chella swas sudhi - 4 books and stories free download online pdf in Gujarati

છેલ્લાં શ્વાસ સુધી - 4

દિયા માટે નાસ્તો બનાવતા-બનાવતા મિહીર ત્રણ વર્ષ પહેલાનો 22 ડિસેમ્બરનો દિવસ પોતાની નજર સામે જોઈ રહ્યો.
'તમે મિસ્ટર મિહીર છો?' સિટી હૉસ્પિટલનાં સિનિયર વોર્ડન મિસ કિરણ વ્યાસે આશ્ચર્ય અને આઘાત મિશ્રિત ભાવ સાથે મિહીરને પૂછ્યું. એનું ધ્યાન મિહીરના ગળામાં પહેરેલા દિયાના ફોટોવાળા લોકેટ પર હતું.એને દિયાના શબ્દો યાદ આવી ગયા. 'મિસ વ્યાસ, મારા ફોટોવાળું લોકેટ પહેરેલો એક વ્યક્તિ મને શોધતો-શોધતો અહીં જરૂર આવશે.એને આ એન્વેલોપ અને મારી સરપ્રાઈઝ બંને સોંપી દેજો. પછી મને શાંતિ મળશે." મિસ વ્યાસની આંખો આંસુઓથી ઊભરાઈ ગઈ.
'મિસ્ટર મિહીર, તમે અહીં જ ઊભા રહેજો હું તમારી અમાનત લઈને આવું છું' કહીને મિસ વ્યાસ દોડતા-દોડતા લોકર-રૂમ તરફ ગયા.એન્વેલોપ લઈ આવવાના ચક્કરમાં મિસ વ્યાસ એ ભૂલી ગયા કે એ પોતાની સાથે છ વર્ષની એક ઢીંગલીને પણ લઈ આવ્યા હતા.
કિરણબેનના ગયા પછી મિહીર એ ઢીંગલી સામે જોઈ રહ્યો.મિહીરને એની આંખો અને નાક બિલકુલ દિયા જેવા જ લાગ્યા. 'અંકલ મને ગાર્ડનમાં લઈ જશો?' પેલી એ ફૂલ ઝરતા અવાજ સાથે કહ્યું અને મિહીર એને ના ન કહી શક્યો, ખબર નહીં કેમ પણ એને એ અવાજમાં દિયાનો અવાજ મહેસુસ થયો.
***
એ રાત્રે ચોપાટીએ દિયાને મળ્યા પછી મિહીર મીટીંગ અટેન્ડ કરવા ગયો તો ખરો, પણ તેના મગજમાં દિયાના જ વિચારો ચાલતા હતા.'શા માટે એ આવીને પાછી ચાલી ગઈ?', ' શા માટે એણે હૉસ્પિટલનાં કપડા પહેર્યા હતા?'
મીટીંગ પતાવીને એ સીધો હોટેલ પહોંચ્યો.

જે.ડબલ્યુ.મેરિઓટની આલીશાન લોન પરથી થઈને પોતાના રૂમ પાસે પહોંચતા સુધીમાં મિહીર એટલો થાકી ગયો કે જાણે કોઈ લાંબી મુસાફરી કરીને ન આવ્યો હોય! રૂમમાં જઈને તેણે પોતાના ઓફિશીયલ કપડાં બદલાવ્યાં વગર જ બૂટ સહિત બેડ પર પડતું મૂક્યું. એણે કંઈ પણ વિચાર્યા વગર સૂઈ જવું હતું પણ થાકી ગયો હોવા છતાં તે અડધી રાત સુધી પડખા ઘસતો રહ્યો. એને લાગી રહ્યું હતુ કે દિયાની આસું ભરેલી આંખો એને કંઈક સંકેત આપી રહી હતી,પણ શું?
સવારે ફ્રેશ થઈને પહેલું કામ એણે સિટી હોસ્પિટલ જવાનું કર્યું. ત્યાં જઈને ભારે હૈયે મિહિરે પેશન્ટ વોર્ડમાં દિયાની તપાસ કરી. અરે! આઈ.સી.યુ.માં પણ બધે જોઈ લીધું. હૉસ્પિટલનાં સ્ટાફને પણ દિયા શર્મા નામના પેશન્ટ વિશે પૂછ્યું, પણ બધા અજાણ હતા. અજાણ જ હોય ને, બે વર્ષ પહેલાના પેશન્ટનું નામ કોઈને યાદ હોય ખરું!
નિરાશ થઈને મિહીર હૉસ્પિટલની બહાર નીકળવા જ જતો હતો ત્યાં ગાર્ડનની સામેની બાજુ અને ગેઈટથી થોડે દૂર એને હૉસ્પિટલનાં સિનિયર વોર્ડન મળી ગયા, અને મિહીરને ઊભા રહેવાનું કહીને એન્વેલોપ લેવા ચાલ્યા ગયા.
મિહીર પેલી નાનકડી છોકરી સાથે ગાર્ડનમાં ગયો તેની થોડી જ વારમાં કિરણબેન ભાગતા-ભાગતા લોકરમાંથી પેલું એન્વેલોપ લઈને આવ્યા.'મિસ્ટર મિહીર, આ લો તમારી દિયાનો છેલ્લો પત્ર' મિસ વ્યાસે રડમસ અવાજે કહ્યું.
'છેલ્લો પત્ર......!' છેલ્લા પાંચ વર્ષથી દિયાની હાલતથી અજાણ એવા મિહીરે આઘાત સાથે કહ્યું અને એના હાથમાંથી એન્વેલોપ ઝાટકી લીધું. ઝડપથી મિહીરે એન્વેલોપ ખોલીને પત્ર કાઢયો.પત્રમાં દિયાના મરોડદાર અક્ષર થોડાક અણઘડ રીતે ગોઠવાયેલા હતા.મિહિરને લાગ્યું કે દિયાએ ધ્રુજતા હાથે પત્ર લખ્યો હશે.....
પત્રમાં લખ્યું હતું....
ડિઅર મિહીર,
આપણે ચોપાટીએ મળવાના હતા તે દિવસની સૌથી મોટી સરપ્રાઈઝ એ હતી કે, હું તારા સંતાનની માઁ બનવાની હતી અને તારી સાથે મારી આખી જિંદગી ખુશી-ખુશી વિતાવવા માંગતી હતી પણ કદાચ આપણી કિસ્મત જ આપણી સાથે નહોતી.તેથી જ તો એ દિવસે મને ખબર પડી કે મને બ્રેઈન કેન્સર છે અને એ પણ લાસ્ટ સ્ટેજ પર.
હું વધારે જીવવાની નથી એ ખ્યાલથી મેં તારાથી દૂર રહેવું જ મુનાસિબ માન્યું પણ આપણા સંતાનને ખાતર હું મરી શકું એમ પણ નહોતી એટલે આપણી ઢીંગલી આ દુનિયામાં ન આવી ત્યાં સુધી હું જેમ-તેમ કરીને આ રાક્ષસી બીમારીથી લડી ગઈ પણ હવે હું થોડા જ દિવસની મહેમાન છું એ વાસ્તવિકતા કોઈ બદલી શકે એમ નથી એટલે આ પત્ર અને આપણી દિકરીને મિસ વ્યાસને સોંપી દઉં છું.
ખબર નહીં તને આ પત્ર મળશે ત્યારે હું આ દુનિયામાં હોઇશ કે નહીં પણ, જ્યાં સુધી તું તારી સરપ્રાઈઝ સુધી પહોંચીશ નહીં ત્યાં સુધી મારા આત્માને પણ શાંતિ નહિ મળે.
લી. તારા વગર એક-એક પલ મરી રહેલી,માત્ર તારી જ દિયા.

પત્ર વાંચીને મિહીર અવાચક બની ગયો.કદાચ એની આંખોમાં આંસુઓનો આખો દરિયો ભરેલો હતો પણ કોઈ કારણસર એ આંસુ બહાર નીકળી શકતા નહોતા. એ ધ્રૂજતા અવાજે મિસ વ્યાસને એટલું જ પૂછી શક્યો કે :'ક્યા છે દિયા?' , અને જે નહોતો સાંભળવો તે જ જવાબ સાંભળવા મળ્યો.
'બેટા,બે વર્ષ પહેલા બ્રેઈન કેન્સર નામની અસહ્ય બીમારીએ દિયાનો જીવ લઈ લીધો' મિસ વ્યાસ ડૂમો ભરાયેલા અવાજે માત્ર એટલું જ બોલી શક્યા.
મિહીરને અચાનક આગલી રાત્રે ચોપાટીએ જોયેલી દિયા યાદ આવી. 'શું દિયા નો આત્મા મને મારી દીકરી સુધી પહોંચાડવા માંગતો હશે?' એને વિચાર આવી ગયો.એ પોતાની સામે ઊભેલી છ વર્ષની છોકરીને તાકી રહ્યો, એના ગળામાં મિહીરના ફોટોવાળું લોકેટ લટકાયેલું હતું,જે મિહીરે દિયાને પોતાના પ્રેમની નિશાની તરીકે આપ્યું હતું.
મિહીર એ ઢીંગલીની અણિયારી આંખોમાં જોઈ રહ્યો અને મનોમન બોલ્યો કે : 'દિયા તને તો હું મેળવી ન શક્યો પણ તને વચન આપું છું કે હું ક્યારેય લગ્ન નહી કરું અને તારી આ છેલ્લી નિશાનીને મારા જીવની જેમ સાચવીશ - મારા છેલ્લા શ્વાસ સુધી.'
* * *

અત્યારે બ્રેકફાસ્ટ બનાવતા-બનાવતા પણ ત્રણ વર્ષ પહેલાની એ ઘટના યાદ આવતા મિહીરની આંખોમાં આંસુ આવી ગયા.હજુ પણ એ જૂની યાદોમાંથી બહાર ના નીકળી શકત પણ સામે ઊભેલી મારીયાના ભસવાના અવાજથી એ તંદ્રામાંથી બહાર આવ્યો.
મારીયા મિહીરને કંઈક કહેવા માગતી હતી પણ માલિકની વ્યથા સમજી ગઈ હોય એમ એ પણ પૂંછડી પટપટાવતી એક ખૂણામાં જઈને બેસી ગઈ.
નાસ્તા અને જ્યુસની ટ્રોલી સાથે મિહીર પોતાના રૂમમાં ગયો અને પ્રેમથી પોતાની નાનકડી દીકરીને ઉઠાડી. 'ચાલો દિયા બેટા,આજે તો આપણા માટે ખાસ દિવસ છે અને આજે પપ્પાએ તમારા માટે તમારો ફેવરિટ બ્રેકફાસ્ટ બનાવ્યો છે.'
આટલું સાંભળતા જ નવ વર્ષની નાનકડી દિયા પોતાના પપ્પાને વળગી ગઈ.સાવ માસુમ હોવા છતાં એ મિહીરની આંખોમાં માઁ અને બાપ બંનેનો પ્રેમ મહેસુસ કરી રહી.

સમાપ્ત......
લેખક - હેતાક્ષી સોની (આશકા )