The ring - 11 books and stories free download online pdf in Gujarati

ધ રીંગ - 11

The ring

( 11 )

અપૂર્વ દ્વારા આલિયા ની હત્યાની સુપારી મળતાં આલિયા ની હત્યા કરવાં પહોંચેલો હનીફ આલિયા નાં રૂપને જોઈ મોહી જાય છે જ્યાં આલિયા એને છેતરીને ભાગી છૂટે છે.. હનીફથી બચવા દોડતી આલિયાની ટક્કર એની મદદ કરવાં આવેલાં ઇન્સ્પેક્ટર ગોપાલ ઠાકરે ની સ્કોર્પિયો સાથે થાય છે.. ગંભીર હાલતમાં ઘવાયેલી આલિયા ને ગોપાલ હોસ્પિટલમાં લાવે છે.. જ્યાં આલિયા ને જરૂરી બ્લડ ગ્રુપનું લોહી ઉપલબ્ધ નહીં હોવાની વાત ગોપાલ સાંભળી જાય છે.

ડોકટર અને રીસેપ્શન કાઉન્ટર પર બેસેલી યુવતી વચ્ચેની ચર્ચા એ ગોપાલ જેવાં બાહોશ ઓફિસર ને પણ હચમચાવી મુક્યો હતો.. આલિયા ને વહેલી તકે સારું થઈ જાય એવી કામના કરતાં ગોપાલ માટે આ બાબત કેટલી કષ્ટદાયી હતી એ તો ફક્ત ગોપાલ જાણતો કે પછી પરમકૃપાળુ પરમાત્મા.

"એબી નેગેટિવ બ્લડગ્રુપ આમ પણ મળવું મુશ્કેલ છે.. ભગવાન કરે ક્યાંકથી આ બ્લડગ્રુપ ધરાવતી વ્યક્તિ મળી જાય.. "ધીરેથી આવું બબડતાં ડોકટર પુનઃ ઈમરજન્સી રૂમ તરફ આગળ વધ્યાં.

હોસ્પિટલનાં શાંત વાતાવરણનાં લીધે ગોપાલનાં કાને ડૉક્ટરનાં ધીરેથી બોલાયેલાં આ શબ્દો અથડાયાં.. આ શબ્દો કાને પડતાં જ ગોપાલ નાં શરીરમાં નવો જોમ પ્રગટ્યું હોય એમ એ ડોકટર ને ઇમરજન્સી રૂમમાં જતાં રોકીને બોલ્યો.

"ડોકટર, તમે કહ્યું આલિયા નું બ્લડગ્રુપ એબી નેગેટિવ છે..? "

"હા ઓફિસર, યુવતીનું બ્લડગ્રુપ એબી નેગેટિવ જ છે.. અને આ બ્લડગ્રુપ નું લોહી હાલ ઉપલબ્ધ નથી. અને જો આ લોહી ની વ્યવસ્થા ના થઈ તો ક્યાંક એવું બને કે આ યુવતી જીવિત ના પણ રહે.. "ડોક્ટરે ચિંતિત વદને ગોપાલ ની તરફ જોઈને કહ્યું.

"ડોકટર, મારું બ્લડગ્રુપ પણ એબી નેગેટિવ જ છે.. "આટલું બોલી રહેલાં ગોપાલ નાં અવાજમાં ગજબનો ઉત્સાહ હતો.

"અરે ખૂબ સરસ.. તો જલ્દી ચલો મારી સાથે અંદર.. હવે વધુ સમય બગાડવામાં ક્યાંક એવું ના બને કે એ યુવતીની હાલત વધુ કફોડી બને.. "ઇમરજન્સી રૂમનો દરવાજો ખોલતાં ડોક્ટરે ગોપાલને ઉદ્દેશીને કહ્યું.

ત્યારબાદ ગોપાલ નાં લોહી ને આલિયાનાં શરીરમાં ચડાવવામાં આવ્યું.. ગોપાલ શારીરિક રીતે મજબૂત હોવાથી જરૂર પ્રમાણે નું લોહી આલિયાનાં શરીર માં ચડાવાયું.. ત્યાં સુધી જે. કે હોસ્પિટલમાંથી પણ એબી નેગેટિવ બ્લડગ્રુપ નું લોહી આવી ગયું હતું.. બે કલાક બાદ ડોક્ટરે ગોપાલ ને જણાવ્યું કે આલિયા હવે સંપૂર્ણપણે ખતરામાંથી બહાર છે.. પણ એને ભાનમાં આવતાં બે-ત્રણ દિવસ તો થઈ જ જશે.

