Chhella swash sudhi books and stories free download online pdf in Gujarati

છેલ્લાં શ્વાસ સુધી

'ફ્લાઈટ નંબર 225518 વિલ લેન્ડ શોર્ટલી , પ્લીઝ ઓલ પેસેન્જર્સ ગેટ રેડી ટૂ ટેક સીટ્સ.'

મુંબઈ એરપોર્ટ પર પાંચ મિનિટના અંતરે ત્રીજી વાર આ એનાઉન્સમેન્ટ થઈ રહ્યું હતું , પણ બે કલાકથી ફ્લાઈટની રાહ જોઈને બેઠેલા મિહીરનું મન બીજી જ દુનિયામાં અટવાયેલું હતું.પ્રશ્નોનો મોટો પહાડ એની સામે ખડકાયેલો હતો ને એ જવાબો મેળવવાની કોશિશ કરી રહ્યો હતો.

મિહીર પટેલ - આઈ.આઈ.ટી. બોમ્બેમાંથી એન્જીનીયરની ડિગ્રી મેળવીને અમેરિકાની આઈ.બી.એમ. કંપનીમાં જોબ મેળવનારો , આઈ.આઈ.ટી.નો ટોપર અને ગુજરાતના અમદાવાદ શહેરના મધ્યમ કહી શકાય એવા પટેલ પરિવારનો એકનોએક દીકરો. જ્યારથી એ સમજણો થયો ત્યારથી એનો એક જ ધ્યેય હતો - ખૂબ પૈસા કમાવા અને પૈસાથી ખરીદી શકાય એવી બધી જ વસ્તુઓ ખરીદી લેવી.કૉલેજના કેમ્પસમાં પણ મિહીરની છાપ એક ગંભીર અને ખડુસ છોકરાની જ હતી,અને છોકરીઓ સાથે તો એનો દૂર-દૂર સુધી કોઈ નાતો જ નહોતો,પણ કોલેજમાં ટોપ પર રહેવાનું પ્રેશર,ઘરખર્ચની જવાબદારી,પોતાની હૉસ્ટેલનો ખર્ચ, કૉલેજની સેમેસ્ટર અને એક્ઝામ ફીઝ વગેરેની જવાબદારીઓથી ઘેરાયેલ હોવા છતાં,એને ક્યારે દિયા નામની એક મીઠડી અને સ્માર્ટ છોકરી સાથે પ્રેમ થઈ ગયો એ એને પોતાને જ ખબર ના રહી.
એન્ડ લેટ મી ટેલ યુ ,આ પ્રેમ એટલે આજ-કલના છોકરા-છોકરીઓ કરે છે એવો કહેવા પૂરતો પ્રેમ નહીં,પણ કંઈક સમજવા જેવો અને જીવવા જેવો ડીપ love .

અત્યારે,એરપોર્ટની વેઈટિંગ સીટ પર બેઠા-બેઠા પણ મિહીર દિયાની જ યાદોમાં ખોવાયેલો હતો.દિયા સાથે જીવેલી એક-એક સેકન્ડ એની નજર સામેથી પસાર થઈ રહી હતી. પહેલી જ વખત પોતાની હૉસ્ટેલ રૂમની બાલ્કનીમાં ખુરશી પર બેસીને મીડ-સેમ એક્ઝામની તૈયારી કરી રહેલા મિહીરે સામેની બિલ્ડીંગમાં બિલકુલ સામે બાલ્કનીમાં ઊભા રહીને પોતાના ભીના વાળ સૂકવી રહેલી નખરાળી દિયાને જોઈ ત્યારે બે મિનિટ માટે એ પોતાનું અસ્તિત્વ પણ ભૂલી ગયો હતો.

કંઈ અલગ નહોતું એ ચહેરામાં છતાં,કંઈક બહુ જ ખાસ હતું.
એ મેક-અપ વગરનો હમણાં જ ધોયેલો ચહેરો અને ચહેરા પર પાણીની ચમકતી બૂંદો,કોણી સુધીના ઘાટા અને લહેરાતા વાળ,મોટી-મોટી ચમકદાર અને અણિયારી આંખો,પરફેક્ટ માપ લઇને બનાવેલું હોય એવું તીખું નાક,ગુલાબી ને આછા કથ્થાઈ રંગના મિશ્રણવાળા કુમળા હોઠ અને એટલું ઓછું હોય એમ ડાબા ગાલ પર એની સુંદરતાની સાક્ષી પૂરાવતું કાળું તલ.
મિહીરને ત્યારે જ દિયાની નજીક જઈને એની નિર્દોષ સુંદરતા માણી લેવાનું મન થઈ આવ્યું,પણ પોતાના હાથમાં જાડી-જાડી બૂક્સ જોઈને એનાથી હલકું હસી જવાયું ને બીજા બધા વિચારોને નજરઅંદાજ કરીને મીડ-સેમ એક્ઝામની તૈયારી પર ધ્યાન આપ્યું,પણ જયારે એણે દિયાને પોતાના M.A.ના અભ્યાસમાંથી સમય કાઢીને નજીકના અનાથાશ્રમના બાળકોને ભણાવતા જોઈ ત્યારે એને લાગ્યું કે દિયા ખરેખર એક સમજદાર અને જીવનસાથી તરીકે પરફેક્ટ છોકરી છે.

