Devil Return-1.0 - 15 books and stories free download online pdf in Gujarati

ડેવિલ રિટર્ન-1.0 - 15

ડેવિલ રિટર્ન-1.0

(15)

રાધાનગરમાં થયેલી કરપીણ હત્યાઓને અંજામ આપનારો વહેલી તકે પકડાઈ જાય એ માટે અર્જુન આખાં શહેરમાં સખત પોલીસ બંદોબસ્ત ગોઠવે છે. દરિયામાંથી આવેલાં ભાઈ બહેનો એ પોલીસદળ પર હુમલો કરી દીધો..જેમાં મોહનકાકા અવસાન પામ્યાં.આ ઘટનાઓનો ઉકેલ શોધવા અર્જુન જઈને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ હેડ શેખ ને મળે છે..જ્યાં શેખ અર્જુનને એ લોકોનો યુવી કિરણો થકી નાશ થશે એમ જણાવે છે.

પુરા માન-સમ્માન સાથે મોહનકાકા ની અંતિમક્રિયા પૂર્ણ કરી અર્જુન અને બાકીનો પોલીસ સ્ટાફ જ્યારે પોલીસ સ્ટેશન આવ્યો ત્યારે દરેકનાં મનમાં મોહનકાકા જેવાં ભલા માણસ ને ખોવાનું દુઃખ હતું..આ દુઃખની સાથે દરેક પોલીસકર્મી ની અંદર મોહનકાકા નાં હત્યારાઓ માટે અપાર ગુસ્સો પણ રહેલો હતો.

અર્જુને અબ્દુલ ને ફોરેન્સિક લેબમાં જઈને શેખ જોડેથી યુવી લાઈટ લઈ આવવાનું પહેલેથી કહી રાખ્યું હતું..એટલે સાંજે સાડા ચાર આજુબાજુ તો અબ્દુલ પણ શેખની જોડેથી સાત યુવી લાઈટ લઈને પોલીસસ્ટેશનમાં આવી પહોંચ્યો હતો..અશોકની જોડે ગઈકાલે રાતે તૈનાત બે કોન્સ્ટેબલો ને કમરમાં ઈજા થઈ હોવાથી અર્જુને એ બંને ને સારું ના થઇ જાય ત્યાં સુધી રજા આપી હતી..પણ એ બંને કોન્સ્ટેબલો એ રજા લેવાનો ઈન્કાર કરી દીધો..એમનું કહેવું હતું કે આવું કરવાથી મોહનકાકા ની આત્મા દુઃખી થશે.

એ બંને કોન્સ્ટેબલો ની આ વિચારધારા એ અન્ય પોલીસકર્મીઓ ને પણ જોશમાં લાવી દીધાં.. સાંજ નાં પાંચ વાગવા આવ્યાં હતાં અને બદલાયેલાં વાતાવરણનાં લીધે પાંચ વાગે તો અંધારું પણ ધીરે-ધીરે વધવા લાગ્યું હતું..અર્જુને પોતાનાં સ્ટાફનાં દરેક અધિકારીને કોનફરન્સ હોલમાં હાજર થવા કહ્યું..જેનાં પરિણામ સ્વરૂપ રાધાનગર નો સમગ્ર પોલીસ સ્ટાફ કોનફરન્સ હોલમાં હતો..જ્યાં અર્જુન એ લોકોને આગળ શું કરવું એની રૂપરેખા આપી રહ્યો હતો.

"સૌપ્રથમ બધાં પોતપોતાની જગ્યાએ ઉભાં થઈને મોહનકાકા ની દિવંગત આત્માને શાંતિ મળે એ માટે મૌન પાળશે.. પછી આગળ ચર્ચા કરીએ.."પોતનાં સ્ટાફનાં દરેક સદસ્ય માટે પોતાનાં હૃદયમાં રહેલું માન-સમ્માન અર્જુનનાં દરેક શબ્દમાં સમજાતું હતું.

અર્જુનનાં આમ બોલતાં જ રાધાનગર પોલીસ સ્ટેશનનો દરેક અધિકારી પોતાની જગ્યાએ ઉભો થઈ ગયો..અને જ્યાં સુધી અર્જુને "ૐ શાંતિ..શાંતિ..શાંતિ" ના કહ્યું ત્યાં સુધી મૌન ની સ્થિતિ જાળવી પોતાનાં સ્ટાફનાં સૌથી વધુ ઉંમરલાયક વ્યક્તિની તરફ પોતાની લાગણી દર્શાવી.

