Chitkar - 3 books and stories free download online pdf in Gujarati

ચિત્કાર - ૩

ચિત્કાર ભાગ -3
જ્યોર્જ હેરિસ પણ એક ગુલામ હતો. તેનો પિતા અંગ્રેજ હતો અને માતા હબસી ગુલામ સ્ત્રી હતી.તેનો અંગ્રેજ પિતા મરણ પામતા તેની મિલકત ની સાથે જ્યોર્જ અને તેની માતાને તથા તેના ભાઈ-બહેનને વેચી દેવામાં આવ્યા હતા. જ્યોર્જ નો નવો માલિક ખૂબ જ નિર્દય હતો. તે એને ખૂબ જ ત્રાસ આપતો હતો. ઇલીજા પણ અંગ્રેજ પિતા અને ગુલામ માતાને પેટે જન્મી હતી.ગોરા વેપારીઓ સુંદર ગુલામડી ઓ ને થતા બાળકોને મોંઘી કિંમતે વેચી નાખતા.એના કારણે પૈસા ના લીધે તેઓ એવી સ્ત્રીઓ પર ખૂબ જ અત્યાચાર વાર્તાવતા. તેઓ તેમનો જેટલું કસ કાઢી શકાય તેટલો કાઢવા મથતા. તેથી સુંદર ગુલામડિયો ને માટે પોતાના શિયળ નું રક્ષણ કરવું એ લગભગ અશક્ય જેવું જ હતું. એ બાપડીને પોતાની નિરાધાર દશાને કારણે શેઠની પસુતા ને વશ થઈ જવું પડતું. ગોરા વેપારીઓ પણ એવી સુંદર ગુલામડી ઓ ની પજવણી કરવામાં પાછી પાની કરતા નહીં. રડતી કકડતી માતાઓની ગોદમાંથી બાળકો ને ઝૂંટવી લેતાં તેમને કદી દયા આવતી નહીં.!
પરંતુ કેટલાય શેઠ દયાળુ પણ હતા. એ રીતે સદભાગ્યે ઇલીજા આવા ત્રાસમાંથી બચી ગઇ હતી. તેના શેઠ-શેઠાણી બહુ ભલા હતા. તેઓ તેને પોતાની પુત્રી સમાન જ ગણતા હતા. તેમણે ઇલીજા ને ધર્મનું જ્ઞાન પણ આપ્યું હતું. નહિતર તો સામાન્ય રીતે ગોરા શેઠ તેમજ વેપારીઓ એમ જ માનતા કે, ગુલામોને વળી ધર્મ શો, નીતિ શી, ચારિત્ર શું!
ઇલીજાના શેઠ-શેઠાણીએ તેના લગ્ન પણ જ્યોર્જ હેરિસન જેવા સદગુણી તેમજ બુદ્ધિશાળી ગુલામની સાથે કર્યા હતા. આમ તો જ્યોર્જને પોતે ગુલામ હોવાને કારણે રીવાજ મુજબ પોતાના શેઠને ત્યાં જ રહેવું પડતું હતું છતાં તે અવારનવાર ઇલીજા ને મળવા આવી શકતો હતો ખરો.
જ્યોર્જ બોલ્યો: “ઇલીજા , તને મારા દુઃખની વાત શું કહું? હવે મારાથી ત્રાસ નથી સહન થતો! તને ખબર તો છે જ કે મારા શેઠે મને વિલ્સન સાહેબ ના કારખાનામાં નોકર તરીકે રાખ્યો હતો. ત્યાં હું બહુ જ સારી રીતે કામ કરતો હતો.તેથી રાજી થઈને વિલ્સન સાહેબે મને કારખાનો મેનેજર બનાવ્યો . પરંતુ મારા જેવા ગુલામને આવું માન મળતું જોઈને મારા સેઠને એ ગમ્યું નહીં.તેથી તેણે મને ત્યાંથી છૂટો કરી દીધો અને માટી ખોદવા ના કારખાનામાં હવે મને નાખ્યો છે! હવે તું જ કહે, આવો અત્યાચાર મારે ક્યાં સુધી સહન કરવો? વિલ્સન સાહેબ ના કારખાના માં મને જે પગાર મળતો હતો તે મારા શેઠના હાથમાં જ જતો હતો. એ રીતે તેને ફાયદો જ હતો. પરંતુ ગુલામ ની ચડતી દશા શેઠ સી રીતે સાંખી શકે? ખરેખર, એ લોકો આપણને પશુની દશામાં જ રાખવા ઈચ્છે છે. આવું આપણે ક્યાં સુધી સહન કર્યા જવું?”
ઇલીજા ગળગળી થઈ જઈને બોલી:” તમારી વાત સાંભળીને મારો જીવ ગભરાય છે! તમે દુઃખમાં ને દુઃખમાં તમારા જીવને હાનિ થાય એવું કરી નહીં બેસતા , હાં. કે ?
