નિશા.. એક અતિસુંદર શિક્ષિત અને સંસ્કારી યુવતી. આશરે પચીસેક વર્ષ ની કહી શકાય. નિશા તેની સહેલી રીમાં ની ફર્સ્ટ એનિવર્સરી પાર્ટી માં એક ખૂણા માં એક ખુરશી માં બેઠી બેઠી પાર્ટી એન્જોય કરી રહી હતી.
હાય નિશા, "તું આવી એ મને બહુ જ ગમ્યું. તારા આવવાથી તો પાર્ટી માં ચાર ચાંદ લાગી ગયા." રીમાં એ વહાલ થી નિશા ને કહ્યું. "તારી ફર્સ્ટ એનિવર્સરી પાર્ટી હોય અને હું ના આવું એવું બને ?" નિશા એ પણ એટલા જ વહાલ થી જવાબ આપ્યો.
પાર્ટી માં આશરે સિત્તેર થી સો જેટલા લોકો હતા. થોડા નજીક ના મિત્રો અને થોડા નજીક ના સગા વહાલા. એ મિત્રો માંથી એક રોહન જે રીમાં ના પતિ નો ખાસ અંગત મિત્ર. જે ક્યાર થી નિશા તરફ તાકી રહેલો. નિશા હતી જ એટલી સુંદર કે કોઈ પણ એને જોતા જ એના દીવાના થઈ જાય. રોહને વિચાર્યું કે પાર્ટી પતે એટલે તરત જ નિમેષ ( રીમાં નો પતિ ) પાસે થી આ છોકરી વિશે માહિતી મેળવી જ લેવી છે. નિશા એ પણ ત્રાંસી નજર થી નોંધી લીધું કે કોઈક એને અનિમેષ નજરે જોઈ રહ્યું છે. પરંતુ તેને તો ત્યાં ધ્યાન ન આપતા પાર્ટી જ એન્જોય કરવાનું ઉચિત લાગ્યું.
આ તરફ રોહન ના તો હાલ જ બેહાલ હતા. તે તો બરાબર નો નિશા માં જ મગ્ન થઈ ગયો હતો. અચાનક નિશા ને એહસાસ થયો કે કોઈક તેની સામેની ખુરશી માં આવી ને બેઠું.
"હાય .. આઈ એમ રોહન." "હાય.. નિશા એ વળતા જવાબ આપ્યો. " શુ હું તમારું નામ જાણી શકું ?" રોહને વાત ની શરૂઆત કરતા પૂછ્યું. નિશા ને રોહન સારા ઘર નો એક સભ્ય છોકરો લાગ્યો. તેથી તેને તેની સાથે વાત કરવાનું ઉચિત લાગ્યું. "મારુ નામ નિશા છે." નિશા એ મૃદુ સ્વર માં જવાબ આપ્યો. અને બંને વચ્ચે વાતો નો સિલસિલો ચાલુ થયો.
"મને તો આ પાર્ટીઓ માં જવાનું બહુ જ બોરિંગ લાગે છે, પણ શુ કરું મારા પરમ મિત્ર ની પાર્ટી છે તો આવવું જ પડે ને." "હા મારું પણ કંઈક આવું જ છે, ઈનફેક્ટ હું તો કોઈ પણ પાર્ટી માં જતી જ નથી પણ રીમાં મારી નાનપણ ની ખાસ સહેલી એની પાર્ટી માં ના આવું તો એ તો મને મારી નાખે" નિશા બોલી અને બંને જણા હસી પડ્યા.
નિશાની વાત કરવાની રીત, એનો સ્વભાવ એ બધા થી રોહન ધીમે ધીમે અંજાતો ચાલ્યો. હોશિયાર રોહને થોડા જ સમય માં જાણી લીધું કે નિશા એક ખૂબ જ ડાહી,હોશિયાર અને સંસ્કારી છોકરી છે. આ તરફ નિશા ને પણ રોહન સાથે વાતો કરવામાં ઘણી મજા આવી હતી.
રોહન ને તો જાણે પેહલી નજર નો પ્રેમ જ થઈ ગયો હતો. તેણે તો મનોમન નક્કી જ કરી લીધું હતું કે મારી જીવનસંગીની તો નિશા જ બનશે. નહીંતર બીજું કોઈ જ નહીં બને. તે નિશા ને કંઇક કેહવા જ જતો હતો ત્યાં નિમેષે રોહન ને બોલાવ્યો. "એય રોહન.. તું શું કરે છે ત્યાં બેઠો બેઠો.. અહીં કેક કટિંગ નો ટાઈમ થઈ ગયો છે અને આ ફોટોગ્રાફર ક્યાંય દેખાતો નથી તું જરા શોધી લાવ ને એને." "હા યાર તારા માટે તો જાન પણ હાજર છે દોસ્ત.. હમણાં જ શોધી લાવું છું ફોટોગ્રાફર ને" કહેતો રોહન બહાર ની તરફ દોડ્યો.