ગોપાલે ડોકટર નો હૃદયનાં અંતઃકરણ પૂર્વક આભાર માન્યો અને પછી રાતભર આલિયાનાં બેડ ની જોડે ખુરશી રાખીને સુઈ ગયો.. સવારે પણ જ્યારે ગોપાલ ને હોસ્પિટલ છોડવાની નોબત આવી ત્યારે એને પોતાનાં સ્ટાફ નાં બે લેડીઝ કોન્સ્ટેબલ ને આલિયા ની દેખરેખ માટે તૈનાત કરી રાખ્યાં હતાં.

આખો દિવસ પોતાની ડ્યુટી વ્યવસ્થિત નિભાવ્યા બાદ ગોપાલ સાંજે તો હોસ્પિટલ આવી પહોંચ્યો.. ત્યાં દિવસભર તૈનાત બંને કોન્સ્ટેબલ બહેનો ને ઘરે જવાની રજા આપી ગોપાલ પાછો ગતરોજ ની માફક આલિયા ની પથારી જોડે જ સુઈ ગયો.

ગોપાલે આલિયા નું જ્યારે એડમિટ ફોર્મ ભર્યું ત્યારે પોતાની ઓળખાણ આલિયાનાં એક મિત્ર તરીકે આપી હતી.. પણ જે રીતે ગોપાલ આલિયા ની કાળજી રાખી રહ્યો હતો, એની સેવાચાકરી કરી રહ્યો હતો એ જોઈ ડોકટર અને ફરજ પરનો અન્ય સ્ટાફ પણ સમજી ચુક્યાં હતાં કે નક્કી ગોપાલ ને આલિયા ની જોડે મિત્ર કરતાં પણ વધારે નજીકનો ઘનિષ્ઠ સંબંધ છે.

***

એક તરફ આલિયા જ્યાં હવે ઇન્સ્પેક્ટર ગોપાલ ની દેખરેખ નીચે સુરક્ષિત હતી ત્યાં બીજી તરફ હનીફ ને પોતે સોંપેલાં કામમાં નિષ્ફળ જવાની વાત સાંભળી અપૂર્વ બઘવાઈ ગયો હતો.. હનીફ બીજાં દિવસે સાંજે અપૂર્વની પર્સનલ કેબિનમાં અપૂર્વનાં કહેવાથી આવ્યો હતો.

"એક સામાન્ય યુવતીને તું મારી ના શક્યો અને પોતાની જાતને મોટી તીસમારખાં સમજે..? "હનીફ ની તરફ જોઈ કટાક્ષ કરતાં અપૂર્વ બોલ્યો.

"હું એને મારવાં જવાનો જ હતો પણ.. "હનીફ આટલું બોલીને અટકી ગયો.

"શું પણ.. બોલ ને.. કહી દે કે હું એ યુવતીની હત્યા કરવાં ગયો પણ એની સુંદરતા જોઈ તારી નિયત બગડી અને તે વિચાર્યું કે આની જોડે થોડી મજા કરી લઉં પછી તો આમેય આનું કામ ઠેકાણે પાડવાનું જ છે.. આ બધામાં એ યુવતી તારી પકડમાંથી નીકળી ને ભાગી ગઈ.. અને જઈને ગોપાલ ઠાકરેની સ્કોર્પિયોને ટકરાઈ.. બરાબર ને..? "અપૂર્વ પ્રશ્નસુચક નજરે હનીફની તરફ જોઈને બોલ્યો.

અપૂર્વ એ જે પણ કહ્યું હતું એમાં રતીભાર પણ ખોટું નહોતું.. અને એજ કારણથી અનાયાસે જ હનીફની ગરદન હકારમાં હલી ગઈ.. જે જોઈ અપૂર્વ હનીફ ની ઉપર તાડુકીને બોલ્યો.

"જો ભાઈ તારાં લેંઘા નું નાડું આમ જ ઠીલું રહેતું હોય તો તું ક્યાંક ચકલે બેસી દલાલી નું કામ કર.. બાકી આ બધું તારાં બસની વાત નથી.. "

"હું કબુલું છું કે મારાં લીધે આલિયા બચી ગઈ.. પણ હું તમે સોંપેલું બીજું કામ કરીને આવ્યો છું.. "હનીફ પોતાની ભૂલ ને સુધારતાં બોલ્યો.