તમે નહિ હો તો મારું અને આપણા જીમનું શું થશે? મારા વહાલા નાથ, તમારા સિવાય અમારું કોઈ જ નથી; સમજ્યા કે?”
જ્યોર્જ- “ તમારા બંનેનો વિચાર કરીને જ મેં આજ લગી બધું સહન કર્યું છે. પણ શેઠ મને હેરાન કરવા માટે મારી પાછળ હાથ-પગ ધોઈને પડ્યો છે.આજે સવારે જ તેનો નાનો છોકરો ઘોડાને ચાબુકે ને ચાબુકે ખાલી પીલી ફટકારતો હતો. મેં તેને બાપડા પ્રાણીને નમારવા સમજાવ્યો. એટલે તેણે મને લાત મારી અને શેઠ પાસે લઈ જઈને કહેવા લાગ્યો કે,'જ્યોર્જે મારું અપમાન કર્યું.' શેઠે એ સાંભળીને મને ઝાડ ની સાથે બાંધ્યો અને છોકરા ને કહ્યું:' તારાથી મરાય ત્યાં સુધી હરામખોર ને ફટકાર.'એટલે તે છોકરાએ ચાબુકથી મને ખૂબ માર્યો! જો, મારી પીઠ પર તેના સોળ હજીયે છે. ઇલીજા, તારા શેઠાણીતો ભલા છે. એટલે ગુલામોની કેવી બેહાલ દશા થાય છે એનો તને ક્યાંથી ક્યાં ખ્યાલ આવે !”
ઇલીજા પોતાના પતિના દુઃખની વાત સાંભળીને રડી પડી. તે બોલી : “ તો હવે તમે શું કરવા ઇચ્છો છો? હું તો તમને એમ વિનવું છું કે, અમારે ખાતર થોડા વખત સહન કરી લો. પ્રભુ ગરીબોનો બેલી છે. એ આપણું દુઃખ જરૂર દૂર કરશે”
જ્યોર્જ –“ ઇલીજા, હજી તે મારા દુષ્ટ શેઠની વાત પૂરેપૂરી સાંભળી નથી. તે મને કહે છે કે,'હવે તારે તારી સ્ત્રીને મળવા કદી જવું નહીં.' અને તે મને તેના ઘરની એક ગુલામ સ્ત્રી સાથે લગ્ન કરવા દબાણ કરે છે! જો હું એમ ન કરું તો દક્ષિણ તરફના કોઈ ક્રૂર વેપારીને વેચી દેવાની મને ધમકી આપે છે. હવે તું જ કહે, મારાથી તને શી રીતે તજી દેવાય?”
ઇલીજા-“પણ તમારી સાથે બીજી સ્ત્રીને કેમ પરણાવી શકે? મારા શેઠશેઠાણીએ ખ્રિસ્તી ધર્મ પ્રમાણે આપણા લગ્ન કરી આપ્યા છે.”
જ્યોર્જ દુઃખભર્યું હસીને બોલ્યો : “ અરે ઇલીજા , તું તો સાવ ભોળી છે ! આ દેશના કાયદા અનુસાર ગુલામોને ધર્મ પ્રમાણે લગ્ન કરવાનો અધિકાર જ નથી. તારા અને મારા માલિકની મરજી હોય ત્યાં સુધી જ આપણે સાથે રહી શકીએ. જો તારા માલિકને કોઈ બીજાની સાથે તારા લગ્ન કરાવવાની ઈચ્છા થાય તો તે ખુશીથી કરી શકે છે. અરે, તેની મરજી થાય તો આપણા વહાલા જીમ ને પણ તે આપણાથી ઝુંટવી લઇ શકે છે.!”
આ સાંભળીને ઇલીજા ધ્રુજી ઉઠી. સવારે પોતાના શેઠ અને ગુલામો ના પેલા વેપારી સાથે થયેલી વાતચીત તેને એકદમ યાદ આવી ગઈ . પણ તેણે જ્યોર્જને વધારે ચિંતા થશે એમ માનીને એ વાત મનમાં ને મનમાં દબાવી દીધી. તે આંખમાં આવેલા આંસુ લૂછી નાખી નીચું મોં કરી બેસી રહી .
થોડીવાર શાંત બેઠા પછી જ્યોર્જે કહ્યુ :” ઇલીજા, આ બધા દુઃખમાંથી બચવાનો મેં રસ્તો શોધી કાઢ્યો છે. હું કેનેડા નાસી જવા માગું છું. ત્યાં ગુલામી પ્રથા નથી. ત્યાં ગયા પછી હું તને અને જીમને તારા શેઠ પાસેથી ખરીદી લઈશ. એ માટે હું તારી પાસે રજા લેવા આવ્યો છું.”

********