Devil Return-1.0 - 23 books and stories free download online pdf in Gujarati

ડેવિલ રિટર્ન-1.0 - 23

ડેવિલ રિટર્ન-1.0

(23)

ફાધર વિલિયમ અર્જુનને ધ વેમ્પાયર ફેમિલી વિશેની દંતકથા સંભળાવે છે..મિયારા રાજ્યમાં રાજા નિકોલસ અને એનાં દીકરા જિયાન નું ક્રૂર શાસન હોય છે..જિયાન નાં અત્યાચારો ને નાથન નામનો એક વ્યક્તિ પડકારે છે..જિયાનને નાથનની બહેન રેહાના પસંદ આવે છે..પોતાનાં દીકરા માટે રેહાના નો હાથ માંગવા ગયેલાં નિકોલસ ને નાથન અપમાનિત કરે છે..જિયાન પોતાનાં પિતાજીનાં અપમાનનો બદલો લેવા નાથનની ગેરહાજરીમાં એનાં ઘરે આવી નતાલીની હત્યા કરી રેહાના ને પોતાની સાથે લઈ જાય છે..જિયાન નાં આ કૃત્ય ની ખબર નાથનને પડતાં એ પોતાની બહેનને બચાવવા રાજા નાં મહેલ જવાં નીકળે છે.

નાથન પોતાની બહેનને બચાવવા ગયો ત્યારબાદ શું બન્યું હતું એની વિગતે વાત ફાધરે અર્જુનને કહેવાની શરૂ કરી.

"નાથન પોતાનાં દિકરા ક્રિસને પોતાનાં બાકીનાં સંતાનો ને સાચવવાની જવાબદારી સોંપી ઘરેથી નીકળી મહેલ તરફ ચાલતો થઈ ગયો..થોડે દુર પહોંચ્યાં બાદ નાથનને એવું લાગ્યું કે કોઈ પોતાની પાછળ-પાછળ આવી રહ્યું છે..આમ થતાં જ નાથન એક જગ્યાએ છુપાઈ ગયો અને પોતાની પાછળ કોણ આવતું હતું એ જોવાં લાગ્યો."

"નાથને જોયું કે એનો દીકરો ક્રિસ એની પાછળ આવી રહ્યો હતો..ક્રિસ પોતાનાં દ્વારા એને સોંપવામાં આવેલી જવાબદારી મૂકીને પોતાની પાછળ આવી રહ્યો હતો એ જોઈ નાથનને આશ્ચર્ય પણ થયું અને સાથે ગુસ્સો પણ આવ્યો."

"કેમ મારી પાછળ આવી રહ્યો છે..? તને કીધું તો હતું કે તું તારાં ભાઈ બહેનોનો ખ્યાલ રાખજે.." અચાનક ક્રિસ ની સામે આવી જઈને રોષ સાથે નાથને એને સવાલ કર્યો.

"પણ પિતાજી..તમને એકલાં ને એ લોકો સામે લડવા કઈ રીતે જવાં દઉં..? હવે હું મોટો થઈ ગયો છું..મમ્મી નાં હત્યારાઓ ને સબક શીખવાડવાનું દાયિત્વ હવે મારું પણ છે.."પોતાનાં કમરબંધ પર લટકાવેલાં મ્યાન ની અંદર રહેલી તલવારની મુઠ પર હાથ મુકતાં ક્રિસ આક્રમક અંદાજમાં બોલ્યો.

નાથનને અત્યારે પોતાનાં દીકરાની બહાદુરી માટે ગર્વ થઈ રહ્યો હતો..પણ નાથન નહોતો ઈચ્છતો કે ક્રિસ કોઈ મુસીબતમાં ફસાઈ જાય. આથી નાથન ક્રિસ ની નજીક ગયો અને પોતાનાં બંને હાથની હથેળી વચ્ચે ક્રિસનો ચહેરો લાવી સમજાવટનાં સુરમાં બોલ્યો.

"દીકરા મને ગર્વ છે તારાં ઉપર..દરેક બાપ એવું જ ઈચ્છતો હોય કે એને તારાં જેવો દીકરો હોય..પણ આજે તારે તારી આ બહાદુરી બતાવવાની જરૂર નથી.તારાં ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો ને અત્યારે તારી જરૂર છે ક્રિસ.."

"પણ પિતાજી હું તમને એકલાં એ દુષ્ટ લોકો સામે લડવા ના મોકલી શકું.."રડતાં-રડતાં ક્રિસ નાથનને ભેટી પડ્યો.

"એ ક્રિસ.. તું મારો બહાદુર દીકરો છે..અને બહાદુર લોકો આમ રડે નહીં.. તું ધ્યાનથી મારી વાત સાંભળ.."ક્રિસ ને આટલું કહી ધીરજ આપતાં નાથને કંઈક સૂચન આપી ઘરે જવાં કહ્યું.

નાથનની વાત સાંભળી મને-કમને ક્રિસે ઘરે જવાની તૈયારી બતાવી..અને પોતાનાં પિતાજી ને ગળે લગાવી ઘરે જવાં પાછો વળી ગયો..જતી વેળાએ ક્રિસ ને એ બાબતનો થોડો પણ ખ્યાલ નહોતો કે નજીકમાં એમની જીંદગી હજુ નવાં કેટલાં વળાંક લેવાની હતી.

****

ક્રિસ ને પાછો વળાવી નાથન પાછો પોતાનાં રસ્તે ચાલી નીકળ્યો.કિંગ નિકોલસ નાં મહેલની બહાર જે સૈનિકો હાથમાં હથિયાર સાથે ઉભાં હતાં એ નાથનને ત્યાં આવેલો જોઈ સાવધ થઈ ગયાં..એમાંથી એક સૈનિક નાથનનો રસ્તો રોકવા આગળ તો આવ્યો પણ પોતાની પત્ની ની હત્યા નાં લીધે ઝનૂની બનેલાં નાથને પોતાની તલવાર નાં એક જ ઝાટકે એની ગરદન ધડથી અલગ કરી દીધી.

પોતાનાં સાથીદાર ની આ દશા જોઈ અન્ય સૈનિકો પણ નાથનની તરફ તલવાર લઈને આગળ વધ્યાં.. આમ તો નાથન યુદ્ધકળામાં નિપુણ નહોતો પણ અત્યારે એનાં હૃદયમાં ભભૂકી રહેલાં લાવા એ એને એ હદે આક્રમક બનાવી દીધો હતો કે થોડી મિનિટોમાં તો નાથને મહેલ નાં દરવાજે સુરક્ષામાં તૈનાત દસ જેટલાં સૈનિકોને મોત ને ઘાટ ઉતારી મૂક્યાં.

નાથનને નાની મોટી ઈજાઓ પહોંચી હતી પણ એ ઈજાઓની પરવાહ કર્યાં વગર એ મહેલની અંદર પ્રવેશ્યો..લોહી નીતરતી તલવાર લઈને મહેલની અંદર આગળ વધી રહેલાં નાથનને રોકવાનો પ્રયત્ન તો બીજાં સૈનિકોએ કર્યો ખરો પણ નાથને એ બધાંને મોત ને ઘાટ ઉતારી દીધાં અથવા એ હાલતમાં પહોંચાડી દીધાં કે ફરીવાર એમનામાંથી કોઈ એનો પ્રતિકાર ના કરી શકે.

"ક્યાં છે તું જિયાન..બહાર આવ..મારી બહેન ક્યાં છે..? "મહેલનાં સભાખંડમાં પહોંચતાં જ જોરજોરથી ઊંચા સાદે નાથન બોલ્યો.

નાથનનો અવાજ સાંભળી રાજકુમાર જિયાન પહેલાં માળે આવેલાં એનાં શયનખંડમાંથી બહાર નીકળી દાદરા ઉતરતો ઉતરતો ચહેરા પર લુચ્ચાઈભર્યા સ્મિત સાથે નાથન ની તરફ વધ્યો..નાથન એને જોતાં જ ગુસ્સામાં આવીને બોલ્યો.

"બોલ ક્યાં છે મારી બહેન..નહીં તો હું તને જીવતો નહીં છોડું.."

"મને મારીશ તું એમ..જો તું એવું કરીશ તો તને કઈ રીતે ખબર પડશે કે તારી ફૂલ જેવી નાજુક બહેન ક્યાં છે..? "ભેદી સ્મિત સાથે નાથનને સવાલ કરતાં જિયાન બોલ્યો.

જિયાનનાં આ સવાલે નાથનને વિચારતો કરી મુક્યો..અત્યારે ગુસ્સામાં કંઈ ઊલટું-સીધું કરી એ પોતાની બહેનને ખોવા નહોતો માંગતો એટલે પોતાની તલવારને પાછી મ્યાનમાં ભરાવી જિયાનની આગળ હાથ જોડી વિનવણી કરતાં બોલ્યો.

"રાજકુમાર..મને જણાવો મારી બહેન ક્યાં છે..? મારી રેહાના ક્યાં છે..? "

નાથનને આમ કરગરતો જોઈ જિયાનનાં મનને રાહત મળી રહી હતી..એનું દુષ્ટ મન પોતાનાં અને પોતાનાં પિતાને અપમાનિત કરનારાં વ્યક્તિને આમ દયનિય હાલતમાં જોઈને પ્રસન્ન થઈ રહ્યું હતું.. આટલાં થી પણ જિયાન ને સંતોષ ના મળ્યો હોય એમ એને નાથન ની તરફ જોઈને કહ્યું.

"જો તું ઈચ્છતો હોય કે હું તને રેહાના ક્યાં છે એ જણાવું તો તું તારું માથું મારાં પગમાં મૂકી તારી ભૂલની માફી માંગ."

એક સ્વાભિમાની વ્યક્તિ તરીકે કોઈનાં પગમાં માથું ઝુકાવવું એ માથું કપાયાં બરાબર કહેવાય..છતાં પોતાની પ્રાણથી અધિક વ્હાલી બહેન રેહાના માટે મજબૂર થઈને નાથને પોતાનું માથું જિયાન જેવાં દુરાચારી માણસનાં પગને અડાડતાં કહ્યું.

"હું મારી ભૂલની માફી માંગુ છું..બસ હવે જો તમને સંતોષ થયો હોય તો મને જણાવો કે મારી બહેન ક્યાં છે..? "

"તારી બહેન મારાં શયનકક્ષમાં છે..જા એને ઘરે લઈ જા..કેમકે હવે એ મારાં કોઈ કામની નથી."સભાખંડની ઉપરની તરફ આવેલાં માળ તરફ ઈશારો કરી જિયાન બોલ્યો.

જિયાન નાં આટલું બોલતાં જ નાથન બાઘા ની જેમ પાગલ બનીને દાદરાની તરફ ભાગ્યો..દાદરો ચડીને નાથન જેવો જિયાનનાં શયનકક્ષમાં પ્રવેશ્યો એ સાથે જ ત્યાં નું દ્રશ્ય જોઈ એનું હૃદય રક્તનાં આંસુ રડી પડ્યું.

પથારીમાં અર્ધ નગ્ન હાલતમાં રેહાના મોજુદ હતી..એની હાલત જોઈ નાથન સમજી ચુક્યો કે પોતાની લાડકી બહેન જોડે જિયાન દ્વારા હેવાનીયતભર્યું દુષ્કર્મ આચરવામાં આવ્યું છે..નાથને ચાદર વડે રેહાનાનું શરીર ઢાંકયું અને રડમસ ચહેરે પોતાની બહેન રેહાના ને અવાજ આપ્યો..પણ રેહાનાએ બેહોશ હોવાનાં લીધે કોઈ પ્રતિભાવ ના આપ્યો એટલે પલંગની જોડે પડેલ ત્રિપાઈ પર પડેલાં જગમાંથી થોડું પાણી રેહાના નાં ચહેરા પર છાંટી નાથને રેહાના ને ભાનમાં લાવવાની કોશિશ કરી.

રેહાના એ દર્દથી કરાહતાં પોતાની આંખો ખોલી તો નજરો સમક્ષ પોતાનાં મોટાભાઈ નાથનને જોઈને રેહાના રડતાં-રડતાં નાથનને વળગી પડી.

"ભાઈ..એ દુષ્ટ વ્યક્તિએ ભાભી ને મારી નજરો સામે મોત ને ઘાટ ઉતારી દીધાં અને મને પણ એને ક્યાંય ની ના છોડી.."