એ પછીની બધી મુલાકાતો,હસી-મજાક,લેઈટ નાઈટ સુધી ચાલતી વાતો,રજાના સમયે આખો દિવસ સાથે રખડીને પછી રાત્રે લીધેલા કેન્ડલ-લાઈટ ડિનર્સ,કદી છોડીને ન જવાના વાદા,એક-બીજાના ખોળામાં માથું રાખીને કરેલી પ્યારભરી વાતો,રિસાયેલી દિયાને મનાવવા માટે આપેલા કેટલાય હગઝ અને કિસીઝ અને થોડા દિવસો પહેલા જ દિયા સાથે માણેલી અંગત પળો.............ઉફ
મિહીર નું મગજ 180ની સ્પીડે દોડી રહ્યું હતું.
'યાર,આપણી ફ્લાઈટ લેન્ડ થઈ ગઈ છે,ને તું અહીં જ બેઠો છે હજુ!' કહીને અર્જુને થમ્સ-અપની બોટલ મિહીર સામે ધરી અને મિહીર એક જ ઘૂંટ સાથે બધા જ વિચારો ગળી ગયો.એને અર્જુનના આવવાથી થોડી રાહત થઈ નહીતર એ પોતાના જ વિચારોની જાળમાં ફસાઈ જાત.

બંને મિત્રોએ પ્લેનમાં એન્ટર થઈને પોતપોતાની સીટ્સ લીધી. મિહીરની નજર સામે દિયાનો સાત દિવસ પહેલાનો લાસ્ટ મેસેજ તરવરી રહ્યો હતો,લખ્યું હતું કે : ' મારે તને બહુ મોટી સરપ્રાઈઝ આપવી છે,તો પ્લીઝ આજે સાંજે સાત વાગ્યે આપણી ફેવરિટ જગ્યાએ આવીને મળજે.'
જુહૂ ચોપાટી પર ઉભા રહેતા "શિવ વડાપાઉં" લારીવાળાની જમણીબાજુ પ્લાસ્ટિકનાં ત્રણ-ચાર ટેબલ મુકેલા હતાં અને એની વચ્ચે કોઈ બીચનો અહેસાસ કરાવતી લાલ અને સફેદ રંગના પટ્ટાવાળી છત્રી ખોડેલી હતી.એ શાંત ખૂણો દિયા-મિહીરની ગમતી જગ્યા હતી.ત્યાં સ્ટ્રીટ-લાઈટનું અજવાળું ઓછું ફેંકાતુ અને દરિયાના ઉછળતા મોજાઓનો અવાજ સાંભળતા-સાંભળતા પ્રેમથી મિહીરના ગળે હાથ વીંટાળીને એને હેરાન કરવામાં દિયાને વધુ મજા આવતી.

મિહીરને લાગ્યું કે દિયા એને પ્રપોઝ કરવા માગે છે,એટલે બરાબર સાત વાગ્યે એ ફૂલનો બુકે લઇને ચોપાટીએ પહોંચી ગયો હતો,પણ ત્રણ કલાક રાહ જોવા છતાં પણ દિયા ત્યાં પહોંચી નહોતી.એ પછી બે દિવસ સુધી એણે દિયાને શોધવાની ઘણી કોશિશ કરી હતી પણ એનો ક્યાય અતો-પતો જ નહોતો. તૂટેલા દિલ સાથે મિહીરે અમેરિકાની કંપનીની જોબ ઓફર સ્વીકારી લીધી અને તરત જ અર્જુન સાથે અમેરિકા ચાલ્યા જવાનું નક્કી કરી લીધુ.
હજુ મિહીરનું ધ્યાન બારીની બહાર હતું કે, કદાચ દિયા આવીને પોતાને રોકી લેશે અને કહેશે કે : ' મિહીર પ્લીઝ મારી પાસે રહી જા,હું તારા વગર જીવી નહીં શકું.'

'અવર ફ્લાઈટ ઇઝ રેડી ટૂ ટેક ઑફ. પ્લીઝ, ઓલ પેસેન્જર્સ પ્રિપેર યોર સીટ-બેલ્ટ્સ.' આ એનાઉન્સમેન્ટ સાથે ફ્લાઈટ ટેક-ઓફ થઈ.
એક તરફ વિમાનની સ્પીડ વધી રહી હતી અને બીજી તરફ મિહીરના મગજમાં વિચારોની સ્પીડ વધી રહી હતી.કેટલાય પ્રશ્નો એના મગજમાં ઘૂમરાઇ રહ્યા હતા.'શા માટે દિયાએ મને આટલો મોટો દગો આપ્યો?',' શું ખોટ રહી ગઈ હતી મારા પ્રેમમાં?','શું સરપ્રાઈઝ આપવાની હતી એ?'