ હતું જ કે પ્રેમ એ જાદુ છે અને જાદુ મોટાભાગે ભ્રમણા કે ઈલ્યુસન હોય છે.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky