Devil Return-1.0 - 25 books and stories free download online pdf in Gujarati

ડેવિલ રિટર્ન-1.0 - 25

ડેવિલ રિટર્ન-1.0

(25)

ફાધર વિલિયમ અર્જુનને ધ વેમ્પાયર ફેમિલી વિશેની દંતકથા સંભળાવે છે.જિયાન નતાલીની હત્યા કરી રેહાના ને પોતાની સાથે લઈ જાય છે..જિયાન નાં આ કૃત્ય ની ખબર નાથનને પડતાં એ પોતાની બહેનને બચાવવા રાજા નાં મહેલ પહોંચે છે..પણ ત્યાં રેહાના એની નજરો સામે આત્મહત્યા કરે છે..નાથનને પણ જિયાન અને નિકોલસ મળીને હત્યા કરી દે છે..જિયાન પોતાનાં ભાઈ બહેનો ની હત્યા કરે એ પહેલાં ક્રિસ બધાં ને બચાવી જંગલની તરફ પ્રયાણ કરે છે.

નાથન બાદ એનાં સાતેય સંતાનોને જીવતાં સળગાવીને મારી નાંખ્યા છે એવાં ભ્રમ સાથે જિયાન રાજમહેલમાં પાછો આવ્યો..જિયાન આવ્યો ત્યાં સુધીમાં નિકોલસે રેહાના, નાથન અને નાથન દ્વારા જેમની હત્યા થઈ હતી એવાં સૈનિકોની દફનવિધિ કરી દીધી હતી..જિયાને નિકોલસ ને જ્યારે જણાવ્યું કે પોતે નાથનનાં પરિવારનાં બાકીનાં સભ્યોને પણ ખતમ કરીને આવ્યો છે તો નિકોલસે જિયાનને ગળે લગાવીને કહ્યું.

"નાથન નાં પરિવાર સાથે જે કંઈપણ થયું એ જોઈને અહીંના લોકોને સબક મળી જશે છે રાજ પરિવાર જોડે દુશ્મની રાખવું કેટલું ભારે પડી શકે છે..આજની રાત દાવતની રાત હશે..મહેફિલની રાત હશે.."

નિકોલસ નાં આવું જાહેર કરતાં જ મહેલમાં હાજર સૈનિકો એ આનંદની ચિચિયારીઓ અને કિંગ નિકોલસ તથા રાજકુમાર જિયાનનાં જયનાદ સાથે વાતાવરણ ગુંજવી મુક્યું.

નાથનનાં સાતેય સંતાનો નું એનાં ઘરમાં લગાવેલી આગમાં મોત થઈ ચૂક્યું છે એ માનવું નિકોલસ અને જિયાન માટે કેટલું ભારે પડવાનું હતું એ તો સમય જ બતાવવાનો હતો.

****

પોતાનાં ભાઈ-બહેનોને સલામત રીતે ઘરમાંથી નીકાળી સુરંગ મારફતે ક્રિસ જંગલનાં રસ્તે આવી પહોંચ્યો..અત્યારે તો કોઈની નજરોમાં આવી ગયાં પહેલાં મિયારા રાજ્યની હદમાંથી બહાર નીકળવું મુનાસીબ હોવાનું લાગતાં ક્રિસ જંગલ નાં કાચા રસ્તે પોતાનાં ભાઈ-બહેનો સાથે ચાલી નીકળ્યો.

જ્હોન, ઈવ, ડેવિડ અને ડેઈઝી તો સમજણા હતાં પણ બ્રાન્ડન અને ટ્રીસા તો સતત પોતાનાં પિતા ક્યાં છે..? અને એ લોકો ક્યાં જઈ રહ્યાં છે..? એ સવાલો પૂછે જ જતાં હતાં..જેનો જવાબ કોઈ જોડે નહોતો.

