સપના અળવીતરાં - ૪૦

સ્યુસાઇડ નોટ!!! 

આંચકો શમે અને આખી નોટ વંચાય એ પહેલાં તો પેલા પારસી વડિલે આદિના હાથમાંથી એ કાગળ ઝૂંટવી લીધો અને ઇમરાન ને ઠપકો આપ્યો.

"આંય સું કરે છ, બાવા? આમ કોઇ પણ ને આવી વસ્ટુ અપાય કે? ટને ખબર નઠી! પોલીસ કેસ થટા વાર નઠી લાગવાની... યુ નો, અટેમ્પ્ટ ટુ સ્યુસાઇડ ઇઝ અ ક્રાઇમ... "
"યસ અંકલ, આઇ નો. બટ આ લોકો અજાણ્યા નથી. મીટ મિ. કેયૂર ખન્ના. અમારી કંપની એમના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. "

બાટલીવાલા એ નાકની દાંડી પર ચશ્મા સરખા ગોઠવી, આંખ સ્હેજ ઝીણી કરી કેયૂર ને પગથી માથા સુધી નીરખ્યો. એ આગળ કંઇ બોલે એ પહેલાં આદિત્ય એ એમના હાથમાંથી ફરી એ કાગળ સરકાવતા જાતેજ પોતાનો પરિચય આપી દીધો. 

"એન્ડ માય સેલ્ફ આદિત્ય... ડૉ. આદિત્ય. હમણાં રાગિણી ના પગનો ઇલાજ મેં જ કર્યો હતો. વી આર ગુડ ફ્રેન્ડ્સ. " 

બાટલીવાલા એ પાછો આદિત્ય નો હાથ મજબૂતાઈથી પકડી લીધો... 

"એ બાવા, ટે મને સમજી શું લીઢો છ, હે? આઇ એમ અલ્સો અ ડોક્ટર. આ સોજ્જી સોજ્જી પોયરીનો ફેમિલી ડોક્ટર. અન્ડરસ્ટેન્ડ? "

કેયૂરે ઈમરાન સામે જોયું એટલે તેણે આંખોથી જ સંમતિ દર્શાવી. હવે કેયૂરે વાત નો દોર પોતાના હાથમાં લઇ લીધો. 

"ધેટ્સ ગ્રેટ. તો ચાલો આપણે રાગિણી ના ઘરે જ જઇએ. ત્યાં જઈને બીજી વાતો કરીએ તો કેમ રહેશે? "

"હા, આંય પોયરો ઠીક બોલીયો. ચાલ બચ્ચા.. "

બાટલીવાલા એ રાગિણી નો હાથ પકડ્યો અને સ્હેજ ખેંચી. રાગિણી પણ કોઇ પણ પ્રકારના વિરોધ વગર પાછળ ચાલવા માંડી. બરાબર પંદર મિનિટ પછી બધા રાગિણી ના ઘરે ડ્રોઇંગ રૂમમાં બેઠા હતા. રાગિણી ને એન્ટી ડીપ્રેશન્ટ દવા આપી બેડરૂમ માં સુવડાવી દીધી હતી. ઈમરાન કિચનમાં જઇ બધા માટે કોફીના મગ લઈ આવ્યો એટલે કોફી પે ચર્ચા શરૂ થઈ. શરૂઆત આદિએ કરી. 

"ઈફ યુ ડોન્ટ માઇન્ડ, હવે હું એ નોટ વાંચી શકું? "

બાટલીવાલા એ જરાક વિચાર કરી એ કાગળ આદિત્ય ના હાથમાં આપ્યો. આદિ ની સાથે સાથે કેયૂરે પણ તેમા નજર જમાવી. 

"હું રાગિણી 
હું હવે થાકી ગઇ છું... હારી ગઇ છું... કુદરતના આ સંકેતો મારી મર્યાદિત સમજ વડે હું નથી સમજી શકતી. બધું જાણું છું... છતાં કંઇ જ નથી જાણતી. અને જાણવા છતાં નિવારી નથી શકતી. મોમ - ડેડ ને ખોયા. હવે સમીરા પણ... !!! અને હવેતો મારા પગનો દુખાવો પણ મટી ગયો છે. શું મારૂ એ સપનુ સાચું પડશે? ખરેખર? જો એ સપનુ પણ સાચું પડ્યું તો... નહિ જીરવાય... નહિ જીવાય... 
હું જાઉં છું... દરિયાદેવ... હવે તમારો જ સહારો.... "

નીચે રાગિણી ની સહી હતી, પણ એના પર કદાચ આંસુ  ટપક્યું હશે, જેમાં એ રેલાઇ ગઇ હતી. આદિના હાથમાં રહેલો કાગળ ખેંચી કેયૂર ફરી એકવાર આખી નોટ વાંચી ગયો અને પછી નિરાશામાં માથું ધુણાવ્યું. 