જિયાન દ્વારા પોતાની બહેન સાથે જે કંઈપણ કરવામાં આવ્યું હતું એ જોઈ નાથનનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો..એને એકવાર તો એવું થયું કે અહીંથી બહાર જઈને જિયાનનો ખેલ ખતમ કરી નાંખે..પણ એ પહેલાં રેહાના ને અહીંથી સુરક્ષિત લઈ જવી જરૂરી હતી એટલે પોતાનાં ગુસ્સાની આગને શાંત કરી નાથને રેહાના ને માથે હાથ ફેરવી એને સાંત્વનાં આપતાં કહ્યું.

"તું રડીશ નહીં.. સમય આવે તારી જોડે કરેલાં આ દુષ્કર્મ અને નતાલીની હત્યાનો બદલો હું જરૂર લઈશ પણ અત્યારે તું શાંત થા..અને મારી સાથે ઘરે ચાલ.."

નાથનની હાજરી અને શબ્દોની અસર રૂપે રેહાના ને રાહત તો જરૂર થઈ પણ એનું મન એ વિચારી કોચવાતું હતું કે પોતાનાં લીધે જ નાથન અને એનાં પરિવારની આ દશા થઈ છે..પોતે જીવતી રહેશે તો પોતાનાં ભાઈને નગરજનો નાં મહેણાં-ટોણા સાંભળવા પડશે એવું વિચારી ઉતાવળમાં રેહાના એ એક નિર્ણય લીધો અને એક એવું પગલું ભર્યું જેને નાથનને હચમચાવી મુક્યો.

નાથન દ્વારા પોતાની સાથે ઘરે આવવાનું કહેતાં ની સાથે જ રેહાના શયનકક્ષનાં ઝરૂખા તરફ આગળ વધી અને ત્યાંથી નીચે કૂદકો લગાવી દીધો..નાથન કંઈપણ સમજે અને રેહાના ને આમ કરતાં રોકે એ પહેલાં તો આ દુઃખદ ઘટના બની ચુકી હતી.

"રેહાના.."જોરથી ચિલ્લાતા નાથન ઝરૂખા જોડે આવ્યો અને નીચે નજર કરી..નીચે પડવાનાં લીધે માથામાં ગંભીર ઈજાનાં લીધે રેહાના નું મોત થઈ ચૂક્યું હતું..આ દ્રશ્ય જોતાં જ પોતાનું શું થશે એનો એક ઘડી પણ વિચાર કર્યાં વગર નાથન જિયાનને મોતને ઘાટ ઉતારવાની મંછા સાથે દાદરો ઉતરીને સભાખંડ તરફ આગળ વધ્યો.

રેહાના નાં નીચે પડવાનો અને એને સમાંતર નાથનનાં ચિલ્લાવાનો અવાજ સાંભળી જિયાને ત્યાં શું ઘટિત થયું હતું એનો ક્યાસ કાઢી લીધો હતો..એટલે જ ઉતાવળાં દાદરો ઉતરી રહેલાં નાથનને જોતાં જ એ સમજી ગયો કે નાથન પોતાની હત્યા કરવાનાં ઉદ્દેશથી પોતાની તરફ આવી રહ્યો છે.

નાથન એની ઉપર હુમલો કરે એ પહેલાં જિયાને ચાલાકીથી પોતાની કટાર નો ઘા જોરથી નાથન પર કરી દીધો..કટાર સીધી જ નાથનની છાતીમાં ઉતરી ગઈ..પોતાનાં ઉપર થયેલાં આ જીવલેણ ઘા છતાં નાથન પોતાની રહીસહી ઉર્જા સાથે જિયાનની તરફ આગળ વધ્યો.

નાથન આ રીતે પોતાનાં સુધી આવી પહોંચશે એ વિશે તો જિયાનને સહેજ પણ આભાસ નહોતો એટલે એ તો જડવત બની નાથનને હાથમાં ખુલ્લી તલવાર સાથે પોતાની તરફ આગળ વધતાં જોઈ રહ્યો..જિયાનની પાછળ ઉભેલાં સૈનિકો થોડાં દૂર હતાં એટલે ઈચ્છવા છતાં એમનાંમાંથી કોઈ તુરંત તો જિયાનની મદદે આવી શકે એમ નહોતું...નાથને જિયાન તરફ જેવી જ તલવાર ઉગામી એ સાથે જ એક ધારદાર તીર નાથનની પીઠમાંથી એની છાતીનાં ભાગ સુધી ઉતરી ગયું.