રાતનું તીવ્ર અંધારું અને ટ્રીસા ને તેડીને હાથમાં મશાલ સાથે આગળ વધવું ક્રિસ માટે ખરેખર કષ્ટદાયક હતું..છતાં માતા-પિતા વગરનાં પોતાનાં ભાઈ-બહેનોને સાચવવાની જવાબદારી હવે પોતાની ઉપર હોવાથી મક્કમ મને ક્રિસ બધી જ તકલીફો ભોગવતો ભોગવતો આગળ વધી રહ્યો હતો.

ક્રિસ ને થાક લાગ્યો હોવાનું સમજતી ઈવ વચ્ચે-વચ્ચે ટ્રીસા ને તેડી લેતી તો ક્યારેય ડેવિડ આ કાર્ય કરતો...આટઆટલી તકલીફો સાથે નાથનનાં બાળકો જે રીતે સંપીને આગળ વધી રહ્યાં હતાં એ ખરેખર સરાહનીય હતું..ક્યારેય પગમાં પથ્થર ની ઠેસ લાગતી તો ક્યારેય કાંટા..છતાં ક્રિસ ની સાથે કદમથી કદમ મિલાવીને બાકીનાં બધાં પણ જંગલમાં આગળ વધી રહ્યાં હતાં.

સતત છ કલાક જેટલું ચાલ્યાં બાદ એ લોકો જંગલમાં પાંચેક કિલોમીટર જેટલાં અંદર આવી ચુક્યાં હતાં..ક્રિસે જોડે લીધેલું પાણી અને નાસ્તો પણ પૂરો થઈ ગયો હતો..હવે તો બ્રાન્ડન પણ ચાલી શકવાની સ્થિતિમાં નહોતો એટલે ડેવિડે એને ખભે બેસાડીને આગળ વધવાનું નક્કી કર્યું હતું.

ક્યારેય નાની અમથી તકલીફ ના ભોગવી હોય એવાં ઈવ અને ડેવિડ જે રીતે પોતાનો સાથ આપી રહ્યાં હતાં એ જોઈ ક્રિસ મનોમન પોતાનાં આ બંને ભાઈ-બહેન માટે ગર્વ મહેસુસ કરી રહ્યો હતો.

"ભાઈ આપણે હવે ક્યાં સુધી ચાલવાનું છે..? "આખરે ડેઈઝી ની હિંમત જવાબ આપી જતાં એને સૌથી આગળ ચાલતાં પોતાનાં ભાઈ ક્રિસ ને પૂછ્યું.

"ભાઈ..હવે આગળ ચલાય એવી શક્તિ નથી વધી..અને તરસ પણ બહુ લાગી છે.."જ્હોન પણ થાકેલાં અવાજે બોલ્યો.

નવ-દસ વર્ષની ઉંમર ધરાવતાં જ્હોન અને ડેઈઝી નું થાકવું લાઝમી હતું એ સમજતાં ક્રિસે ગુસ્સો કર્યાં વગર એ લોકોને જવાબ આપતાં કહ્યું.

"બસ..દસ-પંદર મિનિટ ચાલીએ..પછી કોઈ સારી જગ્યા મળી જાય એટલે ત્યાં રોકાઈ જઈશું.."

ક્રિસ ની વાત સાંભળી આગળ એક ડગ માંડવાની હિંમત ના હોવાં છતાં જ્હોન અને ડેઈઝી એ હકારમાં ગળું હલાવ્યું અને ક્રિસ ની પાછળ ચાલી નીકળ્યાં.

"ક્રિસ..ત્યાં ગુફા જેવું કંઈક દેખાય છે..એ જગ્યા આપણાં વિસામા માટે ઠીક રહેશે.."ચંદ્ર ની આછેરી રોશનીમાં ખડકો વચ્ચે બનેલો ગોળાકાર રસ્તો ક્રિસ ને બતાવતાં ઈવ બોલી.

ઈવે બતાવેલી દિશામાં ક્રિસે જોયું તો એને પણ એવું લાગ્યું કે એ કોઈ ગુફાનું મુખ છે..એટલે ક્રિસ બોલ્યો.

"હા, ઈવ...એ જગ્યા રોકાણ માટે યોગ્ય છે..ચલો આપણે ત્યાં જઈએ.."