"આ છોકરી... આવી અમથી વાતમાં આટલી સિરીયસ થઇ ગઇ! સપના તો કેટલાય આવે ને જાય. એમાં કંઈ સ્યુસાઇડ કરવા દોડાતું હશે? થઇ શું ગયું છે આજકાલ ની છોકરીઓ ને? સમીરા પણ એક સપના પર ભરોસો કરી જતી રહી અહીંથી દૂર! ક્યા ગઇ, ક્યારે આવશે, નવું એડ્રેસ, કોન્ટેક્ટ નંબર... કશુંજ નહિ. બસ ગાયબ! અને આ... "

આદિત્ય કેયૂર નો બરડો થપથપાવી તેને શાંત પાડવાની કોશિશ કરી રહ્યો હતો તો સામે બાટલીવાલા ઝીણી આંખે કેયૂર નો આ ધૂંધવાટ જોઈ રહ્યા. હવે ઇમરાને માહિતી આપવાનું શરૂ કર્યું. 

"વેલ, બે દિવસથી રાગિણી પાછી ઓફિસે આવતી હતી, પણ બહુ જ ડિસ્ટર્બ્ડ લાગતી હતી. આજે તેણે વગર કીધે રજા પાડી એટલે મને તેની તબિયત ની ચિંતા થઇ. ઓફિસનું કામ નિપટાવીને હું તેને મળવા આવ્યો તો તે ઘરે નહોતી. વળી મેઇનગેટ પણ લોક નહોતો. દરવાજો ખાલી અટકાવેલો હતો. મેં અંદર આવી બૂમ પાડી! પણ કોઇ જવાબ ન મળ્યો. આખા ઘરમાં શોધી વળ્યો. આ જ સેન્ટર ટેબલ પર ફ્લાવર વાઝ નીચે આ નોટ દબાવીને રાખી હતી.  હું ગભરાઈ ગયો અને મેં ફટાફટ બાટલીવાલા અંકલને ફોન કર્યો. અંકલ આવ્યા એટલે તરત અમે તેને શોધવા નીકળ્યા. આગળ તો તમે જાણો જ છો. " 

"શું લાગે છે, અંકલ? આ સપનાવાળી વાતમાં કેટલું તથ્ય?"

"જો બાવા, આંય વાટ ટો મને પણ નઠી ખબર... પન, ટે પેલ્લેઠી ઠોડા ઠોડા ડાડે ડિસ્ટર્બ ઠેયા કરટી છે. છેલ્લે ઓફિસમાં બેહોસ ઠેયલી ત્તારે જ મેં આ પોયરાને કીઢલું... કુછ ટો લોચા હૈ... "

બાટલીવાલા એ ઈમરાન સામે ઈશારો કરતા કહ્યું. હવે ફરી બંનેની નજર ઇમરાન પર સ્થિર થઈ. 

"એક્ચ્યુઅલી, ફેશન શો ની સક્સેસ પછી કે. કે. સર સાથે વિડિયો કોન્ફરન્સ પર વાત કરી હતી, ત્યાર પછી રાગિણી અચાનક બહુજ ડિસ્ટર્બ્ડ થઇ ગઇ હતી. ઓફિસમાં આવ્યા પછી તે પોતાની કેબિનમાં જતી રહી હતી. અને સમીરા ત્યા ગઈ તો એકદમ વિચિત્ર વર્તન કરવા માંડી... અને પછી અચાનક બેહોશ થઇ ગઇ. ત્યારે પણ બાટલીવાલા અંકલને ઇમરજન્સી માં દોડાવ્યા હતા. રાગિણી હોંશમા આવી એટલે હું અંકલને મૂકવા પર્કિંગ સુધી ગયો હતો. ત્યારે જ અંકલે આ શંકા દર્શાવી હતી. "

"હંમ્ મ્... "

બંનેના ચહેરા એકદમ ગંભીર હતા. આગળ શું બોલવું તે સમજાતું નહોતું. બરાબર એ જ સમયે સામેની બારીમાંથી નજર જમાવીને બેઠેલા બોબી જાસૂસે રૂ નું પૂમડું વીક્સ વાળું કરી જમણા કાનમાં ભેરવ્યું અને ડાબા કાને બ્લ્ય ટૂથ ઓન કરી મોબાઈલ માં એક નંબર ડાયલ કર્યો. 