"બીજું કામ..? "અપૂર્વ એ ચમકીને હનીફ ની તરફ જોતાં સવાલ કર્યો.

"આ રહ્યું બીજું કામ.. "આટલું કહી હનીફે પોતાનાં શર્ટ અને લેધર જેકેટની વચ્ચે છુપાવેલાં અપૂર્વ અને અમનનાં ફોટો અને વિઝીટિંગ કાર્ડ અપૂર્વ ને સોંપતા બોલ્યો.

ફોટો અને વિઝીટિંગ કાર્ડ જોઈને અપૂર્વ અગ્નિહોત્રી ને થોડી ઘણી રાહત થઈ હોય એવું એનાં ચહેરા પરથી લાગી રહ્યું હતું. હનીફે આપેલાં ફોટો અને વિઝીટિંગ કાર્ડ પોતાનાં હાથમાં લઈ બારીકાઈથી નિરખતાં અપૂર્વ બોલ્યો.

"ચલ આ એક કામ તો તું સરખું કરીને આવ્યો.. પણ જો એ યુવતી તને ઓળખી ગઈ હશે તો.. તારો ચહેરો તો એને નહોતો જોયો ને..? "ભયમિશ્રિત સ્વરે અપૂર્વ બોલ્યો.

અપૂર્વ નાં આ સવાલ નાં જવાબમાં સઘળું સત્ય કહી જ દેવું જોઈએ એમ વિચારી હનીફ અચકાતાં અચકાતાં બોલ્યો.

"એને મારો ચહેરો તો નહોતો જોયો પણ એ સમજી ચુકી હતી કે એની હત્યા માટે મને ત્યાં મોકલનાર તમે જ હતાં.. "

હનીફ નાં આમ બોલતાં તો અપૂર્વનાં પગ નીચેથી જમીન સરકી ગઈ.. પોલીસ નાં હાથે ચડી જવાનાં ડરનાં કારણે અપૂર્વ રીતસરનો ધ્રુજવા લાગ્યો.

"તો ગેલફાડયા તારે આ વાત મને પહેલાં કરવી જોઈતી હતી ને.. ક્યાંક એ છોકરી ભાનમાં આવી ગઈ અને ઇન્સ્પેક્ટર ગોપાલ ને મારું નામ આપ્યું તો એ ગોપાલ ઠાકરે મને જેલનાં સળિયા પાછળ મોકલ્યાં વગર નહીં માને.. "ગુસ્સેથી હનીફ તરફ જોઈને અપૂર્વ બોલ્યો.

"એ છોકરી ની ઈજા એટલી ગંભીર છે કે એ યુવતી જલ્દીથી ભાનમાં તો નહીં જ આવે.. અને ગોપાલ ઠાકરે જેટલો મોટો ઓફિસર એક છોકરી માટે પોતાનું બીજું કામ પડતું મૂકીને ક્યાં સુધી એની જોડે બેસી રહેવાનો..? "પોતાનો બચાવ કરતાં હનીફ બોલ્યો.

"ચાલ તું કહીશ એ બધું માની લીધું.. છતાં જો એ યુવતી જયારે પણ ભાનમાં આવશે ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે તો જવાની.. કેમકે હવે વાત એની જીંદગી ની છે.. અને જો એવું થયું તો નક્કી હું ભરાઈ જઈશ.. "અપૂર્વ બોલ્યો.

"એવું કંઈ નહીં થાય.. કેમકે એ છોકરી હાલ ક્યાં છે એ મને ખબર છે.. હું આજે રાતે જ એનો ખાત્મો કરી દઈશ.. ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી.. "હનીફ માચીસની સળી વડે પોતાનાં કાન ખોતરતા બેફિકરાઈપૂર્વક બોલ્યો.

હનીફ ની વાત સાંભળી અપૂર્વ થોડો સમય ગહન મનોમંથન કરતો રહ્યો.. થોડું મગજ ઉપર જોર આપ્યાં બાદ અપૂર્વ હનીફ ને ઉદ્દેશીને બોલ્યો.