આ સાથે જ ક્રિસ એ ગુફાનાં મુખ તરફ ચાલી નીકળ્યો..ત્યાં પહોંચ્યાં બાદ સાચેમાં ત્યાં કોઈ ગુફા જ હતી એ જોઈ એ બધાં નાં ચહેરા પર અસીમ આનંદ ફરી વળ્યો.

"હું પહેલાં અંદર જઈશ..અને તમે બધાં મને અનુસરસો.."સાવચેતી ખાતર પોતાનાં ભાઈ-બહેનો ને ઉદ્દેશીને ક્રિસે કહ્યું અને પછી એ મશાલ ને આગળ ધરી, મશાલની રોશનીનાં પ્રકાશમાં ગુફામાં પ્રવેશ્યો.

ક્રિસ ની પાછળ-પાછળ ઈવ, જ્હોન, ડેઈઝી, ટ્રીસા, બ્રાન્ડન અને ડેવિડ પણ ગુફાની અંદર પ્રવેશ્યાં..આ ગુફા ની અંદર બિલકુલ સન્નાટો હતો..એ લોકોનાં પગરવ અને શ્વાસોશ્વાસ નો અવાજ પણ સંભળાય એવો સન્નાટો.

"ભાઈ..અંદર કોઈ લાગતું નથી.."ઈવે ઘીમાં અવાજે ક્રિસ નાં કાનમાં કહ્યું..જેનાં પ્રતિભાવમાં ક્રિસ ડોકું હલાવતો રહી ગયો.

બસો-અઢીસો મીટર જેટલું ચાલ્યાં બાદ એ લોકો ગુફામાં એક ખુલ્લી જગ્યાએ આવી પહોંચ્યા..અહીં ગુફાની છતમાંથી ચંદ્ર નો પ્રકાશ થોડો-થોડો આવી રહ્યો હતો..જેનાં લીધે એ ખુલ્લી જગ્યા માં રહેલી બધી જ ચીજ-વસ્તુઓ ક્રિસ અને એનાં ભાઈ-બહેનોએ નિહાળી.

અહીં ચાર-પાંચ સફરજનનાં ઝાડ હતાં અને એક નાનકડું તળાવ..જેની અંદર સ્વચ્છ પાણી ભરેલું હતું.આ બધું જોઈને એ બધાં જ લોકોનાં ચહેરા હરખાઈ ગયાં..પણ જેવી એ લોકોની નજર ગુફાની એકતરફ ખડકેલાં હાડકાંનાં ઢગ ઉપર પડી એ સાથે જ એ લોકોનાં ચહેરા પર આવેલી ખુશી આશ્ચર્યમાં પરિવર્તિત થઈ ગઈ.

ટ્રીસા અને બ્રાન્ડન તો આ હાડકાંનો ઢગ જોઈ ડરથી થરથર કાંપવાં લાગ્યાં.. જ્હોન અને ડેઈઝી પણ આ જોઈ ભયભીત થઈ ગયાં હતાં..એમનો ડર દૂર કરવાનાં ઉદ્દેશથી ક્રિસે સફરજનનાં વૃક્ષ પરથી સફરજન તોડયાં અને એ બધાં ને આપતાં કહ્યું.

"લો આ સફરજન ખાઈ લો..તમે બહુ ભૂખ્યાં છો એ મને ખબર છે..તમે સફરજન ખાઓ ત્યાં સુધી હું આ મશકમાં પાણી ભરતો આવું.."

સામે ધરાયેલાં સફરજન જોઈ બધું જ ભૂલી ટ્રીસા, બ્રાન્ડન, જ્હોન અને ડેઈઝી સફરજન આરોગવા લાગ્યાં..ઈવ અને ડેવિડ પણ ભૂખ્યા હતાં એટલે એમને પણ વૃક્ષ પરથી સફરજન તોડીને ખાવાનું શરૂ કરી દીધું.