"હેલો, ઇટ્સ મી. તે સહી સલામત છે. ચિંતાની જરૂર નથી. અત્યારે એકસાથે બે ડોક્ટરો તેની સેવામાં હાજર છે. નો નીડ ટુ વરી એટ ઓલ. "

"ચાલો, સારુ થયું. "

સામે છેડેથી દાદાનો અવાજ ગૂંજી ઉઠ્યો. 

"એ મારો શિકાર છે, આ દાદાનો... એની જિંદગી અને મોત બંને મારા હાથમાં છે... માત્ર મારા હાથમાં... બીજા કોઈના નહિ... એના પોતાના હાથમાં પણ નહિ! " 

ચીપી ચીપીને બોલાઇ રહેલા એ શબ્દો કોલ કટ કર્યા પછી પણ ક્યાંય સુધી બોબી ના કાનમાં પડઘાતા રહ્યા. તે સમજી જ નહોતો શકતો કે અંધારી આલમનો આટલો મોટો ડોન... એને વળી આ કુમળી કળી જેવી છોકરી સાથે કઈ વાતની દુશ્મની હતી? અને દુશ્મની હતી જ, તો તેને સ્યુસાઇડ કરતા શું કામ રોકી? શા માટે તેને દોડાવ્યો રાગિણી પાછળ? એ પણ એવા ઓર્ડર સાથે કે તેને કંઇ થવું ન જોઇએ! શી શુડ બી સેફ! 

રાગિણી ને બચાવવા જતા નાકમાં ઘુસી ગયેલું દરિયાનું પાણી અને કાનમાં ખોસેલા વીક્સના પૂમડાં ની સહિયારી અસર તથા વિચારોની આ કશ્મકશમાં તેનું મગજ ફરવા માંડ્યું. તેણે સિગારેટ સળગાવી એક ઊંડો કસ લીધો અને ફરી દૂરબીન સામે ગોઠવાઈ ગયો. 

બોબીનો કોલ કટ થતાં દાદાની ચહલકદમી અટકી ગઇ. મોબાઇલ નો હળવેથી સોફા પર ઘા કરીને બૂમ પાડી. 

"વીકી.... "

મોબાઈલ માં પબજી રમી રહેલા વીકીએ ખાલી મોબાઇલ સ્હેજ નમાવી, ડોકી સાઈડ પર ફેરવી પ્રશ્નાર્થ નજરે દાદા સામે જોયું. દાદાના ચહેરા પર ઉચાટ સ્પષ્ટ દેખાતો હતો. દાદાની હાથ મસળવાની રીત જોઈ તેણે મોબાઈલ સાઇડ પર મૂકી બંને હાથ માથા પાછળ ટેકવ્યા અને એ જ સ્થિતિ માં શરીર સ્હેજ ખેંચી આળસ ખંખેરી. તેને એમજ બેસી રહેલો જોઈ દાદાએ પણ તેની બાજુમાં બેઠક જમાવી અને તેના ગોઠણ પર હાથ થપથપાવી કહ્યું, 

"આપણે હવે ઉતાવળ કરવી પડશે. આ છોકરી... રાગિણી... એનો કોઇ ભરોસો નથી. આપણા પ્લાન નો બધો દારોમદાર એ છોકરી પર જ છે. જો એ આજે સ્યુસાઇડ કરવામાં સફળ થઇ ગઇ હોત તો... "

આ આખી વાતમાં વીકીનું બેફિકરું વર્તન દાદાને અકળાવી રહ્યું... 


***

Rate & Review

Verified icon

Kinjal Barfiwala 4 months ago

Verified icon

Anisha Patel 5 months ago

Verified icon

Nidhi Sheth 5 months ago

Verified icon

Deepali Trivedi 5 months ago

Verified icon

Nasim Wadhwania 5 months ago