અર્જુને હાથનાં ઈશારાથી બધાં ને સ્થાન ગ્રહણ કરવાનું સૂચન કર્યું અને પછી પોતાની વાત આગળ વધારતાં કહ્યું.

"મોહનકાકા ની મોત નું મને ઘણું દુઃખ છે..અને એમનાં પરિવાર માટે ઘણી સહાનુભૂતિ પણ..કાલે રાતે પોતાનાં સાથી અધિકારીઓ ની જિંદગી માટે મોત ને ભેટનારા એ વડીલ માટે મારાં દિલમાં હમેશાં માન રહેશે."

"કાલે જે પોલીસકર્મીઓ ઉપર હુમલો થયો એમનું કહેવું છે કે હુમલાખોરો કોઈ સામાન્ય મનુષ્ય નહોતાં..પણ મનુષ્ય નાં વેશમાં શૈતાન હતાં.. એમની જોડે ગજબની શક્તિઓ હતી જેનાં લીધે સીધી રીતે એમનો મુકાબલો કરવો અશકય છે..એ લોકો જોડે આપણાથી વધુ ગતિ અને સ્ફૂર્તિ છે..સાથે-સાથે એ લોકોનાં શરીર ની બનાવટ એવી છે કે ગોળી નો ઘા પણ અમુક મિનિટોમાં જ રૂઝાઈ જાય છે..આ પાછળ નું કારણ એમની શારીરિક બનાવટ છે જે વિશે મને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ હેડ યાસીર શેખ જોડેથી જાણવા મળ્યું.."

"મોહનકાકા અને અત્યારસુધી જેટલાં પણ લોકોની આ લોકો દ્વારા હત્યાઓ થઈ એ બધાની ગરદન ઉપર દાંતનાં નિશાન હોવાનું તમે જોયું હશે..આ નિશાનની અંદર નાં ભાગમાં જેને પણ ત્યાં દાંત ગડાવ્યાં હતાં એ બધાં ની લાળ નાં અંશ મળી આવ્યાં છે અને એ લાળમાં હતાં એ લોકોનાં શરીરની રચનાનાં પાયાનાં અંગ એટલે કે કોષ કે પછી સેલ.."

અર્જુન આ જણાવી રહ્યો હતો ત્યારે આ બધું જાણવાની જિજ્ઞાસા દરેક પોલીસ કર્મચારી એ હદે હતી કે કોઈ એક હરફ પણ ઉચ્ચાર્યા વગર અર્જુન જે કંઈપણ બોલી રહ્યો હતો એ ધ્યાનથી સાંભળી રહ્યાં હતાં..આશરે પચાસેક લોકોથી ભરેલો કોનફરન્સ હોલ જાણે કોઈની શોકસભા હોય એમ શાંત હતો..અર્જુને વાત ને આગળ વધારતાં કહ્યું.

"દરેક સજીવની માળખાગત રચનામાં આ સેલ જ હોય છે..પણ દરેક સજીવમાં રહેલાં આ સેલ એમનાં શરીરથી અલગ થયાં બાદ ઓક્સિજન ની ઉણપ કે કોઈ અન્ય કારણોસર થોડી મિનિટો કે પછી માંડ ત્રણ-ચાર કલાકમાં નાશ પામે છે..પણ આ હુમલાખોરો નાં સેલ ની રચના વિજ્ઞાનને પણ પડકાર આપનારી છે..એમનાં સેલ સામાન્ય સેલની માફક વિઘટન તો પામે છે પણ એની જાતે જ પુનઃ સંયોજિત થઈને પોતાનું જીવન ટકાવવામાં સફળ થાય છે..અને આજ કારણ હતું એ લોકોનાં ઘા રૂઝાવાનું.."

અર્જુને જે કંઈપણ કહ્યું એ ત્યાં હાજર ઘણાં ખરાં પોલીસકર્મીઓ માટે સમજવું અઘરું હતું..આમ છતાં એ લોકોને પણ અંદાજો આવી ગયો હતો કે અર્જુન જે કંઈપણ કહી રહ્યો હતો એ કોઈ નાની સુની વાત નથી.

"તો પછી સાહેબ..એ લોકો સામે આપણે કઈ રીતે ટક્કર લઈશું..? "નાયક ચિંતિત સ્વરે અર્જુનની તરફ જોઈને બોલ્યો.

"આવું જ ચાલતું રહ્યું તો આપણાંમાંથી ઘણાં કર્મચારીઓની દશા પણ મોહનકાકા જેવી જ થઈ જશે.."અશોકે પણ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

"સાહેબ..આ લોકોને રોકવાનો કોઈ તો ઉપાય હશે ને..નહીં તો એવું બનશે કે રાધાનગરનાં સ્મશાન માં એકદિવસ લાકડાં ખૂટી જશે.."વાઘેલા બોલ્યો.