ક્રિસ પાણી ભરીને આવ્યો ત્યાં સુધી બધાં એ શક્ય એટલાં સફરજન આરોગીને પેટમાં લાગેલી ભૂખની આગને શાંત કરી દીધી હતી..મશકમાંથી પાણી પીધાં બાદ એ બધાં બાળકોને શાતા વળી અને થાકનાં લીધે એ બધાં ક્યારે સુઈ ગયાં એની ખબર જ ના રહી.

એમનાં સૂતાં જ ક્રિસ અને ડેવિડે ગુફામાંથી સૂકાં લાકડાં ભેગાં કર્યાં અને એ લોકો જ્યાં સૂતાં હતાં ત્યાં આગ પ્રગટાવી દીધી..ક્રિસે પણ ત્રણ-ચાર સફરજન ખાઈને પોતાની ભૂખ શાંત કરી.ડેવિડ, ક્રિસ અને ઈવમાં ઈવ સૌથી પહેલાં સુઈ ગઈ..થોડી વાર બાદ ડેવિડ પણ સુઈ ગયો..રાતનાં આશરે ત્રણ-સવા ત્રણ થયાં હશે ત્યાં ક્રિસ ને પણ નીંદર આવી ગઈ.

****

ક્રિસ અને એનાં ભાઈ-બહેનો ભર ઊંઘમાં આરામ ફરમાવી રહ્યાં હતાં ત્યાં એક માનવાકૃતિ ગુફાની અંદર પ્રવેશી..ગુફામાં પગ મુકતાં જ એ વ્યક્તિને અહીં અન્ય લોકોની હાજરીનો અંદાજો આવી ગયો હોય એવું એનાં ચહેરા પરથી દેખાતું હતું.

"કોણ છે જે સામે ચાલીને પોતાની મોત ને ગળે લગાડવા આવ્યું છે.."નાકથી સુંધીને ક્રિસ અને એનાં ભાઈ-બહેનો ની ગુફામાં હાજરી હોવાનું અનુમાન લગાવતાં એ વ્યક્તિ બોલ્યો.

આ સાથે જ પોતાનાં કરચલી પડી ગયેલી ચામડી ધરાવતાં ચહેરા પર ભેદી મુસ્કાન લઈને એ વ્યક્તિ ગુફાની અંદરની તરફ ચાલવા લાગી જ્યાં નાથનનાં સંતાનો આરામ ફરમાવતાં હતાં.

ઈવ ઘસઘસાટ સુઈ રહી હતી ત્યાં એને એવું લાગ્યું કે કોઈ એનાં શરીર પર ધીરેથી સ્પર્શ કરી રહ્યું છે..પહેલાં ઈવને લાગ્યું કે બાજુમાં સુઈ રહેલી ડેઈઝી ઉંઘમાં આમ કરતી હશે..પણ ધીરે-ધીરે હાથનાં સ્પર્શની સાથે કંઈક ધારદાર વસ્તુ એનાં શરીર ને સ્પર્શતી હોય એવું લાગતાં ઈવ અજાણ્યાં ડર સાથે ઝબકીને જાગી ગઈ.

ગુફામાં વ્યાપ્ત આગ ની રોશનીમાં ઈવે જોયું કે એની જોડે એક વૃદ્ધ અને બિહામણો વ્યક્તિ બેઠો હતો..જેનાં શરીર પર જુનાં પુરાણા કપડાં હતાં.. સાથે-સાથે એ વ્યક્તિ નાં નખ ત્રણ ઇંચ જેટલાં મોટાં હતાં.. એકધાર્યું પોતાની તરફ જોઈ રહેલાં એ વૃદ્ધ વ્યક્તિને જોઈ ઈવ ખુબજ ભયભીત થઈ ગઈ અને આ સાથે જ એને ઊંચા અવાજે ક્રિસ ને મદદ માટે અવાજ આપ્યો.

