Man Mohana - 4 books and stories free download online pdf in Gujarati

મન મોહના - ૪


ભરત તો મનનો જીગરી યાર હતો જ અને એણે મનને વચન આપી દીધેલું કે એ મન અને મોહનાનો મેળાપ કરાવીને જ રહેશે પણ બધું આપણે વિચારીએ અને થઇ જાય એવું હોત તો નિયતિ શું કરત? આટલેથી મનના જીવનમાં કેટલાક નવા પાત્રો ઉમેરાયેલા જેમણે મનના હાલના સંજોગ માટે મહત્વનો ભાગ ભજવેલો... મન મનોમન એ બધાને નામ અને ચહેરા સાથે યાદ કરી રહ્યો.

એમાં સૌથી પહેલાં યાદ આવ્યો વિવેક, મનનો સિનિયર સ્ટુડન્ટ. એમના કરતાં એક વરસ આગળના ધોરણમાં ભણે છે. રંગે કાળો, રંગબેરંગી કપડાં પહેરવાવાળો અને પોતાને મોટો હીરો થવા જ જનમ્યો હોય એમ માનનારો અને વર્તનારો બીજાં યાદ આવ્યાં એમના એક સાહેબ, આકાશ સર, એમના પીટી ટીચર. એક ચુલબુલી છોકરીનો ભલો ભોળો ચહેરો યાદ આવ્યો પણ નામ યાદ ના આવ્યું, થોડુક વિચાર્યું ત્યાં જ ભરત એ છોકરીને બુમ પાડીને બોલાવતો દેખાયો, એ સાધના હતી, મોહનાની સહેલી.

મનના માનસપટ પર એક ચિત્ર ખડું થયું. સ્કુલનું મેદાન છે. ત્યાં રેખાબેન બધા વિદ્યાર્થીઓને મેદાનમાં દોડાવી રહ્યા છે. પહેલા ત્રણ છોકરાઓ અને પછી ત્રણ છોકરીઓ એમ વારાફરથી...

રેખાબેન પોતાને ઉદ્દેશીને કહે છે, “નિમેશ, ભરત અને મન આ છોકરીઓ પછી તમારો નંબર છે, તૈયાર રહેજો.”

“મન આપણાં ત્રણમાં તારે જ પ્રથમ આવવાનું છે યાદ રાખજે. હું હાથે કરીને નીમલાં સાથે અથડાઈને એને ધીરો પાડીશ ત્યાં સુંધી તું જીતી જજે.” ભરતે હળવેથી મનના કાનમાં ફૂંક મારી હતી. પોતાના ભાઈબંધને એ મોહના આગળ હીરો સાબિત કરવા ઈચ્છતો હતો.

મનને એ વખતે ભરત શું કહેવા કે કરવા માંગે છે એ નહતું સમજાયું, “પણ યાર જે જીત્યું એ, શું ફરક પડે છે!”
“તું સમજતો નથી યાર! બધી છોકરીઓને માચો મેન પસંદ હોય.”

મન ભરતની વાત જરાય સમજ્યો ન હતો. એણે ખુબ જ ભોળા ભાવે પૂછેલું, “માચો? ઇ વળી કેવા?” મનને અત્યારે પણ એ વખતની પોતાની નાદાનિયત પર હસવું આવી ગયું અને તરત જ એક વિચાર પણ આવી ગયો કે કદાચ એ નાદાનિયતને લીધે જ પોતાને આમ ભાગી જવું પડ્યું..
“માચો એટલે હીરો જેવા. બધામાં એ જ જીતે ફીલહાલ તારે આ રેસ જીતવાની છે.” અચાનક જાણે ભરત એની સામે આવીને ઉભો હોય અને એને કહી રહ્યો હોય એમ એને સંભળાયું.

રેખાબેનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો, “ચાલો હવે તમારો નંબર છે. તૈયાર...થ્રી,  ટુ, વન...ગો..!”

ભરત, નિમેશ અને મન દોડ્યા હતા. શરૂમાં ત્રણે સાથે સાથે જ હતાં. મેદાનના બીજે છેડે જ્યાં પહોંચવાનું હતું એની નજીક આવતાં જ નિમેશે થોડી ઝડપ વધારી... ભરતે પણ ઝડપ કરી અને જાણે ઠોકર ખાઈને પડતો હોય તેમ નિમેશ ઉપર પડ્યો... નિમેશ પણ નીચે પડ્યો. એમની સાથે દોડી રહેલો મન આ બંનેને પડતાં જોઈ એક પળ ઊભો રહી ગયો..તરત ભરતે બૂમ પાડી ભાગ...અને અચાનક મનના મનમાં વીજળી જબકી હોય એમ એ ભાગ્યો હતો. આ બાજુ નિમેશ પણ ઉભો થઇ ગયો અને ભાગ્યો....