નાયક, અશોક અને વાઘેલાનાં આમ બોલતાં જ કોનફરન્સ હોલનું વાતાવરણ ગરમાયું.. દરેક પોલીસકર્મી ને રાધાનગરનાં લોકોની સાથે પોતપોતાની જિંદગીની પણ ચિંતા થવા લાગી.

'ચૂપ...એકદમ ચૂપ થઈ જાઓ બધાં.."અર્જુને ઊંચા સાદે બધાં અધિકારીઓ ને શાંતિ રાખવા કહ્યું એ સાથે જ હોલમાં પુનઃ શાંતિ પ્રસરી ગઈ.

"ઓફિસર..મને ખબર છે કે તમારાં દરેકનો પરિવાર છે અને પોતાનાં માટે નહીં પણ પરિવાર માટે જીવવાની દરેકની ઈચ્છા હોય..માટે આપ સૌ ની ચિંતા વ્યાજબી છે."એ લોકોનાં શાંત થતાં જ અર્જુન પોતાની વાત રાખતાં બોલ્યો.

અર્જુનની આ વાત સાંભળી દરેક અધિકારી અર્જુન આગળ શું કહેશે એ સાંભળવા પોતાનાં કાન સરવા કરીને અદબભેર બેસી ગયો.

"તમે સાંભળ્યું હશે કે નામ એનો નાશ..તો પછી એ લોકોનો નાશ પણ શક્ય છે..અને એને શક્ય બનાવશે આ યુવી લાઈટ.."પોતાની પાછળ સ્ટેજની ઉપર પડેલી લાઈટ તરફ આંગળી કરી અર્જુન બોલ્યો.

"યુવી લાઈટ..? "અર્જુનની વાત પૂર્ણ થતાં દરેકનાં મોંઢે આ પ્રશ્ન હતો.

"હા..યુવી લાઈટ..સૂર્યપ્રકાશની અંદર પણ વિવિધ ફ્રિકવન્સી નાં કિરણો હોય છે..જેમકે ક્ષ કિરણો, ગામા કિરણો, માઇક્રોવેવ તરંગો..એમજ સૂર્યમાંથી પારજાંબલી કિરણો પણ નીકળે છે..જેને અલ્ટ્રાવાયોલેટ રે કે પછી યુવી કિરણો પણ કહે છે..શેખે લેબમાં એ લોકોનાં સેલની ઉપર એક્સપરિમેન્ટ દ્વારા એ નોંધ્યું કે આ યુવી લાઈટમાંથી નીકળતાં કિરણો એ લોકોનાં શક્તિશાળી સેલને પળમાં નાશ કરી શકે છે.."

અર્જુનનાં આમ બોલતાં જ દરેક પોલીસકર્મી નાં ચહેરા પર ઉમંગ અને ઉત્સાહનું મોજું ફરી વળ્યું..એક નવી જ ઉર્જાનો સંચાર એ લોકો મહીં હાલપુરતો જોવા મળી રહ્યો હતો.

"તો પછી આ લાઈટ નો ઉપયોગ કરી એ હત્યારાઓને ઠેકાણે પાડી શકાશે.."ઉત્સાહમાં આવી જાની બોલ્યો.

"હા, જાની ભાઈ..આ લાઈટ નો ઉપયોગ કરી આ બધી હત્યાઓ પાછળ જવાબદાર લોકોની સામે સીધી ટક્કર લઈ શકાશે અને એમનો ખાત્મો પણ કરી શકાશે..પણ એ માટે એક નક્કર આયોજન કરવું પડશે.."અર્જુન જાની ની વાતનો પ્રત્યુત્તર આપતાં બોલ્યો.

"એ વાત તો છે કે નક્કર આયોજન વગર એ લોકોની સામે પડવામાં જાનનું જોખમ તો છે જ.."અર્જુનની વાત સાથે સહમતી દર્શાવતાં વાઘેલા બોલ્યો.

"અને હવે હું તમારામાંથી કોઈને પણ કંઈપણ થઈ જાય એવું નથી ઈચ્છતો..તો હવે હું જે કંઈપણ કહું એ ધ્યાનથી સાંભળો..આપણે એ મુજબ જ આજે રાતે જાળ બિછાવીશું..અને એમાં એ લોકોને ભરાવી દઈશું.."અર્જુનનાં આમ બોલતાં જ હોલમાં મોજુદ દરેક પોલીસ કર્મચારી અર્જુન કઈ રીતે એ રક્ત પીનારાં લોકોનો સામનો કરવાની વાત કરી રહ્યો હતો એ ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યો.