આ તીર નો ઘા નાથન માટે જીવલેણ સાબિત થયો અને એ જિયાનનાં પગ જોડે ઢળી પડ્યો..મરતાં-મરતાં નાથને પાછું ફરીને પોતાની ઉપર તીર ચલાવનાર વ્યક્તિનો ચહેરો જોયો..એ બીજું કોઈ નહીં પણ મિયારા નો રાજા અને જિયાનનો પિતા એવો કિંગ નિકોલસ હતો.

"પિતાજી..તમે..સારું કર્યું તમે આવી ગયાં નહીં તો.."નિકોલસ દ્વારા પોતાનો જીવ બચાવી લેવાતાં રાહત નો દમ ભરતાં જિયાન પોતાનાં પિતાજીને ઉદ્દેશતાં બોલ્યો.

"જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી તને ઉની આંચ નહીં આવે..પણ એક વાત ધ્યાન રાખજે કે દુશ્મન ગમે તેવો હોય એને નિર્બળ સમજવાની ભૂલ ક્યારેય ના કરવી જોઈએ.."નિકોલસ પોતાનાં હાથમાં રહેલું ધનુષ એક સેવકને આપતાં બોલ્યો.

"સાચી વાત છે આપની.. હવે હું આગળથી આ વાતનું ધ્યાન રાખીશ.."નિકોલસ ની વાત સાંભળી પોતાની ભૂલ કબુલતાં જિયાન બોલ્યો.

"હવે જે થઈ ગયું એ બધું ઠીક છે..પણ આગળ જતાં કોઈ નવી મુસીબત ના આવે એ માટે અત્યારથી જ એ મુસીબત ને નાથવી પડશે.."નિકોલસ બોલ્યો.

"મતલબ..? "નિકોલસ ની વાત ના સમજાતાં જિયાને પૂછ્યું.

"મતલબ કે નાથનની સંતાનો ને પણ ખતમ કરવાં પડશે..કેમકે અત્યારે એ ભલે સાપનાં કણા લાગતાં હોય પણ આગળ જતાં એમને ઝેરી સાપમાં પરિવર્તિત થતાં વાર નહીં લાગે.."નિકોલસ દરેક શબ્દ પર ભાર મુકતાં બોલ્યો.

"હું સમજી ગયો કે તમે શું કહેવા માંગો છો..તમે કહેશો એવું જ થશે અને નાથનનો બાકીનો પરિવાર પણ એની સાથે જ સ્વર્ગ..ના..ના નરકમાં પહોંચી જશે.."ક્રુરતાની ઝાંખી કરાવતાં શબ્દો જિયાનનાં મુખેથી આ સાથે નીકળી પડ્યાં.

નતાલી અને નાથનની હત્યા તથા રેહાના સાથે કરેલાં દુષ્કર્મ નાં લીધે એને આત્મહત્યા કરવાં મજબુર કરવી આ પ્રકારનાં પાશવી અને આમુનાષી કૃત્યો પછી પણ જિયાન અને નિકોલસ નાં મનને શાંતિ નહોતી થઈ..અને એટલે જ નિકોલસ દ્વારા નાથનનાં માસુમ અને નિર્દોષ સંતાનોની હત્યા માટે કહેવામાં આવતાં જિયાન તુરંત આ પાપ કરવાં માટે તૈયાર પણ થઈ ગયો.

જિયાન અને નિકોલસ નાં કરેલાં કર્મોની સજા એ બંને ની સાથે સમગ્ર યુરોપની જનતાને ભોગવવી પડે એમ હતી..જેની શરૂઆત જિયાનનાં નાથનનાં સંતાનોની હત્યા માટે મહેલમાંથી નીકળતાંની સાથે જ થઈ ચૂકી હતી.

★★★

વધુ આવતાં અંકમાં.

ક્રિસ પોતાનાં ભાઈ-બહેનોને જિયાનથીબચાવવામાં સફળ રહેશે? જિયાન નાં કારણે જ વેમ્પાયર પરિવાર નું સર્જન થયું હતું..? અર્જુન શહેરનાં લોકોને આ રક્તપિશાચ લોકોથી કઈ રીતે બચાવશે..? અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન.આર.પટેલ (શિવાય)