"હનીફ, તારે કંઈપણ કરવાનું નથી... તું ત્યાં નહીં જાય જ્યાં આલિયા એડમિટ છે.. તું ફક્ત મને એ જણાવ કે આખરે એને ક્યાં એડમિટ કરવામાં આવી છે..? "

"રૂમ નંબર 107, પ્રથમ માળ, સીટી કેર હોસ્પિટલ.. "આલિયા ને જ્યાં એડમિટ કરવામાં આવી હતી એ જગ્યાનું એડ્રેસ જણાવતાં હનીફ બોલ્યો.

"સારું તું જઈ શકે છે.. આલિયા નું શું કરવું એ હું જોઈ લઈશ.. તે તારું કામ પૂરતું કર્યું નથી છતાં દસ લાખ તને આવતીકાલે મળી જશે. "હનીફ ને દરવાજા તરફ ઈશારો કરતાં અપૂર્વ બોલ્યો.

"સારું.. "અપૂર્વ ની તરફ જોઈ સલામ કરી હનીફ ત્યાંથી ચાલતો થયો.. પોતાને મળેલું કામ આમ અધૂરું છોડવું પડતું હોવાનું લીધે હનીફ નાં ચહેરા પર રોષ સ્પષ્ટ જણાતો હતો.

હનીફ છેક ઓફિસનો મુખ્ય દરવાજો વટાવીને ઓફિસમાંથી નીકળી ગયો એની ખરાઈ સીસીટીવી ફૂટેજ પરથી કર્યાં બાદ અપૂર્વ એ પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને એક નંબર ડાયલ કર્યો.. આ એજ સ્ત્રીનો નંબર હતો જેને મળવાં અપૂર્વ ત્રણ-ચાર દિવસ પહેલાં ગયો હતો અને જેનો ફોટો અપૂર્વનાં મોબાઈલનાં વોલપેપર પર પણ હતો.

"હેલ્લો સ્વીટહાર્ટ.. કેમ આમ અચાનક કોલ..? "સામેથી મીઠો મધુરો અવાજ અપૂર્વનાં ફોનમાં સંભળાયો.

પુછાયેલાં સવાલનાં જવાબમાં અપૂર્વએ અત્યાર સુધી જે કંઈપણ બન્યું હતું એ બધું ટૂંકમાં જણાવી દીધું.. અપૂર્વ નો ચિંતિત અવાજ સાંભળીને સામે છેડે વાત કરી રહેલી સ્ત્રી બોલી.

"તો બોલ.. હવે આપણે કરવાનું શું છે..? "

"મારી જોડે એક પ્લાન છે.. જેમાં તારે મારો સાથ આપવો પડશે.. "અપૂર્વ બોલ્યો.

"હવે જીવનભર સાથ આપવાનું નક્કી કરી જ લીધું છે તો તારાં દરેક કામમાં તારો સાથ આપીશ.. "એ સ્ત્રીનાં અવાજમાં રહેલો રણકો સાફ દર્શાવતો હતો કે એ અપૂર્વ ને ખુબજ પ્રેમ કરતી હતી અથવા તો પ્રેમ નું નાટક.

"તો સાંભળ.. "આટલું કહી અપૂર્વ એ પોતાનાં જોડે રહેલાં પ્લાનને કહેવાનું શરૂ કર્યું.. !

★★★

વધુ આવતાં ભાગમાં.

અપૂર્વ નો પ્લાન શું હતો. ? ગોપાલ આલિયા નો બચાવ કરી શકશે..? શું અમન આલિયા ની રિંગ લઈ ગયો હતો..? આલિયા અને અમનની ફરીવાર મુલાકાત શક્ય બનશે..? અમન અને અપૂર્વ વચ્ચે શું સંબંધ હતો. ? આ સવાલોનાં જવાબ માટે વાંચતાં રહો આ સસ્પેન્સ નોવેલનો નવો ભાગ.

આ નોવેલ ગુરુવાર અને રવિવારે પ્રસારિત થાય છે. આ નોવેલ અંગે તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

હવે વાંચકો મને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકે છે.. જ્યાં તમને હિન્દી, ઉર્દુ અને ગુજરાતી સાહિત્યનાં કવિઓ અને શાયરોની કૃતિઓ વાંચવા મળશે.. insta id છે.. jatiin_the_star.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફરઅને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન. આર. પટેલ (શિવાય)

***