આ સાથે જ અર્જુને યુવી લાઈટ નો ઉપયોગ કરી કઈ રીતે એ રક્તપિશાચો નો ખાત્મો કરવો એ વિશે જણાવવાનું શરૂ કર્યું.

****

અર્જુનની યોજના બાદ દરેક પોલીસકર્મી પોતપોતાની ડ્યુટીમાં ગોઠવાઈ ગયો હતો..રાત અને ઠંડીનું જોર તો સાંજના સાત વાગતાં ની સાથે વધી જતું હતું..અને એમાંપણ રાત જેમ-જેમ આગળ વધે જતી એમ-એમ અંધકાર ની સાથે તીવ્ર ઠંડા પવન અને ધૂમમ્સ બહાર ખુલ્લામાં રહેવું દુષ્કર બનાવવાં આવી પહોંચતાં.

રાતનાં લગભગ બાર વાગી ગયાં હતાં..ચંદ્ર પણ વાદળોની પાછળ સંતાકુકડી ની રમત રમતો હતો..એટલે તીવ્ર અંધકાર માં ક્યારેક થોડી મિનિટ માટે ચંદ્ર ની રોશની થોડો અજવાશ પ્રસરાવતી હતી..અને પુનઃ પૂર્વવત અંધારું પથરાઈ જતું.

રાધાનગરને અડીને આવેલાં દરિયામાં અચાનક કંઈક હલચલ થઈ અને એક સ્ત્રી આકૃતિ દરિયાનાં પાણી પર ચાલીને દરિયાકિનારે આવતી દેખાઈ..અંધકારમાં એનો ચહેરો સ્પષ્ટ નહોતો દેખાઈ રહ્યો..પણ જેવી એ દરિયાકિનારે આવી એ સાથે જ ચંદ્ર વાદળો પાછળથી થોડાં સમય માટે બહાર ડોકાયો.. આ સાથે જ ચંદ્ર ની રોશનીમાં એ સ્ત્રી આકૃતિ નો ચહેરો દેખાયો..એ ટ્રીસા હતી.

ટ્રીસા નાં ચહેરા પરથી એવું લાગી રહ્યું હતું કે કોઈ કારણોસર એ થોડી ગુસ્સામાં હતી..કંઈક તો એવું થયું હતું જેનાં લીધે એનાં ચહેરા પર અણગમા નાં ભાવ સાફ-સાફ દેખાઈ રહ્યાં હતાં.

"એ બધાં મારાથી મોટાં છે એટલે શું થઈ ગયું..એ લોકો કહેશે એમ મારે થોડું કરવાનું હોય..? ..દરેક વખતે મને કોઈને કોઈ કારણથી ટોકવાની આદત પડી ગઈ છે ઈવ ને તો..એમાં પણ ડેઈઝી પણ એનો જ સાથ આપે..ભાઈ પણ કંઈ ના બોલ્યાં..આવું થોડું ચાલતું હશે..? "ટ્રીસા રાધાનગર તરફ આગળ વધતાં એકલી એકલી બોલી રહી હતી.

"આજે તો હું સાબિત કરીને જ રહીશ કે હવે હું નાની નથી રહી..હું એકલી પણ શિકાર કરી શકું છું એ પુરવાર ના કરું તો મારું નામ ટ્રીસા નહીં.."ક્રોધાવેશ આમ બોલી ટ્રીસા રાધાનગર શહેરની તરફ ચાલી નીકળી..ચંદ્ર પણ પાછો વાદળ પાછળ સંતાઈ ગયો અને એ સાથે જ ટ્રીસા અંધકારની ચાદર ઓઢી અદ્રશ્ય થઈ ગઈ.

★★★

વધુ આવતાં અંકમાં.

ટ્રીસા સાથે શું થયું હતું..એ કેમ આટલી ગુસ્સામાં હતી..? આ વળી ઈવ કોણ હતી..? ટ્રીસા અને અર્જુન આમને-સામને આવશે ત્યારે શું થશે..? શેખ જોડેથી માહિતી મુજબ યુવી લાઈટનો ઉપયોગ કરી અર્જુન એ શક્તિશાળી લોકોનો સામનો કરી શકશે..? એ લોકોનો મોટાભાઈ ક્રિસ કોણ હતો..? અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન.આર.પટેલ (શિવાય)