ઈવ નો અવાજ સાંભળી ક્રિસ ની સાથે બધાં જ બાળકો સફાળા જાગી ગયાં..ઈવ ની નજીક બેસેલાં બિહામણો ચહેરો ધરાવતાં વૃદ્ધ વ્યક્તિને જોઈ ક્રિસ ફટાફટ ઈવ ની નજીક આવ્યો અને ઈવ ને પાછળ ધકેલી એ વૃદ્ધ વ્યક્તિ અને ઈવ ની વચ્ચે ઢાલ બનીને ઉભો રહી ગયો..ક્રિસ નું આ વર્તન જોઈ એ વૃદ્ધ વ્યક્તિ વિચિત્ર પ્રકારનાં હાવ-ભાવ સાથે જોરજોરથી હસવા લાગ્યો.

એનું હાસ્ય ગુફાની દીવાલોને અથડાઈને આખી ગુફામાં પડઘાય રહ્યું હતું..આ હાસ્ય એટલું ભયંકર હતું કે ટ્રીસા અને બ્રાન્ડન તો એ સાંભળી થરથર ધ્રુજવા લાગ્યાં.

"તું બચાવીશ આ છોકરીને મારાથી..? "ક્રિસ ની તરફ જોઈ એ વૃદ્ધ વ્યક્તિ ઈવ ની તરફ આંગળી કરતાં બોલ્યો.

"હા, જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી મારાં ભાઈ-બહેનો ને ઉની આંચ નહીં આવવાં દઉં.."ક્રિસ સહેજ પણ ડર્યા વિના મક્કમતાથી બોલ્યો.

ક્રિસનો આવો જુસ્સો અને નીડરતા જોઈ એ વૃદ્ધ વ્યક્તિ મનોમન આ પંદર-સોળ વરસ નાં બાળકનાં હિંમતની દાદ આપતાં પોતાને રોકી ના શક્યો.

"શાબાશ..મને ગમ્યું કે આજેપણ મનુષ્યો ની વચ્ચે એકબીજા પ્રત્યે લાગણી અને આત્મીયતા વધી છે..આ મારી ગુફા છે, તમતમારે સુઈ જાઓ હું કોઈને કંઈ નહીં કરું.."એ વૃદ્ધ વ્યક્તિ નાં અવાજમાં મીઠાશ હતી.

એનું આમ બદલાયેલું વર્તન જોઈ ક્રિસ ની સાથે બાકી બધાંને પણ નવાઈ લાગી..પોતાનાં ભાઈ-બહેનો હજુપણ ડરનાં ઓથાર નીચે હતાં એ જોઈ ક્રિસે એ વ્યક્તિ કોણ છે એ જાણવાં માટે એને સવાલ કર્યો.

"હું જાણી શકું તમે કોણ છો..? "

ક્રિસ નાં સવાલનો જવાબ પોતે ત્યારે જ આપશે જ્યારે ક્રિસ એ લોકો કોણ છે અને અહીં પોતાની ગુફામાં આ સમયે શું કરી રહ્યાં છે એ જણાવશે..ક્રિસે એ વૃદ્ધ વ્યક્તિને પોતાનાં અને પોતાનાં અહીં આવવાનું કારણ અને કિંગ નિકોલસ તથા રાજકુમાર જિયાન દ્વારા પોતાનાં પરિવાર સાથે થયેલાં અન્યાય અને જુલ્મો ની વિતક કહી સંભળાવી.

"આ મનુષ્ય જાતિ ક્યારેય નહીં બદલાય.."ક્રિસ ની વાત સાંભળી એ વૃદ્ધ વ્યક્તિ કંઈક યાદ આવતાં વ્યથિત થઈ ગયો.

થોડીવાર ની ચુપ્પી બાદ એ વૃદ્ધ વ્યક્તિએ પોતાની વિતક સંભળાવતા કહ્યું.

"મારું નામ વેન ઈવાન છે..."

★★★

વધુ આવતાં અંકમાં.

કોણ હતો વેન ઈવાન અને એની કહાની શું હતી..? ક્રિસ અને એનાં ભાઈ-બહેનો વેમ્પાયર કઈ રીતે બન્યાં..? અર્જુન શહેરનાં લોકોને આ રક્તપિશાચ લોકોથી કઈ રીતે બચાવશે..? અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન.આર.પટેલ (શિવાય)