આમ પણ આજે રોહન ને કંઇક અલગ જ ઉત્સાહ હતો. મનોમન તે બહુ જ ખુશ હતો. નિશા ની વાતો ઉપર થી તે મનોમન સમજી બેઠો હતો કે નિશા પણ તેને પસંદ કરવા લાગી છે.
"આ લે ભાઈ તારા ફોટોગ્રાફર ને લઇ આવ્યો." રોહન બોલ્યો અને બધા લોકો કેક કટિંગ માટે ભેગા થયા." અરે નિશા.. આવ ને અહીં" રીમાં એ નિશા ને પણ બોલાવી.પણ નિશા એ ઈશારા થી જ રીમાં ને ત્યાં આવવા ના કહી. પરંતુ રીમાં ન જ માની. અને એણે પણ ઈશારા થી જ નિશા ને ત્યાં એની પાસે આવવા માટે આગ્રહ કર્યો. આખરે નિશા રીમાં ના આગ્રહ ને વશ થઈ અને ત્યાં જવા માટે ઉભી થઇ. રોહન ની નજર તો નિશા તરફ જ મંડાઈ હતી.
નિશા રીમાં પાસે જવા ઉભી જ થઈ અને ત્યાં જ રોહન નું હૃદય એક ધબકારો ચુકી ગયું. એની આંખો ફાટી ગઈ. તેને જાણે ચક્કર આવવા લાગ્યા અને તે હમણાં નીચે પડી જશે એવું તેને લાગ્યું. પણ જેમ તેમ તેણે પોતાની જાત ને સંભાળી. તેની આંખો માં આંસુ આવી ગયા જ્યારે તેણે નિશાને કાંખ ઘોડી થી ચાલતા રીમાં તરફ આવતા જોઈ.
નિશા એ પણ રોહન ના ચેહરા ના હાવભાવ જોયા. સમજુ નિશા રોહન ના ચેહરા ના હાવભાવ જોઈ બધું સમજી ગઈ હતી. તે રોહન તરફ જોઈ ફિક્કું હસી અને રીમાં તરફ આગળ વધી. રોહન ની તો જાણે દુનિયા જ આ એક જ પળ માં વિખેરાઈ ગઈ હતી.
પાર્ટી પતી. બધા રીમાં-નિમેષ ને શુભેચ્છા પાઠવી પોતાની ઘરે જવા નીકળતા હતા. નિશા પણ રીમાં અને નિમેષ ને મળી અને ઘર તરફ જવા રવાના થઈ. પરંતુ તેની નજર પણ આમ તેમ રોહન ને શોધી રહી હતી. અજાણતા માં જ પણ રોહને પણ આટલા ઓછા સમય માં નિશા ના હૃદય માં એક સ્થાન બનાવી લીધું હતું. રોહન તેને કયાંય નજરે ના આવ્યો.. તે પોતાની કિસ્મત પર ફિક્કું હસી અને ત્યાં થી પોતાના ઘરે જવા માટે બહાર નીકળી ગઈ.
નિશા ઓટો ની જ વેઇટ કરી રહી હતી ત્યાં જ તેની સામે એક ફોર વિલર આવી ને ઉભી રહી. એમાંથી રોહન ઉતર્યો અને નિશા તરફ આવ્યો. નિશા ને થોડી નવાઈ લાગી.
તે નિશા પાસે આવ્યો અને પોતાના ઘૂંટણીયે બેસી ગયો અને હાથ માં એક સુંદર મજા નું ગુલાબ નિશા ને આપતા બોલ્યો " નિશા, તું મારી જીવનસંગીની બનીશ ?"
નિશા તો આ સાંભળી સ્તબ્ધ જ થઈ ગઈ. તેને તો આ શું થઈ રહ્યું છે કંઈ સમજણ જ ન પડી. તેને માટે તો આ બસ એક સ્વપ્ન સમાન હતું. નિશા ની આંખ માંથી દળ દળ આંસુ પડવા લાગ્યા અને સાથે જ હોંઠો પર એક મોટી મુસ્કાન હતી. એ મુસ્કાન જ જાણે કહી રહી હતી કે તેણે પણ રોહન ના પ્રેમ નો સ્વીકાર કરી લીધો છે.
નિશા એ કહ્યું તમે દેખાયા નહીં તો મને થયું પાર્ટી છોડી જતા રહ્યા. ત્યાં રોહને કહ્યું "અરે પાગલ.. આ આટલી રાતે તારા માટે ગુલાબ શોધવા ગયો હતો હું તો.." આ સાંભળી નિશા ખડખડાટ હસી પડી અને સાથે રોહન પણ.
- અમી રાવલ દેસાઈ