રેખાબેન જોરથી બોલેલા, “આ ત્રણમાં મન જીતી ગયો છે, બીજો નંબર નિમેશ અને ત્રીજો ભરત."

“ભરતા આ મચ્છરને જીતાડવા તે મને હાથે કરીને પાડ્યો. આવા તે કંઈ ભાઈ હોતા હશે, તારા કરતાતો દુશ્મન સારા!” નિમેશ જમીન પર થુંકતા ભરત સામે નજર રાખીને બોલેલો.

“જો બકા, તને મારો ભાઈ ભગવાને ભૂલથી બનાવી દિધો છે અને મન સાથે દોસ્તી મેં મારા મનથી કરી છે સમજ્યો ટયુબ્લાઇટ!” ભરતે એના નવા આવેલા અને એના મોઢાં પર મોટા લાગી રહેલા દાંત દેખાડી નિમેશને ચીઢવતા કહેલું. પણ, એ વખતે મનની નજર તો મોહના પર જ ચોંટી ગઈ હતી એણે ધીરેથી ભરતને એનો હાથ ખેંચી કહેલું, “ભરત સામે જો...પી. ટી. ઉષા!” મેદાન તરફ આંગળી કરતા એ બોલેલો.

ભરત અને નિમેશ બંનેએ એ તરફ જોયું. ત્રણ છોકરીઓ મેદાનના સામે છેડેથી દોડીને આવી રહી હતી. એમાં એક મોહના પણ હતી. રોકેટની ગતિથી ભાગતીએ આવી રહી હતી. એની સાથેની બંને છોકરીઓને ક્યાંય પાછળ છોડી એ હરણીની જેમ દોડતી આવી.

રેખાબેન તાળીઓ પાડતા બોલી ઉઠેલા, “વાહ ખૂબ સરસ મોહના. તે છોકરાઓ કરતાં પણ ઓછો સમય લીધો સામે પહોંચવામાં."

મનની છાતીમાં હજી જોર જોરથી દિલ ધડકતું હતું. એણે હાંફતા હાંફતા ભરત સામે જોઈને કહેલું, “લેડી માચો!”

 “શું કીધું લા? એ ભરતા આને મોહનાને શું કહ્યું, મા...ચો..!” નિમેશ શબ્દ અધૂરો છોડીને  મોઢું દબાવી ઊભો રહી ગયો. એને જોઈને ભરત ખડખડાટ હસી પડ્યો.

નિમેશ કંઈક બીજું જ સમજી બેઠેલો, “આતો સાવ હલકટ નીકળ્યો. જોયું આવો જ તારો ભાઈબંધ. આટલી સરસ છોકરીને ગાળ દે છે. એ પણ કેવી..? છી...!” એણે ભરતને કહેલું.

 “ચૂપ કર લ્યા. ખબર ન પડતી હોય તો મોઢું બંધ રાખીએ. મન કદી મોહનાને ગાળ ના દેય.”

“કેમ ના દેય..? એ એની બેન થાય છે?”

“બેન નથી લ્યા.. એની બહેનપણી સમજ! ગર્લફ્રેન્ડ!” ભરતે આંખ મારીને કહેલું અને એ બંનેની વાતો સાંભળીને મનને ધોળે દાડે અંધારા આવી રહ્યા હતા. ભરતનું આટલું વાક્ય પૂરું થતાં થતાં તો નિમેશ જોર જોરથી હસી પડ્યો હતો. હસતો હસતો એ નીચે માટીમાં બેસી પડ્યો અને બોલવા લાગેલો, “ગ..ગલ...ફ્રેન્ડ...હાહાહા! ક્યાં આ ચિરકુટ અને ક્યાં મોહના. જો જો તારા હીરોને, પેલી તરફ કેવી રીતે જોઈ રહ્યો છે... હાહાહા!”

ભરત અને નિમેશ બંને જણા મને જોઈ રહ્યા હતા જ્યારે હું? હું... મોહના જે છોકરીઓનો દોડવાનો વારો આવી ગયો હોય એમની પાસે ઊભી વાતો કરતી હતી એને! હું આખી દુનિયાથી અલિપ્ત થઈને, ચહેરા પર એક ભોળી મુશ્કાન લઈ મોહનાને જ જોઈ રહ્યો હતો.